Hello Sakhi Ri... - 5 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | હેલ્લો સખી રી... - 5

Featured Books
Categories
Share

હેલ્લો સખી રી... - 5

અંકઃ ૫. ઓક્ટોબર, ૨૦૧૫.

હેલ્લો સખી રી...

સખીઓનું ઈ-સામાયિક...

“ઘૂમે ગરબે ગરવી ગુજરાતણ”

સંપાદનઃ કુંજલ પ્રદિપ છાયા

લેખકોઃ

જાગૃતિ વકીલ, જાહ્નવી અંતાણી, ગોપાલી બુચ, લીના વછરાજાની, કુંજલ છાયા, ડા. ગ્રીવા માંકડ, શ્લોકા પંડિત, સૌમ્યા જોષી

અંકઃ ૫. ઓક્ટોબર, ૨૦૧૫.

હેલ્લો સખી રી...

સખીઓનું ઈ-સામાયિક...

“ઘૂમે ગરબે ગરવી ગુજરાતણ”

સંપાદનઃ કુંજલ પ્રદિપ છાયા

લેખકોઃ

જાગૃતિ વકીલ, જાહ્નવી અંતાણી, ગોપાલી બુચ, લીના વછરાજાની, કુંજલ છાયા, ડા. ગ્રીવા માંકડ, શ્લોકા પંડિત, સૌમ્યા જોષી





© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.આહ્‌વાનઃ કુંજલ પ્રદિપ છાયા

૨.વિસ્તૃતિઃ જાગૃતિ વકીલ

૩.વાંચે સખીરીઃ જાહ્નવી અંતાણી

૪.હેય! વ્હોટસએપ?ઃ ગોપાલી બૂચ

૫.રૂગ્ણાંલયઃ ડા. ગ્રીવા માંકડ

૬.સૂર, શબ્દને સથવારેઃ સૌમ્યા જોષી

૭.સાતમી ઈન્દ્રીયઃ લીના વછરાજાની

૮.લા પંડિતઃ શ્લોકા પંડિત

૯.નાની નિનિઃ કુંજલ પ્રદિપ છાયા

આહ્‌વાન

કુંજલ પ્રદિપ છાયા - ગાંધીધામ.

E-mail: fmales.group@gmail.com

આહ્‌વાન

ગયા અંકે આપણે પ્રગતિનાં પંથે જવાની વાત કરી. ખરેખર તો ઉન્નત્તિ; પ્રગતિ કે સફળતા વિશે વિચારીએ તો આકાશ આંબ્યા બાદ નવા ફલક શોધવા નીકળવાનું મન થાય એવી વાત છે! એકાદ નાનીશી બાબત આત્મવિશ્વાસથી ભરપૂર કરી દે છે. જરાક કોઈ પ્રસંશા કરે તો શેર લોહી ચડી ગયું એવું લાગે! ત્યારે હેલ્લો સખીરી એક ઓનલાઈન માસિક સામાયિકની નાનકડી સંપાદીકાનાં નેજા હેઠળ છેલ્લા પાંચથી છ મહિના દરમિયાન કેટલાય એવા બનાવ બન્યા છે અને ઘણાં એવા સંદેશો મળ્યા છે કે કઈંક નક્કર પ્રવૃત્તિ કર્યાનો સંતોષ અને વધુ સારૂં કામ કરવાનું જોશ આપી જાય. અહીં એવા એકાદ બે પ્રસંગો કહું સૌ સખીઓને.

નવોદિત સામાયિક શરૂ કરતી વખતે કેટલાંય નામી અનામી મહિલા લેખકોનો સંપર્ક કર્યો. જે પહેલેથી જ ફિમેલ્ઝ ગૃપ સાથે જોડાયેલ હતાં એમનો સાથ તો જ હતો જ અને પહેલો જ પ્રયોગ સમો ‘મધર્સ ડે’ નિમિત્તેની ઈબુક, યાદ છે ને? જેણે આપ્યો છે જનમ એ માને નમન! હમણાં થોડા દિવસ પહેલાં વિદેશમાં પરણીને ઠરીઠામ થયેલ ફિમેલ્સ ગૃપનાં સખી પુર્વી બેનનો મેસેજ આવ્યો. લગ્ન પહેલાંનાં પૂર્વી અને અત્યારનાં યુ.કે નિવાસી પૂર્વી પ્રકાશ સાથે વાત કરે ઘણો વખત થયો હતો. અચાનક આવેલ મેસેજ મને ઉત્તેજીત કરી ગયો. “કુંજલ, ફિમેલ્ઝ્‌ ગૃપનાં બધાજ પોસ્ટ વાંચું છું અને હેલ્લો સખીરી પણ ખૂબ જ સરસ લાગે છે. મને માતૃત્વ પર લખેલો લેખ જેમાં ગર્ભવતી માતાની કાળજીની સંવેદનશીલ વાત ખૂબ ગમી હતી. એ કયો અંક હતો? મને ખૂબ ગમ્યો ને લાગણીશીલ થઈ ગઈ. મારા પતિને પણ વંચાવીશ..” આ મેસેજ વાંચીને મારા રૂંવાડા ખડાં થઈ ગયાં! છ મહિનાં જૂનો પ્રથમ પ્રયાસ આ રીતે કોઈ યાદ અપાવે એ ખૂબ ગમ્યું. ડૉ. ગ્રીવા માંકડને પણ સાભાર અભિનંદન..

વળી, એક ફેસબુક રીક્વેસ્ટ આવી હતી. પ્રોફાઈલ ફોટો નહોતો અને બહુ એક્ટીવ ન લાગ્યા જેથી એડ ન કર્યા. એકવાર એમનો મેસેજ વાંચીને મેં તરત એમને એડ કરીને ફોન નંબર માંગ્યો. મેસેજ હતો, “હેલ્લો કુંજલ, હેલ્લો સખીરીમાં વાર્તા મોકલી શકું?” બસ, પછી કેટલીય વાતો થઈ ફોન પર અંતે ખ્યાલ આવ્યો કે તેઓ ગુજરાતનાં એક આખા જીલ્લાનાં નાયબ મામલતદારનાં હોદ્દાને શોભવનાર મહિલા અધિકારી છે! આહ્‌હ.. સુખદ સંદેશાઓને ઝીલવાનો અનુભવ આનંદ લઉં છું; સૌ સામેથી સંપર્ક કરીને સરાહનીય વાતો કરે. કોઈને કોઈ કોલમ વિશે ચર્ચા થતી હોય પેજ પર કોમેન્ટ હોય કે હવે પખવાડિયું કરો, હવે વિન્ડોઝ બેઝ એપ લાવો.. વગેરે.. બધું સાક્ષી ભાવે જોઈને જવાબો આપવા ગમે છે. છતાંય કહેવાય છે ને કે માઈલ્ઝ ટૂ ગો.. હેં ને?

“ઘૂમે ગરબે ગરવી ગુજરાતણ” સિવાય બીજો કોઈ વિષય હોત ખરો ઓક્ટોબર અંકઃ ૫ માટે? નહીં ને? વિષયવસ્તુ નક્કી થયા પછી તો રાહ જ જોવાની હતી કે કોણ શું અને કેવું લખી મોકલે છે સૌ પોતાની અલાયદી છટામાં!

જેમ-જેમ મેઈલ મળતા ગયા એમ એકેક લેખ વાંચતે રૂંવેરૂંવાં પુલકિત થતાં હતાં. શબ્દો થનઘને છે અને લેખો રાસ છે કરે એવી અનુભૂતિ થયા કરે છે જાણે. આધ્યશક્તિની આરાધના વાંચો ‘વિસ્તૃતિ’માં અને સૂર શબ્દને સથવારે, અમર અવિનાશ વ્યાસની રચનાઓ વાંચીને ચોક્કસ નોરતાંની ઉર્જા ઉજાગર થયા વિના નહિ રહે એની ખાતરી છે! આ વખતે લિનાબેનની સાતમી ઈન્દ્રીય એક ગાયીકાની નજરે ગરબાની રમઝટ વાંચીને નાચી ઉઠવાનું મન થશે..!

કાનનાં પડદા ફાટી જાય એવા ઘોંઘાટને ડામવા કાયદો શું કહે છે? વાંચો લૉ પંડિત. ઓક્ટોબરમાં અનેક તહેવારો આવે છે પરંતુ એક દિવસ વિશ્વ માનસિક સ્વાસ્થય દિવસની ઉજવણી પણ થાય છે તો આરોગ્યને માનસિક વલણ સાથે દ્રષ્ટાંટ રૂપે વણીને શું કહે છે આપણું રૂગ્ણાંલય એ જોઈએ. નિનિને મોટા થઈને ગમે તે કરવું છે શું છે તે વાંચો નાની નિનિ વાર્તા શૃંખલા. ‘હેય! વ્હોટસેપ?’માં ગોપાલી બુચ સંગે ‘હેલ્લો સખીરી’નાં અબિન્નઅંગ સમાં સૌમ્યા જોષી સાથેની અંગત ગોષ્ઠી વાંચો.

સાનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં જીવનનાં દરેક દિવસ સાથે એકોએક ક્ષણ પ્રગતિકારી કદમતાલ મીલાવીને અદકેરી મૌજમાં ચાલતી સૌ સખીઓ સાથે અંક પાંચ વાંચીને પ્રતિભાવ આપવા આહ્‌વાન કરૂં છું.

કુંજલ પ્રદિપ છાયા. ગાંધીધામ.

E-mail: fmales.group@gmail.com

વિસ્તૃતિઃ

જાગૃતિ વકીલ - ભુજ.

E-mail: jrv7896@gmail.com

વિસ્તૃતિઃ આવ્યા નવલા નોરતા માડીનાં

ભારતમાં કદાચ સહુથી લાંબો અને નિયમિત ઉજવાતો અને આબાલવૃદ્ધ સહુને પ્રિય તેવો આ તહેવારની વિશિષ્ટતા એ છે કે નવ રાત્રીઓનો સમૂહ છે. બહ્મા,વિષ્ણુ અને અનુક્રમે આ સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કરે છે પણ આ ત્રીદેવને ઉત્પન્ન કરનાર ખુદ આદ્યશક્તિ છે એવા માતૃશાક્તિને વંદન કરવાનો તહેવાર એક રીતે તો જોઈએ તો નારીશાક્તિને ભક્તિની મહતા સમજાવતો અને સ્ત્રી સન્માનની ભાવના સમજાવતો તહેવાર કહીએ તો જરાય અતિશયોક્તિ નથી.

બ્ર્રહ્માંડમાં નવ ગ્રહ, શરીરમાં નવ દ્વાર તેમ દરેક ગ્રહ અને દરેક દ્વારની અધિષ્ઠાત્રી તે નવ દુર્ગા છે. યોગસાધના મુજબ જીવનની નવ કક્ષા છે અને ક્રમશઃ સ્થૂળમાંથી સુક્ષ્મ તરફની ગતિ એમાં દર્શાવવામાં આવેલી છે. યોગીઓના મતે, પ્રથમ નોરતાનો રંગ કાળો, ચોથનો લાલ, નવમાંનો ધવલ છે. મહાકાલીથી લઈને શ્વેત વસ્ત્ર ધારણ કરનાર સરસ્વતી તરફની આ યાત્રા છે. એટલે કે તામસીક્તાથી સાત્વિકતા તરફની ગતિ છે. આ નવદુર્ગાના ભક્તિ, કળા અને યોગ માટે મહાન સ્વરૂપોની વિગત જાણીએ.

પ્રથમ નોરતાના દુર્ગાનું નામ શૈલપુત્રી શિવા છે. શિવા એટલે એક મહાન ઔષધિ હરડે છે. જે બધા જ રોગોથી નિર્ભય બનાવનાર છે તેથી તેને ‘અભયા’ પણ કહેવાય છે. આમ પ્રથમ નોરતું માનવીને અભય બનવાનો સંદેશ આપે છે. ‘માર્કંડેય પુરાણ’ મુજબ બીજું નોરતું ‘બ્ર્રહ્મચારીણીનું છે.

બહ્મ-પાણીને આધારે રહેલ ‘બ્રાહ્‌મી’ ઔષધી સંધિવા અને વા પર અકસીર અને ઉત્પાતને શાંત કરનારી ઔષધ છે. જે પોતાના ક્રોધ પર કાબુ મેળવી શકે એ જ પરમ શાંતિ પામી શકે એવો સંદેશ બીજું નોરતું આપે છે. પ્રથમ નોરતે ઇચ્છાઓને વશ કાર્ય પછી બીજે પગથીયે ‘ક્રોધ’ કે જેનો રંગ લાલ છે એટલે કાળા વાનનાં માતાજીએ લાલ વસ્ત્રો પહેર્યા છે. ‘આવેગ’ને સમજવા માટેનું બીજું નોરતું છે.

ત્રીજી દુર્ગા ચંદ્રઘટા છે. જેનો અર્થ ધાત્રી એટલે આમળા જે દાહ, ખંજવાળ,પાંડુરોગ મટાડનારી ઔષધી છે. અદેખાઈ અને ઈર્ષ્યા દાહ પેદા કરે છે. ઈર્ષા એટલે ખંજવાળ, જે કાઠીયાવાડી શબ્દ છે. જે માનસિક રોગ છે. આ રોગોનો ઉપચાર એટલે ધાત્રી. લોભ, ઈર્ષા વગેરે દુર્ગુણોનો નાશ કરવાનું કામ ચંદ્રઘટા કરે છે. ચોથું નોરતું રાજસી વર્ગનું છે. કુશ્માંન્ડીકા કે જેનું સુક્ષ્મ સ્વરૂપ મોહને નાશ કરનારૂં છે. આ દુર્ગાનો રંગ લાલ છે. કુશ્માંડ એટલે કોળું. જે પિત શામક ઔષધી અને આકનો કમળો મટાડનાર છે. કમળાનું એક લક્ષણ છે કે જ્યાં પીળું નથી ત્યાં દેખાડે છે. આ મોહ કે ભ્રમ છે. જેને કુશ્માંન્ડીકા દુર કરે છે. આમ, ચોથું નોરતું માનવીની આંખનો કમળો ઉતારનાર અને મોહનો પર્દાફાશ કરનારૂં છે.

પાંચમું નોરતું મહાલક્ષ્મી રજ-રજનું મિશ્રણ અને છઠું નોરતું શ્રીનું જે રજસ તત્વ છે. દ્વેષ અને ઈર્ષાના સ્વરૂપને સમજી તેના પર વિજય મેળવવાનો સંદેશ આપે છે. છઠું નોરતું કાત્યાયની એટલે ઔષધી સ્વરૂપ કરિયાતું છે. જે પેટના કૃમિનો નાશ કરે છે. વાત-પિત-કફ નામના ૩ દૈત્યનો સંહાર કરે છે. સુક્ષમ રીતે અહી દ્વેષ અને ઈર્ષા પરના વિજયની કથા છે. તામસભાવ અને રાજસભાવ છોડી દુર્ગા હવે સાત્વિક ભાવમાં આવી ગઈ છે. સાતમું નોરતું ગૌરીનું છે. ગૌરી અને કાલરાત્રી એટલે હળદર. જે મહાન ‘એન્ટીસેપ્ટિક છે. રક્ત અને કફના દરેક વિકારો સામે હળદર દુર્ગારૂપ છે. સુક્ષ્મ રીતે માતાજી મદ ઉતારે છે કોઈને મુક્ત નથી એટલે કાલરાત્રી તરીકે ઓળખાય છે.

આઠમું નોરતું ‘રિક્ત’ છે. જેનો સાદો અર્થમાં, ડોળ, દંભવગરના મનથી એટલે કે એ રીતે ખાલી થઇ ગરબા રમવા. મહાગૌરીનું આ નોરતાનો ઔષધીય અર્થ‘નારાયણી’ એટલે શતાવરી. જેના સેવનથી આકર્ષણ વધે છે સદા અર્થમાં જેનું મુખ્ય કામ બે વ્યક્તિ વચે પ્રેમ વધારવો. શ્વેતરક્ત આ નોરતું સાત્વિકતા, તંદુરસ્તી, સંવાદિતા અને આનંદનો સંકેત છે. અહંકાર વધનો હેતુ એટલે મહીષાસુરના વધ કરતા સિઘ્ધિદાત્રી નાવમાં દુર્ગા છે. અશુભથી શુભ તરફ જવાનો ઉતમ સંકેત આપતું નવમું નોરતું સ્વભાવ સુધારી, જીવન વધુ સરળ બનાવવાનો હેતુ સ્પષ્ટ કરે છે. સિઘ્ધિદાત્રી હર્ષદા એટલે વિજય જેનો ઔષધીય અર્થ છે ભાંગ. જે દુઃખ દર્દ ભુલાવે છે. વિજયાદશમી અહંકાર પર વિજયનો ઉત્સવ છે. જીવનમાંથી અહંકારને જડમૂળમાંથી ફેકી, મોકળા મને નાચીએ કુદીએ અને પરસ્પર પ્રીતિ વધારી, જીવ્યું મીઠું કરીએ એવો સંદેશ આપે છે.

અતિ રંગરાગથી ઉજવાતો માતૃભક્તિનો આ તહેવાર સમજપૂર્વકની યોજના છે. અધ્યાત્મસાધનાનું ઊંડાણ છે. આ વખતે ગરબે ઘુમવા જતી વખતે નવી દ્રષ્ટિથી સંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક, ઔષધીય, વૈજ્ઞાનિક મહત્વ સમજી નવરાત્રી મનાવીએ તો જરૂર તેની પાછળનું હાર્દ સાકાર થાય.

જાગૃતિ વકીલ. ભુજ.

E-mail: jrv7896@gmail.com

વાંચે સખી રી..

જાહ્નવી અંતાણી - વડોદરા.

E-mail: jahnviantani@gmail.com

વાંચે સખી રી.. અકૂપાર

લેખક - ધ્ર્રુવ ભટ્ટ

પ્રકાશનઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.

અત્યાર સુધી ’વાંચે સખી રી ’માં મેં વર્ષો પહેલાં વાંચેલી અને અત્યારે ફરી હાથમાં આવેલી નવલકથાઓનું રસપાન કરાવ્યું. મને થયું કે આ વખતે ઈ.સ.૨૦૧૦માંજ જેની પ્રથમ આવૃત્તિ બહાર પડી છે એવી ધ્ર્રુવ ભટ્ટની ‘અકૂપાર ’ નવલકથા વિશે લખવું.

આ સમયમાં પણ વાંચવી ગમે એવી નવલકથાઓ લખાય છે. અને વંચાય પણ છે. એવું દર્શાવવું જોઈએ! ગુજરાતી ભાષાની આવરદા વિશે શંકા ઉઠે ત્યારે આવી નવલકથાઓ વાંચકોને ગુજરાતી સાહિત્યની સમૃદ્ઘતાનો ખ્યાલ આપે છે.

‘અકૂપાર ’ ધ્ર્રુવ ભટ્ટની એક અનોખી નવલકથા.

પ્રથમ નજરે એ પ્રવાસ વર્ણન જેવું લાગે. જુનાગઢ અને સાસણ ગીરની આસપાસ ફરતી આ નવલકથા ઘણુંબધું સમજાવી જાય છે. પ્રસ્તાવનામાં લેખક લખે છે ,એ મુજબ ત્રીસેક વરસ પહેલા લેખક અને એમના પત્ની પગપાળા પ્રવાસે જતા અને ત્યાર બાદ શાળાના બાળકોને કેમ્પમાં લઈને ગીર આવતા જતા. ત્યારબાદ ૨૦૦૮માં જૂનાગઢમાં અમરાપરમાં ઘર ભાડે રાખીને રહ્યા , ભાલછેલમાં રહ્યા અને ગીરને જે રીતે એમણે જોયો , માણ્‌યો , પામ્યો તેમાં કલ્પના અને અર્થઘટનો ઉમેરીને જે રચાયું તે આ નવલકથા! આટલું લખાયા પછી પણ લેખક કહે છે કે ગીર વિશે હું કઈ જ જાણતો નથી. આવી આ નવલકથા વાંચતા આપણે પાત્રો સાથે જ ગીરમાં ફરતા હોઈએ એવું લાગે એટલું સચોટ વર્ણન છે.

વાંચતી વખતે લેખક સાથે જ ગીરમાં ફરતાં અનેક પાત્રો આવે છે અને દરેક પાત્રોની છબી આપણા મનોજગત પર અંકિત થઇ જાય છે. એવું જ ગામઠી છતાં એક સબળ પાત્ર છે , ‘આઇમાં ’.

આઇમાંના મુખે બોલાયેલા અનેક વાકયો આપણા મન પર ઊંડી છાપ છોડી જાય છે. અને વિચારતા કરી મુકે છે કે જે વ્યક્તિ આ ગીરમાં જ જન્મીને ઉછરેલી એ વ્યક્તિમાં આવી દુનિયાદારીની સમજ આવી ક્યાંથી! એમની દરેક વાત જાણે પછીના સંજોગોની આગોતરી જાણકારી આપતી હોય , જાણે ભવિષ્ય ભાખતી હોય એવું આ આખી નવલકથામાં અનુભવાય છે. એમના મુખેથી એક વાક્ય કહો કે શબ્દ અવારનવાર લેખક બોલાવડાવે છે. ‘ખમ્મા ગ્યરને ’ જેનો અર્થ લેખકને સફર પૂરી થવામાં હોય છે ત્યારે સમજાય છે.

ગીરમાં રહેતા અનેક પાત્રો આઇમાં , સાંસાઈ , રતનબા , રવિભા , મુસ્તફા , ભગત અથવા તો કોઈ પ્રદેશ ન સમજતા એને એક વ્યક્તિ સમજે છે અને એને કોઈ તકલીફ જેમકે જંગલોમાંથી કોઈ પુરાતન તત્વ લાકડા કે કઈ પણ ચીજ વસ્તુ પોતાની જાગીર સમજીને લોકો લઇ જાય છે એ ચારણ અને બહારથી આવેલા ડોરોથી , જેવા અનેક પાત્રો આ નવલકથામાં કઈંક ને કઈંક સમજણ વાંચકને આપી જાય છે. એમને ગીરમાં થતા અનુભવો જાણે ગીર બહારની દુનિયામાં કેમ જીવવું એવી સમજણ આપી જાય છે.

વાંચતી વખતે આખી નવલકથામાં એક-બે પ્રસંગો તો મન પર એકદમ સ્થાપિત થઇ જાય છે અને ‘અકૂપાર ’ નવલકથાનું નામ પડતા જ એ પ્રસંગો આંખ સામે છવાઈ જાય છે.

જાણે એ પ્રસંગે આપણે પણ ગીરમાં જ હોઈએ. ગીરમાં સિંહ તો હોવાનાજ... પણ રમજાના અરે , આ કોઈ સ્ત્રી કે યુવતી નથી , સિંહણની વાત છે..અને ગીરમાં એના જેવી રૂપાળી બીજી કોઈ નો જડે... છે ને અનોખી વાત ? સાંસાઈ જોડે તો એ રમજાના તો ઉછરી છે જાણે ધાનુ નામનું પાત્ર , રમજાનાની વાત ધાનુના શબ્દોમાં વાંચીએ , “ઈવડી ઈ રમજાના બસોળીયું હતી ત્યારથી તે ઘડીથી સાંસાઈ ઈની હાર્યે રમતી. રામજાનાની મા સામી બેથી હોય ને સાંસાઈ રમજાનાને ઉપાડી લેય એમ રમી સે. ” કોઈ સિંહણ જોડે આમ રમી શકે!

આવા તો ઘણા દાખલા છે વાર્તામાં આઇમાંના ઘરવાળાને દીપડા સાથે બનેલો પ્રસંગ; ફોરેસ્ટ ઓફિસરના મિત્રનો સિંહ યુગલ સાથે નો પ્રસંગ , ડોરોથીનો સિંહના બચ્ચા સાથે બનેલો પ્રસંગ. ગીરમાં રહેતા લોકો ગીરના સિંહ - સિંહણો અને પ્રાણીઓને હંમેશા પોતાના મિત્રો જેવા જ સમજે છે. એવું વાર્તા વાંચતા અનુભવાય છે. બહારથી ગીરને જોવા - જાણવા; સમવા અથવા પર્યટન પર આવતા માણસોને ગીરમાં કઈ રીતે વર્તન કરવું.

આજે જયારે માણસ પોતાના સ્વાર્થમાટે પોતે રહેતા હોય એ જગ્યાની આસપાસની જગ્યા જાણે પોતાની જ જાગીર હોય એમ વાપરતા હોય છે ત્યારે પોતે રહેતી હોવાને લીધે ગીરના જંગલને , જંગલ હોવા છતાં આ પ્રજા પોતાની આ ધરતીને પૂજે છે એમ કહીએ તો ખોટું નથી.

આ નવલકથા વાંચતા મેં અનુભવ્યું કે જીવનમાં સુખી રહેવાની ચાવી આપતા આઇમાં એક જગ્યાએ કહે છે , “જ્યાં રઈ ન્યાં મોજ થી રે ’વું. જીગ્યાના નામ તો આપડે જ દીધા સે ને ?”

જંગલમાં રહેવામાં સલામતી નથી એના જવાબમાં આઇમાં કહે છે કે , “મારા દીકરાઉં , સૌ સમજી લ્યો કે શહેરમાં પાકા ઘ્‌યરમાં રઈ ઈ વાતે કોઈ અમર નથ્ય થઇ જાવાનો. આ રોડ માથે ખટારા ને ફટફટિયા જેટલાને મારે સે એટલાને નયા ગ્યર (ગીર)માં સાવજ દીપડે કે નાગ- વિન્છીએ માર્યા હોય એવું નથ બન્યું. ” છે ને સો ટચના સોના જેવી વાત...

લેખકને વિચારતા કરી મુકે છે અને આપણને પણ...! હજુ આગળ આઇમાં કહે છે , ‘રોજે સાંપામાં(છાપામાં) વાન્સીએ(વાંચીએ) સ એમ ઠાલા બાધણા(ઝઘડા) કરીને માણા ક્યાં નથ મરતા ? તોય આયા પ્રથમીને(પૃથ્વીને) ખમ્મા કેવાની ક્યાં કોઈને નવરાશ સે ? છે ને ફીલોસોફીભરી વાત...!

આ નવલકથામાં આવું તો ઘણું છે જે વાંચીને આપણને આપણે શિક્ષિત છીએ કે કેમ એ તપાસવાનું મન થાય.

તો ચાલો , સખીઓ , આવી એક અનોખી નવલકથા હું તો હાથમાં આવે ત્યારે વાંચ્યા જ કરૂં છું. તમે પણ વાંચશો એવી અપેક્ષા.

જાહ્નવી અંતાણી - વડોદરા.

E-mail: jahnviantani@gmail.com

હેય! વ્હોટસએપ?

ગોપાલી બુચ - અમદાવાદ.

E-mail: gopalibuch@gmail.com

હેય! વ્હોટસએપ?

ફેસબુક ઉપર ફરતાં ફરતાં એક પ્રોફાઈલ જોઇ જેમાં જરા રસ પડયો. રોજ એક પાત્ર કે ફિલ્મ કે ગીત વિશે કશુ જાણવા જેવું પોસ્ટ થાય.ધીરેધીરે વાંચવાનું ગમવા લાગ્યું અને પછી તો મિત્રતા શરૂ થઈ.

સાવ સાદી ઘરરખ્ખુ કહી શકાય એવી એક સ્ત્રી કેટલા સુક્ષમભાવે કોઇ વાતને સ્પર્શે છે! એટલુ જ નહીં બીજાના હ્ય્દય સુધી એની અભિવ્યક્તિને મુખર કરી શકે છે. એવું એ પ્રોફાઈલ જોતાં લાગ્યું. સાચે જ એક દિવસ આ સીધી, સરળ સ્ત્રી એક લેખિકા સ્વરૂપે સામે આવી ઉભી રહી ગઈ ત્યારે એની નોંધ તો સમાજે લેવી જ પડે એવા અભિગમ સાથે આજનું "હેય! વ્હોટસેપ?" આપણી સખી સૌમ્યા જોષી સાથે.

ગોપાલીઃ એક હાઉસ વાઈફમાંથી લખવા તરફ કેવી રીતે પ્રેરાયા?

સૌમ્યાઃ વાંચનનો શોખ તો બાળપણથી જ હતો. લખવાની અદમ્ય ઈચ્છા પરંતુ પરંપરાગત સાહિત્યિક વર્તુળોમાં સ્થાન મેળવવું શક્ય નહોતું લાગતું. એક ગૃહિણી તરીકે પહોંચી વળાય એમ નહોતું લાગતું. ત્યાં ફેસબુક આવી મળ્યું! ઘરબેઠા ગંગા! કોઈને કશું કહેવાનું નહિ કે નહિ કોઈ પથદર્શકની જરૂર. જેવું લખી શકો એવું લખો. જાતે જ લેખક અને જાતે જ પ્રકાશક!

ગોપાલીઃ અચાનક ફેસબુક દ્વારા લોકજીભે ફરતું થયેલું નામ એટલે સૌમ્યા જોશી. તો તમને ફેસબુક થકી શું પ્રાપ્ત થયું છે?

સૌમ્યાઃ અગણિત મિત્રો, એમનો પ્રેમ અને એમના સલાહ - સૂચનો - માર્ગદર્શન. હું લખી શકું છું એ વાતનો સંતોષ અને વિશ્વાસ! ફેસબુક પર જે લખો એનો ત્વરિત પ્રતિભાવ મળે એ પણ મારા માટે અગત્યનું હતું અને આજે પણ છે.

ગોપાલીઃ સોશિયલ મીડિયાથી તમારા જીવનમાં શું બદલાવ આવ્યા?

સૌમ્યાઃ આત્મવિશ્વાસ ઘણો વધ્યો. વિવિધ વિષયો વિશેની જાણકારી વધી. મિત્રો વધ્યા, એમના જીવનની વાતો જાણી તો દુનિયાદારીનું એટલું ભાન પણ વધ્યું.

ગોપાલીઃ ક્યા કયા વિષયો પર લખવું ગમે?

સૌમ્યાઃ ટૂંકી વાર્તાઓ, ફિલ્મ અને સંગીત વિષયક લેખો લખવા ગમે છે. ફેસબૂકમાં જોડાયા પછી કવિતામાં પણ હાથ અજમાવી જોયો છે! :)

ગોપાલીઃ આજે ’હેલ્લો સખી રી!’ માં લખતા થયા છો, એક ઓળખ પ્રાપ્ત થઈ છે તો એમ લાગે છે કે આત્મવિશ્વાસમાં વધારો થયો છે, વધુ સક્ષમ થયા છો?

સૌમ્યાઃ કોઈક પ્રકાશન માટે લખવાનો મોકો મળવો એ મારા માટે તો મોટી જ વાત હતી. એનાથી મારી ક્ષમતા વિશેનો આત્મવિશ્વાસ જરૂર વધ્યો છે.

ગોપાલીઃ સમાજની બીજી સ્ત્રીઓને શું કહેવા ઇચ્છશો?

સૌમ્યાઃ કોઈને કશી સલાહ આપી શકું એવું કદ તો હજુ મેં હાસલ નથી કર્યું. પરંતુ એટલું હું માનું છું કે જો હું આમ લખી શકું અને એ માટે મિત્રોનો અનહદ પ્રેમ હાસલ કરી શકું છું તો બીજી કોઈ પણ વ્યક્તિ પણ આ કરી જ શકે! ’ગૃહિણી છું એટલે ઈતર પ્રવૃત્તિ માટે સમય કાઢવો મુશ્કેલ છે.’ એ એક બહાના તરીકે ચાલે પરંતુ હકીકત નથી!

જોઈ લીધું દોસ્તો, એક સ્ત્રી ઘર સાથે અખિલ બ્રહ્‌માંડનો ભાર ઉપાડી શકે એટલી સક્ષમ હોવા છતાં એની નમ્રતા જુવો. અમે એટલે તો અમેની હોશિયારી ક્યાંય નથી અને તો પણ "અમે એટલે અમે"નો નમ્ર રણકો જરૂર છે. એટલે તો અમે વટથી અવાજ દઈએ છીએ કે "હેલ્લો સખીરી..."

ગોપાલી બુચ. અમદાવાદ.

E-mail: gopalibuch@gmail.com

રૂગ્ણાલયઃ

ડા. ગ્રીવા માંકડ - અમદાવાદ.

E-mail: info@homeoeclinic.com

રૂગ્ણાલયઃ મન સ્વસ્થ તો તન પણ સ્વસ્થ

આ લેખ વંચાતો હશે એ અરસામાં જ “વિશ્વ માનસિક સ્વાસ્થય દિન” ૧૦મી ઓક્ટોબરના રોજ મનાવાતો હશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માનસિક સ્વાસ્થયની પરિભાષા પ્રમાણે, “દરેક વ્યક્તિ સ્વાસ્થય સપ્રમાણતાની એવી અવસ્થા અનુભવે જેમાં પોતાની કાર્યક્ષમતાને સંપૂર્ણપણે પારખે, રોજિંદા તાણથી મુક્ત રહી શકે, જેથી કોઈપણ કાર્યની ઉત્પાદકતા અસરકારક બનાવી પોતાની આજુબાજુના સમુદાય, સમાજ કે રાષ્ટ્ર માટે અગત્યનો ફાળો નોંધાવી શકે.” માટે દરેક વ્યક્તિ માનસિક, શારીરિક અને સામાજિક રીતે સંપૂર્ણપણે સંતોષજનક રીતે સ્વાસ્થ્ય અનુભૂતિ માટે સક્ષમ બની શકે એ જ સ્વાસ્થયની સાચી પરિભાષા.

સ્વસ્થ હોવાના અગત્યના પરિબળને કેમ ભૂલી શકાય? મનની સ્વસ્થતાનાં પાયા રૂપે જ શરીર પણ સ્વાસ્થ્ય અનુભવી શકે. એ જ રીતે શરીર અસ્વસ્થ હોય તો મન સંપૂર્ણ સ્વસ્થ રહી શકે ખરૂં?

મન અને શરીરની ક્રિયા પ્રતિક્રિયા એ પારસ્પરિક રીતે સંકળાયેલી છે. એક અસ્વસ્થ ત્યારે બીજું સ્વસ્થ અને બીજું અસ્વસ્થ તો પહેલું સ્વસ્થ રહી શકે એવું સંભવી શકે ખરૂં? લેખ શીર્ષકમાં જે ગૂઢાર્થ છે એ પણ કૈંક એવું જ સમજાવવાના હેતુરૂપે જ છે. હા, બસ અહીં આપણે આ મન શરીરના તાણાંવાણાં જ સમજવાના છે.

મનઃ શારીરિક સ્વાસથ્ય એ પહેલાતો કેવી અવસ્થા છે ને કઈ રીતે મેળવી શકાય એ સમજીએઃ

વ્યક્તિને કોઈ રોગના ચિહ્‌નો કે લક્ષણો નથી, માટે તે સ્વસ્થ બની નથી જતો. રોગના લક્ષણો એ વ્યક્તિની અસ્વસ્થ જીવનઉર્જાનું છેક છેલ્લે દેખાતું ચિત્ર છે. એ તો માત્ર રોગનું શીર્ષક છે. એના ખરા રોગનાં મૂળિયા તો કદાચ ક્યારનાં નંખાઈ ગયા હોય!

એક કેસથી જ વાતને સમજીએઃ

એક પંચાવન વર્ષના કાકા. મારી પાસે છેલ્લા છ એક વર્ષથી શરીરમાં પ્રવેશેલા ડાયબીટીઝની દવા કરાવવા થોડા ભયભીત ચહેરે કન્સલ્ટીંગ રૂમમાં પ્રવેશ્યા. પોતાના રોગની વાત વિગતે કરતાં કેટલાંક સમય પહેલાં પડી ભાંગેલા ધંધાને લીધે ઊભી થયેલી સમસ્યાઓને ચિંતાઓનો લાંબો ચિત્તાર સમજાયો. એ સમયે એમના મનમાં ઉદભવેલી સ્થિતિ વિષે પૂછાતા એમના જ શબ્દોમાં જાણવા મળ્યું કે “એ સમયે તો જાણે પહાડ જ તૂટી પડેલો, કેમ આ સ્થિતિમાંથી બહાર નીકળાશે ને કેમ કુટુંબનું ભરણ પોષણ થશે એની કલ્પના જ ન થઇ શકે! એ બધોજ ભાર મારા ઉપર આવી ચડેલો”. બસ એ સમયે જ દ્રઢ નિર્ધાર કરી દિવસ રાત એક કરી ભૂખ- તરસ- નિંદ્રાનો વિચાર કર્યા વિના નવેસરથી નવા જ ધંધામાં લાગી પડયો. બધું સમુસૂતરૂં પાર તો પડી રહ્યું છે, આગળનાં દેવા પણ ચૂકવાઈ ગયા છે, પણ મનના છેક ખૂણે એક ડર તો સતાવે જ છે કે ફરીથી કંઈ એવું થશે ને હું પાયમાલ થઇ રસ્તા પર આવી જઈશ તો? બસ આ વિચારે હવે ઈશ્વરની દયા હોવા છતાં હું સૂઈ નથી શકતો, ક્યારેક ઉંઘ ચડે તો પણ અડધી રાતે ભયભીત થઈને ઉઠી જવાય છે ને આ પાછો ડાયબીટીઝતો ખરો જ. ફરીથી સુખી થવાના સમયે હું અકારણ ચિંતાથી પીડાઈ રહ્યો છું. ડાયબીટીઝની દવાથી એ તાત્કાલિક કાબૂમાં તો રહી જાય છે પણ એનો ને મારા મનનો કોઈ સ્થાયી ઉપાય હવે આ હોમીઓપેથી દવા જ કરી શકે!”

એ કાકા એ કેટલું યોગ્ય કહ્યું. એ ખુદ જ પોતાનો રોગ પારખી ગયા. શું એમનો રોગ માત્ર ડાયબીટીઝ કે અનિંદ્રા જ છે? એ જો ડાયબીટીઝને રૂધિરમાં કાબૂ રાખતી દવા અપાઈ જાય ને સ્લીપિંગ પીલ્લ્સ દ્વારા એમને ઊંઘ આવી જાય તો એમનો રોગ નાબૂદ થઇ ગયો કે એ પોતે સ્વસ્થ થઇ ગયા? ના, એ તદન ખોટું છે.

એમના એ મનનું શું? જે હજુ એ વર્ષો જુના આઘાતમાંથી બહાર નથી આવ્યું. જે હરપળ કુટુંબના ભરણપોષણ માટે એમને આ ઉંમરે પણ સતત સંઘર્ષમાં રાખે છે. જે અત્યારે બધું સુખપ્રદ હોવા છતાં એમને સુવા નથી દેતું, જેને હજુ પાયમાલ થઇ જવાનો અને અસુરક્ષિતતાનો અકારણ ભય સતાવે છે!

ફક્ત શારીરિક રોગના ચિહ્‌નો કાબૂમાં આવી જવા કે મટી જવા તેથી રોગ નાબૂદ થઇ જતો નથી કે વ્યક્તિ સ્વસ્થ થઇ જતી નથી. અહીં રોગની શારીરિક અનુપસ્થિતિ એ સ્વસ્થ હોવાની નિશાની નથી! તેમ મનની વૈચારિક કે લાગણી સંદર્ભે અસ્વસ્થતા એ રોગને જરૂર આમંત્રણ દઈ બેસે છે. આજે એક તો કાલે એજ પ્રકારના કે અન્ય રોગ શરીરમાં પેશી જશે. એ ચક્કર તો ચાલુ ને ચાલુ જ! માટે જ સ્વાસથ્ય એ બહુઆયામી અવસ્થા છે. એ મન, શરીર, લાગણીતંત્ર, અંતઃસ્ત્રાવો એ તમામની સપ્રમાણ સ્થિતિ છે.

વાત વાતમાં ગુસ્સે થવું, ચિડીયાપણું હોવું, મનમાં સંકુચિતતા કે અસુરક્ષિતતા અનુભવવી, અકારણ ચિંતા, આત્મવિશ્વાસનો અભાવ કે લઘુતાગ્રંથીનો અનુભવ, નિષ્ફળતાનો ડર, ડીપ્રેશન, નકારાત્મકતા, કુંઠિત માનસિક વિકાસ, વધુ પડતો લાગણીશીલ કે સંવેદનશીલ સ્વભાવ, કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ, કુવિચાર, વેરની વૃત્તિ,લાલસા, અસંતોષ, તિરસ્કારની ભાવના, અતિશય સ્પર્ધાત્મક અભિગમ, હિંસક વૃત્તિ, ઈર્ષ્યા વૃત્તિ, કોઈ સમયે આઘાત કે નિરાશાની અનુભૂતિ, બાળકોમાં બીહેવિએર સંબંધી સમસ્યાઓ - આ બધાજ જાગૃત તેમજ અર્ધજાગૃત મનની સ્થિતિને પરિણામે ઉદભવેલી માનસિકતા છે, જે સીધી કે આડકતરી રીતે મનની અસ્વસ્થ ઉર્જાનું સૂચન કરે છે અને ક્યાંકને ક્યાંક મનઃશારીરિક અસ્વસ્થતાને પરિણામે વ્યક્તિની જીવનઉર્જાને અસ્વસ્થ બનાવી અલગ અલગ રોગ સ્વરૂપે એ અસ્વસ્થતા પ્રદર્શિત થાય છે. માટે જ રોગના કારણભૂત એ મનની અસ્વસ્થ ઉર્જાને પણ સમજવાણી છે, નહિ કે ફક્ત એના પરિણામ સ્વરૂપ રોગનાં લક્ષણોને ભગાડવાનાં!

આપણે સહુ પણ મન અને શરીરથી સ્વસ્થ રહી શકાય એ માટે આજથી જ જાગૃત રહીએ જેથી જીવન પણ સુખી, સમૃદ્ઘ અને સ્વાસથ્ય સભર બની રહે.

- ડો. ગ્રીવા માંકડ. અમદાવાદ.

E-mail: info@homeoeclinic.com

સૂર, શબ્દને સથવારે

સૌમ્યા જોષી - રાજકોટ.

E-mail: jsaumya762@gmail.com

સૂર, શબ્દને સથવારે

પવિત્ર શ્રાવણમાં પિતા દેવાધિદેવ મહાદેવ અને ભાદરવામાં દુંદાળા દેવ ગણપતિની પૂજા અર્ચના કરીને પરવારિએ ત્યાં તો રૂમઝુમ પગલે આવી રહેલી નવલી નવરાત્રિનાં સૂરીલાં પડઘમ ગૂંજવા માંડે. જગતજનની મા અંબા ભવાનીની આરાધનાનું, શક્તિની ભક્તિનું આ પર્વ નાના ગામડાંથી લઈને મોટા મહાનગર સુધી ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવાય છે.

ચાચરના ચોકમાં માતાજીના વિધવિધ સ્વરૂપોની છબીઓ મઢેલી ’ગરબી’ સમક્ષ છિદ્રોવાળા માટીના નાનકડા ઘડામાં દીવો મૂકીને તેની ફરતે કુંડાળે વળીને કે તેને માથે મૂકીને ગરબા ગાતા ગાતા તાલબદ્ધ રીતે વિવિધ મુદ્રાઓ વડે મા ને રીઝવતી કન્યકાઓ કે જોમવંતી ગરવી ગુજરાતણોને નિરખવી એ પણ એક લહાવો છે. ગરબામાં મૂકેલા કોડિયામાં પ્રગટાવેલ જ્યોતનો પ્રકાશ સો-સો છિદ્રો વાટે ચારેકોર છવાઈ જાય છે. એ “ગરબો” પોતાને માથે મૂકીને જ્યારે કન્યાઓ ચાલે છે ત્યારે એક-એક કન્યાનાં શિરે જાણે કે એકએક આકાશ ખડું થાય છે! અવકાશી તારલા જાણે ધરા ઉપર માનો ગરબો રમવા ઉતરી પડયા હોય એવું મનોહર દ્રશ્ય ખડું થાય છે.

ગરબા એ આપણી ગુર્જર સંસ્કૃતિનું, ગુજરાતી લોકસંગીતનું અવિભાજ્ય અંગ છે. દેવીઆરાધના કાજે ગવાતા પ્રણાલિકાગત કાવ્યપદો એટલે ગરબા. આમ તો કહેવાય છે કે ‘ગરબો’ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ભકતકવિ નરસિંહ મહેતાએ કર્યો હતો. ગુજરાતમાં ‘ગરબો’ શબ્દપ્રયોગ ઈ.સ.૧૪૧૫થી ઈ.સ.૧૪૮૦થી વપરાતો આવ્યો છે. ગરબા માટે સંસ્કૃત શબ્દ છે ગર્ભદીપ, જેના પરથી અપભ્રંશ થઈને ’ગરબો’ શબ્દ પ્રચલિત થયો હોવાનું મનાય છે. એક મત એવો પણ છે કે તમિળ ભાષામાં‘કુરવઈ કટ્ટ’ એ સમૂહનૃત્યનો એક પ્રકાર છે, જેને ‘ગુરબી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગુરબી પરથી ગરબી શબ્દ બન્યો. પછી ગરબીને ‘ગરબો’ નર સ્વરૂપ અપાયું હોવાનું મનાય છે.

ગરબાની સાથે જોડાયેલ છે રાસ. ગરબાની જેમ જ વર્તુળાકારે બે હાથે તાળી દઈને કે પછી દાંડિયા લઈને કરાતું સમુહ નૃત્ય એટલે રાસ. આમ તો નવરાત્રિમાં માની આરાધના ગરબાથી શરૂ થાય છે પણ આગળ જતાં તેમાં કૃષ્ણ ભક્તિનો રંગ ભળે છે. કૃષ્ણ અને રાધાનાં, કૃષ્ણ અને ગોપીઓના શૃંગાર, વિરહ અને મિલનના વિવિધ ભાવોને રાસ સ્વરૂપે રજૂ કરાય છે.

ગરબાની વાત આવે અને અવિનાશ વ્યાસનું નામ હૈયે ને હોઠે ન આવે તો જ નવાઈ! પરંપરાગત ગરબાને શાસ્ત્રીય સંગીતમાં ઢાળીને અવિનાશ વ્યાસે અવિસ્મરણીય રચનાઓ આપી છે. એટલું જ નહીં, આપણાં લોકગીતો, પ્રસંગ ગીતો, સંતવાણી ઇત્યાદિનો સુક્ષ્મ અભ્યાસ કરીને અવિનાશભાઈએ તેમના ખુદનાં લખેલ કેટલાયે અર્વાચીન ગરબાની એટલી મધુર, સરળ અને લોકપ્રિય સ્વરરચનાઓ કરી છે કે આજે ગુજરાતી સુગમ સંગીતની ઓળખ તરીકે એક જ નામ આપવાનું હોય તો બેધડક અવિનાશ વ્યાસનું નામ બોલી શકાય.

ગરબા હોય કે ગીત, ગઝલ હોય કે લગ્નગીત, ગીતનો મિજાજ આઘ્‌યાત્મિક હોય કે ફૂલગુલાબી... અત્યંત વિશાળ ફલક પર એટલું જ યશસ્વી પ્રદાન કરી ચૂકેલા, ‘ભાઇ’ના હુલામણાં નામે ઓળખાતા અવિનાશ વ્યાસની મુખ્ય વિશેષતા એ હતી કે એક અવિનાશમાં બે અવિનાશ વસતા હતા, કવિ અને સંગીતકાર.

કવિ અવિનાશ સર્વોત્તમ કે સંગીતકાર અવિનાશ બેનમૂન, તે નક્કી કરવું મુશ્કેલ છે.

૨૫૦થી વધારે ફિલ્મોમાં સંગીત આપી ચૂકેલા અવિનાશ વ્યાસે ૧૭૫ જેટલી ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. યાદ રહે કે અવિનાશ વ્યાસની કારકિર્દીનો સૂરજ જયારે મધ્યાહ્‌ને તપતો હતો ત્યારે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ચાલતો હતો.

આજે છ દાયકાથી પણ વધુ સમયથી ગુજરાતી પ્રજા જેના ગીતો ઉમળકાથી ગાય છે! છેલછબીલાઓની પાંચમી પેઢી નવરાત્રિમાં જેમના લખેલા અને કમ્પોઝ કરેલા ગરબા પર ઝૂમી ઊઠે છે. એવા પદ્‌મશ્રી અવિનાશ વ્યાસની થોડા સમય પહેલાં જ એકત્રીસમી પુણ્‌યતિથિ નિમિત્તે તેમના સંગીતકાર પુત્ર ગૌરાંગ વ્યાસે, પિતાના લખેલા કેટલાક ઉત્કૃષ્ટ ગરબાને આશા ર્ભોંસલેના અવાજમાં સ્વરબદ્ધ કરીને ’તાળીમાં કંકુ વેરાય’ એ નામે સુંદર આલ્બમ તૈયાર કરીને પોતાના પિતાની યશોગાથામાં એક ઓર પૃષ્ઠનો ઉમેરો કર્યો. આશાજી તો અગાઉ પણ અવિનાશ વ્યાસ માટે ગાઈ ચૂકયા છે. તે ઉપરાંત લતા મંગેશકર, મન્ના ડે, મુકેશ જેવા દિગ્ગજ ગાયકો એ પણ અવિનાશભાઈના સ્વરનિયોજનમાં અવિસ્મરણીય રચનાઓ ગાઈ છે. પણ આપણાં જ એક ગુજરાતી ગાયક કે જેમની એક ઓળખ, અવિનાશભાઈના માનસપુત્ર તરીકે આપી શકાય, એવા શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં, અવિનાશ વ્યાસના સંગીતમાં તેમનો જ લખેલો આ અર્વાચીન ગરબો સાંભળો તો, પુરૂષોત્તમભાઈના અવાજમાં જાણે ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસ એકાકાર થઈ ગયા હોય એવું પ્રતિત થયા વિના ન રહે.

તો ચાલો, સ્વર, શબ્દ અને સંગીતના ત્રિવેણી સંગમ સમા આ સુંદર મજાના ગરબાને માણીએ.

હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત

ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ

આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત

ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

કે નભના તારલિયા તારી આરતી ઉતારે

ને સમીરની શરણાઇ ગાઇ તુજને સત્કારે

આજે માવડીના મિલનીયે જાગ્યું આ વિરાટ

ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત...

સૌમ્યા જોષી

E-mail: jsaumya762@gmail.com

સાતમી ઈન્દ્રીય

લીના વછરાજાની
E-mail: leens0901@yahoo.com

સાતમી ઈન્દ્રીય

"હે ગરબો ગગન ગોખથી આવ્યો કે ઘમ્મર ઘુમતો રે..."

‘ગરબો’ આ નામ કાને પડતાંજ એક અદ્‌ભુત અને ઉર્જાથી ભરપુર લાગણી અંગેઅંગમાંથી પસાર થઇજ જાય એમાં બેમત નથી. નવરાત્રીનું એક અવિભાજિત અંગ એટલે ગરબો. જો કે હવે તો આપણાં ગુજરાતી કલ્ચરમાં દરેક શુભ પ્રસંગની ઉજવણી પ્રસંગના એક બે દિવસ પહેલાં સંગીત કે ગરબાથી જ થતી હોય છે.

બુરાઇ પર સચ્ચાઇની જીતનું પ્રતિક નવરાત્રી. વિજયને હર્ષોલ્લાસથી ઉજવવાની આગવી પરંપરા એટલે ગરબો. છેલ્લા કેટલાક વર્ષોમાં ગરબાના કન્સેપ્ટમાં ધરખમ ફેરફાર અનુભવ્યા છે.

સંક્ષેપમાં થોડું મારા વિશે જણાવું તો હું એક સીંગર છું અને છેલ્લા ૩૦ વર્ષથી આખા વર્ષ દરમિયાન અલગ અલગ મ્યુઝીકલ ઇવેન્ટ્‌સ કરૂં છું.

નવરાત્રીની એક અલગ આભા હોય. પહેલાં એક જ પ્રકારના સ્ટેપ્સ ગરબામાં રમાતાં, ચણિયા ચોળી પણ લગભગ એકજ સરખાં હોય. પણ હમણાં હમણાં છેલ્લાં ૧૦-૧૨ વરસથી હું ઓબઝર્વ કરૂં તો દરેક વરસે કંઇક નવો જ ટ્રેન્ડ આવ્યો હોય. હવે ઘણાં વરસોથી મોટાં શહેરોમાં નવરાત્રી પહેલાં બે ચાર મહિના અગાઉથી ગરબા શીખવાડવાના ક્લાસીસ શરૂ થઇ જાય. એક કારણ એનું એ પણ છે કે હવે ગરબો એકજ ક્લાસ પુરતો સિમીત નથી રહ્યો, લગભગ બધા જ વર્ગમાં ગરબો સ્થાન પામી ચુક્યો છે. એટલે ગુજરાતી ન હોય અથવા જેને કંઇક અલગ રમવાની હોંશ હોય એવા વર્ગ માટે ફટાફટ ગરબા ક્લાસ ખુલી જાય. સોશિયલ મીડીયા એ દરેક વસ્તુની પ્રસિધ્ધિ સાથે ગરબા કલ્ચરને ય ટોપ પર પહોંચાડી દીધું છે!

સમાજના દરેક અંગને જેમ આધુનિકતા અડી ગઇ છે એમ જ યુગપુરાતન ગરબા એ પણ અર્વાચીન સાજ શણગાર સજવામાં પાછી પાની નથી કરી.

હવે ગરબો પોળ કે શેરીમાંથી પાર્ટીપ્લોટ કે ક્લબ સુધી પહોંચી ગયો છે. પણ હા, શેરી ગરબા કે પ્રાચીન ગરબાનું મહત્વ હજી આજ લગી અખંડ અને અડીખમ જ રહ્યું છે. ક્લબમાં પણ શેરીગરબાનું આયોજન થાય છે. ઓરીજીનલ ગામડાંઓ કે પોળની તો કંઇ વાત જ અનેરી હોય. એક જ હારમાં ચાલતા ,એકજ એક્શનમાં રમાતા બહેનો અંદરના વર્તુળમાં અને ભાઇઓ બહારના વર્તુળમાં રમતા હોય ને એમજ આખી ને આખી પોળ કવર થઇ જાય એ યાંત્રિક શિસ્તબદ્ઘ માહોલની મોજ જ કંઇ જુદી.

હું સ્ટેજ પરથી દર વરસે નવું જોઉં. આપણી ગરવી ગુજરાતણના ઇન્ડો-વેસ્ટર્ન ચણિયા ચોળી, તો ગર્વભેર રંગીન વેશભુષામાં રંગબેરંગી છત્રી સાથે મોરની જેમ થનગની ઉઠતો ગુજરાતી યુવાન. હા, અને હવે તો ગરબો પણ અત્યાધુનિક રંગમાં રંગાઇ ગયો છે. પહેલાં એક ગરબો "કેસરીયો રંગ તને લાગ્યો અલા ગરબા..." અને એના જેવા થોડા બીજા ગરબા - બસ, પુરૂં થઇ જાય.

હવે તો ગરબા પણ એના અલગ ફોરમેટથી ગાઇએ. પહેલાં બે તાળી એટલે સિંગલ ફાસ્ટ, પછી ડબલ ફાસ્ટ પછી રોક ગરબા જેમાં "ઇંધણા વીણવા ગઇ તી મોરી સહીયર" જેવા આધુનિક કમ્પોઝીશન આવે, પછી દેશી લયને શબ્દોમાં "પોપટ જોણી ને મેં તો પાંજરૂં ઘડાયું લા હુડલા"

આવા ગરબા અને પછી રાસ, ત્રણ તાળી, હીંચ, રાજસ્થાની ઘુમ્મર, સનેડો- આ આજનું અર્વાચીન ગરબાનું સ્વરૂપ છે.

મન મુકીને ગરવી ગુજરાતણને ગરબે ઘુમાવે! અરે, ઉંમર સાથે કંઇ જ સંબંધ ન રહે એવું પ્રખર સંગીત ભલભલાને તાનમાં લાવી દે.

ક્યાંક બેઠા ગરબાની પણ પ્રથા છે. ઇન શોર્ટ ગરબો અને ગુજરાતી એ બે એકબીજાનાં પર્યાય છે. હવે તો ગરબો ય ગ્લોબલ થઇ ગયો છે. ગુજરાતણનો ગરબો હવે સમગ્ર પૃથ્વી પર પથરાઇ ચુક્યો છે. આખા વિશ્વ પર એનું આકર્ષણ છવાઇ ગયું છે એમ કહું તો અતિશયોક્તિ નહીં કહેવાય.

"માડી તારૂં કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો..."

આ અરૂણોદય થવો એટલેજ ‘મા અંબા’ તરફથી પ્રાપ્ત થતા આશિર્વાદ અને પરોઢ થવું એટલેજ આપણી સુતેલી ચેતનામાં સંચાર થવો!

દરેક રચનાને કેટલાક નકારાત્મક પરિબળ પણ હોય એમ ગર્વિષ્ઠ ગરબાને છેલ્લા કેટલાક સમયથી દુન્યવી દુષણોનો સામનો કરવો પડે છે એ અત્યંત દુખદાયક બાબત છે. પણ ગરબો એ પોતેજ એટલી પ્રતિભાશાળી અને અલૌકિક શક્તિ ધરાવે છે કે એની સામે બીજી બધી નેગેટીવીટી ગૌણ સાબિત થઇ જાય.

"આજ ગગનથી ચંદન ઢોળાય રે, સહીયર મને આસોના ભણકારા થાય."

ગરવી ગુજરાતણનાં મનનાં ભાવ ને ઉપરોક્ત પંક્તિમાં પરોવીને વિરામ પામીએ...

લીના વછરાજાની

E-mail: leens0901@yahoo.com

લા પંડિત

શ્લોકા પંડિત - અમદાવાદ.

E-mail: shlokapandit@gmail.com

લા પંડિત

આજનાં સમયમાં ધ્વની પ્રદુષણ એ એક સળગતો પ્રશ્ન છે. સામાન્ય પ્રજા આ પ્રદુષણનાં નકારાત્મક પરીણામો માટે જાગૃત નથી અથવા તો આંખ આડા કાન કરી રહી છે. સતત અવાજ વચ્ચે જીવવું તે જાણે કે આપણી સંસ્કૃતિ થઈ ગઈ છે. અને હોય જ ને આમ પણ આપણે તહેવાર પ્રેમી પ્રજા છીએ. તેમ છતાં ધ્વની પ્રદુષણ વિષેની મહત્વની વાતો જાણવી જરૂરી છે.

આપણા માટે અવાજ એટલે શું? નાના બાળકનાં રૂદનથી માંડીને ગણપતિ મહોત્સવ, દુર્ગા પૂજા,નવરાત્રી, અઝાન અથવા તો અતિશય ટ્રાફિકમાં વાહનોના દે ધનાધન વાગતા હોર્ન અથવા તો ધાર્મિક તહેવારોમાં વાગતા લાઉડ સ્પીકર અથવા લગ્ન પ્રસંગ, સંગીત ને લગતા પ્રોગ્રામ્સ કે રાજકીય રેલીઓ છે! આ દરેક માટે એક લીમીટ બાંધવામાં આવી છે.

ધી નોઈઝ પોલ્યુશન(રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ,૨૦૦૦માં આ વિષેની છણાવટ કરવામાં આવી છે કે કેટલા પ્રમાણમાં અવાજનું પ્રમાણ હોય તો તે પ્રદુષણમાં પરિવર્તિત નથી થતું અને આવા એરિયાને ચાર ભાગમાં વહેચવામાં આવ્યા છે.

ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ૭૦થી ૭૫ ડેસીબલ, કોમર્શિયલ એરિયામાં ૫૫થી ૬૫ ડેસીબલ, રેસિડેન્શિયલ એરિયામાં ૪૫થી ૫૫ ડેસીબલ તથા સાઈલન્સ ઝોનમાં ૪૦થી ૫૦ ડેસીબલનું પ્રમાણ હોય ત્યાં સુધી તે પ્રદુષણમાં પરિવર્તિત નથી થતું.

જેમાં સવારનાં ૬ વાગ્યાથી રાતનાં ૧૦ વાગ્યા સુધી દિવસનો સમય અને રાતનાં ૧૦ થી સવારના૬ વાગ્યા સુધીનાં સમય ને રાતનો સમય ગણવામાં આવે છે. સાઈલન્સ ઝોનમાં હોસ્પિટલ, કોર્ટ તથા એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્‌યુટથી ૧૦૦ મીટરનાં વિસ્તારને સમાવવામાં આવે છે. દરેક વ્યક્તિ ધ્વની પ્રદુષણથી ત્રસ્ત છે પણ કદાચ થોડા પગલાં લેવાથી તેની વિપરિત અસરોથી બચી પણ શકાય છે. ધ્વની પ્રદુષણ શેનાથી થાય છે તે પણ જાણવું જરૂરી છે.

ધ્વનિ પ્રદુષણ જો સૌથી વધારે થતું હોય તો લાઉડ સ્પીકરથી થાય છે, જેમાં લગ્ન પ્રસંગોમાં ડી.જે, ધાર્મિક તહેવારો, રાજકીય રેલીઓમાં મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે અને જો તે અમુક ડેસીબલ કરતા વધુ હોય તો તેની માનવીય શરીર પર ઘણી નકારાત્મક અસર થાય છે. તેનો ઉપયોગ કરવા માટે પરમિશન લેવી અનિવાર્ય છે. આ ઉપરાંત ફટાકડાથી પણ આ પ્રદુષણ ફેલાય છે, વાહનોનાં હોર્ન તથા ખરાબ થયેલા એન્જિન, એરક્રાફ્ટ, ટ્રેનનો અવાજ, અનેક પ્રકારની ફેક્ટરીઓમાં થતો ભયંકર અવાજ આ બધા નોઈઝની કેટેગરીમાં આવે છે. તેની માનવીના શરીર ઉપર વિપરિત અસર થાય છે, જેમ કે, કાયમી બહેરાપણું, કાનમાં ધાક પડવી, સ્ટ્રેસ,અપૂરતી નિદ્રા જેવી અનેક બીમારીઓ ઘર કરી જાય છે.

નોઈઝ પોલ્યુશન માટે અનેક સ્ટેચ્યુટરી પ્રોવિઝન છે. જેમ કે, ભારતીય બંધારણનાં અનુચ્છેદ ૨૧ એટલે કે જીવવાનો અધિકાર, ૪૮-એ તથા ૫૧-એમાં પર્યાવરણ વિષે વાત છે. લો ઓફ ટોર્ટ્‌સ, ઈન્ડિયન પિનલ કોડ, ક્રિમીનલ પ્રોસીજર કોડ, પોલીસ એકટ ૧૮૬૧, મોટર વ્હીકલ એકટ, ફેક્ટરીઝ એકટ આવા ઘણા કાયદાઓમાં નોઈઝ પોલ્યુશન વિષેનાં સૂચનો, આપવામાં આવેલ છે પરંતુ નોઈઝ પોલ્યુશનને લગતો અલગ કાયદો એક પણ નથી. ભારત સિવાયનાં અનેક દેશમાં ધ્વની પ્રદુષણને ખુબ જ ગંભીર રીતે જોવામાં આવે છે અને તેનાં અલગ કાયદા પણ અસ્તિત્વમાં છે. ક્યાંય હદથી વધારે અવાજ લાગે તો તેના માટે પોલીસને ફરિયાદ પણ કરી શકાય.

ધ્વની પ્રદુષણને લાગતું એક માઈલસ્ટોન જજમેન્ટ ઝ્રૐેંઇઝ્રૐર્ ંહ્લ ર્ય્ંડ્ઢ(હ્લેંન્ન્ ર્ય્ંજીઁઈન્) ૈંદ્ગ ૈંદ્ગડ્ઢૈંછ ફ/જી દ્ભ દ્ભ ઇ સ્ ઝ્ર ઉઈન્હ્લછઇઈ છજીર્જીંઝ્રદ્ગમાં આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ધર્મનાં નામે લાઉડ સ્પીકર, એમ્લીફાયર કે માઈકનો ઉપયોગ કરીને વૃદ્ઘો, બાળકો કે વિદ્યાર્થીઓને પરેશાન ન કરી શકાય. ભારતીય બંધારણ પ્રમાણે આનંદ લેવાનું કાર્ય બીજાના આનંદમાં વિક્ષેપ પાડનાર ન હોવું જોઈએ.

આમ, મોટા પાયે ફેરફારનાં થઇ શકે તો પણ નાનાનાના સુધારા લાવવાથી પણ પરીસ્થિતિમાં ફેરફાર આવી શકે છે. કારણ વગરનાં વાહનોનાં હોર્ન મારવા,લાઉડ સ્પીકરનો અતિશય ઉપયોગ, હેડફોનનો હદથી વધારે ઉપયોગ, ટી.વી ખુબજ ઉંચા અવાજે સાંભળવું, આવી આદતો સુધારી શકાય અને ધ્વની પ્રદુષણથી રાહત મેળવી શકાય.

"ધીરે ધીરે બોલ કોઈ સુન નાં લે..” એ ગીતને જીવનમાં ઉતારવા જેવું ખરૂં.

શ્લોકા પંડિત. અમદાવાદ.

E-mail: shlokapandit@gmail.com

નાની નિનિ

કુંજલ પ્રદિપ છાયા

E-mail: kunjkalrav@gmail.com

નાની નિનિઃ ગમે તે કરવું; ગમે તે ન કરવું!

નિનિને અચનાકથી પછળથી બોચીમાં અડબોથ મારી ટીચરે. એ એટલી બધી તો હેબતાઈ ગઈ કે એનાં હાથમાં રહેલ રંગથી ઝબોળેલ પીંછી પડી ગઈ. એ સડક થઈને ઊભી થઈ એવામાં ખોળામાં ગોઠવેલ ક્લિપ ભરાવેલ પાટિયાં સાથે ચિત્રપોથી નીચે પડી. બેંચનાં ઢાળીયાં ઉપર ટેકવેલ રંગોને મિશ્ર કરવા માટે પાણી પોતાની બોટલનું ઢાંકણું કેટલાય રંગોનાં ભેળસેળીયા ભૂખરા કે જરા ઘાટા લીલા કે પછી રાખોડી જ કહિ શકાય એવા મેલા પાણીની છોળ નિનિનાં સ્કુલ યુનિફોર્મ ઉપર ઉછળીને ઉડી!

આ બધું જ ઘડીની અડધી ક્ષણમાં જ એકસાથે બન્યું.

રિસેસ પછીનો પાંચમો તાસ અને એ પણ શુક્રવારનો નિનિને અતિ પ્રિય હોય. એ ઝડપભેર નાસ્તો પતાવીને એની બેઠક પર સૌથી પહેલાં ગોઠવાઈ જાય. રીસેસ પછી આમ તો રોજ ગણિત હોય એટલે જરા પાણીજળ કર્યા પછી નિનિને સુસ્તી ચડતી અને આંખોનાં પોપચાં પર ભાર વર્તાતો. પરંતુ ચિત્રનાં તાસમાં એ સજાગપણે અને હોંશભેર બેસીને રસપૂર્વક જે શીખવા મળતું એમાં ધ્યાન આપતી.

આજે પણ ચિત્રનાં શિક્ષિકાબહેને ખુબ જ સુંદર રીતે ઝીણવટથી ‘સાડી પાલવ’ની ભાત સમજાવી. ૭.સેમી પહોળાઈ અને દસ સે.મી લંબાઈનાં લંબચોરસ દોરાવ્યું અને એમાં આકર્ષક ફ્રિહેન્ડની ડિઝાઈન કરીને આખો પાલવ સુશોભિત લાગે એ રીતે દોરતાં શીખવ્યો. આ ડિઝાઈનમાં મનગમતા રંગોનું સંયોજન કરીને રંગપૂરવણી કરવાનો આદેશ આપ્યો.

બન્યું એવું કે નિનિને ફ્રિહેન્ડ કે ઝીણી મહેંદીની ડિઝાઈન કરવાનો ભારે શોખ. આજે શીખવેલ સાડી પાલવમાં તો એણે સુંદર કોતરણી કરી હોય એવી ભાત માંડી હતી. એમાં એણે એનાં ગમતીલા રંગો જાંબૂડીયા સાથે રાણી; આછા પીળા અને પોપટી રંગનું આકર્ષક ચિત્ર એણે સાવ પૂરૂં જ કરીને ખોળામાં મૂક્યું. ટીચર દીદી એની નજીક આવે ત્યાં સુધી રંગોની ભીંજવેલ ટ્રેમાં પડેલ વધારાનાં રંગોનું શું કરવું એ વિચારતી એણે પોતાનાં નખ ઉપર રાણી રંગમાં પીંછી ઝબોળીને લગાવતી બેઠી અને ત્યાં જ ટીચરે પાછળથી ઝડપી.

રડમસ સ્વરે નિનિએ પોતે દોરેલ ચિત્ર બતાવવા વાંકી વળીને પાટીયું ઉપાડયું પરંતુ શિક્ષિકાબહેન એમ માને શાનાં? એમણે તો ઊંચા સાદે નિનિને ખખડાવવાનું શરૂ કર્યું.

શિક્ષિકાઃ “આ શું માંડયું છે મારા પિરિયડમાં? આ ડરોઈંગનો ક્લાસ છે. અહીં ફેશન કરવા આવી છો?”

નિનિ કઈંજ બોલ્યા વિના ભેંકડો તાણીને રડવા લાગી. ચિત્ર દોરેલ ચિત્રપોથી એણે પાટીયાની ક્લિપમાં જ ભરાવેલ હતું જે એણે ટીચર સામે ઘર્યું. જ્યાં એ ઉત્સાહિત થઈને ચિત્ર બતાવવાની રાહ જોઈ રહિ હતી ત્યાં એને અપમાનિત ક્ષણ લાગી. એનું ડૂસકું શમ્યું નહિ. વાતનું વતેસર ન થાય એ બીક તો ટીચરને પણ થઈ આવી. એમણે સૂર નરમ કરીને કહ્યું.

શિક્ષિકાઃ “રડ નહિ. જા હાથ મોં ધોઈ આવ.”

યુનિફોર્મનું સ્કર્ટ સંકોચાઈને ઝાલી તે એક્દમ ઝડપથી વર્ગની બહાર નીકળી ગઈ.

***

સાંજે ઘરે પહોંચીને નિનિ સીધી એનાં કમરામાં જ ઘૂસી. મમ્મી એની પાછળ ગઈ. નિનિ કપડાં બદલવા એનો કબાટ ફંફોસવા લાગી. નિનિની મમ્મીને તાગ આવી ગયો કે જરૂર બહેનબા આજે વિફર્યાં છે! એમણે શાંતિથી નીનીનો ઘરમાં પહેરવાનો ફ્રોક કાઢીને પલંગ ઉપર મૂક્યો.

મમ્મીઃ “શું થયું આજે મારી ઢીંગલીબાઈને?”

નિનિઃ “કઈં નહીં. હું કપડાં બદલી આવું..”

મમ્મીએ વહાલથી પૂછેલ પ્રશ્નનો નિનિએ મોં ચડાવીને જવાબ આપ્યો. બાથરૂમ તરફ ગઈ. નિનિની મમ્મી હજુય એનાં કમરામાં જ હતી. નિનિની બહાર આવી એટલે તરત જ એને ખોળામાં લઈને ફરીથી જરા મજાકી્‌યા અંદાજમાં પૂછ્‌યું. “આજે સ્કુલમાં બધાં મજામાં તો છે ને?” મમ્મીનાં પ્રશ્નનાં ઉત્તરમાં એ માની સોડમાં જ લપાઈને ધ્રૂશ્કે ને ધ્રૂશકે રડવા લાગી. બધી જ વાત કરી. દોડતી જઈને બેગમાંથી પોતે દોરેલ ચિત્ર ચિત્રપોથીનાં પાનાં ફ્રેરવીને બતાવ્યું.

નિનિનાં મમ્મીએ તેને છાતીએ ચાંપીને રડતાં રોકી. કૂમળી દિકરીનું નાજુક મન કેટલી હદ સુધી ઘવાયું હશે એની કલ્પનાં સુદ્ઘાં એ ન કરી શકી. શારીરિક રીતે વિકાસ પામતી બાળકી માનસીકપણે પણ પુક્ત થતી જ હોય ને? એવા સમયે શિક્ષકો અને પરિવાર આ બંન્ને પરિબળો વિકાસશીલ પેઢી માટે આદર્શ કેળાવણી પૂરવાર કરતાં હોય ત્યારે આવો નાનો સરખો બનાવ પણ અગત્યની ભૂમિકા ભજવી જતો હોય છે. જો વખતસર ખરાબ અનુભવની યોગ્ય સમજણ ન અપાય તો એ બાબતે જીવનભર પૂર્વાગ્રહ બંધાઈ જાય છે. જેથી નિનિની મમ્મીએ તેને પડખે બેસાડીને વાત માંડી.

મમ્મીઃ “તે તને શું સૂઝ્‌યું નેઈલ પોલિશ કરવાનું? હ્‌મ્મ સ્કુલમાં મનાઈ છે ને?”

નિનિઃ “મમ્મી સ્કુલમાં નેઈલ પોલિશ કેમ ન થાય? મનાઈ કેમ?”

મમ્મીઃ “ડિસિપ્લિન બેબી.. જો પછી બધાં એવું જ કરીને આવે તો ભણવામાં ધ્યાન ઓછું લાગે ને? તું જ કહે!”

નિનિઃ “હા.”

એકાક્ષરી જવાબ આપ્યો નિનિએ. એને જરાસરખી વાત ગળે ઉતરી ગઈ હોય એવું લાગ્યું.

નિનિઃ “પણ મમ્મી ટીચરે આમ મને મરાય?” માથા પાછળ હાથ ફેરવીને બતાવ્યું નિનિએ અને પછી મોં ફૂલાવીને બેઠી.

મમ્મીઃ “ના. આમ ન જ મરાય. તને નહિ; કોઈને જ ન મરાય.”

નિનિઃ “તો પછી ટીચરને કોણ સજા કરશે?”

મમ્મીઃ “હું કમપ્લેઈન કરૂં? તું કહે તો..”

નિનિઃ “ના. હું ક્લાસમાં વર્ક જ મસ્ત કરીશ એટલે ટીચર પોતે સમજી જાશે કે મને ન’તું મારવું જોઈતું. હેં ને? મમ્મી..”

મમ્મીઃ “હા. એમ જ. આપણે બોલીએ એનાં કરતાં આપણું કામ બોલે એવું કરવું જોઈએ.”

“યેસ્સ્સ...” બોલીને નિનિ એની મમ્મીને વળગી પડી.. નિનિની મમ્મીને એમની મમ્મીએ એમનાં નાનપણમાં આપેલ એક શીખ યાદ આવી. એમણે બોલવાનું ચાલુ કર્યું.

“જો તને જેનો શોખ હોય એ બધી જ પ્રવૃત્તિઓ કરી શકે છે પણ એ તારા અભ્યાસને આડે ન આવવું જોઈએ. તને ખબર છે તારા નાનીબા એ મને હું તારા જેવડી હતી ત્યારે શીખવ્યું હતું કે ‘ગમે તે કરવું પણ ગમે તે ન કરવું.’ સમજીને?” નિનિ વિસ્ફારીત આંખે મમ્મીની વાતો સાંભળી રહી.

નિનિની મમ્મીને શું સૂઝ્‌યું કે એમણે પૂછ્‌યું, “તું ચિત્રકામમાં કેમ બહુ રસ લે છે?”

નિનિઃ “મોટી થઈને ફેશન ડિઝાઈનર બનીશ..” આંખ મચકોરીને નિનિ ઊભી થઈ. ફ્રોકની કોર પકડીને કેટવોક કરતી હોય એવી છટાથી બોલી.

નિનિની મમ્મીએ એને પોતાના ભણી ખેંચીને ગાલે ‘મીઠુડી’ આપી!

કુંજલ પ્રદિપ છાયા. ગાંધીધામ.

E-mail: kunjkalrav@gmail.com