No Return - 2 - Part - 1 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન - 2 - ભાગ - 1

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

નો રીટર્ન - 2 - ભાગ - 1

આખરે લગભગ એક વર્ષનાં લાંબા અંતરાળ બાદ નવી નવલકથા લખવાનું મંડાણ થઈ રહ્યું છે ત્યારે મનમાં અગણીત વિચારો જબકી રહ્યા છે. હું યાદ કરું છું એ દિવસ જ્યારે પહેલી વખત પેન હાથમાં લીઘી હતી અને નોટબુકનાં પાના પર પહેલાં શબ્દો લખ્યા હતા. જબરો રોમાંન્ચ થયો હતો...હ્દયનાં એક ખૂણે કંઇક અકળ લાગણીઓ જન્મી હતી. લેખક થવાનું કે લેખક તરીકે ઓળખાવાનું તો સ્વપ્નેય વિચાર્યુ નહોતું. મેં તો બસ...મારા નિજાનંદ માટે કલમ ઉપાડી હતી. અશ્વિની ભટ્ટનો પહેલેથી હું જબરો ચાહક એટલે સ્વાભાવીક છે કે રોમાંન્સ, રહસ્ય, થ્રીલ તરફ મારો ઝુકાવ વધું રહ્યો હોય. એવી જ એક વાર્તાનો પ્લોટ અચાનક મળી ગયો હતો જેને ઘણાં લાંબા સમય સુધી મનમાં જ મમળાવ્યા પછી એક દિવસ એ પ્લોટ “ નો રીટર્ન “ તરીકે કાગળ પર ઉતર્યો. “ નો રીટર્ન “ એ મારી પહેલી નવલકથા. હું મારી શોપ પર બેસીને લખતો અને મારો એક મિત્ર, હું જેટલુ લખું એટલું વાંચીને વખાણ કરી-કરીને મને પાનો ચડાવ્યે રાખતો. માત્ર મોજ ખાતર શરું થયેલી મારે એ સફર આજે ચાર-ચાર નવલકથાઓ સુધી વિસ્તરી ચૂકી છે.

પહેલા “નો-રીટર્ન”, ત્યારબાદ “નસીબ”, “અંજામ” અને છેલ્લે “નગર”. મને ખુદને પણ ક્યારેક આશ્ચર્ય થાય છે કે આટલું બધું મેં ક્યારે અને કેવી રીતે લખી નાંખ્યુ હશે..! લખ્યું તો ખરું, પણ એ તમામ ચારે- ચાર નવલકથાઓને વાચકોએ ઉમળકા ભેર વધાવી લીધી એ કોઇ અભૂતપૂર્વ ઘટનાથી કમ તો નથી જ. એ માટે હું મારા વાચકમિત્રોનો જેટલો આભાર માનું એટલો ઓછો પડશે. અને ખાસ તો માતૃભારતી અને તેની ટીમ નો..

“ નગર “ ચાલતી હતી એ સમયગાળા દરમ્યાન મારા મનમાં એક વિચાર ઉદભવ્યો કે “ નો રીટર્ન “ ની સીકવલ લખું તો...! ગુજરાતી ભાષામાં કોઇ નોવેલની સીકવલ લખાઇ હોય એવું કમસેકમ મારાં ધ્યાનમાં તો નથી. એટલે એક પ્રયોગ ખાતર સીકવલ લખવાનું વિચાર્યુ. જો કે તેનાં માટે “ નો રીટર્ન “ જેટલો જ દમદાર પ્લોટ મારા મનમાં રમતો હતો એટલે “ નો રીટર્ન – ૨ “ ની શરુઆત કરવામાં વધુ વિલમ્બ થયો નહી.

“ નો રીટર્ન-૨ “ એ પહેલા ભાગથી તદ્દન ભીન્ન સ્ટોરી છે. ઘણાંસને એમ હશે કે આ નવલકથા પહેલા ભાગનાં અનુસંધાનમાં આવશે, તો તે વાચકો માટે ચોખવટ કરી દઉં કે એવું બીલકુલ નથી. આ એક અલગ અને સંપૂર્ણ રીતે સ્વતંત્ર નવલકથા છે. સ્ટોરી લાઇન પહેલા ભાગ જેવી જ છે પરંતુ અહી પાત્રો, સ્થળ, પ્રસંગો અને સ્ટોરીની માવજત સાવ અલગ જ હશે. આશા રાખું છું કે આગળની નવલકથાઓ માફક આ નવલકથા પણ વાચકમિત્રોને ગમશે.

જેમને ગુરુ સ્થાને સ્થાપીને મેં લખવાનું શરું કર્યુ છે એવા શ્રી અશ્વિની ભટ્ટ ( દાદા ) ને આ નવલકથા અર્પણ. આપનાં આશીર્વાદ સતત મારા પર વરસતા રાખજો દાદા. પ્રણામ.

તો...શરૂ કરીએ રહસ્ય...રોમાંચથી ભરપુર એક અદભૂત સફર....” નો રીટર્ન-૨ “.

નો રીટર્ન-૨

ભાગ -૧

સૃષ્ટિનાં સર્જનથી માંડીને આજનાં વર્તમાન સમય સુધીમાં પૃથ્વી ઉપર અસંખ્ય ઉથલ-પાથલો સર્જાઇ હશે. દરરોજ કંઇક નવીનતમ રચનાઓ ઉદ્દભવી હશે અને ઘણું નાશ પણ પામ્યું હશે. લાખો-કરોડો પશુ-પક્ષીઓ, પ્રાણીઓ, માનવીઓનું ઉદ્દભવન અને વિનાશ થયો હશે. સમયનાં અનેક કાળખંડો હવાનાં ફોરાની જેમ આવ્યા અને વીતી ગયા હશે, પૃથ્વી નામનાં આ ગ્રહ ઉપર બધું જ ક્ષણભંગુર છે...મીથ્ય છે....! અવિચળ રહી છે તો એક માત્ર આ આપણી ધરતી, આપણી પૃથ્વી. સનાતન સત્યની જેમ અડીખમ અને સ્થિર....! એક એવું સનાતન સત્ય, જે હજ્જારો વર્ષોથી ધૂણી ધખાવીને તપશ્વર્યામાં બેઠેલા કોઇ સિધ્ધ હસ્ત જોગીની જેમ અવિચળ રહી પોતાની ભ્રમણકક્ષામાં સતત ભ્રમણ કરતી રહે છે.

ભૂતકાળનાં વિતેલા કાળખંડોનાં દરેક સમય ક્ષેત્રની અંદર જન્મેલા મહાનતમ અને પ્રખર બુધ્ધીશાળી તેમજ અપાર શક્તિશાળી માનવીઓએ પૃથ્વીનાં દરેક સમયખંડ ઉપર પોતાનું આધિપત્ય જમાવવાની હજ્જારો કોશિષો કરી હશે. પોતાની અસીમ તાકત અને કુશાગ્ર બુધીશક્તિથી દુનિયા ઉપર રાજ કરવાની મહેચ્છાઓ સેવી હશે. કુદરતે સર્જેલા અસંખ્ય રહસ્યોને સમજી વધુ બહેતર જીવન જીવવા માટે અથાગ પ્રયત્નો કર્યા જ હશે. ઘણાં માનવીઓને તેમાં સફળતા મળી અને ઘણાંને નિષ્ફળતાઓ પણ મળી હશે. તેમ છતાં, માનવ સ્વભાવનું એક સાહજીક લક્ષણ ગણો કે એક પ્રાણી સહજ કુતુહલતા.. માનવીએ કયારેય કુદરત સમક્ષ હાર સ્વીકારી નથી. આજનાં વર્તમાન યુગમાં પણ એ મથામણો સતત ચાલુ જ છે. આજનો આધુનિક માનવ આજે પણ કુદરતે રચેલી આ બેનમૂન....અદ્દભૂત સૃષ્ટીનાં અગણિત રહસ્યોને ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ રહયો છે. આ એક અવિરત ચાલતી દડમજલ છે, એક પ્રક્રિયા છે જેમાં કયારેક માનવીનું પલડુ ભારે થઇ જાય છે તો કયારેક કુદરત માનવી ઉપર હાવી થઇ જાય છે. બંને પક્ષે એક અજીબ-સી કશ્મકશ દિવસ-રાત સયય ચાલતી રહે છે જેનો કયારેય અંત આવવાનો નથી. છતાં પણ એક વાત અફર છે અને તે એ કે કુદરત...કે સૃષ્ટી...કે પછી આ વિશ્વ, જે કહો તે, પોતાની અંદર એટલાં ગૂઢ રહસ્યો અને વિસ્મયો સમાવીને બેઠું છે જેનો સંપૂર્ણપણે તાગ મેળવતા કદાચ હજુ હજ્જારો વર્ષો લાગી જશે. છતાંય એ નક્કી તો નથી જ કે આટ-આટલા અથાક પ્રયત્નો પછી પણ માનવી કુદરતી ઘટનાઓને, કુદરતનાં રહસ્યોને પુરેપુરા સમજી શકશે કે નહિ...? કુદરત સામે મનુષ્ય સદાય નત-મસ્તક રહ્યો છે અને સદાય રહેશે.

તમને સવાલ થતો હશે કે હું આ બધું શું કહી રહયો છું....? અને શાં માટે કહી રહયો છું....? પ્રશ્નો ઉદ્દભવવા સ્વાભાવિક છે, અને ઉદ્દભવવા પણ જોઇએ જ. મને પોતાને પણ અસંખ્ય સવાલો થયા હતાં અને હાલમાં પણ થઇ રહયા છે. એક સવાલ તો એવો પણ છે કે મારી જીવન કથની આ કહાની દ્વારા હું તમને શું-કામ સંભળાવું છું...? મારા જીવન સાથે જ્યારે મને પોતાને જ નિસ્બત નથી તો પછી તમને લોકોને મારી કહાની કહેવાનો શું મતલબ...? તેમ છતાં હું આ કહી રહયો છું. શું-કામ....? એ નથી જાણતો. કદાચ મારી અંદર રહેલી માનવ સહજ એષણાઓ મને આ કહેવા પ્રેરી રહી હશે. ખેર....! એ જે હોય તે...

હું પવન. પવન જોગી..” જોગી “ ખાનદાનનો એક માત્ર વારસદાર. આમ તો મારે કોઇ ખાસ મિત્રો નથી છતાં પણ જે મિત્રો છે એ લોકો મને સાવ નિરસ અને બોરીંગ માણસ ગણે છે. તેનું એક કારણ એ હશે કે હું સતત એક જ ઘરેડમાં જીવ્યે જતો સાવ નિરુપદ્રવી યુવાન છું. એવો હું કેમ છું એ ખ્યાલ તો મને પણ નથી. કદાચ નાનપણથી જ હું આવો હોઇશ... છેલ્લા દસ વર્ષથી હું મારા પરિવારથી દુર રહી હોસ્ટેલમાં ભણી રહયો છું. મારા વિચિત્ર સ્વભાવનું કારણ કદાચ એ પણ હોઇ શકે કે મને મારા પરીવાર પ્રત્યે કોઇ જ ભાવનાત્મક લગાવ નથી. હાં, મને મારા દાદા બહુ જ વહાલા હતાં. પણ તેઓ તો કયારનાં પરલોક સિધાવી ગયા છે. દાદાની જેમ મારી માં પણ હું નાનો હતો ત્યારે જ મરી પરવારી હતી એટલે મારા હ્રદયમાં એક રુક્ષતાપણું નાનપણથી જ છવાયેલું રહયું હતું. પહેલા મારી માં અને પછી દાદાની અણધારી વિદાય બાદ મારા પિતાએ મને સાચવવાની ઘણી કોશિષો કરી હશે એવું હું સ્પષ્ટપણે માનું છું પણ માં ના પ્રેમ વગર ઉછરતો એક બાળક કાં તો બહું ડાહ્યો અને સમજદાર થાય અથવા તો પછી બળવાખોર બને. મારામાં આ બીજા પ્રકારનાં ગુણધર્મો ઉદ્દભવ્યા હતાં. બધા કહેતા કે નાનપણમાં હું બહું તોફાનો કરતો, એટલે જ હારી-થાકીને કે પછી કંટાળીને મારા પિતાએ મને હોસ્ટેલ ભેગો કરી દીધો હતો. આખરે તેમણે પણ પોતાનો બિઝનેસ સંભળવાનો હતો... તેમની પણ કોઇ પર્સનલ જીંદગી હતી. જયાં સુધી સહન થયું ત્યાં સુધી તેમણે મને સહન કર્યો જ હશે. આ મામલમાં હું તેમને કોઇ દોષ દેતો નથી.

પરંતુ... હોસ્ટેલમાં આવ્યા બાદ મારામાં ગજબનું પરિવર્તન આવ્યું હતું. એકાએક હું સાવ શાંત પડી ગયો હતો. આ દુનિયામાં હવે મારે એકલાં જ રહેવાનું છે, એકલાએ જ દુનિયા સાથે બાથ ભીડવાની છે એ ખ્યાલે મારા સ્વભાવમાં ગજબનું પરીવર્તન આણ્યું હતું. એકલાં રહેવાનાં ખ્યાલે કદાચ હું ગભરાઇ ગયો હોઇશ. મારી હિંમ્મત અને મારા તોફાનો એકાએક શાંત થઇ ગયા હતાં. બસ... ત્યાર પછીથી હું એવો જ છું. જૂવાની ફૂટવા છતાં એક યુવાન વ્યક્તિમાં હોય એવા કોઇ જ લક્ષણો મારામાં પાંગર્યા નહોતા. એક સંકુચીત કોચલામાં મેં મારી જાતને સમાવી લીધી હતી. એમ સમજોને કે હું મારા ખુદનાં વ્યક્તિત્વથી જ મુંઝાઇ ગયો હતો. મારે એમાંથી બહાર નીકળવું હતું. મારામાં જે લઘુતાગ્રંથી ઘર કરી ગઇ હતી તેનાથી છુટકારો મેળવવો હતો. અને એવું નથી કે એ માટે મેં સભાનપણે પ્રયત્નો નહોતાં કર્યા...! મેં મારી જાતને, મારા વર્તનને બદલાવવાની ઘણી કોશિષો કરી હતી. આખરે ગમેતેમ પણ હું એક રાજકુમાર હતો. એક રાજકુમાર આટલો માયકાંગલો કેવી રીતે હોઇ શકે...! ભલે અમારું રજવાડું ભારતની આઝાદી પછી વિલીનીકરણ પામ્યું હોય, ભલે હાલમાં અમારી પાસે કોઇ રિયાસત ન હોય, તેમ છતાં મારુ કુટુંબ આજે પણ એટલું જ અમીર અને સમૃધ્ધ હતું જેટલું આઝાદી પહેલાં હતું. ગુજરાત-રાજસ્થાનની સરહદ ઉપર વસેલા અમારા રજવાડાની જમીન ઉપર આજે પણ અમારી મિલ્કતો-અસ્કયામતો હતી. ભારતની આઝાદી સમયે મારા દાદાએ સમયની રુખ પારખી અમારા હિસ્સામાં આવતી સંપત્તિનું એટલું સરસ આયોજન ગોઠવ્યું હતું કે આજે પણ અમારા “ જોગી ” પરીવાર પાસે અપાર જમીનો હતી, ત્રણ-ચાર મોટી હવેલીઓ હતી. ઉપરાંત, મબલખ રોકડ અને ઝવેરાત એ સમયે અમારા હિસ્સે આવ્યું હતું. દાદાએ તેમની કાબેલીયત અને દુરંદેશીથી અમારા હિસ્સે આવતી સંપત્તિનું એટલું વ્યવસ્થિત સંચાલન અને રોકાણ કર્યુ હતું કે આજે અમે કયાંયનાં રાજા ન હોવા છતાં રાજાશાહી લાઇફ-સ્ટાઇલથી જીવી શકતા હતાં. રહિશોને પોસાય તેવા શોખ પાળી શકતા. વળી, મારા પિતાજી પણ એક નંબરનાં અવ્વલ પાક્કા બિઝનેસમેન પાકયા હતાં. જે કંઇ વિરાસત મારા દાદા એમની પાછળ મુકતાં ગયા હતાં તેમાં મારા પિતાજીએ જબરો વધારો કર્યો હતો. એક ફાયદો એ પણ હતો કે હું જેવી રીતે મારા પિતાજીનું એકનું એક સંતાન હતો એવી જ રીતે મારા પિતાજી પણ એક જ હતાં. મારે કોઇ ફોઇ કે કાકા નહોતાં...એટલે જોગી ખાનદાનની સંપત્તિ એક સીધી લીટમાં સતત વધ્યે ગઇ હતી. જે મિલ્કતો અને જમીનો હતી તેમાં કોઇ ભાગલા પડયા નહોતા. આજની તારીખે અમારી સંપત્તિનો આંક અબજોમાં આંબવા આવ્યો હશે.

આટ-આટલું હોવા-છતાં...મારા પિતાજી માનતાં કે હું, તેમનો એક નો એક દિકરો નપાવટ પાકયો છું. મારુ નામ સાંભળતા કે મારો ચહેરો જોતાં તેમને અપાર નિરાશા ઉદભવતી. જોગી પરિવારનો વારસો મારા માયકાંગલા ખભા કયારેય નહિ ઉપાડી શકે એવું તેઓ સતત માનતાં. તેમાં પણ મારી માં નાં મૃત્યુ બાદ તો તેમની એ ધારણા વધુ મજબુત બનતી ગઇ હતી અને તેમણે મને તેમનાંથી દુર રાખવા અને તેમનાં મત મુજબ મારી અક્કલ કંઇક ઠેકાણે આવે, હું થોડી દુનિયાદારી શીખું એવા આશયથી મને અમદાવાદની એક પ્રખ્યાત હોસ્ટેલમાં ભણવા મોકલી દીધો હતો. એ વાતને આજે દસ-દસ વર્ષનાં વહાણા વીતી ગયાં હતાં. હવે મેં ગ્રેજ્યુએશન પુરું કરી લીધુ હતું. બીજી બધી બાબતોમાં ભલે હું ગમે તેવો હોઉં, પણ ભણવાની વાતે હું અવ્વલ પાક્યો હતો. મારી એકલતાનો મને એક ફાયદો થયો હોય તો તે એ હતો કે હું ભણેશ્વરી બની ગયો હતો અને મારું પરીણામ આ બાબતે સતત સુધરતું રહયું હતું. એમ સમજોને કે મારી એકલતામાં મારી કિતાબોએ મને ગજબનાક સાથ આપ્યો હતો. કોલેજની દરેક એક્ઝામમાં હું ટોપ આવવા લાગ્યો હતો અને છેલ્લા વર્ષની પરીક્ષામાં જે પરીણામ આવ્યું તેનાં આધારે મને વર્લ્ડની બેસ્ટ કહી શકાય એવી અમદાવાદની મેનેજમેન્ટ સંસ્થા આઇ.આઇ.એમ (IIM)ની એન્ટ્રસ એક્ઝામમાં ઝળહળતી સફળતા મળી જેથી IIM માં મને આસાનીથી એડમીશન મળી ગયું હતું. આજે એ વાતને પણ બે વર્ષ વહી ગયાં હતાં.

તો... આ હતો મારો નાનકડો પરીચય. ગુજરાત બોર્ડરનાં એક નાનકડા રજવાડા “ ઇન્દ્રગઢ ”નાં એક સમયે અમે રાજા હતાં. ભારતની આઝાદી પછી કચ્છનાં લોકોએ જેમ મુંબઇની રુખ કરી હતી તેમ મારા દાદાને પણ મુંબઇની ધરતી સોનેરી લાગી હતી અને તેમણે “ ઇન્દ્રગઢ ” છોડીને મુંબઇ વસવાટ કરવાનું નક્કી કરી લીધુ હતું. “ ઇન્દ્રગઢ ” ની અમારી રીયાસત તેમજ જમીનો અને હવેલીઓનો વહીવટ યોગ્ય હાથોમાં સોંપીને તેઓ મારા પિતાજીને લઇ મુંબઇ શીફ્ટ થયાં હતાં. એ સમયે મુંબઇ એક બિઝનેસ સીટી તરીકે ધીરે-ધીરે વિકસી રહયું હતું..અને જે ઝડપે મુંબઇનાં બંદરગાહોનો વિકાસ થઇ રહયો હતો એ ઝડપ ભવિષ્યનાં સોનેરી અવસરો લઇને આવવાની હતી એ મારા દાદાને સ્પષ્ટ દેખાતું હતું.

કોઇપણ વ્યક્તિને પોતાનું માદરે-વતન, પોતાની જન્મભૂમી છોડીને બીજે વસવાટ કરતા દુઃખ તો થતું જ હોય છે. મારા દાદાએ પણ ભારે હ્રદયે “ ઇન્દ્રગઢ ” છોડયું હતું. એક એવી આશાએ તેઓ મુંબઇ આવ્યા હતાં કે જ્યારે તેમનો દિકરો..એટલે કે મારા પિતા વિશ્વજીતસીંહ જોગી સમગ્ર જોગી પરિવારની જવાબદારીઓ સંપૂર્ણપણે ઉપાડી લેશે ત્યારે ફરીથી તેઓ “ ઇન્દ્રગઢ ” રહેવાં આવતાં રહેશે અને પોતાની પાછલી જીંદગી તેઓ આરામથી અહીં જ વીતાવશે. આ તેમનું ધ્યેય હતું... એક સોનેરી સપ્ન હતું.

પરંતુ... તેમનું એ સપ્ન કયારેય સાકાર થયું નહી. મેં આગળ કહ્યું તેમ, કુદરત બડી ફાંટેબાજ ચીજ છે. તેનાં રહસ્યોને, તેની ચાલને સમજવાની શક્તિ કાળામાથાનાં માનવી માટે તદ્દન અસંભવ સમાન છે. એવું જ કંઇક મારા દાદા સાથે પણ ઘટ્યું હતું. કોણ જાણે કેવી રીતે તેઓ એક રહસ્યનાં સંશોધનમાં પરોવાયા હતાં અને, એ રહસ્યને તેઓ ઉકેલી શકે એ પહેલાં તેમનું મૃત્યુ થઇ ગયું હતું. મને કે મારા પિતાજીને આ બાબતનો સહેજે ખ્યાલ નહોતો. મારા પિતાજી તો તેમનાં બિઝનેસમાં મસ્ત હતા અને હું ભણવામાં મારું જીવન ખપાવતો હતો. પણ...એક દિવસ મને કંઇક જાણવા મળ્યું. સાવ અનાયાસે જ, દાદાજી કયા રહસ્યની શોધમાં હતાં તેનાં વિશે મારી જાણમાં આવ્યું. અને...એ દિવસ પછીની મારી સંપૂર્ણ જીંદગી બદલાઇ ગઇ હતી. ખરેખર તો હું મારી બોરિંગ લાઇફથી એક રીતે ખુશ હતો. મારે એ જમેલામાં પડવા જેવું નહોતું. પણ... હું પડયો.. ઉંધે કાંધ પડયો.

( ક્રમશઃ- )

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.