Siddhpur na Karmyogi in Gujarati Short Stories by Vijayraj books and stories PDF | સિધ્ધપુર ના કર્મયોગી

Featured Books
Categories
Share

સિધ્ધપુર ના કર્મયોગી

કર્મયોગી

બાપુજી !”

“હં”

“એક વાત પૂછું?”

“પૂછ !!!”

“તમે હવે આરામ કરો તો કેવુ્ં?”

“એટલે?”

“એટલે” દીકરાએ નમ્ર અવાજે ચાલુ રાખ્યું. “એટલે કે તમે આ બધા ટ્રસ્ટોની માયા મૂકી દો.”

“માયા નહી, સેવા દીકરા. સેવા કેમ મૂકાય?”

દીકરો મૂંગો થઇ ગયો. તેને ખબર હતી કે તેના બાપુજીને સેવા એ સૌથી વહાલી ચીજ હતી. પરંતુ એને ચિંતા હતી કે તેના જૈફ પિતાનું શરીર વધુ શ્રમ ખમી શકે તેમ નહોતું. ડોક્ટરનો પણ એજ અભિપ્રાય હતો. હ્નદયરોગનો એક જબરદસ્ત હુમલો આવી ગયો હતો. બધાની સલાહની દિશા એકજ હતી : આરામ; અને જૈફ માણસની એકજ જીજીવિષા હતી : સેવા.

“પિતાજી, સેવા તમારે એકલાએ કરવાની કે અમારેય કરવાની?” – પુત્રવધુએ વાત આગળ ચલાવી.

“તમેય કરો, દિકરા, મને ગમશે.”

“તો અમનેય તક આપો!”

“દરિદ્રનારાયણ સઘળે છે, તક સર્વત્ર છે.”

“ના, પણ અમને… તમારી .. સેવા કરવાની તક આપો.”

“એનુ નામ માયા. મારા પ્રત્યેની લાગણીથી જ મારી સારવાર કરો છો. તું એને સેવા કહેતી હોય તો દિકરી તેં ઘણી સેવા કરી છે. છેલ્લા ચાર મહિનાથી તમારા પર બોજ બની રહ્યો છું…..”

“એવું ના બોલો, અમારી ફરજ બોજ નથી.” દીકરો બોલ્યો.

“મારે પણ મારી ફરજ બજાવવાની છે.”

“પણ ત્યાં બસો કીલોમીટર દૂર તમે એકલા રો, અમને અહીં કેટલી ચિંતા થાય. હવે અહીં અમારી પાસે જ રહો તેવી અમારી વિનંતી છે. અમને અમારી ફરજ પૂરી કરવા દો.”

“ફરજ?”

“કઇ ફરજ મોટી? ગાયો અને ગ્રામજનોની સેવાની ફરજ મોટી કે બાળકો પિતાની ચાકરી કરે તે ફરજ મોટી?”

વૃધ્ધે જોયું કે પુત્ર અને પુત્રવધુ મક્કમ હતાં. એકબાજુ તેમની જિંદગીની વહાલસોયી કામગીરી હતી તો બીજીબાજુ વહાલસોયો દિકરો ને સેવાભાવી પુત્રવધુ તરફની મમતા હતી. બે સારી, સાચી અને મીઠી વાતો નો સંઘર્ષ હતો.

કોણ જીતે? – ફરજ કે પ્રેમ?

વૃધ્ધના મગજમાં વિચારના વલય ઘૂમરાવા લાગ્યાં. ચોવીસ કલાક વીતી ગયા. વૃધ્ધ મને કઠણ નિર્ણય કરી લીધો.

પુત્રને બોલાવ્યો : “બલભદ્ર…”

“જી બાપુજી…”

“કેશવલાલ શેઠને મારા રાજીનામાનો પત્ર લખી જણાવ કે મને પાંજરાપોળના ટ્રસ્ટના મંત્રી પદ પરથી મુકત કરે. ”

“બાપુજી, બીજા ટ્રસ્ટો…?” હરખાતાં દીકરાએ પૂછી નાખ્યું.

“એ પછી વાત, મારી સહી કરાવી લેજે.”

દીકરએ પત્ર લખ્યો. રાજીનામા પર પિતાની સહી કરાવી. પત્ર રવાના કર્યો. ચાર-પાંચ દિવસ પછી જવાબ આવ્યો.

પુજ્ય પંડ્યાજી, તમારો પત્ર મળ્યો. હું જાણું છું કે તમારી ગંભીર માંદગી પછી તમારે આરામની જરૂર છે. મારે તમારું રાજીનામું સ્વીકારવું જોઇએ. સ્વીકારું – પણ એક શરતે ! તમે મંત્રી મટી પ્રમુખ થાઓ. તમારે ઘરે ટેલીફોન ની વ્યવસ્થા કરીએ. ઘેર બેઠા બેઠા જ વહીવટ કરો. ગામડે જવાની જરૂર થાય તો તમારે માટે કાયમ માટે એક જીપની વ્યવસ્થા કરીએ. પણ તમે અહીં આવીને જ રહો.

ભાઇ બલભદ્ર, તમારા પિતાજી આ ટ્રસ્ટને સાચવશે અને અમે તેમને સાચવીશું. તમે ચિંતા કરશો નહીં.

કેશવલાલ ના જય શ્રી કૃષ્ણ

પિતા પુત્રની નજર મળી. કોઇ કશું બોલ્યું નહિ. પત્રનો જવાબ લખવાની કોઇ જરૂર જણાઇ નહીં. પંદર દિવસ પછી આ વૃધ્ધ શ્રી ભાઇશંકર પંડ્યા પોતાના વતન સિધ્ધપુરમાં આવેલા પોતાના ઘરે જઇ પહોંચ્યા. તેમણે ટ્રસ્ટને જીપગાડી નો ખોટો ખર્ચ કરવાની ચોખ્ખી ના પાડી. અને સેવાના કાર્યમાં જોડાઇ ગયા.

છાપાઓમાં રોજબરોજ કીસ્સા વાંચીએ છીએ. ઓડીટરે પાસ કરાવેલા હિસાબો રજૂ કરનાર કેટલાય મંત્રીઓના ગોટાળાની વાત છપાય છે ત્યારે જેની સેવાઓ કરનાર માટે ટેલીફોન અને જીપની સગવડ આપવા તૈયાર થનાર ટ્રસ્ટીઓએ ૬૦ (સાઇંઠ) વર્ષના વૃધ્ધ શ્રી ભાઇશંકર પંડયામાં એવું શું જોયું?

એમણે જે જોયું અને અનુભવ્યું તે આ કળિયુગનાં જમાનામાં અતિ વિરલ હતું. ગીતામાં જેને નિસ્વાર્થ કર્મયોગ કહ્યો છે. તેના મૂર્તિમંત સ્વરૂપ શ્રી ભાઇશંકર પંડયા હતા.

કર્મયોગીનું સ્વરૂપ શ્રી ભાઈશંકર પંડ્યા.

એ વખતે સિધ્ધપુર જેવા વિખ્યાત ધર્મસ્થળની ગાયો જ દયાપાત્ર દશામાં હતી. ગાયો ને ગૌમાતા કહી સહુ બોલાવે પણ ઘાસચારાની વ્યવસ્થા નહિવત્. ગાયમાતાઓ માટે ગોચર ખાતેની જમીન પુષ્કળ. લગભગ ૫૦૦ વીઘા જમીન. સિધ્ધપૂરથી થોડે દૂર નાગવાસણ ગામના ખેડૂતો તે જમીન ખેડે. ઘણા લાંબા સમયથી ખેડ તેમના હાથમાં. જૂના વખતથી વીઘે પાંચ કે પચીસ રૂપિયા ઉધડ દર વર્ષે ખેડૂતો આપે. કોઇ ઉધડ રકમ આપે કોઇ ન આપે. પાંચસો કે હજાર રૂપિયા વર્ષ આખરે મળે. અને આમાંથી સિધ્ધપુર પાંજરાપોળની દૂબળી પાતળી ઘણી ગાયો પોષવાની.

કાયદો કહે : “ખેડે તેની જમીન”, ખેડૂત પર ન તો કાયદેસર કામ લઇ શકાય, ન તો તેને ધમકાવી શકાય. કોઇ તેમને સમજાવવા જાય “પટેલ, આ તો ધરમનું કામ છે. ગાયમાતા માટે વધારે રકમ આપો.” સારો ખેડૂત હોય તો પ્રશ્ર્ન કરે : “હું જે રકમ આપું તે ગાયો માટે જ વપરાશે? તમે ખાત્રી આપો છો.?” તેને શું જવાબ અપાય? તમે બહુ પ્રામાણિક હો પણ કામ કરવાની ફુરસદ જ ન હોય અને બીજા જે કામ કરનારા હોય તેના વિષે તમે જે જાણતા હો તેના કરતાં તે ખેડૂત વધારે જાણતો હોય. સામાન્ય ખેડૂતને પૂછો તો જવાબ મળે કે, “અમે પુણ્યનું જ કામ કરીએ છીએ. તમે તમારૂ કામ કરો”

એવી પરિસ્થિતિમાં શ્રી ભાઇશંકર પંડ્યાનાં હાથમાં કામ સોંપવામાં આવ્યું. પંડ્યાજી સિત્તેર વર્ષની વયે પણ સિધ્ધપુરથી ચાલતા નાગવાસણ જાય. સાથે પોતાનું ભાથું લેતા જાય. કોઇને ત્યાં જમે નહીં. પોતાનું જ જમે. દૂધની ભાખરી લઇને ગયા હોય. શાક જાતે બનાવી લે. કોઇને પૈસાનુંય ખર્ચ ન કરાવે. ટ્રસ્ટને માથે પોતાનો પાઇનો પણ ખર્ચ નાંખે નહીં. જો ક્યારેક બસમાં જાય તો બસનું ભાડું પણ ઘરનું.

પંડ્યાજી ખેડૂતને સમજાવે : “ભાઇ, ટ્રસ્ટની જમીન પાછી આપો.”

સામે પ્રશ્ર્ન પૂછાય “કોણ ખેતી કરશે? તમે બળદ ફેરવશો?” લોકો વાત હસી કાઢે.

પણ પંડ્યાજી એમની વાત મૂકે નહિં. “હું ખેતી નહીં કરૂ તો તમે ખેડશો. પણ ટ્રસ્ટને ઉઘડ ન જોઇએ. ગાયમાતઓ માટે ઘાસ જોઇએ અને એ આજ જમીનમાંથી પેદા કારવાનું છે.”

સાચ ઝંકળ્યા વગર રહેતું નથી. પ્રામાણિકતા પરખાયા વગર રહેતી નથી. તમે બે આંખે જૂઓ છો. પણ તમને જોનાર હજારો આંખો હોય છે. તેમની આંખો પહેલા દોષ જોવા મથે છે. પણ દોષ જ્યારે દેખાતો જ નથી ત્યારે સાચને પૂજે છે.

પંડ્યાજીને હસી કાઢનારા ગંભીર બન્યાં. રસ્તો ચાતરી જનારા સામેથી ચાલીને મળવા આવવાં લાગ્યાં. પંડ્યાજીને ખબર હતી કે બહારથી કઠોર દેખાતા ખેડૂતોનાં દિલ નિર્મળ છે, હેતવાળા છે. માણસો પરગજુ છે અને ધર્મની વાતને સાંભળનારા છે. તેમણે ધીરજથી, ખંતથી, પ્રેમથી અને સમજાવટથી કામ લીધું. અને જોતજોતામાં બધી જ જમીન ટ્રસ્ટનાં હાથમાં પાછી આવી. એક પણ ખેડૂતે જમીન પચાવવાનો વિચાર સુધ્ધાં કર્યો નહિં. આ હતો પંડ્યાજીની નિ:સ્વાર્થ ભાવનાન઼ો ચમત્કાર.

પંડ્યાજીએ જમીનમાં ખેતી કરાવવી શરૂ કરી. એક પછી એક સુધારણા જેમ કે ગાયો માટે પાકી ગમાણ, બબ્બે કૂવાં, કૂવાં ઉપર એંજીન, ટ્રેક્ટર અને ઘાસ માટે ગોડાઉન પણ કરાવ્યું.

આ લખાંયું ત્યારે આ જમીન વર્ષે દહાડે ૪૦૦૦૦ (ચાલીસ હજાર) જેટલી ઘણી સારી આવક પણ ધરાવતી હતી. તેનાં પર ત્રીસેક જેટલાં માણસો કાયમી ધોરણે નભતાં હતા. ખેતીના સમયે કામ કરનાર અસંખ્ય ખેતીમજૂરો તો જુદાં જ…

આવી સુધારણા કરવાનાં કામમાં શ્રી ભાઇશંકર પંડ્યાને અસંખ્ય મૂશ્કેલીઓ નડી. તેમાંની ઘણી બધી મહેનતથી, પ્રેમથી, કુશળતાથી અને સમજાવટથી પાર પાડી.

પરંતું…. એક મુશ્કેલી તો ગજબની આવી…..

ગોચરની જમીનમાં કૂવાનું સાર કામ ચાલે. કૂવો તો હતો જ પણ કૂવામાં પાણી નહોતું. યાંત્રિક શારકામ કરનાર શારડી મંગાવ્યો. પાઇપો ઉતરાવા માંડી. એક ફૂટ, બે ફૂટ, ત્રણ ફૂટ, પાંચ ફૂટ, પચીસ ફૂટ…. દરરોજ કામ ચાલે. પણ પાણીનાં દર્શન થાય નહિ.

કેટલાક કહે, “આ કૂવા નીચે વહેણ જ નથી.”,

કેટલાક કહે, “નવેસરથી બીજો કૂવો ખોદવો”,

તો વળી કેટલાક કહે, “બીજી સારી જગ્યા પસંદ કરો.”

પંડ્યાજી કરકસરમાં માને. ધર્મનું કામ, જાહેરકામના પૈસા વેડફી કેમ દેવાય! મતિ મૂંઝાય.

એક દિવસ બપોરના બે વાગ્યા સુધી ખાધા-પીધા વગર શારકામ ચલાવડાવ્યું, પણ પાણીનો પત્તો લાગે નહિ, કામ કરનારા થાકી ગયા. પંડયાજી હતાશ થયા. કામ બંધ રખાવી સિધ્ધપુર તરફ ચાલતી પકડી.

એ ગાળામાં સરસ્વતીને તીરે એક સંત રહે. શ્રી રંગઅવધૂતના સહયોગી અને ગાયત્રીના પરમ ઉપાસક – ચોવીસ કલાક ત્યાંજ રહે. હ્માૌદ્મા એમનુ નામ.

શ્રી ભાઇશંકર પંડયા તેમને બાપાજી કહીને બોલાવે. ઘેર જતા પંડયાજીને થયું લાવ થોડી વાર ગુરૂજીની પાસે બેસું પછી આગળ જાઉ.

સંતે તેમને જોયા, આંખ મળી, પૂછ્યું: “પંડયા, શું થયું? આમ નિરાશ કેમ?”

શ્રી ભાઇશંકરે ધીમે ધીમે બધી વાત કરી.

“ઓહો! એમા ગભરાય છે શું? પાછો વળ. પાણી જરૂર થશે.”

“શી રીતે થશે?” પંડયાજીએ પૂછી નાખ્યું.

“એક પતરું લેજે. તેનું ભૂંગળુ બનાવજે. તેમાં ગાયનું સવાશેર દૂધ કંકુ સાથે ભેળવીને શ્રધ્ધા સાથે કૂવાના તળિયાની જમીનમાં રેડજે.”

“બાપજી, ભૂંગળાથી શું વળશે? લોખંડની મજબૂત પાઇપો સો-દોઢસો ફૂટ પહોંચી ગઇ છે તોય પાણી નથી.”

“પંડ્યા” બાપજીનો મક્કમ અવાજ સંભળાયો. “શ્રધ્ધા રાખ, માણસો બદલાઇ ગયા, પણ ગૌ માવડી બદલાઇ નથી. ગાય માટે પાણી ના મળે, એવું બને જ નહી. પાછો જા અને મેં કહ્યુ તેમ કર.”

પંડ્યાજીએ ગુરૂજીનો બોલ માથે ચડાવ્યો. ત્યાંથી પાછા વળ્યા. નદીનો રેતાળ પટ પસાર કર્યો. પાંચ માઇલ ની ખેપ કરી.

લોકોને નવાઇ લાગી, “પંડ્યાજી કેમ પાછા આવ્યાં?”

પેલી લોખંડની પાઇપો પેલા પતરાનાં ભૂંગળાને જાણે હસતી હતી.

પણ આ તો શ્રધ્ધાની વાત…

પંડ્યાજી જાતે તો કૂવામાં ઉતરી શકે તેમ ન હતાં.

નાહીધોઇને એક માણસ કૂવામાં ઊતર્યો. ગાયનું કંકુ મિશ્રિત દૂધ ભૂંગળા વાટે જમીનમાં ઉતર્યું. કામદાર કૂવા બહાર નિકળવા મંડ્યો. કૂવાને થાળે એણે પગ પણ ટેકવ્યો નહોતો અને પાતાળમાંથી પાણી ઝળક્યાં, કૂવામાં જળબંબાકાર થયો. અને બહાર જયજયકાર ગાજી ઉઠ્યો.

ગજબ મુશ્કેલીનો અજબ ઉકેલ આવ્યો!

* ૐ ૐ ૐ *

“રામજી ભીખા પટેલ !” મામલતદાર બોલ્યા.

“જી સાહેબ…”

મામલતદાર : “કયું ગામ?”

રામજી : “જગન્નાથપુરા..”

મામલતદાર : “ખેતર સર્વે નંબર : __ તમે ખેડતા હતાં?”

“જી સાહેબ…”

“અત્યારે તમે ખેડો છો?”

“ના જી સાહેબ..”

“કેમ?.. તમારી અરજીમાંતો તમે ખેડો છો એવું લખ્યું છે ને…”

“એ તો સાહેબ ભાડે ખેડુ છું.”

“આ જમીન તમારે નામે કરી આપું?”

ખેડૂત ક્ષણભર ખચકાયો… બારણા બહાર જોયું પછી બોલ્યો.. “ના સાહેબ”

“કેમ? જમીન લેવા માટે તો તમે અરજી કરી છે.”

“એ તો સા’બ મને ખબર ન’તી”

“શાની ખબર નહોતી?” મામલાતદાર સાહેબે કડકાઇથી પૂછ્યું.

“….. કે આ જમીન મારી નથી…. એ તો… તલાટી સાહેબે ક્હયું કે…”

“શું ક્હયું?”

“ક્હયું કે… ખેડે તેની જમીન.”

“તલાટી બરાબર કહે છે.”

“ના સાહેબ, એ જમીન મારી નથી…. એતો હું ભાડે ખેડું છું…”

મામલતદારે બહુ સવાલ જવાબ કર્યા. ગણોતધારાને આધારે તેને જમીન મળે તેમ હતી છતાંય તે ખેડૂતે જમીન સ્વીકારી નહી. બધાયને નવાઇ લાગી. હાજર રહેનારા ઘણાયે તેને ગાંડો ક્હયો.

પણ એક માણસે તેને ડાહ્યો ક્હયો….

ભાઇશંકર પંડ્યા એ.

અને પંડ્યાજી ના બોલ ની કિંમત આ સરળ ખેડૂતને ઘણી ઊંચી હતી. એક વિધવા બાઈની જમીન ને વર્ષોથી ખેડતો હતો. કોઇની વાતમા આવી જઇને તેણે ગણોતધારા નો આશ્રય લીધો હતો. કાયદો સ્પષ્ટ હતો. તેને જમીન મળે તેમ હતી. પરંતુ વિધવા નિરાધાર બનતી હતી. તણે જમીન બચાવવા પંડ્યાજીને ઘરે દોડી આવી. પંડ્યાજી વાત સાંભળી તેને જમાડવાની વ્યવસ્થા કરવાનું પુત્રવધૂને કહી કોર્ટમાં ગયા. કોર્ટ શરૂ થાય પહેલા ખેડૂતને મળીને તેનું દિલ જીતી લીધું. વચન લીધું. અને એક પાપ થતું અટકી ગયું.

જગન્નાથપુરા ગામના આવા કેટલાય કિસ્સા ટાંકી શકાય તેમ છે કે જેમાં ત્યાંના લોકોએ પંડ્યાજીનો સાચનો બોલ માથે ચડાવીને કોર્ટ કચેરીના ટંટા ફિસાદમાંથી ઊગરી ગયા હોય.

પોતાની પૂર્વાવસ્થામાં, જગન્નાથપુરામાં પંડ્યાજી નું મકાન. ધીરધારનો ધંધો કરે. પણ ક્યારેય કોઇની આંતરડી કકળાવ્યાનું સાંભળવામાં આવ્યું નથી. પછી તો દિકરા મોટા થયા. નોકરીએ વળગ્યા. તેમણે ધંધો સમેટી લીધો. ઋણરાહત નો કાયદો આવ્યો. પંડ્યાજી એ વસૂલાત માટે કોઇને દૂભાવ્યા નહીં. પ્રેમથી મળ્યું એટલું સ્વિકાર્યુ. ક્યારેય કાવાદાવા કર્યા નહિ. ધાકધમકીનો આશરો લીધો નહિ. અને તેમને વ્યાજ ગુમાવવાનો વારો આવ્યો હશે. પરંતુ સાચુકલા ગ્રામજનો એ તેમની મૂડી દૂધે ધોઇને પાછી આપી.

નિવૃત્તિકાળમાં સેવાનું કામ ઉપાડ્યુ. ત્યારથી જગન્નાથપૂરાના લોકોએ તેમની લવાદી સ્વિકારી. અને તેમનો નિર્ણય હંમેશા વધાવી લીધો. અને સામે પક્ષે પંડ્યાજીએ નિષ્પક્ષ ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો. સાચાનો પક્ષ લીધો. ખોટાની ભૂલ સુધારવા પ્રયત્ન કર્યો. તેને મદદ કરવા પ્રયત્ન કર્યો. તેનાં હ્રદયમાં રહેલી સચ્ચાઇને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો. અને તેમા ભાગ્યે જ નિષ્ફળ ગયા.

સિધ્ધપુરથી ૭ કિલોમીટર દૂર પશુવાદળ ગામ છે. ત્યાં કુળદેવી શક્ટાંબીકા માતાજીનું મંદિર છે. તેનું સંચાલન પંડ્યાજીના ગોત્રીઓ કરે. પંડ્યાજીને માતાજીમાં અથાગ શ્રધ્ધા. વર્ષની એક ચોક્કસ તિથિએ (મહાસુદ સાતમે) ગોત્રીઓ એકત્ર થાય. કામ સહુનું એટલે કોઇનું નહીં. કોઇ પાંચ રૂપિયાય ધર્માદા આપવા તૈયાર થાય નહીં તેવી હાલત. આ ટ્રસ્ટનું કામ તેમના હાથમા મૂકવામાં આવ્યું.

પંડ્યાજીની રીત જ જૂદી…

બીજાને દાન કરવાનું કહે તે પહેલા પોતે સારી એવી રકમ મૂકે. પોતાની રકમ. પો તાની મહેનત. પોતાની દેખરેખ. નાનકડું કામ શરૂ કરે. કામ દેખાય. દીપી ઊઠે. બીજા પૈસા આપવા પ્રેરાય. પૈસા આવે. પંડ્યાજી તેનો સદ્ઉપયોગ કરે. થોડીક રકમમાં સારૂ કામ કરી બતાવે. પૈસા આપનારનું દિલ પ્રસન્ન થાય. હિસાબ ચોખ્ખો. હાથ ચોખ્ખો. કામ ચોખ્ખું. દેશ પરદેશના ગોત્રીઓની ભાવનાને જગાડી.

પાંચ વરસમાં મંદીરનું સમારકામ કર્યું. કહોકે જીર્ણોધ્ધાર કર્યો. કાયમી પૂજાની વ્યવસ્થા કરી. પુજારી કુટુંબ સાથે રહી શકે તેવી ગોઠવણ કરી. બહારથી, દેશથી કે પરદેશથી આવનાર જ્ઞાતિજનને રહેવાની, જમવાની સગવડ મળે તે જોયું. પૈસો મળવા માંડ્યો. કામકાજ આગળ વધ્યું. પાંચ પચ્ચીસ હજાર નહી, પૂરા બે લાખનું બાંધકામ થયું. ત્રણ લાખ રૂપિયા ની પુરાંત થઇ. વર્ષાંતે એક હજાર જ્ઞાતિજનોને એક પણ પૈસો લીધા સિવાય જમાડવાની પ્રથા શરૂ કરી. અને આ કુદરતના બંદાએ સાબિત કરી આપ્યું કે શુભ કામ કદી અટકતાં નથી. લક્ષ્મી એ તરફ દોડતી આવે છે.

આ ભાઇશંકર પંડ્યાએ આટલું બધું બાંધકામ કરાવ્યું પણ એક પણ પૈસો કાળાબજારનો સિમેન્ટ ખરીદવામાં વાપર્યો નહી તે તેમની એક સિધ્ધિ હતી. તાલુકા વિકાસ અધિકારી પંડ્યાજીની આ વૃત્તિને ઓળખે. કામ સિવાય સિમેન્ટ ની માંગણી ના કરે એવી ભાઇશંકર પંડ્યાની શાખ. તેમની અરજી પાસ કરવામાં તાલુકા વિકાસ અધિકારીને ક્યારેય સંકોચ થાય નહીં.

ઘણું કામ કર્યું. જૈફ ઉંમરે અતિ શ્રમ લીધો. હ્લદયરોગનો હુમલો આવ્યો…પાંચ મહિને બેઠા થયા. ફરી કામે વળગ્યા. સગાં સ્નેહી કહે “કામ ઓછું કરો.”. ત્યારે તો વળી એ કહે “હવે તો મારે કામ વધુ કરવાનું.” એક હુમલો આવ્યો છે ને બીજો ક્યારે આવશે તે કહેવાય નહીં.

એ હુમલા પછી તો પૌત્ર પરણ્યો… તેને ઘેર પારણું બંધાયું… પૌત્રી પરણી… તેને ઘેર દીકરો રમતો થયો. પણ પંડ્યાજીનું મન પારકી સેવાનો ચસકો ચાખી ગયેલું…

સિધ્ધપુર અન્નક્ષેત્રના ટ્રસ્ટના પ્રમુખ મંત્રીને ત્યાં પહોંચ્યા. “શું ચાલે છે?” વગેરે વાતચીત થઇ. મંત્રીની વાતમાંથી જાણવા મળ્યું કે અન્નક્ષેત્રમાં જમતા લોકોને શાક આપવાનું શક્ય બનતું નથી. વાતો થઇ ગઇ.. પંડ્યાજી ઊઠ્યા… સિધ્ધપુરના સૌથી મોટા શાકભાજીના વેપારીને મળ્યા. વાત કરી. માંગણી કરી. અને બાર મહિના સુધી દરરોજ જોઇએ તેટલું શાક અન્નક્ષેત્ર માટે પૂરું પાડવાનું વચન વેપારીએ સહજભાવે પંડ્યાજીને આપ્યું.

પંડ્યાજીની જાહેર કારકિર્દીનું આ છેલ્લું કાર્ય! આમ તો સિધ્ધપુરની શૈક્ષણિક સંસ્થાઓ સાથે, નગરપાલિકા સાથે, જીલ્લા પંચાયત, વિધ વિધ સામાજીક સેવા મંડળો સાથે કામ કરતા પંડ્યાજી એક દિવસ પસવાદળનાં મંદીરે હતા… એક અધિકારી મળવા આવેલા. તેમની આગતા સ્વાગતા કરી.. વાતચીત કરીને વિદાય કર્યા. પછી મંદિરમાં માતાજી ની આગળ આરતિ માં જઇને બેઠા. પૂજારીની દીકરી પાસે પાણી મંગાવ્યું. દિકરી પાણી લેવા દોડી ગઇ, પાણી લાવી : “લો દાદાજી, પાણી!” પણ દાદાજી પાણી પીવા રોકાયા વિના અનંતની યાત્રાએ નીકળી ચૂક્યા હતા…. દિવસ હતો ચૈત્ર સુદ બીજ તા. ૩/૪/૮૪.

બીજા દિવસે સિધ્ધપુરમાં….. હિંદુ મુસલમાન સર્વે ભાઇઓએ એકી અવાજે શોક પાળ્યો. તમામ બજારો બંધ રહ્યા…. ભાવભીની અંજલીઓ આપવામા આવી.

કોઇએ સાચું જ કહ્યુ છે કે : કર્મયોગીના આત્માનાં ઊંડાણો તો આભથી ય અગાધ છે.

ॐ શાંતિ શાંતિ શાંતિ