Bavan Hurtz-ni Vahel in Gujarati Short Stories by Bhushan Thaker books and stories PDF | 52 Hertz-ni Whale

Featured Books
Categories
Share

52 Hertz-ni Whale

બાવન હર્ટ્ઝની વ્હેલ

બારીને લગોલગ બેસી એણે બહાર તરફ નજર કરી. દૂર ક્ષિતિજ સુધી એકધારા મોજાં ઊછળી રહ્યાં હતાં. હા, નાના મોટા નહીં; એક જ પ્રકારના, એક સરખા; મધદરિયામાં તો આવું જ હોય ને ભાઇ! આ મોજાઓ પર એની પાવર લોન્ચ એકધારું ઉછળી રહી હતા; પછડાઈ રહી હતી, ફરી ઉછળીને એ જ રીતે ફરી પછડાતી આગળ વધી રહી હતી.

“બાવન હર્ટઝ કહેવાતી આ વ્હેલ ની મુશ્કેલી એ છે કે સામાન્ય વ્હેલની જેમ પંદર થી ચાલીસ હર્ટ્ઝ ની તરંગ-સંખ્યાને બદલે એ બાવન હર્ટઝ ની તરંગ-સંખ્યા પર ગાતી હતી. મુંઝાઇ ગયા? તરંગ-સંખ્યા એટલે કોઈ તરંગ ના એકમ અંતરમાં રહેલા આવર્તનો ની સંખ્યા. ઈંગ્લીશમાં કહો તો ફ્રિક્વન્સી. ઊંચી ફ્રીક્વન્સી ધરાવતો ધ્વનિ બહુ લાંબું અંતર ના કાપી શકે. એથી ઉલ્ટું, ઓછી તરંગ-સંખ્યા નો ધ્વનિ વધુ અંતર કાપે. સામાન્ય વ્હેલનું કેટલુંક સંગીત ઓછી તરંગ-સંખ્યા પર હોઈ માનવ-કર્ણ તો સાંભળી જ ના શકે, પણ એમની આ ગુસપુસ સેંકડો માઈલ સુધી પ્રવાસ કરી અન્ય વ્હેલને “કેમ છો?” પૂછી લે ! રેડિઓવેવ્સ, માઈક્રોવેવ્સ આ બધા અલગ-અલગ ફ્રીક્વન્સી પર પ્રવાસ કરતા તરંગો છે. આ તરંગો બધે જ છે. આપણે જે કંઇ સાંભળીએ છીએ એ હવામાં ઉત્પન્ન થયેલા સ્પંદનરૂપી તરંગ. તો મિત્રો, હવે મ્યુઝિક સિસ્ટમનું ઇક્વીલાઈઝર વાપરતી વખતે બાસ, ટ્રેબલ, વોકલ બધું સેટ કરી શકશો ને!” , હજી તો એણે બ્લોગનું છેલ્લું વાક્ય પુરૂં કર્યું ના કર્યું ત્યાં ફરી થી એ જ માથું ફેરવી નાખતો નગારા-નાદ શરૂ થઇ ગયો. બધો જ ગુસ્સો એન્ટરની કી પર ઉતારી એ પગ પછાડતી કેબિનની બહાર નીકળી.

પુરા સાડા-છ ફૂટનો કાળોડિબાંગ હબસી ખબે ઢોલકું લટકાવીને ફરીથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવી રહ્યો હતો.

“સ્ટોપ ઈટ! સ્ટોપ ઈટ! યુ મન્કી! તને કેટલી વખત કીધું કે અહીં તબલા નહીં વગાડવાના!”

“ઈટ્સ નોટ તબલા! આ ડુન-ડુન કહેવાય!”, અને એ ડ્રમ ઉપર ફરીથી સ્ટીક પછાડવા લાગ્યો.

એણે ઢોલકું ઝૂંટવીને કેબીન તરફ ફેંક્યું. હબસી હબક ખાઈ ગયો. ન્યુટ્રલ ગીયરમાં રાખેલી લોન્ચ સમુદ્રના મોજા સાથે હિલોળા લઈ રહી હતી. હવે શું થશે એ વિચારે તે પહેલાં તેના જોરદાર મુક્કા થી એ દરિયામાં જઈ પડ્યો. મહાસાગરના મહામોજાઓ વચ્ચે એ તરવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

“મન્કી! યુ આર સ્ટેયિંગ હિયર, રાઈટ? તારે હવે અહીં જ રહેવાનું છે. કોઈ વિકરાળ શાર્ક આવી તને અને તારા ડ્રમ, બંને ને ચાવી જશે...”

“એ ડુન-ડુન છે”, હબસી જોરથી બરાડી ઊઠ્યો.

“એ જે હોય તે, રહે એને તારી કંપની આપવા મોકલું!” છેલ્લા ચોવીસ કલાકમાં આ ચૌદમી વખત એણે હબસીને પાણીમાં ફેંક્યો હતો.

એની એન.જી.ઓ. અહીં સમુદ્રી-જીવ પર સંશોધન કરી રહી હતી. અલગ-અલગ સ્થળ પર આવેલા પરવાળા સુધી પહોંચી, સ્પેસીમેન એકત્રિત કરવાના; અને એક સ્થળ પર કામ પતે એટલે બીજી સાઇટ તરફ સુકાન ફેરવવાનું. ખારા પાણીના ભેજ વચ્ચે ખુલ્લા આકાશ નીચે રઝળપાટ કરવાની, ભર તડકામાં મધ-દરિયાની ઉછળ-કુદ સહન કરવાની; આ એની રોજનીશી. એની ગૌર-ત્વચા પર ઠેર-ઠેર સન-બર્ન્સ ના ડાઘા હતા. પણ આ રીતે જીવવું એને ગમતું.

એની સખીઓ જ્યારે સૌંદર્ય પ્રસાધનો પાછળ પૈસા ખર્ચી રહી હતી, ત્યારે એ નિત-નવી પસ્તી વડે ઘરનાં કબાટ ભરતી રહેતી. અને બારમાં ધોરણમાં સારા ગુણ આવવા છતાં તબીબી વિજ્ઞાનનાં બદલે એણે જીવ-વિજ્ઞાન પસંદ કરેલું. લોકો એને તરંગી કહેતા. એના બાળપણ ને મા નામની કોઈ નદી નહોતી મળી. કદાચ એટલે જ એ જુઇ ની વેલ ને બદલે અલ્લડ કેક્ટસ જેવી થઈ ગઈ હતી. પિતાએ પ્રેમ, હૂંફ, અને બાળકને જોઇએ એ બધું જ આપ્યું, પણ હ્રદયમાં ઘર કરી ગયેલા રણને વિસ્તરતું એ રોકી ન શક્યા. એ બાળકી તો બની શકી, પણ છોકરી ક્યારેય નહિં. ફીલ્મ, ફીલ્મી કલાકારો, સાસુ-વહુ ની ટી.વી. સિરિયલ્સ અને સ્પોર્ટ્સ-પર્સન્સની અંગત વાતો ની ચોવટ કરતી છોકરીઓને એ સમજી નહોતી શકતી. પરિણામે, એના વર્ગની છોકરીઓ એની સાથે બોલતી નહિં, અને એ એમની સાથે. કાંપ ભરાવાથી સરોવર બનેલી નદી જેમ બીજો રસ્તો શોધે એમ એ છોકરાઓ સાથે ભળવા પ્રયત્ન કરવા લાગી. એના આ ઝુકાવ પાછળ ના મનોવિજ્ઞાનથી અજાણ છોકરાઓ એને હલકા ચારિત્ર્યની ગણવા લાગ્યા. એના વિચારોની ફ્રિક્વન્સી કોઈની સાથે મેચ નહોતી થતી. એનાં કેટલાંક શિક્ષકો ઇર્ષ્યાની આગ ઓક્યા કરતા; જ્યારે ઘણાં-ખરાં એને ઉચ્ચ-બુદ્ધિમત્તા નું સ્પેસિમેન ગણી એની જ્ઞાન-પિપાસા પોશતા – સંતોષતા રહેતા. પણ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન અને ગુડ બાય થી આગળ અને શાળાકીય પ્રવ્રુત્તિઓ અને ઇતર પ્રવુત્તિ થી બહાર એ કોઈ નવી વાત કરી ન શકતી.

હા, તો બારીને લગોલગ બેસી એ દૂર ક્ષિતિજ સુધી એકધારા ઊછળી રહેલા મોજાં તરફ જોઇ રહી હતી. નાના મોટા નહીં; એક જ પ્રકારના, એક સરખા; મધદરિયામાં તો આવું જ હોય ને, ભાઇ! આ મોજાઓ પર એની પાવર લોન્ચ એકધારું ઉછળી રહી હતા; પછડાઈ રહી હતી, ફરી ઉછળીને એ જ રીતે ફરી પછડાતી આગળ વધી રહી હતી.

“હેઈ મન્કી, મૂવ રાઈટ, ક્વીક, લોન્ચને જમણી તરફ વાળ, જલ્દી!”

એને કશુંક દેખાયું હતું. એણે કશુંક જોયું હતું. એક જ પ્રકારના, એક સરખા મોજાઓ વચ્ચે, દૂર ક્ષિતિજ પર એક ઊંચો ફૂવારો !

“વોવ! ધેટઝ અ વ્હેલ!”

એણે વી-સેટ સાથે જોડેલા કોમ્પ્યુટર પર એની લોન્ચ ના અક્ષાંશ-રેખાંશ નાખ્યા. વ્હેલનું લાઈવ ટ્રેકીંગ કરતી વેબસાઈટ મુજબ એ સ્થળે કોઈ જ વ્હેલ નહોતી. એટલે કે આ વ્હેલ અન-ટેગ્ડ હતી. વ્હેલ બહુ ઘુમક્કડ પ્રાણી છે. વર્ષ દરમિયાન એ સેંકડો કીલોમીટરનું અંતર કાપી નાખે. વ્હેલનો પ્રવાસ-માર્ગ, એનો ખોરાક, એની જીવન-શૈલી વેગેરે જેવી માહિતી એકત્રિત કરવા માટે એમની ચામડીમાં રેડિયો-ટ્રાન્સમિટર લગાડી દેવાય છે. આને ટેગીંગ કર્યું કહેવાય.

“યસ મન્કી, બટ ધેટ કેન બી અ ન્યુ થીંગ, આ સમયે આ સ્થળે કોઈ વ્હેલ લોકેટેડ નથી. એ અન-ટેગ્ડ હોઈ શકે! સમજાય છે? ક્યાંક એ તારા બોંગોનો અવાજ સાંભળીને તો અહીં નથી આવીને!”

“ધેટ્ઝ અ ડુન-ડુન”, એ ઠંડા અવાજે બોલ્યો.

એણે હાઈડ્રોફોન એરે ધરાવતા ઉપકરણને કેબલ વડે પાણીમાં ઉતાર્યું. ટેગીંગ ટીમ ના આવે ત્યાર સુધી એ વ્હેલનું સ્થળ જાણતા રહેવા માટે આ ઉપકરણ એના ઇકો-લોકેશન ક્લીક તથા અન્ય ધ્વનિઓને આંતરતા રહી એનું વર્તમાન સ્થળ દર્શાવ્યા કરે છે. હાઈડ્રોફોન દ્વારા ઝીલવામાં આવેલા ઢગલાબંધ અવાજોમાંથી એણે વ્હેલ જેવા લાગતાં ધ્વનિ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. હવે એ ઉપકરણ આ ધ્વનિ પર જ ધ્યાન આપશે. અન્ય ઘોંઘાટને એ વોઈસ-કેન્સલેશન દ્વારા દબાવી દેશે.

પિતાના અવસાન બાદ એ એકલી પડી ગઈ. એના તરંગી તરંગો સાથે મેળ બેસાડે એવું હવે કોઈ નહોતું. સગા સંબંધીઓ એને ઇશ્વરીય ઇચ્છાની મહાનતા સમજાવતા રહેતા; અને એને સમજાતું નહીં કે એક મા વગરની દીકરી પાસેથી એના જીવનનો એકમાત્ર આધાર ઝૂંટવી લેવાની ઈચ્છા કરનારને ઈશ્વર કઈ રીતે કહેવાય! કોઈની ધાર્મિક માન્યતાને છંછેડવા કરતા એ મૌન રહેવું વધુ પસંદ કરતી.

કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એ વ્હેલનાં અક્ષાંશ રેખાંશ ઉપરાંત સમુદ્ર સપાટીથી ઊંડાઈ અને ગીત, ઇકો-લોકેશન ક્લીક્સ વગેરે ધ્વનિઓ રેખાંકિત થઈ રહ્યા હતાં. આ વ્હેલનાં ગીત અડતાલીસ હર્ટઝની તરંગ-સંખ્યા પર હતાં. એ મલકી ઊઠી. બાવન હર્ટ્ઝની વ્હેલનાં ગીત થોડા સમયથી જરાક ઓછી તરંગ-સંખ્યા પર, આડતાલીસ હર્ટ્ઝ પર ઝીલાઈ રહ્યાં હતાં. આજે શો ચમત્કાર થવાનો છે એ તે સમજી ગઈ. હજી સુધી વૈજ્ઞાનિક ઉપકરણો વડે આ વ્હેલની હાજરી માત્ર નોંધાઈ હતી; માનવ વસ્તીના સંપર્કમાં આવવાનો આ પ્રથમ પ્રસંગ થવા જઈ રહ્યો હતો.

“અન્ય વ્હેલની જેમ પંદર થી ચાલીસ હર્ટ્ઝની તરંગ-સંખ્યા ના બદલે આ વ્હેલના ગીત બાવન હર્ટ્ઝ પર બને છે. પરિણામે, સેંકડો ન્યોટીકલ માઈલ દૂર રહેલી અન્ય વ્હેલ સુધી એનો અવાજ પહોંચી શકતો નથી. એ કોઈની સાથે સંવાદિતા સાધવા સક્ષમ નથી. સંભવત: એને કોઈ સાથીદાર નથી.

ડેડી એના મિત્ર અને સખી બન્ને હતા. એમના ગયા પછી એ એકલી પડી ગઈ. એની બુદ્ધિશાળી વાતો સાંભળી ક્યારેક લોકો એને દોઢ ડાહી ગણતા, તો ક્યારેક એ હસી મજાક કરવા જતી અને કંઈક કાચું કાપીને મશ્કરીનો વિષય બની જતી. ભરચક વિસ્તારમાં એ એકલી ફર્યા કરતી. હા, ઘણીવાર એને સારું વર્તુળ મળે તો ઢગલાબંધ ચર્ચાઓ કરતી, પણ એ મિત્રો ના બનાવી શકતી. ઘણીવાર એમ બનતું કે એ કંઈક કહેવા જાય અને સામેનો માણસ કંઈક વિરુદ્ધ જ સમજી બેસે. . એને ખબર હતી કે આમાં વાંક એની આજુ-બાજુના સમુહનો નહીં, એનો પોતાનો હતો.એની વાત એને સામી વ્યક્તિ સુધી પહોંચાડતા નહોતું આવડતું. એ કોઈની સાથે મૈત્રી કરી શકતી નહીં. અંતે એણે પ્રોફેસરની નોકરી છોડી, રખડું રીસર્ચર બનવું પસંદ કર્યુ. ના રહ્યા લોકો; ના રહી લોકો સાથે હળવા-મળવાના પ્રયત્ન કરવાની ઉપાધી!

વ્હેલ હવે માત્ર ત્રણસો મીટર દૂર હતી. એણે આંતરરાષ્ટ્રીય પ્રણાલી મુજબ લોન્ચનું એન્જીન બંધ કરી દીધું. એ કોઈ ગભરામણ કે ઉશ્કેરાટ કહી શકાય એવું વર્તન નહોતી કરી રહી. લોન્ચનું આગમન એને ગમ્યું હોય એમ લાગી રહ્યું હતું. એ લોન્ચ તરફ આવવા લાગી. સમુદ્રી મોજા પર ઊછળતી લોન્ચની ખુબ જ નજીક આવી એ એની સામે જોવા લાગી. થોડી વાર સુધી એ અને હબસી આ વિશાળકાય વ્હેલની સાથે રમતા રહ્યાં. એ ત્રણેય એક-બીજા પર પાણી ઊછાળી રહ્યાં હતાં. ત્યાં અચાનક એક બીજી વ્હેલ સપાટી પર ડોકાણી. અને એ બંને કંઈ સમજે એ પહેલાં તો એ એક બાળ વ્હેલને સપાટી પર લાવી માનવી સાથે પરિચય કરાવતી હોય એમ લોન્ચ તરફ ધકેલવા લાગી. બાળક ધરાવતી માદા વ્હેલનું આ વર્તન ખૂબ જ જાણીતું છે.

“તો મિત્રો, હાઈડ્રોફોનમાં પકડાતા ધ્વનિ મુજબ એ વ્હેલ એકલી જ હતી. પણ આખરે આપણી બાવન હર્ટ્ઝની વ્હેલ આપણે ધાર્યું હતું એટલી એકલી નથી. કદાચ એને સંવાદ કરતા નહોતું આવડતું / નથી આવડતું; પણ એની પાસે સંવેદના તો છે જ ! એની સાથે હતી એ મિત્રનો ધ્વનિ કેમ નહોતો પકડાતો, અમે એને ટેગ કઈ રીતે કરી, એનું નામ અમે શું પાડ્યું, એને ઈન્ટરનેટ પર લાઈવ-ટ્રેક કઈ રીતે કરવી, એ માટે હવે થોડી રાહ જુવો. ઘણું બધું કામ પતાવવાનું છે. અને પછી, એ રસપ્રદ માહિતી આપ સૌ સુધી પહોંચાડવાની છે. તો અત્યાર પૂરતું, અલવિદા!

એ હા! આ હબસી વગાડ્યા કરતો’તો એ ઢોલકું, નગારું કે બોન્ગો નથી. ડૂન-ડૂન એ માણસની વાચાની આબાદ નકલ કરી શકતું આફ્રિકન વાદ્ય છે.”

હળવેથી એન્ટર કી દબાવી એણે બ્લોગ અપડેટ કર્યો. હબસી ડુન-ડુન વગાડી રહ્યો હતો. એણે કેબીનની બહાર નજર કરી. એ ભર-તડકા, સુસવાટા મારતા પવન અને મધ-દરિયાની ઊછળ-કુદથી અલિપ્ત થઈ, એની ધૂનમાં તલ્લિન હતો.

એ ધીમા પગલે બહાર નીકળી. એને જોતાંજ, હબસી હબક ખાઈ ગયો.....

એનું ઢોલકું ઉપાડી એ મહાસાગરના મહામોજાંઓમાં કુદી પડ્યો!

** સમાપ્ત **