જાગૃતિ આર.વકીલ
ધન્ય માતૃભાષા
“ લાગણીના જળ વડે મર્દન કરું છું,શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું,
બે ગઝલ,બે ગીતના પુષ્પો ચડાવી,માતૃભાષા ને પ્રથમ વંદન કરું છું.......”
જય ગુજરાત....જય ગુજરાતી....સાથે અહી વાત કરીએ,શિક્ષણની ભાષા વિષે....
મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીએ જેને ‘ગાંધીગિરા’કહી,પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને ‘દૂધભાષા ‘કહી છે, અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર જે ભાષામાં શિક્ષણનો આગ્રહ રાખે છે એ મીઠી માતૃભાષા વિષે મૂળ વાત એ છે કે જે ગુજરાતમાં સાવજ જેવા વીર યોદ્ધાઓ પાક્યા અને અહિસાના ઉપાસકો પણ અહી જ પાક્યા હોય એ જોતા વીરતા અને અહિસા બેયનો એકસાથે સમન્વય એ ગુજરાતીનો જ દ્રષ્ટિકોણ હોય. આજના દિવસે કેટલીક અગત્યની વાતો કરવી બહુ જરૂરી છે,અહી એક સ્પષ્ટતા જરૂરી છે કે કોઈ માધ્યમનો પક્ષ લેવા કે વિરોધ કરવાની અહી કોઈ વાત જ નથી...પણ આજના યુગમાં માતા પિતાને નવી પેઢી માટે અનેક ફરિયાદો રહેતી હોય છે ત્યારે આટલું જરૂર વિચારવું રહ્યું.
નાનું બાળક રોતું હોય તો એના આંસુ લુછવા માતાના સાડીનો પાલવ અને માંએ પ્રેમથી માતૃભાષામાં બોલેલા બે શબ્દો થી ઉત્તમ કોઈ ઉપાય નથી...પણ આજે ?આજે તો બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે..
“પાલવનું અંગ્રેજી મને પૂછો ના,,અહી તો ‘ટીસ્યુ’થી આંસુ લુછાય છે”..... !!!! પાલવ સાથે માંના હૃદયનો ભાવ જોડાયેલો છે એ કાગળના ટીશ્યુંમાં ક્યાંથી આવે?અને એ મન ભાવ જ જેમને નથી પામ્યા એવા ટીશ્યુથી લુછાયેલા આંસુવાળો બાળક મોટો થતા ભાવશૂન્ય થાય તો વાક કોનો?
“મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,,,,એથી મીઠી તે મોરી માત રે જનની ની જોડ સખી નહિ જડે રે લોલ”....ગાતા ગાતા શબ્દોની સાથે હૈયાના ભાવ આંખ દ્વારા વહેશે, દિલથી ‘માં’ સાંભરશે.....એ ભાવ “ઓ મધર આઈ એમ યોર સન..આઈ લવ યુ”.....આવું ગાતા આવશે ખરા? જરા પોતાના પર અનુભવ કરી જાતને પૂછવા જેવો સવાલ છે હો......અંગ્રેજી માં ચોખું કેશુ કે ‘આઈ લવ યુ’ તોય માતૃભાષામાં બોલેલ વાક્ય-“ હું તને ચાહું છું” કે “તું મને ગમે છે” કેવો હૃદયને સ્પર્શી જાય છે? એ દ્વારા જે ભાવ આંખ ને દિલ અનુભવશે એ ભાવ ની અસર ચિરકાળ રહેશે.....
આદિકવિ નરસિહ મહેતાનું પદ ‘મારી હુંડી શામળીયાને હાથ રે’...કે ,ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ...’ગુજરાતીના આવા ભક્તિગીતો જ કુદરતે આપેલું સ્વીકારવા અને જે થાય તે સારા માટે એવી જીવનની પાયાની બાબતો દ્રઢ કરી જીવવાનું બળ પૂરું પાડે છે. તો અખાના છપ્પા “તિલક કરતા તેપન વહ્યા, જપમાલાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોય અખા ન પામ્યો હરિ ચરણ” કે ‘શીખ્યું સાંભળ્યું સર્વે ફોક....”જેવ કટાક્ષો દ્વારા બ્રહ્મજ્ઞાન તો ગુજરાતી ભાષામાં જ મળે હો!
આજની પેઢીમાં લાગણી નથી,,,,,એવું કહેનારી માતાઓને મારે પૂછવું છે કે તમે એ બાળકને લાગણી અભિવ્યક્ત કરી શકે એવી ભાષા શીખવી છે ખરી? એ ભાષામાં શિક્ષણ આપ્યું છે ખરું? આપણે કહીએ છીએ કે આજના બાળકોને સ્વપ્ન જોતા નથી આવડતું....શું તમને ખબર છે કે વિનોબાજીએ કહ્યું છે કે ‘બાળકને સ્વપ્ન આવે એ ભાષામાં શિક્ષણ આપવું” અને સ્વપ્ન તો હંમેશા માતૃભાષા માં જ આવે..... એ મીઠી ગુજરાતી ભાષા કે જે જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે, સ્વપ્ન જોતા શીખવે એ ગુજરાતીમાં તમે તમારા બાળક સાથે વાત કરો છો ખરા?! જાણીતા સાહિત્યકાર શ્રી રતિલાલ બોરીસાગરે મહુવા ખાતે યોજાયેલ શિક્ષણ શિબિર માં બહુ સરસ કહ્યું હતું કે, ગુજરાતી હાલરડાં કે જે માતા જીજાબાઈએ શિવાજીને સંભળાવ્યા હતા....એ તમે તમારા બાળકને સુવડાવતી વખતે ગાયા હતા ખરા? ગુજરાતી હાલરડાં જે આપણને વડીલો વારસામાં દઈ ગયા છે એ બાળકમાં નાનપણથી સાહસ,શૌર્ય કેળવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે...!! નાના બાળકને નહડાવતી વખતે દાદી કે નાની ગાતા:”વીરો મારો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો,પાટલો ગયો ખસી ને વીરો ઉઠ્યો હસી”!!! અરે કેટલી સાવ સરળ ભાષામાં એ વખતે નાનકડા બાળકના અર્ધજાગૃત મનમાં જીવન ઉપયોગી કેટલી મોટી વાત નું બીજ રોપી દીધું? કે પાટલો ખસી ગયો,ભાઈ પડી ગયો તો પણ હસવાનું.....જીવનની કેટલી મોટી શીખ મળી કે જીવનમાં ક્યારેક ઉઠતા,બેસતા,ચાલતા,દોડતા પડી જવાય તો હસી લેવાનું.....પાછા ઉભા થવાનું ને દોડવા લાગવાનું.....!! નિરાશાને જીવનમાં ક્યાય સ્થાન જ ન હોય....આવો આત્મવિશ્વાસ મેળવવા આજની પેઢી માટે આપણે સેમિનાર ગોઠવવા પડે છે-હજારો ના ખર્ચે વક્તવ્યો રાખવા પડે છે, તાલીમો આપવી પડે છે!!! જે માત્ર નાનપણમાં પેલી ૨ કે ૪ પંક્તિઓમાં બાળકના અજાગૃત મનમાં આત્મવિશ્વાસનું બીજ વાવી દે આવી રૂડી ગુજરાતી ભાષા મેળવી ધન્યતા અનુભવવાની છે...બાળકને હાલરડાં ન સંભળાવનાર આ અપેક્ષા રાખી જ ન શકે કે મારું બાળક આત્મવિશ્વાસથી ભરપુર હોય !! દુનિયામાં ખુબ દેકારા મચાવાય છે કે આપણી સંસ્કૃતિ નાશ થાય છે ...એ લોકોને મારે પૂછવું છે કે શું પૂ.ફાધર વાલેસ ઘણા વર્ષોથી કહે છે ઈ તમે સાંભળો છો ખરા ?કે “ભાષા જશે તો સંસ્કૃતિ જશે”...સુંદર મજાની ગુજરાતી ભાષાવાળું માધ્યમ જ જો તમે તમારા બાળકને ન આપતા હો તો પછી સંસ્કૃતિની અપેક્ષા કેમ રાખી શકો એની પાસે?
શિક્ષણનો સંબંધ જેટલો વ્યક્તિ સાથે છે તેથી પણ વધુ સમાજ સાથે છે.વ્યક્તિનું ચારિત્ર્ય,વ્યક્તિત્વ,સંસ્કૃતિ,ચિંતન,સૂઝસમજ,કુશલતા,ટેવો તથા જીવનની નાનીના નાની બાબતો શિક્ષણ પર નિર્ભર છે.પરંતુ બહુ દુખની વાત એ છે કે ભારતીય શિક્ષણમાં બેવડી નીતિ પ્રચલિત છે.માતૃભાષા કરતા અન્ય ભાષા શિક્ષણને વધુ મહત્વ અપાય છે.જેના પરિણામે શિક્ષણના મૂળ તત્વોની ઉપેક્ષાથઇ રહી છે. વાસ્તવમાં શિક્ષણના માધ્યમ દ્વારા હજારો વર્ષોથી સમાજ દ્વારા અર્જિત અનુભવ બાળકને હસ્તાંતરિત કરાય છે.જેના દ્વારા તે સંસ્કૃતિને ગ્રહણ કરે છે. પ્રત્યેક પેઢીએ સમાજના પ્રાચીન નિધિનું સંરક્ષણથાય છે,સવર્ધન થાય છે...પોતાની સંસ્કૃતિના હસ્તાંતરણ માટે માતૃભાષામાં શિક્ષણ જ શ્રેષ્ઠ છે.
“સંસ્કૃતિ એ વીજળી છે,પ્રજા એ બલ્બ છે, માતૃભાષા એ વાયર છે”....માતૃભાષા સંસ્કૃતિના પ્રકાશને રેલાવે છે......ગુજરાતીનું દિલ મોટું,ગુજરાતીનો આવકાર સુંદર,ગુજરાતીની મહેમાનગતિ આખા વિશ્વમાં વખણાય…આવી ગર્વ આપતી મીઠી ગુજરાતી ભાષા આપણને વારસામાં મળી છે એનો ગર્વ હોવો જોઈએ.. ત્યારે આજે ગુજરાતી અને અંગ્રેજી બે માધ્યમો વચ્ચે પીસાતી પ્રજા બેયની મિશ્ર ભાષા – ‘ગુજલીશ’ ભાષા કે જે આજે મોટાભાગના ગુજરાતીઓ વાપરે છે એ એટલી તો વિચિત્ર લાગે છે કે ગુજરાતીનું દિલ ચીસ પાડી ઉઠે કે,
“કોઈ આંખોથી વાતો કરી જાય છે, કોઈ આંખોમાં વાતો કરી જાય છે, ત્યાં સુધી તો વાંધો નથી પણ દુખ ત્યારે લાગે છે દોસ્તો કે જયારે કોઈ “ગુજલીશ” ભાષા બોલી જાય છે!!
ટુકમાં માતૃભાષામાં માનવજીવનના તમામ પાસાનો સમન્વય છે....૧)વિચાર,૨) લાગણી અને૩) અભિવ્યક્તિ ..૧)સારા અને યોગ્ય વિચારો: બુદ્ધિ-જે દ્વારા આજીવિકા, તર્ક-જે દ્વારા અનુકુલન અને સારાસાર-જે દ્વારા વ્યવસ્થાપન કરી શકીએ..... ૨)લાગણી: પ્રેમ,સ્નેહ,આદર,સંસ્કાર દ્વારા જીવનમૂલ્યો,કૌતુંમ્બીકાને સામાજિક સંબંધો,આત્મ ઉન્નતિ, આત્મસંતોષ,આંતરિક વિશ્વાસ, સ્વ ની ઓળખ મળે.....૩)અભિવ્યક્તિ: વાણી દ્વારા વ્યક્તિત્વ વિકાસ, મધુરતા દ્વારા વ્યવસ્થિત સંબંધો,મહાનતા, લેખન કૌશલ્ય,અને બીજા અનેક અન્ય ગુણો વિકસે છે.... આમ વિચારો ,લાગણી, અભિવ્યક્તિ માતૃભાષામાં --- ગુજરાતીમાં જ થાય....
“હું છું અને મારી ભાષા છે, કૈક થશે આવી આશા છે” ” રમેશ આચાર્ય એ કહેલી આ વાત દ્વારા ગુજરાતી ભાષા મળતા હું ધન્યતા અનુભવું છું એવા મારા દિલ ના ભાવ કહેવા અહી વ્યક્ત કર્યાં છે તો જરૂર આજે આપ પણ અત્યારથી જ આપના કે કોઈના બાળકો શાળાના પગથીયે ચડે ત્યારે જ આ વિચાર પાકો કરી લેશો જરૂર...... કવિશ્રી રમેશ આચાર્યએ ગુજરાત માટે કહેલી પંક્તિને ગુજરાતી માટે ....
“જીવવું તારું નામ લઈ એય ગુજરાતી....જીવવું તારું કામ કરી એય ગુજરાતી.....
મરવું તો ય તારું નામ સ્મરીને જ.....એય ગુજરાતી!