Jivan Sathini Pasandgi in Gujarati Comedy stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | જીવનસાથીની પસંદગી

Featured Books
Categories
Share

જીવનસાથીની પસંદગી

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com.

જીવનસાથીની પસંદગી પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

પત્ની: હું જ મૂરખ હતી કે મારી મમ્મીની લાખ ‘ના’ છતાં તમને પરણી.

પતિ: ઓહ, અને હું આજ સુધી એ માટે એ ભલી બાઈને એ માટે થઈને નકામો કોસતો રહ્યો!

‘લગ્ન’ વિશે જાત જાતની અને ભાત ભાતની જોક એટલે કે રમૂજો, કહેવતો અને સૂત્રો આ આપણને વાંચવા અને સાંભળવા મળે છે. ‘લગ્ન એ લાકડાના લાડુ છે, જે ખાય તે પણ પસ્તાય, અને જે ન ખાય તે પણ પસ્તાય’ એવું કુંવારાઓ અને પરણેલાઓ સુધ્ધાં કહે છે. કેટલાકને તો એકવાર આ લાડુ ખાવાથી એટલે કે પરણવાથી સમજણ નથી પડતી, કે ‘પસ્તાવું કે નહીં’ એટલે તેઓ બીજીવાર પરણે છે. અને કેટલાક વિરલાઓ તો બે થી વધુ વાર પરણવાની મજા (કે સજા?) લે છે.

લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ‘લગ્ન’ નામનો સુંદર, આકર્ષક અને છતાં ભયાનક પ્રસંગ આવે જ છે.અને દરેકને લગ્ન કરવા માટે જરૂર છે એક જીવનસાથીની. આ જીવનસાથીની પસંદગી કઈ રીતે કરવી એ વિકટ પ્રશ્ન દરેક લગ્નોત્સુક વ્યક્તિને જીવનમાં એકાદવાર તો શ્રી બાજપેયીજી ના રિસાયેલા ઘૂંટણની જેમ સતાવે જ છે. આને માટેના પધ્ધતિસરના કોઈ કોચિંગ ક્લાસ કે ગાઈડ હાલમાં ઉપલબ્ધ નથી. અને તેથી યુવાનો અને યુવતિઓ મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે.

જો તમને પણ આ પ્રશ્ન સતાવતો હોય તો મૂંઝાવાની જરા પણ જરૂર નથી. કેમ કે તમારી મૂંઝવણનો સરળ ઉકેલ લઈને એક સફળ અને પ્રખ્યાત [??] હાસ્યલેખિકા પલ્લવી મિસ્ત્રી તમારી મદદે આવી પહોંચ્યાં છે. જેમ સૂરજના પ્રકાશમાં ફૂલપાંદડી પરના ઝાકળબિંદુઓ અદ્શ્ય થાય છે, તેમ મારા અનુભવ જ્ઞાનથી ભરપૂર દિમાગમાંથી ઉત્પન્ન થયેલા સૂચનો વાંચતાં જ જીવનસાથીની પસંદગી બાબતે તમારી જે કંઈ પણ મૂંઝવણો હશે તે નિ:શંકપણે દૂર થઈ જશે એવી મને ખાતરી છે.

જીવનસાથીની પસંદગી કરતાં પહેલાં ત્રણ શબ્દો સમજી લેવા જેવાં છે : એક છે, ‘જીવન’, બીજો છે, ’સાથી’ અને ત્રીજો છે, ‘પસંદગી.’

આ ‘જીવન’ શબ્દ ‘જીવ’ [આત્મા] અને ‘વન’ [જંગલ] પરથી આવ્યો છે. જંગલમાં અટવાતા –ભટકતા આત્માની જન્મથી મરણ સુધીની સફર [કથા] એટલે’ જીવન’. અંગ્રેજીમાં ‘જીવન’ માટે LIFE શબ્દ પ્રચલિત છે. હકીકતમાં આ શબ્દ પહેલા માત્ર ત્રણ અક્ષરનો LIE હતો. LIE એટલે જુઠ્ઠાણું, જીવનમાત્ર જુઠ્ઠાણું છે. પરંતુ વર્ષો પહેલાં જૂઠવિરોધી તત્વો એટલે કે કહેવાતા હરિશ્ચન્દ્રોએ આ શબ્દ સામે જેહાદ જગાવી. આથી કેટલાક ડાહ્યા માણસોએ LIE શબ્દમાં વચ્ચે ‘F for FUN’ ઉમેરીને એ શબ્દને LIFE નું રૂપ આપ્યું. એવું કહેવાય છે કે જે વસ્તુની તમને તીવ્ર ઈચ્છા હોય તે મળી જાય પછી એનું આકર્ષણ ઓછું થઈ જાય છે. LIFE માં પણ એવું જ થયું. FUN નો F ઉમેરાયા પછી LIFE એટલે કે જીવનમાંથી FUN એટલે કે આનંદ ઊડી ગયો છે.

આ LIFE જેવો જ બીજો અંગ્રેજી શબ્દ WIFE છે. એ પણ પહેલાં માત્ર ત્રણ જ અક્ષરનો WIE હતો. જે વ્યક્તિને જોવાથી વાઇ કે હિસ્ટેરીઆ નો એટેક આવે તેને WIE કહેવાય.[જેણે આખી જિંદગી એની સાથે વિતાવવાની હોય તેનું શું થાય એની તો કલ્પનાય કરવી અઘરી છે.] આ ત્રણ અક્ષરના શબ્દ WIE ની સામે દુનિયા ભરની WIFE ઓએ આંદોલન કર્યું, વેલણ સરઘસ કાઢ્યું, રસોડામાં હડતાલો પાડી, ઉપવાસો કર્યા, અબોલા વ્રત રાખ્યા. એમના આવા આતંકથી ઝૂકી જઈને છેવટે પતિઓએ આ WIE શબ્દમાં F ઉમેર્યો અને આમ WIE માંથી WIFE શબ્દ બન્યો. તફાવત માત્ર એટલો રહ્યો કે F for FUN ના બદલે અહીં F for FEAR થયું અને તે એટલી હદે કે સૈકાઓ પછી પણ આજદિન સુધી પતિઓ પોતાની પત્નીઓથી ડરતા રહ્યાં છે.

આ LIFE અને WIFE શબ્દોનું પૃથ્થકરણ [એનાલિસિસ] તમને કોઈ ડિક્શનરીમાં જોવા નહીં મળે કેમ કે તેની મૈલિક શોધ એક વિદ્વાન મહાપંડિતા શ્રીમતી પલ્લવી મિસ્ત્રાસ્વામીએ કરેલી છે. જેના માટે તેમને નજીકના અથવા દૂરના ભવિષ્યમાં પીએચ.ડી. ની ડિગ્રીની સાથે એક સરસ મજાનું PRIE એટલે કે PRIZE મળવાની શક્યતા છે.

‘જીવનસાથીની પસંદગી’ માં બીજો શબ્દ છે, ‘સાથી’. સાથી શબ્દનો સાચો અર્થ છે, ‘કોઇ પણ ક્ષણ સુધી સાથ નિભાવે તે’ મતલબકે ‘કોઇ પણ ક્ષણે [કારણસર અથવા વિનાકારણ] સાથ છોડીને જઈ શકે તે’ એવો થાય છે. ‘મરણ’ જેમ ‘અકળ’ અને ‘નિશ્ચિત’ છે તેવી જ આ ઘટના પણ ‘અકળ’ અને ‘નિશ્ચિત’ હોવાથી એના પર વધુ ચર્ચા કરવી યોગ્ય નથી લાગતી.

‘જીવનસાથીની પસંદગી’ માં ત્રીજો શબ્દ ‘પસંદગી’ બહુ જ મહત્વનો છે, જેમાં ભલભલા જ્ઞાની પંડિતો પણ માત ખાઇ જાય છે. એમાં જો ભૂલ કરી તો ગયા કામથી. પણ તમારે ડરવાની જરૂર નથી કેમ કે તમારા માર્ગદર્શન માટે હું જે મુદ્દા જણાવું છું તે ધ્યાનથી વાંચી જાઓ. ‘યાહોમ કરીને પડો ફત્તેહ છે આગે’

૧- રૂપ: ‘જીવનસાથીની પસંદગી’ મા સૌથી પહેલાં આવે છે, રૂપ એટલે કે દેખાવ. તમે ભલે દેખાવમાં ટી.વી. માં આવતા ‘ હોરર શો’ ના હીરો કે હીરોઇન જેવા હોવ, પણ તમારો જીવનસાથી તો રૂપ રૂપના અંબાર, વાર્તાઓ મા આવતાં ‘રાજકુમાર કે રાજકુમારી’ સમ હોવો/હોવી જોઇએ.

૨- ભણતર: ‘જીવનસાથીની પસંદગી’ માં બીજા નંબરે આવે છે ભણતર. તમે ભલે MABF [ મેટ્રિક એપિયર્ડ બટ ફેઈલ] હોવ, પણ જીવનસાથી તો તમારે C.A. , M.B.A. , I .A .S. કે M.B.B.S. જ પસંદ કરવો/કરવી.

૩-સંસ્કાર: ‘જીવનસાથીની પસંદગી’ મા ધ્યાન રાખવા જેવી બાબત છે, સાથી ના સંસ્કાર.આમ તો સંસ્કારનું મહત્વ આજકાલ વાળમાં નાંખવાના તેલ જેટલું છે. [આજે રાત્રે લગાડી કાલે સવારે ધોઈ નાંખવાનું.] એટલે આપણામાં સંસ્કાર હોય કે ન હોય કંઈ ફરક નથી પડતો. પણ આપણાં સંતાનોના સારા ભવિષ્યને ખાતર જીવનસાથી તો સંસ્કારી જ શોધવો/શોધવી.

૪-સંપત્તિ: ‘જીવનસાથીની પસંદગી’ માં આ શબ્દ સંપત્તિ અતિ મહત્વનો છે. કહેવાય છે કે- ‘સફળ પતિ એ છે કે જે આપણે ખરચવા ધારીએ એટલા પૈસા કમાઈ લાવે. અને સફળ પત્નીએ છે કે જે આવો પતિ શોધી કાઢે.’ બાકી ‘ત્રેવડ ત્રીજો ભાઇ છે-કરકસર કરો અને પૈસા બચાઓ.’ જેવી ટેન્ડન્સી ધરાવતો ખડુસ જીવનસાથી તો કદી પસંદ ન કરવો. હા, પતિઓ પણ ધારે તો કોઇ કરોડપતિની એક ની એક પુત્રીના પતિ બનવા વિશે વિચારી શકે અને પ્રયત્ન પણ કરી શકે છે, એમાં ખોટું કંઈ જ નથી.

૫-‘જીવનસાથીની પસંદગી’ માં પછીનું તત્વ છે, ઉચ્ચજ્ઞાતિ: આમ તો ૨૧ મી સદીમાં હવે નાત જાત કોણ જુએ છે. પણ તમે જીવનસાથીની પસંદગી વખતે આ બાબતનું પણ ધ્યાન રાખજો એવી મારી સલાહ છે. આજકાલ “બેકવર્ડ ક્લાસ” વાળાને જ્યાં-ત્યાં અકલ્પનીય ફાયદા મળી રહ્યા છે તે જોતાં આવો/આવી જીવનસાથી મળી જાય તો તક ચૂકવી નહીં જોઇએ.

હજી બીજી અનેકાનેક બાબતો જીવનસાથીની પસંદગી માં ધ્યાનમાં રાખી શકાય એમ છે. પણ આજે તો આટલી રાખો તો પણ ઘણું છે. ઉપરના સર્વગુણો જો કોઈ કુંવારા/કુંવારી યુવાન સાથીમાં જોવા ન મળે તો ‘પ્રૌઢ/પ્રૌઢા’ કે ‘બીજવર/બીજવહુ’ થી કામ ચલાવી લેવું. કેમ કે સર્વગુણ સંપન્ન, વેલ સેટલ્ડ જીવનસાથી આજકાલ ‘રાજકારણમાં પ્રામાણિક માણસ’ શોધવા જેવું અઘરું બની ગયું છે.

અંતે એક ગંભીર સલાહ: તમારી પાંચ Hobbies માંથી કોઇ પણ બે Hobbies મળતી આવતી હોય એવો/એવી જીવનસાથી વિશે ગંભીરતાથી વિચારજો. સૌને મારી ખુબ ખુબ શુભેચ્છા!

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com