Juthun Bolvama kon chade, stri ke purush in Gujarati Comedy stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | જૂઠું બોલવામાં કોણ ચઢે, સ્ત્રી કે પુરુષ?

Featured Books
Categories
Share

જૂઠું બોલવામાં કોણ ચઢે, સ્ત્રી કે પુરુષ?

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com

જૂઠું બોલવામાં કોણ ચઢે, સ્ત્રી કે પુરુષ? પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-પપ્પા, ‘હમેશાં સાચું બોલો’ એ વિષય પર નિબંધ લખાવો ને.

-ટીનુ બેટા, મારે હજી ઓફિસનું કામ બાકી છે, તારી મમ્મીને કહે, એ તને નિબંધ લખાવશે.

-તમારે ટીનુને નિબંધ ન લખાવવો હોય તો કંઈ નહીં, પણ છોકરા આગળ જૂઠું શા માટે બોલો છો?

-શું? હું જૂઠું બોલું છું?

-હા. સાડી સત્તરવાર જૂઠું, તદ્દન જૂઠું. ઓફિસના કામના બહાના હેઠળ મોડી રાત સુધી ટી.વી. ની ચેનલો પર આલતુ-ફાલતુ અને ન જોવા જેવા પ્રોગ્રામ જોયા કરો છો, અને ઉપરથી પૂછો છો, ‘હું જૂઠું બોલું છું?’ જૂઠા ક્યાંયના.

-જા જા હવે, જોઈ મોટી રાણી હરિશ્ચન્દ્રની અવતાર! ખરી જુઠ્ઠી તો તું છે. તે દિવસે હોસ્પિટલમાં સંબંધીની ખબર કાઢવા જવાને બદલે સાડીઓના સેલમાં કોણ ગયું હતું, હું કે તું?

-હું તો હોસ્પિટલમાં જ ગઈ હતી. પણ ત્યાં પેલાં ઉર્વશીબહેન મળી ગયાં. એમણે કહ્યું કે આ વર્ષે સેલમાં એકદમ રીઝનેબલ ભાવે સારામાંની સાડી મળે છે. એટલે પછી હું એમની સાથે ત્યાં ગઈ. અને એ પણ મારા માટે નહીં, પણ બળેવ પર તમારી બહેનને આપવાની સાડી લેવા ગઈ હતી, સમજ્યાં?

-જા, જા, જુઠ્ઠાડી.

-જુઠ્ઠા તો તમે છો, પગ થી તે માથા સુધી.

‘જુઠ્ઠું બોલવામાં કોણ ચઢે, સ્ત્રી કે પુરુષ’?, આવી સ્પર્ધા યોજાય તો કોણ જીતે, સ્ત્રી કે પુરુષ? સ્ત્રીઓ કહેશે, ‘પુરુષો જુઠ્ઠું બોલવામાં પાવરધા છે.’ અને પુરુષો કહેશે, ‘ સ્ત્રીઓ જુઠ્ઠું બોલવામાં ઘણી હોંશિયાર છે.’ વૈજ્ઞાનિકો આ બાબતે શું કહે છે? તેઓ આ બાબતે પુરુષોના પક્ષમાં છે. મતલબ કે તેઓ કહે છે, ‘સ્ત્રીઓ જુઠ્ઠું બોલવામાં ઘણી કાબેલ એટલે કે કુશળ હોય છે. સ્ત્રીઓ ખૂબ જ આસાનીથી ક્ષણભરના પણ વિલંબ વગર જુઠ્ઠું બોલી શકે છે.’

પતિ: જો તું પાંચ મિનિટની અંદર જુઠ્ઠું બોલી બતાવે તો હું તને ૧૦૦ રૂપિયા ઈનામમાં આપીશ.

પત્ની: (ક્ષણભરમાં) હમણાં તો તમે ૫૦૦ રૂપિયા ઇનામમાં આપવાનું કહ્યું હતું.

વૈજ્ઞાનિકોનું આ તારણ , ‘જુઠ્ઠું બોલવું સ્ત્રીઓને સહજ સાધ્ય છે.’ એટલે કે ‘સ્ત્રીઓ ઘણી આસાનીથી જુઠ્ઠું બોલી શકે છે’ એ સાંભળીને એક સ્ત્રી તરીકે મને ઘણો જ આનંદ થયો. થયું કે ચાલો આ એકાદ ક્ષેત્ર તો એવું છે જેમાં સ્ત્રી, પુરુષને હરાવી શકે છે.

જો કે ‘જૂઠું બોલવાની કળા’ માંથી ‘જૂઠું’ શબ્દ કાઢી નાંખીને માત્ર ‘બોલવાની કળા’ વિશે વાત કરીએ તો એમાં પણ સ્ત્રીઓ પુરુષોને હરાવી શકે છે. વૈજ્ઞાનિકો કહે છે, ‘પુરુષો સો શબ્દો બોલવામાં સરાસરી ત્રણ વાર અટકે છે, જ્યારે સ્ત્રીઓ સો તો શું હજારો, લાખો, કરોડો શબ્દો અટક્યા વિના અવિરત પણે બોલી શકે છે.’

આસિસ્ટંટ: સર, આપ અર્ધો કલાકથી ફોન કાન પર માંડી ચુપચાપ બેઠા છો.

બૉસ: શ..શ..શ. મારી પત્ની સાથે ફોન પર વાત ચાલી રહી છે.

સ્ત્રીઓને તમે બોલતી સાંભળો તો તમને એમ જ લાગે કે એણે માત્ર બોલવા માટે જ જન્મ લીધો છે. સ્ત્રીઓએ જીવન જીવવા માટે ભલે પુરુષોનો આશરો લેવો પડતો હોય, પરંતુ બોલવા માટે એને કશાયનો આશરો લેવો પડતો નથી, ઈવન વિષયનો પણ નહીં. બોલવા માટે વિષયની જરૂર માત્ર પુરુષોને પડે છે, સ્ત્રીઓ તો વગર વિષયે અને ઘણીવાર વગર વિચાર્યે કલાકો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી, અરે પુરુષોના મતે આખી જિંદગી બોલ્યે રાખે છે.

એક દયાળુ બહેને એમનું ભાષણ પત્યા પછી કહ્યું, ‘માફ કરજો, મારા હાથમાં ઘડિયાળ નહોતું એટલે સમયનો ખ્યાલ ન રહ્યો.’ તરત જ પાંખી હાજરીમાંના એક શ્રોતાભાઈએ કહ્યું,’ બહેનજી, ઘડિયાળની વાત તો છોડો, સામેની દિવાલ પર કેલેંડર લટકે છે, એ ય તમે ના જોયું?’

આપણી ભાષાને ‘માતૃભાષા’ એટલા માટે જ કહેવામાં આવે છે, કેમ કે માતાઓ એટલે કે બહેનો જ એનો મહત્તમ ઉપયોગ કરે છે. મારા મતે તો પુરુષો તો ભાષા ન શીખે તો પણ કામ ચાલી જાય. હવે તો બાળકો પણ આ વાત સારી રીતે જાણી ગયા છે અને એટલે જ-

બિટ્ટુ : પપ્પા, મને વાર્તા લખાવોને.

પપ્પા: તારી મમ્મી પાસે જા, એ તને લખાવડાવશે.

બિટ્ટુ: પપ્પા, ટીચરે ‘ટૂંકી વાર્તા’ લખી લાવવા કહ્યું છે.

આમ જોઈએ તો સ્ત્રીઓની ડિક્શનરીમાં ‘ટૂંકું’ શબ્દ ભાષામાં છે જ નહીં. હા, એમના ‘વસ્ત્રપરિધાન’ માં એ શબ્દ જરૂર આવે છે.

‘બોલવું એ સ્ત્રીઓનો શોખ છે, અને પુરુષોની જરૂરિયાત છે.’ સ્ત્રીઓનો આ શોખ એટલો તો વિકસિત છે, કે બહેનો બેસણામાં પણ ચૂપ નથી રહી શકતી.નીચેની રમૂજ વાંચશો તો આ વાત તમને બરાબર ધ્યાનમાં બેસી જશે.

‘આ વિશ્વવિખ્યાત નાયગરાનો ધોધ છે, એનો અવાજ ૧૦૦ સુપર સોનિક વિમાનો કરતાં પણ વધુ છે.’ એમ ધોધ બતાવી રહેલા ગાઈડે કહ્યું. અને પછી ત્યાં જોવા આવેલી સ્ત્રીઓના ટોળા સામે ફરીને કહ્યું, ‘હવે તમે બહેનો જો વાત કરવાનું બંધ કરો તો આપણે આ ધોધનો અવાજ બરાબર સાંભળી શકીશું.’

સંશોધન કરનારા એવું પણ કહે છે, કે - સ્ત્રીઓને માત્ર બોલવાથી જ સંતોષ નથી થતો, એમની વાતો બીજાઓ, ખાસ કરીને પુરુષો અને એમાં પણ ખાસ તો એનો પતિ સાંભળે એવો એનો આગ્રહ હોય છે. અને એટલે જ એ દરેક વાતની શરુઆત, ‘કહું છું, સાંભળો છો?’ ના પ્રશ્નથી કરે છે. અને દરેક પતિનો આગ્રહ એવો હોય છે, કે પત્ની બને એટલો વધારે સમય મૂંગી રહે.

‘બહેરો નર અને મૂંગી નાર, સુખી સુખી એનો સંસાર’ એવું કહેવાય છે. જો કે આ બાબતે વિચાર કરતાં મને લાગે છે કે સુખી સંસાર માટે આ બન્ને શક્યતાની જરૂર નથી. ફક્ત પતિ બહેરો હોય અથવા ફક્ત પત્ની મૂંગી હોય તો પણ એમનો સંસાર સુખી જ હોવાનો.

પુરુષો બોલવામાં ભલે સ્ત્રીઓથી પાછળ છે, પરંતુ અભિનય એટલે કે એક્ટિંગમાં એ ઘણા આગળ છે. સ્ત્રી (ખાસ કરીને પોતાની સ્ત્રી- પત્ની) જ્યારે બોલતી હોય ત્યારે એ , ‘તને જ તો સાંભળી રહ્યો છું, ડાર્લિંગ.’ એમ કહીને, એવો ડોળ કરીને પત્નીએ કહેલી વાત સિવાયનું બધું જ – ટી.વી. ન્યૂઝ, ક્રિકેટની કોમેંટ્રી, શેરબજારનાં ભાવો, બીઝનેસ ટીપ્સ....વગેરે વગેરે સાંભળ્યે જાય છે.

પણ એક વાત નિશ્ચિત છે, જૂઠું બોલનાર સ્ત્રી હોય કે પુરુષ – એની યાદશક્તિ ઘણી સતેજ થાય છે. કેમ કે એણે કયા સમયે, કોને, શું કહ્યું હતું તે યાદ રાખવું પડે છે અને સમય આવ્યે ફરીથી યાદ કરવું પડે છે. વૈજ્ઞાનિકોના તારણ પ્રમાણે પુરુષ ઓછું જૂઠું બોલતો હોવાથી એની સ્મરણશક્તિ નબળી પડે છે. ઘણીવાર તો એટલી નબળી પડે છે કે પોતે પરણેલો છે, એ વાત પણ એ ભૂલી જાય છે. એને આવું ખાસ કરીને એ કોઈ સુંદર સ્ત્રીને જુએ છે ત્યારે થાય છે.

વૈજ્ઞાનિકો કહે છે કે, ‘હવે પછી શું બોલવું?’ એની તૈયારી કરવા પુરુષે વાક્ય બોલતી વખતે શબ્દોની વચ્ચે વચ્ચે ‘અં..ઉં..’ એવા ધ્વનિનો ઉપયોગ કરવો પડે છે. વળી જૂઠું બોલતી વખતે પુરુષોની જીભ, સ્ત્રીઓની જીભના પ્રમાણમાં વધુ થોથવાય છે. દાખલા તરીકે-

પત્ની: આ ‘રોઝી’ કોણ છે?

પતિ: કો..ણ? અં ઉં.. રોઝી? હં .. હા. એ તો એક કૂતરીનું નામ છે, જ.. જેને હં.. હું ખરીદવાનો છું.

પત્ની: એ એ એ ...મ? આજે તમારી એ કૂતરીના ત્રણ વખત ફોન આવ્યા હતા.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com