પ્રકરણ ૧૦
‘...અને..’
ઓફ ધી રેકર્ડ
લેખકનો પરીચય :-
ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.
સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.
ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.
લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.
પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.
આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ
‘...અને’ – ઑફ ધી રેકર્ડ
સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..
રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..
વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.
‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......
Bhavya Raval
ravalbhavya7@gmail.com
પ્રકરણ ૧૦
‘...અને..’
ઓફ ધી રેકર્ડ
...વિબોધે પોતાના ફ્લેટ પર આવી સત્યાએ આપેલી ગિફ્ટ કાળજીથી ખોલી. ચળકતા સોનેરી કાગળ પાછળ પૂંઠાના બોક્સમાંથી એક્સપેન્સિવ બ્રાન્ડેડ ઘડિયાળ નીકળી! તેની પાછળ એક નાનકડી ચિઠ્ઠી ગડી વાળેલી હતી. વિબોધે ભાવવહી રીતે ચિઠ્ઠી ખોલી ને વાંચી.
પ્રિય વિબોધને...
દુનિયા આ ઘડિયાળની જેમ ગોળ છે. ક્યાંકને ક્યાંકથી શરૂ કરેલી સફર પર ફરીને ફરી ક્યારેક આવીને ઊભું રહેવું જ પડે છે. જીવનરાહના ચક્રમાં જ્યારે આગળ વધવાની દિશા ન જડે એ સમયે આ યંત્રનો ધર્મ યાદ રાખી માત્ર આગળ વધવાનું કર્મ કરતા રહેવું.
બંધ રસ્તા પાછળ પણ એક નહીં ઘણા રસ્તા હોય છે. બધા રસ્તા મંજીલ તરફ જવાનાં હોતા નથી. સાચા રસ્તાની પરખ કરવી અઘરી ખરી પણ એ ન જડે તો રસ્તા પર ઊભું ન રહી જવું. આગળ વધતાં રહેવું.
અને.. સમયને ધ્યાનમાં રાખી ભૂતકાળની કેટલીક ક્ષણોમાંથી સારું શીખી એ યાદોને ભૂલવી, વર્તમાનની પળો જીવંત રહી જીવવી, તો બની શકે આગળ જતાં ભવિષ્યમાં આ ઘડિયાળ પહેરનાર વ્યક્તિનાં હાથમાં સમય હોય!
વિબોધે ચિઠ્ઠીને હોઠથી લગાવી, હાથમાં ગિફટેડ વૉચ પહેરી લીધી. મેસેજ આવ્યો.
‘સત્યાનો હશે.’ વિબોધ એકલો જ બબડ્યો.
મોબાઈલ વાઈબ્રેટ થઈ અજાણ્યા નંબર પરથી મેસેંન્જર પર એક સામાન્ય ટેક્સ મેસેજ આવ્યો. વિબોધે એ નંબર પર મેસેજ કર્યો.
‘હૂ આર યુ?’
‘કૌશર ખાન. યોર ન્યૂ મેડમ. નંબર સેવ નથી કર્યો?’
‘હેલ્લો મેડમ. સૉરી મારું ધ્યાન ન પડ્યું. નંબર તો સેવ હતો, પણ નામ ફ્લેશ ન થયું!’
‘ઇટ્સ ઓકે. ડિયર... આજે કેમ ક્લાસમાં ન આવ્યો બચ્ચા?’
કૌશરનું પોતાને ‘ડિયર’ અને ‘બચ્ચા’ કહેવું થોડું અચરજ પમાડી ગયું. વિબોધે કૌશરનો ક્લાસ ન અટેન્ડ કરી શક્યાનું ખોટું કારણ કહી આપ્યું. ત્યારબાદ ચેટિંગમાં કૌશર તરફથી વિબોધને તેના ઘર-પરિવાર, ભૂતકાળ અને ભવિષ્યને લગતા સવાલો પુછાયા.
પરિવારમાં કોણ-કોણ છે? પત્રકારત્વનો અભ્યાસ કેમ કર્યો? હવે આગળ શું વિચાર્યું છે? ફ્લેટનું ભાડું શું છે? એકલા જ રહો છો? ઈનક્મનો સ્ત્રોત શું છે? કૌશરે વિબોધ વિશેની તમામ નાનીમોટી બાબત થોડીવારમાં જાણી લીધી.
બીજી તરફ વિબોધને સત્યા તરફથી મેસેજ આવવા શરૂ થયા.
‘હેલ્લો વિબોધ... નાઉ હેપ્પી?’
‘આઇ હેવ કમ્પ્લિટેડ યોર વિશ.’
‘હાઉ ડુ યુ ફિલ આફ્ટર મીટ વિથ મી?’
‘નર્વસ?’
‘મારી ગિફ્ટ ગમી?’
‘આર યુ ઈન વર્ક?’
પરંતુ કૌશર સાથે ચેટ કરવામાં મગ્ન વિબોધ તરફથી સત્યાને એક પણ મેસેજ કરવાની ઈચ્છા ન થઈ. તે કૌશર સાથે નવો પરિચય કેળવવામાં તલ્લીન થઈ ગયો હતો.
વિબોધ ઓનલાઇન હોવા છતાં મેસેજના રિપ્લાય આપતો નહતો. આથી સત્યા તણાવમાં આવી ગઈ.
‘ઓહ... ગોડ... મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હશે? આ લેખકજીવ બધાને સમજી શકે તેવું લખે, જણાવે પણ તેમનું વર્તન કોઈ ન સમજી શકે. સેવ મી ગોડ.’
સત્યાએ વિચાર્યું કદાચ ભૂલમાં ચેટ ઓન રહી ગઈ હશે. તેણે પોતાના મનને હકારાત્મક દિશામાં વિચારવા મનાવ્યું.
વિબોધે પાછળથી ‘બિઝી વિથ સમ વર્ક, કેચ યુ લેટર.’ લખી શોર્ટ રિપ્લાય કરી આપ્યો.
વિબોધ તરફથી કૌશર સાથે મેસેજમાં ટૂંકી ચેટ થયા બાદ સીધો કૉલ આવ્યો. ફોનમાં કૌશરે વિબોધને પોતાના ઘરે આવવા માટે સૂચવ્યું. કૌશરનાં નિમંત્રણને માન આપી વિબોધ કૌશરના ઘરે ગયો. જરા સંકોચથી અચકાઈને ડોરબેલ વગાડી.
કૌશરે દરવાજો ખોલ્યો, ‘વેલકમ. હમારે છોટે સે આશિયાને મેં આપકા તહે દિલ સે સ્વાગત હૈ.’
વિબોધ શુક્રિયા... શુક્રિયા કહેતો કૌશરની પાછળ પાછળ ઘરમાં પ્રવેશ્યો. કૌશરે તેને સોફા પર જગ્યા લેવા ઇશારો કર્યો.
કૌશર વિબોધને કિચનમાંથી પાણી લાવીને આપે ત્યાં સુધીમાં વિબોધે ઘરમાં નજર ફેરવી લીધી.
કૌશરનાં ઘરનું બાંધકામ નવું અને આલીશાન હતું. હરેક ચીજમાંથી અમીરીની રોનક છલકતી હતી. ડ્રોઈંગરૂમની દિવાલો અવનવા ડ્રોઈંગથી ઢંકાયેલી હતી. સોફાની સામેની વોલ પર મોટું ફ્લેટ ટી.વી અને હોમ થિએટર સ્ટેન્ડનાં આધારે ટિંગાડેલું હતું. સીલિંગ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી, જેમાં રંગીન આકર્ષક લાઈટિંગ સજાવેલી હતી. એક તરફ ઉપરની સાઇડ એ.સી. ઠંડી હવા ફેલાવતું હતું. એક્રેલિકની ટીપોઈ પર ફ્લાવરવાઝમાં કાગળનાં ફૂલો કૃત્રિમ સૌંદર્ય પાથરી રહ્યા હતા. આગળ વળાંકદાર પગથિયાં ઉપરનાં રૂમ તરફ જતાં હતા. સીડીની બીજી તરફ એક ખૂણામાં પ્લાયવૂડનું ડાઈનીંગ ટેબલ હતું. ત્યાં બાજુમાં શો-કેશમાં રમકડાં અને કાંચ-માટીનાં વાસણો શોભતા હતાં. પછી રસોડાનો ભાગ હતો.
‘મને ઈમ્પ્રેશનીસ્ટ પેઈન્ટીંગનો શોખ છે.’
વિબોધની ફરતી આંખો કૌશર પર સ્થિર થઈ. વિબોધ પાણીનો ગ્લાસ લઈ, ‘હા, દેખાઈ આવે છે.’
પાણી પિતા-પિતા, ‘ઘરની સજાવટ લાજવાબ કરી છે. તમે પ્રોફેસર નહીં, ડિઝાઈનર હોવા જોઈએ.’ એ કૌશરની સામે જોઈ રહ્યો.
‘એવરી વુમન ઇસ ગુડ ક્રિએટર’ કૌશર હાથમાં ટ્રે લઈ ત્યાં જ ઊભી રહી. ‘એન્ડ એવરી મેન ઇસ ક્રિટીકર...’
‘ગુડ ઔર બેડ?’
કૌશરના વાળની એક લટ સ્પ્રિંગની જેમ ગોળાકાર વળેલી મગજ અને કાન પાસે પરાણે આવી ઝૂલતી હતી જે કૌશર વારંવાર કાન પાછળ ખોસી દેતી તો પણ આગળ આવી જતી હતી. ખાલી પાણીનો ગ્લાસ કિચનમાં મૂકવા જતાં વિબોધ પાછળથી રેશમી સેમી ટ્રાન્સપ્રન્ટ નાઇટ ગાઉનમાં ઢંકાયેલી કૌશરની કસાયેલી કાયાનો ઉજાગર થતો ઉભાર નિહાળતો રહ્યો.
‘રાજકોટ મારા માટે નવો મુકામ છે. સાવ અજાણ્યું. એડજસ્ટ થવું થોડું અઘરું છે.’ કિચનમાંથી વિબોધની સામેની બાજુના સોફા પર કૌશર એવી રીતે ઝૂકીને બેઠી કે વિબોધને કૌશરના બે સ્તનો વચ્ચેની રેખા દેખાઈ આવી.
‘મને ખ્યાલ આવ્યો વિબોધ પાસેથી આ શહેરની બધી જાણકારી મળી રહેશે. મારે રાજકોટ ધૂમવાનું બાકી છે. કામવાળી બાઈ આવે છે પણ તે મારી જેમ અહીંની નથી, નેપાળની છે. કમ્યુનિકેશન ગેપ યુ નો?’
‘હા, જરૂર ફેરવીશ રાજકોટ. તમારું આ શહેરમાં કોઈ રિલેટિવ નથી?’
‘હિંદુસ્તાનમાં બહોત કમ લોકો સાથે જાન-પહેચાન છે. રાજકોટમાં કોઈ નહીં. બેસિકલી અમે ખાન ઘરાનાના લોકો છીએ. મોસ્ટ ઓફ સબ ફેમિલી મેમ્બર દુબઈ છે.’
‘તમારો જન્મ ત્યાં જ થયો હશે.’
‘નો. આઈ એમ બોર્ન પાકિસ્તાની. મારા અમ્મી લાહોરનાં રહેવાસી છે. પાપા અમદાવાદી. બંને લંડનમાં મળ્યા, પ્યાર હુઆ ઔર શાદી કર લી.’
‘ફિર આપ પૈદા હુઈ?’
કૌશર અને વિબોધ હસ્યાં.
‘રાજકોટ ફરવા સાથે તમે બધા બોલો છો તેવું મીઠડું કાઠિયાવાડી પણ બોલતાં શીખવું છે. શીખવશો ને બચ્ચા?’
‘જી સ્યોર.’
‘આમ તો હું પીએચ.ડી. છું. લેકિન તમને માલૂમ જ હશે આપણે ત્યાં એજ્યુકેશનમાં સબ ચલતા હૈ. સો... હું પણ ચાલી ગઈ. હું તમારા જેટલી હોશિયાર નથી. ઊર્દૂ બહેતરીન આવડે છે.’
વિબોધ પોતાના વખાણ સાંભળી શરમાઈ ગયો.
‘મારી એક કલિગે મને કહેલું મારી ભાષા ફાલુદા જેવી છે. સો સેડ ના?’
‘ડોન્ટ બી સેડ. બી પ્રાઉડ ઓન ઇટ. તમારી ભાષા આધુનિક ગુજરાતી કોલમનિસ્ટ જેવી છે.’
‘હા.. હા...’
વિબોધ કૌશરને ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
‘...જી મેડમ.’
‘મને ઓનલી કૌશર કહેવું. ક્લાસ બહારના સંબંધો આપના પોતાના સંબંધો છે. કૉલ મી કૌશર.’
‘હું મારા મેડમને નામથી બોલવું એ સારું ન લાગે.’
‘ડોન્ટ બી સિલી... હું ફક્ત તમારી મેડમ નહીં હવે હમનફસ પણ છું.’
‘ઓકે. કૌશર. બસ? તમે ઓન્લી વિબોધ જ કહેજો.’
‘હું વિબોધ જ કહું છું. વિશેષ શું કહું તો ગમશે બચ્ચા?’
કૌશરનાં આંખો અને શબ્દોના ભાવોમાં શરારત છલકાઈ આવી.
વાતો આગળ થતી રહી.
પછી વિબોધે પૂછ્યું, ‘તમે હજુ સુધી સિંગલ કેમ રહી શકયા?’
‘હું ડિવોર્સી છું. અને..’
ક્રમશ: