Aakash in Gujarati Short Stories by Bhushan Thaker books and stories PDF | Aakash

Featured Books
Categories
Share

Aakash


આકાશ

જુલાઇ – ઓગસ્ટની કોઇક ગોરંભાયેલી સવારના સાતેક વાગ્યા આસપાસ શાલિની બલ્કનીમાં બેઠી કોફીની સીપ લઈ રહી હતી. હંમેશા સ્ફુર્તિમાં રહેતી શાલુનો મિજાજ પણ કંઇક ગોરંભાયેલો હતો. ગઈકાલે વાંચવા લાવેલી “વિમેન સાઇકોલોજી”ની બુક એમ જ ખુલ્લી પડી હતી. આખી રાત ચાલુ રહેલી વેસ્ટર્ન મ્યુઝિકની સીડી અને સવારે સમાચાર માટે પ્રોગ્રામ કરેલું ઓટો-સ્ટાર્ટ ટીવી એક-બીજા સાથે બેસુરી જુગલબંધીમાં રોકાયેલા હતા.

પણ શાલુનું ધ્યાન આ કશા તરફ ન હતું. યંત્રવત એ ફરીથી બ્લેક કોફી બનાવવા કીચન તરફ જવા લાગી. અચાનક ડોરબેલ વાગતા એને યાદ આવ્યું કે સવારે ડસ્ટબીન બહાર મુકવાનું એ ભૂલી ગઈ હતી.

“ગુડ મોર્નીંગ , શાલુદીદી , પતા હૈ ડો. આકાશ ... “

કચરો લેવા આવેલા ગોપાલની વાત પૂરી થાય એ પહેલાં જ શાલુ એની ઉપર દરવાજો પછાડીને કીચનમાં દોડી ગઈ. આખી રાતનું ગોરંભાયેલું આકાશ વીજળીના ચમકારા અને વાદળના ગડગડાટ સાથે વરસવા લાગ્યું.

આકાશને એક ખુબ સારો મિત્ર ગણ્યો હતો. ઘણા સુખ, ઘણા દુ:ખમાં એ સહભાગી હતો. સિનિયર ડોક્ટર વગર કારણે ગુસ્સો ઉતારે ત્યારે મગજ શાંત રાખતા, પોતાની વાત ડર્યા વગર કહેતા, પેશન્ટના શરીર અને અંદર છુપાયેલા માનવને ઓળખતા એણે જ તો શીખવ્યું હતું. પણ શું એકાંતનો લાભ લઈ આટલે સુધી આગળ વધવાનો એને અધિકાર હતો ? આગલા દિવસે રાતના બનેલી એ ઘટના યાદ આવતા એના ગુલાબી ચહેરા પર પરસેવો બાઝી ગયો.

“થેન્ક ગોડ ! ખરા સમયે ડો.આકાશ માટે રીંગ વાગી , નહીંતર ... “

એના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. બસ થોડી જ ક્ષણોમાં આકાશા એની નજરમાંથી ખુબ નીચે પડી ગયો હતો. અંતરને પહોંચેલા આઘાત અને અંગત મિત્રના વિશ્વાસઘાતના દુ:ખ ઉપર કર્તવ્યનો મેઇક-અપ કરી એ ગાયનેક વોર્ડ તરફ ચાલવા લાગી.

“શાલુ ! ખબર છે ? ડો. આકાશ...”

“સોરી નિશા, લેઈટ થઉં છું. પછી વાત કરીએ ..”

આજે તે આકાશ વિશે કંઇજ સાંભળવા ઇચ્છતી નહોતી. જેટલી વાર એનું નામ સાંભળે, હ્રદયમાં એક વધુ તિરાડ પડતી હતી. બધી વાતોને બાજુ પર હડસેલતી હોય એમ ગાઈનેક વોર્ડના દરવાજાને ધક્કો મારી એક મોહક સ્મિત સાથે એ વોર્ડમાં પ્રવેશી. કોઈ સારી બ્રાન્ડના રૂમ-ફ્રેશનરની જેમ એના સ્મિતથી આખો વોર્ડ મઘમઘી ઉઠ્યો. રોજની જેમ હેમા કોઈ નવી ગોસ્સિપ સાથે શાલુ મેડમની રાહ જોઈ રહી હતી.

“ગુડ મોર્નીંગ! શાલુ મેડમ! ખબર છે ડો.આકાશ .... ”

“પેશન્ટ નંબર દસની ફાઈલ આપ તો ... આજે સોનોગ્રાફી માટે લખ્યું છે, ઓકે?”

“યસ મેડમ, તમને ખબર છે ડો. આકાશ .. “

“હેમા, પેશન્ટ નંબર ચારનું દર કલાકે બી.પી. ચેક કરતા રહેજો.”

“ઓકે મેડમ, ડો.આકાશ..”

“અને પેશન્ટ નંબર બે ને જોઇએ તેટલું પાણી પીવાની છૂટ. આજથી રેસ્ટ્રીક્શન નથી. બીજું કંઈ?”

“નો મેડમ.”

હંમેશની જેમ એક આત્મિય સ્મિત રેલાવતી એ કન્સલ્ટીંગ રૂમ તરફ જવા લાગી.

“પણ મેડમ, ડો. આકાશ ...”

“હેમા, તમે ડો.આકાશ કરતા પેશન્ટ પર ધ્યાન આપો તો વધુ સારું. તમારી ગોસિપ્સ પર ચાર અઠવાડિયાનું રેસ્ટ્રીક્શન છે.”

ઉતાવળા પગે એ કન્સલ્ટિંગ રૂમ તરફ ચાલવા લાગી. આખો દિવસ રહેલા પેશન્ટના અવિરત પ્રવાહ વચ્ચે ડો. આકાશની કોઇ ને કોઇ વાત ડોકાતી રહી. પણ હવે તે એના વિશે કંઇ જ જાણવા ઈચ્છતી નહોતી. ફરી લન્ચ ટાઇમ વખતે,

“શાલુ, ગઈકાલે તમે અને આકાશ સાથે હતા?”

“ન. નો. નો. સર !!!” કાલે સર ના અણધાર્યા પ્રશ્નથી એ સતર્ક થઈ ગઈ.

“ઓકે, નો ઈશ્યુઝ..”, કદાચ શાલુના જુટ્ઠુ બોલવાનો ખ્યાલ એમને આવી ગયો, “પણ આજે સવારે આકાશ...”

“સર, પ્લીઝ એક્સક્યુઝ મી...”, એ વાત પર પૂર્ણવિરામ મુકી ચાલવા જતી હતી ત્યાંજ ..

“શાલુ, વન અનધર થીંગ, કોઈક શુબ્રા વ્યાસ તમને મળવા ઇચ્છે છે. મેં સાંજે છ વાગ્યા આસપાસ તમે ગાયનેક વોર્ડમાં મળશો એમ કહ્યું છે.”

ક્ષણાર્ધમાં જ એની ડોક્ટરી નજર સામે ગ્રે ઓફીસવેરમાં લપેટાયેલી એક સુડોળ કાયા ઉપસી આવી. પ્રેગનન્સીનો ભાગેય જ જોવા મળે એવો તંદુરસ્ત કેસ. પૂરા મહિને જન્મેલું એક ગલગોટા જેવું બાળક, સાધારણ કરતા વધુ આસાનીથી થયેલી ડીલીવરીનો એક નવો દાખલો. કોઈપણ સ્ત્રીને આ પેશન્ટની ઈર્ષ્યા થઈ હોત; પણ અહીં એક ઉધાર પાસું પણ હતું. પહેલા કન્સલ્ટેશનથી લઈને ડીસ્ચાર્જ સુધીમાં પિતા કહેવાતી કોઈ વ્યક્તિ ડોકાણી ન હતી.

પ્રઈવેટ એરલાઈન્સની એક કાર્યક્ષમ હોસ્ટેસ, કો-પાઈલટ સાથે થયેલી મૈત્રી.. અનાયાસે મળેલું એકાંત .. એકાંતમાં પીગળતી એ રાત; અને પછી શરીરમાં અનુભવાયેલો એ બદલાવ. કોઈ ખૂબ જ કોમળ લાગણી ઉદ્ભવી હતી. શુબ્રાએ એને શોધવા ઘણાં પ્રયત્નો કર્યા, પણ હવે એ કોઈ બીજી ફ્લાઈટમાં હતો. એ ના જ મળ્યો. વગર કંકુએ મળેલા સૌભાગ્ય માટે એણે નોકરી ગુમાવવી પડી. પણ માતૃત્વનો આનંદ એ ગુમાવવા નહોતી માગતી – વાતવાતમાં પૂછાઈ ગયેલા પ્રશ્નથી આ વાર્તા સાંભળવા મળેલી. બે વર્ષ પછી એ ફરી મળવા આવી રહી હતી. આ કરૂણાંતિકા ફરી તાજી થતા એ વધુ ઉદાસ થઈ ગઈ. શુબ્રાની વાતે એને વધુ બેચેન કરી મુકી.

“શું હશે? ફરી એ જ? ના.. ના.. કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ? ”

કેટલીયે શંકા-કુશંકાઓ એના મનમાં જાગી રહી હતી. પણ છ વાગવાને હજી ઘણી વાર હતી. એક જ ડીસ્પ્રીનથી હ્રદય-મન બંનેને શાંત કરી એ ફરીથી કામે લાગી ગઈ. વોલ-ક્લોકમાં છ વાગ્યાની ધીમી મધુર રીધમ વાગતા જ એની નજર દરવાજા પર પડી. એક-એક ક્ષણ હવે યુગોની અકળામણ જેવી હતી. દરવાજો ખુલ્યો; અને એ જ સુડોળ કાયા .. પણ ચહેરા પર ઉદાસી નહીં, કોઈ નવોઢા પ્રથમ રાત્રીએ ધારણ કરે એવુમ નખરાળું સ્મિત વેરાવતી એ આવી રહી હતી.

“ગુડ ઈવનીંગ, શાલુ! એક ખુશ-ખબર આપવા આવી છું આઈ એમ ગેટીંગ મેરીડ,”

સેંકડો કીલોનો બોજ જાણે પળવારમાં હળવો થઈ ગયો. એક પ્રશ્નાર્થભર્યું આશ્ચર્ય એન ચહેરા પર ફરી વળ્યું.

“કોની સાથે એટલે? એ રાત્રે માત્ર શરીર નહીં, હ્રદય અને મનથી પણ હું એને વરી ચૂકી હતી. હા, મને લાગ્યું’તું કે એ મારી લાગણી સાથે રમ્યો. પણ હું ખોટી હતી ..”

“.. બે વર્ષ મારા બાળક સાથે સમય ગાળી, ગયા અઠવાડીયે મેં એક બીજી એરલાઈન્સ જોઇન કરી, અને એ પાયલટ હતો. આઈ જસ્ટ કાન્ટ બિલીવ કે તે આટલો સારો હશે. એને લાગ્યું હતું કે રાતની એ હરકત પછી હું એને નફરત કરતી હોઈશ. એ મારી માફી માગવા જેટલી હીંમત ભેગી ના કરી શક્યો. એણે રીઝાઈન કરી બીજી એરલાઈન્સ જોઈન કરી લીધી હતી...”

“આ પચ્ચીસમીએ, શાલુ, યુ આર કમીંગ ટુ માય મેરેજ ..”

જેટ એરવેઈઝની એ પરી થોડીક જ મિનિટોમાં જાણે શું જાદુ કરી ગઈ, આકાશ સાફ થઈ ગયું સૂર્ય શુભરાત્રી કહેતા પહેલા એની છેલ્લી હૂંફ આપી રહ્યો હતો.

“શાલુ મેડમ ... “

“અરે હા, સવારે તૂં આકાશ વિશે કંઈક કહી રહી હતી; શું છે આકાશનું?”

“મે’મ, આજે સવારે ડો.આકાશ કંઈપણ કારણ આપ્યા વગર રીઝાઈન કરી ગયા છે.”

સમાપ્ત