Murder Mystery in Gujarati Crime Stories by Sultan Singh books and stories PDF | મર્ડર મિસ્ટ્રી

Featured Books
Categories
Share

મર્ડર મિસ્ટ્રી

મર્ડર મિસ્ટ્રી

એશ્વર્ય નગરના એપાર્ટમેન્ટમાં પોલીસની ચુસ્ત જમાવટ હોવા છતાં વસ્તિનો જમાવડો વધી રહ્યો હતો. આઇપીએસ રુદ્ર પ્રતાપે અવતાની સાથે જ પરિવારના સભ્યો સાથે વાતચીત કરવા એકાંત માંગ્યો. દીકરીના ગળે ફાંસો ખાઈને કરેલી હત્યાના દુઃખની સ્થિતિમાં પણ આમ અચાનક રુદ્ર પ્રતાપના વર્તનથી આસપાસ ભેગી થયેલ વસ્તી અને પોલીસના ટોળામાં કુતુહલ જોવા મળી રહ્યું હતું.

સુરભીએ અચાનક જીવ ટૂંકાવ્યો હોવા છતાં કોઈને ખાસ એની પરવા ન હતી. સાસરેથી બદનામી વેઠીને આવેલી સ્ત્રીની સમાજમાં કદાચ કોઈ ઈજ્જત નથી હોતી, એ બધું પરિવાર તો સમજતો હતો. પણ મુશ્કેલીના સમયમાં દીકરીનો સાથ છોડવો શક્ય નથી. કદાચ આ જ સ્થિતિને જાણતા હોઈને જ છૂટાછેડા પછી પરિવારે દીકરી સુરભીને પોલીસ સ્ટેશનમાંથી સીધી પોતાના ઘરે લાવી હતી.

પણ, રુદ્ર પ્રતાપનું આ વર્તન ખરેખર ચોંકાવનારું હતું. થોડીક જામેલી ચર્ચા પછી પોસમોર્ટમ રિપોર્ટ માટે લાશને રવાના કરીને, એણે સુરભીના નજીકના લોકોને બીજા દિવસે મળવા એના જ ઘરે હાજર રહેવાનું કહી એ નીકળી ગયો. આઇપીએસ અને સ્પેશ્યલ સર્વિસીઝના અંડરમાં કામ કરતા રુદ્ર પ્રતાપે ભલભલા કેશ વિચિત્ર પ્રકારે રફેદફ કર્યા હતા. આ કેશ પણ એણે સુરભીના એક મિત્રના કહેવાથી હાથમાં લીધો હતો. જો કે રુદ્ર પ્રતાપની કામ કરવાની છટા અને રીત બંને અલગ હતી. એ હાઇકમાન્ડ દ્વારા સીધો જ નિમાયેલ ઇન્સ્પેકટર હતો, એટલે સ્ટેટ લેવલ પોલીસની મુશ્કેલીઓ એને નડતી ન હતી.

બીજા દિવસની સુરભીના નજીકના લોકો સાથેની મુલાકાત બાદ એણે મનમાં કંઈક નિર્ણય કરીને સ્કોર્પિયો સીધા જ વિપ્લવના એડ્રેસ પર દુરીની પરવા કર્યા વિના જ દોડાવી મૂકી. લગભગ છ કલાકની મુસાફરી બાદ એને વિપલ્વનો પત્તો મેળવ્યો, અને નજીકના પોલિસ સ્ટેશન દ્વારા એને એક રેસ્ટરમાં મળવા માટે બોલાવ્યો. બંને વચ્ચેની ચર્ચાઓ બાદ એના ચહેરા પર ગુસ્સો અને મક્કમ નિર્ણયની આભા ઝળહળી ઉઠી હતી. જો કે સુરભીના આપઘાતના સમાચારે વિપ્લવને મૂળિયાથી જ હચમચાવી નાખ્યો હતો. પણ વિપ્લવ દ્વારા મળેલી માહિતી, રુદ્ર પ્રતાપ માટે આખાય કેસમાં વિચિત્ર કડીઓને ઉઘાડી પાડવાની અને ન્યાય પ્રણાલીને એક અલગ દિશા આપવાની તરફ ખેંચી રહી હતી.

લગભગ ત્રણ દિવસમાં એકલા જ એણે સુરભીના લાગતા વળગતા દરેકની બયાનબાજી અને માહિતી મેળવી લીધી હતી. અમુક શોધખોળ અને રિપોર્ટ્સ પણ ભેગા કરવામાં એ સફળ થયો હતો. એણે પાલઘટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સુરભી અને વિપ્લવની એફઆઈઆર તેમજ એ દિવસની પોલીસ સ્ટેશનની સીસી ટીવી ફૂટેજ પણ હોદ્દાની રુએ મેળવી લીધી હતી. આ કલીપ એણે રાતભર જોઈને કેટલાક મહત્વના મુદ્દાઓ નોંધ્યા અને ચોથા દિવસે એણે સુરભીના પતિ નિલની આકરી તપાસ આદરી દીધી હતી.

સુરભીના નજીકના પોલીસ સ્ટેશનમાં એની પોસ્ટમોર્ટમ રિપોર્ટ અપાઈ ચુકી હતી. એમાં પણ કારણ તો આપઘાત અને ગળાફાંસો જ હતો. પોલીસે આ માહિતી રુદ્ર પ્રતાપ દ્વારા પહોંચતી કરી હોવા છતાં રુદ્ર પ્રતાપ કોણ જાણે કયાં સાક્ષ્ય ઓળાઓ પાછળ ફરતો હતો એ કોઈને સમજાતું ન હતું. આ તરફ સુરભીનો પરિવાર પણ રુદ્ર પ્રતાપના કાર્ય કરવાના લહેજાથી આશ્ચર્યમાં હતો. જો કે એમણે અનુભવેલી આપઘાત ઘટનાને પોસ્ટમોર્ટમ પછી સહજ સ્વીકારી લીધું હતું.

જો કે આપઘાત પાછળનું કારણ શોધવામાં પોલીસ તંત્રએ કોઈ રસ ન ધરાવ્યો હોવાથી સુરભીના ભાઈ ભાભી સહેજ નારાજ હતા. પણ સમાજના ડરે એ વધુ કાર્યવાહી સુધી આગળ વધવાની હિંમત કરી શક્યા ન હતા. બીજા જ દિવસે એમને સુરભીનો દેહ સોંપી દેવાયો હતો પણ સતત ચોથા દિવસ સુધી એ લોકોને આઇપીએસ રુદ્ર પ્રતાપ ફરી પાછો દેખાયો ન હતો.

છેક પાંચમા દિવસે સુરભીના ઘરની બેલ વાગી. દરવાજો ખોલતાની સાથે જ રુદ્ર પ્રતાપ વિપ્લવ સાથે અંદર પ્રવેશ્યો. એણે વિપ્લવ સાથે થયેલી વાત અને પોતે શોધેલી હકીકતો સુરભીના ભાઈ સામે મૂકી દીધી. સુરભીના પરિવારમાં કૌતુક હતું, કારણ કે જે કારણ પર કોઈએ ધ્યાન ન આપ્યું હોવાનું એ લોકો વિચારીને નારાજ હતા. પણ, એ કારણનું નક્કર સોલ્યુશન લઈને રુદ્ર પ્રતાપ હજાર હતો. એણે સુરભીના પરિવારને એક એફઆઈઆર લખાવવા માટે સૂચન આપ્યું અને એમાં શું લખાવવું એ અંગેનું સૂચન પણ એમાં કરાયું.

ત્યાર બાદના ત્રણ દિવસ સરકારી કામોમાં જ વીત્યા. ચોથા દિવસે પાલઘટ પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ અને નિલ મહેતા બંને કોર્ટના વિતનેસ બોક્સની બાજુમાં ઉભેલા મળ્યા. એફઆઈઆરના આધારે રુદ્ર પ્રતાપે સ્પેશ્યલ અધિકારનો ઉપયોગ કરીને જે ચાર્જશીટ ફાઇલ કરી હતી એના કારણે કોર્ટે જલ્દી કેસ હાથમાં લીધો હતો. લગભગ બધા જ રહસ્યો કદાચ અહીં ખુલવાના હતા, પણ સુરભી પક્ષે કોઈ વકીલ ન હતો. જ્યારે સામે પક્ષે વકીલ મજબૂત ઇરાદાઓ સાથે મેદાને સજ્જ હતો. બધા રાહ જોઈ રહ્યા હતા, પણ હજુ સુધી વકીલ કે રુદ્ર પ્રતાપ ક્યાંય દેખાતા ન હતા. છેવટે કોર્ટની કાર્યવાહી શરૂ થાય એ પહેલા કાળો કોટ પહેરીને એક અજાણ્યો વ્યક્તિ અંદર હજાર થયો. એણે સુરભી પક્ષે કેશ લડવા માટેની મંજૂરી માટેના કાગળો આપ્યા અને કેસની બગડોળ સાંભળી લીધી. એ વ્યક્તિ અન્ય કોઈ નહીં સ્વયં રુદ્ર પ્રતાપ જ હતો.

આ કેસની કાર્યવાહી શરૂ કરવામાં આવે... ન્યાયાધીશે પોતાની ખુરશી પર બેસીને આદેશ છોડ્યો.

'માય લોર્ડ, આ કેસ સાવ સીધો છે. સુરભી શાહ એ આત્મહત્યા કરી છે. અને એ જ વાત એમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ જાહેર કરે છે. એમના ઘરમાં ત્યારે કોઈ હતું પણ નહીં, અને આ વાત સાબિત કરવાની પણ કોઈ જરૂર નથી.' વિરોધ પક્ષના વકીલે સીધા જ ફેસલા પર આવી જતા કહ્યું. 'તો પછી આખું પાલઘટ પોલીસ સ્ટેશન અને મારા કલાઇન્ટ નિલ મહેતા ગુનેહગાર છે, એવી ચાર્જશીટ રજુ કરીને મિસ્ટર આરપી ચૌહાણ શુ શાબીત કરવા માંગે છે...?'

'સાબિત કઇ જ કરવાનું નથી. આ કેસ તમે કહ્યું એમ સીધી દ્રષ્ટિએ સાફ સાફ દેખાય જ છે.' રુદ્ર કોર્ટમાં મક્કમ અવાજે બોલી રહ્યો હતો. 'માયલોર્ડ, સામાન્ય રીતે દરેક કેસ આ જ રીતે કોર્ટના પાને નથી ચડતો અને ગુનેહગાર કોઈના ધ્યાનમાં આવ્યા વગર જ છૂટી જાય છે.'

'જે પણ કહેવા માંગો છો એ સ્પષ્ટ કહો.' જજ ઓર્ડર આપવાની મુદ્રામાં કહી રહ્યા હતા.

'હું આજે કોર્ટ રૂમમાં કેસની અને વારદાતની એક એવી બાજુ ખોલવા માંગુ છું, જે કદાચ પોલીસ કે અન્ય કોઈએ વિચારી પણ નહીં હોય. એના માટે હું નિલ મહેતાને વિટનેસ બોક્સમાં બોલાવવાની રજા માંગીશ'

'ગ્રાન્ટેડ...' જજના આટલું કહેતા જ નિલ મહેતા વિતનેસ બોક્સમાં આવી ગયા હતા.

'તો મિસ્ટર નિલ મહેતા, આપ ચાર દિવસ પહેલા જ ડિવોર્સ પેપર સાઈન કરી ચુક્યા છો.'

'હા..'

'હું પૂછી શકું કેમ...?'

'એ વિશે કોણ નથી જાણતું, એના ઘરમાં પણ બધા જાણે છે.'

'તો શુ એ જાણકારી આપ કોર્ટ સમક્ષ પણ આપી શકશો....?'

'સુરભીનું કોઈ વિપ્લવ નામના છોકરા સાથે અફેર હતું. જેને મેં એની ફ્રેન્ડના ઘરેથી રંગે હાથ પકડી હતી. પોલીસ સ્ટેશનમાં મેં આ અંગે કેસ પણ લખાવ્યો હતો. અને ત્યાં જ અમે ડિવોર્સ...'

'ઓહ તો તમે એમને વાંધાજનક સ્થિતિમાં જોયા હતા...?'

'ના, પણ એ બંને સાથે હતા.'

'ડિવોર્સ માટે આટલું કારણ પર્યાપ્ત નથી હોતું મિસ્ટર નિલ મહેતા. વાસ્તવિકતા કંઈક અલગ પણ હોઈ શકે છે...?'

'ઓબજેક્શન માય લોર્ડ, આ કેસ કાચની જેમ સાફ છે, તો આ બધું શા માટે થઈ રહ્યું છે.' નિલ મહેતાના વકીલે વચ્ચે જ દલીલ કરી.

'ઓબજેક્શન ઓવરરુલ્ડ, યુ મેં કંટીન્યુ મિસ્ટર આર પી ચૌહાણ.' જજે હથોડીના અવાજે રુદ્ર પ્રતાપને ગ્રીન સિગ્નલ આપ્યું.

'થેંક્યું માયલોર્ડ, પણ મારા મુવવકીલ એ નથી જોઈ શકતા કે જે કાચની જેમ સામે દેખાય છે, એ કાચની પાછળ પણ ઘણું બધું હોઈ શકે છે.'

'તમે કહેવા શુ માંગો છો, સાફ સાફ કહો...'

'સાફ શબ્દોમાં કહું તો હું બસ એટલું જ કહેવા માગું છું કે આ એક મર્ડર કેસ છે અને આ મર્ડર કેસમાં આખે આખું પાલઘટ પોલીસ સ્ટેશન તેમજ નિલ મહેતા જવાબદાર છે.'

'તમે કોર્ટમાં પોલીસ પર આરોપ કેવી રીતે લગાડી શકો છો.' વિરોધી વકીલે દલીલ કરી.

'કેમ, પોલીસ ગુનેહગાર ન હોઈ શકે...?'

'પણ... અહીં...'

'અહીં પણ એ જ છે, જે કોઈને નથી દેખાતું. અને હું સ્વયં એક સિનિયર પોલિસ ઓફિસર છું, બસ ફરક એટલો છે મારું ઈમાન મને મારા ફર્જ સાથે ગદ્દારી કરવા સાથ નથી આપતું.'

'તમે આ કયા આધાર પર કહી શકો છો.' જજ દ્વારા ફરી હથોડીના ઘા પટકાયા.

'માયલોર્ડ, હું કહેવા કરતા સાબિત કરવામાં માનું છું. અને હું આશા રાખું આપ દરેક મુદ્દો બરાબર સમજો.'

'યુ મેં પ્રોસિડ...' ન્યાયાધીશે હકારમાં ડોકું ધુણાવ્યું.

'તો હવે હું પાલઘટ પોલીસ સ્ટેશનના આરોપી વિપ્લવ સહાનીને વિટનેસ બોક્સમાં બોલાવવા માંગુ છું.' આરપીના કહ્યા પછી તરત જ કોર્ટના હુકમે વિપ્લવ હજાર થયો.

'તો એ દિવસે શુ બન્યું હતું.'

'એ દિવસે સવારે હું સ્ટેશનથી ઘરે જ નીકળવાનો હતો. સુરભી એ મારી ફ્રેન્ડ્ છે અને અવારનવાર ફેસબુકના માધ્યમથી અમારી વચ્ચે ચર્ચાઓ થાય છે. હું સારું લખી શકું છું એટલે એ મારી પાસેથી કઈક શીખવા તેમજ સજેશન માટે મારી સાથે વાત કરતી રહે છે. એ દિવસે પણ એણે મને મળવા આવવા કહ્યું હતું છતાં હું ત્યાં ન ગયો.'

'તો તમે કેમ ન ગયા...?'

'એના કહ્યા પ્રમાણે એના પરિવારમાં પ્રોબ્લેમ ચાલે છે. તો હું એને મળી એની સમસ્યાઓ વધારવા નથી માંગતો. કદાચ આ જ કારણ હતું કે હું નીકળી જવાનો હતો.'

'પ્રોબ્લેમ્સ...??'

'એમની મેરેજ લાઈફ ડિસ્ટર્બ છે. કદાચ એમની વચ્ચે અનબન હતી.'

'તો તમે એને મળવા કઇ રીતે આવ્યા...?'

'મારી બસના ટાઈમમાં હજુ ત્રણ કલાકની વાર હતી. હું એના શહેરમાં હતો છતાં એની રિકવેસ્ટ પર હું એને ન મળું એ જરાય યોગ્ય ન હતું. છતાં હું સ્ટેશન પર જ બેઠો રહ્યો. ત્યાં જ એણે મને કોલ કરીને રોકવા કહ્યું અને થોડાક સમય પછી છેક ત્યાં આવીને કહ્યું, કે હું સ્ટેશન આવી ગઈ છું લેવા.'

'પછી...?:

'હું એને મળ્યો. મારી ના છતાં એણે મને ઘરે આવવા ફોર્સ કર્યો. એણે એનું ઘર ન હોવા છતાં મને એની ફ્રેન્ડના ઘરે આવવાનો આગ્રહ કર્યો. હું નહતો ઇચ્છતો છતાં એની જીદના કારણે હું એની સાથે ગયો.'

'કોઈ એકલી સ્ત્રી, અને એ પણ પરણિત...'

'સર વ્યક્તિ વ્યક્તિ હોય છે, સ્ત્રી કોઈને મળી ન શકે એ મને આનાથી પહેલા ખબર ન હતી. છતાં મેં એને ત્રણ વખત પૂછ્યું હતું કે તારી ફ્રેન્ડ ઘરે તો છે ને..? એણે હા કહ્યું એટલે જ હું ગયો. આ વાત એણે એફઆઈઆરમાં પણ લખાવી છે.'

'પછી...?' આરપી વાતની ઊંડાઈમાં જઈ રહ્યો હતો. 'માયલોર્ડ દરેક વાતને ધ્યાનથી સમજવાની કોશિશ કરજો.'

'હું એની જ એક્ટિવા પર એની ફ્રેન્ડના ઘરે ગયો. હું ત્રણ કલાક સ્ટેશન બેસીને કંટાળી જઉ એના કરતાં આ માર્ગ મને વધુ યોગ્ય લાગ્યો. આમ પણ મળવાથી જ ઓળખાણ થાય છે. અને સમય પણ જલ્દી નીકળી જાય છે. પણ, અમે લોકો હજુ ઘરે ગયા અને એણે મને પાણીનો ગ્લાસ આપ્યો ત્યાં જ એના પતિ અને સાસરિયા ઘરમાં ઘૂસી આવ્યા. એમણે મારી સાથે મારપીટ કરી અથવા કોશિશો કરી અને મારો મોબાઈલ લઈ લીધો.' વિપ્લવના ચહેરા પર વેદનાઓ વહી રહી હતી.

'ત્યાર બાદ પોલિસ આવી અને મોબાઈલ એમને સોંપવામાં આવ્યો. બરાબર ને...?' આરપીએ વિપ્લવ સમક્ષ પ્રશ્ન મુક્યો.

'ના એમના આવતા પહેલા જ આ લોકો મારા મોબાઈલના પાસવર્ડને મારવાની અને તોડી નાખવાની ધમકી આપીને ખોલાવી ગયા હતા. ત્યાર બાદ લગભગ અડધા કલાક કલાકે પોલિસ આવી. પણ સારું થયું ઘરના માલિક ત્યાં આવી ગયા હતા.'

'તો તમારી પ્રાયવસીનું શુ...?'

'શેની પ્રાઇવસી સાહેબ, આ બધું મોટા લોકો માટે છે. આ સુરભીના સાસરાના ગુંડાઓતો શુ પ્રજાની રક્ષા કરવા બેઠેલા પોલીસના જવાનો પણ ફોટા, મેસેન્જરો, વોટ્સએપ ચેટ, અંગત નંબરો અને મેસેજો વાંચી વાંચી ગંદી ગંદી વાતો અને પ્રાયવસીની પત્તર ઠોકતા હતા. શુ આ લોકોને અધિકાર છે જે મનમાં આવે એ બોલવાનો, બહેન દીકરીઓના ફોટા જોવાનો, સબંધીઓ હોય કે ગમે તે સ્ત્રી પાત્રનું નામ જોઈ જોઈને ગંદી ગાળો બોલવાનો...?' વિપ્લવ કહેતા કહેતા રડી પડ્યો.

'તમેં જઈ શકો છો મિસ્ટર વિપ્લવ.' આરપીએ ન્યાયાધીશ તરફ ફરીને કહ્યું 'માયલોર્ડ તમને કાઈ સમજાય છે. આ કેસ...'

'પોતાની પત્ની સાથે આ બધું જોઈને કોઈ પણ પુરુષ બહેકી જાય છે.' નિલના વકીલે વચ્ચે જ કહ્યું.

'પત્ની... શુ કહ્યું તમે પત્ની.. બરાબર જ સાંભળ્યું છે ને મેં..'

'હા, પત્ની... સુરભી શાહ એ નિલ મહેતાની પત્ની હતી.'

'વાહ પતિ અને પત્નીનો પ્રેમ. સાહેબ આ પતિ પ્રથમ વખત જોયો જેને પોતાની પત્ની પર ભરોસો નથી. અને એણે પોલીસને જે માહિતી આપી એ જાણ્યા પછી તો આપ પણ કદાચ આ પતિ શબ્દોથી નફરત કરવા લાગશો. પણ વાંધો નહીં આના માટે પણ આપણે ઇન્સ્પેક્ટરને જ બોલાવી લઈએ.'

'તો હા મિસ્ટર..'

'ઇન્સ્પેકટર જીતેન પટેલ.'

'હા તો મિસ્ટર પટેલ, આપ એ સવારે ક્યાં હતા અને કઈ રીતે ઘટના સ્થળે પહોંચ્યા...'

'હું એ દિવસે રાતની ડ્યુટી હોવાથી ઘરે સૂતો હતો. પણ સવાર સવારમાં જ ચોકીથી ફોન આવ્યો કે આ સ્થળે કુટ્ટણખાનું ચાલે છે. તમારે રેડ પડવાની છે.'

'આ સૂચના કોણે આપેલી...?'

'મિસ્ટર નિલ મહેતાએ.'

'તો માયલોર્ડ આ એ જ પતિ છે જેમણે પત્નીના પુરુષ મિત્ર સાથે મળવાના સ્થળને કુટ્ટણખાનું ક્યાં આધારે કહ્યું...? જો કે એમને જ્યારે પૂછ્યું કે તમે એમને વાંધા જનક અવસ્થામાં જોયા હતા...? તો એમણે કહ્યું કે ના.'

'મારા મુવકીલ કેશની દિશા બદલી રહ્યા છે. એવું કંઈ થયું જ ન હતું.'

'મારા કબીલ મિત્ર એ ભૂલી ગયા કે આ માહિતી ઇન્સ્પેકટર પટેલ આપી રહ્યા છે હું નહીં. પણ છતાંય મને ખબર હતી કે આ દાવો તમે કરશો જ એટલે હું એ દિવસની રેકોર્ડિંગ પણ લાવ્યો છું.'

આરપી દ્વારા અપાયેલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી એમણે કેસ આગળ વધારવા આદેશ આપ્યો.

'તો મિસ્ટર પટેલ, આપે ઘટના સ્થળે શુ જોયું...?'

'કઇ નહીં વિપ્લવ સહાની ત્યાં હતા અને ઘરના અન્ય લોકો પણ, સુરભી શાહ પણ ત્યાં હતા. પછી બંને દ્વારા મળેલી માહિતી પરથી વાત માત્ર મળવા આવ્યા એ જ સામે આવી. એટલે અમે વધારે પૂછતાજ માટે બંનેને પોલીસ સ્ટેશન લઇ ગયા.'

'જ્યારે બંને જણે સ્પષ્ટ બયાનમાં કહ્યું કે અમે બંને પ્રથમ વખત માત્ર ફ્રેન્ડની રીતે મળ્યા છીએ, તો આગળ કાર્યવાહીની કોઈ જરૂર જ નથી. રાઈટ ટુ ફ્રીડમ કોઈ પણ વ્યક્તિ પોતાની ઇચ્છાએ કોઈ પણ વ્યક્તિને મળી શકે છે. એ કાયદામાં ક્યાંય સ્ત્રી પુરુષ વચ્ચે પ્રકારો પાડવામાં નથી આવ્યા. અને હા મહત્વની વાત આમાં કોઈ માઇનોર નથી. તમે કહ્યું એમ કોઈએ એમને કોઈ પ્રકારની વાંધાજનક સ્થિતિમાં જોયા પણ નથી, કે એ પ્રકારનું બયાન ત્યાં હાજર રહેલા કોઈ વ્યક્તિએ આપ્યું પણ નથી.'

'પણ સર એમના પતિ જે કેસ ફાઇલ કર્યો એના આધારે અમારે કાર્યવાહી.'

'ઓકે તો તમે બંને તમારી ગાડીમાં લઈ ગયા હતા...?'

'ના પહેલા વિપ્લવ સહાનીને બે કોન્સ્ટેબલો સાથે બાઇક પર રવાના કર્યા ત્યારબાદ ગાડી મંગાવી અને પછી અન્ય લોકોને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા.'

'તો તમે યુનિફોર્મમાં હશો...?'

'ના હું સાદા કપડામાં હતો.'

'અને કોન્સ્ટેબલ...?'

'એ પણ સાદા...'

'ઓહો.. વરદી નહિ, ગાડી નહીં, ઓળખ પત્ર તો તમે કોઈને બતાવો નહિ તો આ લોકોએ તમને પોલીસ કેવી રીતે માન્યા. આ પણ વિચારવા જેવી બાબત છે.'

'ઓબજેક્શન માયલોર્ડ, મારા મુવકીલ કેશનો પ્રવાહ બદલી રહ્યા છે.'

'જી હા માયલોર્ડ, સાથી વકીલ બરાબર કહી રહ્યા છે. હું પ્રવાહ બદલી જ રહ્યો છું, કારણ કે આ કોઈ ડાયરેકટ મર્ડર કેશ નથી. સુરભીએ આત્મહત્યા કરી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ, હું એ મુદ્દા પર કેસ લડવા માંગુ છું કે એક સીધી સાદી છોકરીએ આત્મહત્યા કરી તો એના પાછળ આખરકાર છે કોણ...?'

'ઓબજેક્શન ઓવર રુલ્ડ. યુ મેં કાન્ટિન્યુ મિસ્ટર આરપી ચૌહાણ.'

'થેંક્યું માયલોર્ડ.'

'તો મિસ્ટર પટેલ તો તમે આગળ જે કાર્યવાહી કરી એ જણાવશો. અને હા મિસ્ટર મહેતાના પરિવારે જે મારામારી કરી એનું...?'

'એના અંગે અમે એમની પણ સઘન પૂછપરછ કરી હતી. એમને કાયદાકીય દોષી હોવાની પ્રતીતિ પણ કરાવી હતી. અને પછી...'

'અને પછી તમે વિપલ્વ ને કા તો આને પરણીને તારા ઘરે લઇ જા અથવા તને સત વર્ષની બળાત્કારની સજા થશે એવી ધમકીઓ આપી, તારું કરિયર ચોપટ કરી નાખીશ એવી ધમકીઓ આપવામાં આવી, ગાળી ગલોચ સિવાય વાત નથી થઈ, ત્રણ મિનિટનો કેસ ૮ કલાક સુધી ખેંચી બંનેની વારંવાર માનહાની કરવાની કોશિશો કરી, ન પૂછવાના પ્રશ્નો પૂછ્યા, દાદાગીરી કરી, ધાક ધમકીઓ આપી, અને અંતે એમના ડાયવોર્સ કરાવી દીધા.. કેમ બરાબર ને... મિસ્ટર પટેલ..'

'એવું કંઈ જ પોપ્યુસ સ્ટેશનમાં નથી થયું.'

'તો શું વિપલ્વ ખોટી બોલી રહ્યો છે, કે પછી CCTV ફૂટેજ ખોટું બોલી રહ્યા છે.'

'પણ સર... હું તો...'

'મને ખબર છે તમે હાજર ન હતા, ઇન્ફેકટ આ એફઆઈઆર માટે કોઈ હાજર ન હતું. બધા એટલા વ્યસ્ત હતા કે દર પંદર મિનિટે વાંક વચનો સાંભળતા સાંભળતા બદલાતા સામેના ઓફિસરો સામે પોતાની આપવીતી વારેઘડીએ કહેવી પડતી હતી. એટલે શું તમને સરકાર અદલાબદલી માટે પગાર આપે છે...?'

'કામ હોય...'

'શુ આખાય પોલીસ સ્ટેશનને કામ હોય છે...? એક સાથે...? જરાક અદાલતને પણ આ કામોની સ્પષ્ટતા આપવામાં આવે એવી આશા કરું છું.'

'એ તો કામ હતા, ત્યારે તોફાનો અને ફ્લેગમાર્ચ ચાલતું હતું એટલે...'

'પણ ગુન્હો એટલો ગંભીર ન હતો.'

'પણ એમના પતિએ..'

'અરે હા પૂછવાનું ભૂલી ગયો, તમને ક્યાં કુટ્ટણ ખાનાની ફરિયાદ ખોટી મળી એના પર કઇ કાર્યવાહી થઈ...?'

'એમને સમજાવ્યા...'

'તો આ બંનેનો શુ ગુનો હતો કે એમને વારંવાર ધમકાવવા, ડરાવવા, બદનામ કરવાની ધમકીઓ, પેપરમાં ફોટા આપવાની ધમકીઓ, કેરિયર બગાડી નાખવાની ધમકીઓ અપાઈ... શુ સુરભી વિપલ્વના વિરોધમાં હતી...?'

'ના...'

'શુ વિપ્લવ ગુનેહગાર હતો...?'

'ના...'

'તો મિસ્ટર મહેતા કયા આધારે કેસ કરી પછી ડાયવોર્સ લઈને નીકળી ગયા...?'

'પણ એમણે...'

'આ સંબંધ તોડીને ભરણપોષણ ન આપવાનો ફંદો હશે તો...?'

'પણ એવું તો...'

'તો એની જવાબદારી તમે લેશો...? જો સુરભી જીવતી હોટ તો એને ભરણપોષણ અપાવવાની જવાબદારી તમે આપી હતી...?'

'ના...'

'તો એને બદનામ કરતા પહેલા તમારે પૂરતી તપાસ કરવી જોઈતી હતી. અને સુરભી તેમજ વિપ્લવના બયાન લઈ જલ્દીથી એમને છોડવાના હતા પણ તમે એની ઉલટી રાહ પકડી. એની સાથે એની ફ્રેન્ડને પણ તમે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી. આખો સ્ટાફ ગુનેહગાર છે સિવાય પીએસઆઇ નીતા વૈષ્ણવ સિવાય. કારણ કે એ એક જ એવા અફસર હતા જેમણે પોલીસ સ્ટેશન છોડતા પહેલા બંનેનું બયાન લઈને છોડી મુકવાનું સૂચન જમાદારને આપી દીધું હતું. પણ એવું થયું નહીં...'

'એવું જ થયું હતું. વિપલ્વને છોડી મુકવામાં જ આવ્યો હતો.'

'એ તો સાહેબ નવ નવ કલાક મોબાઈલ ફેદવાં અને અપમાન કરવામાં કોઈ કસર ન છોડી હોવા છતાં તમારી પાસે કોઈ તથ્ય ન હતા. તમે જે ગુનાઓ એને રાખીને કરી ચુક્યા હતા ઇ વધે નહીં એટલે તમારે છોડવો તો પડવાનો જ હતો. પણ ત્યાં સુરભી સાથે જે અભદ્ર વર્તન થયું એણે એના જીવનમાં બધું તબાહ કરી નાખ્યું. એક સ્ત્રી માટે એનું માન સ્વમાન જે હોય છે એ સૌથી મહત્વનું હોય છે છતાં પાલઘટ પોલીસ સ્ટેશનમાં એની સાથે વારંવાર માનસિક બળાત્કાર થયો. અને હું માનું છું માનસિક બળાત્કાર એ શારીરિક બળાત્કાર કરતા વધુ જોખમી છે. એટલે હું બસ એટલી જ અપીલ કરીશ કરીશ કે સમાજ અને પોલિસ ખાતાને એક ઉદાહરણ બેસે એવી કડક સજા મળવી જોઈએ.'

'સજા મળવી જોઈએ એવી વાતો કરવાથી સજા ન થાય. મિસ્ટર આરપી ચૌહાણ, તમે કાયમી વકીલ ભલે નથી પણ સરકારી અફસર તરીકે એટલું જરૂર જાણતા હશો.'

'જો તમારી એજ ઈચ્છા હોય તો હું એક પછી એકની પૂછતાજ અને તથ્યો રજુ કરી આ બધા જ આરોપો સાબિત કરી શકું છું.'

'તો એજ કરવું જોઈએ.'

'ઓકે જેવી ઈચ્છા. હું ઇચ્છીસ કે એક તરફ પોલીસ સ્ટેશનની વિડિઓ ચલાવવામાં આવે અને એક તરફ એમ દેખાતા અફસરો વિતનેસ બોક્ષમાં આવતા રહે અને જવાબ આપે કે એ સમય દરમિયાન એમણે કઇ સુરક્ષા અધિકારીની ફરજો અને કાયદાઓ તેમજ જાહેર જનતાના સંવિધાનીક અધિકારોનું પાલન કર્યું હતું.'

વિડિઓ પ્લે અને બાયનબાજીની કાર્યવાહી સાથે એક પછી એક વિતનેસ બોક્ષમા આવનાર અફસરો તથ્યો સાથે ગુનેહગાર સાબિત થયા. અને અંતે બાકીનું બધું જ પોલિસ સ્ટાફના સુરક્ષા અધિકારી બેનના બયાન અને પીએસઆઇ નીતા વૈષ્ણવના સુરભીની ફ્રેન્ડ અને વિપ્લવના આરોપોને મળેલા સમર્થને સાબિત કરી દીધું. નિલ મહેતાના લવ અફેરો પણ કોર્ટ રૂમમાં ખુલ્લા પડ્યા અને અંતે બે જણા સિવાય આખાય પાલઘટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી એક એક મહિના જેલની સજા ફટકારી અને નિલ મહેતાને ખોટી ફરિયાદના અને પત્ની સાથે છેતરપિંડી તેમજ બદનામ કરવાની કોશિશના ગુન્હા હેઠળ ત્રણ વર્ષ જેલની સજા મળી.

આરપી ચૌહાણ ફરી વિજયી મુસ્કાન સાથે કોર્ટ રૂમની બહાર સુરભીના પરિવારને મળ્યા. આ આરપી ચૌહાણના જીવનની ફરી એક મોટી જીત હતી. આ આરપી ચૌહાણની જીત સમાજને ન્યાય આપવામાં સફળ રહી હતી. પોલીસ તરીકે સુરક્ષાની જવાબદારી સાથે સત્તાના મદ્યમાં અંધ થયેલ અફસરોને પણ સબક મળ્યો અને ખોટા આરોપો દ્વારા સ્ત્રીના ચરિત્રને કલંકિત કરનારા સ્વચ્છંદ પતિને પણ સજા મળી...

~ સુલતાન સિંહ 'જીવન'