Jivanrekha in Gujarati Short Stories by bharat maru books and stories PDF | જીવનરેખા

Featured Books
Categories
Share

જીવનરેખા

જીવનરેખા

સૌરાષ્ટ્રનું એક નાનું એવું ગામડુ. જુનાગઢ શહેરથી પચ્ચીસ કીલોમીટર દુર ગીરનારની પાછળના ભાગે આવેલુ કરીયા નામનું ગામ. અંતરીયાળ હોવાથી સમયથી થોડું પાછળ પણ ચાલે. અથવા કહો કે સ્થીર થઇ ગયું. ગામ સુધી પહોંચવાનો એક જ રસ્તો. એ પણ બાજુના ગામ સુધી ડામર થયેલો ને ત્યાંથી અહીં સુધી સાત કીલોમીટર કાચો રસ્તો. અઠવાડીયામાં બે વાર બસ આવે. એ પણ નકકી નહીં. બસ આવે તો આવે. બાકી આવવા જવા છકડો રીક્ષા. ગામના પાદરમાં એક ઓટલો અને આખા ઓટલાને પોતાનો છાયો આપતુ ઘટાદાર લીંબડાનું એક જ ઝાડ. બાજુમાં હનુમાનજીનું ડેરુ. એટલે કે નાનુ છ ફુટની ઉંચાઇનુ મંદિર. મંદિરમાં તેલનો અખંડ દિવો ચાલુ. કોઇને કોઇ તેલ પુરી જાય. આ ઇ. સ. 1986 નું વર્ષ એટલે ગામમાં ટી. વી. મોબાઇલ જેવા ઉપકરણો સપનામાં પણ ન આવે. ગામમાં બધા નાના મોટા ખેડુતો. હોળી પછીના દિવસો હતા. એટલે ગામના મોટાભાગના ખેડુતો પોતાના ખેતર તૈયાર કરવામાં લાગેલા. બપોરના ગરમ પવનો ગામની શેરીઓમાં ઘુમરાતા હતા. એટલે જ શેરીઓ નિર્જીવ ભાસતી હતી. ગાયો અને ભેંસો માટે આ ગરમીના દિવસ પસાર કરવા કપરા. વળી રાત તો એનાથી પણ વસમી. ગીરનારના જંગલમાંથી ગમે ત્યાંરે ભુખ્યા સિંહ દિપડા ચડી આવે. પ્રાણીઓમાં માત્ર એક કુતરુ લીંબડાના છાયા નીચે સુતા સુતા હાફતું હતુ. ઓટલા પર ગામના એકમાત્ર ભુદેવ મણિશંકર જોશી અને એક લગભગ સિતેર વર્ષના ખેડુત દેવાયતબાપા આહિર બેઠા હતા. ગામમાં કયાંરેક જ આવતા સુખ દુખના પ્રસંગોમાં મણિશંકર ક્રિયાકાંડ કરી આવે. પણ ગામમાં વસ્તી ઓછી એટલે માંડ ઘર ચાલતુ. એમાં વળી એમના પત્ની ગર્ભવતી થયા. ત્રણ મહીનાથી પીયર ગયેલા. એટલે આવનારા બાળકની પણ ચીંતા સતાવતી. આવનાર બાળકનો ઉછેર કેમ કરીશું એવી સતત ચીંતા મણિશંકરને રહેતી. એટલે આ ત્રણ મહિના હસ્તરેખા શાસ્ત્ર શીખવામાં કાઢેલા. કુંડળી તો ગામમાં કોઇ બનાવતુ જ નહીં. કોઇને જન્મ તારીખ યાદ હોય તો કુંડળી બને ને. પણ હાથ તો કોઇનો પણ જોઇ શકાય. ભવિષ્ય જાણવાની બધાને આતુરતા હોય. ખેડુતોને પોતાના છોકરાઓના ભવિષ્યની ચીંતા હંમેશા રહેતી હોય. એટલે આ દિશામાં મહેનત કરવાનું મણિશંકરને સુજયું. બાજુમાં બેઠેલા દેવાયતબાપા ખુબ શાંત અને સમજુ માણસ. આખી જીંદગી ખેતીમાં મહેનત કરી. હવે છોકરાઓ ખેતરે જાય છે. આખા ગામમાં કોઇને પણ કઇ મુંજવણ હોય કે પછી કોઇનો ઝગડો બધા દેવાયતબાપાના શરણે આવે. એમનું માન પણ ખુબ ગામમાં. બધા એની વાત માને. દેવાયતબાપાનો ન્યાય હંમેસા તટસ્થ જ હોય. એટલે મણિશંકરે પણ પહેલો હાથ દેવાયતબાપાનો જોવો એવું નકકી કરેલુ. જે આજે મોકો જોઇને શરૂઆત કરી.

“અરે દિકરા હવે આ ઘરડાનું શું ભવિષ્ય બાકી રહી ગયું?” દેવાયતબાપા આટલુ કહી હસ્યા ત્યાંરે એમના મોઢામાં બચેલા માત્ર ચાર દાંત પણ દેખાયા.

“બાપા તમારુ ભવિષ્ય નહીં,ભુતકાળ જોઉં છું” મણિશંકર પણ હસીને બોલ્યાં. ત્યાં તો દેવાયતબાપાએ હાથ ખેંચી લીધો. પછી તરત જ ડાબા હાથમાં પકડેલી બીડી સળગાવી એટલે મણિશંકરને આઘાત ન લાગ્યોં. બીડીના બેત્રણ કશ ખેંચી બાપા બોલ્યાં “શું હતો મારો ભુતકાળ એ તો તનેય ખબર જ છે. તુ પણ પાંચ વરસ થયા આ ગામમાં જ રહે છે. ”

“ના,એ પહેલાનો તમારા જુવાનીનો ભુતકાળ કહું?” મણિશંકરે બાપાને આશ્ચર્યમાં મુકતા કહયું.

“હા લે,કે ત્યાંરે મને યાદ હશે તો સાચુ કહીશ. બાકી તું ખોટો. ” બાપા બોલીને બીડી પીવા લાગ્યાં.

“તમારી યુવાનીમાં તમે બહું મોટું ધીંગાણું કરેલુ હતુ. છે એવુ કાઇ યાદ?” મણિશંકરે સીધો જ મુદો ધરી દીધો. બાપા સ્થીર થઇ ગયા. કઇ લાંબો વિચાર મગજ પર જોર કરવા લાગ્યોં. થોડીવારે વર્તમાનમાં પાછા આવ્યાં. એટલે બીડી યાદ આવી. પણ એ સમય સાથે ઓલવાઇ ગઇ હતી. બાપાએ પોતાની બંડીમાંથી બીજી બીડી કાઢી પેટાવી.

“બાપા યાદ કરો છો?” મણિશંકરે પુછયું.

“યાદ તો આવી ગયું પણ તને હાથ જોઇને ઇય ખબર પડી ગઇ?” બાપા બોલ્યાં પછી પોતાના પગના બરડ તળીયા સાથે બીડીની રાખ ઘસીને ખેરી કાઢી.

“હા,અને એ ધીંગાણામાં તમે માંડ બચ્યાં હતા. હાથની રેખાઓ કહે છે કે તમને માથામાં ઇજા થઇ હોવી જોઇએ” મણિશંકરે વિસતૃત વાત કરી. આ સાંભળી બાપાએ પોતાના માથે સફેદ ફારીયાની પાઘડી ઉતારી. અને માથુ નમાવી મણિશંકરને બતાવ્યું. બરાબર વચ્ચે જ કશું વાગ્યાનું નિશાન હતુ.

“માથામાં જ કુહાડી વાગી હતી. માંડ જીવ બચ્યોં. ત્યાંરે અમે બીજે ગામ રહેતા. ત્યાં સેઢા પાડોસી હારે મારા બાપાને ધીંગાણું થયું. પણ મને માથામાં ઘા લાગ્યોં એટલે બધુ મુકીને આ ગામ આવી ગયા. હું ત્યારે વીસ વરસનો હઇશ કદાચ. તે દિવસથી પાઘડી કાઢતો જ નથી. આજ તારી સામે ઉતારી. ભુદેવ સામે ખોટુ નો બોલાય. પણ તમે તો સાચા જોશી થઇ ગયા મારાજ!!” બાપા બોલીને પાછી પાઘડી માથા પર બાંધવા લાગ્યાં. મણિશંકર પણ નવાઇ પામ્યા એટલે નિશબ્દ થયા. એટલામાં પેલુ કુતરુ અચાનક ઉભુ થયું. રસ્તા તરફ થોડુ આગળ જઇને ભસવા લાગ્યું. પછી પાછુ વળી ગામમાં ભાગી ગયું.

“ કોક આવતુ લાગે” બાપાએ ભવિષ્યવાણી કરી. મણિશંકર પણ ઓટલા પર ઉભા થયા. દુર રસ્તા પર ધુળની ડમરી ઉડતી દેખાઇ. એમાં વળી દુર આછીપાતળી માનવ આકૃતી દેખાઇ એટલે પાછા બેસી મણિશંકર બોલ્યાં “હા,કોઇ આવે છે. પણ આ તડકાધુમનું કોનું મગજ ફરી ગયુ હશે?”

થોડીવારે રસ્તા પર એક માનવદેહ સ્પષ્ટ થયો. બંને માટે કોઇ અજાણ્યોં શખ્સ જ હતો. નજીક આવી એ જણ ઉભો રહયોં. પહાડી શરીર અને ચહેરો પણ મોટી મુછને લીધે કરડાકી ભર્યોં લાગ્યો. પણ નવા જ કાપડનું સફારી પહેરેલું એટલે કોઇ સુખી ગામમાંથી આવતા હોય એવું લાગ્યું. બાપાએ પુંછયું “આવો મેમાન. આવા તડકામાં હાલીને આવવું પયડું? કોની ઘરે જાવું છે ભાઇ?”

આવનાર ભાઇ જેવા કડક દેખાતા હતા એવી જ કડકાઇમાં સામો સવાલ એણે કર્યોં “ મણિશંકર મહારાજનું ઘર કયાં આયવુ?”

“લે,આ બેઠા ઘરધણી. એને જ પુછી લ્યોં” બાપા બોલ્યાં. પછી બાજુમાં રાખેલા માટલામાંથી ઠંડા પાણીનો લોટો ભરી મેમાનને ધર્યોં. મહેમાન પણ આખો લોટો પાણી પી ગયા. અને ઠંડક થઇ એટલે મણિશંકર તરફ જોઇને બોલ્યાં “હું બીલખાથી આવું છું. તમારા સસરાએ મોકલ્યોં છે. તમારે ત્યાં દિકરાનો જનમ થયો છે” આવેલા મહેમાને મણિશંકરને સારા સમાચાર આપ્યાં. બંને ખુશ થયા. જાણે બપોરના તડકા વચ્ચે ઠંડા પવનની લહેરકી આવી. ભરઉનાળે ટાઢકના સમાચાર આપનાર રાજના દુત જ હોય એમ બાપા બોલ્યાં “ તો મહારાજ હવે મેમાનને લાડવા ખવરાવીને જ વળાવાય. બેસો મેમાન અહીં ઓટલે. શું નામ તમારું?” મહેમાન ઓટલે બાપા પાસે બેસતા બોલ્યાં “હું ઉમેદસિંહ. આમના સસરાનો મિત્ર છું. આ બાજુ એક કામે નીકળતો હતો. આયા બાજુમાં પસવાડા ગામમાં કામ હતું ત્યાં એમણે કહયું મારા જમાઇને આ સમાચાર પહોચતા કરજો. ને બાપા,ગયળું હું નથી ખાતો. એવું હોય તો ગાઠીયા અને મરચા ખવરાવો. ગાઠીયા ખાવાનું બહું જ મન થયું છે. ” સસરાના મિત્ર એટલે સસરા જેટલા જ વડિલ ગણાય. એમ સમજી મણિશંકર બોલ્યાં “તો હાલો મેમાન,મારે ઘેર પધારો. ત્યાં ગાઠીયા ખવરાવું. ”

ઉમેદસિંહને ઓટલો ગમી ગયો હોય એમ કહયું “આમ તો દિકરીના ઘરનું ખવાય નય. પણ આજ ખુશીનો પ્રસંગ છે. તો જમાઇ તમે આયા જ ગાઠીયા ખવરાવી દો. હું આ બાપા સાથે સતસંગ કરું છું”

મણિશંકર ખુશ થતા ગાઠીયા બનાવવા ઘરે ગયા. બાપા અને ઉમેદસિંહે બીડી સાથે વાતો પણ ચાલુ કરી.

“તો મેમાન સવારની બસમાં આવવું હતુ ને? આ સુરજમા’રાજ ના બાણ લાગી જાય તો સુદબુધ ખોવાઇ જાય. માંદુ પડી જવાય” બાપાએ કહયું. ઉમેદસિંહ પણ બીડી ખેંચી પછી બોલ્યાં “બાપા, હું મારું મોટરસાઇકલ લઇને જ નીકળ્યોં હતો. પણ રસ્તામાં ખાડો આયવો તો રાજદુત નીચે ઉતરી ગયું. એમાં પંચર પડી ગયું. એટલે રસ્તામાં જ મુકીને હાલતો થયો. અને તડકો આપણને થોડો લાગે?”

“ઓહો, તો તો અમને સારા સમાચાર આપવા હેરાન થયા તમે કા?” બાપાએ સહાનુભુતી બતાવી.

“ના ના બાપા. હેરાનગતી વળી શેની? આ તો ખુશીના સમાચાર. અને વળી દિકરીના ગામે જવામાં તકલીફ નો હોય” ઉમેદસિંહ પોતાની મુછને અણી આપતા બોલ્યાં. થોડીવાર બંને ચુપ રહયાં. ત્યાં થોડેદુર કાચા રસ્તા પર એક બળદગાડું પસાર થયું. ગાડું જોઇ બાપાએ બુમ પાડી “કા, સુરીયા!! અટાણે તડકાનો કયાં ઉપડયોં ગાડુ લઇને? તું તો બડથલ છે પણ આ બળદ તારા જેવા નથી. બચારાને લુ લાગી જાશે. સવારમાં વહેલા કામ કરી લેવાય” પેલો ગાડાવાળો સુરેશ પણ ગાડુ ચલાવતા જ બોલતો ગયો

“ના હો દેવાયતબાપા. આ બળદ મારા જેવા જ કઠણ છે. અને આરામ કરવાનો સમય નથી. ઉંમર વધે ઇ પેલા કામ કરી લેવુ પડે. ખાતર ભરવા જાવું છે. આખો દિ ભરુ ત્યારે માંડ પુરુ થાય. ”

બાપાએ ફરી બુમ પાડી “ ખાઇને આયવો કે બાકી છે?નો ખાધુ હોય તો ઉભો રે મણિશંકર ગાઠીયા બનાવવા ગયો છે મેમાન માટે. ” બાપાની વાત સાંભળી સુરેશે દોરી ખેચી બળદને ઉભા રાખ્યાં. પણ બળદ ઉભા રહી નાકથી ફુફાડા મારવા લાગ્યાં. પણ ગાડુ સ્થીર થયું. સુરેશે બાપા તરફ જોયું. પછી ફરી બોલ્યોં “બાપા હું તો ખાઇને આયવો છું. પણ મેમાન કોને ત્યાં આવવાના છે?” બાપાએ અધુરી બીડી ઓલવી નાંખી. ઉમેદસિંહ તરફ જોઇ હસ્યાં. પછી બોલ્યાં “ એ ગાંડા,નીચે ઉતર અને આયા આવ તો ઓળખાણ કરાવું”. સુરેશના બળદ હવે વધારે ભડકવા લાગ્યાં. સુરેશે જોરથી દોરી ખેંચી રાખી તો પણ ચાલવા માટે ઉતાવળા થયા. એટલે છેવટે સુરેશે ઢીલુ મુકયું અને બોલતો ગયો “ ના, હવે આ ગોધલાઓ હાથમાં નથી રે’તા. મે’માનને હાંજે મળી લઇશ. ” ગાડુ દેખાતુ બંધ થયું. એટલે બાપાએ ઉમેંદસિંહને કહયું “આ સુરીયો અમારા ગામનો ભુત છે. આખો દિ કામ જ કરતો હોય. થાકે જ નય. અને કયાંય ઘડીક ઉભવામાંય નો સમજે. આ છે જ એવો. તમે ખોટુ નો લગાડતા. ” આટલુ બોલીને બાપાએ ઉમેદસિંહની સામે જોયું. એની નજર દુર કયાંય સ્થીર થઇ હતી. પણ બાપાની વાતથી જાગ્યાં હોય એમ કહયું “ ના ના બાપા,હવે હું ખોટું નથી લગાડતો. પહેલા બહું બોલાચાલી કરતો બધા સાથે. પણ હવે સ્થીર થયો. તમારા જેવા વડીલને આશરે ને ઓટલે જે શાંતી છે એ ખોટું લગાડવામાં નથી. ” પછી એમના ચહેરે સ્મીત રેલાયું. ત્યાં તો ગરમ પવને બંનેના ચહેરા પર થપાટ મારી. બાપાએ ચહેરા આડે હાથ રાખી દીધો. ઉમેદસિંહનું સ્મીત હજુ અખંડ હતુ.

“બાપા,આ મણિશંકરને કાઇ તકલીફ તો નથી ને? વ્યવહાર સચવાઇ જાય છે કે?” ઉમેદસિંહે મિત્રના જમાઇની ચીંતા વ્યકત કરતા પુછયું.

બાપાએ બોલવા માટે મોઢામાંથી બીડીનો ધુમાડો કાઢયોં. અને પછી બોલ્યાં “ના દરબાર,આમ તો કોઇ તકલીફ નથી. પણ હવે બે માંથી ત્રણ થયા એટલે થોડી ખેંચ રહેશે. પણ જણ હોશીયાર છે. હવે તો હથેળી જોવાનું શીખી ગયો છે. એટલે રળી ખાશે. એના સસરાને કેજો કાઇ ઉપાધી નો કરે. ”

ઉમેદસિંહે વળતો જવાબ આપ્યોં “સારુ સારુ,બસ અમારી દિકરી ખુશ રહે. અને જમાઇને મારેય હાથ બતાવવો છે. મારું એક કામ થાશે કે નય ઇ પુછવું છે. ” થોડી અલક મલકની વાતો કરી ત્યાં મણિશંકર ગરમા ગરમ ગાઠીયા અને સાથે તળેલા મરચા અને એક મોટા લોટામાં છાસ લઇને આવ્યાં. જે કપડામાં ગાઠીયા વિંટીને લાવેલા એ નીચે પાથરી બધું તૈયાર કર્યું. બધાએ ગાઠીયા ખાધા. બાપાએ શોધી શોધીને પોચા પોચા બે ચાર ગાઠીયાં ખાધા. મોટી વાટકીમાં છાશ પીધી. મણિશંકરે મહેમાન માટે થઇ હાથે કરીને ઓછા ગાઠીયા ખાધા. ઉમેદસિંહ દરેક છાશના ઘુંટડા પછી એક જ વાકય બોલતા ગયા. “ વાહ જમાઇ, ગાઠીયા બાકી જોરદાર બનાવ્યાં હો. ” મરચાની દાંડીઓ સિવાય કશું જ વધ્યું નહીં. મણિશંકરે હેઠા વાસણો કપડામાં બાંધી બાજુ પર મુકી દીધા. અને ઉમેદસિંહને પાણી આપ્યું.

દેવાયતબાપાએ ફરી બીડી સળગાવી. ઉમેદસિંહને પણ બીડી આપી. કોઇ ફેકટરી ચાલુ હોય એટલો ધુમાડો થયો. “ બાપા તમારે બીડી બહું પીવાય જાય છે. થોડી ઓછી પીતા હોય તો?” મણિશંકરે સલાહ આપી. બાપા મંદ મંદ હસી લીધા. પછી વાત બદલવા બોલ્યાં “મણિશંકર તમારે બાપુનો હાથ જોવાનો છે. એનું ભવિષ્ય જોવાનું છે. ” મણિશંકરને આમ અચાનક કામ મળ્યું હોય એમ બીડીની વાત ભુલી ગયા. અને બોલ્યાં “હા,તો લાવો બાપુ તમારો જમણો હાથ. તમારુ ભવિષ્ય જોઇ દઉં” બાપુએ પોતાનો જમણો હાથ આગળ કર્યોં. વળી પાછો ખેંચી લીધો અને બોલ્યાં “જો જમાઇ,જે હોય ઇ સાચુ કહેજો. હું મારા ભવિષ્યથી જરા પણ ગભરાતો નથી. જો ખોટું કહયું તો તમારા સસરાને કહી દઇશ. ” મણિશંકરને ઉમેદસિંહના ચહેરાના હાવભાવ ગંભીર અને બીહામણા દેખાયા. એટલે એ અચલ જ રહયાં. પલવાર સ્થીર જ ઉભા રહી ગયા. પછી ઉમેદસિંહ ફરી હાથ આગળ ધર્યોં અને હસીને બોલ્યાં “ લ્યો આ હાથ,ગભરાયા વગર કહો. ” ત્યાં દેવાયતબાપા બંનેના મધ્યસ્થી તરીકે બોલ્યાં “જો મેમાન, આ ભુદેવ ખરેખર જોષી છે. જે હાથમાં લઇખુ હઇશે ઇ સાચુ જ કહેશે. બરાબરને મણિશંકર?” “હા હા બાપા આપણે સાચુ કહેવામાં બીક શેની,લાવો બાપુ. ” ઉમેદસિંહે હાથ ધર્યોં.

મણિશંકર હાથની રેખાઓને બરાબર ઓળખતા. તરત જ જીવનરેખા પર ધ્યાન ગયું. એ અધવચ્ચે જ કપાયેલી હતી. પાછળ શુક્રના પહાડ પર બીજી કોઇ સહાયક રેખા પણ ન દેખાઇ. હૃદયરેખા અને મસ્તક રેખા એકબીજા સાથે જોડાયેલી જોઇ. સુર્ય રેખા સારી બનેલી હતી. અલગ અલગ ગ્રહોના પહાડો પણ જોયા. નસીબની રેખા બરાબર જીવનરેખાને સમાંતર જગ્યાએ જ કપાયેલી હતી. આવું ઉમેદસિંહનું તમામ રેખાચિત્ર મગજમાં ઉભુ થયું પછી એને શબ્દોમાં બહાર કાઢવા મણિશંકર બોલ્યાં

“ બાપુ, તમે લાગણીથી જ જીવતા માણસ છો. તમે હૃદયના ભાવની આડે બુદ્ધીને નથી આવવા દેતા. તમારી ખ્યાતી/નામના બહું જ થશે. તમારે સંતાનમાં એક જ દિકરી છે. તમે જાતમહેનતથી તમારું જીવન ઘડયું છે. તમને તમારા મા બાપનો સહારો નથી મળ્યોં. અત્યાંરે કયાંક તમારા નાણાં ફસાયા છે. જે આવશે ખરા પણ.... ” મણિશંકરે વાત અધુરી અટકાવી. બાપુ અને બાપા બંને બેબાકળા બન્યાં. પવન પણ અધુરી વાત સાંભળવા ઉતાવળો થયો હોય એમ ગરમ થઇને પસાર થયો. દેવાયતબાપા આમ તો ધીરજવાન હતા પણ આજે એ ઉતાવળા થયા અને બોલ્યાં “પણ શું? જે હોય તે વાત પુરી કર. સસરાના ભાઇબંધ સામે ખોટું ન બોલાય અને અધુરુ પણ ન મુકાય. ”

“સાચા સાચા જમાઇ, તમે બધું સાચુ કીધુ. આયા બાજુમાં પસવાડા ગામમાં મારા પચાસ હજાર રૂપીયા એક જણ બે વરસ થયા પાછા આપતો નથી. એની ઉઘરાણીએ જ આવેલો આજે. પણ પહેલા આયા સારા સમાચાર આપતો જાવ એમ વિચારીને આ ગામ આયવો. તમને સમાચાર આપીને પછી એની સાથે ઝઘડો થાય તો પણ વાંધો નય. પણ તમે અટકી કેમ ગયા?” મણિશંકરે થોડી વધારે જાણકારી આપતા કહયું “ઇ તો કોઇ તમારો નજીકનો સગો જ રૂપીયા ફસાવીને બેઠો હોવો જોઇએ. તમારી આ બે ભેગી થયેલી રેખા એવું કહે છે. ”

ઉમેદસિંહ અચરજ સાથે બોલ્યાં “હા, ઇય સાચુ. ઇ મારા ફઇનો દિકરો જ છે. બે વરસ પહેલા એને સારી ખેતી નહોતી. અને એના દિકરાના લગન આયવા તો મે મદદ કરી. પણ મે કીધુ તુ કે છ મહીનામાં મને પાછા દઇ દેજે. મારેય મારી દિકરીને પરણાવીને સાસરે વળાવવાની છે. હુંય ખેતી કરું છું. ખેતી તો નાની છે પણ વેપારી પાસે કપાસ મગફળી બતાવવાનું કમીશન લઉં. એમાંય ખેડુત પાસેથી એક રૂપીયો નહીં લેવાનો. ખાલી વેપારી પાસે મારું કમીશન લાગે. એમ કરી મારી જીંદગી ભરની મુડી,જમાપુંજી મે ઉછીની આપી દીધી. દિકરીના માગા પણ બહું આવે છે. બસ હવે આ રૂપીયા કયાંરે પાછા આવશે ઇ કહો જમાઇ?” “વડીલ રૂપીયા તો પાછા આવી જાશે. હવે બહું વાર નય લાગે. તમારી દિકરી પણ સારા ઘરમાં પરણીને જાશે. પણ એની પહેલા તમારા માથે એક ઘાત છે. એનાથી સાચવજો. ઇ ઘાતમાંથી નીકળી જાવ પછી બધુ જ સારુ દેખાય છે મને” મણિશંકરે હવે મુળ વાત કહી દીધી. એમને જે સૌથી પહેલા દેખાયું ઉમેદસિંહના હાથમાં એ સૌથી છેલ્લે કહયું. ઘાતની વાતથી દેવાયતબાપા અને મણિશંકર બંને ઉદાસ હતા. પણ ઉમેદસિંહના ચહેરે ભરઉનાળે શિયાળા જેવી ઠંડક હતી. એ હસ્યાં અને ખુશ થતા બોલ્યાં “ તો પાકકુ ઇ રૂપીયા આવી જાશે? તો તો કામ થઇ જાયને. મારી દિકરીને એનું કાયમીનું ઘર મળી જાય. ”“પણ બાપુ પહેલા... ” મણિશંકર એટલુ બોલી શકયા ત્યાં બાપાએ એમનો હાથ પકડી અટકાવ્યાં અને અધવચ્ચે જ કહયું “અરે મણિશંકર દરબારનું કામ થઇ જાશે એ પાકકુ જ છે. તો એમાં પહેલા ને પછી શું?” ત્યાં તો ઉમેદસિંહ બોલ્યાં “ હા મને ખબર છે. પહેલા ઘાત આવશે ઇ જ ને? પણ ઘાત તો હમણાં જ ગઇ. મારું રાજદુત ખાડામાં ઉતરી ગયું ઇ. બસ તો ઘાત ગઇ હવે મારુ કામ થઇ જાશે. ” મણિશંકર હવે મુંજાઇ ગયા. વાત છેલ્લા ભયંકર શબ્દો સુધી પહોચી. આખરે હિંમત કરીને એ બોલ્યાં “ના બાપુ,એ ઘાત નો કહેવાય. તમારા હાથમાં તો મૃત્યુ જેવી ઘાત છે. એમાંથી બચવાનું છે તમારે બાકી આ મારો હનુમાનબાપો રક્ષા કરે બાપ તમારી. ” વાતાવરણ ગરમ હતુ અને હવે ગંભીર થયું. વાત છેલ્લા સત્ય સુધી પહોચી ગઇ. હવે કોઇને કઇ કહેવાનું કયા બાકી રહયું?

“અરે જમાઇ, તમે જરાય ચીંતા કરો મા. હું દરબારનો દિકરો છું. મરદ છું. અમે મોતથી નથી ગભરાતા. અમથા અમારા પાળીયા ગામે ગામ હોય. બસ રુપીયા આવી જાય તો દિકરીના લગન થઇ જાય. તમારા હનુમાન પાસે પ્રાર્થના કરો કે મારુ કામ થઇ જાય” ઉમેદસિંહ આટલુ બોલી મુછમાં તાવ દેવા લાગયાં. થોડીવાર થઇ ત્યાં સુરેશ બળદગાડામાં ખાતર ભરીને પાછો નીકળ્યોં. મોટા અવાજે બુમ પાડી “મણિશંકર મારાજ, કેટલા વાયગા?” ગાડાના અવાજને લીધે કઇ સંભળાયું નહીં એટલે એમણે પણ બુમ પાડી “હે શુ કીધુ સુરેશ?” સુરેશે દોરી ખેંચી ફરી ગાડુ ઉભુ રાખ્યું અને પુછયું “ટેમ શુ થયો ટેમ?” મણિશંકર પોતાની કાંડા ઘડીયાલ ઘરે જ ભુલી ગયેલા. ગાઠીયા બનાવવા માટે ઉતારીને બાજુ પર મુકેલી. એટલે એમણે ઉમેદસિંહને પુછયું તો એમણે પોતાની ઘડીયાલ સામે જોઇ કહયું “લે આ તો બાર જ બતાવે છે હજી. બંધ થઇ ગઇ છે. ” છેવટે દેવાયતબાપાએ વડીલ તરીકે ધુરા સંભાળી. હનુમાન મંદિરની ધજાનો પડછાયો જોઇ એ બોલ્યાં “સુરીયા ચાર વાગવા આયવા. જા ભાગ હજી એક ફેરો લાગી જાશે. ” સુરેશ ચાર એટલુ જ સાંભળીને બળદને હંકારી ગયો. ઉમેદસિંહ પણ ઉભા થઇ ગયા. “લાવો જમાઇ છેલ્લી વાર પાણી પાઇ દયો એટલે હુંય ભાગુ. હજી ચાલીને જાવાનું છે. રાજદુતને ઢસડીને લઇ જઇ બાજુના ગામે પંચર બનાવી પછી પસવાડા મારા ફઇ ના દિકરા પાસે ઉઘરાણી કરવા જાવ. પાકી તારીખ લઇને જ પાછો જાઇશ. ” બાપા પણ બોલ્યાં “અરે મેમાન થોડીક વાર બેસો તો ઓલો છગનો રીક્ષા લઇને આવશે હમણા તમને મુકી જાશે. ” મણિશંકર પાણીનો લોટો ભરી ઉભા રહયાં. ઉમેદસિંહ આખો લોટો પી ગયા. અને કહયું “ ના હો બાપા, હવે રાહ જોવાય એમ નથી. મારે મોડુ થાય છે. ” મણિશંકર ને કઇક યાદ આવતા એ બોલ્યાં “બાપા ઇ છગન તો કાલે સવારે આવશે. જુનાગઢ ગયો છે ચણા ભરીને. ન્યાં રોકાવાનું કહેતો તો. ”

“અરે તો જા તું હાલીને રાજદુત સુધી મુકી આવ બાપુને” બાપાએ મણિશંકરને કહયું. ત્યાં તો ઉમેદસિંહ ચાલતા જ થઇ ગયા અને બોલતા ગયા “હું એકલો જ વયો જાઇશ. જમાઇને હેરાન નો કરાય. ” એ તો લાંબા લાંબા ડગલા ભરતા નીકળી ગયા. એના પગલાથી ફરી ધુળની ડમરીઓ ઉડવા લાગી. પેલુ કુતરુ ગામમાંથી ભસતુ ભસતુ પાછુ આવ્યું. અને ઓટલા પાસે છાયામાં બેસી ગયું. બંને જણાં એકીટસે ઉમેદસિંહને જતા જોઇ રહયાં. જયાં સુધી ઉમેદસિંહ દેખાતા બંધ ન થયા ત્યાં સુધી એ લોકો જોયા કર્યાં.

“હે હનુમાનબાપા બાપુની રક્ષા કરજો” દેવાયતબાપા મંદિર તરફ જોઇ બોલ્યાં. ફરી પાછુ ઉમેર્યું “કાઇ નય થાય એને. હાથ જોવામાં તારી ભુલ પણ હોય હો કદાચ. ” “હા બાપા ભુલ હોય તો સારુ. નહીંતર ઘાત એને જીવવા નય દયે. પણ એનું કામ થઇ જાય તો સારુ” મણિશંકરે લાંબો નિશાશો નાખતા કહયું.

સાંજનું અંધારુ થયું. બંને પોતપોતાના ઘરે ગયા. બીજા દિવસે રોજની જેમ જ મણિશંકર અને દેવાયતબાપા પાછા ઝાડના છાયે ઓટલા પર બેઠા હતા. બપોર પણ ધોમધખતા તાપથી ગરમ હતી. પણ ઘર કરતા આ બંનેને લીંબડાનો છાયો વધારે ઠંડક આપતો લાગે. એટલે આખો દિવસ અહીં જ પસાર કરે. ઘણાં સમયથી બંને મૌન બેઠા હતા. એટલે બાપાએ વાત શરૂ કરવા પુછયું “મણિશંકર,તારી ઘડિયાલમાં કેટલા વાયગા?” મણિશકરે જોઇને કહયું “સાડાબાર થાવાની તૈયારી છે બાપા. પણ કેમ?કયાંય જાવાના છો?” “હા આજે જુનાગઢ જાવાનો વિચાર છે. ઓલો છગનો રીક્ષા લઇને આવે તો થાય” દુર રસ્તા પર નજર રાખીને બાપા બોલ્યાં. ત્યાં તો દુર ધુળની ડમરી ઉડતી દેખાઇ. એ છગનની છકડો રીક્ષા જ હતી. બાપ પગ નીચે રાખેલી કપડાની થેલી કાઢી તૈયાર થયા. મણિશંકરે અચરજથી પુછયું “લે, તમે તો ઘેરથી તૈયારી કરીને આયવા કે શું?” “હા હો. તું કાલ કેતો તોને કે છગનો સવારે રીક્ષા લઇને આવશે. એટલે હું તો સવારનો તૈયાર છું” બાપાએ કહયું. થોડીવારે રીક્ષામાં છગન દેખાયો. એ તો સીધો એના ઘર તરફ જતો હતો. બાપાએ બુમ પાડી “એ છગના ઉભો રે. ” છગને બ્રેક મારી રીક્ષા ઉભી રાખી. “મારે જુનાગઢ જાવું છે. અત્યાંરે જાવાનો પાછો?” દેવાયતબાપાએ પુછયું. “હા હું આવું હમણાં તમે તૈયાર રહો. ઘરે જઇને આવું” છગન સહમતી દર્શાવી પોતાની ઘરે ગયો.

થોડીવારે છગન,એનો છકડો રીક્ષા અને બાપા ત્રણેય જુનાગઢ ચાલ્યાં. છગને રીક્ષામાં ઉપર ચાદર બાંધેલી જે છતનું કામ કરતી. આમ એની રીક્ષા કારની ગરજ સારતી. આ બાજુ મણિશંકર એકલા રહયાં. એને આજે ઉપવાસ હતો. એટલે થોડીવારે એકલા ઓટલા પર લંબાવી દીધું. ઉંઘ પણ આવી ગઇ. કુતરું મોટા અવાજે ભસવા લાગ્યું એટલે ઉંઘ ઉડી ગઇ. જોયું તો સામેથી એક રાજદુત આવીને ઉભુ રહયું. મણિશંકર ઉભા થઇ ગયા અને બોલ્યાં “અરે ઉમેદસિંહજી આપ?પાછા કેમ આવવું પયડું બાપુ?” બાપુએ રાજદુત બંધ પણ ન કર્યું અને કહયું “જમાઇ મારા ભેગા હાલોને પસવાડા જાવું છે. કલાકમાં તમને પાછા અહીં મુકી જાઇશ. ” મણિશંકર ના કહી શકયા નહીં. એ ચુપચાપ બેસી ગયા. માથે સફેદ ફારીયું વીંટી લીધુ. બાપુ તો ખુલ્લા માથે જ હતા. પસવાડા ગામમાં પહોચ્યાં. ઉમેદસિંહના ફઇના દિકરાની ઘરે જ સીધા ગયા. ફળીયામાં ખાટલે બેઠા. એમના ફઇ પણ આવ્યાં અને બોલ્યાં “ઉમેદ સારુ બાપા તું આયવો. તારો ભાઇ રાજદે રૂપીયા લેવા જ ગયો છે. આજ બાપ હવે અમારુ કરજ પુરુ થાશે. તું થોડાક વધારે રુપીયા લઇ લેજે. ” ઉમેદસિંહના ચહેરે આજ આનંદની છોડો ઉડી. ખુશ થતા એ બોલ્યાં “ફુઇ,મારા જે છે ઇ આપી દયો. હું વ્યાજખોર નથી. ભગવાન તમને બરકત આપે. ” મણિશંકર પણ ખુશ થયા કે બાપુની દિકરી હવે પરણી જાશે. પછી ઉમેદસિંહે મણિશકરની ઓળખાણ કરાવી કહયું “આ મારા દિકરા સમાન છે. ઇ કાલે કે પરમદી જયાંરે આવે ત્યારે એને પચાસ હજાર રૂપીયા આપી દેજો. ” “પણ દિકરા સાંજ સુધી રાહ જો. તો તુજ લઇને જાજે” ફઇબાએ કહયું. પણ આજ ઉમેદસિંહને ઉતાવળ બહુ હતી. એ ઉભા થઇ ગયા અને બોલ્યાં “ના આમને આપી દેજો ઇ મને પોગાડી દેશે. ” ફઇને ઘેર ચા પણ ન પીધી એટલા ઝડપથી બંને રાજદુતમાં બેસી ચાલતા થયા. રસ્તામાં મણિશંકરે પુછયું “તમે કયાય બહારગામ જવાના છો?” બાપુએ કહયું “ના મારે ઘરે રહેવું પડશે હવે. કામ છે” મણિશંકરને થયું મારે ગામથી તો પસવાડા નજીક જ છે. તો હું રૂપીયા લઇને આપી દઇશ. રાજદુતે ઉડાન ભરી હોય એમ ફટાફટ બંને કરીયા ગામે પહોચી ગયા. મણિશંકરને ઓટલા પાસે જ ઉતારી ઉમેદસિંહ સીધા જ રાજદુત મારી મુકયું. મણિશંકરે કહયું “પાણી તો પીતા જાવ બાપુ?” પણ ત્યાં તો ઉમેદસિંહ ઘણે દુર નીકળી ગયા. મણિશંકર પાછા ઓટલે બેસી ગયા. બહું જ ઝડપથી ઘટના બની ગઇ એને હવે એ એકલા બેઠા વાગોળવા લાગ્યાં. થોડીવાર ઓટલે એકલા બેઠા પછી જમવાનું બનાવવા ઘરે ચાલ્યાં ગયા.

બીજા દિવસે પણ મણિશંકર એકલા જ હતા. દેવાયતબાપાની રાહ જોતા બેઠા હતા. અગીયાર વાગ્યાં પછી કયાંરેક તો ઓટલા પર ઉભા થઇ જોઇ લેતા. પણ બરાબર બપોરના બાર વાગ્યે છગનના છકડાનો અવાજ સંભળાયો. ધીમે ધીમે પાકકુ થયુ કે છગન અને બાપા જ આવે છે. ઓટલા પાસે જ છગને રીક્ષા ઉભી રાખી બંધ કરી. બાપાની પહેલા કુદકો મારીને છગન ઉતરી ગયો. સીધો જ મણિશંકરના પગે લાગ્યોં અને બોલ્યોં “મહારાજ,મારોય હાથ જોવો. તમારુ કહેલુ બધુ સાચુ જ પડે છે. ”ત્યાં તો દેવાયતબાપા ઉતરીને આવ્યાં અને છગનનું બાવડુ પકડીને બાજુ પર કરતા બોલ્યાં “મણિશંકર, ભારે કરી ઉમેદસિંહ દરબાર પાછા થયા. (પાછા થયા એટલે મૃત્યુ પામ્યાં) એને રાજદુત હાંકતા હાંકતા હૃદયનો હુમલો આવી ગયો. એમની લાશ મળી પણ રાજદુત કોક ઉપાડી ગયું. ” આટલુ બોલી બાપા થાકી ગયા. મણિશંકર પણ ક્ષણભર અવાક થઇ કંઇ બોલી ન શકયા. “ઓહો હો,નો હોય બાપા. હજી કાલે તો પાછા આયવા’તા આયા. હું એના ભેગો ગયો. ગજબ થય ગયું. મને શંકા હતી જ કે એમને માથે મોતની ઘાત છે” મણિશંકર બોલ્યાં અને એમની આંખ ભીની થઇ. છગનને પરીસ્થીતીનો ખ્યાલ આવી ગયો એટલે હવે એ ચુપ રહયોં. બાપા ફરી બોલ્યાં “અરે બીચારાની દિકરી પરણાવાની રહી ગઇ. હવે ઇ આઇતમો(આત્મા) સદગતીએ નહીં જાય. ” “પણ બાપા આજે તો મારે એના રૂપીયા લેવા જાવાના છે. અને તમને કોણે કીધુ કે આવું બન્યું. ” “અરે આ છગનો કાલે પેલા મને બીલખા લઇ ગયો એને કામ હતુ એટલે ન્યા રોડ ઉપર ચકકાજામ હતું. માણસોના ટોળે ટોળા ઉભરાયા હતા. કોકને પુછયું આ કોની અંતિમયાત્રા છે?તો કીધુ કે અમારા ગામના લોકલાડીલા દરબાર ઉમેદસિંહ. પછી તારા સસરા પણ મળ્યાં. બધી વાત થઇ. ” “ના ના બાપા તમારી ભુલ થાય ઇ કાલ નહીં આજ હઇશે. કાલ તો બાપુ પાછા આયા આયવા’તા. અમે બેય ભેગા પસવાડા ગયા” મણિશંકરે આંખો પહોળી કરી કહયું. “એલા મહારાજ તમારી કાઇ ભુલ થાય. અમે તો કાલે જ બીલખા હતા” છગન વચ્ચે જ બોલી પડયો. એટલામાં ત્યાંથી ચાલતા ચાલતા સુરેશ પસાર થયો. આજે કઇ કામ ન હોવાથી એ પણ ઓટલે આવ્યોં. અને વચ્ચે જ બોલી પડયોં “બાપા શું માથાકુટ કરો છો ભુદેવ સાથે. ” ગંભીર વાતમાં વચ્ચે કુદી પડેલા સુરેશ પર બાપાને ગુસ્સો આવ્યોં. “એલા સુરીયા ભુત. તુ તો બંધ થા. તને તો કામ સીવાય કાઇ દેખાતુ જ નથી. પરમ દિ ઓલા મેમાન નો’તા મારી બાજુમાં બેઠા?ઇ ગુજરી ગયા” બાપા બોલ્યાં. સુરેશ સામો તાડુકયોં “ અરે કોણ મેમાન? તે દિવસે પણ મંડાયા હતા મેમાન આવવાના છે. પણ આવે ત્યાંરે માનુ ને?” “અરે આંધરા,તું ખાતર ભરવા જાતો હતો ત્યારે હું ને ઇ મેમાન બેઠા હતા. અને તું કેટલા વાયગા એમ પુછવા રોકાણો ત્યાંરે હું,મણિશંકર અને ઇ ઉમેદસિંહ ત્રણેય બેઠા હતા ઓટલે” બાપાએ સુરેશને ખખડાવતા કહયું. મણિશંકરે પણ કહયું “હા ઇ મેમાનની વાત કરીએ છીએ સુરીયા. ” સુરેશે બાપા પાસે બીડી માંગીને સળગાવી. ધુમાડો કાઢી બોલ્યોં “અરે તમને બેયને કહી દઉં તે દિવસે તમારી બાજુમાં કોઇ હતુ નહીં. અને હોય તો મને કોઇ દેખાયું નથી. અને જો મેમાન હોય તો હું ગાડામાંથી ઉતરીને મળવા તો આવુને? હું સાવ સાચુ બોલુ છું. મારા છોકરાના સમ બસ. ” સુરેશની વાત પર હવે ભરોસો કરવો જ પડે એમ હતો. અને મણિશંકરને તો ખ્યાલ આવી જ ગયો એટલે એ બોલ્યાં “મને આખી ઘટના મગજમાં ઉતરે છે હવે. ઉમેદસિંહ પહેલી વાર કરીયા આવતા હતા ત્યાંરે જ એને એટેક આવી ગયો. પણ મને સારા સમાચાર આપવાની અને પોતાની ઉઘરાણીની જવાબદારી પુરી કરવા સુક્ષ્મ દેહે આયા આવીયા. બીજે દિવસે મને કામ શોપતા ગયા. મે કીધુ હતુ કે એનીમાથે ઘાત છે ઇ જાશે પછી જ એનુ કામ થાશે. ” બાપાને પણ સમજ પડી ગઇ એટલે બોલ્યાં “ભારે કરી. એક અત્રપ્ત આતમને આપણે ઓળખી ન શકયા. પણ મણિશંકર હવે એની ઉઘરાણી અને દિકરીના લગન બધીય જવાબદારી આપણે જ પુરી કરીએ. ” મણિશંકરે ફરી કહયું “હા બાપા,એની માથે ઘાત હતી એતો એનો જીવ લઇને ગઇ. હવે એમના બધા કામ પુરા થાશે. આપણે નિમીત બનશું. ” ત્યાં તો છગન બોલ્યોં “બાપા,આપણા ગામમાં તો કોઇને આ આત્મા હેરાન નય કરેને?” છગનને કાયમ દિવસ રાત રીક્ષા લઇને જવું પડે એટલે એને વધારે ડર હોય એ સ્વાભાવિક છે. પણ મણિશંકરે જવાબ આપતા કહયું “ના ના છગન. ઇ તો અમારા સીવાય કોઇને દેખાશે પણ નહીં. એમની દિકરી સારા ઠેકાણે પરણી જાય પછી જ એમની સદગતી થાશે. ” “બાકી એક વાત તમને કહી દઉ. આ મણિશંકર હાથ જોઇને જે કયે ઇ સાચુ જ પડે. જીવતાના હાથ તો ઘણા જોશી જોતા હઇશે. પણ મરેલાના હાથ જોઇને જે ઘટના બની ગઇ એની ભવિષ્યવાણી તો આ જ કરી શકે” બાપાએ છગન અને સુરેશને કહયું. પેલુ કુતરુ જોરથી ભસવા લાગ્યું. બાપાએ આજુબાજુ દુર સુધી નજર દોડાવી પણ કઇ દેખાયું નહીં. પણ મણિશંકરે ઓટલા પર ચડીને જોયું તો દુર ધુળ ઉડતી દેખાઇ એટલે એ બોલ્યાં “કોક અરધે રસ્તેથી પાછુ વળી ગયું. છગન, હાલ ભાઇ તારી રીક્ષા લઇ લે પસવાડા જાવું છે. ”

--ભ્રમીત ભરત