Alvida V/s Moveon in Gujarati Motivational Stories by Parul H Khakhar books and stories PDF | Alvida V/s Moveon

Featured Books
Categories
Share

Alvida V/s Moveon

Name: Parul H. Khakhar

Email: parul.khakhar@gmail.com

‘1)

‘અલવિદા v/s મૂવઓન’

=====================

maximum કેટલી વખત અલવિદા કહી શકાય?’

આવો એક સવાલ પૂછ્યો હતો મિત્રોને…અને બહુ દિલચશ્પ જવાબો મળ્યા…જુઓ..આ રહ્યા.
*સામેવાળુ પાત્ર જેટલી વખત સામે મળે એટલી વખત અલવિદા કહી શકાય.
*કોને કહેવાઇ રહ્યુ છે એનાં પર આધાર રાખે કે કેટલી વખત કહેવું !
*જેટલી વખત મરી શકીએ કે મારી શકીએ એટલી વખત કહી શકાય.
*એક વખત રુબરુ કહી શકાય બાકી એકલા , મનોમન કહ્યા કરવાની કોઇ લિમીટ નથી.
*સમય અને સંજોગો પર આધાર છે કે કેટલી વખત કહેવું !
*જેટલી વખત બીજો જન્મ લેવાની તૈયારી હોય એટલી વખત.
*’અલવિદા’ની ધમકીઓ અનેક વખત આપી શકાય.
*ઘર-ઘર રમતા બાળકોની જેમ રોજ કીટ્ટા કરીને અલવિદા કહેવું અને બીજે દિવસે બુચ્ચા કરીને પાછા મળવું એ પુખ્તતાની નિશાની નથી.

વેલ..આ તો લોકોના પ્રતિભાવ હતાં,પરંતુ ઉર્દૂ ડીક્ષનરી કહે છે કે ‘આખરી સલામ’ અથવા ‘છેલ્લી વિદાય’ એટલે અલવિદા. મતલબ કે અલવિદા કહ્યા પછી કોઇ પણ માધ્યમથી ફરી મળવાનુ રહેતું નથી.તો તો મને લાગે છે કે માત્ર મૃત્યુ સમયે જ અલવિદા શબ્દ બોલી શકાય બાકી જીવંત વ્યક્તિઓ તો છૂટા પડ્યા પછી ગમે ત્યારે, ગમે ત્યાં મળી જાય એવી પૂરેપૂરી શક્યતા હોય છે.

મિત્રો..સંબંધો પૂરા થાય..અંજળ ખૂટે…ઋણાનુબંધ ખતમ થાય અને કદાચ લાગણીના પૂર ઓસરી પણ જાય ત્યારે લોકો અલવિદા કહીને સંબંધ તોડી બેસતા હોય છે.પરંતુ શું માત્ર અલવિદા કહેવાથી એ પાત્રને ભૂલી શકાય છે? એના તરફનું ખેંચાણ તોડી શકાય છે? જેને દિલ ફાડીને ચાહ્યુ હોય એને કદાચ નફરત કરી શકો પણ ભૂલી તો ન જ શકો, બન્ને વચ્ચે એક અદ્રશ્ય સરવાણી વહેતી રહે છે એમાં ગુસ્સો, નફરત, ધૃણા, પીડા, હતાશા વગેરે વગેરે વહેતું રહે છે. ..સતત…ધીમે ધીમે. અને આપણે એ માણસને ભૂલી નથી શકતા ખરું ને ? આ તુટેલા સંબંધની આંચમાં આખી ઝિંદગી શેકાતા રહેવુ પડે છે.. સુખની દરેક ક્ષણે આ કસક માણસને વિચલીત કરી મૂકતી હોય છે, કારણકે જડમૂળથી ઉખડેલો સંબંધ ઘણું બધું સાથે લેતો જાય છે. અને એ ઘાવ જલ્દી ભરાતા નથી.

‘એક ધડાકે તોડી દેવું સહેલું છે સગપણ,
કેમ કરી ભૂલાવી દેશો આખેઆખો જણ?’

તો શું થઇ શકે ? શું કરી શકાય ? અને તરત જવાબ મળે…જસ્ટ મૂવઓન.
શું છે આ મૂવઓન વળી? આગળ વધી જવું ? બીજો સંબંધ શોધી લેવો?

‘વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમકીન,
ઉસે એક ખુબસુરત મોડ દે કે છોડના અચ્છા.
ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો.’
આ ગીતની માફક સંબંધને અધ્યાહાર…અધવચાળે છોડી દેવો? અને અજનબી બની જવું એમ ? કે પછી બધું તોડીફોડીને સંબંધને યાદ કરી કરીને રડ્યા કરવું ?

આપણે સંબંધો પર ટેગ લગાવવામાં માહેર છીએ અને એ ટેગ ઉખડે ત્યારે પીડા થાય પરંતુ એ પીડાને વાગોળતા બેસી રહેવાને બદલે એ જ જગ્યા પર નવો ટેગ લગાવી શકાય છે. ધારો કે શીખંડ ખાવા માટે કાચના બાઉલ લાવ્યા, રોજ ખાતા રહ્યા અને કોઇ કારણસર શીખંડ ખાવાનો બંધ કર્યો તો..આપણે એ બાઉલને ફોડી નથી નાંખતા ખરું ને? એ બાઉલમાં દાળ પી શકાય, બાળક માટે ‘સેરેલેક’ ઘોળી શકાય, તાવ ઉતારવા મીઠાનું પાણી ભરી પોતા મુકી શકાય, બરાબરને? તો સંબંધોનું પણ આવુ જ છે. કોઇ એક પાત્ર જોડે સંબંધ જોડાયા પછી સમય, સંજોગ, સમજણ બદલાતા સંબંધોનું સ્વરુપ બદલી શકાય છે. માત્ર ચોકડી મૂકવી એ એક જ ઓપ્શન નથી.

એક માણસ કદાચ ચાહવા યોગ્ય ન રહે પરંતુ સારો મિત્ર, શુભે્ચ્છક, શિક્ષક, હિતેચ્છુ, હમદર્દ બેશક બની જ શકે. અને મારા મતે આને જ મૂવઓન કહેવાય. સંબંધોની લાશ પર આંસૂ વહાવવા કરતા એનાં પર સંજીવની છાંટી એને સજીવન કરી શકાય, જીવંત રાખી શકાય. એક વ્યક્તિ જોડે સંબંધ પૂરો કરી તેને છોડી બીજા વ્યક્તિ સાથે જોડાઇ જવુ એમ નહી પરંતુ…એક સંબંધને નવા સ્વરુપે સ્વીકાર કરવો એ મૂવઓન છે.

જીવનમાં અનેક વળાંકો આવે છે જ્યારે પ્રિયપાત્રો છૂટા પડતાં હોય છે દુખ બન્ને તરફ હોય જ છે. એ વખતે નફરત, દ્વેષ કે ધૃણાથી ‘અલવિદા’ કહેવા કરતા સંબંધને એક ચાન્સ કેમ ન આપવો !એક માણસ સારો પતિ સાબિત ન થાય પણ સારો દોસ્ત બની શકે. એક માણસ દોસ્તીમાં કાચો પડે પણ સારો પડોશી બની શકે. બે પ્રેમીઓ પ્રેમસંબંધ તૂટ્યા પછી પણ સારા કલીગ બની શકે. હાં…બધું જ શક્ય છે કારણકે અંદર એક સરવાણી વહેતી હોય છે એને ફ્રીઝ કરી દેવાને બદલે બસ…જરા વળાંક આપી દેવો…એ જ મૂવઓન !

સાથે મળીને અનેક મસલા હલ કરી શકાય છે.ઉલાળીયો કરીને ચાલ્યા જવાનુ દરેક સંબંધમા શક્ય નથી હોતું…ત્યારે કવિ ખલીલ સાહેબ કહે છે તેમ…
‘સવાલો આપ-લે કરીએ, જવાબો મેળવી લઇએ,
તમારી ડાયરી, અમારી કિતાબો મેળવી લઇએ.
તમારા સ્મિત સામે રોકડા આંસૂ મે ચૂકવ્યા છે,
છતાં જો હોય શંકા, હિસાબો મેળવી લઇએ.’

મકાન જર્જરીત થાય તો એને તોડી નથી નાંખતા પણ રંગરોગાન કરાવીએ છીએ. ફર્નીચર પર ડાઘ પડે તો ફેંકી નથી દેતા પણ સાફ કરીએ છીએ. માણસ બીમાર પડે તો તેને સ્મશાને નથી નાંખી આવતા પણ દવા કરાવીએ છીએ તોપછી સંબંધોમાં આવુ કેમ નહી? અરે…ગીતા કહે છે આત્મા પણ જૂના શરીર ત્યાગીને નવા શરીર ધારણ કરે છે તો સંબંધોને એક ચાન્સ કેમ નહી?

પુરજોશથી ઊંચે ચડેલી પતંગનો પેચ લાગે અને એમાં ખેંચતાણ થાય ત્યારે આંગળા પર ચીરાં પડે છે તો પણ આપણે દોરો કાપી નથી નાંખતા ને ? પેચમાં પતંગ કપાઇ જ જાય તો તો બીજા હાથોમાં જઇ ફરી ઉડશે પરંતુ ઘાયલ થઇને આપણી જ પતંગ આપણી અગાશીમાં આવે ત્યારે એને ગુંદરપટ્ટી લગાવીને ફરી ઉડાડવાની કોશીશ કરીએ છીએ કે નહી? અનુકૂળ પવન હોય તો ફરી ઉડે પણ ખરી !!! બરાબરને ?? તો પછી સંબંધોમાં આવું કેમ નહી?

તો ચાલો…ચોકડી મૂકતા પહેલા કમ સે કમ એક વખત વિચારીએ. સંબંધોમાં પુર્ણવિરામ મૂકતા પહેલા અલ્પવિરામ મૂકી જોઇએ. પગલું ઉપાડતા પહેલા એક વખત પાછળ જોઇ લઇએ. મિત્રો…માત્ર પગથી જ મૂવઓન નથી થવાતું મસ્તકથી પણ મૂવઓન થઇ શકાય છે.
અલવિદા v/s મૂવઓન નો જંગ તો રહેશે…નક્કી આપણે કરવાનુ છે કે કોને જીતાડવું !
આપના પ્રતિભાવો જાણવા ગમશે.

—પારુલ ખખ્ખર