વ્યક્તિત્વ વિકાસ
પ્રદીપકુમાર આર. રાઓલ
વ્યક્તિત્વ વિકાસ : કેવો હોવો જોઈએ ?
માનવ જીવનમાં વ્યક્તિત્વ વિકાસ માટે ઘણી બધી એટલે કે સમજોને દુનિયાભરની વાતોનો સમાવેશ થઈ શકે. અનાદીકાલના ગ્રંથોથી લઈને આજના યુગ સુધીમાં હજારો, લાખો પુસ્તકો બહાર પડી ગયા છે. શું સમજવું શું જતું કરી દેવું માનવ મન સતત મુંજવણ અનુભવે છે. કેટલાય યુગ પુરુષો, ફિલોસોફરો, અરે ! ભગવાનો, લાખો મહાત્માઑ થઈ ગયા. માનવતાને તેની ઊચ કોટિ માં લઈ જવા માટે ધર્મો સ્થાપ્યા, સંપ્રદાયોની રચના કરી. પૂજનીય ગીતા જેવો મહા ગ્રંથ ઘરોમાં ધૂળ ખાતો પડ્યો રહે છે. અને લોકો દુન્યવી સુખો માટે નિર્મળ બાબા જેવા ઢોંગીઓ પાસે હાથ જોડીને ભીખ માંગતા જોવા મળે છે. શું આ છે આપણો વ્યક્તિત્વ વિકાસ ? ભારત જેવો ભવ્ય દેશ અત્યારે મને સાવ ભિખારી લાગે છે. અને નિર્માલ્ય પણ ખરો. પર્સનાલિટી ડેવલપમેન્ટ, માઇન્ડ મેનેજમેંટ, બોડી બિલ્ડીંગ વિષે ઘણું બધુ સંશોધન થઈ ગયું છે અને રોજે રોજ નવું નવું બહાર પડતું રહે છે. સેલ્ફ કોન્ફિડન્સ, વિલ પાવર, માઇન્ડ ટ્રેનીંગ વગેરે શબ્દો ફક્ત કિતાબોમા પડ્યા રહે છે.
વ્યક્તિત્વ વિકાસ ફક્ત વ્યક્તિલક્ષી નહીં પરંતુ સમાજલક્ષી હોવો જોઈએ. તમારું માઇન્ડ તેજસ્વી હોય, તમારી પર્સનાલિટી પડતી હોય, તમારો વિલ પાવર સારો હોય, તમે ઇન્ટરવ્યૂમાં ફટાફટ પાસ થઈ જતાં હોવ, તમારા પ્રમોસન જલ્દીથી મલી જતાં હોય, તમારો પ્રોગ્રેસ સારો હોય, ગાડી હોય, બંગલો હોય , બધીજ સગવડો હોય. પરંતુ તમે સ્વાર્થથી ભરેલા હોવ, બીજાની લાગણીઓની કદર કે પરવા ન હોય, બસ તમારામાંજ રચ્યા પચ્યા રહેતા હોવ તો મને નથી લાગતું કે તમારું વ્યક્તિત્વ ઘડતર બરાબર થયું છે. સમાજને તમારાથી શું ફાયદો ? ઘણા સફળ પુરુષો અભિમાની હોય છે. બીજાને તુચ્છ સમજી ઉતારી પાડવાની કોશિશ કરતાં જોવા મળે છે. તો અમુક લોકોમાં પ્રેમનો અભાવ હોય છે.
આમ સ્ત્રી કે પુરુષે સર્વાંગ વ્યક્તિત્વ વિકાસ સાધવા / પ્રાપ્ત કરવા માટે બહુમુખી પ્રતિભાની સાથોસાથ માનવીય ગુણો પણ વિકસાવવા જોઈએ. તો જ સાચા અર્થમાં સારો વ્યક્તિત્વ વિકાસ થયો ગણાય.
દરેક વ્યક્તિને ત્રણ મોરચે લડવાનું હોય છે. પ્રોફેશનલ લાઈફ, સામાજિક લાઈફ, અને ફેમિલી લાઈફ. એ જુદી વાત છે કે ઘણા ચોથા અને પાંચમા મોરચે પણ લડતા હોય છે. આ દરેક મોરચે લડવા માટે જુદા જુદા હથિયાર જોઈએ તે એક સ્વાભાવિક વાત છે. કોઈ એક મોરચે નિસ્ફળ જવાય તો ખોટ કહેવાય. એક ટીવી પ્રોગ્રામમાં થોડા સમય પહેલા જોયું કે એક યુવાનને ચેનલવાળાઓએ આગળ કર્યો અને શાબાશી આપી. શું કામ કર્યું હતું તેણે ? તે યુવાન સુનિલ શેટ્ટીનો ફેન હતો, તેણે તેના તમામ ફોટાના કટિંગ ભેગા કર્યા હતા તેમજ સુનિલ શેટ્ટીનું નામ એક કરોડ વખત લખ્યું હતું. પ્રોગ્રામમાં હાજર દર્શકોએ તેને તાલીઓથી વધાવી લીધો. આ થઈ વ્યક્તિ પુજા. જો તે યુવાને તેટલુ જ માન,સન્માન પોતાના માં-બાપ કે વડીલોને આપ્યું હોત તો સરાહનીય ગણાત.
આત્મવિશ્વાસનો અભાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. નાપાસ થવાની બીકે આત્મહત્યા. ઝગડો થયો આત્મહત્યા, જુગારમાં, શેરમાં, કે ધંધામાં ખોટ ગઈ આત્મહત્યા. પ્રેમમાં નિષ્ફળતા તો આત્મહત્યા. આવું નબળું મનોબળ જલ્દીથી હારી જાય છે, પોતાની સમસ્યાઓનો સામનો કરી શકતું નથી. આપણને ફક્ત રિજલ્ટ જ જોવા મળે છે. અને બાળકના ઘડતરમાં રહી જતી ખામીઓ પરત્વે ધ્યાન જતું નથી. સમાજ આવા નાગરિકો પાસેથી શું આશા રાખી શકે.
આજની યુવા પેઢી કાનમાં નાના નાના ભૂંગળા ભરાવીને ગીતો જ સાંભળતા જોવા મળે છે. પિજા, બર્ગર , ચાઇનિજ એ તેમનો આહાર છે. ફિલ્મી હીરો તેમના આદર્શ છે. ઇન્ટરનેટ પર ચેટિંગ તેમનો પાસ ટાઈમ અને શોખ છે. માં-બાપે આપેલો ભોગ અને સગવડો વિસરાતી જાય છે.
બધો દોષ યુવાનોનો કાઢવો યોગ્ય નથી. એક હાથે તાલી ન પડે. માતા- પિતા પોતપોતાનામાં પડ્યા છે. કોઇની પાસે સમય નથી, બાળકો સમાજમાંથી જોઈને શિખે છે. મફત કાઇપણ મળી જાય તો તેમાં રસ છે. મહેનત અને સંઘર્ષના પાઠ ભુલાઈ ગયા છે. સારા ગણાતા પરિવારોના છોકરાઓ કાર, મોબાઈલ, અને બાઈકની ચોરીમાં પકડાતાં જોવા મળે છે. કારણકે ગમે તે ભોગે મોજ – શોખ કરવા છે.
વ્યક્તિત્વ વિકાસના પાયા બાળપણમાથી જ ચણાવા જોઈએ, કુમળો છોડ વળી શકે છે. વૃક્ષો વળતાં નથી. એક નામ યાદ આવે છે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી, આપણા વડાપ્રધાન હતા. ટૂંકા કદના પણ વિશાળ વ્યક્તિત્વ. અત્યારે “અંડર ટેઇકર” કે “ખલી”ને જોઈને લોકો તાળીઓ પાડે છે. કોઈને ભારતમાં થઈ ગયેલા મહામાનવો વિષે વાંચવામાં રસ નથી. કે જેમના જીવનમાથી થોડુક પણ શીખી શકાય.
અત્યારે હાઇટ, બોડી, સિક્સ પેકને મહત્વ અપાય છે. તેને સારું વ્યક્તિત્વ એટલેકે ગુડ પર્સનાલિટી માનવામાં આવે છે. ચીફ મિનિસ્ટર મોદી સાહેબ ભલે રાડો પાડે, “વાંચે ગુજરાત” પણ મને નથી લાગતું કે કોઈ માતા પિતાએ પોતાના બાળકોને વાંચવાની સલાહ આપી હોય કે બેટા એક વાર તું સ્વામિ વિવેકાનંદનું કોઈ પુસ્તક વાંચી લે.
વ્યક્તિથી સમાજ બને છે. સમાજથી દેશ બને છે. અને દેશથી દુનિયા બને છે. પરંતુ કેવો દેશ ? અને કેવી દુનિયા બનાવવી છે ? તે આપણાં સૌના હાથની અને ઈચ્છાની વાત છે. આ પ્રશ્ન દરેક વ્યક્તિએ મનમાં પોતાને પુછવો જોઈએ. તો પછી મને નથી લાગતું કે લોકપાલ બિલ માટે કે ભ્રષ્ટાચાર અટકાવવા અનશન ઉપર ઊતરવું પડે. આતો બધુ રોગ ઘર કરી ગયો હોય તે પછીના ઉપચારો છે. “પ્રીવેન્સન ઈજ બેટર ધેન ક્યોર” તે સૌ કોઈ જાણે છે.
વ્યક્તિત્વ વિકાસ પછી ચારિત્ર્ય નિર્માણ આવે છે. કેરી ગમે તેટલી સારી દેખાતી હોય પરંતુ અંદરનો રસ ખાટો હોય તો તેનું મહત્વ રહેતું નથી. તેમ ઉચ્ચ ચારિત્ર્ય વિના વ્યક્તિત્વ નિખરતું નથી.
વ્યક્તિત્વ વિકાસમાં નીચેના મુદ્દા ઉપયોગી થઈ પડસે,
ક્રોધ : ગુસ્સા ને કાબુમાં રાખવો, તેના પરિણામો ખુબજ ખરાબ આવતા હોય છે. આજ શક્તિને જો નાથવામાં આવે અને બીજા રચનાત્મક કામમાં વાળવામાં આવે તો દુનિયા હલાવી શકો છો.
સમાનતા : દરેક વ્યક્તિને સમાનતાની દ્રષ્ટિથી જોવા જોઈએ. કોઈને તુચ્છ કે હિન ન સમજવા . આમ કરવાથી તમારું પણ સન્માન થસે અને ઇજ્જત વધશે
સંઘ ભાવના : સાથે મળીને દુષ્કર કાર્યો સહેલાયથી થઈ શકે છે. તે પછી પોતાના ઘર માટે હોય, સમાજ માટે હોય કે પછી રાષ્ટ્ર માટે હોય. પોતાના પર્સનલ વિચારો ને એક બાજુએ રાખીને, પોતાનો ઇગો ભૂલીને કોમન ગોલ માટે સંઘર્ષ કરી કાર્ય સિધ્ધ કરવું જોઈએ.
માફ કરવાનો ગુણ : આમ કરવાથી ઘણી બધી શક્તિ અને સમય બચી જસે અને પોતાના કામોમાં ધ્યાન આપી શકશો. વધુમાં તમારો આત્મા પણ મજબૂત થશે. જેમ હથિયાર ઉઠાવતા આવડવું જોઈએ તેમ નાની નાની વાતોમાં માફ કરતાં શીખવું જોઈએ.
સંસ્કારિતા : સાહિત્ય, સંગીત અને કલા વિનાનો માણસ એ શિંગડા અને પુંછડા વગરનો પશુ જ છે.
આત્મનિરિક્ષણ : આ વિનાની જિંદગી જીવવા લાયક હોતી નથી. જીવનના સારા માઠા અનુભવોમાં થી શિખીને માનવે આગળ વધવાનું હોય છે. અને જીવનપર્યત શીખવાનું હોય છે. The secret of life is education through experience – Swami Vivekanand
ભય : ઘણા વ્યક્તિઓ નાની નાની બાબતો અંગે વ્યર્થ ચિંતાઓ કરીને ડરતા હોય છે. સમય અને શક્તિ બંને બગાડે છે. તેમજ નાની મોટી શારીરિક અને માનસિક બીમારીઓમાં સપડાઈ જાય છે. ઘણીવાર ભય એટલો બધો વધી જાય છે કે સમસ્યાથી બચવા આપઘાત સુધી પહોચી જાય છે. વ્યક્તિત્વ વિકાસમા નીડરતા ખુબજ મહત્વની છે.
સારી સોબત : હાં, આ પણ જરૂરી છે સારી સોબતથી સારા ગુણો વિકસાવવામાં મદદ થાય છે.
નિયમિતતા : કોઈ પણ સારો નિયમ નિયમિત કરવાથી ગુણ બની જાય છે. એક વિદ્યાર્થી હરરોજ સમયે નિશાળમાં જાય છે. તો તેને આપણે પંક્ચુયલ એટલેકે નિયમિત કહીશું. રોજ ક્રિકેટ રમવાથી તેમાં નિપુણ થવાસે. ઘણા એવી દલીલ કરે છે કે એ તો મહાન છે તે કરી શકે. ના એમ નથી તે તેમ કરી શકે છે એટલે મહાન છે. દા. ત. તેંદુલકર નિયમિત રીતે રનના ઢગલા કરે છે એટલે મહાન છે નહિ કે મહાન છે એટલે રન કરે છે.
મજબૂત મનોબળ : વિલપાવર જીવનમાં અતિશય ઉપયોગી છે. આજના જમાનામાં માનસિક તાકાત વિના સફળ થવાસે નહીં . જીવનમાં ઘણી ઉપાધિઓ આવે છે ડગલેને પગલે. નિષ્ફળતા થી હારી ન જવાય. વ્યક્તિત્વની મહાનતા ભૂલો ન કરવી તેમાં નથી પણ દરેક ભૂલ કે નિષ્ફળતા પછી ફરીથી ઊભા થવું તેમાં છે.
પ્રેમ અને ભરોષો : આ બે ફેક્ટર સિવાય જીવન અધૂરું છે. ખાલી છે. સૂકા તળાવ જેવુ નીરસ , અને બોરિંગ. આ બે ગુણો ના હોય તો માણસ મીઠા વગરનું શાક છે. ભલે નોલેજ ના હોય, ચાલસે. ભણતર નહીં હોય ચાલસે. આવડત નહીં હોય ચાલસે. પરંતુ પ્રેમ આપવાની અને પ્રેમ કરવાની કેપેસિટી નહીં હોય તો હરગિજ નહીં ચાલે. તેજ રીતે ભરોશો કરવાની અને ભરોશો રાખવાની કેપેસિટી નહીં હોય તો નહીં ચાલે. આ બે ગુણો સિવાય માણસ કે સ્ત્રીની કલ્પના કરવી જ અસંભવ છે. તેના થકીજ પરિવાર અને સમાજ બને છે અને ચાલે છે. સ્વાર્થ અને અવિશ્વાસથી બને તેટલા દૂર રહેજો.. તમારા વ્યક્તિત્વ વિકાસના આ બે મહત્વના પાસા છે. દાંપત્ય જીવનમાં આ બંને ગુણો અતિ મહત્વના છે. તેજ રીતે મિત્રતામાં પણ ખરા .
હકારાત્મક વલણ : તેનાથી મન ખોટા વિચારોને ફગાવી દે છે, નિષ્ફળતા પછી પણ તરોતાજા રહી શકે છે. નવી શક્તિ મળે છે.
મહેનત : મહેનત અને સંઘર્ષ વિના સફળતાના મીઠા ફળ ચાખવા મળતા નથી. નોકરી હોય કે ધંધો કે અભ્યાસ જીવન હોય આજના સ્પર્ધાત્મક યુગમાં મહેનતનુ પ્રમાણ ઘણું વધારે જોઈએ. સમયનો સદુપયોગ કરી પોતાના કામમાં જીવ પરોવવો જોઈએ.
બસ આ તેર મુદ્દા તો ઘણા થઈ ગયા, હર એક મે દસકા દમ હૈ .
--- પ્રદીપકુમાર આર. રાઓલ