પ્રેમ અને વિશ્વાશ : સમાજના મજબૂત પાયા
આજના જમાનામાં મોટાભાગના લોકો એમ માને છે કે આ દુનિયા પૈસાથી ( મની પાવરથી ) ચાલે છે. પૈસા હોયતો હર ચીજ ખરીદી શકાય છે. ગાડી, બંગલો, એશઆરામની તમામ વસ્તુઓ, જમીનો, જાયદાદો વગેરે વગેરે..
આવી ધારણામાં તેઓ પ્રેમ અને વિશ્વાશને પણ ખરીદવા નીકળી પડે છે. પૈસાથી વફાદારી પરચેજ કરવાના પ્રયત્ન થાય છે. શરૂઆતમાં સફળતા મળતી હોય તેમ લાગે છે. અંતે નિરાશ થાય છે. ઘણાતો ધાક ધમકી, બળનો પ્રયોગ કરી પ્રેમ જીતવાની કોશિશ કરે છે. અંતે હારીને બ્લેકમેલ કરે છે. એસિડ છાંટે છે, હત્યા કરે છે. ઘણી બધી જીવન જરૂરિયાતની, જીવનને પોશનારી અમુલ્ય ચીજો કુદરતે સાવ મફત આપી છે. દા.ત. હવા, પાણી, વાતાવરણ , પાક લેવાની જમીન, જંગલો, પણ તેની કોઈને કિંમત સમજાતી નથી. પાણીનો બગાડ, વાતવરણનો બગાડ, જંગલોનો આડેધડ વિનાશ આ બધુ જોવા મળે છે.
બસ આજ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ દરેકને બચપણથી સાવ મફતના ભાવમાં મળે છે. માં-બાપ પ્રત્યેથી, અધ્યાપકો તરફથી, ભાઈ – બહેન તરફથી. અરે! સમાજ અને દેશ પણ તમને પ્રેમ આપે છે. તમારામાં વિશ્વાસ મુકે છે, તમને તેનું મૂલ્ય સમજતા આવડવું જોઈએ. અને તે પ્રમાણે જવાબદારીપૂર્વક વર્તન કરતાં શીખવું જોઈએ.
નાના બાળકો કે મોટા જ્યારે રાત્રે નિદ્રાદેવીના શરણે જાય છે. ત્યારે સંપૂર્ણ વિશ્વાસ હોય છે. તેમના માતા – પિતા ઉપર. જો ડર હોય અને વિશ્વાસ ન હોય તો આખી રાત્રિ જાગતા પડ્યા રહેવું પડે. રખેને કોઈ ઊંઘતા હોઈએ ને મારી નાખસે તો.
પતિ - પત્ની અને આખો સમાજ, દેશ અને દુનિયા પ્રેમ અને વિશ્વાસની તાકાતથી જીવન શાંતિપૂર્ણ પસાર કરે છે. આ બંને તત્વો ન હોય તો કલ્પના કરી શકો છો કે બધાજ પાયમાલ થઈને પડી ભાંગશે.
પુરુષો અર્થોપાર્જનની પ્રવૃતિ માટે જીવનનો મોટા ભાગનો સમય ઘરની બહાર વ્યતિત કરતાં હોય છે. પત્નીઓ તથા પતિદેવો પરસ્પર પ્રેમ અને વિશ્વાસ રાખતા હોય છે. તેથી જ તો પરિવારનું જીવન શાંતિમય રીતે પસાર થાય છે. બાળકો પણ આવા સારા વાતાવરણમાં ઉછરીને દેશના બાહોશ નાગરિકો બને છે. જો તેથી ઊલટું વાતાવરણ હોય તો ? શંકા-કુશંકાઓ હોય તો ? પરિવાર- ઘરમાં કંકાસ ચાલુ થઈ જાય છે. જેની માઠી અસરોનો ભોગ કુમળા માનસ ઉપર પડે છે, અને તેમનું ભવિષ્ય જોખમાય છે જ્યારે વાત સેપરેસન કે છૂટાછેડા સુધી પહોચી જાય છે. ત્યારબાદ પતિ-પત્નીના જીવનમાં પણ કઈ સારાવાટ રહેતી નથી. જીવન ડામાડોળ થઈ જાય છે.
આમ પ્રેમ અને વિશ્વાસના પરિબળો જીવનની સુખ અને શાંતિ માટે અતિ મહત્વ ધરાવે છે જેની અવગણના ન થવી જોઈએ.
અરે ! લાખો રૂપિયાના વેપાર અને સોદાઓ વિશ્વાસ ઉપર ચાલે છે. ભલે તેમાં પ્રેમનું તત્વ ન હોય. સામાન્ય દુકાને કે મોટા મોલમાં જાવ તો તમને ઓળખાતા ન હોય તેમ છતાં તમારા ઉપર વિશ્વાસ રાખીને તમે પસંદ કરેલી ચીજ-વસ્તુ પ્રથમ પેક કરીને આપસે . ફક્ત બિલ બનાવતા સમયે તમારું નામ પૂછશે. હવે તમારે આ વિશ્વાસને ટકાવી રાખવા માટે જરૂરી કિંમત ચૂકવી તમારી જવાબદારી પૂર્ણ કરવાની હોય છે.
માનીલો કે બધા ગ્રાહકો આમ પેક કરેલ વસ્તુઓ લઈને ચાલ્યા જાય તો. શું આ સમાજ ટકી શકે ? દાખલો સામાન્ય આપ્યો છે પરંતુ અંહી પણ વિશ્વાસનું પરિબળ ભાગ ભજવે છે.
કોઈ પણ લશ્કરના લાખો સૈનિકો પ્રજા તરફથી મળતા પ્રેમ અને વિશ્વાસથી મળતી તાકાતથી દેશના સિમાડાઓની રક્ષા કરતાં હોય છે. તેજ રીતે પ્રજા પણ તે સૈનિકો ઉપર વિશ્વાસ રાખી સુખ ચેનથી રહેતી હોય છે. પ્રજા જો તેમને ભાડૂતી પગારદાર નોકર સમજવાની ભૂલ કરે તો શું પરિસ્થિતી થાય ? શું તેઓ પોતાનો જીવ, અણીના સમયે જોખમમાં મુકશે ? ભાગીને કદાચ આવતા રહેશે.
આ દેશના સાચા હિરો તો આપણાં સૈનિકો છે. લોકો સલમાન અને શાહરુખની પાછળ દોડીને બાલિશ વર્તન કરતાં માલુમ પડે છે. જેનું ફળ કદાચ ભવિષ્યે ભોગવવું પણ પડશે. એક સૈનિક કમાન્ડો ત્રાસવાદીની ગોળીઓ ખાઈ અપંગ થઈને હોસ્પીટલમાં પડ્યો હોય છે ત્યારે તેની ખબર પૂછવા કોઈ દ્રશ્યમાન થતું નથી. જ્યારે બીજી બાજુ કોઈ ફિલ્મી હીરો બીમાર હશે તો હોસ્પિટલની બહાર લાખોના ટોળાં ઉમટી પડશે. ઘરે ઘરે પ્રાર્થનાઓ અને આરતીઓ ચાલુ થઈ જશે. આમ અયોગ્ય જગ્યાએ પ્રેમ આપવો તે પણ ડહાપણની વાત નથી. જેનાથી સમાજમાં ખોટો મેસેજ જાય છે.
પ્રજા પણ બીચારી વર્ષોના વર્ષો સુધી એક પછી એક સરકારોને વિશ્વાસ રાખી સત્તા ઉપર બેસાડે છે. જ્યારે સરકારો બીચારી વિશ્વાસનો મત મેળવવા ફાંફા મારતી હોય છે. અને પોતાની ખુરસીઓ ટકાવવા પોતાની જવાબદારી અને કર્તવ્ય ચુકીને પ્રજાના વિશ્વાસનો દ્રોહ કરે છે. તો પછી અંતે શું થાય? તાજેતરમાં આપે જોયું હશે ઈજિપ્ત, લિબિયા વગેરે દેશોમાં સરકારે પ્રજાના વિશ્વાસનો સંપૂર્ણ ભંગ કરતાં પ્રજાએ ના છૂટકે વિદ્રોહ કરવો પડ્યો. આ દેશો અરાજક્તામાં ફસાઈ ગયા અને શાંતિ હણાઈ ગઈ.
પણ ભારત દેશમાં આપણાં નેતાઓને પ્રજા ઉપર ખુબજ ભરોશો અને વિશ્વાસ છે કે પ્રજા ચલાવ્યે રાખશે આપણે ભ્રષ્ટાચાર ચાલુ રાખો.
માનવજાતને વિકાસમાં મદદરૂપ થાય તેવા આ બંને મહત્વના ગુણોનું જતન કરવું જરૂરી છે. પૈસાથી દુનિયા ખરીદી શકાશે પણ પ્રેમ, વિશ્વાસ અને તેના થકી શાંતિ નહીં મેળવી શકાય. સમાજના દરેક સંબધો જો મજબુત અને લાંબા સમય સુધી ટકાવી રાખવા હોય તો પ્રેમ અને વિશ્વાસ વિના નહીં ચાલે.
એક સમયનાં અતિ ધનાઢ્ય એવા પોલ ગેટ્ટીએ લગ્ન જીવનની વારંવારની નિષ્ફળતા પછી બોલી ઉઠેલો કે “મારી તમામ દોલત લઈ લો પરંતુ મને સુખી લગ્ન જીવન આપો.” કેમકે બધી સ્ત્રીઓને તેના પૈસામાં જ રસ હતો.
જેમ અયોગ્ય આહાર નુકશાન કરે તેમ આંધળો પ્રેમ અને વિશ્વાસ નુકશાન કરે માટે સોનાની કટારી ....
પ્રેમ અને વિશ્વાસ બ્રેનમાં છૂટતા ન્યુરોકેમીકલ્સ ઉપર આધાર રાખે છે. એક બાળક જન્મે એટલે માતાના બ્રેનમાં ઓક્સિટોસીન નામનું રસાયણ સ્ત્રવે છે. જેથી એના બાળક પ્રત્યે પ્રેમ ઉભરાતા એના સ્તનમાં દુધનો ભરાવો થાય છે. માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બાળક અને માતા બંનેના બ્રેનમાં પુષ્કળ ઓક્સિટોસીન સ્ત્રવે છે જે અનહદ આનંદ આપમે છે. અને માતા બાળક વચ્ચે સામાજિક ફેવિકોલ બોન્ડીંગ થાય છે. ઓક્સિટોસીન પ્રેમ અને વિશ્વાસનું જનક છે.
માણસ સામાજિક પ્રાણી હોવાથી સમાજમાં રહેતા બીજા લોકો સાથે પ્રેમ અને વિશ્વાસ હોવો જરૂરી છે. મેમલ પ્રાણીઓ તે રીતે જ વિકસેલા છે. સરીસર્પ પ્રાણીઓના સમાજ હોતા નથી. તેમના બ્રેનામાં ફક્ત સંભોગ સમયે જ ઓક્સિટોસીન સ્ત્રવે છે, બાકી નહિ. માટે સરીસર્પને એકબીજા પ્રત્યે પ્રેમ કે વિશ્વાસ હોતો નથી માટે એમના સમાજ હોતા નથી. બે સરીસર્પ એક જાતના ભેગા થાય તો ત્રણ શક્યતાઓ, સામેવાળો નાનો કે નબળો હોય તો હુમલો કરો, મોટો કે બળવાન હોય તો ભાગી જાઓ અને સરખો હોય તો સંભોગ કરો.
કોઈ સગુવાહાલું કે પ્રિય મિત્ર ઘેર આવે તો મનમાં હર્ષોલ્લાસ છવાઈ જાય છે તેનું કારણ તે સમયે બ્રેનમાં સ્ત્રવતું ઓક્સિટોસીન છે. અને ઘર છોડી જાય ત્યારે ઉદાસ થઇ જવાય છે કે સુખ આપતું ઓક્સિટોસીન જસ્ટ સ્રવતું બંધ થાય છે કે ફરી કોઈ વહાલું આવે ત્યારે સ્ત્રવી શકાય અને તેજ રીતે આપણે ઇવોલ્વ થયેલા છીએ.
---- પ્રદીપકુમાર આર. રાઓલ