પ્રકરણ ૭
‘...અને..’
ઓફ ધી રેકર્ડ
લેખકનો પરીચય :-
ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.
સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.
ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.
લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.
પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.
આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ
‘...અને’ – ઑફ ધી રેકર્ડ
સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..
રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..
વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.
‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......
Bhavya Raval
ravalbhavya7@gmail.com
પ્રકરણ ૭
‘...અને..’
ઓફ ધી રેકર્ડ
...અને લાંબી ડોરબેલ વાગી. થોડીવાર બાદ વિબોધે આરામથી દરવાજો ખોલ્યો.
‘અરે.. માઈકલ જેક્સન!’
માઈકલ જેક્સન! ઉર્ફે મોહનીયો કેડે હાથ દઈને દરવાજે ઊભો હતો. વિબોધ ચોંકયો.
‘શું કરતો હતો? દરવાજો ખોલવામાં બહુ વાર લાગી. સવાર-સવારમાં ક્યાંક હેં?’
વિબોધ અને મોહન બંને શરારતી હસ્યા.
‘આવતાંની સાથે જ મારી સળી કરવાની શરૂ એમ?’
મોહન રૂમમાં દાખલ થયો.
સાધારણ વન બીએચકે ફ્લેટમાં પ્રવેશીને મોહને સામાનની બેગ સડી ગયેલા લાકડાના ભીંતકબાટમાં ગોઠવી. ખૂણામાં રાખેલા માટલામાંથી પાણી પીધું. થેલામાંથી એક પોસ્ટર કાઢ્યું. પુસ્તકો, જૂના અખબારો અને સામાયિકોના ઢગલા ભરેલી ધૂળિયા ભેજની વાસ મારતી રૂમની ખાલીખમ મેલી દિવાલ પર રામ, સીતા અને હનુમાનજીના ફોટાવાળું સ્ટિકર લગાવવા માંડ્યો, ‘તને કેટલી વાર સમજાવ્યું છે. મને મોહન નામથી બોલાવવો. હવે મારું નામ માઈકલ નહીં માત્ર મોહન છે.’ મોહને પોતાના નામ પર અક્ષરો છૂટા પાડી ભાર દીધો. ‘મો..હ...ન... હું હવે હિંદુ છું.’
‘ઠીક છે. ઠીક છે હવે... તું જે હોય તે. અત્યારે તો મારો જીગરી અને રૂમ પાર્ટનર છે.’ વિબોધ મોહન સાથે વાતો કરતાં-કરતાં સત્યા જોડે પણ મોબાઈલમાં મેસેજ ટાઈપ કરીને વાતો કરી લેતો હતો. ‘તું તો હજુ શનિવારે આવવાનો હતો. આજે અચાનક કેમ ટપક્યો?’
‘સંઘની શિબિર બે દિવસ વહેલી પૂરી થઈ એટલે હું વધારે સમય રોકાયા વિના કાલે રાતે જ રાજકોટ આવવા નીકળી ગયો. આ વખતે પૂરો એક મહિનો શિબિર ચાલી.’
વિબોધનું ધ્યાન મોબાઈલમાં જ હતું. મોહનની વાત તેના કાને ન પડી.
‘શું કીધું?’
‘બીડી લાવ.’
વિબોધે લાકડાના ટેબલનું ખાનું ખોલ્યું. બીડી અને માચીસ કાઢીને મોહનને આપ્યા.
‘શું મોબાઈલમાં મથી રહ્યો છે? કોઈ નવો શિકાર?’
‘હા... હા... આ વખતે શિકાર નહીં સ્વજન.’
‘ઓહ...હો...હો... શેતાન કે મુખ મેં સીતા કી જગહ શ્યામ કા નામ!’
વિબોધે સત્યા જોડે ચેટ બંધ કરી મોબાઈલ ચાર્જ પર મૂક્યો, ‘સૉરી... હવે બોલ. કેવી રહી શિબિર?’
‘શિબિર એકદમ ફર્સ્ટક્લાસ રહી. તમને મીડિયાવાળાને શું વિશેષ કહેવાનું? જે બને છે એ અને નથી બનતું એ પણ છાપી મારો છો. તું જણાવ મારી પીઠ પાછળ શું-શું ખેલ કર્યાં અને ક્યું નવું પંખી પાળ્યું?’
ખખડી ગયેલા સફેદ પ્લાસ્ટિકના સ્ટુલ પર બેસી વિબોધ બોલ્યો, ‘સત્યા.’ તે થોડો અટક્યો પછી મોહનના ખભ્ભે હાથ મૂકીને પૂછ્યું, ‘કેવું લાગ્યું નામ?’
મોહને પટ્ટી પલંગ પર પગ લંબાવીને બીડી ફૂંકાતા ઉત્તર આપ્યો, ‘અત્યાર સુધી જેટલી આવી તેટલીમાં આ નામ જરા અલગ પડતું છે. હિન્દીભાષી લાગે છે.’
‘હા. મૂળ મુંબઈની છે, પણ અહિયાં જ રહે છે.’
‘ભાભી છે?’ મોહનની ઉત્સુકતા વધી. ‘નવી-નવી પરણીને આવી છે?’
‘ના હવે. હું તને આખી સ્ટોરી કહું.’
વિબોધે મોહનને તેની અને સત્યાની શરૂથી લઈને એકેએક નાની-મોટી વાત કરી. સત્યા સાથેના સંબંધોમાં વિબોધ મોહનને વધુ પડતો ગંભીર જણાયો. તેણે શાંતિથી વિબોધની સંપૂર્ણ વાત સાંભળી પછી મૌન તોડ્યું,
‘મજા કરવી છે કે સુખી થવું છે?’
‘કેમ આવું પૂછ્યું?’ મોહનનો પ્રશ્ન વિબોધના ગળે ન ઉતર્યો.
‘મજા અને સુખના અર્થ અલગ છે, વિબોધ.’
‘હા, હું જાણું છું.’
‘તારા બૌદ્ધિક અને ધારદાર વિચારોને સમજીને તારી જોડે જીવી શકે એવી તારા જેટલી ઉંમરની છોકરી મળવી મુશ્કેલ છે. તું કહે છે સત્યા તારા જેવી છે. એ વાત હું માનવા તૈયાર નથી.’
‘હા, સત્યા મારી ઝેરોક્ષ કૉપી છે.’ વિબોધે મોહનની વાત કાપી.
‘બીજું એ કે, તને મૌસમ અને મિજાજ બદલાતા સ્ત્રીમિત્રો બદલવાની આદત છે. તેનું શું? ચાલો માની લઈએ તું સત્યા સાથેની રિલેશનશિપ પછી સુધરી પ્રેમિકાવ્રતા બની જાય. પણ...’ મોહન અટક્યો. તેણે વિબોધની આંખમાં આંખ નાંખી. ‘દોસ્ત, તેના તરફથી શું સંકેત છે? તું મળ્યો સત્યાને?’
‘ના. ફોટોમાં જોઈ છે.’
‘ફોટો ફેક પણ હોઈ શકે. તેનો અવાજ સાંભળ્યો છે?’
‘ના.’
‘તો પહેલાં તેની જોડે મુલાકાત કરવી જોઈએ. પ્રત્યક્ષ વાર્તાલાપ કર. શહેરથી દૂર શાંત સ્થળે ડેટ પર લઈ જા. પછી આગળના સપના જો.’ મોહન જે બીડી પીતો હતો એ વિબોધ સાથે વાતચીત કરતાં-કરતાં કશ ન લેવાના કારણે ઓલવાઈ ગઈ હતી. તેણે ઠરેલી બીડીને બે હોઠો વચ્ચેથી કાઢી. હાથમાં લઈ ફરી જગાવી અને વાત આગળ ધપાવી.
‘હું તારો વિશ્વાસ તોડી રહ્યો નથી, પણ તને ચેતવી રહ્યો છું.’
‘એટલે જ સત્યા વિશે સૌ પ્રથમ મેં તને જણાવ્યું.’
‘તારું બીજું સાંભળે પણ કોણ?’ મોહને હસીને બીડીનો ઊંડો કશ લીધો અને બીડી વિબોધને પીવા આપી.
‘ખેર, સારું થયું તેં સત્યાને તારા વિશે બધું જણાવી આપ્યું છે. તેને શોખથી ભૂખે મરવાની તૈયારી રાખવા પણ સૂચવી આપજે. ભાગીને લગ્ન કરશો તો મેજિસ્ટ્રેટ પાસે સહી કરવા હું આવીશ પણ પહેલાં જણાવી દેજે કે તેનો બાપ કે ભાઈ મુંબઈના ડોન કે રઈસજાદા તો નથી ને? રાતોરાત ઉઠાવી કટકા કરાવી દરિયાની દાંતારી માછલીને ખવડાવી ન આપે. નાની ઉમરે જુવાનીનાં જોશમાં જોખમ લેવાય પણ પાછળથી હુમલા સહન ન થઈ શકે ભાઈ. પોલીસવાળા પણ હવે કોઈના બાપનું રાખતા નથી. બહુ મારે છે.’
‘સાલા તું દોસ્ત છે કે દુશ્મન?’ વિબોધે મોહનને ગાળ આપી.
‘ખોટું શું કીધું? તારી હેસિયત ન ભૂલીશ. લુખ્ખો, બેકાર છે તું. સિદ્ધાંતની પૂંછડી પકડીને પાવલીના આદર્શો પર જીવતા કલાકારો ભૂખને પણ આર્ટ સમજે છે. તારા સિદ્ધાંત, આદર્શ કે પ્રેમથી તારા માલનું પેટ નહીં ભરાય. જોકે તારો નવો માલ કવયિત્રી છે.’ મોહને મુઠ્ઠી વાળેલા પંજાને મોઢા પાસે લાવી ઉધરસ ખાધી. ‘સત્યા જોડે શરૂમાં કદાચ વાંધો નહીં આવે પણ કેટલા દિવસ સુધી? વાતોથી મન ભરાય. પેટ નહીં. અને તનની ભૂખ કરતાં પણ પેટની ભૂખ પાપી. તારી સાથે તારા પ્રેમમાં ફના થવાની તાકાત જેનામાં હોય એની સાથે જ લાંબુ કઢાય.’
વિબોધે મોહનની વાત ધ્યાનથી સાંભળી અને ફરી એક ગાળ બોલી. ‘સત્યાને માલ ના કહીશ.’
‘તો શું કહુ ભાભી?’
‘હા.’
મોહને વિબોધને સામે ગાળ દીધી, ‘એ તો મેં શરૂઆતમાં જ પૂછ્યું હતું કે ભાભી છે? તો તે કહ્યું ના.’
મોહન મોટેથી હસ્યો. વિબોધને પણ હસવું આવી ગયું.
‘તને બોલવામાં પહોંચી શકવું અઘરું છે. છોડ મારે મોડું થાય છે. હું તૈયાર થાઉં.’
‘ફિલોસોફિકલ માણસોનો આ જ પ્રોબ્લમ હોય.’ મોહને બીડીનાં ઠૂંઠાંને દિવાલમાં ઘસ્યું અને ગુસ્સાથી ફેંક્યું, ‘યુનિવર્સિટી જવાનું છે?’
‘હા.’
‘આજે મનપસંદ મહોતરમાનો લેકચર હશે?’
વિબોધે સાઇડમાંથી તિરાડ પડેલા એવા નાનકડા અરીસામાં હેર સેટ કરતાં મોહન સામે જોઈને આંખ મારી.
‘તું નહીં સુધરે હરામી...’
****
આકાશવાણી રોડ પર ભાડાના ફ્લેટમાં રહેતો વિબોધ રોજની જેમ જ મોડે-મોડે યુનિવર્સિટી જવા રવાના થયો. મોટા આલીશાન ‘વેલકમ’ લખેલા ગાર્ડી ગેટમાંથી પસાર થયો. સ્વચ્છ ડામર-સિમેન્ટનાં જોડાતા જતા એક પછી એક રસ્તા પર થોડા-થોડા અંતરે આવતા સ્પીડબ્રેકર તે ઓળંગતો ગયો. નાનકડા સર્કલને ફરીને બંને બાજુ આવતા ધૂળ-ઘાસનાં અથ્લેટિક ગ્રાઉન્ડને નિહાળતો વિબોધ સેમિનાર હોલની સામેની ‘1’ નંબર લખેલી બિલ્ડીંગ પાસે આવી પહોંચ્યો. પાર્કિંગમાં ચોકીદારને સલામ કરી હસતાં મોઢે વિબોધે પોતાનું ટુ વ્હીલર પાર્ક કર્યું.
યુનિવર્સિટીના પુસ્તકાલયમાંથી પુસ્તકોની આપ-લે કરી. સામયિકો અને અખબારો પર આછેરી નજર ફેરવ્યા બાદ વિબોધ લાઈબ્રેરીએથી નીકળી સ્વામી વિવેકાનંદની આલીશાન પ્રતિમા સામેની મેઈન બિલ્ડીંગ પાસેથી પસાર થઈ પોતાના જર્નાર્લિઝમ ડિપાર્ટમેન્ટ પાસે આવ્યો.
રોજની જેમ આજે પણ મોડું થઈ ગયું કે શું? પ્રસંગોપાત્ત સવાલ ઉપજતા આદતવશ ખાલી કાંડા પર જોઈ વિબોધ મંદ-મંદ મલકાયો. પોતાનું ટુ-વ્હીલર પાર્ક કરી ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો. ઝડપી ચાલે પોતાના વર્ગખંડ તરફ જતાં રસ્તામાં મળતાં જુનિયર સહપાઠીઓને આગવી ઢબે હાય-હેલો કરતો ગયો. પોતાના ક્લાસરૂમનો દરવાજો બંધ હતો. દરવાજા પાછળ લેક્ચર ચાલી રહ્યો હતો. વિબોધે દરવાજો ખોલ્યો અને..
ક્રમશ: