આજનો ‘નોકરીયાત’ શિક્ષક
Niva raj
Nivarozinrajkumar@gmail.com
આજે આ તમે વાંચી શકો તો તમારા શિક્ષકનો આભાર માનો…….:)
આપણા દરેકના જીવનમાં અમૂલ્ય ફાળો આપનાર શિક્ષકને આપણે બહુ પ્રેમ અને આદરથી યાદ કરીએ છીએ….ને એ દિવસોમાં પાછા જવાની ઇચ્છા કરીએ છીએ….
ગુરુકૂળ અને ગુરુને માન આપવાની પ્રથા ધરાવતા આપણા દેશમાં આજે શિક્ષક એક નોકરથી બદતર અવસ્થામાં પહોંચી ગયો છે….ત્યારે જૂના અને આજના શિક્ષકોમાં આસમાન જમીનનો ફેર છે એવું લગભગ આપણે બધા જ અનુભવી રહ્યા છીએ..ત્યારે એક નજર આજની શિક્ષણ પ્રથા પર કરી લઇએ….તમને કશુંક સુઝે તો ઉમેરવાની છૂટ છે….:)
જે શિક્ષક બાળકને કેટલાય બંધનોમાંથી ઉગારી પ્રકાશ આપે છે… વ્યક્તિત્વનું ઘડતર કરે છે એ જ શિક્ષકને સરકારે “વિદ્યા સહાયક”…”શિક્ષણ સેવક” જેવા નામોથી નવાજી સાવ સાધારણ વેતનના ‘બંધન’માં બાંધી દીધો છે……. સમય સાથે કદમ મિલાવવા પહેરવેશ કે આચાર સંહિતામાં ફેરફાર કરવા જેવી આધુનિકતા કે માનસિકતાની વાત તો એકબાજુ રહી પણ ચૂંટણી કે વસ્તી ગણતરી ….મધ્યાહન ભોજનનાં કામો વગેરે સરકારી અને બીનજરુરી કામોમાં જોતરી શિક્ષણ અને બાળકોના ભવિષ્ય સાથે અક્ષમ્ય ચેડાં કરાઈ રહ્યા છે ……!! દિવસો સુધી આ બધા કામોમાં રત રહેતા આ શિક્ષકો વર્ગમાં પોતાની મૂળ ફરજને ન્યાય નથી આપી શકતા ..વિદ્યાર્થીઓ સાથે કોઈ તાદાત્મ્ય કે ભાવનાત્મક જોડાણ જોવા જ ન મળે તો ક્યા ચમત્કારની અપેક્ષા રાખી શકાય ? આ બધા પાસાઓનો કોઈ વિચાર જ કરવામાં નથી આવતો એ બહુ મોટું આશ્ચર્ય છે ..!!!..આવનાર પેઢી સાથેના આ અન્યાયથી મોટો દેશદ્રોહ બીજો શું હોઈ શકે ?
મોટાભાગની કહેવાતી સારી શાળાઓમાં ભણાવતા શિક્ષકોને આધુનિક ટેકનોલોજી (જો હોય તો..! )એનો ઉપયોગ કરી ભણાવતા આવડતું હશે કે કેમ તે પણ વિચારવા જેવો મુદ્દો છે …અહી સુવિધા ઉપરાંત ઈચ્છાનો અભાવ પણ કારણભૂત લાગે…આ વ્યવસાયની ગંભીરતા કેટલા શિક્ષકો સમજતા હશે …આખા રાષ્ટ્રના નિર્માણની અમૂલ્ય તક કેટલા ઝડપી લેતા હશે ?
અપૂરતા પગારના કારણે બિલાડીના ટોપની જેમ ઉગાડી રહેલા પણ અત્યંત આવશ્યક બની રહેલા પ્રાઇવેટ ટ્યુશનોને અને શિક્ષકોને સમાજ…માબાપ અને વિદ્યાર્થીઓનાં રોષનો ભોગ બનાવ્યા છે …….અને એટલે અતિ સન્માનજનક ગણાતો આ વ્યવસાય અત્યારે હાંસી અને અવહેલનાનો શિકાર બની ગયો છે …આજનો દરેક વિદ્યાર્થી તોતિંગ ફીસ ભરવાને કારણે પોતાની ફીસની વસૂલાત કરવા ફક્ત એક ગ્રાહક બનીને શિક્ષકોને એક ઉપહાસની દૃષ્ટિએ જોતો થઇ ગયો છે….:/એક સમયે પૂજનીય કે માનનીય ગણાતા શિક્ષકને એક કામદાર તરીકે જોવામાં આવે ત્યારે માનવીય વલણો કે નૈતિકતા વિષે શું અપેક્ષા રાખી શકાય ?
આપણા કેટલાક વિષય તરફના ગમા-અણગમા પાછળ મુખ્યત્વે આપણા શિક્ષકોનો હાથ હોય છે એ તો મોટાભાગના કબૂલ કરશે…. …એનું કારણ કદાચ બીજું પણ હોય …મારા અનુભવ પ્રમાણે દર વર્ષે ૧૦૦માંથી ૨૦ વિદ્યાર્થીઓ કુટુંબની બળજબરી કે ઇચ્છાને કારણે અનિચ્છાએ આ વ્યવસાયમાં આવી ગયેલા હોય છે..કેટલાક ફક્ત વેકેશન , ઢગલાબંધ રજાઓ અને આરામની નોકરીની લાલચમાં પણ કેટલાક આવી પડતા હોય છે…. કોઇ રસ, રુચી, અભિગમ કે મન વગર જ્યારે કોઇ ભણાવે ત્યારે બાળક સાથે અન્યાય થાય એ સાવ સ્વાભાવિક છે…feedback કે મદદ કે સમયસરની સુધારણાના અભાવે કેટલાક વિષયો પર અરુચિ ઉભી થાય છે ને આપણને એમ લાગે કે આપણે જે તે વિષયમાં કાંઈ ઉકાળી ન શક્યા ..:(
સાવ ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા માટે બિલાડીના ટોપ જેમ ઉગી નીકળેલી અનેક ખાનગી અધ્યાપન કોલેજોનો પણ અહિં સખેદ આભાર માની લઇએ……કોઇ પણ જાતના પ્રેક્ટિકલ નોલેજ વગર …કોર્સ દરમ્યાન શાળામાં ગંભીરતાથી પાઠ આપ્યા વગર શિક્ષણને લગતા મૂળભુત વિષયો….. શિક્ષણને અસર કરતા અલગ અલગ વાતાવરણ સામાજિક ,માનસિક , શારિરીક….ચિંતનાત્મક બાબતો સારી રીતે સમજ્યા વગર…હાથમાં આવી ગયેલા …ડિગ્રીના ફરફરિયા ફરકાવી સામેથી પૈસા આપીને લેવી પડતી નોકરીમાં કેટલું ગાંભીર્ય હોય એ સાવ સમજી શકાય એવી વાત છે ….!!!ને પાછા નવા આવેલા કાયદા મુજબ તો તાલીમ પામેલા શિક્ષકોએ પણ એક પરિક્ષા(pet) પાસ કર્યા પછી જ કામે લાગવાનું હોય છે …આવી પરિક્ષાઓના ફક્ત ૧૪થી ૧૫% પરિણામો આવે તોય શિક્ષણ વિભાગના પેટનું પાણી પણ હાલતું નથી…જે તે વિષયમાં પારંગતતા અપેક્ષિત હોય ત્યાં ઉપરછલ્લુ જ્ઞાન ધરાવતા શિક્ષકો સમાજમાં શું સકારાત્મક પરિવર્તન લાવી શકે ?
(એક આડવાત … મને ઘણી વાર એ વિચાર આવે છે કે એક શાળામાં ભણાવતા એક અદના શિક્ષક બનવા માટે ઘણી બધી કસોટીઓ પાર કરવી પડતી હોય એ વ્યાજબી હોય તો આખો દેશ ચલાવનાર રાજકારણીઓને કેમ કોઈ કસોટી પાર નથી કરવી પડતી ..? એક શિક્ષક નો દીકરો શિક્ષક ન હોય કે એક ડોકટરનો દીકરો કદાચ ડોકટર ન પણ હોય …પણ કોઈ રાજકારણીઓને આ વ્યવસાય(!) વારસામાં કે કોઈ ખાસ અનુભવ કે તાલીમ વગર આખા દેશને ચલાવવાનો પરવાનો કેમ મળી જતો હશે ?)
આવી હજારો સંસ્થાઓમાંથી બહાર પડતા હજારો શિક્ષકો મારા-તમારા ઘરે ઝાડુ પોતા મારનાર કરતા પણ ઓછા વેતનમાં કામે વળગી જાય છે……આખો મહિનો ..રોજ પાંચ કલાક કામ કરવાનાં…ફ્કત ૧૨૦૦ રુ…:(…માનવામાં નથી આવતું ને…..???? ને પછી બે પૈસાની લાલચમાં પેપર લીક કરવા કે ખાસ વિદ્યાર્થીઓનાં પેપર હળવાશથી ચકાસવા જેવા અનેક દુષણોમાં અટવાઇ જતા આ શિક્ષક આગળથી આપણે વફાદારી…લાગણી…..તનતોડ મહેનતની અપેક્ષા રાખીએ છીએ …..કંઇક વધારે પડતું નથી લાગતું….????
સારા અને લાયક શિક્ષકો દુર્લભ થવા પાછળ આડકતરી રીતે અનામત પ્રથા પણ જવાબદાર છે …શિક્ષણ જેવી ગંભીર વ્યવસ્થામાં તો ફક્ત અને ફક્ત ‘લાયકાત’ના ધોરણે ભરતી થાય એ અપેક્ષિત છે ..જે શિક્ષક પોતે નબળો હોય તેને ફક્ત એની નબળી ગણાતી જ્ઞાતિ કે જાતિના આધારે કામ આપી આખા વર્ગ ને એમ આગળ જતા આખા દેશને નુકશાન કરી શકે એ સામાન્ય વાત કેમ આ મતભૂખ્યા રાજકારણીઓ કે કહેવાતા સમાજ રક્ષકોને નહી સમજાતી હોય ?? …..
બાકી શારીરિક અડપલા કે શોષણ કરતા શિક્ષકોના સમાચાર વાંચવા મળે ત્યારે નૈતિકતાનો સરેઆમ બળાત્કાર થતો હોય એવુય લાગે છે પણ દેશમાં ધર્મગુરુ કે સાધુ તરીકે ઓળખાતા બાવાઓ છોકરીઓ પર નજર બગાડ્તા હોય કે પછી આવા બાવાઓને છાવરવા પોલિસ કે રાજકીય નેતાઓ કાયદાઓને મચડી નાખતા હોય કે પછી વરસોના વરસો સુધી ચાલ્યા કરતા આવા કોર્ટ કેસોથી છલકાતી ન્યાય પ્રણાલી હોય ત્યાં શિક્ષકો પણ આવું કરે તો કોની પાસે ફરિયાદ લઇને જવું…..?
આ બધુ લખી શિક્ષકોનો પક્ષ લેવાનો વિચાર નથી પણ હકીકત બધા સમજે એવી ઇચ્છા ખરી….
કોલેજમાં મારા વિદ્યાર્થીઓને હું કહેતી કે ‘કામચોર’ શિક્ષકો પાસે તમારા પોતાના બાળકોને ભણાવવા તૈયાર હો તો ‘કામચોર’ શિક્ષકો બનજો… દુનિયા ગોળ છે…..!!!
બરાબરને….?
— નીવારાજ