Serial Blast in Gujarati Short Stories by Hemant Gohil books and stories PDF | Serial Blast [નવલિકા ]

Featured Books
Categories
Share

Serial Blast [નવલિકા ]

-- હેમંત ગોહિલ

hemant161969@gmail.com

સીરીયલ બ્લાસ્ટ

ન્યુઝ સાંભળતા જ જાહ્નવીનું સમગ્ર ચેતાતંત્ર ખળભળીને પળવારમાં તો જમીનદોસ્ત થઇ ગયું.

અને કેમ ન થાય ?

સમાચાર જ લાર્જ રિક્ટર સ્કેલ જેવા હતા. ચેનલ ‘ન્યુઝ –હરઘડી’માં બ્રેકિંગ ન્યુઝ ફ્લેશ થયા કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગુડહોપ ટ્રેડ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટી કેન્ટીનમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે . જેમાં બેના સ્થળ ઉપર જ મૃત્યુ થયા છે અને ચાર સીરીયસ છે .

જાહ્નવી અંદરથી ધ્રુજી ગઈ.નખથી શીખા સુધી ત્વરિત ગતિથી પસાર થઇ ગયેલી કંપારીએ ભય કેટલો ભયાનક હોય છે એ જાહ્નવીને બતાવી દીધું. તેણે ધડકતા હૃદયે અને ધ્રુજતા હાથે વીજળીક ગતિથી સુકેતુને ફોન જોડ્યો.કોલર ટ્યુનમાં બે-ત્રણ વાર બીપ –બીપ અવાજ પછી ફોન કટ થઇ ગયો. જાહ્નવીના શરીરે પરસેવો વળવા માંડ્યો.fફરીથી કોલ કર્યો.ફરીથી બીપ ...બીપ...કટ....

જાહ્નવી સોફામાં ફસડાઈ પડી. તેણે ઘડિયાળમાં નજર કરી.સાંજના સાત થવા આવ્યા હતા. બહારનો અંધકાર ધીમે ધીમે ઘરમાં આવવો શરુ થઇ ચૂક્યો હતો. ાંડ્યો ફ્લોર પર આવેલી તી

સુકેતુની ઓફીસ દરરોજ છ વાગ્યે પૂરી થતી પરંતુ ગુડ હોપ ટ્રેડ સેન્ટરના ગ્રાઉન્ડફ્લોરમાં આવેલી ટી કેન્ટીનમાં સાડા છ સુધી બેસીને મિત્રવર્તુળ સાથે ટી પાર્ટી માણવાનો સુકેતુંનો વર્ષો જૂનો શિરસ્તો હતો. બોમ્બ બ્લાસ્ટ પણ છ અને બાર મિનિટે થયો હતો. જાહ્નવીએ ફરી એકવાર કોલ કરવા મોબાઈલ હાથમાં લીધો ત્યાં જ સ્ક્રોલ પર મૃતકોના નામ ફ્લેશ થયા. ધમણની જેમ હંફાતા શ્વાસો ઘડીભર તો જાણે થંભી ગયા અને પાષાણ આંખોની જેમ નજર સ્થિર થઇ ગઈ. ટીવી સ્ક્રીન ઉપર ગતી કરતા સ્ક્રોલ પર મૃતકોના નામમાં એસ.બી.કર્ણિક નામ વાંચતા જ જાણે કે પગ તળે જ એક ભયંકર બ્લાસ્ટ થયો.તેના સમગ્ર અસ્તિત્વના જાણે કે ચીંથરા ઊડી ગયા.પળવારમાં અદ્રશ્ય થઇ જતા સ્ક્રોલની જેમ જ સુકેતુ ચાલ્યો ગયો? આંખમાંથી આંસુની ધાર વછૂટી ગઈ.ગળામાં આવેલું ડૂસકું આંસુની સાથે બહાર ધસી આવે એ પહેલા જ જાહ્નવીએ જાતને સંભાળી.સ્ટડીરૂમમાં આભ્યાસમાં રત અર્ધ્ય અને નાનકડી આશ્લેષાને હું હમણાં જ આવું છું કહી ઝડપભેર એક્ટીવા લઇ હોસ્પિટલ તરફ રવાના થઇ ગઈ ........

આજનો શનિવાર જ કંઇક અપશુકનિયાળ ઊગ્યો હતો. જાહ્નવી આખા રસ્તે વિચારતી રહી. સાચું કહીએ તો એનાથી વિચારાતું રહ્યું. દિવસભરમાં સ્વાભાવિક લાગેલી એ ઘટનાઓમાં હવે અમંગલ ઘટનાઓના એંધાણ દેખાવા લાગ્યા. બપોરે શાળાએ જતી વખતે સ્કૂલરીક્ષા સુધી પહોંચતામાં આશ્લેષા પડી. હોઠે થોડું વાગ્યું. કામવાળીએ પણ ટોઇલેટ સાફ કરતી વખતે એસિડની બોતલ ફોડી. કોઈ દિવસ નહી ને આજે પહેલી વાર અર્ધ્યના ટીચરનો ઠપકો મળ્યો. શી ખબર શું થયું કે શાંતમિજાજી અર્ધ્ય ,એના ક્લાસમાં એના જ સહપાઠીને મારી બેઠો. કપડા સૂકવતી વખતે ય કામવાળી ફરિયાદ લઈને આવી કે બહેનજી, કપડાં સૂકવવાનો તાર તૂટી ગયો અને બધા જ કપડાં હેઠાં પડ્યા. બંગલાના પાછળના ભાગની ફર્શ ઉપર લોહીના ડાઘ જોવા મળ્યા હતા.કામવાળીએ કહ્યું હતું.;” બહેનજી, બિલાડીએ મારણ –બારણ કર્યું લાગે છે. બીજાના ઘરેથી મારણ કરીને આપણે ન્યાં ખાધું હશે તો ભાયગ ખૂલી જાહે તમારા બહેનજી, પણ આપણા ઘરેથી મારણ કર્યું હશે તો .....”

“તો શું ? બોલને ?” જાહન્વીએ હસતા હસતા જ પૂછ્યું હતું.

“ તો ઘરમાં કૈક વિઘન આવે .”

“વિઘનવાળી , માણસ ચંદ્ર ઉપર પહોંચ્યો છે તોય હજી તું તું તો તારા કુંડાળામાંથી બહાર જ નીકળતી નથી .? હવે,ડોલ અને પાણી લે ને સાફ કરી નાંખ ડાઘ.ને સંભાળ,ફર્શની સાથે સાથે તારા દિમાગના ડાઘને ય સાફ કરજે.” ખી જાહ્નવી હસતી હસતી રસોડામાં વળી ગઈ.

કામવાળીની એ વાત યાદ આવતા તો જાહ્નવીને કંપારી છૂટી ગઈ.

સિવિલ હોસ્પિટલમાં લોકોનું જાણે કીડીયારું ઊભરાયું હતું.ચિંતાગ્રસ્ત ચહેરે હાંફળા ફાંફળા થઇ લોકોના ટોળાં અહીં તહીં દોડતા હતા.ઘાયલ લોકોના ઉંહકાર અને સ્વજનોના આક્રંદ વાતાવરણને વધારે ગમગીન બનાવતા હતા.કેટલાક લોકોના કપડા લોહીથી લથબથ હતા.તે જોતા તો જાહ્નવીના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું.ઊભરાઈ ગયેલા પાર્કિંગઝોનમાં એકટીવાને જેમતેમ સ્ટેન્ડ કરતીક કોલાહલ અને બૂમરાણને ચીરતી જાહ્નવી છેક હોસ્પિટલના ચીફ સુધી ક્યારે પહોંચી ગઈ એનું પણ ભાન ન રહ્યું.મૃતક એસ.બી.કર્ણિકની વાઈફ હોવાની ઓળખાણ આપીને ડેડબોડી જોવાની પરવાનગી લઇ લીધી.

મૃતકોને હોસ્પિટલના સ્પેશ્યલ કોલ્ડ રૂમમાં રખાયા હતા. ડોરકીપર ચહેરાની એકેય રેખાને વિચલિત થવા દીધા વગર પૂરી સ્વસ્થતાથી બારણાં પાસે જ ઊભો હતો.પ્યુન હજી પરમીશન લેટર લઈને આવ્યો ન હતો.ડોરકીપરે જાહ્નવીને દરવાજા સામેની બેંચ ઉપર બેસવા કહ્યું.અંદરથી થાકી ગયેલી જાહ્નવી સીધી જ બેંચ ઉપર બેસી પડી.અનિમેષ નજરે બંધ બારણાને તાકી રહી.

“ હવે તો તું બોલાવીશ ત્યારે જ ઘરે આવીશ “ સુકેતુના એ શબ્દો યાદ આવ્યા.

આવું તો ઘણીવાર બનતું.સુકેતુ રિસાયેલો જ જાગ્યો હોય. સવાર-સવારમાં જ મોઢું ચડાવીને ફરતો હોય. વાતચીતમાંયે ટૂંકા જવાબોથી ઉત્તર વાળી દે. ઓફિસટાઈમ થતા મૂંગા મોઢે લૂસલૂસ જમીને ચાલી નીકળે. જતી વખતે ‘બાય’ કેહવાનુંય માંડી વાળે. પરંતુ પરંતુ આશ્લેષાને તો અવશ્ય વેવ કરે.

આજે પેહલીવાર એવું બન્યું કે સુકેતુ જમ્યા વગર જ ચાલ્યો ગયો અને આશ્લેષાને પણ અવગણી.

રાતભર ગોરંભાઈ રહેલા આકાશ પછી ઉઘડેલી ખુલ્લી સવારમાં જાહ્નવી સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર નીકળી. પીઠ પર ઢળેલા ભીના વાળને હળવેકથી ઝાટકતી જાહ્નવી પડખેથી પસાર થઇ ત્યારે ભીની અને માદક ખૂશ્બુએ સુકેતુને જગાડી દીધો. સુકેતુએ જાહ્નવીનો હાથ પકડી પલંગમાં ખેંચી. ભીના ભીના વાળ પસવારતો સુકેતુ બોલ્યો: “ક્યારે વરસો છો હવે વાદળી ? દિવસોથી દુકાળ પડ્યો છે. અષાઢના દીવસોય હવે પૂરા થવા આવ્યા.”

“હવે શરમ આવવી જોઈએ. જાગતાવેંત ભગવાનનું નામ યાદ નથી આવતું?” જાહ્નવી સુકેતુની પકડમાંથી વછુટતા બોલી. સુકેતુંનો ચેહરો પથારીની ચોળાયેલી ચાદર જેવો થઇ ગયો. જાગીને કલાક સુધી ન્યૂઝપેપરમાં મોઢું નાખીને મૂંગા મોઢે વાંચતો રહ્યો. ચા પીતી વખતે પણ ખાસ કઈ બોલ્યો નહિ.

“બોલ આજનું પ્રોમીસ?” હેંગર ઉપરથી શર્ટને ઉતારી પેહેરતા સુકેતુ બોલ્યો.

“આજેય નહીંને કાલે નહીં.” જાહ્નવીએ અંગૂઠાનો ડીંગો બતાવ્યો.

“તો હવે તુંય સાંભળી લે ,તું પ્રોમીસ કરીને બોલાવીશ ત્યારે જ ઘરે પાછો આવીશ.” સુકેતએ મજબૂતીથી બેલ્ટને બાંધતા ઉમેર્યું.

“ભલે.” જાહ્નવી હળવું હસી.

“સાચું કહું છુ જાહ્નવી,નહિ આવું.” ટાઈ ગાળામાં એડજસ્ટ કરતા સુકેતુ બોલ્યો.

“રાતે ખૂબ સારી રીતે ઊંઘી શકાશે.” કેહતી જાહ્નવી રસોડામાં વળી ગાઈને ચૂલા પર મૂકેલા તેલમાં છમકારો બોલાવ્યો.

જમવાના સમયે ડાઈનિંગ ટેબલ પર જમવાનું તૈયાર કરી સુકેતુના રૂમમાં નજર કરી તો સુકેતુ નહોતો. તેને કરેલા સ્પ્રેની હળવી ખૂશ્બુ કેવળ ઘૂમરાઈ રહી હતી. બારીના પડદાને ખસેડી બહાર જોયું તો પાર્કિંગમાંથી ગાડી કાઢી સુકેતુને ઝડપભેર ગાડી હંકારી જતા જોયો. પડદાને આડો કરતા જાહની મનમાં બબડી: “હજીયે આવોને આવો જ રહ્યો. ભલે ગયો. સાંજે આવીને એજ શરૂઆત કરશે,...જાહ્નવી.....”

“જાહ્નવી.”એક પરિચિત અવાજ આવ્યો. જાહ્નવી વિચારવમળમાંથી બહાર આવી. ભીની થઇ ગયેલી નજર સાથે અવાજની દિશામાં જોયું. સામે જાનકી ઉન્હી હતી. તેની આંખોમાં પાણી હતું. સુકેતુ વિશેના બેડન્યૂઝની ખબર એને પણ પડી ગઈ કે શું? જાહ્નવી ઊભી થઈને જાનકીને વળગી પડી. જાહ્નવીને લાગ્યું કે જાનકી ખરેખર મારા દુઃખમાં ભાગ પદ્સાવવા આવી છે. જાહ્નવીને થોડું સારું લાગ્યું.

“જાનકી, હું હવે.....” કેહતા જાહ્નવીથી અત્યારસુધી રોકી રખાયેલું ડૂસકું છૂટી ગયું. તે ચોધાર આંસુ રડી પડી.

“ડોન્ટ ક્રાય જાહ્નવી. રડવાથી દુઃખ દુર ન થાય. હિંમતથી સામનો કરવો જોઈએ. તું જ કેહતી હતી કે દુઃખથી ડરી જઈએ તો દુઃખ વધારે ડરાવે પરંતુ દુઃખનો હિંમતપૂર્વક સામનો કરીએ તો એ ઊભી પૂંછડીએ ભાગે. ક્યાં ગઈ તારી એ ફિલસૂફી ?”

“પણ.... આવી પરિસ્થિતિમાં કેમ હિંમત રાખવી, જાનકી? હું સાવ એકલી થઇ ગઈ.” પોતાના દુપટ્ટા વડે આંખોને લૂછતા જાહ્નવી બોલી.

“હું તારી સાથે જ છું.” કેહતા જાનકીની આંખોમાં પણ પાણી ઉભરાયું.

“જાનકી, હું કેવી કમભાગી કે આજે છેલ્લી વેળાએ મેં સુકેતુને સરખો જોયોય નહીંને એની સાથે હંસીને વાત પણ કરી નહિં.”

“તે કેમ માની લીધું કે એ સુકેતુ જ હશે?” બોલતી વખતે જાનકીની જીભનો લોચો વાળી ગયો પરંતુ જાહ્નવીને એ પ્રશ્ન વખતે ગમ્યું હોય એવું લાગ્યું.

“ન્યૂઝના સ્ક્રોલ પર વાંચ્યું.”

“સુકેતુનું નામ સ્પષ્ટ હતું?” જાનકીએ ઝડપથી પૂછી નાખ્યું અને વળતો જવાબ સંભાળવા આંખ અને કાન બંને અધીરાં બની ગયા.

“ના.”

“તો..?”

“એસ.બી.કર્ણીક.” જહ્ન્વીનો આ જવાબ સંભાળતા જાન્કીથી હળવો નિ:શ્વાસ મૂકાઈ ગયો. જાનકી આગળ કશું ન બોલી. છેલ્લો જવાબ સાંભળતા જાનકીના ચેહરા ઉપર ઉપસી આવેલી વિષાદી રેખાઓ જોતા જાહ્નવીના દિમાગમાં અચાનક ચમકારો થયો. તે જાનકીની બાથમાંથી છૂટી. હૃદયનો ભાર અડધો હળવો થઇ ગયા જેવું લાગ્યું.

જાનકીનો હસબંડ સોમ્ય પણ સુકેતુની સાથેજ એની ઓફિસમાં કામ કરતો હતો. જેના નામનું શોર્ટફોર્મ પણ એસ.બી.કર્ણીક જ હતું. એ સમજતા જાહ્નવીને વાર ન લાગી.

પોતાનું ગણી લીધેલું દર્દ પારકું પણ હોઈ શકે.

જાહ્નવીને અહીં બેઠેલી જોતા જ જાનકીએ જે અનુભવી લીધું હતી તે છેક આત્યારે જાહન્વીએ અનુભવ્યું.

ન થવું જોઈએ છતાં પણ સ્વાર્થી બનેલી જાહ્નવીથી અંદરખાને થોડું રાજી થવાઈ ગયું.

જાનકીના ચેહરા ઉપર હવે ગ્લાની સ્પષ્ટ વાંચતી હતી.જહ્નાવીએ જાનકીનો હાથ પકડી બેંચ ઉપર બેસાડી. બન્નેની આંખો બંધ બારણાની પેલે પર જઈને ઠંડાગાર ડ્રોઅરમાં રખાયેલ ડેડબોડી ની ઓળખ વિષે અટકળ કરતી રહી. બારણું ખુલતા જ બેમાંથી એકના જીવનમાં પ્રચંડ બ્લાસ્ટ થવાનો હતો. હાલ પૂરતું બન્ને વચ્ચે વહેચાયેલું દર્દ હમણાં જ સરવાળો થઈને કોઈ પણ એકની ઉપર ત્રાટકવાનું હતું. કોણ એનો ભોગ બનશે અને કોણ કોને સાંત્વના આપશે? એ અટકળો વચ્ચે બન્ને એકબીજીનો હાથ મજબુતાઈ થી દાબીને થડકતા હૃદયે મનોમન ઈશ્વરને વિનવણી કરવા લાગી.

ડૉરકીપરે જાહ્નવીના નામનો અવાજ કર્યો. જાહ્નવીના હદયે જોર પકડ્યું બસ, પળવારમાં જ બધું સ્પષ્ટ થઇ જવાનું હતું.જાનકીના હાથની મજબુત પકડને હળવેકથી છોડાવતા જાહ્નવી અદ્રશ્ય થઈ ગઈ ત્યારે જાનકીને પ્રશ્ન થયો. : ”જાહ્નવી ભાર આવશે ત્યારે તેના ચહેરા ઉપર હાસ્ય હસશે કે આશું ? કોલ્ડરૂમમાંથી પરત આવનાર જાહ્નવીના ચેહરા ઉપર અંકિત મનોભાવ પર પોતાનો અસ્તિત્વનું અવલંબન ટેકવતી જાનકી બેંચ ઉપર હાથને સખ્તાઈથી ભીડીને બેસી રહી.

કોલ્ડરૂમમાં પ્રવેશતા જ કદી ન અનુભવ્યો હોય એવો શાંતિનો ભયાનક અનુભવ જાહ્નવીએ કર્યો.પોતાના શ્વાસોશ્વાસ વધી ચૂક્યા હતા કે પછી આ શબવત્ શાંતિને લીધે એ સ્પષ્ટ સંભાળતા હતા? જાહ્નવી એ નક્કી ન કરી શકી. ઠંડીના સુસવાટાથી જાહ્નવીએ ગાલ પર થીજી ગયેલા આંસુમાં ચચરાટી જેવું અનુભવ્યું. ટ્યુબલાઈટના શ્વેત પ્રકાશના ડોરકિપર ત્રીજી લાઈનમાં છેલ્લું ડ્રોઅર ખેંચ્યું ત્યારે ઠંડીનો એક ગોટો ઘૂમરાઈને હવામાં ઓગળી ગયો. જાહન્વીએ મોં જોવાની પરવાય ન કરી અને લાગેલો જ એ શબનો જમણો હાથ પકડી લીધો. ટાઢા હિમ જેવા એ હાથને ફેરવી-ફેરવીને જોયો. આંખોને દુપટ્ટાથી લૂછી ફરી એકવાર હાથને તપાસ્યો.

આખા કોલ્ડરૂમમાં હવે ટ્યુબલાઇટ નહિ પરંતુ જાહ્નવીનો ચહેરો ઝળકી રહ્યો!

સુકેતુના જમણા હાથે બિલ્વપત્રનું ટેટૂ ત્રાફેલું હતું, જયારે જોયેલા મૃતકના હાથે તેવું કોઈ નિશાન ન હતું.

હળવીફૂલ થઈને જાહ્નવી હવાની ઠંડી લહેરખીની જેમ ઉડતી બહાર આવી. જાહ્નવીનો ખીલી ઉઠેલો ચેહરો જોતા જ જાનકીને ફાળ પડી. અને એમાંય જ્યારે હર્ષાવેશમાં જાહ્નવીથી બોલી જવાયું કે ઈશ્વરએ મારી પ્રાર્થના સાંભળી ત્યારે તો જાનકીના પગ તળે બ્લાસ્ટ થયો. જાનકી નખશિખ ધ્રુજી ગઈ. અત્યાર સુધી સળગી રહેલી આશાની આછીપાતળી જ્યોત પણ એક ફૂંક લાગતા જ હોલવાય ગઈ. જાન્કીની આંખ સામે પોતાની જાત પણ ન પારખી શકાય એવું કાળું અંધારું છવાઈ ગયું.જાનકી ઢગલો થઇ ગઈ. જાહ્નવીના ખભે માથું ઢાળી એ ચોધાર આંસુએ રડી પડી.

ડોરકિપર જાનકીના નામનો અવાજ કર્યો. પ્રાણ વગરના દેહ જેવું જાનકીનું શરીર માંડ માંડ બારણા તરફ ધકેલાયું.કોલ્ડરૂમ તરફ જવા ઉપાડેલા પગ હજી ફર્શને અડકે એ પહેલા જ જાનકીનો મોબાઈલ રણક્યો. મોબાઈલમાં સૌમ્યના કોલનો જ સ્પેશ્યલ રીંગટોન સંભળાતા જાનકીના દેહમાં અચાનક જાદુઈ ચેતન આવ્યું.ઉપાડેલા પગને પૂર્વવત ગોઠવતા મોબાઈલ સ્ક્રીન પર જોયું તો સૌમ્યનું જ નામ ફ્લેશ થતું હતું. ફોન રીસીવ કરતા જ સામેથી સૌમ્યનો નક્કર અવાજ આવ્યો: “જાનકી શહેરમાં સીરિયલ બ્લાસ્ટ શરુ થઇ ચૂક્યા છે. ગુડહોય ટ્રેડ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી ટી કેન્ટીનમાં બ્લાસ્ટ થયો ત્યારે સદનસીબે હું બહાર હતો. સાંભળ્યું છે કે થર્ડ ફ્લોર પર આવેલી જીનીયસ માર્કેટિંગ કંપનીના એમ.ડી.સુધીર કર્ણીકનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે. મારી કોઈ ચિંતા ન કરતી હું સંપૂર્ણ સેઈફ છું. અને બીજી એક દુખની વાત છે કે આ બ્લાસ્ટમાં સુકેતુ ગંભીર રીતે ઇન્જર્ડ થયો છે તેને લઈને હાલ હું જીવનજ્યોત હોસ્પિટલ જાઉં છુ. કદાચ રાતભર ત્યાં રોકાવું પડશે એટલે રાત્રે હું ઘેર નહિ આવી શકું. ટેઈક કેર. બાય.” જાનકી બીજું કાઈ આગળ પુછે એ પહેલા જ ફોન કટ થઇ ગયો. જાનકીના ચેહરા પર ખુશી પથરાઈ ગઈ. જે આંકમાં હમણાં સુધી દર્દના આંસુ ટપકતા હતા ટે આંખમાં હર્ષાશ્રુ ઝલકી રહ્યા. જાનકીએ જયારે સૌમ્ય ક્ષેમકુશળ હોવાના ખબર આપ્યા ત્યારે તો જાહ્નવી પણ સસ્મિત બોલી પડી: “ ધ ગોડ ઇઝ ગ્રેટ. એન્ડ હી ઇઝ ફોર ઓલ .”

પ્રફુલ્લિત ચહેરે હરખાતી જાનકી અને જાહ્નવી ગેલેરીનો વળાંક વળીને બહાર જવાના રસ્તા તરફ વળી ગઈ ત્યાં સુધી ડોરકીપર તેમની પીઠને તાકીને ન સમજાયેલા કોયડાને ઉકેલતો રહ્યો.

ઘર તરફ જવાના રસ્તાને બદલે જાનકીએ પોતાની સ્કૂટીને જીવનજ્યોતના રસ્તે વાળી ત્યારે તેને અનુસરીને જ ચાલી આવતી જાહ્ન્વીથી પૂછ્યા વગર ન રહેવાયું.

“ જાનકી, આ રસ્તો તો જીવનજ્યોત તરફ જાય છે ને ?”

“ હા, આપણે ત્યાં જ જવાનું છે .” કહી જાહ્નવી બીજું કંઈ પૂછી બેસે એ પહેલા જ જાનકીએ સ્કૂતીનું લીવર દાબ્યું.

જાહ્નવીને કંઈ સમજાયું નહીં. ટે ચૂપચાપ લોકોની ચીરતી જાનકીને અનુસરતી રહી.

જીવનજ્યોત હોસ્પિટલનું કંપાઉન્ડ લોકોથી ઉભરાયેલું હતું.ક્યાં ક્યાં બ્લાસ્ટ થયા એની ચર્ચાઓ અને અફવાઓથી વાતાવરણ ગરમ હતું. ઇમર્જન્સી વોર્ડના એક પછી એક રૂમ તપાસતી જાનકી આગળ આગળ ચાલતી હતી. દર્દથી કણસતા લોકોના ચિત્કાર હૈયું હચમચાવી દે તેવા હતા. ડોક્ટર્સની ટીમ ખડેપગે પીડિતોની સારવાર માટે સજ્જ હતી. પરિચારિકાઓની દોડાદોડી વાતાવરણને વધારે ગંભીરતાનો ઓપ દેતી હતી. જાનકીની પાછળ પાછળ દોરાયે જતી જાહ્નવી આવી ભયાનકતા જોઈ મનમાં વિચારતી હતી :” થેંક્સ ગોડ ! ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી ,નહિતર સુકેતુ પણ આમ ક્યાંક કણસતો પડ્યો હોત.”

એક વોર્ડ આગળ જાનકી અટકી. એને જાહ્ન્વીનો હાથ પકડ્યો.જાહ્નવીને ખેંચીને એ એક પલંગ પાસે દોરી લાવી જ્યાં સુકેતુ સૂતો હતો. પાટાથી વીંટળાયેલા સુકેતુને જોતા જ જાહ્નવી ચિત્કારી ઊઠી. જાણે પગ તળે ફરી એકવાર બ્લાસ્ટ થયો.! જાહ્નવીના ચિત્કારથી સુકેતુ જાગી ગયો.તેણે આંખો ખોલી. હળવું હસ્યો. જાહ્નવી સામે નજર માંડી મૌન ઇશારાથી જણાવ્યું કે પોતે સલામત છે .ચિંતાનો કોઈ વિષય નથી. જાહ્નવી માથા પાસે જ બેસી પડી. સુકેતુના માથે હાથનો મુલાયમ સ્પર્શ થતા તો સુકેતુથી બોલી પણ જવાયું. :” જાહ્નવી ,ડોન્ટ વરી ! સબ સલામત હૈ !” અને સહેજ હળવું સ્મિત કરતા ઉમેર્યું :” કેમ,બોલાવવા આવવું પડ્યું ને ? મેં તને કીધું હતું ને તું બોલાવીશ ત્યારે જ ઘરે આવીશ તું તો રૂબરૂ આવી .” જાહ્નવીએ ભીની આંખોને લૂછતાં હળવેથી સુકેતુંનો હાથ પોતાના હાથમાં લઇ ધીમેથી દાબ્યો અને ઇશારાથી મૌન રહેવા આદેશ આપ્યો.

જાહ્નવી અને સુકેતુ વચ્ચેના મૌન વાર્તાલાપને માણી રહેલી જાનકીની નજર ક્યારેક –ક્યારેક આડું-અવળું દોડીને સૌમ્યને ખોળવા મથી રહી હતી. સૌમ્ય ક્યાંય નજરે આવતો ન હતો.આવી પરિસ્થિતિમાં સૌમ્ય વિષે સુકેતુને પૂછવું યોગ્ય નહોતું લાગતું.અંદરની અકળામણે જાનકીને અસ્વસ્થ કરી દીધી.હું આવું છું કહી બે વખત બહાર લોબીમાં પણ જઈ આવી. સૌમ્યને ફોન કરી જોયો. પણ દરેક વખતે ફોન સ્વીચઓફ હોવાનો મેસેજ મળતો રહ્યો.

અંતે અકળામણ એટલી હદે વધીમ ગઈ કે સુકેતુ સહેજ સ્વસ્થ જણાતા જ જાનકીએ પૂછી નાખ્યું:” સૌમ્ય કેમ નજર નથી આવતો ?”

“ એ તો મારે તમને પૂછવું જોઈએ .” સુકેતુએ જાણે કે પોતાની તરફ લાઈવ બોમ્બ ફેંક્યો.

“ સાથે આવ્યો હતો ને ?” કહેતી જાનકી પલંગની સહેજ નજીક આવી. સુકેતુ થોડીવાર મૌન રહ્યો. બોલવામાં ઘણું દર્દ થઇ રહ્યું હતું , છતાં પરાણે બોલ્યો: “ નાં. એ નથી આવ્યો “

“ એણે તો કોલ કરીને કીધું હતું કે હું સુકેતુને લઈને જીવનજ્યોત હોસ્પિટલ જાઉં છું .” જાનકીની મૂંઝવણ હવે વધતી જતી રાત્રીની જેમ વધવા લાગી.

“ એ તદ્દન ખોટી વાત છે ,સત્ય હકીકત તો એ છે કે મેં એને છેલ્લા ત્રણ દિવસથી જોયો પણ નથી. “ ઓઢાડેલી ચાદરને પગથી હળવે હડસેલો મારી દૂર કરતા સુકેતુ બોલ્યો.

“ એ કેમ બને ?” જાનકીના ધબકારા ગતી પકડી ચૂક્યા હતા .

“ ત્રણ દિવસ પહેલા કંપનીમાંથી એને બરતરફ કરવામાં આવ્યો છે .” આટલું બોલતા સુકેતુ થાકી ગયો. તેનું આખું શરીર કળવા લાગ્યું.

“ બરતરફીનું કારણ ?” એવું પૂછતાં તો જાનકીનો ચહેરો ભીના થઇ ગયેલા કાગળ જેવો થઇ ગયો.

“ ન જાણો તો સારું છે .” સુકેતુ દર્દના ઉંહકારા સાથે પડખું ફરી ગયો. જાનકીને ચક્કર આવવા જેવું લાગ્યું. સુકેતુના પલંગ પાસેના સ્ટૂલ પર બેસી પડી.ક્યાંય સુધી ત્રણેયમાંથી કોઈ કશું બોલ્યું નહીં. લોકોની ભીડ શહેરમાં એક પછી એક થઇ રહેલા બ્લાસ્ટની વાતો કરતી રહી.

જાનકી હોસ્પિટલની બહાર નીકળી ત્યારે અંધારું ઘણું ઘટ્ટ બની ચૂક્યું હતું. શરીરમાં થાક જેવું વર્તાતું હતું. શહેર આખામાં ભયનું વાતાવરણ પથરાય ચૂક્યું હતું. રસ્તા ઉપરની સોડીયમ લાઈટ્સ ઘટ્ટ બની રહેલા અંધકારને ઓગાળી એમાં ભળી રહેલા ભયના ઓથારને ઝાંખો કરવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી.એમ્બ્યુલન્સની સાયરનો વાતાવરણને ભયાનકતા બક્ષતી હતી. જાનકી આખા રસ્તે સૌમ્યના બરતરફીના કારણ વિષે વિચારતી રહી. સૌમ્યની બરતરફીનું કારણ રક્ષંદા તો નહીં હોય ને ? અચાનક જાનકીની સ્કૂતીનું પૈડું રસ્તાની ધાર પર આવેલા ખાડામાં ઉતરી જતા જોરદાર ગતિવિક્ષેપ અનુભવ્યો. માંડ માંડ સ્કૂટીના હેન્ડલ પર કાબૂ રાખી જાતને સંભાળી.

કંપનીની રિસેપ્સનીસ્ટ રક્ષંદા અને સૌમ્યના સંબંધો વિષે જાનકીએ થોડા સમય પહેલા સાંભળ્યું હતું.અને એટલે જ કદાચ સુકેતુએ કહેવાનું ટાળ્યું હોય,બની શકે. જાનકી આગળ વિચારે એ પહેલા જ રસ્તા ઉપર કોલાહલ સાંભળ્યો. શાંતિચોકમાં લોકોની ભીડ જમા થયેલી હતી.જાનકીએ સ્કૂટીને સાઈડ ઉપર લઇ જોયું તો આખા શાન્તિચોકને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.સુરક્ષા જવાનો લોકોને ચોકથી દૂર રહેવા અપીલ કરતા હતા. પૂછતાં જાણવા મળ્યું કે ચોકની વચ્ચે મૂકેલા એડવર્ટાઈઝ બેનરના પોલબોક્ષમાં લાઈવબોમ્બ મળ્યો છે. બોમ્બ ડીસ્પોઝર સ્કવોડનો એક મેમ્બર બુલેટપ્રૂફ જેકેટ સાથે સજ્જ થઇ પોલબોક્ષ તરફ ડગલા માંડી રહ્યો હતો. ભાગી શકવાની શક્યતાનું અનુમાન કરીને લોકો અધ્ધર શ્વાસે ,બોમ્બ ડીસ્પોઝરના નીડરતાથી પડી રહેલા પગલાને તાકી રહ્યા હતા.

એ જ વખતે જાનકીની આંખો સામેના રસ્તા ઉપર ભીડને ચીરીને ભાગવા મથતા બાઈકચાલક ઉપર પડી. બાઈકચાલક બીજું કોઈ નહીં પણ સૌમ્ય જ હતો એ જાનકીએ બરાબર પારખી લીધું. બેકસીટ ઉપર સાવ અડોઅડ ચીપકીને બેઠેલી યુવતીનું મોં સોડિયમ લાઈટના અજવાળામાં અધકચરું ઓળખાયું ત્યાં જ કાનને ફાડી નાખે તેવો પ્રચંડ વિસ્ફોટ થયો.શાન્તિચોકમાં મૂકેલા પોલબોક્ષના ચીંથરા ઊડી ગયા. ચોતરફ આગની જ્વાળા ફેલાઈ ગઈ. ધણધણી ઊઠેલા શાન્તિચોક થી લોકો ડરના માર્યા ભાગ્યા.ચિત્કાર અને કોલાહલે વાતાવરણને ભરી દીધું. એમ્બ્યુલન્સની સાયરનો ગૂંજી ઊઠી.

પોતાના અસ્તિત્વના ઊડી ગયેલા ફૂરચાને સંભાળતી જાનકી ક્યાંય સુધી ઊભી રહી.......બસ, ઊભી જ રહી..................