9166 UP, Gujarat na ramkhano nu adhuru satya - 6 in Gujarati Fiction Stories by Prashant Dayal books and stories PDF | ‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 6

Featured Books
Categories
Share

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 6

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રકરણ - 6

પ્રશાંત દયાળ

લાચારોને જોઈ કદાચ યમરાજ પણ નિર્ણય બદલી નાખતો

દેવગઢબારિયા ભાગી રહેલઈ બિલ્કિસબાનુ સહીત ૧૮ મુસ્લિમો ચારે તરફથી ઘેરાઈ ગયા હતા. પહાડો ઉપર હથિયારબંધ હિંદુઓ ઊભા હતા.તે બધા પણ ગુસ્સામાં હતા. તે પણ ગોધરા સ્ટેશનનો બદલો લેવા માગતા હતા. મુસ્લિમ સ્ત્રીઓ હાથ જોડી તેમને છોડી દેવા વિનંતી કરતી હતી પણ જાણે તેમના માથા ઉપર શેતાન સવાર હતો. આવી જ રીતે સાબરમતી એક્સપ્રેસમાં પણ હિંદુ સ્ત્રીઓ મદદ માટે વિનંતી કરતી હતી, પરંતુ તેમની વાત પણ રાક્ષસ બની આવેલા લોકોએ સાંભળી નહોતી. બિલ્કિસબાનુએ આંખમાં આંસુ સાથે કહ્યું, ‘ભાઈ અમને જવા દો’, પરંતુ ટોળામાંથી કોઈએ બિલ્કિસને વળગીને ઊભી રહેલી તેની ત્રણ વર્ષની બાળકીને આંચકી તેની આંખ સામે જ રહેંસી નાખી હતી. આ કેવી વેદના હશે કે માની આંખ સામે જ તેની પોતાની બાળકીને મારી નાખવામાં આવે અને મા કંઈ જ ના કરી શકે ? જયારે તેની દીકરી સાલેરાને ટોળાએ આંચકી લીધી અને મારી નાખી તે પહેલા સાલેરાની માનસિક સ્થિતિ કેવી હશે ? તેના માટે તો તેની માતા જ સર્વસ્વ હતી. તેને ક્યારેય તેવું લાગ્યું નહી હોય કે તેની માતા તેને બચાવી નહીં શકે. જયારે ઘાતક હથિયાર વડે સાલેરાને મારી નાખવામાં આવી હશે ત્યારે કંઈ તરત જ તેનો જીવ નહીં ગયો હોય ! તે વખતે બિલ્કિસબાનુની વેદના કેવી હશે અને આંખ સામે પોતાની દીકરી સાલેરાને તડપી-તડપી મરતી જોઈ હશે તે ક્ષણ કેવી હશે તેની કલ્પના માત્ર ધ્રુજાવી મુકે તેવી છે. બિલ્કિસ કંઈ સમજે તે પહેલા તેની બહેન મુમતાઝ અને મદીના સહીત હજી હમણાં જ બાળકીને જન્મ આપનાર સીમનને પણ ટોળાએ છોડી નહીં. તમામ મહિલાઓના કપડા ફાડી નાખવાની શરૂઆત કરી. બિલ્કિસબાનુએ ટોળાને વિનંતી કરી કે તે ગર્ભવતી છે પણ ટોળાએ તેની દરકાર કરી નહીં. અચાનક તેના માથા પર ફટકો વાગ્યો અને તે બેભાન થઈ ગઈ, જેથી ટોળાએ તે મૃત્યુ પામી હોવાનું જાની તેને છોડી દીધી હતી. પછી ત્યાં શું બન્યું તે તેને યાદ નથી.

તે જયારે ભાનમાં આવી ત્યારે તેના શરીર પર એક પણ કપડું નહોતું. તેની આસપાસ અનેક મૃતદેહો પડયા હતા, જે બધા તેના પોતાના હતા. તે હજી પણ ડરેલી હતી. તે કેટલા કલાક બેભાન રહી તેની તેને ખબર નહોતી. તે ઉભી થઈ. તેનેત તરસ પણ લાગી હતી, કદાચ રડીરડીને થાકી ગઈ હોવાથી તેને સોસ પડયો હશે. તેને ચારે તરફ નજર દોડાવી. તેની નજર નાની ટેકરી ઉપર આવેલા હેન્ડપંપ ઉપર પડી. તે તરત તે તરફ ગઈ અને પંપ ઉપર પાણી પીધું. તે પાણી પી રહી હતી તે વખતે તેની નજર બાજુમાંથી પસાર થતા રસ્તા ઉપર પડી. ત્યાંથી એક જીપ જઈ રહી હતી. તે લાચાર હતી કારણ કે તેના શરીર ઉપર એક પણ કપડું નહોતું, છતાં તેણે મદદ માટે બૂમ પાડી. આ સ્થિતિની કલ્પના કરો, કારણ કે બિલ્કિસબાનુને ખબર હતી કે જીપમાં પુરુષો જ હશે અને પોતાના શરીર ઉપર એક પણ કપડું નહોતું પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેની બૂમ સાંભળી જીપના ડ્રાઈવરે બ્રેક મારી, કારણ કે આવા નિર્જન રસ્તા ઉપર કોઈ મહિલા મદદ માટે બૂમ પાડે તો તેનું તેને આશ્ચર્ય હતું. જીપ ઊભી રહેતા તેમાંથી એક માણસ ઊતર્યો. તે હોમગાર્ડ કમાન્ડન્ટ હતો. તેને બિલ્કિસની હાલત જોતા તરત જ પોતાની જીપમાં રહેલી શેતરંજી જેવું કાઢી તેની તરફ ફેંક્યું, જેનાથી બિલ્કિસબાનુએ પોતાનું શરીર ઢાંક્યું. કદાચ હજી પણ બિલ્કિસબાનુ પોતાની લુંટાઈ ગયેલી આબરૂ બચાવવા માગતી હશે. હોમગાર્ડ કમાન્ડન્ટે તેની વાત સાંભળી. તેને સ્થિતિ સમજતાં વાર લાગી નહીં. આ કમાન્ડન્ટ બિલ્કિસબાનુને જીપમાં બેસાડી લીમખેડા પોલીસસ્ટેશન લઈ આવ્યો.

પણ ત્યારે લીમખેડાનો માહોલ ખરાબ હતો. તેના કારણે બિલ્કિસબાનુને ખબર હતી કે પોલીસને સાચો બનાવ કહેવામાં મજા નથી. કદાચ તેણે સાચી વાત કહી હશે, પરંતુ પોલીસ તેની વાત માનવા તૈયાર નહોતી. તેણે જે કહ્યું તેની માત્ર જાણવાજોગ એન્ટ્રી કરી તેને ગોધરા રાહતકેમ્પમાં મોકલી આપી હતી. ત્યાંથી તેણે પોલીસવડાને પત્ર લખતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસે સામુહિક બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધ્યો હતો. જો કે ત્યારે આરોપીઓ પકડવા સંબંધી કેટલીક બેદરકારી દાખવવામાં આવી હતી. ત્યારે પોલીસ કેટલાક લોકોને મદદ કરવા માગતી હતી પણ પોલીસ કે તંત્રને ખબર નહોતી કે બિલ્કિસબાનુનો કેસ સુપ્રીમ સુધી જશે અને આ કેસની તપાસ સી. બી. આઈ. દ્વારા થશે. તેના કારણે પોલીસ ગંભીર નહોતી પણ પાછળથી સી. બી. આઈ. દ્વારા આ કેસની તપાસ થતા નાનાં પોલીસ કર્મચારીથી લઈ ડીવાય. એસ. પી. કક્ષાના અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસને પહેલી વખત ખ્યાલ આવ્યો હતો કે ખોટું કરવાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે. ત્યારે જેલમાં ગયેલા પોલીસ અધિકારીઓની મદદ કરવા કોઈ ભાજપી નેતાઓ આવ્યા નહોતા. જો કે જેલમાં ગયેલા પોલીસ અધિકારીઓને ખબર પડી કે ખોટું થઈ ગયું છે, પરંતુ ત્યારે મોડું થઈ ચૂક્યું હતું. બિલ્કિસબાનુની જેમ હજારો લોકો રાહતકેમ્પમાં હતા, જ્યાં પણ તોફાનો થયા હતા. તેની આસપાસ રાહતકેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા હતા. સામાજિક સંસ્થાઓની સાથે રાજયસરકારે પણ રાહતકેમ્પ શરૂ કર્યા હતા. અમદાવાદની મ્યુનીસીપલ સ્કૂલો અને કોમ્યુનીટી હોલમાં રાહતકેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા, જ્યાં રોજ હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. જેમનું તમામ લુંટાઈ ગયું હતું માત્ર તેવા જ મુસ્લિમો નહોતા, પરંતુ જેમને જીવનનું જોખમ હતું તેવા મુસ્લિમો પણ રાહતકેમ્પમાં આવી ગયા હતા. રાહતકેમ્પમાં શ્રીમંત-ગરીબ બધા એકસાથે હતા. રાહતકેમ્પમાં જે લોકો આવ્યા હતા તેમાં મધ્યમ વર્ગના અને શ્રીમંતોની હાલત ખરાબ હતી, કારણ કે રાહતકેમ્પમાં કાચું-પાકું મળતું ભોજન ખાવા સામે કોઈ વાંધો મ્હોતો પણ ભોજન લેવા માટે કતારમાં ઊભું રહેવું પડતું હતું. આ દયનીય સ્થિતિ હતી પણ તેના સિવાય કોઈ રસ્તો પણ નહોતો. રાહતકેમ્પની હાલત જોઈ જૂના લોકોને ભારત-પાકિસ્તાનના વિભાજનના દિવસો યાદ આવી જતા હતા, કારણ કે તે દિવસોમાં પણ નિરાશ્રીતો આ જ રીતે રાહતકેમ્પમાં આવતા હતા. આ પણ વિભાજન જેવો જ મહોલ હતો. મને યાદ છે કે પોલીસ કમિશનર કચેરી પાછળ મ્યુનીસીપલ સ્કૂલમાં રાહતકેમ્પ ચાલતો હતો. તે કેમ્પની હું મુલાકાત લેવા માગતો હતો. ત્યાં મુસ્લિમો શું મને છે તે મારે જાણવું હતું. મને ખબર હતી કે રાહતકેમ્પમાં રહેતા મુસ્લિમોને હિંદુઓ તરફ કેવો ગુસ્સો હશે, તેના કારણે પોલીસ કમિશનરના જનસંપર્ક અધિકારી અશ્વિન જાની સાથે કામ કરતા હેસ કોન્સ્ટેબલ ગોવિંદસિંહને લઈ હું કેમ્પમાં ગયો હતો. તે પોલીસના ડ્રેસમાં હતા અને મેં મારો પરિચય આપ્યા વગર વાત શરૂ કરી હતી. ત્યારે મને લાગ્યું કે તેમની વાતમાં ગુસ્સા કરતાં દુઃખ વધારે હતું, કારણ કે તે પણ માનતા હતા કે ગોધરામાં જે કંઈ બન્યું તે નહોતું બનવા જેવું, પરંતુ તેની સજા તેમને જ આપવામાં આવી હતી. પહેલા બે-ત્રણ દિવસ તો મુસ્લિમો બચાવાત્મક ભૂમિકામાં હતા, કારણ કે તે પણ બોલાવ્યા વગર ખોટું થયું છે તે વાત સાથે સંમત હતા. તેના કારણે તેમણે પહેલા તબક્કામાં તો તેમની ઉપર થતા હુમલાઓ સહન કર્યા પણ પછી તેમને લાગ્યું કે હવે જવાબ આપવો પડશે. ત્રણ દિવસ બાદ હિંદુઓ ઉપર વળતા હુમલાઓ થવા લાગ્યા હતા. જેના કારણે હવે સ્થિતિ બગાડવા લાગી હતી. હવે અમદાવાદ પોલીસની ખરી કસોટીની શરૂઆત થઈ હતી. અમદવાદનાં તોફાનોની દુનિયાભરમાં ગંભીર નોંધ લેવામાં આવી હતી. બધે એકસરખી વાત થતી હતી કે તોફનો રાજ્યપ્રેરિત છે, જેના કારણે વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ તેમના ખાસ દૂત તરીકે સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝને અમદાવાદ મોકલ્યા હતા. તેમણે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લઈ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી હતી. આ વખતે મને સરકીટ હાઉસ ખાતે રાજ્યકક્ષાના સંરક્ષણમંત્રી હરિન પાઠક મળી ગયા હતા. તેમણે મારી સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘જે રીતે મુસ્લિમોની કત્લેઆમ થઈ છે, તેના કરતાં પણ વધુ ખતરનાક બાબત એ છે કે મુસ્લિમો માને છે આ તોફાનો રાજ્યપ્રેરિત હતા. જેને કારણે લોકો વહેલો-મોડો જવાબ આપશે, જે તંત્ર અને ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ ઉપર ત્રાસવાદી હુમલો થયો હતો.જેમાં અસંખ્ય શ્રદ્ધાળુઓની સાથે પોલીસ જવાનો પણ શહીદ થયા હતા. અમદાવાદના તોફાનો જે રીતે વકર્યા અને કાબૂ બહાર ગયા તેના કારણે અમદાવાદના પોલીસ અધિકારીઓ જે કારણો આપતા હતા તેમાં કેટલું તથ્ય છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ રાજ્યમાં ફરજ બજાવતા દરેક અધિકારીએ પોતાની સમજ પ્રમાણે કામ કર્યું હતું. અમદાવાદની જેમ ભાવનગરમાં પણ સ્ફોટક સ્થિતિ હતી. બંધનું એલાન આપવામાં આવ્યું તે દિવસે ભાવનગરના પોલીસવડા રાહુલ શર્મા રજા ઉપર હતા, પરંતુ તેમને રેન્જ આઈ. જી. નો સંદેશો મળતા તે તરત ભાવનગર જીલ્લા પોલીસવડાની કચેરીમાં હાજર થઈ ગયા હતા. તેમણે પોતાના સ્ટાફને બોલાવી બંદોબસ્ત ગોઠવવાની શરૂઆત કરી પણ ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની પાસે માત્ર ૧૮૦ જ પોલીસ જવાનો હતા. એટલે રાહુલ શર્માએ ગાંધીનગર ફોન કરી રાજ્યના પોલીસવડા કે. ચતુર્વેદી સમક્ષ વધુ પોલીસ કુમક મોકલી આપવા વિનંતી કરી હતી. જો કે સામેથી તરત સંદેશો મળ્યો હતો કે હવે કોઈ મદદ મળી શકે તેમ નથી, તેથી મેં હયાત પોલીસ દ્વારા જ બંદોબસ્ત ગોઠવો. છેવટે રાહુલ શર્માએ ૧૮૦ પોલીસ જવાનોને સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવી દીધા હતા. તા. ૨૮મીના રોજ સવારથી બંદોબસ્તમાં તહેનાત પોલીસ કર્મચારીઓ પોલીસ કંટ્રોલરૂમને સંદેશો આપવા લાગ્યા હતા કે, ટોળા મોટી સંખ્યામાં છે જેથી વધુ પોલીસ મોકલી આપો. વાયરલેસ ઉપર સંદેશાઓ સાંભળી રહેલા ડી. એસ. પી. રાહુલ શર્માને તેમના સ્ટાફની રમત સમજાઈ ગઈ હતી. ટોળા વધુ છે તેવું કારણ આપી સ્થળ ઉપરના પોલીસ અધિકારીઓ કોઈ કાર્યવાહી કરવા માગતા નહોતા.

એટલે રાહુલ શર્માએ વાયરલેસ ઉપર સંદેશો મોકલ્યો કે જ્યાં ટોળા નજરે પડે ત્યાં લાઠીચાર્જ કરો. ત્યાર પછી જરુર પડે ટીયરગેસ સેલ છોડો અને તેમ છતાં પણ તોફાનીઓ કાબૂમાં ન આવે તો ટોળામાં રહેલા લોકોના પગમાં વાગે તેવી રીતે ગોળીબાર કરો. જો કોઈ પણ પોલીસ અધિકારી ગોળીબાર કર્યા વગર કંટ્રોલરૂમ પાસે મદદ માગશે તો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. રાહુલ શર્માની વાયરલેસ ઉપરની આ સૂચના પછી મદદ માગી રહેલા તમામ પોલીસ અધિકારીઓએ અસરકારક કામગીરી કરી હતી અને કોઈ પણ સ્થળે વધુ પોલીસ મોક્લવિ પડી નહોતી. મેં પહેલા પણ કહ્યું તેમ બધા ભાજપના નેતાઓ આ તોફાનને કારણે રાજી નહોતા. ભાજપી નેતાઓનો એક મોટો વર્ગ તોફાનનો વિરોધી હતો. કદાચ આ વાત મુસ્લિમોને સાચી નહીં લાગે પણ આ વાસ્તવિકતા છે. જો કે ત્યારે એવો માહોલ ઊભો થયો હતો કે સાચી વાત કહેનારને હિંદુવિરોધી ગણવામાં આવતો હતો, જેના કારણે બધા ચૂપ હતા. તોફાનો દરમિયાન ભાજપના પ્રદેશપ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પોતે રાહુલ શર્માને ફોન કરી વિનંતી કરતાં એક માહિતી આપી હતી કે ભાવનગરથી ૧૬ કિલોમીટર દૂર એક મદરેસા આવેલી છે, તેમાં ચારસો મુસ્લિમ બાળકો રહે છે, જેને તોફાનીઓએ ઘેરી લીધી છે. આ બધા બાળકોને બચાવી લેવામાં આવે. રાણાની વાત સાંભળી તરત રાહુલ શર્મા પોતની સ્ટ્રાઈકિંગ ફોર્સ સાથે મદરેસા ઉપર પહોંચી ગયા હતા અને તેમણે ગોળીબાર કરી ટોળાને વિખેરી નાંખ્યું હતું. તમામ બાળકોને સલામત રીતે બહાર કાઢી પોલીસનાં વાહનોમાં ભાવનગર લઇ આવ્યા હતા. આ વાત અનેક હિંદુઓને પસંદ પડી ન હોવાથી રાહુલ શર્મા હિંદુવિરોધી છે તેવી ફરિયાદ પણ ગાંધીનગરમાં કરવામાં આવી હતી.

રાહુલ શર્મા અંગે ફરિયાદ મળતા તે વખતના રાજ્યકક્ષાના ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયાએ રાહુલ શર્માને ફોન કરીને પૂછ્યું હતું કે, ‘પોલીસ ગોળીબારમાં હિંદુઓ કેમ વધારે મારે છે ?’ તે વખતે ભાવનગરમાં કુલ સાત મોત થયા હતા, જેમાં છ હિંદુઓ પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા. ગૃહરાજ્યમંત્રીનો પ્રશ્ન સાંભળી શર્માને આશ્ચર્ય થયું હતું, કારણ કે તેમને હિંદુઓના મોત અંગે દુઃખ હતું. જો કે તેમણે પોતાનું મગજ શાંત રાખતા જવાબ આપ્યો હતો. ‘રસ્તા પર જે હોય તેમને ગોળી વાગે અને બંદૂકની ગોળી ઉપર નામ લખેલા હોતા નથી.’ રાહુલ શર્માનો આ જવાબ મંત્રીને પસંદ પડે તેમ નહોતો. આ ઘટના ઉપરથી એ વાત સ્પષ્ટ હતી કે સરકારને તોફાનીઓ સામે કડક હાથે કામ લેતા અધિકારીઓ પસંદ નહોતા, કારણ કે તોફાની હિંદુઓ હતા અને હિંદુઓ નારાજ થાય તે સરકારને ગમતું નહોતું. ગોધરા પછી જે તોફાનો થયા તેમાં મોટી સંખ્યામાં મુસ્લિમોની ખુવારી થઈ હતી. જેણે દુનિયાભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું અને એટલે જ દિલ્હીથી ટેલીવિઝન ટીમો અમદાવાદમાં ઉતરી આવી હતી. આ ચેનલો સતત મુસ્લિમોના નુકસાનની વાતો જ બતાવતી હતી, જેના કારણે હિંદુ ગુસ્સે ભરાયા હતા અને જ્યાં પણ ચેનલવાળા નજરે પડે ત્યાં પકડી તેમને મારતા હતા. હિંદુઓની એવી ફરિયાદ હતી કે ચેનલો ફક્ત મુસ્લિમોની જ વાત કરે છે. જ્યાં બીજી તરફ ગુજરાતી અખબારો ઉપર હિંદુઓ ખુશ હતા, કારણ કે તે માત્ર હિંદુતરફી સમાચારો લખતા હોવાથી ભાવનગરના ડી. એસ. પી. રાહુલ શર્માએ એક અખબાર (જેનું નામ મને ખબર છે પણ...) સામે પગલાં ભરવા જોઈએ તેવો પત્ર સરકારને લખ્યો હતો પણ તે અખબાર સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નહીં, કારણ કે સરકારને પણ તેમાં મઝા પડતી હતી. અમદાવાદમાં ત્યારે મુસ્લિમ પત્રકારોની સંખ્યા સારી એવી હતી પણ પી. ટી. આઈ.માં ફરજ બજાવતા ઐયુબખાનને બાદ કરતા ભાગ્યે જ કોઈક મુસ્લિમ પત્રકારો ફિલ્ડમાં નીકળતા હતા, કારણ કે ત્યારે માહોલ ડરામણો હતો પણ ઐયુબખાનને જોઈ કોઈ દર જ લાગતો નહોતો. છ ફૂટની ઊંચાઈ અને ગોરો રંગ ધરાવતા ખાનને જોઈ તે પઠાણ હોવાનો અહેસાસ થતો હતો પણ તેનો પહેરવેશ કાયમને માટે પેન્ટ-શર્ટ હોવાને કારણે જ્યાં સુધી ખાન મુસ્લિમ છે તેવું કેહવામાં ના આવે ત્યાં સુધી તે મુસ્લિમ છે તેની ખબર પડે તેમ નહોતી. જો કે તેના કરતા પણ વધુ મહત્વની વાત એ એ હતી કે ખાન સાફ દિલનો માણસ હતો. ગાંધીનગરમાં જતા પત્રકારો સાથે કે પછી માહિતીખાતાના કર્મચારીઓ સાથે સમાચારો માટે ઝઘડો કરવો પડે પણ તેને ક્યારેય કોઈની સાથે ઝઘડામાં તેનો ધર્મ આડે આવ્યો નહોતો. તે પોતે કટ્ટર ના હોવાના કારણે જયારે તોફાનો થયા ત્યારે તેને ક્યારેય કોઈની સાથે ઝઘડામાં તેનો ધર્મ આડે આવ્યો નહોતો. તેથી તે હિંદુ વિસ્તારોમાં પણ બિન્દાસ ફરતા હતા. મારા કરતા ઉંમરમાં ખાસ્સા મોટા હોવા છતાં ખાન સાથે મારે સારી મિત્રતા હતી. અમદવાદમાં ચારે તરફ તોફાનો ચાલતા હતા ત્યારે ખાન સાથે વિચિત્ર ઘટના બની હતી. તે અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા અને તેમની આસપાસ પણ મુસ્લિમ વસ્તી હતી પણ તેમના ઘરની પાછળ હિંદુ વસ્તી હતી. તોફાનો દરમિયાન બુકાની બાંધી મુસ્લિમ યુવાનો તેમના ઘર પાસે આવતા અને ત્યાં ઊભા રહી ખાનના ઘરની પાછળ આવેલી હિંદુ વસ્તી ઉપર પથ્થરમારો કરતા હતા. આ વાત ખાનને ગમે તેવી નહોતી એટલે તેમને પેલા યુવાનોને રોકી તાકીદ કરી કે હવે પછી જો આવું બન્યું તો તે પોલીસને જાણ કરશે. જો કે ત્યારે પેલા યુવાનો તો જતા રહ્યા પણ થોડીવાર પછી બીજા કેટલાક યુવાનો આવ્યા, જેમના હાથમાં છરા હતા. તેમણે ખાન અંગે થોડી પૂછપરછ કરી પણ સદનસીબે ખાન નોકરી ઉપર જવા નીકળી ગયા હતા, પરંતુ જતી વખતે તેઓ ચેતવણી આપી ગયા કે કોમના દુશ્મનોને કહી દેજો કે હવે આ કામ ના કરે. જયારે સાંજે ખાનને આ વતની ખબર પડી ત્યારે તે ડરી ગયા હતા. બીજા દિવસે તેમણે મને વાત કરી. મને વાતની ગંભીરતા સમજાતી હતી એટલે મેં આ અંગે સીધા પોલીસ કમિશનર પી. સી. પાંડેને વાત કરવાનો નિર્ણય કર્યો અને ખાનને લઈ હું પાંડે પાસે ગયો. તેમણે ખાનને સાંભળી આશ્વાસન આપી શાહપુરના પોલીસ ઇન્સ્પેક્ટરને જરૂરી સૂચના આપી. ત્યારબાદ ખાનને કોઈ તકલીફ પડી નહોતી પણ તોફાનો દરમિયાન ખાન જેવા માણસો પણ હતા. ખાન માટે બીજી એક મહત્વની બાબત એ પણ હતી કે ખાન અને નરેન્દ્ર મોદી શાળામાં સાથે ભણતા હતા.

અમદાવાદમાં લશ્કર આવી ગયું હતું, છતાં સ્થિતિ નિયંત્રણમાં નહોતી. રાજયસરકારે પોલીસ કમિશનરની કચેરી પાછળ આવેલી મ્યુનીસીપલ સ્કૂલમાં રાહતકેમ્પ શરૂ કર્યો હતો, જેની સામે ભાજપના જ ધારાસભ્ય ભરત બારોટને વાંધો હતો. તેમણે લેખિતમાં સરકારમાં વાંધો લઈ તેમના વિસ્તારમાંથી રાહતકેમ્પ ખસેડી લેવા માટે જણાવ્યું હતું. રાહતકેમ્પ જે વિસ્તારમાં હતો તે માધવપુરા પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પુત્રને તોફાનોના છ મહિના પહેલા જ મિરઝાપુર વિસ્તારમાં મુસ્લિમોએ મારી નાખ્યો હતો, જેના કારણે આ ઇન્સ્પેક્ટર મુસ્લિમો ઉપર આતંક વરસાવતા હતા તેવી ફરિયાદ પણ ઊઠવા પામી હતી. અહીંયા હિંદુ-મુસ્લિમ બંને નજીકનજીક રહે છે અને ગરીબ પણ છે. તેના કારણે તે સ્થાનિક નેતાના પ્રભાવ હેઠળ આવી જતા હતા. હિંદુઓનું એક ઉશ્કેરાયેલું ટોળું પોલીસ કમિશનરની કચેરી સુધી આવી ગયું હતું. કારણ કે કચેરીના કમ્પાઉંડમાં દરગાહ આવેલી છે. ટોળું દરગાહનું અસ્તિત્વ મિટાવી દેવા માગતું હતું. ટોળું ચિચિયારીઓ સાથે કમિશનર કચેરી સુધી તો આવી ગયું પણ ત્યારે શહેરની સ્થિતિ એવી હતી કે બધી પોલીસ બહાર હતી. ટોળાને રોકવા માટે પણ પોલીસ નહોતી. ટોળાનો અવાજ પોલીસ કમિશનર પી. સી. પાંડેની ચેમ્બરમાં પણ સાંભળી શકાતો હતો. તેમણે બેલ વગાડી અંદર આવેલા પટાવાળાને બહાર શું થઈ રહ્યું છે તે અંગે પૂછ્યું. જયારે તેમને ખબર પડી કે ટોળું કમિશનર કચેરીના કમ્પાઉંડમાં રહેલી દરગાહ તોડવા માટે આવ્યું છે ત્યારે તેઓ તરત ઊભા થઈ કમિશનર ઓફિસની બહાર આવ્યા. પહેલી વખત તેમણે ઘણાં વર્ષો પછી હાથમાં લાકડી પકડી હતી. તેમના હાથમાં લાકડી જોઈ કંટ્રોલરૂમમાં રહેલો કેટલોક સ્ટાફ અને થોડોક સિવિલિયન સ્ટાફ પણ મદદે આવ્યો. ખુદ પોલીસ કમિશનરે ટોળાને ભગાડવા માટે આવવું પડ્યું તેવી ખબર નજીકના પોલીસ સ્ટેશનોને પડતા મીનીટોમાં પોલીસના વાહનો દોડી આવ્યા અને ટીયરગેસના સેલ મારવાની શરૂઆત કરી. કદાચ તેના કારણે જ દરગાહ બચી ગઈ હતી.

દરગાહની વાત આવી એટલે મને હરેન પંડ્યા યાદ આવ્યા. હરેન પંડ્યા કટ્ટરવાદી હતા તે વાત સાથે હું સંમત નથી, છતાં એક ઘટનાને કારણે હરેન કટ્ટરવાદી છે તેવું મોટો વર્ગ માનવા લાગ્યો હતો. ૨૮મીના રોજ બંધના એલાનને દિવસે એલીસબ્રિજ વિસ્તારમાં મોટા ટોળા હતા અને એક ટોળાએ પાલડીમાં ડીલાઈટ ફ્લેટને પણ ઘેરી લીધા હતા, જયારે બીજા ટોળાએ પાલડી ભઠ્ઠા પાસે એક મસ્જિદને ઘેરી લીધી હતી. મસ્જિદને ઘેરી લેવામાં આવી છે તેવા સમાચાર મળતા જ હરેન પંડ્યા સ્થળ ઉપર દોડી ગયા હતા. તે જયારે ત્યાં પહોંચ્યા ત્યારે ટોળાના હાથમાં હથોડા અને અનેક મોટા સાધનો હતા, જેના વડે તે મસ્જિદ તોડી રહ્યા હતા. હરેન પંડ્યા ત્યાં પહોંચ્યા ત્યારે ટોળું તો તેની મસ્તીમાં હતું પણ પંડ્યાને જોતા કેટલાક કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા. તેમાંથી એક કાર્યકરે હરેનના હાથમાં એક હથોડો પકડવી દીધો હતો. હવે તેમના માટે ધર્મસંકટ હતું, કારણ કે ભાજપમાં હોવાને કારણે તેમણે કાયમ હિંદુત્વની દુહાઈ આપી મતદારો પાસે મત માગ્યા હતા. જો કે તેમના મનમાં હિંદુત્વની વ્યાખ્યા સ્પષ્ટ હતી. તેમને ખબર હતી કે કોઈ લીટી ભૂંસી પોતાની લીટી મોટી કરી શકાતી નથી. તે ગૃહરાજ્યમંત્રી કેશુભાઈની સરકારમાં હતા ત્યારે તેમણે સતત તે બાબતનું ધ્યાન રાખ્યું હતું કે કોમી તોફાન થાય નહીં. તેઓ ગૃહરાજ્યમંત્રી હતા ત્યારે ડાંગમાં ખ્રિસ્તીઓ સામેનું વિશ્વ હિંદુ પરિષદનું આંદોલન કચડી નાખવાની સૂચના આપી હોવાથી વીએચપીના કાર્યકરો તેમનાથી નારાજ હતા. ઉલટાનું એક તેમને હથોડો પકડાવ્યો હતો. હવે જો તે હથોડો ના મારે તો કાર્યકરો તેમને બક્ષે તેમ નહોતા, તેમજ હથોડો ન મારતા પણ મસ્જિદ બચે તેમ નહોતી. તેમણે કમને હથોડો મારતા કાર્યકરોએ જાય શ્રીરામના નારા લગાવ્યા હતા. બે દિવસ બાદ જયારે મને હરેન પંડ્યા રૂબરૂ મળ્યા ત્યારે તેમણે દુઃખ સાથે આખી વાતનો એકરાર કર્યો હતો અને તેમણે આ મુદ્દે પબ્લીસીટીના બદલે અંગત પત્રકારોને વિનંતી સાથે આ પ્રશ્નને ન ચગવવા જણાવ્યું હતું. જો કે આ વાત મુસ્લિમો સુધી પહોચી ગઈ હતી અને તેમને હરેન પંડ્યાએ મસ્જિદ ઉપર હથોડો માર્યો તેનો આઘાત લાગ્યો હતો. જે મુસ્લિમો ગોધરા પછીનાં તોફાનોનો બદલો લેવા માગતા હતા તેમણે એક મસ્જિદની ઘટનાને કારણે હરેનને કટ્ટર હિંદુ માની લીધા હતા અને જયારે હરેનની હત્યા માટે હૈદરાબાદના અસગરઅલીનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે તેના મનમાં પણ હરેન મુસ્લિમવિરોધી છે તેવું ઠાંસીને ઉતારી દેવામાં આવ્યું હતું. જેના કારણે તેણે માર્ચ-૨૦૦૩માં લોગાર્ડન પાસે હરેન ઉપર અત્યંત નજીકથી ગોળીઓ છોડીને તેમની હત્યા કરી હતી. જો કે હરેનની હત્યા પાછળનું કારણ કોમી હતું કે રાજકીય તે કહેવું મુશ્કેલ છે.