Chitkar in Gujarati Short Stories by Pravinkant Shastri books and stories PDF | Chitkar

Featured Books
Categories
Share

Chitkar

Pravin Shastri

ચિત્કાર

"બેન તમારું નામ શું? સ્નેહલતા બહેને લાગણી પૂર્વક પૂછ્યું.

સ્નેહલતાબેન સામાજિક કાર્યકર્તા અને મહિલા પરિષદના પ્રમુખ હતાં. ‘પરિવાર સેવા સંસ્થાન’ના અગ્રગણ્ય સ્થાપક અને સહાયક હતા. શ્રીમંત અને સેવાભાવી હતા. અસહાય મહિલાઓને સહાય અને માર્ગદર્શન પુરું પાડતાં. લોકો માટે તેઓ લતાબેન જ હતાં.

આજે તેમની સામે આધેડ વયની, ગ્રામ્ય, શ્રમજીવી મહિલા બેઠી હતી.

"નામ તો લખમી; પણ બધા લખી જ કે"

"તમે ક્યાં રહો છો?, લખીબેન!"

"સચીન રોડની પછવાડે."

"ઘરમાં કોણ કોણ છે?"

“ઘર! અમારે ઘર ના હોય. નાનુ છાપરું છે. અમે તઈણ જણા. હું, મારો કિકલો અને ડોહા.”

“કિકલો અને ડોહા? એ કોણ?”

“ડોહા… એ તો મકનના બાપા. મારા હહરા. બચારાને દમ છે. ઉધરસ ખાય અને ડબલામા ગડફા કાઇડા કરે. મારા કિકલાએ બીડી આપ્પાની બંધ ના કહેલી. આખો જન્મારો બીડી પીધેલી એટલે જીવ વલખા મારે. મૂવી! મને દયા આવે. કોઈ વાર બે દમ મારવા દંઉ.”

"અને બેન, કિકલો કોણ?"

લખીની આંખ ચમકી ઉઠી

"એ તો મારો દીકરો. એનુ નામતો કિશોર, પણ અમને તો કિકલોજ ફાવે. કાલેજના બીજા વરહમા છે. બેન! એતો બઉ જ ઉસિયાર છે હોં! સરકાર મફત ભણાવે, ને હામેથી પૈહા હો આપે. કાયમ ફરસ કલાસ જ લાવે."

લતાબેને લખીના ગૌરવ દાદ આપી. "અરે વાહ! બહુજ સરસ કહેવાય."

"તમારા ઘરવાળા મકનભાઈ?"

લખીની આંખ ભીની થઈ ગઈ.

"મારા હોળ વરહે મકન હાથે લગન થૈલા. વરહ દાડામા તો કિકલો થીયો. કિકલો છ મઈનાનો થીયો તારે ચાર દાડાના તાવમા ભગવાને મકનને ઉપર બોલાવી લીધો. મકન છેલ્લે દાડે બબડેલો. મને કે ' કે, મારો ટેમ થઈ ગ્યો. તું કિકલાને લઈને નાતરે જજે....પણ બેન! ડોહાનું કોણ? મેં બીજો ભવ નઈ કઈરો."

લખીથી રડાઈ ગયું. કોરા કપાળ પર પરસેવો જામ્યો હતો.

એટલામાં એક છોકરી ટૅબલ પર બે આઈસક્રિમ પ્લેઈટસ મુકી ગઈ.

"લખીબેન લો, આઈસક્રિમ ખાઈ લો. બહુ ગરમી પડે છે. ઠંડા થઈને પછી વાતો કરીએ."

લખીએ ખુબજ સંકોચ સાથે આઈસ્ક્રિમ લીધું.

લતાબેન લખીને જોતાં રહ્યા. શ્યામળો પણ આકર્ષક ચહેરો. જાણે કાળા આરસનું કલામય શિલ્પ. આઈસ્ક્રિમ ખાતાં ખાતાં તેઓ શૉ-કૅઇસમાંની ખજૂરાહોની કાળી પ્રતિમાઓ સાથે લખીને સરખાવી રહ્યા.

આઈસક્રિમને ન્યાય અપાઈ ગયો. વાતનો દોર ચાલુ થયો. લખી ટૂકા સવાલોના લાગણી સભર, લાંબા જવાબો આપતી. લતા બહેનને એ ગમ્યું.

“લખીબેન, તમે એકલા આવ્યા છો કે સાથે કોઈક આવ્યું છે?”

“કરસનની રિક્ષામા આવેલી. એ બા'ર રિક્ષામા બેઠો છે.”

લતાબેને છોકરીને બોલાવી રિક્ષામા આઈસ્ક્રીમ પહોંચાડવા સૂચના આપી.

“હાં! તો આ કરસનભાઈ કોણ્?”

“એ ભૂંડાને લીધે જ આ મોંકાણ થઈ છે ને!”

નીચું જોઈને એ બોલતી અટકી ગઈ. થોડી ક્ષણો નિઃશબ્દ પસાર થઈ.

“એ કોણ? એણે શું કર્યું?”

“કરસન, એ મકનના દોસ્તાર ભીખુભઈનો દીકરો. જા'રે કિકલો જનમો તા'રે પાંચ છો વરહનો ઓ'હે. અતારે તો હાંડ જેવો બા'વી, તેવીહ નો થીયો ઓહે. બાજુમાં જ એનું છાપરું છે. ખાસ્સુ મોટ્ટું અને બઊ સરસ. એકલોજ છે. રિક્ષા ચલાવે છે. મને કૅ! ઉં તો નઈ ભઈણો પણ કાકી, કિકલાને ભણાવજે.”

“કરસન બઉ ભલો. મારા ડોહાને હારુ દવા લઈ આવે, કિકલાને કાલેજ મુકવા જાય. ભાડું છોડીને લેવા હો જાય. બાજુની દુકાનમાંથી દોરડું ખેંચીને એના છાપરામાં લાઈટ હો કરેલી. કિકલાને લેસન કરવા જ તો. એક દાડો લારી વાળાએ મારા પર ગંદો ઈસારો કરેલો. કરસનને ખબર પડી. એણે ફિલમમાં આવે તેમ મિયાંને મારી મારીને ઢીલો કરી દીધેલો.”

“ઊં નઈ ઓઊં તા'રે ડોહાનું ધીયાન રાખે.”

“હવારે ચાર ઘરના કામ કરુ. પગાર અને ખાવાનુ. અમને તઈણ જણને કેટલું જોઈએ! કરસન બચારો એકલો. કાયમ લારી પરનુ ખાય તો માંદો પડેને! હવાર હાંજ અમારી હાથેજ ખાઈ લે.”

“એને કાયમ કે'તી ' અલા, તું તો એકટર જેવો ગોરો છે. કમાય છે. પૈણી જાને! રોટલા ધડનારી લાવી દે. કાં હૂધી આવો છકડો રે'વાનો? “

“મૂંઓતો મને કે, તું મારી હાથે નાતરુ કરે તો તને પૈણું. પણ આતો કિકલાને ન'ઈ ગમે એટલે બોલતો નથી.”

“મેં તો કીધું ભૂંડા, ઊં તો તારી માં જેટલી છું…. મારામાં હું ખાવાનું?.... બચારો નીચું જોઈ ગયેલો.”

“એક દાડો બપોરે ખાવા આવેલો. મને કપડા બદલતા, અડધી ઉઘાડી જોઈ લીધી.”

“નીચું જોઈને ખાતા ખાતા મને કે' 'ઈ કાલે રામલો મને ફિલમ જોવા લઈ ગઈલો. બઉ ગંદી હતી. મનેતો કંઈ કંઈ થઈ ગયું. એમાંની બૈરી કરતા તો તું બઉ હારી દેખાય છે. કાકી મને એકવાર તારી હાથે હૂવા દે. એકજ વાર. પછી બીજી વાર નઈં કઉ. મનખો બઉ ઉભરે છે.”

“મને દયા આવી. મકન જીવતો હોત તો આતો રોજનું હોત. કરસનીયો તો એકજ વાર માંગે છે.”

“મેં કીઘું ' ચાલ ભૂંડા…. તારે છાપરે! ધરાઈને ખાઈ લેજે.”

..... “અમે કપડા કાઈડા,..બે મોડા,...બે છાતી,...બે પેટ,...ચાર પગ, ..ભેગા થીયા. મે પણ સુખના ચાર ચાર ઓડકાર ખાધા....કરસન ઉંઘી ગીયો, ને હું એને માથે હાથ ફેરવીને મારે છાપરે ગઈ. તે રાતે અમે બધાએ સરસ આઈસ્ક્રિમ ખાધું, તમે આજે ખવડાઈવું તેવું જ.”

“પંદર દાડા પછી ટે'મ થઈલો પણ હું માથે નઈ બેઠી. મને થ્યું ' હાસ, ઉંમર થઈ. બંધ થઈ ગ્યુ. હવે નિરાંત. પણ થોડા દાડા પછી ઉબકા આવવા માઈડા. મને લખ્ખણ હમજાયા.”

“કરસનીઆને વાત કરી.”

“બીજે દાડે એણે મને બાટલી આપી. કે' કે કાકી મને તારો પિશાબ આપ. મેં તો આઈપો.”

“સાંજે એણે કીધું ‘કાકી તને મઈના છે.’

“મારા ડોહા, મારો કિકલો, બધા મને હું કેહે!”

“મને ચક્કર આવી ગયા.’

મેં કીધું "કરસન મને દાકતરને તાં લઈ જા." એ મને ગીતાબેન દાકતરને ત્યાં લઈ ગયો.

મેં ગીતાબેન દાકતરને કીધું "આ પાડી દો."

“મને તપાસી. મને કે' બધું કાયદેસર કરવું પડે. મોટો ખર્ચો પણ થાય. સૌથી પહેલા તમે લતા બેનને વાત કરો. એ તમને સલાહ આપશે. મદદ પણ કરશે.”

"એટલેજ તો તમારી પાસે આવી. તમે કો! હવે મારે હું કરવું?”

સ્નેહલતાબેને ઊભા થઈ લખીને માથે હાથ ફેરવ્યો.

“બહેન ગભરાવાની જરૂર નથી. સૌ સારાવાના થઈ રહેશે. તમારી મુંઝવણ સમજી શકાય એવી છે. અમારી સંસ્થા ગર્ભપાતને સમર્થન આપતી નથી. પણ, તમે થોડી ધિરજ રાખો. બાળક આવવા દો. અમે તમને આર્થિક મદદ કરીશું. દવા બીજી જરૂરી સગવડ પણ થશે. હું આવનાર બાળકને દત્તક લેવડાવવાની વ્યવસ્થા કરી આપીશ. તમે જીવ હત્યાના પાપમાંથી બચી જશો. જરુરવાળા એક દંપતીનો ખાલી ખોળો ભરાશે.”

“બેન! તમે માનો એટલાં તમે ઘરડા નથી. તમે હજુપણ જુવાન છો. તમે કંઈ પાપ નથી કર્યું. પેટને અન્નની ભૂખ હોય છે. માણસને માણસની ભૂખ હોય છે. શરીરને શરીરની ભૂખ હોય છે. જીવ છે ત્યાં સુધી ભૂખ તો રહેવાનીજ. મર્યાદામાં, સમજ પૂર્વક ભૂખ સંતોષાય તો જીવન વહેતું રહે. વહાલું માણસ મળે તો સાવચેતી રાખીને આવેલા ઉભરાને શાંત કરવામાં કાંઈજ ખોટું નથી. જમાનો બદલાયો છે. તમને સલામત રસ્તાઓની અને બીજા રોગ ન થાય તેની કાળજી રાખતાં શિખવીશું.”

“તમે મને દસ દિવસ પછી પાછા મળવા આવજો. હું બધી વ્યવસ્થા કરી મુકીશ. જરાપણ ચિંતા કરશો નહિ.”

લખી નિરાશ થઈ ગઈ. લથડતા પગે બહાર નીકળી. બહાર કરસન રિક્ષામાં રાહ જોતો બેઠો હતો.

'કાકી બધું બરાબર છે ને?' 'કાકી છાપરે જતા પે'લા હોટલમાં કંઈ ખાવું છે?'

'ના! ભૂખ નથી. મને મંછી ડોહીને છાપરે મેલીને તું ધંધાએ જા. કિકલાને ટે'મસર લઈ આવજે.'

રિક્ષા મંછીડોસીને છાપરે ઊભી રહી. લખી છાપરામાં ગઈ.

'મંછી! મને પાડી નાખવાનું ઓહડિયું આપ.'

“ઈ કોણ?” ડોસીએ આંખ પર હાથનું છાજલું કરતાં પૂછ્યું " કોણ?,.. લખી?"

"આટલા વરહ નઈ ને આ ઊંમરે? કોનુ છે? કેટલા થ્યા?"

"એ બધું પછી કે'વા. "પૅ'લા મને કડક ઉકાળો આપ."

"હારી, મરદની જાત. લેંઘા ચડાવી ને ચાલતા થાય. ભોગવવાનું તો અ'સ્ત્રી ને જ ને!"

ડોસી બબડતાં બબડતાં ઉઠી અને ચૂલા પર તપેલીમાં પાણી મુક્યું. પટારામાંથી બે-ત્રણ ડબ્બા કાઢ્યાં. તેમાંનો પાઉડર પાણીમાં નાંખ્યો. એક ડબ્બીમાંથી કોઈક બીયાં જેવા દાણા વાટીને નાંખ્યાં. તપેલીમાંનું પાણી અડધું થતાં, ઉકાળવાનું બંધ કર્યું. બસ ઉકાળો તૈયાર થઈ ગયો.

" આ લઈજા. રાતના ઠરી જાય પછી અલાવીને અડધું હૂતા પે'લા પીજે. બાકીનું હવારે દા'ડો ચડે પછી પીજે. તેં કીધું એટલે કડક બનાવેલો છે."

....રાત પડી.... લખીએ બધોજ ઉકાળો એક સાથે ગટગટાવ્યો....મળશ્કે અસહ્ય શૂળ ઊપડ્યું...વેદના ચીસાચીસ દ્વારા જાહેર થઈ ગઈ...બધા જાગી ગયા...ડોસો ખસતો ખસતો, લખી પાસે આવ્યો. તેના માથે હાથ મૂંકતાં પુછ્યું, "લખુડી, તને હું થાય છે?"

કિકલો અને કરસન પણ આજુબાજુ બેસી ગયાં. "કાકી તને હું થાય છે?"

કિકલો ગભરાઈને રડતો હતો. “માં! ડૉકટરને બોલાઊં? માં, ચાલ હૉસ્પિટલ જઈએ. હું ઍમ્બ્યુલન્સ બોલાઊં."

"ના, ના, રિક્ષામાં જ પહોંચી જઈએ"

"હવે કંઈ અરથ નથી... મારો ટૅ'મ થઈ ગ્યો... મકન મને ઉપર બોલાવે છે... દીકરા… કિકલા!... ભણીને મોટ્ટો સાહેબ થજે... કરસનીઆ! તું મારા ડોહાને ને મારા કિકલાને હાચવજે!.... વૅ'લો વૅ'લો, પૈણી જજે!”

....અરે ઓ!... મારા આથ પકડો!... ઓ ભગવાન!... ઓ મારી માં!”

...એક અસહ્ય વલોપાત...એક વેદના ભરી ચીસ...ચિત્કાર સાથે ભીની ગોદડી પર કંઈક "લોચા જેવું પડ્યું...લખીની વેદના અને શ્વાસ શાંત પડી ગયાં...ફાટેલી આંખો દૃષ્ટિહીન હતી...

Pravin Shastri

6, Saveria Court

Howell NJ 07731 USA

01-732-804-8045