Name: Pallavi Jeetendra Mistry
E mail: hasyapallav@hotmail.com
ધોબીને પત્ર [હાસ્યલેખ] પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.
શ્રીમાન વસ્ત્રપ્રક્ષાલનકાર મહાશય મહાનુભાવ ધોબીશ્રી ભગવાનજીભાઇ,
અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી ઠે..ઠ થલતેજ ટેકરાના અંતર જેટલું લાંબુ સંબોધન તને અમસ્તું નથી કર્યું ભગવાનજીભાઇ, પણ તને ઇસ્ત્રી કરવા આપેલા કપડાં તું કેટલા લાંબા સમય ગાળા પછી પાછા આપી જાય છે તે તને સમજાવવા માટે થઈને જ કર્યું છે. તને એ વાંચતાં જેટલો કંટાળો આવશે એનાથી ડબલ કંટાળો તને ઇસ્ત્રી કરવા આપેલા કપડાં તું પાછા ક્યારે આપ જાય છે તેની રાહ જોવામા અમને આવે છે.
પહેલાં તો મને તારા આ પ્રલંબ વિલંબનું રહસ્ય સમજાયું નહોતું. પણ એકવાર તારી ઘરવાળીને મારો પંજાબી ડ્રેસ પહેરીને બસસ્ટોપ પર ઉભેલી જોઇ ત્યારથી મને એ વાત સમજાઇ ગઈ છે. પણ એ તો હમેશા સાડી જ પહેરતી હતી ને? હવે પંજાબી ડ્રેસ પહેરવા જેટલી મોડર્ન થઇ ગઇ? વળી એક દિવસ તારા ટેણિયાને મારા નાના દિકરાનું હાફપેન્ટ અને ટીશર્ટ પહેરીને ગામમા રમતાં જોયો ત્યારે મને ખ્યાલ આવી ગયો કે તને આમારાં કપડાં ઇસ્ત્રી કરીને લાવતાં આટલી વાર કેમ થાય છે. ખેર! ‘કપડે કપડે પર લીખા હૈ પહનનેવાલે કા નામ.’
તને યાદ છે તેં એકવાર મારા પતિનું રેમન્ડ્સ નું પેન્ટ વારંવાર યાદ કરાવ્યા પછી બરાબર એક મહિના પછી પાછું આપ્યું હતું? એ બદલ હું જાહેરમા તારો આભાર માનું છું. કેમ કે મારા ભાઇઓએ મને બળેવ પર ભેટ આપેલો સરસ મજાનો પંજાબી ડ્રેસ તો તેં બે મહિને પણ પાછો આપ્યો નથી. જો કે થોડા જુના, ઓછાં કિમતી, થોડા ઘસાયેલા કપડાં તું નિયમિત પણે આપી જાય છે, એ બદલ પણ મારે તારો આભાર માનવો ઘટે. કેમ કે તારા થકી તો અમે આ સમાજમાં ઊજળાં રહ્યાં છીએ.
તારાં ઇસ્ત્રી કરેલાં કપડાં જોઇને અમને તારા મુડનો ખ્યાલ આવી જાય છે. બેંકવાળા જે રીતે અમુક સમયમાં અમારા નાણાંને ડબલ કરી આપે છે, એ રીતે તું અમારા કપડાંમાં જ્યારે ડબલ સળ પાડી લાવે છે, ત્યારે અમે જાણી જઈએ છીએ કે તું કંઇ મૂંઝવણમા છે. જે દિવસે તું કપડાંની કરચલીઓ ઓછી કરવાને બદલે વધારીને લઈ આવે છે, ત્યારે અમને ખબર પડી જાય છે કે તું તારી બૈરી સાથે ઝઘડ્યો છે. ખેર! સંસાર છે, ચાલ્યા કરે એ તો.
પણ રોજ મારા પતિ ઓફિસ જતી વખતે કપડાં જોઇ ગુસ્સે થાય એટલે હું હાથ પર લીધેલું કામ પડતું મૂકીને દોડું. એમના શર્ટની બાંયો, કોલરને ફરીથી ઇસ્ત્રી ફેરવી આપું. મને તો કંઇ વાંધો નથી, કામ તો ચાલતું રહે, પણ એમને ઓફિસ જવાનું મોડું થઈ જાય એટલે મને કહે,’ મારા બોસ મને નોકરીમાંથી કાઢી મૂકે તે પહેલાં તું આને [એટલે કે તને- ધોબીને] આપણી સેવામાંથી મુક્ત કર.’ એમની આ તાકીદ મેં તને ઘણીવાર ‘પાસ ઓન’ કરી છે, પણ એ બધું તો ‘પથ્થર ઉપર પાણી.’ એક ધોબીના કહેવાથી પ્રભુ રામે સીતામાતાને જંગલમાં કાઢી મૂકેલા. તું જો તારું કામ નહીં સુધારે તો મારે મારા પતિના કહેવાથી એક ધોબીને [તને] કામમાંથી કાઢી મૂકવો પડશે.
ખરાબ ઇસ્ત્રી માટે તું હમેશા તારા આસિસ્ટન્ટની બેકાળજીને જવાબદાર ઠરાવે છે, પણ હું તો જ્યારે તારા ઘર પાસેથી પસાર થાઉં છું ત્યારે મને તારા અને તારી ઘરવાળી સિવાય તારો કોઇ આસિસ્ટન્ટ દેખાતો નથી. શું એ મી. ઇંડીયાની જેમ અદ્રશ્ય રહીને કામ કરે છે? દવાખાને જવાના બહાને તું દર શુક્રવારે ઘરે ઘરે થી એડવાન્સ રૂપિયા ઉઘરાવે છે, પણ મને ખબર છે કે દર શુક્રવારે તું થિયેટરમા ફિલ્મ જોવા જાય છે. છોકરાંઓની બુક્સ અને યુનિફોર્મ લાવવાના પૈસા નથી અને ભાઇ સાહેબને દર અઠવાડિએ થીયેટરમા જઈ ફિલ્મ જોવી પોસાય છે. એ તો ઠીક, પણ સાવ કચરા છાપ ફિલ્મો જોઇને તું જોકર જેવાં કપડાં પહેરે અને વિચિત્ર હેરસ્ટાઇલ કરે છે ત્યારે સાવ હાસ્યાસ્પદ લાગે છે. ઘરમા ખાવાના સાંસા છે અને ભાઇસાહેબને લોન પર સ્કુટર લઈ સવારી કરવી છે, તે એના હપ્તા કોણ ભરશે તે કંઇ વિચાર્યું છે કે? એ માટે જો હવે એડવાન્સ પૈસા માંગ્યા છે ને તો તારી ખેર નથી. આ તો તારાં બૈરી-છોકરાંઓની દયા આવે છે તેથી કોઇવાર એડવાન્સ રૂપિયા આપું છું, સમજ્યો?
એક દિવસ તારી બૈરી મને રસ્તામા મળી તો કહે, ‘બહેન, અમારા એ ને તમે જરા સમજાવોને. દર રવિવારે ગુજરીમાંથી સાવ મુડદાલ જેવો સામાન ઉઠાવી લાવે છે. દૂધ કે શાકભાજીનાં પૈસા માંગું તો આપતાં જોર આવે છે. કેટલી કાકલુદી કરું ત્યારે માંગ્યા હોય એનાથી અડધા પૈસા માંડમાંડ આપે. અને તે પણ હજારો સવાલ પૂછ્યા બાદ.’ મેં એને કહ્યું, ‘તારે જોઇતા હોય એનાથી ડબલ પૈસા માંગવાના.’ તો એ હસીને બોલી, એમ જ કરું છું બહેન, ત્યારે જ તો ઘર ચાલે છે ને.’
જો ભગવાન, તું છે હરતીફરતી પોસ્ટઓફિસ જેવો. કે પછી રોજના ન્યૂઝપેપર જેવો. સોસાયટીમા કોના ઘરમાં, કોની વચ્ચે અને કઈ બાબતે તકરાર થઈ એ વાત તું બધાંને મીઠું મરચું ભભરાવીને મસાલેદાર આઇટમના રુપમા ઘરે ઘરે પીરસી આવે છે. આ સોસાયટીમાં કોણ અતિ કંજુસ અને કોણ અતિ ઉડાઉ એ વાત તું બાજુની સોસાયટીમાં જઈને કહે છે, અને એમની વાતો અહીં આવીને કહે છે. આ તારી ટેવ સારી નથી. તું હવે મોટો થયો, હવે તો તારા આ ‘નારદવેડા’ છોડ. કાલે તેં કોઇ રિટાયર્ડ જજના આલ્સેશિયન કૂતરાને સોસાયટીમા છોડીને બાળકોને ભગાવ્યા એમા એક છોકરાને પગે મોચ આવી ગઈ એનું તને ભાન છે? તું આવો ‘સેડેસ્ટિક પ્લેઝર’ [પાશવી આનંદ] લેતો ક્યારથી થઈ ગયો?
તને આ પત્ર દ્વારા હું તાકીદ કરું છું કે તું બોલવાનું અને રખડવાનું ઓછું કર, અને તારું કામ સુધાર. [બાતેં કમ કર કામ જ્યાદા ભગા.] અને બની શકે તો તારું નામ ભગવાન છે તે બદલીને બીજું કંઇ રાખ. વારંવાર ભગવાનને [એટલેકે તને] ધમકાવવાનું મને સારું નથી લાગતું. [મને GUILT ફીલ થાય છે.] હું ‘સમાજ સુધારક’ હરગીજ નથી, તો પણ તને કહું છું, હે ભગા, હે ભગવાનજીભાઇ , મારા બાપ, હવે તો તું થોડો સુધર, હવે તો જરા માણસ બન.
લિ. વ્યક્તિસુધારણા નહીં તો કમ સે કમ કાર્યસુધારણા ના મનોરથ સેવતી એક આશાવાદી ગ્રાહક.