નામ: પાર્થ ભાવેશભાઈ દવે
ઈ-મૈલ: parthbdave93@gmail.com
મારાં દાદા...
એક વેદનાભર્યો ફોન ને એમનો અંત. જીવનનો અંત. શ્વાસ પુરા. ચત્તાપાટ પડેલો દેહ. હસતી-રમતી-દોડતી જિંદગી. અચાનક-એક ઝાટકે કેવી ખતમ થાય છે! વિચારીએ તો વિચાર્યા જ કરીએ. આમ તો કુદરતનું પૂર્વ આયોજન જ હોય છે. જન્મ, મોટા થવું, થતાં રહેવું, વધુ મોટા થવું ને મૃત્યુ! જિંદગીનું છેવટનું- અંતિમ સત્ય. મૃત્યુ. મૌત. આનો કોઈ ઉપાય નથી. કોઈ વિકલ્પ નથી. કોઈ રસ્તો નથી. તમે એ બદલી ન શકો. તમે હટી ન શકો.
ધીમું ધીમું હસતાં રહેતાં, મને ટગરટગર જોતા રહેતાં. હું જોરથી બોલતો: “દાદા...” મારું નાનું, આ...ખું મોઢું ખૂલી જતું. એમને ગમતું. આમે હું ‘વ્યાજ’ હતો! દીકરાનો દીકરો. મને સ્કુલ ન જઉં હોય, બધે મારા વિરોધમાં હોય ત્યારે એ સાથે હોય. ‘વાંધો નહી. રોજ સ્કુલ શું જઉં? રે’વાદે આજે! દે.. તારી ડાયરી, હું સહી કરી આપું!!’ નાનકડો હું નિર્દોષતાથી પૂછતો, ‘તમારી સહી હાલ’સે, કેમ હાલે? આમાં લખ્યું છે કે વાલીઓની સહી કરાવવી’ મારી સામે જોતા. ‘મારી હાલે જ ને બેટા. હું વાલી જ કે’વાઉં.’ હા, એ મારા પપાના પપા હતા. એમનું બધું જ ચાલે. સહી કરી આપતાં.
સ્કુલ જતો, જઈ ને ઘરે આવતો ત્યારે નીચે પાટલાપર ઉભડક બેસી, ગેસપર શાક ગરમ કરી, રોટલી વણી ને શેકતા. મને ગરમગરમ આપતાં. પપા કહેતા અને હજી પણ યાદ કરીને કહે છે કે, દાદા ચણાનું રસાવાળું તીખું, મસાલાવાળું શાક બહુ સારું બનાવતાં. શાક હવે ન બનતું. પણ ક્યારેક બટેકાનું બનાવતાં. રોટલી આખી ગોળ મજાની કરતાં. વાતો કરે, રોટલી વણે, શેકે. હું સામે બેઠો જમું.
બપોરે પોતે જમી બીડી પીએ. બીડી બહુ પિતા. એમને આદત હતી. ઉધરસ પણ આવતી. ચાય બહુ પિતા. મને પણ ચાયની ટેવ છે. પપા ને પણ. એ બનાવે ત્યારે પૂછે ‘તમારી બનાવું?’
એ માંદા હોય, તકલીફમાં હોય, ગુસ્સામાં હોય, કંઈ ન ગમતું હોય, એમની નાની કે મોટી ભૂલ હોય કે કાંઈ પણ હોય... મને હમેશાં મસ્ત લાગ્યા છે. મારી ને એમની વચ્ચે કોઈ પ્રશ્ન જ ન હતા! જ્યાં ચિક્કાર લાગણીઓ અને પ્રેમ હોય ત્યાં તકલીફો અને પ્રશ્નો આપોઆપ સોલ્વ થઇ જતાં હોય છે. આજુબાજુની દુનિયામાં, કુટુંબમાં, સગા-વ્હાલામાં, કોઈ સારા-નરસા પ્રસંગોમાં કે વગેરેમાં કંઈ પણ થાય એમનો વ્હાલ મારા પર એવો જ. સતત... મુન્દ્રાના જૂના ઘરમાં મારા સાથે પકડાપકડી રમતાં. બે હાથ પહોળા કરી, દોડી શકાય એટલી એનર્જી ભેગી કરી એ દોડતા. હું હસતો-ખીલખીલાટ.. જોરથી હસતો. મને ગમતું. એમને ખબર પડતી કે મને ગમે છે એટલે એ અડતા-પકડતા નહી. બસ.. ખાલી પાછળ દોડતા. હું ન પકડાઉં એનો આનંદ મને હતો એથી વધારે એમને હતો. પપા મને કહે, બાપને દીકરા કરતાં પોત્રાપર વધારે લાડ હોય. ને હું પાછો એક નો એક! મને એમનું ગોળ મોઢું યાદ છે. ફોટામાં જોઉં છું તો લાગે છે પહેલાં લાંબુ હશે. લેંઘા-જભામાં જ મેં જોયાં છે હમેશાં. પહેલાં કોટ-ટાઈ પહેરતા. એ રૂપાળાં હતા, શોભતા... આજે હું પણ શોભું છું!
અમે પે’લાં અબડાસાના ડુમરા ગા’મે રે’તા. ડુમરાથી મુન્દ્રા જતાં. સૌથી પહેલાં ઘરમાં દાખલ થતાં જ ડાબી બાજુ નીચે, ઉભડક દાદા બેઠા હોય. એમને કહેતો, હું અહીં કેમ આવ્યો? બસમાં કે શેમાં? કઈ બસ હતી? અમે પહોંચીએ નહી ત્યાં સુધી અપસુખ કરે. પૂછ્યા કરે. મારા બા હજી પણ કહે કે, મેં તને તેડયો જ નથી. તારા દાદાએ મને આપ્યો જ નથી. ‘તારાથી નહી રે.. તું રે’વા દે..’ એમ જ કહેતા.. બરાબર યાદ છે ડુમરામાં અમારા ઘરે કથા હતી. ઘણા બધા આવ્યા’તાં. મને અતિશય તાવ. નાનો હતો, છ-સાત વર્ષનો માંડ હોઈશ. પણ યાદ છે બરાબર. અતિશય તાવ, માથું અને પગ દુખતા’તાં. ક્યાંય સાંભળ્યું હશે એટલે કહેતો કે, ટ્રોટ થાય છે! સતત, મારી બાજુમાં બેસીને દાદા પગ દબાવતા હતાં. સૂતો સૂતો આંખ ખોલું એટલે જમણી બાજુ લીપણવાળા રૂમમાં, નીચે ઉભડક બેઠેલા દાદા દેખાય. કથામાં નજીકના ઘણા આવ્યા’તા એટલે કહેતા કે, તમે બેસો અમે છીએ ને. તો કહેતા કે, ‘ના મને શું કામ છે બીજું? નવરો જ છું ને! બેઠો છું. તમતમારે જાઓ કથામાં, હરો ફરો!’ મને આજે પણ ખબર છે કે એ મને ત્યારે મુકવા જ માંગતા ન’તા. કોઈ પણ દાદા એના પોત્રા-પોત્રી કે દોયત્રાં-દોયત્રી માટે હમેશાં નવરા જ હોવાના! થોડીક વાર પણ અલગ ન થાય. છેટો ન કરે. કહે કે, ‘પાર્થ જાગી જશે!’ મેં મારાં દાદાને કારણે દરેક એકનાં એક પોત્રાની જેમ, ઘરમાં ઘણી સાહ્યબી ભોગવી છે! નાનો હતો ત્યારે તેડી ને ફરતાં.. પછી આંગળી પકડીને... મુન્દ્રાની આખી બજારમાં. મંદિરે જતાં.
ક્યારેક પગપર પગ ચડાવી, એક પગ સે’જ ઉંચો રાખી બીડી પિતા. હું ઘણી વાર મસ્તીમાં હોઉં ત્યારે એમની નક્ક્લ કરતો. બધે મને જોઈ હસતાં. પતા રમતા, ચેસ રમતા. કેરમ રમતાં.. ને બધું જ બેસ્ટ રમતાં.. બોખું હસતાં..મસ્ત!
યાદ આવે છે છેલ્લા દિવસો. રોજ રાતના પેશાબ કરવા ઉઠે. પહેલાં રાતનાં ચાયની ટેવ હતી. એક રાતનાં રુમથી બાથરૂમ સુધી જતે વચ્ચે લથડી પડ્યા, એ પડી ગયા. એ બાથરૂમ મારાં રૂમમાં જ હતું. હું સફાળો જાગ્યો. જોયું. દુઃખ થયું. એમને ન ગમતી એ ટેકા માટેની લાકડી હાથમાંથી પડી ગઈ હતી... આ જીવનનો નિયમ છે કે ક્રમ છે? કોને ખબર... એ થાક્યા હતા. કંટાળ્યા હતા. સતત જોયાં કરતાં. અંદરથી બધું ખલાસ હતું. હું વડોદરા હતો ને ફોન આવ્યો. એમનો અંત હતો. શરીર વિલીન થયું...
એ સુઈ ન શકતા. કહેતા, ‘મને સુવા’ડો, હું ભૂલી ગયો છું!’ એ કહેતા કે,‘તમને નથી આવડતું, મને પાર્થ જ સુવાડી શકે છે..’ હું સુવડાવતો એમ જ બીજાની જેમ જ. પણ એમને મનથી ગમતું. બંને હાથ જોડાવતો ને સુઈ જતાં..
આગલા દિવસે મને પૂછતાં’તા, ‘ક્યારે આવીસ વોડોદરાથી? આવી જઈશ ને?’ મેં કહ્યું ‘હા... હા... બે દિવસમાં’ પણ એ જતાં રહ્યા.. મેં સાંભળ્યું. મારા મનમાં-અંદરથી કોઈ જવાબ જ ન આવ્યો. શૂન્ય-શાંતિ... એમણે આખી જિંદગી જીવી હતી.. બિન્દાસતાથી.. ખુદારીથી.. નો ટેન્શનથી...!! એટલે જ કદાચ એમને પણ મૃત્યુ સ્વીકાર્ય હતું.
મેં એમને ખીલખીલાટ હસતાં જોયાં છે. મસ્તી કરતાં, બહુ ઓછા પણ દોડતા, સતત વાતો કરતાં, બીડી પિતા, પત્તા રમતાં, કેરમમાં જીતતા જોતા છે. છેલ્લે ખુદપર રડતાં જોયાં છે. મારા કાકાની પત્રીની તકલીફને કારણે કીડનીનું ઓપરેશન કરવું પડ્યું. એક બાજુની કાઢી. એ અમદાવાદની શાલ હોસ્પિટલમાં નાજુક સ્થિતિમાં હતા. એ(દાદા) વિચારતા ને રડતા. કાકા બરાબર થતાં ગયા.. દાદા ધીમે ધીમે જઈ રહ્યા હતા... અહીં ઘરે હું, મુન્દ્રાવાળા મોટામામા અને દાદા ત્રણ જણા ખુરશીપર બેઠા’તા. દાદા બહુ ઓછા, ક્યારેક જ ખુરશી પર બેસતા. સહેજ નમી પડતા. મેં મસ્તી કરી. મામા કહે, પોત્રો તમારી મસ્તી કરે છે! તો દાદા બને એટલો મોટો અવાજ કાઢી, કહે: ‘એ મસ્તી નઈ કરે તો કોણ કરશે?’ મને આ અવાજ, એ સમય, એ શબ્દો બરાબર યાદ છે. મને બધી છૂટ હતી. હું એમને છેલ્લે છેલ્લે વાળ કપાવા, દાઢી કરા’વા લઇ જતો.
કોઈ મોટી વ્યક્તિ ઘરમાં હોય, પૂછ પૂછ કરે, વાતે વાતે ચિંતા કરે, વચ્ચે બોલે ત્યારે કદાચ આપ’ણે ન ગમે. પણ એ બધું ત્યારે એક વેદનાથી-ફટકાથી યાદ આવે જયારે એ ન હોય! એમની બધી ભૂલો એક બાજુ અને પ્રેમ... નિખાલસ પ્રેમ... એક બાજુ.
આ જિંદગીનો ક્રમ્ છે. આવે જ છે. દુઃખ છે પણ અફસોસ નથી. એ જીવ્યા... જોરથી, મજાથી, જાનથી અને એમની રીતે શાનથી જીવ્યા. એમની ભૂલો પર એ રડ્યા પણ એટલું જ..
અત્યારે પણ ક્યાંકથી, એમની શ્વાસ લેવાની ઓલી ડબી હાથમાં લઈને, મોતિયાના ઓપરેશનવાળી આંખોથી મને તાકી રહ્યા છે. બહુ ધૂંધળું દેખાતું હશે એમને... ઘરમાં મારી સાહ્યબી થોડીક ઘટી છે. એ જોય છે, મને ઓળખે છે. એમની ઔરા છે સાથે... એ ધીમેકથી હસીને, સહેજ ચિંતાના સ્વરે કહી રહ્યા છે: ‘સંભાળ’જે દીકરા...’
મારાં દાદા...