‘...અને..’
ઓફ ધી રેકર્ડ
પ્રકરણ ૫
પરિચય :-
ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.
સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.
ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.
લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.
પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.
આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ
‘...અને’ – ઑફ ધી રેકર્ડ
સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..
રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..
વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.
‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......
Bhavya Raval
ravalbhavya7@gmail.com
‘...અને..’
ઓફ ધી રેકર્ડ
પ્રકરણ ૫
...અને નવા બનેલા બે દોસ્તો વચ્ચે એકબીજાને જાણવા-સમજવા સવાલ, જિજ્ઞાસા અને ઉત્કંઠાનો વર્તમાન પ્રવાહ શરૂ થયો.
વિબોધ : ‘તમે સરસ લખો છો.’
સત્યા : ‘થેંક્સ.’
વિબોધ : ‘નો થેંક્સ. હું પણ થોડું ઘણું લખી લઉં છું.’
સત્યા : ‘હા મેં વાચ્યું થોડું, ઠીકઠાક છે.’
થોડીઘણી વાતચીત બાદ સત્યાના સામાન્ય ઉત્તરો વિબોધનાં ઉત્સાહને ઠંડો પાડી રહ્યા હતા. વિબોધ પ્રથમ જ ચેટિંગમાં સત્યા પર રોફ જમાવી દેવા માંગતો હતો. પરંતુ કોઈપણ વ્યક્તિને પહેલી જ વારમાં પોતાના શબ્દોમાં ઉલઝાવી દેવાની વિબોધની આવડત સત્યા પાસે નિષ્ફળ જઈ રહી હતી.
વિબોધ : ‘તમારો બ્લોગ હશે?’
સત્યા : ‘હા, છે.’
વિબોધ : ‘મને તમારા બ્લોગની લિન્ક નહીં મોકલો?’
સત્યા : ‘તમે મારી પ્રોફાઇલની મુલાકાત લીધી. રાઇટ?’
વિબોધ : ‘રાઇટ.’
સત્યા : ‘તેમાં લિન્ક છે જ. પ્લિઝ ચેક ઈટ વન્સ.’
‘ઓફકોર્સ.’ કહી વિબોધે સત્યાને સ્માઈલી મોકલી. સત્યાએ કોઈ રિપ્લાય ન આપ્યો.
સત્યાનાં રિપ્લાય વિબોધની આશાથી તદ્દન વિપરીત આવી રહ્યા હતા. વિબોધે ફરી સત્યા સાથે ચેટ કરવા પ્રયત્ન કર્યો.
વિબોધ : ‘આપણે એક જ શહેરમાં રહીએ છે, એક જ સ્થળે સ્ટડી કરીએ છીએ.’
સત્યા : ‘સો વ્હોટ?’
‘નથિંગ, જસ્ટ એમ જ...’ વિબોધે સત્યાને સ્માઈલી મોકલી ને ગુડ નાઇટ કહી વિદાય લેવાનું વિચાર્યું. પછી વિબોધ મનોમન બબડ્યો.
‘ના. મારાથી અંજાય નહીં એવી તે આ કેવી ઓરત? તેના પ્રત્યુત્તરોમાં પરિવર્તન લાવવું જ પડશે. ગેટ રેડી.’
વિબોધ : ‘એક વાત પૂછું?’
સત્યા : ‘યસ.’
વિબોધ : ‘શું થયું છે? આજ બહુ અપસેટ લાગો છો? આર યુ ઓકે?’
સત્યાને થોડીવાર વિબોધના સવાલનો જવાબ શું આપવો એ સૂઝ્યું નહીં. પછી તેણે ટાઈપ કર્યું.
‘હમ્મ...’
થોડી નિ:શબ્દતા છવાઈ એ દરમ્યાન વિબોધનો એક વધુ મેસેજ આવી ગયો.
‘હું સમજવાની કોશિશ કરી શકું એવો લાગતો હોય તો શેર વિથ મી...’
સત્યાએ લખી મોકલ્યું, ‘વિબોધ, કોઈ સમજી શક્યું નથી.’
સત્યાના મેસેજમાં પોતાનું નામ વાંચીને વિબોધને ગમ્યું.
‘અરે. ડોન્ટ વરી દોસ્ત. હમ હૈ ના...’ આટલું જણાવી કોઈને પણ પોતાની વાતોમાં ફસાવવામાં ઉસ્તાદ વિબોધે સત્યાનાં વર્તન અને સ્વભાવને સમજવા માટે તેને અવનવી વાતોએ ચડાવી દીધી.
વિબોધ ચાલાકીથી સત્યાની પ્રોફાઇલનો ઊંડો અભ્યાસ કરતો ગયો. તેની તમામ પસંદ - નાપસંદ જાણતો ગયો અને સત્યાની પસંદ - નાપસંદને પોતાની પસંદ - નાપસંદ બનાવી રજૂ કરવા લાગ્યો.
વિબોધ : ‘મને પિન્ક અને બ્લૂ કલર પસંદ છે.’
સત્યા : ‘એતો મારા પણ ફેવરિટ કલર છે.’
વિબોધ : ‘ડેરીમિલ્ક સિલ્ક.’
સત્યા : ‘નામ જ ના લેશો યાર... ટુ મચ ફેવ.’
વિબોધ : ‘હવે તમે એમ ન કહેશો કે તમને બૉલિવૂડમાં બિગ બી, ક્રાંતિકારીમાં ભગતસિંહ, અને સ્પોર્ટ્સમાં તેંડુલકર ગમે છે.’
સત્યા : ‘ઓહ.. ગોડ! સેમ.’
વિબોધ : ‘આ બધી જ મારી પસંદ છે, સત્યા. તમારી પણ સરખી પસંદ છે એ મને ખ્યાલ નહતો!.’
વિબોધ સત્યા સાથે ચેટિંગ કરતાં કરતાં ખંધુ હસ્યો. સત્યાના ચહેરા પર દબાયેલું હાસ્ય આવ્યું.
વિબોધ : ‘હા, કોઈપણ વ્યક્તિને હું ફર્સ્ટ મીટમાં ઓળખી જવાની આવડત ધરાવું છું.’
વિબોધની આ વાત સત્યાએ નકારી કાઢી. સત્યાની સિક્સ સેન્સમાં વિબોધ ફ્લર્ટ કરતો લાગે છે એ દર્શાઈ આવ્યું.
સત્યા : ‘આ થોડું ઓવર થઈ ગયું ડૂડ.’
વિબોધ : ‘નો. આઈ એમ સિરિયસ.’
સત્યા : ‘અચ્છા. ધેન ટેલ અબાઉટ મી. એવી વાતો જે મારા પ્રોફાઇલ પર નથી. એ વાતો જે બહુ ઓછા લોકો અથવા કદાચ સત્યા સિવાય કોઈ જાણતું નથી.’
વિબોધ મેસેજ વાંચી મૂંઝવણમાં મુકાયો. થોડી ક્ષણ વિચાર્યું. સત્યાનું પ્રોફાઇલ પિકચર ઓપન કર્યું. સત્યાનો ફોટો જોઈ સત્યાની આંતરિક પરખ ન થઈ શકી. અત્યાર સુધી સત્યા વિશે જે-જે જણાવ્યું એ બધું પ્રોફાઇલ ઈન્ફોનાં આધારે જણાવ્યું પણ હવે? પોતાના ગમા-અણગમા જણાવી શકાય. જોઈએ મારા અને સત્યામાં કેટલી સામ્યતા છે.
વિબોધની આંગળી ફરી કી-બોર્ડ પર ફટાફટ ફરવા લાગી.
‘સત્યા સત્ય જેવી છે. કોઈ અપનાવી પણ ન શકે, નકારી પણ ન શકે. સત્યા નવા અનુભવો માણવા સદાય તત્પર રહે છે. સત્યા કૌતુહલથી છલકાતા ઉત્સુક બાળક સમાન છે. સત્યાને સમાજસેવા કરવાનું ઝનૂન છે. સત્યાને સાહિત્ય, સિનેમા ઉપરાંત ફરવા અને ખાસ તો ખાવાનો શોખ છે.’
વિબોધના એક પછી એક આવતાં મેસેજથી સત્યા થોડી વિબોધથી સપ્રાઈઝ અને ઇમ્પ્રેસ થઈ.
સત્યા : ‘ફૂડમાં શું ભાવે મને?’
વિબોધ : ‘વેજિટેબલમાં ભીંડો. ફ્રૂટમાં એપલ. સ્વીટમાં બંગાળી આઇટમ. ચાઈનીઝ ભાવતું નહીં હોય. એ સિવાય ચોકલેટ બ્રાઉની, પાવભાજી, ઢોસા, એન્ડ યા.. ચીઝ ગાર્લિક સેન્ડવિચ વિથ માઝા..’
સત્યાએ વિબોધને આશ્ચર્ય કરતો પીળા કલરનો મોટો ગોળ આંખો ફાટેલો ચહેરો મોકલ્યો. વિબોધનાં ચેટ બોક્સમાં ટાઈપિંગ લખેલું એ વાંચી રહી એ સમયે મોઢામાંથી શબ્દો સરી પડ્યા, ‘કોઈ વ્યક્તિ કોઈની અંગત વાતો આ પ્રકારે કેમ જાણી શકે? આ અકલ્પનીય છે. મેજિક!’ હજુ પોતાના વિશે વિબોધ શું-શું કહેશે એ જાણવાની સત્યાને તાલાવેલી થઈ આવી.
વિબોધ : ‘સત્યા એટિકેટ અને મેનર્સમાં માનનાર યુવતી છે. સત્યાને વધુ દોસ્તો નથી. સત્યા લાગણીશીલ છે. સત્યા પાણી જેવી નથી કે કોઈપણ સાથે ભળી જાય. સત્યા અલગ પાણીની છે. જેમાં પણ ઉમેરો અલગ તરી આવે. સત્યા બધું સમજી શકે છે, પણ સત્યાને સમજી શકનાર કેટલા?’
વિબોધના અંતિમ વાક્ય – ‘સત્યાને સમજી શકનાર કેટલા?’ પ્રશ્નએ સત્યાના દિલ પર ચોટ કરી.
વિબોધ પૂછ્યું, ‘ખરું?’
વિબોધની તમામ વાત સાચી હોવા છતાં સત્યાએ સાચું કહ્યું નહીં. એ વિબોધને પોતાના પર હાવિ થવા દેવા માગતી ન હતી. સત્યાને વિબોધની વાતો ગમી. તેનો મૂડ મૌસમની સાથે પલટાયો. બારી બહારના વાતાવરણની અસર સત્યા અને વિબોધના માનસ પર થઈ એ રાત પછી તો સોશિયલ સાઇટ પર સત્યા અને વિબોધનાં મેસેજ બોક્સમાં જાણે એકબીજા પરત્વે લાગણીનું ઘોડાપુર ઉમટી આવ્યું. મેસેજ પર મેસેજની હારમાળા સર્જાતી ગઈ. એક અઠવાડિયામાં તો હજારથી અધિક મેસેજ! સાંભરે રે વિસરે રે નો દોર પૂરો થયો.
એક દિવસ સત્યાને વિચાર ચડ્યો,
‘આ ખોટું થઈ રહ્યું છે. કોઈ અજાણ્યા યુવક સાથે આ પ્રકારે ચેટ કરવી એ જરા પણ યોગ્ય નથી. આ ચેટિંગ ક્ષણિક આનંદ સિવાય બીજું કશું નથી. વર્ચ્યુઅલ મિત્રતાનું ભવિષ્ય શું? આજથી વિબોધ સાથે ચેટિંગ બંધ. બસ.’
સત્યાએ સોશિયલ સાઇટ પર આવવાનું મૂકી દીધું. આમ, એક અઠવાડિયું વીતી ગયું. વિબોધ અને સત્યા વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નહીં. સત્યાનું મેસેજ બોક્સ વિબોધના મેસેજથી છલકાઈ ગયું. પણ સત્યા તરફથી કોઈ પ્રતિસાદ નહીં. પંદર દિવસ જેવો સમય વીતી ગયા બાદ એક દિવસ સત્યાથી સોશિયલ સાઇટ પર આવવા વિના રહેવાયું નહીં.
ઊગતી રાતના સમયે સત્યા ઓનલાઇન થઈ. ઓનલાઇન થતાંની સાથે જ વિબોધને ચાતકની જેમ ઓનલાઇનનું લીલું સિગ્નલ બતાવી રાહ જોતાં નિહાળ્યો. પાછલા દિવસોનાં વિબોધે કરેલા તમામ મેસેજિસ વાંચ્યા. મેસેજ વાંચતાં સત્યાની આંખે ભેજ વર્તાવા લાગ્યો.
સત્યાએ વિબોધને સૉરીનો મેસેજ કર્યો.
વિબોધે ઈટ્સ ઓકે જણાવ્યું.
ફરી એક મધ્ય રાત્રીએ બંનેની આંગળીઓ કીપેડ તરફ વળી ગઈ. સત્યા અને વિબોધ વચ્ચે વાતચીતનો દોર સંધાયો જાણે શબ્દો નહીં સ્નેહના તોરણ બંધાતા હોય તેવું લાગ્યુ. સમયની ડાળે બે પુષ્પો અવતરીને સ્વચ્છ આકાશી રંગની આભાસી દુનિયામાં એક નાનકડા ચેટ બોક્સમાં વહાલભરી વાતનો વાયરો વેગથી વાયો.. અને..
ક્રમશ: