Bela in Gujarati Short Stories by Pravinkant Shastri books and stories PDF | Bela

Featured Books
Categories
Share

Bela

બેલા

પ્રવીણ શાસ્ત્રી

Pravinkant M. Shastri

6 Saveria Court

Howell NJ 07731 USA

01-732-804-8045

પ્રવીણ શાસ્ત્રી

બેલા.

‘આની સાથે તમારા વ્હાલના દરિયાએ ચોથીવાર મને નીચું જોવડાવ્યું છે. માથે ચડાવીને ફટવી મારી છે. ડો.રમા કાલે ઓ.પી.ડી.માં મારી સાથે જ હશે. એને શી રીતે આપની લાડલીની બીહેવિયર સમજાવીશ. માંડમાંડ એના ભત્રીજા, ડોકટર પિયુષને તમારી એકની એક દીકરીને મળવા તૈયાર કર્યો હતો. એને માટે તો ડોક્ટર છોકરીઓની લાઈન લાગે છે. એનો પ્રેફરન્સ પણ એમ.ડી છોકરીનો જ છે. આજે તમારી દીકરી નાની કીકલી નથી ગયે મહિને જ છવ્વીસ પૂરા કર્યા. બાપ દીકરી ગંભીરતા તો શીખ્યા જ નથી. ડોક્ટર!, હું બોલું છું તે સાભળો છો? કંઈક તમારા બ્રેઈનમાં કંઈ પેનીટ્રેટ થાય છે ખરું?’

ડો.શરદ વૈદ્ય બધું જ સાંભળતા હતા. એમણે એમનું બ્રેઈન વેક્ષ પેપર જેવું, એટલેકે જળકમળવત બનાવી દીધું હતું. ઘરમાં પત્ની ડો.સરલા વૈદ્યનું ડોમિનેશન સ્વીકાર્યા છતાં, મૂંગે મોંઢે જે કરવું હોય તે કર્યા કરતા. એમનો મોટો દીકરો મનિષ પણ ડોક્ટર હતો. એને માટે ડોક્ટર સરલાએ શોધી કાઢેલી વહુ પણ ડોક્ટર હતી. બન્ને વેસ્ટ કોસ્ટના નાના ટાઉનમાં પ્રેક્ટિશ કરતા હતા. બીજો દીકરો એન્જીનિયર હતો અને કોઈ ફાર્મસ્ક્યુટિકલ કંપનીમાં નોકરી કરતો હતો. બન્ને દીકરાઓએ શું ભણવું, કયા પ્રોફેશનમાં જીંદગી જીવવી, કોને પરણવું એ બધું ડો.સરલા મમ્મી જ નક્કી કરતા.

નાની દીકરી બેલા ખુબ જ હોંશિયાર હતી. હાઈસ્કુલ પૂરી થતાં એણે મમ્મીની સલાહ અને આજ્ઞા વિરૂધ્ધ આર્ટ્સના વિષયો લીધા. મમ્મીને તો બેલા દીકરીને પણ મોટી ગાયનેક બનાવવી હતી પણ બેલાને એમાં જરા પણ રસ ન હતો. બાપે માથે ચડાવેલ, વ્હાલના ખારા તોફાની દરિયાએ, મમ્મીની ચાર બહેનપણીઓની હાજરીમાં એક વાર કહ્યું હતું. “મારી સ્વીટ મમ્મી બીલકુલ ટીપીકલ દેશી જ છે. દરેક દેશીની જેમ જ, સી બીલીવ્ઝ, ધેર ઇઝ ઓન્લી ટુ પ્રોફેશન એક્ષીસ્ટ ફોર ઈન્ડિયન્સ. ડોક્ટર એન્ડ એન્જીનિયર્સ.” બીગ માઊથ બેટીએ આ વાત પણ મેડિકલ પ્રોફેશનમાં સંકળાયલી આન્ટીઓ આગળ કરી હતી, જેઓ પોતાના ચિરંજીવીઓ ને પણ મેડિકલ પ્રોફેશનમાં જ ધકેલવા માંગતી હતી.

દીકરીના વંડરફુલ પાપાએ મમ્મીની મહેચ્છાની અગેઇન્સ્ટમાં દીકરીને ઈચ્છીત નિર્ણયો લેવાના મૂક આશિષ આપી દીધા હતા. દીકરી બૅલા ફ્લાઈંગ કલર્સ સાથે એમ.એ થઈ. ફરી વાર મમ્મીએ કહ્યું ભલે આટ્સમાં માસ્ટર કર્યું, હવે પી.એચ.ડી કરી નાંખ. એટલિસ્ટ નામ આગળ ડોક્ટર તો લખી શકાય.

‘નો…હવે ભણવું નથી.’

બીજી સારી મોભાદાર નોકરીને બદલે બસ એણે ગ્રામર સ્કુલ એટલે કે પ્રાઈમરી સ્કુલમાં નોકરી લઈ લીધી. થર્ડગ્રેડની ટીચર બની ગઈ. નાના નિર્દોષ ભુલકાઓ કે જેમના આગળના બે ત્રણ દાંત તૂટી ગયા હોય એમને ભણાવવા, રમાડવામાં જ પેરેડાઈઝ પ્લેઝર માણવા લાગી.

લગ્ન? સ્યોર. એણે કદીએ ના કહી ન્હોતી. એને તો પ્રોસ્પેક્ટિવ મુરતીયાઓ સાથે વાત કરવાની ઘણી મજા આવતી. ઈન્ટર્વ્યુ આપવાને બદલે મુરતીયા અને તેમના માંબાપનો ઈન્ટવ્યુ થઈ જતો. મમ્મીને કહેતી ‘પ્લીઝ મોમ નેક્ષ્ટ ટાઈમ કોઈ સારા દેશી સાથે ગોઠવને કે જલ્દી મારા હાથ પીળા થાય ને તારા ઘરમાંથી બેલા નામની બલા જાય. પણ, હી મસ્ટ મેચ વીથ માય ફ્રેન્ડ રોજર.’

આ રોજરનું નામ પડે એટલે જેમ સ્પેનિસ બુલ, રેડ કપડા સામે ધસે તેમ મમ્મી બેલા સામે ધસતા. આ બોયફ્રેન્ડે જ બેલાની જીંદગીને રવાડે ચડાવી છે એમ મમ્મી માનતી. આ રોજર બેલાનો ખાસમ ખાસ ફ્રેન્ડ હતો. એ પણ એની સ્કુલમાં છોકરાં ભણાવતો, ડ્રોઇંગ શીખવતો. એનો નાનો એપાર્ટમેન્ટ એક આર્ટ સ્ટુડિયો હતો. કેનવાસ પર એના બનાવેલા ચિત્રોનું પ્રદર્શન થતું. નાની મોટી કિમતે એ વેચાતાં. એનો ડાબો પગ ઘૂટણ નીચેથી કપાઈ ગયેલો એટલે એની જગ્યાએ એ લાકડાનો પગ પહેરતો હતો. એને સાચા પગની કોઈ ખોટ સાલતી ન હતી. એ પંદર વર્ષ જૂની કાર વાપરતો હતો. ફ્રાઈડે ઈવનિંગમાં એના એપાર્ટમેન્ટ સામે બેલાની પાપાએ અપાવેલી બ્રાન્ડ ન્યુ સ્પોર્ટકાર પાર્ક થયેલી હોય અને બેલા રોજર સાથે એની ખખડધજ જૂની કારમાં કોઈ કોન્સર્ટમાં જતી હોય. રોજરનો વાન તો ઉજળો હતો પણ વાળ આફ્રો હતા. સરલામમ્મી રોજરનો ઉલ્લેખ વર્ણશંકર બોયફ્રેન્ડ તરીકે કરતી; અને બેલા મમ્મીને સુધારતી. મૉમ હી ઈઝ નોટ બોયફ્રેન્ડ; હજુ બોયફ્રેન્ડ નથી થયો. બસ જીગરજાન દોસ્ત. એ ડફોળ જો બોયફ્રેન્ડ થઈને પ્રપોઝ કરે તો કદાચ તારો જમાઈ પણ બને. હી ઈઝ માય ‘જેન્ટલમેન ક્લોઝફ્રેન્ડ’.

એ જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડે એનું વસ્ત્રવિહિન છતાં અંગઉપાંગોની મર્યાદા સચવાય એવું ઓઈલ પેઇન્ટ પોર્ટ્રેટ બનાવ્યું ત્યારે, જેમને નગ્નદેહની નવાઈ ન હોય એવા ડોક્ટર પરિવારનું ઘર બેટલગ્રાઉન્ડ બની ગયું હતું.

……અને પાપા ડોક્ટરની કોમેન્ટ?.... માય એન્જલ બ્યુટિફુલ બેબી…થેન્ક્સ રોજર. યુ આર ગ્રેઇટ આર્ટિસ્ટ.

પાપા ડોક્ટરે પોતાની ધરબાઈ ગયેલી મનોકામનાનું નિરૂપણ બેલામાં જોયું હતું અને પોસ્યું હતું. પોતે પ્રતિષ્ઠીત વૈદ્યના દીકરા હતા. હોંશિયાર હતા. સાહિત્ય, સંગીત, નાટક, સિનેમાના રસીયા હતા. સંગીત સ્પર્ધામાં પહેલું ઈનામ જીતતા હતા, પણ પિતાજીએ સંગીતશાળાના લેશન્સ પર પાબંધી લગાવી. લાગવગ અને પૈસાના આંધણ કરી મેડિકલ કોલેજમાં ધકેલ્યા હતા. હોંશિયાર હતા, પણ રસ ન્હોતો. લગ્ન પણ ડોક્ટરની દીકરી ડો.સરલા સાથે થયા હતા.

અમેરિકા આવ્યા પછી સંસારકારનું ડ્રાઈવિંગ ડો. સરલાદેવી કરતા હતા. ડોક્ટર પતિને પ્રોફેશનમાં જરાપણ દિલચસ્પી નહીં. હોસ્પિટલમાં મર્યાદિત સમય માટે રેડિયોલોજીમાં જોબ કરી લેતા. એમનો લાઈબ્રેરી રૂમ મેડિકલ બુક્સને બદલે શાસ્ત્રીય સંગીતની સીડીથી ભરેલો રહેતો. સરલાદેવીને આમાં જરાયે રસ ન હતો. ઘણીવાર સરલાદેવીનું ડોમેસ્ટિક લેક્ચર ચાલતું હોય ત્યારે શરદ ડોક્ટરના કાન પર હેડફોન હોય.

જોકે અત્યારે કાન પર સંગીત માટેનું હેડફોન ન હતું પણ સરલાદેવીની વાતનો કોઈ પણ પ્રતિભાવ આપવાનો અર્થ નથી એ વિચારે એઓ મુંગા જ રહ્યા હતા.

આજે દીકરી બેલાને જોવા સરલાબેને એની ડોક્ટર ફ્રેન્ડ રમાના એમ.ડી ભત્રીજા ડો. પિયુષ પટેલને આમંત્ર્યો હતો. ડો.પિયુષની સવારી ચાર વાગ્યે આવવાની હતી. આજે મમ્મીશ્રીને ખુશ રાખવા મમ્મીએ બતાવેલી સાડીનો શણગાર સજી બેલા. સાડા ત્રણ વાગ્યાની તૈયાર થઈને બેઠી હતી. પાંચ વાગ્યા સૂધીમાં ભાવી ભરથારના દર્શન ના થતાં; વન, ટુ, થ્રી… સાડી બેલાના ગૌર દેહ પરથી ઉતરી અને મમ્મીના બેડ પર ઢગલો થઈને પડી. સેક્સી સાથળ પ્રદર્શીત કરતું શોર્ટ અને ચોત્રીસી ઉરોજને માંડ સમાવતું ટીશર્ટ આવી ગયા. તે જ સમયે ડો.રમાબેન એમના ભત્રિજા ડો.પિયુષને લઈને દિવાનખાનામાં દાખલ થયા.

બેલાને જોઈને ખરેખર તો બિચારો પિયુષ શરમાયો હોય એમ નીચું જોઈ ગયો. બેલાએ એને ઉપરથી નીચે માપી લીધો. કપાળ ખુબ જ વિશાળ હતું કારણકે આગળના વાળે હિજરત કરવા માંડી હતી. અંદાજ પ્રમાણે બે વર્ષમાં લીસું કપાળ બોચી સૂધી પહોંચે એવી શક્યતા હતી. ચશ્માના લેન્સ જરા જાડા હતા. તે સિવાય બીજો વાંધો કઢાય તેમ ન હતો. જો સાડી પહેરી હોત તો એ ચોક્કસપણે નમસ્કાર કરવાની હતી પણ હવે? એણે રમાઆન્ટીસાથે હેન્ડશેક કર્યા અને એનાથી વિપરીત પિયુષને હાય કહી હગ કરી.

પિયુષની ટાલ પર પરસેવો ચળક્યો હતો.

“પિયુષભાઈ, તમે જો સમયસર આવ્યા હોત તો વાત કરવાની મજા આવત. અત્યારે હું ફ્રેન્ડ સાથે બાસ્કેટબોલ ગેઇમ જોવા જાઉં છું. તમારો ફેવરિટ એન.બી.એ સ્ટાર કોણ?”

‘હેં.. હેં…હં..ના…મને..મને એવી ગેઈમ જોવાનો સમય જ નથી મળતો…’

‘પિયુષભાઈ તમે છેલ્લી બેસ્ટ સેલર બુક કઈ વાંચી? આઈ મીન ફિક્ષન.’

‘ફિક્ષન? હમણાં તો ક્લિનિક ફિક્ષ કરવામાં જ રોકાયલો છું.’

‘તમને સ્પોર્ટસમાં રસ નથી એ તો ખ્યાલ આવ્યો પણ બ્રોડવે શોમાં તો રસ હશે જ. છેલ્લો કયો પ્લે જોયો?’

‘બ્રોડવે પર જવાનો પણ સમય જ નથી મળ્યો. એક વખત ક્લિનિક સેટ થઈ જાય પછી જવા વિચાર છે.’

‘પિયુષભાઈ બહુ સરસ વિચાર છે. તમારી સાથે વાત કરવાની ખુબ મજા આવી. તમારા લગ્ન થાય પછી ભાભીને લઈને અમારે ત્યાં આવતા રહેજો. આપણે ઘણી વાતો કરીશું. રમા આન્ટીએ મમ્મીને વાત કરી હતી કે તમને બટાકાવડા બહુ ભાવે છે. મને બટાકાવડા બનાવવાનો ચાન્સ જ ન મળ્યો. મેં બનાવ્યા છે એવું અમારી મમ્મી કહે તો માનશો નહીં. ઓનેસ્ટ્લી સ્પીકિંગ મને પણ બટાકા વડા તો બહુ ભાવે પણ મને કાંઈ બનાવતાં આવડતું નથી. અમારા હાઉસકિપર માસીએ બનાવ્યા છે. ધી બેસ્ટ ઈન ધ ટાઉન ક્વોલિટી…ચાખ્યા વગર ના જશો. સોરી …આઈ એમ રનિંગ લેઇટ. બાય આન્ટી…બાય પિયુષભાઈ….’ અને બેલા ઉડી ગઈ.

બેલા નાદાન ન્હોતી. બેલા ટીનેજર ન હતી. મેચ્યોર એડ્યુકેટેડ લેડી હતી પણ આખરે તો એ પાપાના વ્હાલનો ઉછાળતો દરિયો હતી. ક્યારે એ કેવી રીતે વર્તશે એ ટોટલી અન્પ્રેડિક્ટેબલ હતું.

બસ આમ થાય પછી ડો. સરલાદેવીનો ક્રોધ લાવા ઉકળે જ ને?

‘તમે સાંભળો છો? આ તમારી દીકરીનું શું કરવાનું છે?’

‘મારી જ નહીં …આપણી દીકરી કહેવાય. એ એના જીવનનો માર્ગ જાતે શોધશે. શા માટે તમે એને માટે હાય-વલારા કરો છો. ભલે એ ના કહેતી હોય પણ એ રોજરને ચાહે છે. રોજર એને ચાહે છે. એ મોટાભાગનો સમય એની સાથે જ પસાર કરે છે. જ્યાં સૂધી તમે એમ.ડીની લાઈન લગાવ્યા કરશો ત્યાં સૂધી એ તમને ઊડાવ્યા કરશે. ડોક્ટરગ્રંથીના આપણે રોગી છીએ.’ શરદભાઈએ પત્નીની સામે જોયા વગર જ દીકરીની વકીલાત કરી.

‘શું તમે એમ કહેવા માંગો છો કે એને લંગડા પેન્ટર સ્કુલ માસ્તર સાથે પરણાવી દેવી. ભલે એ ડોક્ટર ન થઈ પણ એટલિસ્ટ ડોક્ટર વાઈફ તરીકે ઉંચી સોસાયટીમાં તો જીવી શકે. બસ બોલ્યા લંગડા સાથે પરણાવી દો.’

‘ગમે તે માણસને ગમે ત્યારે એક્સિડ્ન્ટ થઈ શકે. એ અપંગ બની જાય. લગ્ન પછી એમ.ડી સર્જન હાથ ગુમાવી દે તો? બેલાની વાત સાચી છે જમાઈ ડોક્ટર એન્જિનીયર જ હોવો જોઈએ એવો દુરાગ્રહ શા માટે? આપણો દીકરો ડોક્ટર છે. કમાણીમાંથી બચત કરી મોટેલ લીધી છે. એના મેડિકલ પ્રોફેશન કરતાં એ મોટેલમાં જ વધુ કમાય છે. બિચારો કહેતો હતો કે હવે ગવર્નમેન્ટ, અને મેડિકલ ઈન્સ્યુરન્સના કોમ્પ્લીકેશન વચ્ચે પ્રેક્ટિશ કરવાનું એને અઘરું પડે છે. ફુલ ટાઈમ મોટેલમાં પડવા વિચારે છે. નાનાએ લીકર સ્ટોરમાં ઝંપલાવ્યું છે. મેટ્રિક ફેઈલ મિલિયનર સાળો એને મદદ કરી રહ્યો છે. તમે પણ આ જાણો છો પણ બસ ડોક્ટર ડોક્ટર કર્યા કરો છો. બીજા દસ પંદર કેન્ડિડેઇટ બતાવો અને આજની વાતનું રિપીટેશન કરતા રહો.’

પપ્પાએ મમ્મી સામે જોયા વગર દાંત પીસીને આ વાત કહી હતી

……બે મહિના શાંત ગયા. મમ્મીએ દીકરીની કોઈ ટીકા ટીપ્પણી કરી નહીં.

એક દિવસ એકદમ મમ્મીનો ઓર્ડર છૂટ્યો. “આજે એક મારી પસંદગીનો છેલ્લો છોકરો આવવાનો છે.”

હા, આજે એક મુરતિયો જોવા આવવાનો હતો. મોર્નિંગ બ્રેકફાસ્ટ સમયે વાત થતી હતી.

‘મોમ, આજે કઈ સાડી પહેરીશ? એની શી સ્પેશિયાલીટી છે?’

‘તારે જે પહેરવું હોય તે પહેરજે. આઈ ડોન્ટ કેર. તારે જેવી બીહેવિયર કરી મને નીચું જોવડાવવું હોય તે બીહેવિયર કરજે. આઈ ડોન્ટ કેર. ધીસ ઈઝ માય લાસ્ટ એટેમ્પટ. આઈ વૉન્ટ ઈન્ટર્ફિયર ઈન યોર લાઈફ. આઈ હેવ ઈન્વાઈટેડ યોર બ્રધર્સ ટૂ. આજનો મુરતિયો ન ફાવે તો તું જાણે અને તારી લાઈફ જાણે. આઈ એમ ફિનિસ્ડ વીથ યુ. બી રેડી એટ ફોર ઑ ક્લોક. ન ફાવે તો માસ્તરને ત્યાં ચાલવા માંડજે.’

સરલાબેનનો હિટલરી મિજાજ જોતાં બાપ દીકરીને મૂંગા રહેવાનું જ યોગ્ય લાગ્યું.

બે ભાઈ અને બે ભાભી લંચ ટાઈમ સૂધીમાં આવી ગયાં હતાં. મૉમ સીરીયસ હતી. આજે યુઝવલ કરતાંયે ટફ હતી. પાપા એઝ યુઝવલ કુલ હતા. એ હંમેશા વેઈટ એન્ડ સી માં માનતા હતા. હશે કોઈ દાક્તરીયો.

બેલાએ એનો અને મમ્મીનો વોર્ડરોબ ફેંદી નાંખ્યો. દર વખતે તો મમ્મી શું પહેરવું તેની આજ્ઞા કરતી. મોં ચડાવી કોમેન્ટ સાથે બેલા વસ્ત્રપરિધાન કરતી. આજનો મિજાજ જોતાં બેલાએ શક્ય એટલી નરમાશથી પૂછ્યું “મૉમ વ્હોટ સેલ આઈ વેર?”

“આઈ ડોન્ટ કેર. વ્હોટેવર યુ લાઈક. બર્થ ડે સ્યૂટમાં યે શું ફેર પડે. ફોટા તો ચિતરાવ્યા જ છે ને!”

આજે બેલા ખરેખર કન્ફ્યુઝ્ડ હતી. છેવટે બેસણાંમાં જવાની હોય એવા સફેદ કુર્તા પાયજામા પહેરી લીધાં. ઠાવકી થઈ મહેમાનની રાહ જોતી હતી.

બરાબર ચાર વાગ્યે વ્હાઈટ સ્ટ્રેચ લિમોઝિન, એન્ટ્રન્સ પૉર્ચ સામે પાર્ક થઈ. એમાંથી એક ટોલ, ડાર્ક હેન્ડસમ મેનની સાથે બ્યુટિફુલ લેડી ઉતર્યા અને ઘરમાં દાખલ થયાં. ડો. સરલાદેવી સિવાય સૌને માટે આવેલ કપલ વિસ્મયકારક હતું. દેશીને બદલે વિદેશી દંપતિએ ઘરમાં પ્રવેશ કર્યો.

“વેલકમ મિસ્ટર એન્ડ મિસીસ જોન્સન્સ.”

બેલાને લાગ્યું કે આમને કશેક જોયા છે પણ યાદ નહોતું આવતું…… અને એકાએક ટ્યુબ લાઈટના અજવાળાં ફેલાયા.

ઓહ નો!.... ઓહ માય ગોડ! ….ઓહ નો!.... ઓહ માય ગોડ! આતો રોજરના પેરન્ટ્સ. રોજરના આર્ટ રૂમમાં એના પેરન્ટ્સનું મોટું પોસ્ટર સાઈઝનું ઓઈલ પેઈન્ટિંગ દિવાલ પર શોભતું હતું. બ્લેક ફાધર અને વ્હાઈટ મધર. રોજર સાથે ક્લોઝ ફ્રેન્ડશીપ હોવા છતાં એઓ એ અંગત જીવન અને કુટુંબ વિશે વાતો કરવાનો રિવાજ રાખ્યો ન હતો. એઓ ટીપીકલ ઈન્ડિયન ન હતા કે તમે ક્યાંના થી શરૂ કરી, સાત પેઢીના ઈતિહાસની માહિતીની આપ લે થઈ જાય. બેલાએ રોજરના પેરન્ટસને પોતાના દિવાનખાનામાં જોઈ પહેલીવાર કંપન અનુભવ્યું.

“હાય મિસ્ટર જોન્સન લેટ મી ઈન્ટ્રોડ્યુસ માય ફેમિલી મેમ્બર્સ. ધીસ ઈઝ માય હસબંડ ડો.શરદ વૈદ્ય. હી ઈઝ રેડિયોલોજિસ્ટ ઇન ઓર્થોમેડિકલ સેન્ટર.” મમ્મીએ શરદભાઈ સહિત આખા ફેમિલીની ઓળખાણ કરાવી. ઓળખવીધી પૂરી થઈ અને લિમોઝિનની પાછળ રોજરની ખખડધજ કાર પાર્ક થઈ. ઓહ આ તો રોજર. રોજર ઘરમાં દાખલ થયો. એણે સૌને હાથ જોડી વંદન કર્યા.

મમ્મીએ ઠંડે કલેજે બેલાને સંબોધીને કહ્યું “બેલા, મિસ્ટર વિલિયમ જોહન્સન સિવિલ એન્જીનિયર છે અને શિકાગોના મોટા બિલ્ડર અને મૉલ ડેવલોપર છે. એમના પત્ની ડો.કેથી જોન્સને જર્નાલિઝમમાં ડોક્ટરેટ કર્યું છે અને ટીવી ન્યુઝ ડારેક્ટર છે. એમના આ સન, મિ.રોજર જોન્સન એજ્યુકેશન ફિલ્ડમાં છે. ખૂબ સારા ચિત્રકાર છે અને એના પેઈન્ટિંગ્સ વખણાય છે અને ઊંચી કિમતે વેચાય છે. પેઈન્ટિંગ્સની જે આવક થાય છે તે બધી જ રકમ અપંગ બાળકો માટેની ચેરિટીમાં જાય છે. એમણે નાનપણમાં એક અકસ્માતમાં ડાબા પગનો ધૂંટણ નીચેનો ભાગ ગુમાવ્યો હતો. એ એની સાથે જોબ કરતી એક છોકરીને પ્રેમ કરે છે પણ એની પ્રેમિકા પગ વગરના પતિ સાથે જોડાય એ ઇચ્છતા નથી. એટલે આજ સૂધી એણે એ છોકરીને પ્રપોઝ કર્યું નથી. મેં ખુલ્લુ દિલ દિમાગ રાખીને તારે માટે રોજરની પસંદગી કરી છે. રોજરને તારે માટે સમજાવ્યો છે. તને મારી આ પસંદગી ગમતી હોય કે ન ગમતી હોય તે પ્રમાણે રોજર જે કાંઈ પૂછે તે ક્વેશ્ચનનો એન્સર આપજે.” ઈરાદા પૂર્વક, હળવી રીતે સરલા મમ્મીએ રોજરની ઓળખ બેલાને માટે અજ્ઞાત વ્યક્તિ હોય એ રીતે કરી.”

પુરી દશ મિનિટ શરદભાઈ, બેલા અને એના ભાઈભાભી બાઘાની જેમ મોં ફાડીને એક બીજા સામે જોતા રહ્યા. જોન્સન ફેમિલી સ્મિત વેરાવતું બેલા સામે જોઈ રહ્યું હતું. ડો.સરલાદેવી અદબ વાળીને દીકરીની શરણાગતીની રાહ જોતાં હતાં.

…..અને રોજરે એક જુવેલરી બોક્ષ ખોલ્યું. ડાયમંડની રિંગ ચળકતી હતી.

‘બેલા, આઈ લવ યુ. મારા પગની અપંગતાને કારણે જ આજ સુધી મૈત્રીથી આગળ વધતાં અટક્યો હતો. આજે મને મારા પેરન્ટ્સ અને મમ્મીના બ્લેસીંગ મળ્યા છે. વિલ યુ પ્લીઝ મેરી મી અને બી ધ મેમ્બર ઓફ જોન્સન્સ ફેમિલી?”

‘રોજર અને બેલા કોઈ પણ નિર્ણય લે તે પહેલા મારે કંઈક કહેવું છે. રોજર ઈઝ અવર ઓન્લી ચાઈલ્ડ. અઢારની ઉમ્મરથી એણે પોતાની જીંદગી પોતાની રીતે જીવવાનું શરુ કર્યું હતું. અમે એને માટે કંઈ પણ કરવા માંગીયે ત્યારે એનો એક જ જવાબ હતો. “ઈફ આઈ નીડ ઈટ; આઇ’લ આસ્ક ફોર ઈટ.’ ફાધર વિલિયમ જોહનસને રોજર અંગે સ્પષ્ટતા કરી.

“એણે અમારી પાસે કશું સ્વીકાર્યું નથી. હું નથી ઈચ્છતી કે મિલિયનોર ઈનલોઝ ની ડોટર ઈન લો ક્રમી એપાર્ટમેન્ટમાં જીવન જીવે. જો રોજર લક્ઝરી સ્યુટમાં જવા તૈયાર હોય તો જ અમે વેડિંગમાં હાજર રહીશું. અમારા બેલા અને રોજર સાથેના ભવિષ્યના સંબંઘનો આધાર રોજરના જ્વાબ પર રહેશે ” કેથી મમ્મીએ રોજર પર ઈમોશનલ બ્લેક મેઇલિંગ કરી માની મમતા દર્શાવી.

“યસ, ડેડ, ઇફ બેલા એગ્રી અમે તમારા સ્યૂટમાં રહેવા જઈશું.” રોજરે વિવેક પૂર્વક હા કહી. છૂટકો જ ન હતો.

રોજરે ફરી એજ સવાલ દોહરાવ્યો.

‘બેલા, આઈ લવ યુ. વિલ યુ પ્લીઝ મેરી મી અને બી ધ મેમ્બર ઓફ જોન્સન્સ ફેમિલી?”

“તારી મૉમ હંમેશાં સંતાનોના જીવનના બધા નિર્ણયો પોતાની રીતે જ કરતી આવી છે. બેટી, સે યસ ટુ રોજર. યોર મૉમ ઈઝ ધ વીનર.” પાપાએ પણ હસતાં હસતાં શરણાગતી સ્વીકારવા સૂચવ્યું.

અને બેલાનો એન્સર હતો…

“યસ, યસ યસ એન્ડ ડેફિનેટલી યસ.”

બેલાની રિંગ ફિંગર પર કિમતી હિરાની વિંટી ચળકતી હતી. આજે છેવટે, જીદ વગરની જીત તો સરલાદેવીની જ હતી.

Pravin Shastri.

6, Saveria Court

Howell, New Jersey 07731 USA

shastripravinkant@gmail.com