Aashaho Aaje pan salghe chhe in Gujarati Short Stories by Spandan Parekh books and stories PDF | Aashaho Aaje pan salghe chhe

Featured Books
Categories
Share

Aashaho Aaje pan salghe chhe



લેખક : સ્પંદન પારેખ
mrudulaparekh47@gmail.com





આશાઓ આજે પણ સળગે છે

નાનકડા ગામની નાનકી આશાના શમણાં શું હોય ? ખાતે પીતે સુખી એવા એક ગરીબ ઘરની દિકરી આશા . બે દિકરીઓ ઉપર આવેલી હોવાથી હવે પછી દિકરાની મા બાપને ઈચ્છા હોય તેનું નામ આશા પાડેલ. આશા રૂપાળી નમણી અને મીઠાબોલી છોકરી ,મોટી બે બહેનો કરતાં તદન અલગ . રૂપે રંગે , કામ કાજે ભારે હૈયા ઉકલતવાળી છોકરી . મોટીબહેનને ભણવા બાજુના ગામ મહુવામાં મામાને ઘેર મોકલી અને મામાની બાજુમાં જ રહેતાં પડોશીના છોકરા સાથે નજરો મળી જતાં બેઉએ ભાવનગરની કોર્ટમાં સિવિલ મેરેજ કરી નાખ્યા ..

બીજી બહેન કોઇ મુસ્લિમ રિક્ષા ડ્રાઈવર સાથે નિકાહ પઢી મજીદની બીબી બની અમદાવાદ ચાલી ગઇ., દશ વરસની આશા ઘરમાં થતી રોકકોળ ,અડોશ-પડોશીઓના કરાતા ડોકીયા ,મા-બાપના ઝગડા ,કુટુંબીજનોના આવતાં ધાડા ,સલાહ સુચનો ,મહેણા ટોણાં પોલીસોના ધામા ,બાપની પાસે પરાણે કોરા કાગળો ઉપર લેવાતા

સહી – સિકકા , ખાલી ખાલી આવતા જતાં લોકોને , તગતગતી આંખોએ માની પાછળ લપાઇને જોતી રહેતી.

લવ-જેહાદને નામેં પોલીસ કચેરીના ધકકા પરાણે મા-બાપ ખાતાં ત્યારે ઘરે એકલી આશાની ઉપર નજર બગાડનારઓ કાઠી-દરબારોએ ઘરને ભરડે લીધું , મા ચેતી ગઇ , તેણે ઘરે આવતાં પોલીસોને કહી દીધું કે અમારે બેઉ દિકરીઓ મરી ગઇ છે , અમે તેમના નામનું નાહી નાખ્યું છે. તમારે જેટલા છાંજીયાં લેવા હોય તેટલાં લ્યો , અમારે હવે કંઇ નથી કરવું છતાં વારે વારે પોલીસના ધાડા ડંડા પછાડતાં દરવાજે આવી ઉભા રહેતાં . માં અંદરથી ડરી ગયેલી સતત રડતી અને બેઉ દિકરીઓની ચિંતા કરતી. .

આશાને નિશાળેથી માં-બાપે ઉઠાડી લીધી .૧૦ પાસ તેણે ઘેર બેઠા કર્યું . . જેમ જેમ વખત જતો તેમ આશાને તેની માં વધું ને વધુ નજરતળે રાખવા લાગી . સતત ટોકતી ,રોકતી . રઘવાયેલી થયેલ માં ને આશા સતત કહેવા લાગી , ” માં હુ તું કહે એ જ કરીશ , તું કહે તેને જ પરણીશ .” પણ બેબેાકળા મા-બાપે ૧૬ વરસે એકાએક આશાના અંગ પર પીઠી ચોળી દીધી .

આંખોમાં ભરી ઉંધ સહ લગ્નની ચોરીમાં જેની સાથે ચાર ફેરા લીધાં , તે વરના ઘર , ગામ, નાત-જાત વિષે જાણ વગર મા-બાપે દિકરીનું દાન કરી દીધું . મા-બાપે નિરાંતની ઉંધ ખેચી પણ તે દિવસથી આશાની ઊંઘ ઉડી.
.

પોતાના ઘર કરતાં સારા ઘરમાં આવી હોવાનો અહેસાસ આશાને થયો , ઘરમાં સાસુ ,સસરા ,જેઠ ,દિયર સાથે થોડુ મોટુ ઘર હતું . બીજુ પણ ઘણું….ઘણું હતું ..શરૂ શરૂ માં સાસુ સસરા વહુ બેટા….વહુ બેટા કરતાં હતાં કારણ મોટી વહુ તેના પિયરેથી વરસ થવા છતાં પાછી આવતી નહતી .

આશાનો પતિ કોલ સેન્ટરમાં જ રાત વિતાવતો . ભણેલો પણ ગણેલો નહીં ,પરંતું સાસુ સોળે સોળ સોપારા ભણેલી. તેણે ઘરની ચોપાટ આબાદ બીછાવેલી . મોટા દિકરાની કમાણી ઓછી હોવાથી તેની પત્નીને પિયરેથી જ દિકરાને સ્કુટર , અલગ ઘર વગેરેની માંગ વહુ પાસે કરતી રહી .વાત ન બનતાં બેઉ વચ્ચે ઝગડાના બી રોપતી રહી ,એક દિવસ કંટાળીને મોટી વહુ પિયર જતી રહી .

આશાનો પતિ બાપ બનવા અક્ષમ હોય મા એ મોટા દિકરાથી વંશ ચાલુ રાખવાના કાવા દાવા અજમાવ્યા . મોટો દિકરો સતિશ ભૂખ્યો જ હોય માના ઇશારા પર દોડવા લાગ્યો . ઘરમાં વારે વારે રચાતી એકલતાંનો લાભ લેવા લાગ્યો ,શરૂઆતમાં આશા ડરતી કે આવી વાત કરવી કોને ? એક દિવસ તેણે ડરતાં ડરતાં પતિ નીતિશ ને કહયું ” તમે કોઇ બીજી સર્વિસ ગોતો ને ! ”
” કેમ ? ”
“મને રાતરે ……”
” ડરવાનું શું ઘરના વચ્ચે ,ઘરમાં જ છોને ? ”
પણ………કરી આગળ કંઇ કહેવા જાય તે પહેલાં નીતિશ પડખુ ફેરવી સૂઇ ગયો .આશા સમસમી ગઇ.

બે ચાર વખત તેણે આડકતરી રીતે સાસુને કહી જોયું કે ..
” બા ! મોટાભાઇને કહોને કે તે નાહી લે તો પછી હું કપડાં ધોવા જાવું .”

” તે ……. જાને તને થોડો તે રોકે છે .? ” સાસુ તાડુકતી.

તે કેમ કહી શકે કે રોકતા નથી પણ પકડે છે .
એક દિવસ સતિશની થાળીમાં રોટલી પિરસતાં આશાનો હાથ સતિશે પકડી લીધો ,અને આશા સમસમી ગઇ ”
મોટાભાઇ ! ” બોલતી રસોડામાં ઘૂસી ગઇ. અને થોડીવાર પછી સતિશ બરાડયો .
” બા ! રસોઇ થઇ ન હોય તો જમવા કેમ બેસાડયો ? ”
ચતુર મા સમજી ગઇ ને બોલી ” આશા ! મોટાને બરોબર પીરસ . તારી મા એ એટલુંય નથી શીખવ્યું ? ”

આશાએ ચૂપાપ દાળ, ભાત, શાક ને રોટલીના વાસણ જમવા બેઠેલા જેઠ સામે મૂકી દીધા .

ઘરમાં નિતિશ સૂતો હોય ,સતિશ કડવો ઘૂંટ પી ગયો , ધૂવાંફૂવા થતો પોતાના રૂમમાં જતો રહયો .
અને રાત્રે જમ્યો નહીં . મા એ પુછયું તો કહે,
” મસાલા દૂધ પીશ. ” અને રાતના આ મસાલા દૂધની ફોર્મ્યુલા મા-દિકરાએ જ ઘડી કાઢેલી .

તે સાંજે આશાના સાસુ દુરના કોઇ સગાના ઘેર વાસ્તુપૂજા હોવાથી બે દિવસ બહારગામ ગયાં , રાતના રસોડાનું કામકાજ પતાવી પોતાની રૂમનું બારણું આડું કરી કપડાની ઘડી કરતી હતી ત્યાં પાછળથી જેઠ સતિશ બરાડતો બોલ્યો ” મારે જમવું નથી મારૂ દૂધ મારી રૂમમા લાવજે . ”

સડાક કરતી આશા ઉભી થઇ ગઇ , કચવાતાં મને ધ્રુજતી તે રસોડામાં જઇ જેઠ માટે દૂધ ઉકાળતી રહી, તેમ તેમ તેના મનોભાવ પણ ઉકળતાં રહયાં ,શું કરુ ? અંતે દૂધ આપવા સતિશ ના રૂમમાં ગઇ ટેબલ પર વાંકા વળી દૂધ જેવું મૂકયું , તેવો બારણાં પાછળ સંતાયેલ જેઠ સતિશે બારણું , અંદરથી બંધ કરીને આશા પાછળ જઇ ,વળેલી તેની કમ્મર ને ભરડે લીધી . તેવી આશા ” મોટા ભાઇ…..’ કહી બરાડી. પણ બહાર રૂમમાં બેઠેલા સસરાએ લુચ્ચું હસતાં ” તારક મહેતાના ઉલટા ચશ્માં ” માં મશગુલ હોવાનો ડોળ કરી . ટી.વી નુ વોલ્યુમ વધારી દીધું.
દયા-જેઠા ,ટપુડાં ની કાગારોળ વચ્ચે આશાના અરમાનો ઉપર તેના જેઠે પાણી ફેરવી દીધું જેમ તેમ કરી સતિશની ઢીલી થયેલ પકડથી છૂટી ,આઘાતથી ઘાયલ હરિણી સરખી આશા મહામહેનતે તેના રૂમ જઇ ફસડાઇ પડી .ઉંઘી ન શકી . જેમતેમ કરી સવાર પડી. સવારે ઘેર આવેલ નિતિશને વળગીને રોઇ પડી. “શું થયું ? ” નીતીશે પુછયું ” મોટા…………મોટા……ભાઇએ મારી..સાથે…….” આગળ તે બોલી ના શકી. ખુબ રડી .
બાદમાં તેણે તેની આપવીતિ પતિને કહી .ધડા…ધડ…બે ચાર ગાલે થપ્પડ નિતિશે આશાને ઠોકી અને બરાડયો,

” તુ શું દૂઘે ધોયેલી છે ? ” કહી ગડદા પાટુ શરુ કર્યા . રડતી કણસાતી આશા હિબકે ચડી . એને અત્યારે તેના સાસુની ખોટ સાલી . આજુ બાજુ પડોશીને ઘેર દોડી જવા ઈચ્છા થઇ પણ ઘરમાં સસરાનો ઘૂઘવાટ હતો.

સમસમીને બેસી રહી.

બીજે દિવસે સાસુજીની સવારી આવી , એટલે આશા તેને વળગીને મોકળા મને રોઇ પડી …….ખંધી સાસુ સમજી ગઇ કે પાસા પોબારા પડયાં ,તેને તો વંશ જોઈતો હોય નાનાકાનો નહિ તો મોટાના અંશની ખપ હતી . તુચ્છકારથી આશાને હડસેલી બોલી ” એ વેવલી ! રોવ છો શું ? ફોડ પાડીને બોલ .”
અને આશા એ ગઇ રાત્રે આવેલા વાવાઝોડાની રામ કહાણી કહી અને સાસુ વરસી પડી
” ખબરદાર મારા મોટાને સંડોવ્યો છે તો તારી ખેર નથી , તુ કયાંની પેદાશ છે ? અમે જાણીયે જ છીએ , તારી બેઇ બેનો એ કાળા ધોળા કરેલા શું અમે નથી જાણતાં ? તુંય એમાંની જ ને ? જા …….કામે…. ….લાગ……
તુતીયાવેડા નૈ કરવાના . ”

અને હીંચકાપર સવાર થઇ પૂરો દિવસ પગની ઠેશે પોતે ,અને જીભની ઠેશે વહુ ઉપર મારો ચાલુ જ રાખયો કે ” મારા દિકરાઅો ઉપર અાળ નાખે છે ?,

અામા દોષીણી તો તું જ છો , ઘરમા પુરૂષો તો હોય જ ને ? તેને કેમ રાખવા , કેમ રીજાવવા ? એટલુંય તારી માં ન શીખવયું , ? રૂપાળી રાધા કેમ જણી , કાળી કુબજા બળી હોત તો કોઇ તારી ઉપર થુંકવાય ન અાવત ”

આશા અવાક થઇ ગઇ , યંત્રવત કામે લાગી , પણ સાસુના શબ્દો માથામાં ધણ બની ઠોકાતા જ રહયાં , બપોરે સાસુ સુતી હતી ત્યારે દૂધ લેવાને બહાને નજીકની દુકાનના બુથેથી પિયરના પડોશીને ત્યાં પોતાની માને બોલાવી ધ્રુસકે ધ્રુસકે રડતાં વાત કરી .માં ના માથે તો આવું સાંભળી જાણે આભ તૂટીપડયું . બીચારી ! બે દિકરીઓની ચિંતા.. આ ત્રીજીનો વધારો ? વિચારતાં જ બોલી પડી ” જેમ હોય તેમ નિભાવી લે દિકરી ! સહન કર , ભગવાનમાં શ્રદ્ધા રાખ એજ રસ્તો બતાવશે ,તું સારા મોઢે ચાર પાંચ દિવસ પિયર આવે તો આંખ માથા પર ,પણ જન્મારો તો નહી જ ,જેવા તારાં નશીબ. ” બેઉ બાજુ થી ડૂસકાં , ડૂમા સાથે ફોન કપાણો…જાણે સગપણને બેઉ બાજુથી કોઇ એ ટૂપો દીધો .

લથડતાં પગે ધ્રુજતી આશા ઘરમાં સમાણી, સમાધિષ્ઠ રોજીંદા કામકાજમાં પડી ,પણ માના અને સાસુના બોલે પીસાતી, પીંખાતી ગઇ .રોજ સાંજ પડે અને સમી સાંજના ઓળા ઉઠે ,આશાના શરીરે સોળો પડે, લાલ ભૂરાં ચાઠા પડે . દિવસ રાત વધતાં ગયા અને આશાની રાતોમાં જેઠ ,સસરો ,દિયર વારા કાઢતાં ગયાં ,જીવતી લાશ બની આશા ઘરમાં ઘૂમતી રહી . અને દરેક સંબંધો તેને દોષિણિ જ ઠરાવતાં ગયાં ..કોઇકને તેનું કારણ રૂપ લાગતું, કોઇને તેનું શરીર લાગતું તો કોઇને તેનું ભોળપણ લાગતું .

હોળીની રાત્રે નિતીશને રજા હોય ઘેર બેસી ઇન્ડિયા – વેસ્ટઇન્ડીઝની મેચ જોવા લાગ્યો , તેવો જ સતિશ અને નાનો દિયર જે ભાવનગર ભણતો હતો તેને રજા હોવાથી ઘેર આવેલ , બેઉ ભાઇઓ સાથે નિતિશે મળી દેશી બાટલીઓ પી પી ને ઢગલો કર્યો

એક…એક બાટલી સાથે દરેકે વારાફરતી આશાનો પણ નશો કર્યો જ. . ……અને આશા પતિ સામે જ થતાં આ કુકર્મોથી શરમથી રોતી કકળતી આંગણામાં પડેલ દિયરના સ્કુટરના કેરીઅર ઉપર પડેલ પેટ્રોલ ના કેરબાને દાંતની ભીંસે તોડી માથા બોળ નાહી ગઇ , સામેના ઓટલે પડેલ સસરાના લાઇટરના ઝબકારે અગ્નિદાહ ખુદને આપી આ દોજખી જીવનને અલવિદા કહી ગઇ ………

જતાં જતાં સાસુની જોહુકમી ,સસરાની લંપટાઇ ,જેઠની હલકટાઇ , દિયરની વૈશયાઇ ,પતિની નામરદાઇ , મા-બાપની અશક્તાઈ ……બધું જ વિધિવત…..મહુવાના હનુમંત હોસ્પિટલના બર્નિગ વોર્ડના બીછાનેથી અમારી સાથે આ ડાંઇગ ડીકલેરેશન આપ્યું .

” ઈશ્વર અશાંત આશાના આત્માને પરમ શાંતિ દે .”

( સત્ય ઘટના પર આધરિત )