...Ane - Of The Record - Chapter 4 in Gujarati Adventure Stories by Bhavya Raval books and stories PDF | ...Ane - Of The Record - Chapter 4

Featured Books
Categories
Share

...Ane - Of The Record - Chapter 4

...અને..

ઑફ ધી રેકર્ડ

(પ્રકરણ ૪)

લેખક : ભવ્ય રાવલ

...અને વિદાય લેતાં શિયાળાની એ સાંજ ખૂબ નહીં પણ હલકો હલકો, રુકી રુકીને વરસાદ પડ્યો. અફસોસ થયો - આ વર્ષે ચોમાસું કોરું અને શિયાળો ભિંજાઈ ગયો. શિયાળુ પાકને નુકસાન થશે. કેરીઓ પાક્યા વગર જ બગડી જશે. ભાવવધારાનું વધુ એક કારણ...

ગાઢ અંધારું ઘેરાયું હતું અને હવે રાત થઈ ગઈ હતી.

સાંજે ગરમાગરમ નાસ્તો કર્યા પછી વિબોધની ભૂખ તૃપ્ત થઈ ગઈ હતી. બહાર વરસાદી વાતાવરણમાં રખડીને આવ્યા પછી ભાડે રાખેલાં નાનકડા ઓરડામાં વિબોધ પ્રવેશ્યો. છાંટકીઓથી ભિંજાયેલા કપડાં બદલાવી ઠંડક દૂર કરવા તેણે બીડી જલાવી ઊંડો કશ લેતા થયું કે,

સાલી, આ બીડી પણ ગજબ ચીજ છે. માણસના ગરમ વિચારોને ઠંડા પાડી દે છે. મારે આ ન પીવી જોઇએ. હા... થોડા પૈસા બચાવવા જોઈએ. વેલેન્ટાઇન્સ ડે નજીક આવે છે. આ વખતે તો વસંત પંચમીના દિવસે જ છે. ઘણાના અરમાનો અને સાંસારિક સ્વપ્નો તૂટી જશે, જ્યારે નવા સંબંધ રચાશે.

વસંત ઋતુ સારી છે. ઝાડ-પાનમાં યુવાની ફૂટે છે પણ તેના મુહૂર્તો ખરાબ. પ્રેમી યુવતીના હાથ પર મહેંદી મુકાવવાના ને પ્રેમી યુવકના નાકામીમાં દાઢી વધારી દિલ તૂટવાના દિવસો. પ્યાર સેક્સ ઓર સેટલમેન્ટ ડાર્લિંગ...

વિબોધે ભારે દિલથી લાકડાના ટેબલનો નાનો દરવાજો ખોલ્યો. વજનદાર કાચની એશ-ટ્રે બહાર કાઢીને તેમાં બીડી હોલવી નાંખી.

‘લેપટોપમાં નવ વાગ્યાના સમાચાર જોવા જોઈએ.’

એટલામાં રસ્તા પરના ઈલેક્ટ્રીક વાયરોમાં ધડાકો થયો અને લાઇટ જતી રહી. પ્રચંડ વીજળી પડવાના અવાજે શરીરમાં એક ધ્રુજારી ઉઠાવી દીધી. મોબાઇલમાં ટોર્ચ લાઇટ કરી મીણબત્તી જગાવી વિબોધ ટેબલ પર બેઠો. બારીમાંથી બહાર સડકો પર નજર કરી જોઈ.

ટ્રાફિક ઓછો થઈ રહ્યો હતો. રસ્તા પર પાણી ભરાઈ રહ્યા હતા. ઠંડા પવન સાથે વાદળો ઝડપભેર પૃથ્વીની નજીકથી પસાર થતા હતા.

વિબોધે કહ્યું,

‘મારી જિંદગીના ત્રેવીસ વર્ષમાં શિયાળામાં આટલી માત્રામાં વરસાદ પડતો જોયો નથી.’

વિવેકને લાગ્યું કે માત્ર સમય પસાર કરવા સમાચાર જોવા નથી. સોશિયલ સાઇટ પર આ અંગે પોસ્ટ મૂકવી જોઇએ.

મીણબત્તીનાં નારંગી પ્રકાશમાં લેપટોપ ઓન કરીને વિબોધે લખવું શરૂ કર્યું પણ કંઇજ ન સૂઝ્યું કે વિબોધની અંદરથી કશુંજ ઉપજ્યું જ નહીં.

એક વિચાર આવ્યો. - હું હમણાથી સરસ લખી શકતો નથી.

શબ્દોનો સ્ટોક અને દર્દભર્યા અનુભવોનો ઓવરડોઝ જવાબદાર હોઈ શકે. વ્યવહારો સાચવા પાછળ વાંચનને ન આપી શકાતો સમય અને પ્રેમિકાનુ છોડી જવું? ના.. ના.. કોઈ નહીં તો પ્રેમિકા માટે લખી શકાય છે લેખકરાજા. ગમે તેવું, સારું-ખરાબ. અને એ વાંચીને ગમાડી પણ લે છે.

વિબોધને જોરથી હસવું આવી ગયું.

હંમેશા સાચું લખ્યું છે સારું નહીં માટે જ હું કાયમ બધાની દૃષ્ટિએ સરસ લખી શકતો નથી. એક લેખકના પ્રાણ શબ્દો કે અનુભવની પીડામાં નહીં, પ્રિયતમામાં નહીં પણ તેની વાંચકોની સમજણમાં વસે છે.

એક દિવસ હતો જ્યારે નાદાની પર ગર્વ થતો અને તેના પરિણામો પર પસ્તાવો. આજ નાદાની નહીં પણ નાદારી નોધાવી છે વાંચકો ખાતર? ના મેં નક્કી કરેલા મૂલ્યો માટે.

પત્રકારત્વના અભ્યાસક્રમમાં પ્રવેશ્યા બાદ મને તથ્ય અને સત્યનો ભેદ સમજાયો. સત્યનો ઉપયોગ કરતાં હવે આવડી ગયો છે માટે હવે સંબંધો જળવાઈ પણ જાય છે. જ્યારે તે ન આવડતું ત્યારે દુશ્મનો ઉપજી જતા, દોસ્તી બગડી જતી, પ્રેમિકા છોડી જતી... વાંચકો શબ્દદ્રોહ કરતા... સાચું લખાતુ સારું નહીં વિગેરે... ને એક દિવસ નક્કી કર્યું કે આ બધામાં સૌથી મહત્ત્વની ચીજ અસત્યને સત્યરૂપે દર્શાવી-બનાવી રજૂ કરવાની કળા છે. જ્યા મારા સહી-ગલતનો કોઈ ભેદ જ ન પારખી શકે અને જ્યા હું બીજાના સહી-ગલતનો ફેંસલો કરી શકું. મુશ્કેલ છે પણ અશક્ય નહીં. કેમ કે મને 'સત્યમેવ જયતે' જેવા શબ્દોમાં કેટલુ સત્ય અને જૂઠ છે તેની સમજણ પડવા લાગી છે. પ્રોમિસ પાછળનું ટ્રુથ, નાટક પાછળનો અભિનય, હા પાછળની ના અને આનાકાની પાછળની સહમતિ જેવા બે મોઢાળા માપદંડનો ભેદ સમજાવા લાગ્યા છે. અને ખાસ તો હું સત્ય અને અસત્યની ટ્રેક પર એક સાથ મુસાફરી કરી શકું છું. જેનો પડાવ છે ફતેહ.

વિબોધને લાગ્યું આ વિચાર વિશે જ પોસ્ટ મૂકવી જોઈએ.

લાઇટ આવી ગઈ. લેપટોપની સ્ક્રીન પર ચેટ બોક્સની સાઇન પર નોટોફિકેશન બતાવે છે. તેણે ચેટ બોક્સ ખોલ્યું,

‘ડૂ યુ નો મી?’

મેસેજ વાંચીને વિબોધ ઉત્સાહિત થયો. આ એ જ આઇ.ડી.માંથી મેસેજ હતો જે આઇ.ડી. પર વિબોધે થોડા કલાકો પહેલાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. સત્યા શર્માનું આઇ.ડી.

બીજી તરફ સત્યાએ વિબોધને મેસેજ કરીને તેની છેલ્લી પોસ્ટ વાંચી.

‘આજે પણ જ્યારે વાતવાતમાં તારી વાત નીકળે છે ત્યારે મારા મુખ પર મૌનની માર પ્રસરી જાય છે. આંખની કિનારી ભીની થઈને આંસુની બુંદ જેમ તું મારી જિંદગીમાંથી નીકળી ગઈ તેમ મારી આંખમાંથી પાંપણ ભીંજવીને ગાલ પર આવી ગુમ થઈ જાય છે.

હું ચશ્મા કાઢીને કાચ સાફ કરતો કરતો તારું પૂછનારને, મારી વાત કે લેખન અધૂરું છોડીને કેમ કરીને કહું કે, જેમાં તારી યાદના પગલાં છે, તારા અસ્તિત્વનું જોડાણ કે આપણા સંબંધોની અભિવ્યક્તિ છે, આપણી ગેરસમજો, લાગણીશીલ પ્રેમ અને ક્યારેય ન ભૂલનાર એકબીજા માટેની સંભાળ ને સમર્પણ છે તેનો છેડો ફાડીને આગળ વધું તો કેવી રીતે... તેને બદલે તું ક્યાં હશે? શું કરતી હશે? કેવી હશે? કેમ રહી શકતી હશે... બસ તારા વિચારો ને પ્રશ્નોને વાગોળી લઉં છું.

કેમ કોઈ આ રીતે મળીને વિખૂટું પડી જતું હશે કે તેની જુદાઈ કરતાં જુદાઈ બાદ આવતી યાદો માનવમન-મસ્તિસ્ક ને વેરવિખેર કરી નાંખે છે. જગતભરના જવાબ દેનાર પાસે પણ શું આ સવાલનો જવાબ હશે?

બધું છોડ... કદાચ તું આ વાંચી રહી હોય તો કહે, શું તને મારી યાદ...

મારું એકાએક અબોલ થઈ જવું, આંખની ભીનાશ, એકલતાની રતાશ... આ બધું તારી દેન નથી. હું તારા પર કોઈ આક્ષેપ કરતો નથી. તારી દેન માત્ર જિંદગીની સમજ છે. એક એવો દૃષ્ટિકોણ છે. એક એવો પડાવ છે જ્યાંથી હું માત્રને માત્ર તારા વિચારોમાં જીવી શકું છું. આપણે સાથે હતા ત્યાં સુધી જિંદગી, સંબંધોને ભરપૂર માણ્યા છે... જેટલા આજે કદાચ તું નહીં માણી શકતી હોય એટલા...

તારી યાદ પુરાની છે, પણ મને આજે પણ તાજગી આપનારી છે. હર નવી વસ્તુ-વિચાર-વ્યક્તિ સાથે એ મારામાં પ્રવેશે છે. અને મને પવિત્ર કરી મૂકે છે. કદાચ ગમતી વ્યક્તિ પાસે હોત તો હું એટલી યાદ ન કરી શકતો હોત જેટલી ગમતી વ્યક્તિના દૂર જવાથી કરી શકું છું.

યાદોએ મને ઘણું આપ્યું છે. મારી યાદોમાં જ તારું અને મારું અસ્તિત્વ, વ્યક્તિત્વ કંડારાયેલું છે.

હવે મારે તારી જરૂર નથી રહી કેમ કે, તારી યાદો સાથે મને પ્રેમ થઈ ગયો છે. તને યાદ કરવાની એક આદત શી થઈ ગઈ છે જ્યાં માત્રને માત્ર હું અને તારી એટલે કે આપણા બન્નેની પુરાની યાદો, યાદોનું કારાગૃહ, બંદીઘર રચે છે. જ્યા હું કેદી રાજા છું. તારું માનસિક વ્યક્તિત્વ રાજકુમારી છે. આપણા દિવાસ્વપ્ન છે. બસ બીજું કંઇજ નથી.. મિસિંગ મેમરી..

સત્યાએ વિબોધની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા વિના ‘ડૂ યુ નો મી?’નો મેસેજ કર્યો હતો. ટાઇમલાઇન પર પોસ્ટ વાંચીને પ્રોફાઇલ ફંફોસી હતી.

નામ : વિબોધ જોશી.

અભ્યાસ : પત્રકારત્વ

અબાઉટ વિબોધ : વિવાદ મનગમતો વિષય છે. અકસ્માતો ગમે છે.

વર્ક : ફ્રિલાન્સ રાઈટર, જર્નાલિસ્ટ.

સત્યા જેમ જેમ વિબોધની પ્રોફાઇલ તપાસતી ગઈ તેમ તેમ તેને રસ પડતો ગયો. તે વિબોધના વિચારોથી પ્રથમ વારમાં આકર્ષિત થઈ. વિબોધને ઊર્દૂ શાયરો ગમે છે. એ હેમિંગ્વે, કાફક્કાનો ચાહક છે. ફ્રાન્સનાં ‘નીઓ-રિઅલિઝમ’ ઉપરાંત નાર્સીઝમ જેવા વિષયોથી તે પરિચિત છે એવું તેની પોસ્ટ પરથી જણાઈ આવ્યું.

સત્યાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. સત્યા શર્માની ફ્રેન્ડ રિક્વેસ્ટ અક્સેપ્ટ થયાનું નોટીફિકેશન જોઈને ‘ડૂ યુ નો મી?’ મેસેજનો રિપ્લાય આપતાં વિબોધની આંખોમાં ધ્યેય સિદ્ધિનો આનંદ ઊભરાઈ ગયો. અને..

ક્રમશ:

લેખકનો પરીચય :-

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ

‘...અને’ – ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......

Bhavya Raval

ravalbhavya7@gmail.com