E Yuvan Kuchh Aisa Karke Dikha... in Gujarati Motivational Stories by Jitesh Donga books and stories PDF | E Yuvan Kuchh Aisa Karke Dikha...

Featured Books
Categories
Share

E Yuvan Kuchh Aisa Karke Dikha...

એ યુવાન... કુછ ઐસા કરકે દિખા,

ખુદ ખુશ હો જાયે ખુદા

જીતેશ ડોંગા

Email: jiteshdonga91@gmail.com



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

એ યુવાન...કુછ ઐસા કરકે દિખા, ખુદ ખુશ હો જાયે ખુદા

મને ઘણા બધા વાંચકોના ફોન આવે છે. મોટા ભાગના યુવાનો હોય છે. એવા યુવાનો જેની અંદર કશુંક કરી છૂટવાની આગનો દરિયો ભર્યો છે, પરંતુ કશું કરતા હોતા નથી. દિશા જ હોતી નથી. અંદરથી બળતા હોય છે. યુવાની માત્ર નામની હોય છે. તેઓ કબુલે છે કે તેમને તેમનું પેશન ખબર નથી, હજુ સુધી કોઈ રસનો વિષય જાણવા મળ્યો નથી, હજુ લાઈફની દશા અને દિશા નક્કી કરી નથી, હજુ તેઓ પોતાના કમ્ફર્ટ ઝોન માંથી બહાર કેમ નીકળવું તે પામી શક્યા નથી, હજુ તેમને લાઈફમાં કશું ખૂટતું હોય એવું લાગે છે. છાતીમાં એક ખાલીપો છે, એક અંધકાર છાતીમાં ભર્યો છે.

દોસ્તો...આ સવાલ આમ તો આખી માનવજાતનો છે. વિશ્વના મોટાભાગના માણસોને પોતાના જીવાતા જીવનની સાર્થકતા લગતી હોતી નથી. મોટા ભાગના લોકો ખુશ હોય છે, છતાં કશુક ખૂટી રહ્યું છે તે પામવા પાછળ ગાંડાઘેલા અને દુઃખી થતા હોય છે. દરેક માણસ અંદરથી થોડો બળતો હોય છે. દરેકની છાતીમાં એક ખાલીપો છે, એક અંધકાર ભર્યો છે.

જવાબ હું આપું છું.

મારો જવાબ કદાચ મારૂં સત્ય છે, પરંતુ એના દરેક શબ્દને મેં ખુદ જીવેલા-અનુભવેલા છે એટલે મારો જવાબ વાંચતો દરેક યુવાન મારા શબ્દ પર ભરોસો રાખી શકે છે અને જો શક્ય હોય તો અંદર ઉતારી શકે છે.

***

યારો...યુવાની ’મને મારૂં પેશન ખબર નથી’ કે ‘લાઈફમાં કશું ખૂટતું હોય એવું લાગે છે’ એવા બોગસ સવાલો કરીને અંદરથી બળતા રહેવાની વાત નથી. યુવાની જિંદગીનું એક સેલિબ્રેશન છે. એને પહેલા તો સેલીબ્રેટ કરવું પડે. છાતીમાં રહેલા અંધકારને જોઈને ઉપાધી કરવા કરતા એ અંધકારમાં થોડા ઊંંડા ઉતરો તો ખબર પડશે કે તમારી છાતીના અંધારામાં એક અખિલ બ્રહાંડ છે, પ્રકાશ છે, ઉર્જા છે જેને તમે જીવી જાણી જ નથી. આ ઉર્જા એટલે સાચા અર્થમાં યુવાની! હા... જે માણસ જવાનીના સમયમાં જિંદગીના મોટા-મોટા સવાલો લઈને રડવા બેસી જાય એતો અત્યારથી જ ફ્લોપ થઈ જાય છે! કુદરતે ૧૮ થી ૨૫ સુધીની ઉંમરના સાત અદભુત વરસ આપ્યા છે ત્યારે અંદર રહેલી ઉર્જાને વાપરશું નહી તો જવાની સાર્થક થશે નહી. જે માણસની જવાની સાર્થક નહી, એનું જીવન સાર્થક નહી.

એટલે હે યુવાનો... અંદરને અંદર કેટલું બળવાનું?

ઉભા થાવ. હા... તમે ખુદની જે પણ નબળી વાતો પર રડી રહ્યા છો તે રડવાનું બંધ કરીને પહેલાતો આંસુ લુંછીને ઉભા થાવ. બાથરૂમમાં જીને ચહેરો પાણીથી ધોઈને બહાર આવો. પોતાની રૂમ બંધ કરીને થોડું અંધારૂં કરીને થોડીવાર ગાંડાની જેમ નાચી લો! અંદરનો જેટલો ગુસ્સો છે એ નાચીને કાઢી નાખો, જ્યાં સુધી નીચે ન પડી જવાય ત્યાં સુધી નાચી નાખો. જયારે થાકીને નીચે પડી જાવ, અંદરની કોઈપણ બળતરા થોડી શમી ગઈ હોય પછી મારી નીચેની વાત ગળે ઉતારી લોઃ

માણસો કહેતા હોય છે કે માણસને દિલના અવાજને સાંભળીને જીવવું જોઈએ. કદાચ બધા સાચા હશે પરંતુ યુવાને તો પોતાના આંતરડાના અવાજને સાંભળીને જીવવું જોઈએ. આંતરની અવાજ એ જ અંતરનો અવાજ. જેને દુનિયા ૈંહેંૈર્ૈંહ કહે છે તે! આંતરનો અવાજ સાંભળનારા માણસો કદાચ પોતાની છાતીના અંધકારને ઓળખતા નહી હોય, પરંતુ હું છાતી ઠોકીને કહી શકું કે તેઓ પોતાની લાઈફને સાર્થકતા પૂર્વક જીવી જશે. આ અવાજ એટલે શું? આંતરડીનો અવાજ કેમ જીવવાનો?

મોજમાં રહેવું, ખોજમાં રહેવું. કશું હારવું, ક્યાંક પડી જવું, ફરી ઉભા થવું. દોડવું!

યુવાની ‘ચાલવા’ માટે નથી, ‘દોડવા’ માટે છે.

યુવાની ‘બોલવા’ માટે નથી, ‘રાડ-ત્રાડ-પોકાર’ પાડવા માટે છે.

યુવાની ‘પચાવવા’ માટે નથી, ‘ઓકવા-થૂંકવા’ માટે છે.

યુવાની માત્ર ‘હવા’ નથી, આ વંટોળ છે, વંટોળ...

એટલે ઉભા થાવ, અને જીવનમાં ક્યારેય ડિસ્કોથેકમાં ના ગયા હોય તો જાવ. ખુબ નાચો.

જીવો. પ્રેમ કરો. સરહદો તોડીને પ્રેમ કરો. સમાજની એક-બે-અને સાડાત્રણ! એવો પ્રેમ કરો કે એ જયારે તૂટે ત્યારે તમે અને તમારૂં સર્વસ્વ તૂટી પડે. નાત-જાત-રંગ-ભેદ બધાની સરહદો ઉપર થૂંકી નાખો.

એકલા હો તો એકલતાની ઉજાણી કરો. રખડો. ખુબ રખડો. એકલા રખડો. એક ટુકડો રોટલી ખાઈને દિવસ પસાર કરીને પણ દેશના ખૂણે-ખૂણે ઘૂમી લો. લોકોની જીંદગી જુઓ, આ સર્કસ જુઓ, અને પછી એને હસી નાખો.

જવાનીમાં આમેય આખી દુનિયાને હસી નાખવાની હોય. જાત અનુભવે જંગ છેડીને, આખું જગ ખેડીને, જીવ રેડીને પોતાના પ્રચંડ સત્યો ઉભા કરવાના હોય. એવા અનુભવો કરવાના હોય કે જે તમને સાચી રીતે ‘ડીફાઈન’ કરે, તમારૂં ‘હું’ જેમાં સાર્થક થતું હોય.

ભૂલ કરો. નાની-નાની નિષ્ફળતા મેળવો. વીસ કામમાં હાથ અજમાવો, અને એ બધામાં નિષ્ફળ જાવ. મેં ખુદ એન્જીનીયર થઈને વેઈટરનું કામ કરેલું છે, કોલસેન્ટર, સેલ્સમેન, અને ટુરિસ્ટના ગાઈડનું કામ કરેલું છે. ભિખારીના બાળકોને મફતમાં ભણાવ્યા છે, હજાર માણસોની સભામાં સ્ટેજ પર ચડીને પૂરી ખુમારીથી ભાષણ આપેલું છે. મારા કોલેજના દોસ્તો જયારે ‘ટાઈમ નથી’ એવું કહીને વાંચવા બેસતા ત્યારે મેં જિંદગીને માનવા માટે એક ચાદર ઓઢીને મુંબઈના એક હાઈ-વેના ડીવાઈડર ઉપર સુઈને ત્રણ-ચાર રાતો વિતાવી છે. સિગારેટ-બીયર-હુક્કા પણ માણ્‌યા છે, અને યોગ્ય સમયે તેને છોડીને ગીરના જંગલમાં અંધારામાં બેસીને ધ્યાન-તપ પણ કર્યું છે. આ બધા જ અનુભવો છેલ્લે આજે ૨૫માં વરસે લાઈફ પ્રત્યે એક ‘રીસ્પેક્ટ’ પેદા કરી આપે છે. મારા વાંચકને કશુંક નક્કર કહેવા માટેની ઔકાત આપે છે. એવું માનતા નહી કે હું ધૂની છું, લેખક છું એટલે આવો છું. ના..હું યુવાન છું એટલે એવો છું. સાચો યુવાન એની યુવાનીને સાર્થક કરી જાણે છે. બસ.

મેં એકવાર લખેલુંઃ યુવાનમાં બુદ્ધ અને રોમિયો બંને હોવા જોઈએ. યુવાનમાં ભગતસિંહ અને ગાંધી સાથે જીવવા જોઈએ. યુવાનમાં ચાણક્ય અને સરદાર પીગળેલા હોવા જોઈએ. તેની અંદર મધર-ટેરેસા અને હિટલર સમાયેલા હોવા જોઈએ. કવિ અંકિત ત્રિવેદી કહે છે તેમ યુવાનના રૂંવાડે રામ અને શ્વાસમાં શ્યામ હોવા જોઈએ!

એટલે દોસ્તો...રડવાનું બંધ કરીને થોડું ફ્લર્ટ કરી લો. થોડી લાઈન મારવાની છૂટ! પરંતુ સાથે-સાથે પોતાનું એકત્વ ભૂલાય નહી તે રીતે જંગ છેડો. જાત સાથે બળવો કરો, અને સમાજ સાથે યુદ્ધ. ખરૂં કૃષ્ણત્વ એજ છે કે યુવાન પ્રેમ અને જંગ બંને ખેલી શકવો જોઈએ. યુવાન જગતની પરવા કર્યા વિના જુના રીવાજો-શિખામણો-રસ્તાઓ-આદર્શો બધું તોડી-પાડીને પોતાનું કશુક આગવું કરવો જોઈએ.

યારો...ખુબ વાંચો. અતિરેક થઈ જાય એટલું વાંચો, ફિલ્મો જુઓ. ટોરેન્ટ હેંગ થઈ જાય એટલી જુઓ! બધા કામ માંથી સમય કાઢીને કોઈએ ન કરેલું દિલને ગમતું કામ કરો. જયારે આખી દુનિયા સુતી હોય ત્યારે કોઈ એક નાનકડું સપનું લઈને એને સાકાર કરવા જાગો, તપ કરો. લાઈફને નિચોવી લો, યુવાનીને નિચોવી લો. પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર કુદીને ન ગમતા કામમાં પણ ઊંંડા ઉતરો.

પોતાની જાત સાથે વાતો કરતા રહો. પોતાને સવાલ પૂછો, જવાબ માંગો. જવાબ ના હોય તો જાવ અને એનો એકવાર અનુભવ કરી લો.

આ બધું યુવાની છે, અસ્તિત્વ છે. એક દિવસ એ અસ્તિત્વ એજ આંતરડાનો અવાજ છે એવી ખબર પડશે. ઈશ્વરમાં માનતા હોતો એમાં શ્રદ્ધા રાખીને જોતા રહેજોઃ એક દિવસ કોઈ એવું કામ મળી જશે જેમાં જલસો પડી જશે. એ કામને પછી તમે જીવનનું એકમાત્ર ધ્યેય બનાવી દેજો.

અને હા...એ કામ શું છે એ જાણવા માટે રડવાનું બંધ કરો. ઉભા થાવ.

અંતિમયાત્રાઃ

યુવાનને ખબર હોવી જોઈએ કે પોતાના હૃદયને ગમતી વસ્તુ-કામ શોધવાનો એક જ ઉપાય છે- હજાર કામ કરવા. દરેક કામ પુરા ખંત-ઊંંડાણ-પરફેક્શનથી કરવું. ખુશ રહીને કરવું. દરેક કામમાં ઊંંડે ઉતરતા તેને કોઈ કામનું ઊંંડાણ એટલું ગમી જશે કે તે કામને તે પોતાના હૃદયના ઊંંડાણમાં સંઘરીને મોજથી જીવતો થઈ જશે. ખેર...ગમતા કામની ખબર ન પડે તો પણ યુવાન ખુશ હોવો જોઈએ. ગમે તે ભોગે.

(ટાઈટલઃ ઈકબાલ મૂવીનું ‘આશાયે’ ગીત)

લેખ પર તમારા મંતવ્યો જણાવવાઃ

Email: jiteshdonga91@gmail.com

અથવા લેખકના સંપર્ક માટેઃ Facebook.com / Jitesh donga