Swagatni Taiyari in Gujarati Short Stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | સ્વાગતની તૈયારી.

Featured Books
Categories
Share

સ્વાગતની તૈયારી.

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com

સ્વાગતની તૈયારી.[વાર્તા] પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

‘નીમા બેટા, બ્રેકફાસ્ટ તૈયાર છે, ચા બનાવું કે કોફી પીવી છે?’

રોમાબેને સવારે લગભગ આઠ વાગ્યે રસોઇ માટે આવતી છોકરીની મદદથી આલુપરાઠા તૈયાર કરી, ઉપર બેડરુમમાં લેપટોપ પર ઓફિસનું કામ કરી રહેલી પુત્રી નીમાને ઇન્ટરકોમ પર પૂછ્યું.

‘મમ્મી, થોડું કામ બાકી છે તે પતાવીને આવુ છું, અનન્યાને કહો કે ક્લાસમા જવા તૈયાર થઈ જાય‘

રોમાબેને અનન્યાને નાસ્તો કરાવી, લંચબોક્સ આપી તૈયાર થવા કહ્યું. ડ્રાયવર રાજુ આવ્યો એટલે અનન્યા નાનીમા અને મમ્મીને બાય બાય કહીને ક્લાસમા જવા નીકળી ગઈ. અનુપ તો સવારે ૮.૩૦ વાગ્યે જ ઓફિસ જવા નીકળી જતો. ઓફિસ પહોંચીને એ ડ્રાયવર સાથે પોતાની કાર ઘરે મોકલી દેતો જેથી અનન્યાને સ્કુલ/ક્લાસમા જવા કે સાસુમા રોમાબેનને મંદિરે કે ડૉક્ટરને ત્યાં જવામા કામ આવે.

લગભગ ૯.૩૦ વાગ્યે નીમા કામ પતાવીને, તૈયાર થઈને નીચે આવી.

‘મમ્મી, બહુ મોડુ થઈ ગયું છે, બ્રેકફાસ્ટ કરવાનો સમય નથી. તુ ખાઇને તારી દવા લઈ લેજે,બાય.’

રોમાબેન એને કશું કહે તે પહેલા તો નીમા સેંડલ પહેરીને નીચે ઉતરી ગઈ. જો કે રોમાબેનને ખબર હતી કે આમ પણ નીમાને કહેવાનો કંઇ અર્થ નહોતો, એને કામ આગળ ખાવા-પીવાનુ મહત્વ ઓછું હતું.એ પોતાનું ધાર્યું જ કરતી, કોઇનું સાંભળે એવી ય ક્યાં હતી? નાનપણથી જ જીદ્દી હતી. કુટુંબમા બે ભાઇઓની વચ્ચે નીમા એકલી બહેન હતી, અને પાછી પપ્પાની લાડકી હતી. એનો લાભ નીમા બરાબર ઊઠાવતી. જે જોઇએ તે મેળવીને જ રહેતી. ભણવામા હોંશિયાર હતી તો ફેશનમાય પાછી પડે એવી નહોતી. એટલે આ રુપાળી-ફેશનેબલ છોકરીની આગળ પાછળ ફરનારા મજનુઓ પણ ઘણા હતાં. પૈસાદારોના નબીરાઓ ઉપરાંત કેટલાક સાધારણ ઘરના છોકરાઓ પણ હતા જેમના દિલ આ સુંદરીને જોઇને ધડકતા. પણ આ સૌમા એક અલગારી હતો અનુપ. પોતાના મમ્મી-પપ્પાની સાધારણ સ્થિતિનું એને જ્ઞાન હતું તો કેવી રીતે પોતાનું માન જળવાય તેનુ ભાન પણ હતું. એ ફેશન અને છોકરીઓથી દૂર જ રહેતો અને પોતાનું પુરું ધ્યાન ભણવામા જ પરોવતો જેથી સારી રીતે પાસ થઈને સારી જોબમા જઈ શકાય અને પોતાના ફેમિલીને પૈસેટકે સધ્ધર કરી શકાય.

પણ કહેવાય છે કે પ્રેમ પર કોઇનો કાબુ નથી હોતો.વળી એવું પણ કહેવાય છે કે ‘જોડીઓ ઉપરવાળો બનાવે છે.’ ઉપરવાળાએ આ ઉત્તર-દક્ષિણ ધ્રુવને એકવાર મેળવી આપ્યા. એન્યુઅલ ફંક્શનના ડ્રામામા આ બે કલાકારો ભેગા થઈ ગયા. અને પછી....’એ સનમ જીસને તુમ્હે ચાંદસી સુરત દી હૈ, ઉસી માલિકને મુજે ભી તો મુહબ્બત દી હૈ... ’ બન્ને એક-બીજાના પ્રેમમા પડી ગયા.

જ્યારે બન્નેના ઘરે આ વાતની ખબર પડી ત્યારે બન્નેના ઘરેથી જોરદાર વિરોધ થયો. અનુપના ઘરે ’એ પૈસાદાર ઘરની છોકરી આપણા સાધારણ ઘરમાં ગોઠવાશે નહી.’ અને નીમાના ઘરે ,’એ સાધારણ ઘરમાં આપણી લાડકોડમા ઉછરેલી નીમાને ફાવશે નહી.’ ટુંકમા બન્નેના ઘરનાનો સૂર એક જ હતો, ‘સંબંધ તો સરખે-સરખાં હોય ત્યાં જ જામે અને ટકે.’ પણ પ્રેમીઓને આવી વાતોથી શું લાગે-વળગે? બન્ને પોતપોતાના નિર્ણયમા અડગ રહ્યા અને છેવટે મા-બાપે નમવું પડ્યું. અને નીમા-અનુપ પરણી ગયા.

નીમાએ પરણ્યા પછી પણ પોતાના સ્વભાવમા કે રહેણી-કરણીમા કોઇ ફેરફાર ના કર્યો. અનુપના મમ્મી-પપ્પાએ પોતાની જાતને બદલવાનો અને દિકરા-વહુને અનુકૂળ થવાનો શક્ય એટલો પ્રયત્ન કર્યો. પણ નીમાને એની ક્યાં પડેલી હતી? એ તો ‘મસ્ત રહો મસ્તીમે આગ લગે બસ્તી મે....’ પોતાનામાં મસ્ત રહેતી. અરે તોય વાંધો નહોતો, પણ નીમા તો મોં-ફાટ હતી. નાના-મોટાનું માન રાખ્યા વિના જે મનમા આવે તે બોલી દેતી. મોડી ઉઠતી, ઘરના કામમા વેઠ ઉતારતી. તોય મોટું મન રાખીને અનુપના પપ્પાનુ સૂત્ર- ‘Adjustment is better than Argument.’ મુજબ અનુપના મમ્મીએ બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી. પણ અનુપની બહેન ક્યારેક નીમાને સાચી વાત સંભળાવી દેતી અને નીમા ઘરમા મહાભારત ખડું કરી દેતી. અનુપની સ્થિતી ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી થતી.છેવટે હારીને દિકરીના લગ્ન કરી લીધા બાદ ‘The more you Leave, the more you Live.’ મુજબ દિકરા-વહુને એમના સંસારમા એમની રીતે રહેવા છોડી દઈને અનુપના મમ્મી-પપ્પા વડોદરાના ઘરે રહેવા જતા રહ્યા.

નીમાને લગ્ન પહેલાથી જ એક સારી કંપનીમા જોબ મળી ગઈ હતી. જ્યારે અનુપે એક સાધારણ જોબ લઈને સાથે સાથે એમ.બી.એ પણ કરી લીધું. એ પછી અનુપને પણ એક મલ્ટીનેશનલ કંપનીમા સારી જોબ મળી ગઈ અને મહેનત કરીને એ આજે સી.ઈ.ઓ.ની પોસ્ટ પર પહોંચી ગયો હતો. બન્ને સારું કમાતા હતા. સેટેલાઇટ જેવા પૉશ એરિયામા ૪ બેડરુમનો લકઝુરીયસ ફ્લેટ-પેન્ટહાઉસ હતું. શહેરના પ્રખ્યાત ઇન્ટિરીયર ડેકોરેટર પાસે છુટથી પૈસા ખરચીને ફ્લેટને શણગાર્યો હતો. કોઇ આવે તો બે ઘડી જોઇ રહે એવો ભવ્ય ફ્લેટ હતો. ડ્રોઇંગરુમનો દરવાજો ખોલતાં જ જમણી બાજુ ગણેશજીના દર્શન થતાં. એ કલાત્મક ગણેશજી જ નહી નહી ને દોઢ-બે લાખના હશે.

એક તરફ ભારતીય શૈલી મુજબનું લો સિટિંગ અને બીજી બાજુ ખુબસુરત સોફાસેટ તો ત્રીજી બાજુ લાકડાનો કલાત્મક હિંચકો અને પૌરાણિક શૈલીની એની સાંકળ. વિશાળ કીચન અને એને અડીને એન્ટીક ડાયનીંગ ટેબલ. ત્રણ બેડરુમ એક જ ફ્લોર પર અને ત્રણેને અનુરુપ અલગ અલગ ફર્નિચર. ડ્રોઇંગરુમમાથી ઉપર જતી કલાત્મક સીડી. ઉપર ના માળે અનુપ-નીમાનો બેડરુમ અને ટી.વી. લૉંજ. પછી ટેરેસ અને ટેરેસમા આવેલું એરકડીશન્ડ પર્સનલ જીમ. સારા એવા પૈસા ખર્ચીને આ ફ્લેટને સજાવ્યો હતો. નીમા બધા આગળ પોરસાઇને કહેતી કે, ‘આ બધું અમે જાત મહેનતે કમાઇને બનાવ્યું છે.’ એની વાત સાચી હતી. પણ અનુપ મનમા સમજતો કે-- મમ્મી-પપ્પાએ બહુ કરકસર કરીને અમને બન્ને ભાઇ-બહેનને ભણાવ્યા અને પરણાવ્યા. મારું ભણતર અટકે નહી તે માટે અને બહેનના લગ્ન અટકે નહી તે માટે પપ્પાએ પોતાનુ ઘર સુધ્ધાં ગીરવે મૂકીને પૈસા લીધા છે. એટલું જ નહી મમ્મી-પપ્પા હજુ પણ વડોદરામા ખુબ સાદુ જીવન જીવી રહ્યા છે અને અહી પોતે અત્યંત વૈભવી જીવન.પણ એનાથી નીમાને કંઇ જ કહી શકાતુ નહિ.એ જાણતો હતો કે,’Advice is seldom welcome, and one who needs it most, always likes it the least.’ વીસ વર્ષના લગ્નજીવનને અંતે અનુપ એટલુ જાણી ચૂક્યો હતો કે ,’સુખ-શાંતિથી રહેવું હોય તો નીમા આગળ પોતાના મમ્મી-પપ્પાનું ને બહેનનુ નામ બને એટલું ઓછું લેવું.’ નીમાને મન તો પોતાનું ફેમિલી એટલે નીમા-અનુપ અને અનન્યા.

પણ આ ફેમિલીમા એક સભ્યનો ઉમેરો થયો. ના ના..એમને બીજુ બાળક આવ્યું એવુ નહી પણ...

નીમાના પપ્પા ગુજરી ગયા અને એના ભાઇઓ વચ્ચે સંપતિની બાબતમા ઝઘડો થયો. બન્ને ભાઇઓએ સંપતિ પર કબજો કરી લીધો અને મા ને અવગણવા લાગ્યા ત્યારે નીમાએ પોતાની મમ્મીને પોતાની સાથે રાખવા અનુપને સમજાવી લીધો. આમ પણ અનુપ પાસે નીમાની હા મા હા કરવા સિવાય બીજો રસ્તો જ ક્યાં હતો? કહેવાય છે ને કે-- ‘In Married life, one partner is always right, and the other is Husband.’ અને રોમાબેન- નીમાના મમ્મી એમની સાથે રહેવા આવી ગયા.

નીમાએ ઘરને મેન્ટેન કરવા બે કામવાળી રાખી હતી.સવારે ૮થી ૩ સુમન આવતી અને બપોરે ૨ થી રાત્રે ૧૦ સુધી મંજુ આવતી. ઘરની સાફ-સફાઇ અને રસોઇ કામ બધું જ આ બન્ને સંભાળતી. આ સિવાય બહારથી ચીજ વસ્તુઓ લાવવી- બેંકના કામ-કાજ કરવા અને બીલો ભરવા વગેરે કામો ડ્રાયવર રાજુ કરતો. કામકાજ કરવામા આળસુ એવી નીમા કામ-કાજ કરાવવામા એકદમ એક્સપર્ટ હતી. સામ-દામ-દંડ-ભેદ બધું જ એ અજમાવતી. જેના પર રીઝે તેને ન્યાલ કરી દેતી અને જેના પર ખીજે તેને પાયમાલ કરી દેતી. ‘સોબત કરતા શ્વાનની બે બાજુનું દુખ, ખીજ્યું કરડે પીંડીએ ને રીઝ્યું ચાટે મુખ.’ એ વાત એને બરાબર લાગુ પડતી. બધા આ વાત સમજતા અને નીમા સાથે આર્ગ્યુમેન્ટ કરવાથી દુર રહેતા. કેમકે ‘Argument wins the Situation, but lose the Relationship.’

અનન્યા સાંજે ઘરે આવી ત્યારે કંઇ મુંઝાયેલી લાગતી હતી.નીમા ઓફિસથી ૭ વાગ્યે ઘરે આવી. અનુએ નીમા સાથે વાત કરવા ધારી પણ નીમાએ ’મારે અત્યારે એક ઇમ્પોર્ટંન્ટ મીટીંગ છે પછી કાલે વાત કરીશું’ કહીને તે નીકળી ગઈ. અનુપ રાત્રે ઘરે આવ્યો ત્યારે નીમા ઘરે નહોતી એણે અનુપને મેસેજ કરીને પોતનો પ્રોગ્રામ જણાવી દીધો હતો.

અનન્યા,અનુપ અને રોમાબેને ડીનર કર્યું. પછી અનન્યા, ‘ડેડી, હું પ્રીતિના ઘરે જાઉં છું.’ કહીને નીકળી. પ્રીતિનું ઘર સોસાયટીમા જ હતું એટલે અનુપે, ‘ભલે બેટા, જલદી આવજે.’ કહ્યું.

રાત્રે દસ વાગ્યા છતાં ન તો નીમા આવી કે ન તો અનન્યા આવી. અનુપે જોયું તો મોબાઇલમા નીમાનો મેસેજ હતો કે એને ઘરે આવતાં મોડું થશે. પછી અનુપે અનન્યાને મોબાઇલ પર કોલ કર્યો તો ખબર પડી કે એનો મોબાઇલ તો ઘરમા જ પડ્યો છે. એટલે એણે પ્રીતિના ઘરે ફોન કર્યો, તો ખબર પડી કે પ્રીતિ તો ઘરે જ છે અને અનન્યા એના ઘરે ગઈ જ નથી. પ્રીતિએ કહ્યું, ‘અંકલ, તમે ઉર્વીના ઘરે પૂછો, અનુ કદાચ ત્યાં હશે.’ અનુપે ઉર્વીના ઘરે પૂછ્યું અનુ ત્યાં પણ નહોતી. અનુપે અનન્યાની બીજી ૩-૪ ફ્રેન્ડ્સના ઘરે પણ ફોન કરીને પૂછ્યું પણ અનુ ક્યાંય નહોતી.હવે અનુપ અને રોમાબેન બન્ને ઘભરાયા, ‘આટલી રાત્રે અનુ કયાં ગઈ હશે?’ અનુપે નીમાને ફોન કરીને વાત જણાવી તો નીમા પણ મીટીંગમાથી,’સોરી સર, મારે અરજંટલી ઘરે જવું પડશે.’ કહીને ઘરે આવી ગઈ.

આખી સોસાયટીમા અને બધા દોસ્તો-સગાઓને ત્યાં જોઇ વળ્યા. સોસાયટીના છોકરાઓ આજુબાજુ બધે બાઇક લઈને ફરી વળ્યા પણ અનુ ક્યાંય ના મળી. નીમા અને રોમાબેન તો રડવા જેવા થઈ ગયા. એક-બે ફ્રેંડ સાથે પોલીસ સ્ટેશને જઈને અનુપે ફરીયાદ લખાવી. આખી રાત સોસાયટીના માણસો જાગ્યા.અનુપના ઘરમા તો જાણે ઘેરો સન્નાટો છવાઇ ગયો. નીમા અને રોમાબેન તો ધ્રુસકે ધ્રુસકે રડતા રહ્યા. રોમાબેનનું બી.પી. લૉ થઈ જવાથી એ તો ચક્કર આવીને ઢળી પડ્યા.ડૉક્ટરે એમને ઘેનનું ઇંજેક્શન આપીને સુવડાવી દીધા. નીમા એ ઘરના મંદિરમા દીવો પ્રગટાવી, ‘અનન્યા હેમખેમ આવી જાય તો સોળ સોમવાર નકોરડા કરીશ.’ એવી પ્રતિજ્ઞા લીધી. અનુપ તો આઘાતથી અવાચક જ થઈ ગયો. પછી જ્યારે કળ વળી ત્યારે એને એના મમ્મી-પપ્પાનો ખ્યાલ આવ્યો. અનુપે ‘મમ્મી-પપ્પાને જણાવીએ.’ કહ્યું ત્યારે નીમાએ, ‘એ લોકો અહી આવીને શું કરશે? નકામા ચિંતા કરશે.’ કહીને બોલાવવાની ના પાડી.

અનુપના ફ્રેંડે ન્યૂઝપેપરમા ‘મીસીંગ’મા ફોટો આપવાની વાત કરી પણ નીમાએ ’એમા તો આપણી છોકરી બદનામ થઈ જાય. થોડી રાહ જોઇયે’ કહીને ના પાડી. બીજા દિવસે નીમા અને અનુપ બન્નેએ ઓફિસમાથી રજા લઈ લીધી અને અનુના કંઇ સમાચાર મળે કે તે પાછી ફરે તેની કાગડોળે રાહ જોઇ રહ્યા. પડોશીઓ ખાવાનું લઈ આવીને ખાવાનો ખુબ આગ્રહ કર્યો પણ કોઇના ગળેથી કોળિયો ઉતરે તેમ નહોતો.

અનુપ એના ફ્રેંડસાથે પોલીસ સ્ટેશનમા પણ જઈ આવ્યો. પોલીસ ઇંસ્પેક્ટરે કહ્યું કે ‘રેલ્વે સ્ટેશન, બસ ડેપો, હોસ્પિટલો, મોર્ગ ...બધે તપાસ કરી છે, પણ તમારી છોકરીનો પત્તો મળ્યો નથી. ‘ ‘સાહેબ, કંઇ પણ કરો, બીજે બધે તપાસ કરાવો. મારી દિકરીને શોધી આપો.’ અનુપ હાથ જોડી આજીજી કરી રહ્યો. ઇંસ્પેક્ટરે કહ્યું, ‘ચિંતા ના કરો, અમારી તપાસ ચાલુ જ છે, કંઇ પણ ખબર મળશે એટલે તમને તરત જ જાણ કરીશું.’ અને અનુપ ભગ્ન હ્રદયે ઘરે આવ્યો. નીમા પણ વ્યગ્રતાથી એની રાહ જોઇ રહી હતી, ‘કંઇ ખબર મળ્યા?’ એ અધીરાઇથી પૂછી રહી. ‘ખબર મળશે એટલે તરત જાણ કરશે.’ અને અનુપ અનન્યાના રુમમા જઈ ચોધાર આંસુએ રડી પડ્યો. એ રાત્રે દોસ્તના આગ્રહથી બધાએ બે-બે કોળિયા ખાધું પણ ખાવાનુ જાણે કડવું ઝેર જેવું લાગ્યું. ‘ક્યાં હશે મારી દીકરી? જીવતી હશે કે....? એની સાથે કોઇએ કંઇ..’ અને આગળની કલ્પના ભયંકર લાગતી. એક એક ક્ષણ એક એક યુગ જેવી લાગતી હતી.

ત્રીજા દિવસે સાંજે ૫વાગ્યે ડોરબેલ વાગી. બધાની દિલમા આનંદની જગ્યા ઉદાસીએ લઈ લીધી હતી. આંસુ પણ સુકાઇ ગયા હતા. અનુ અનુ નુ રટણ મનમા અહર્નિશ ચાલતું હતું.’ ડોરબેલ સાંભળીને અનુપે બારણું ખોલતાં અનુને સામે ઉભેલી જોઇ. એક પળ તો એ અવાચક થઈને જોતો જ રહ્યો. ‘આ વસ્તવિકતા છે કે સપનું? એણે આંખો ચોળી. ‘હું અંદર આવું, પપ્પા?’ એવો અનુનો અવાજ સાંભળીને એ હોશમા આવ્યો, અનુને જોરથી ભેટી પડ્યો. આંખમાથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો. અનુનો અવાજ સાંભળીને અંદરથી નીમા અને રોમાબેન પણ દોડી આવ્યા. અનુને જોઇને તેઓ પણ લાગણીના આવેગથી એને ભેટી પડ્યા. ત્યાં મિલનનુ અદભૂત દશ્ય સર્જાયું.

પછી શરુ થઈ નીમા તરફ્થી અનુની ઉલટ-તપાસ. અનન્યા આ માટે તૈયાર જ હતી. એને કહ્યું, ‘મમ્મી, આપણો તો ૧૬ વરસનો જ સાથ અને એ છૂટતાં ૨ દિવસમા તું આટલી બેબાકળી બની ગઈ? તો તેં ક્યારેય દાદાદાદી નો વિચાર કર્યો?. એમણે મારા પપ્પાને ૨૫ વરસ સુધી મોટા કર્યાં ને પછી ૨૦ વર્ષોનો વિયોગ? તને ક્યારે પણ એમની મનોસ્થિતીનો ખ્યાલ આવ્યો છે?’ નીમા તો અનુની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. અનુપ બોલ્યો, ‘બેટા, આવો વિચાર તને ક્યાંથી આવ્યો?’

અનુ બોલી, ‘મમ્મી-પપ્પા, તમે તો દાદા-દાદી પ્રત્યેની તમારી ફરજ ભુલી ગયા હતા. એમની આર્થિક જરુરિયાતો તો ઠીક, એમને મળવા જવાનું ય ઠીક, તમે તો ફોન કરીને એમની તબિયતના સમાચાર પુછવા જેટલી ય સમજણ વિસરી બેઠા હતા. એ લોકો ય મનથી સમાધાન કરી ચૂક્યા હતા કે, ‘દિકરો એના સંસારમા સુખી છે ને બસ, આપણે આનાથી વધારે ભગવાન પાસે બીજુ શું જોઇયે?’

મમ્મીના ડરને કારણે હું કશું બોલતી નહી પણ ખાનગીમા એમની ખબર રાખતી હતી. મને વડોદરાના મનુકાકા મારફતે ખબર મળી કે દાદાને માઇલ્ડ હાર્ટએટેક આવ્યો છે એટલે હું મનુકાકા સાથે દાદાદાદીની ખબર પૂછવા ગઈ હતી. હવે હું કોઇનાથી ય ડર્યા વિના તમને લોકોને કહું છું કે, ‘હું હવેથી દાદા-દાદી સાથે રહેવા જાઉ છું. તમને લોકોને ખબર આપવા અને મારો સામાન લેવા જ આવી છું. આજે મને કોઇ રોકશો નહી.’

‘પણ બેટા...’ અનુપ કશું કહેવા જાય તે પહેલા નીમા બોલી, ’અનુ, તારે એવું કંઇ કરવાની જરુર નથી. હું જાતે જ જઈને એમને પગે પડીને, એમની માફી માંગીને એમને આપણી સાથે રહેવા આવવા મનાવી લઉં છું, કેમ કે મને હવે ખબર પડી ગઈ છે કે મા-બાપને માટે સંતાનના નો વિરહ શું હોય છે, ચાલો અનુપ આપણે જઈએ ’ રોમાબેન બોલ્યા, ‘શુભ કામમા વાર શું? તમે લોકો તૈયાર થઈને ઉપડો, હું વેવાઇના સ્વાગતની તૈયારી કરુ છું.’