Name: Pallavi Jeetendra Mistry
E mail: hasyapallav@hotmail.com
પુરુષોની દષ્ટિમર્યાદા [હાસ્યલેખ] પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.
-મીતા, આજની પાર્ટીમાં મિસિસ શાહ સરસ લાગતાં’તા નહીં? શી વોઝ લૂકિંગ બ્યુટિફૂલ એન્ડ યન્ગ.
-તે લાગે જ ને એમાં નવાઈ શું? યૂ નો મીતેષ, એમના વોર્ડરોબ દેશી-વિદેશી સાડીઓ અને ઈંડીઅન-વેસ્ટર્ન ડ્રેસ થી ઉભરાતા હોય છે, અને છતાં એમને લાગે છે કે એમની પાસે પૂરતાં કપડાં નથી.આજે એમણે જે સિલ્કની સાડી પહેરી હતી તે રૂપિયા સાડાબાર હજારની સાડી, મિસ્ટર શાહ ગયા અઠવાડિયે જ બેંગલોરથી લાવ્યા.
-અચ્છા!
-હા, અને એમણે ગળામાં જે રિઅલ ડાયમન્ડ નેકલેસ પહેર્યો હતો તે ગયા મહિને મિસ્ટર શાહે એમની એનિવર્સરી પર ગિફ્ટમાં આપ્યો, પૂરા દોઢ લાખ રૂપીયાનો. સ્પેશિયલ ઓર્ડર આપીને કરાવડાવ્યો.
-હંઅઅઅઅ .
-એય મીતેષ, તારે પણ આવતા અઠવાડિયે બિઝનેસ ટ્રીપ પર બેંગલોર જવાનું છે ને?
-હા, કેમ?
-તું બેગલોરથી મારા માટે મિસિસ શાહે પહેરી હતી એવી જ સાડી લઈ આવજે. આપણી એનિવર્સરી પર આપણા ઘરે પાર્ટી રાખીશું ત્યારે હું એ સાડી પહેરીશ. મારો પણ વટ પડી જશે. મિસિસ શાહની તો બોલતી જ બંધ થઈ જશે.
-જો મીતા, આ મારી બિઝનેસ ટુર છે, અને એ પણ એક દિવસની. હું કંઈ આખા અઠવાડિયા માટે બેંગલોર નથી જતો. અને તને તો ખબર છે જ કે આવી એક દિવસની ટુર હોય ત્યારે કેટલું બીઝી શિડ્યુલ હોય છે. સોરી ડિયર, એમાં શોપિંગનો ટાઈમ નહીં રહે.
-અરે! મેં ક્યાં તારી પાસે બાર-પંદર આઇટમ મંગાવી છે? એક જ તો સાડી લાવવાની કહી છે. તું કહેતો હોય તો હું ખાનગીમાં તપાસ કરાવી રાખું, કે મિસ્ટર શાહ બેંગલોરની કઈ દુકાનમાંથી એ સાડી લાવ્યા હતા. એટલે શું કે તારે બીજે ક્યાંય શોધવા ય ન જવું પડે અને તારો ટાઈમ પણ બચી જાય. ખરેખર તો આવી સાડી બધી ફેમસ દુકાનોમા મળતી જ હોય છે. અરે એ તો તું ધારે તો આવતા આવતા એરપોર્ટ નજીકના શોપિંગ મોલમાંથી કાર થોભાવીને પણ લઈ આવી શકે.
-હંઅઅઅ. જોઈશ.
-હં, જરૂર જોજે હોં. મિસિસ શાહે પહેરી હતી એવી જ કોપી ટુ કોપી સાડી લાવજે.
-મીતા, મને એક્ઝેટલી યાદ નથી કે એમણે કેવી સાડી પહેરી હતી.
-શુંઊઊઊ? પાર્ટીમાં આખો વખત તો તું એની સામે ટીકીટીકીને જોયા કરતો હતો, અને લળીલળીને વાતો કરતો હતો. અને હવે કહે છે કે એમણે કેવી સાડી પહેરી હતી તે તને યાદ નથી.
-યાદ નથી તો નથી. સાચું કહું છું મીતા, મને ખરેખર યાદ નથી, આઇ સ્વેર, તારા સમ. પણ તારે એવી જ સાડી શા માટે જોઈએ છે? કોઇ બીજી સારામાંની સાડી લાવું તો ન ચાલે?
-જો મીતેષ, તારે સાડી ન લાવવી હોય તો ન લાવીશ, પણ મારા ખોટા સમ ખાઈશ નહીં. મને જુઠ્ઠાણા સામે સખત ચીઢ છે.
-અને મને વિના કારણે કોઈ જુઠ્ઠો કહે તેની સામે ચીઢ છે.
-સમજી. તમે પુરુષ લોકો! ‘જોયું છતાં ન જોયું,’ કરવામાં કેટલા ઉસ્તાદ હોવ છો તે.
જોવાની જ વાત નીકળી છે ત્યારે આ વિશેનું વૈજ્ઞાનિકોનું તારણ ‘જોવા જેવું’ એટલે કે ‘જાણવા જેવું’ છે. વૈજ્ઞાનિકો કહે છે કે સરખામણીની દ્ષ્ટિએ જોઈએ તો પુરુષોની દ્ષ્ટિમર્યાદા સ્ત્રીઓની દષ્ટિમર્યાદા કરતાં સીમિત એટલે કે સાંકડી હોય છે. પુરુષોને એમની નજરની સામે પડેલી ચીજવસ્તુઓ પણ દેખાતી નથી, એ શોધવા એમણે ફાંફા મારવા પડે છે. દાખલા તરીકે-
-મીતા, મારાં ચશ્મા ક્યાં છે?
-ત્યાં જ પડ્યા હશે, ટેબલ પર.
-ટેબલ પર તો નથી, શોધી આપને.
-બે મિનિટ થોભો, આવું છું.
-અને મારુ બ્લ્યૂ શર્ટ ક્યાં છે?
-ત્યાં કબાટમાં સામે જ તો હેંગર પર લટકાવ્યું છે.
-નથી. પ્લીઝ, શોધી આપને. મને ઓફિસે જવાનું મોડું થાય છે.
-લ્યો, આ સામે જ તો હેંગર પર તમારું શર્ટ પડ્યું છે. અને આ ટેબલ પર બુકની બાજુમાં ચશ્મા પડ્યાં છે. કોણ જાણે તમને સામે પડેલી વસ્તુઓ પણ કેમ જડતી નથી? જરા ધ્યાન રાખીને બરાબર જોતા હો તો? રામ જાણે અમે સ્ત્રીઓ ન હોત તો તમને પુરુષોને કપડાં કોણ શોધી આપત?
-તમે સ્ત્રીઓ ન હોત તો અમારે પુરુષોને કપડાં પહેરવાની જરૂરિયાત પણ ક્યાં હોત?
ખેર! આ તો એક રમૂજ થઇ. પણ હકીકત એ છે કે સાંકડી દ્ષ્ટિમર્યાદાને કારણે પુરુષોને આંખની સામે પડેલી ચીજવસ્તુઓ પણ દેખાતી નથી. તે શોધવા માટે એમણે ડાફરિયાં મારવાં પડે છે. જ્યારે સ્ત્રીઓને માત્ર સામે પડેલી જ નહીં પણ દૂર-સુદૂર કે ખૂણે-ખાંચરે પડેલી ચીજો પણ દેખાઈ આવે છે. અને એટલે જ પતિના ડાર્ક શર્ટ પર પડેલા લિપસ્ટિકના ડાઘ કે કાળા કોટ પરથી લાંબો કાળો વાળ પણ એ સહેલાઈથી શોધી કાઢે છે. કબાટનાં અંદરના ખૂણામાં મૂકેલા પૈસા કે બેગની અંદરની બાજુ મૂકેલ ચેકબુક એ સહેલાઈથી શોધી શકે છે.પુરુષો સ્ત્રીઓથી કંઈ પણ છુપાવવની લાખ કોશિશ કેમ ના કરે, સ્ત્રીઓ તરત જ એ વાત પકડી પાડે છે. કહેવાય છે કે કાબેલ જાસૂસ બનવાને લાયક કેટલીક સ્ત્રીઓને બોચીમાં પણ આંખો હોય છે.
-મીતેષ, મારી પાછળના ટેબલ-ખુરશી પર જે કપલ બેઠું છે એને ઓળખે છે તું?
- હા મીતા, આ તો મારો બોસ રોનક અને એની વાઈફ છે.
-ધ્યાનથી જો. એ એની વાઈફ નથી, પર્સનલ સેક્રેટરી છે.
-અરે હા યાર! પણ તને આટલી ડીમ લાઈટમાં અને પાછળ બેઠેલાં છતાં કેવી રીતે દેખાયું?
સ્ત્રીઓની આવી ચકોર દ્ષ્ટિમર્યાદા સામે પુરુષોની દ્ષ્ટિ ઘણી નબળી ગણાય. પણ તેથી એમણે શરમાવાની જરૂર નથી. જ્યાં સુધી પુરુષોને ટી.વી. અને કોમ્પ્યૂટરની સ્ક્રીન પર કે પછી ન્યૂઝપેપર કે મેગેઝીનમાં ઐશ્વર્યા રાય, કંગના રાણાવત કે વિધા બાલન બરાબર ક્લીયર કટ દેખાય ત્યાં સુધી બધું બરાબર જ છે, પછી ભલેને ઘરમાં સોફા પર બાજુમાં બેઠેલી પત્ની બરાબર ન દેખાય.