"એક સવાલ મારા મનનો!!!"
હું મારા વિચાર રજુ કરું એ પહેલા કહી દઉં કે આ વિષયને કોઈ વ્યક્તિ, જ્ઞતિ-જાતિ કે વસ્તુ સાથે સીધી રીતે કે આડકતરી રીતે કોઈ જ સંબંધ નથી અને અમારો કોઈ એવો ઉદ્દેશ નથી કે કોઈની લાગણીઓને, ભાવનાઓને ઠેસ પહોંચાડીએ.. મારા વિચારો અને વાંચન દ્વારા મારો દ્રષ્ટિકોણ આપની સમક્ષ રજુ કરવાની પરવાનગી આપશો અને આશા છે આપ મને આપના અભિપ્રાય જરૂરથી જણાવશો....
"આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા નવી ઝુંબેશ ચલાવવામાં આવી છે "બેટી બચાવો, બેટી પઢાઓ." બરાબર ને? બસ તો આજે એ જ બેટી, દીકરી, બાળકી, સ્ત્રી બનીને થોડા મારા વિચારો અને કદાચ સવાલો આપના સમક્ષ રજુ કરીશ જે કદાચ દરેક "દીકરી"ના મનમાં કયારેક તો આવ્યા જ હશે. તો ચાલો શરુ કરીએ આપણા બધાના વિચારોનું મનોમંથન...
“દીકરીને ભણવો, એને સંસ્કારી બનાવો, બધા કામ-કાજમાં નિપુર્ણ હોવી જોઈએ.” આવું ઘણી વાર કહેતા સાંભળ્યા હશે આપણે લોકોને.. ખરું ને? માની લો કે છોકરીને ભણાવી પણ લીધી, સંસ્કારી-સમજદાર પણ બનાવી દીધી, બધી જ બાબતમાં નિપુર્ણ છે પરંતુ અંતે તો એને "પારકા ઘરે" જ જવાનું છે ? બરાબર ને? એ પણ આપણે સ્વીકારીએ છીએ. એ કુદરતનો નિયમ છે. એમાં કાંઈ ખોટું નથી સાહેબ..
લગ્નમાં "ARRANGE MARRIAGE " હોય અથવા આ ૨૧મી સદીમાં હરણફાળ ભરતા "LOVE MARRIAGE "... "LOVE MARRIAGE "માં તો છોકરા-છોકરી જ બધું નક્કી કરી રાખે એટલે ખાસ બહુ રહેતું નથી પણ સૌથી મોટી અને લાંબી પ્રક્રિયા એટલે "ARRANGE MARRIAGE ".. છોકરા વાળા છોકરીને જોવા આવે ત્યારે સમોસા અને ચાહ લઈને ૧૦ ૧૨ વખત( એક છોકરામાં છોકરીનો મેળ પડી જાય તો ઠીક, નહિ તો ૧૦ ૧૨ વખત ગણી લો) એની પરેડ લાગે.., બધા ઉપ્પરથી નીચે છોકરીને શૉ પીસની જેમ જોશે. ચાલો, એનો પણ આપણે વાંધો નથી ઉઠાવતા. સામે વાળાને વિચારવું પડે એમને જીવનભરનો સંબંધ બાંધવા જય રહ્યા છે. બરાબર છે કાંઈ ખોટું નથી. ખરાબ ક્યાં લાગે છે એ હવે જોઈએ આપણે....
જોવે એમાં વાંધો નથી. ચાલો, પછી કોઈ બધાની વચ્ચે જ્યાં બંને પક્ષના લોકો બેઠા છે અને બધાની સામે જો તમારી ખુબસુરતી, હાઈટ, વેઇટ કે રંગને લઇ ને ખાસ એ જ વસ્તુ પર ટિપ્પણી ચાલે કે "ચાલો તમારી હાઈટ કે વેઇટ માપી લઈએ અત્યારે, આમ જરા જોડે ઉભા રહો તો! તમે સાડી પહેરી આવો તો ખબર પડે કે કેવા લાગો છો! તમારી હાઈટ શું હશે એ ખબર નથી પડતી જરાક છોકરો-છોકરી સાથે ઉભા રહો તો! અને બધા જ શૉ પીસની જેમ તમને જોવે.!!!!!! વાહ..... છોકરી જરાક ઘઉંવર્ણી છે નહિ?? પછી અંદર અંદર તો ચર્ચા કરે નહિ આ લોકો,,, બધું બધાની સામે જ બોલે અને બીજું ઘણું બધું જે આપણે કદાચ કહેવું નથી અહીંયા મારે. પણ આ બહુ કડવું સત્ય છે સાહેબ.
તમે છોકરી જોવા જાઓ છો માની લઈએ કે તમે તમારી જિંદગીનું બહુ મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યા છો અને એમાં બધી વસ્તુનું ધ્યાન રાખવું તમારો હક છે.. તમે બધું કરો પણ એટલી હદે ના કરો કે સામે વાળના વ્યક્તિત્વ પર સવાલ ઉઠી જાય સાહેબ.. તમે એની "પસંદગી" કરવા ગયા છો એને "જજ" કરવા નહિ.. તમને પસંદ છે તો આગળ વાત કરો નહિ તો જય શ્રી કૃષ્ણ દોસ્ત. આમ બંને પક્ષના લોકોની સામે છોકરીના રૂપ-રંગ કે કોઈ પણ શારીરિક કે વ્યવહારિક બાબતો પણ વ્યંગ કરવાનો હક કોને આપ્યો તમને સાહેબ??
આજે તમે કોઈકના ઘરમાં જઈને એમની જ છોકરીને એક ગુનેગારની જેમ કાઠઘરામાં ઉભી કરી દો છો ત્યારે ખાલી એક વાર વિચાર કરજો કે એ સમયે એ માં-બાપનો અંતર-આત્મા શું વિચારતો હશે!!! અમારી છોકરીને અમે કાબિલ બનાવી કે જીવનની બધી જ તકલીફો માંથી એ પાર ઉતરે, ભણાવી-ગણવી, સંસ્કાર આપ્યા અને એ જ ભણેલી-ગણેલી, સંસ્કારી-સમજદાર દીકરીને આવો દિવસ પણ જોવો પડશે એવું એમને પણ ક્યાં ખબર હતી??? અને જો કદાચ ખબર હોત તો એને ભણાવવાની કે સમજદાર બનાવવાની ક્યાં જરૂર જ હતી!!! હરી-ફરીને એને જો આમ ગુનેદારની જેમ કાઠઘરામાં જ ઉભા રહેવાનું હોય તો પછી હું કહું છું કે આ સમાજ શેની આટલી હોશિયારી કરે છે કે "WOMEN EMPOWERMENT "ની??? "
"અમને તો છોકરી સંસ્કારી જોઈએ બસ, બીજું કાંઈ જ જોવું નથી, ઘર સાંભળી લે, મહેમાનોનું આગતા-સ્વાગતા સારી રીતે કરે એટલે બસ... આવું કહેનારા જ "સ્કેલ લઈને હાઈટ માપશે અને છોકરી થોડી "ઘઉંવર્ણી" લાગે છે" આવી કોમેન્ટ કરશે, છોકરી સારી છે પણ પૈસે-ટકે એમનો પરિવાર આપણી તોલે આવે એવું લાગતું નથી, એના પપ્પા નોકરી કરે છે, એમને કોઈ મોટો બિઝનેસ નથી, જમીન છે કે નહિ એ પૂછવાનું રહી ગયું આપણે, છોકરીનું "PACKAGE "( I MEAN TO SAY SALARY DOST !!) કેટલું છે? છોકરીના ઘરની માસિક અવાક કેટલી છે? ETC .....
અરે હું કહું છે કે તમારે છોકરીના ઘરે રહેવાનું છે કે છોકરીને તમારા ઘરે લઇ જવાની છે?? છોકરીની અવાક પર જીવવાના હોવ ને તમે તો "જય શ્રી કૃષ્ણ" સાહેબ, અમારી છોકરી ભલે કુંવારી રહી, અમારે નથી કરવું આવું સગપણ. જે માં-બાપે કોઈ દિ' પોતાની છોકરીને એનું "PACKAGE " નથી પૂછ્યું એ જ છોકરીને બહારનું કોઈ વ્યક્તિ આવીને "SALARY PACKAGE " પૂછે છે, માં-બાપ કે ઘરના કોઈ વ્યક્તિએ દીકરીની અવાકનો સરવાળો નથી મંડ્યો કે નથી એના પૈસાની આશા રાખી એ જ દીકરીને પોતાનું "PACKAGE " કેહવા મજબુર કરે છે આ સમાજ.... ભલે સામે વાળને એના પૈસાની લાલસા હોય કે ના હોય એ બીજા નંબરની વસ્તુ છે સાહેબ, પરંતુ આ સવાલ એક છોકરીને પૂછવો કેટલો યોગ્ય લાગે તમને??? છોકરી ગમે તેટલું ઓછું-વધારે કમાતી હશે સાહેબ પરંતુ "જો ઘરમાં ૧ રોટલી હશે ને તો એ એવું જ કહેશે કે "મને ભૂખ નથી મેં હમણાં જ જમ્યું છે. તમે જમી લો.."
ત્યાગ અને સમર્પણ એ વરદાન સ્વરૂપે સ્ત્રીને પ્રભુએ જન્મજાત આપી દીધું છે.
સંસ્કાર જોવાનો સમય ક્યાં હોય છે કોઈની પાસે??? દેખાવ, કદ-કાઠી ને બહારની સુંદરતા જોઈને જ લોકો પોતાની "વહુ" પસંદ કરે છે, "STATUS " જોઈએ છે એમને સાહેબ..... "વહુ"ના પિયર વાળા "STATUS " વાળા જોઈએ છે ભલે પછી પોતે કેટલાય માસુમ લોકોની લાગણીઓને છિન્નભિન્ન કરીને "STATUS " બનાવ્યું હોય! અને આ બહુ કડવું સત્ય છે ભલે આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ.
કોઈકની દીકરીને આટલી હદે "JUDGE " કરો છો કે એક છોકરીના મન-સમ્માન, સ્વાભિમાનને કેટલી ઊંડી ઠેસ પહોંચે છે એ કદાચ તમે કયારેય નહિ સમજો જ્યાં સુધી તમે એનો અનુભવ નહિ કરો..સમજી શકાય કે "તમે પણ તમારા ઘરની "લક્ષ્મી" લેવા આવ્યા છો, હક છે તમને બધું તાપસ કરવાનો. કરો બિન્દાસ કરો..એકવાર નહિ ૧૦૦૦ વાર પુષ્ટિ કરો કે તમે જેને તમારા ઘરની "લક્ષ્મી" બનાવ જઈ રહ્યા છો એ વ્યક્તિ એને લાયક છે કે નહિ પરંતુ "લક્ષ્મી"નું એટલી હદે અપમાન ના કરો સાહેબ કે તમારા ઘરની "લક્ષ્મી" કાયમ માટે રૂઠી જાય અને એને માનવી ના શકો...
મારો એક પ્રશ્ન છે આપ સહુને કે "રસ્તામાંથી પણ જો "લક્ષ્મી" મળે તો એ ભલે મેલી-ઘેલી હોય આપણે કેવા એને સરસ સાફ કરીને, પગે લાગીને એને આપણા પર્સમાં મૂકી દઈએ છે કેમ??? એતો મેલી હતી, રસ્તામાંથી મળી તી, કોની હશે, કેવી હશે, આપણે ક્યાં જોવા ગયાતા? બરાબર ને?? છતાં... આપણે એન્ની કિંમત સમજીએ છે તો પછી તમે કોઈક ના ઘરેથી એમની "લક્ષ્મી" માંગવા જાઓ છો સાહેબ અને એજ "લક્ષ્મી" જેને પિયરને ઉજાગર કર્યું છે અને તમારા ત્યાં આવીને તમને પણ ઉજાગર કરશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી તો એ "લક્ષ્મી" ના માન-સમ્માન, સ્વાભિમાનની જવાબદારી ઉઠવા કેમ તૈયાર થતા નથી??
હું તો કહું છું બધા જ દીકરીના માતા-પિતાને કે દીકરી જન્મે ત્યારથી જ એને પાર્લરમાં અને જીમમાં મોકલજો કારણ કે જો તમારી દીકરી સારી નહિ લગતી હોય, કદ-કાઠી સારા નહિ હોય ને તો આ જમાનો તમારી દીકરીને સ્વીકારી નહિ શકે, ભલે ને એના માં લાખગણા સંસ્કાર હશે! દુનિયા મોહિત થાય છે તો ફક્ત દેખાવ થી એ પણ બહારના, અંદર નજર નાખીને અંદરૂની ગુણ જોવાની ફુરસદ કોની પાસે છે???
કહેવાનો મતલબ ખાલી એટલો જ છે સાહેબ કે તમે "સગપણ" કરવા જાઓ છો, એક નવા સંબંધને જન્મ આપવા જાઓ છો તો દોસ્ત સંબંધ તો પ્રેમ, લાગણીઓ અને ભાવનાઓનો ભૂખ્યો છે એને ક્યાં પૈસા અને "STATUS "થી તોલો છો?? અને એની કિંમત તમે પોતે જ ઘટાડી રહ્યા છો?
"લક્ષ્મી"ને લેવા જાઓ છો તો સાહેબ બે હાથ જોડીને ધન્યવાદ માનો કે દીકરીનો બાપ એના ઘરનું "ખીલેલું ફૂલ" કાંઈ પણ માંગ્યા કર્યા વગર તમને સોંપી દે છે અને સામે એક પૈસાની પણ આશા નથી રાખતો, બસ આશા છે તો ખાલી એટલી કે "એમની દીકરીનું મન-સમ્માન જળવાય, એના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે, એની ફૂલ જેવી દીકરી બસ કરમાઈ ના જાય.... ક્યાં કાંઈ વધારે આશા રાખી છે એમને??? ક્યાં તમારું રાજપાટ માંગી લીધું છે સાહેબ? દીકરીનો બાપ એમની ૨૫ વર્ષની દીકરીનો હાથ જો તમારા હાથમાં વગર સંકોચે મૂકી શકે છે તો તમે એ દીકરી અને એના પિયરના સભ્યોની મન-સમ્માનની જવાબદારી કેમ નથી ઉઠાવી શકતા ?? વિચારી જો જો સાહેબ, સોદો બહુ સસ્તો કહેવાય... મુઠી ભરીને મળે છે ને સામે તમારે આપવાનું છે શું? ખાલી "પા ભાગનું"??
વિચારો થોડું અને સમજો જાતે જ. તો કદાચ કોઈ દીકરીના માં-બાપની આંતરડી કયારેય નહિ બળે અને એનાથી મોટું પુણ્ય બીજું કોઈ ના હોઈ શકે... દીકરીનો બાપ જેટલો લાચાર માણસ મેં દુનિયામાં નથી જોયો સાહેબ. ભલે ગમે તેટલો પૈસાદાર માણસ હશે પણ એકવાર તો દીકરી સામે જોઈને થોડો તો ઢીલો પડી જ જશે.. અને એનું સૌથી મોટું કારણ આપણો સમાજ જ છે સાહેબ અને આપણા સમાજના વિચારો.. વધારે નહિ તો થોડું પણ જો બદલાવ લાવીએ તો આ "બાપ" નિરાંતે સુઈ શકશે... શું કેહવું છે તમારું???
"મેલ શરીર પર ના હોવો જોઈએ સાહેબ,
મનનો મેલ જોવાની ફુરસદ કોની પાસે છે??
દેખાવ બહારનો સારો હોવો જોઈએ સાહેબ,
અંદરનો માંહલો જોવાની ફુરસદ કોની પાસે છે?
જૂઠું બોલી મનાવી લે છે દુનિયા સાહેબ,
સાચું બોલી લડવાની ફુરસદ કોની પાસે છે?
જમાનો છે ૨૧મી સદીનો સાહેબ,
સારું ને સાચું સમજવાની ફુરસદ કોની પાસે છે??
પ્રભુના પ્રસાદ સમા બાળકમાં પણ ભેદ કરે છે દુનિયા સાહેબ,
દીકરીને માન-સમ્માન આપાવવાંનો સમય કોની પાસે છે?
બસ તમે તમારા વિચાર જરૂરથી કેહજો તો મને પણ ખબર પડે કે હું ક્યાં કશુંક ભૂલું છું કે હું ખોટી છું..... આગળ કાંઈક તો આ વિષય પર કરવું જ રહ્યું આપણે... આશા છે આપ આપનો અમુક સમય ફાળવી આ વિષય પર વિચારશો અને આગળ કાંઈક બદલાવ લાવી શકીએ એવા પ્રયત્ન પોતાના દ્વારા શરુ કરશો અને મને અભિપ્રાય આપવનું તો આપ નહિ જ ભૂલો,... બરાબર ને???
ધન્યવાદ સાહેબ..
-બિનલ પટેલ