Mahan Aatma, Gandhi in Gujarati Biography by Bhupendrasinh Raol books and stories PDF | મહાન આત્મા, ગાંધી

Featured Books
Categories
Share

મહાન આત્મા, ગાંધી

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail - brsinh@live.com

+1 732 406 6937

Scranton, PA, USA.

મહાન આત્મા, ગાંધી.

Joseph Lelyveld નામના એક પુલિત્ઝર પ્રાઇઝ વિનર પત્રકારે એક પુસ્તક લખ્યું છે “Great Soul” MAHATMA GANDHI AND HIS STRUGGLE WITH INDIA …આ પુસ્તક ઉપર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રતિબંધ મૂક્યો છે. આવી રીતે જિન્નાહ વિશેના જશવંત સિંહે લખેલા પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકીને એને બહુ પ્રખ્યાત કરી દીધેલું. આનું પણ આવું જ થવાનું છે.

ગાંધીજીએ ૩૭ વર્ષની ઉંમરે છેલ્લો યજ્ઞ કહીને બ્રહ્મચર્યનું વ્રત લીધેલું. બ્રહ્મચર્યનો અર્થ એવો થાય કે બ્રહ્મમાં ચર્યા. બ્રહ્મમાં સતત રમમાણ રહેવું તે. દરેકમાં પરમ આત્માને અનુભવવો તે. પણ ગાંધીજીનો મતલબ જુદો હશે, કે ભાઈ સેક્સ કરવો નહિ. સ્ત્રી સાથે સંસર્ગ કરવો નહિ. એનું કારણ પણ બહુ જુનું હતું. ગાંધીજી ૧૩ વર્ષે ૧૪ વર્ષના કસ્તુરબા સાથે ૧૮૮૩માં પરણેલા. બાળ સહજ જાતીય વૃત્તિમાં રસ સ્વાભાવિક વધુ હશે. એમના પિતા ખૂબ બીમાર હતા. એમની સેવા તે કરતા. પણ રાત્રે એમનો રસ કસ્તુરબા સાથે વહેલી તકે પહોચી જવામાં રહેતો. એક દિવસ એ જલ્દી પહોચી ગયા અને એમનામાં રત થઈ ગયા અને આ બાજુ પિતાએ દેહ છોડ્યો. બસ એ દિવસથી ગાંધીજીને કામરસથી છુટકારો મેળવવો હતો. છેક ૩૭ વર્ષે એમણે બ્રહ્મચર્યનું વ્રત લઈ લીધું કામ વાસના ઉપર વિજય મેળવવા માટે. બસ ત્યારથી જાતજાતના પ્રયોગો કરતા રહેતા.

પ્રાચીન સમયમાં ભારતમાં બ્રહ્મચર્યનો અર્થ સેક્સ ના કરવો તેવો નહિ હોય. કારણ લગભગ તમામ ઋષિમુનીઓ પરણેલા હતા, એક કરતા વધારે પત્નીઓ પણ રાખતા. પણ ઉત્ક્રાન્તિના ઈતિહાસમાં બધા પુરુષોને સ્ત્રીઓ ઉપલબ્ધ થતી નહિ. સક્ષમ પુરુષો વધુ સ્ત્રીઓ મેળવી જતા. એટલે જે પુરુષોને સ્ત્રીઓ ઉપલબ્ધ થતી નહિ હોય તેવા છગનોએ વીર્યમાં મહાન શક્તિ છે તેને બચાવવું જોઈએ તેવી હમ્બગ વાતો ફેલાવીને બ્રહ્મચર્યનો અર્થ સેક્સ નહિ કરવો તેવું ઠસાવી દીધું હશે. એટલે અમને સ્ત્રીઓ ઉપલબ્ધ નથી કે અમને સ્ત્રીઓ પસંદ કરતી નથી તેવું નીચાજોણું દેખાવા દેવું ના હોય માટે અમે બ્રહ્મચારી છીએ કે અમે બ્રહ્મચર્યનું વ્રત લીધું છે તેવું કહેતા હશે.

ભારતીય અધ્યાત્મિક જગતમાં કહેવાતા મોક્ષ, આત્મસાક્ષાત્કાર, સમાધિ કે જ્ઞાન માટે ત્રણ રસ્તા છે. એક છે ભક્તિ જેમાં સંપૂર્ણ સમર્પણ છે, બીજો છે યોગ જેમાં ત્યાગ ત્યાગ અને ત્યાગ છે ત્રીજો છે તંત્ર જેમાં ભોગવો અને છુટકારો મેળવો. એકમાં અસહાયતા છે. બીજામાં નકારાત્મકતા છે ત્રીજામાં હકારાત્મકતા છે. તંત્રમાં બધું સ્વીકાર્ય છે. કોઈને છોડવાનું નથી. સેક્સને પણ ભોગવીને છોડવાનો છે, નફરત કરીને નહિ. પણ તંત્રના નામે ખૂબ વ્યભિચાર ચાલતા આમ પ્રજા એનો વિરોધ કરવા લાગી હશે. એકલાં ભોજ રાજાએ હજારો તાંત્રિકોને શુળીએ ચડાવી દીધા હતા. તંત્ર પછી ભૂગર્ભમાં ચાલ્યું ગયું. લોકો કહેતા હશે કે પશ્ચિમ પાસેથી આપણે કહેવાતી વિકૃત્તિઓ શીખીએ છીએ. ના એવું નથી. આપણે એ લોકને શીખવી હશે. એ લોકો તો ડાર્ક એજમાં જીવતા હતા, ત્યારે આપણે એકદમ સુસંસ્કૃત હતા. ઓરલ, એનિમલ અને ગ્રૂપ સેકસના શિલ્પ ખજુરાહોમાં કોણે બનાવ્યા હતા? યુરોપીયન્સ બનાવવા આવ્યા હતા?

વડોદરાનાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે આજે પણ જાઓ અને પ્રદક્ષિણા કરો અને ઉપર જરા નજર કરો. મંદિર ફરતે નાની નાની મૂર્તિઓની હારમાળા છે જાણે મીનીએચર ખાજુરાહો. જલ્દી કોઈની નજરે ચડે તેમ નથી. આ તંત્ર માર્ગ હતો. સેક્સને વગોવવાનો નથી, ભોગવીને છોડવાનો છે. એમાં રહેલી ઉત્તેજનાથી મુક્ત થવાનું હશે. તંત્રમાં એક પ્રયોગ કરવામાં આવતો. નગ્ન સ્ત્રીની પૂજા કરવામાં આવતી. નગ્નતાની કોઈ ઉત્તેજના ના રહે. અહી અમેરિકામાં નગ્ન બીચ હોય છે. જ્યાં લોકો સમુદ્રની મજા બિલકુલ નિર્વસ્ત્ર માણતા હોય છે ત્યાં કપડા એલાઉ હોતા નથી. પ્રાણીઓ નગ્ન હોય છે માટે કસમયની કોઈ ઉત્તેજના હોતી નથી. બ્રિટનમાં એક સમયે ખૂબ મલાજો હતો, સ્ત્રીઓની પગની પાની પણ ના દેખાય એટલાં લાંબા વસ્ત્રો(ગાઉન)પહેરવામાં આવતા. ત્યારે કોઈના પગની પાની દેખાઈ જાય તો સિસકારા બોલી ઊઠતા. વસ્ત્રોએ માનવોને કાયમ ઉત્તેજિત મનોદશામાં મૂકી દીધા છે. બસ ગાંધીજી આવા અજાણપણે તાંત્રિક પ્રયોગો કરતા રહેતા. સ્ત્રીઓ સાથે નગ્ન સુવાના પ્રયોગો કરતા રહેતા.

જેડ આડમ્સ નામના ઈતિહાસકારે જગતભરના પુસ્તકાલયો અને ૧૦૦ થી વધુ ફેંદી, ગાંધીજીના અંતેવાસીઓ અને સગાવહાલાને મળીને એક પુસ્તક લખેલું ગાંધીજીની સેક્સ લાઇફ વિષે ‘ગાંધી નેકેડ એમ્બીશન’. મોટા માણસની એબ પશ્ચિમમાં તો આડેધડ પ્રગટ થાય છે એમાં કોઈને કશું લાગતું નથી. પણ અહી ધરતીકંપ થઈ જતો હોય છે. મોનિકા પ્રકરણ થયા પછી પણ બીલ ક્લીન્ટનનું માન એટલું જ છે. મોનિકા ક્લીન્ટન સમાચાર પહેલીવાર ટીવી પર પ્રગટ થયાને એક ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ બૂમ પાડી ઊઠેલી એના ઘરમાં કે આતો થવાનું જ હતું. આતો ઉત્ક્રાંતિનો ક્રમ છે. ગાંધીજી માટે ટૂંકી પોતડી પહેરવી, સાદું જીવન જીવવું, લીમડાની કડવી ચટણી ખાવી સહેલું હતું, પણ બ્રહ્મચર્ય પાળવું અતિ કઠિન હતું. માટે અતિ ઉત્સાહમાં ઇન્ડિયન ઓપીનીયનમાં લખી ચૂકેલા કે દરેક હિન્દુસ્તાની જે આદર્શ જીવન જીવવા માંગતો હોય તેને લગ્ન કરવા નહિ અને અને કરે તો બ્રહ્મચર્ય પાળવું. અને આવી ફરજ એમના આશ્રમમાં ફરજિયાત પડાવવાની હિંસા કર્યા કરતા. બસ અહી એમણે તાંત્રિક પ્રયોગો શરુ કર્યા આશ્રમની સ્ત્રીઓ સાથે સૂવું, સ્નાન કરવું અને છતાં બ્રહ્મચર્ય પાળવું. આશ્રમમાં રહેતા સ્ત્રી પુરુષોએ પતિ પત્ની હોય છતાં અલગ સુવાનું. સેકસના વિચારો આવે તો ઠંડા પાણીથી સ્નાન અરધી રાત્રે પણ કરી લેવાનું. ગાંધીજીના સેક્રેટરી અને અંગત ડૉક્ટર યુવાન એવા સુશીલા નૈયર એમની સાથે એક બાથરૂમમાં સ્નાન કરતા તેનો વાંધો બીજા આશ્રમવાસીઓને આવતો. બીજી બહેનોને પણ આવો લહાવો લેવો હોય તેમને સુશીલા નૈયરની ઈર્ષ્યા આવતી. સુશીલા નૈયરે ઈન્ટરવ્યું લેતા પુછેલા સવાલના જવાબમાં ગાંધીજી સાથે નગ્ન સ્નાન કરતા તેનો ઇનકાર કરેલો નહિ.

આશ્રમની સ્ત્રીઓ એમના પતિ સાથે સૂતી નહિ, પણ ગાંધીજી સાથે બ્રહ્મચર્યના પ્રયોગો કરવા સુવા તૈયાર થઈ જતી. ગાંધીજી નખશિખ પ્રમાણિક હતા. કશું છુપાવતા નહિ. એમના પત્રો દ્વારા બધું જાણવા મળેલું છે પણ ઘણા બધા પત્રોનો નાશ કરવામાં આવ્યો છે. લેખક જેડ આડમ્સ લખે છે કે ગાંધીજીએ બ્રહ્મચર્યનો વિચાર નવેસરથી રજૂ કરેલો, તેઓ કહેતા કે જે વ્યક્તિ ઈશ્વરના સાંનિધ્યમાં સતત જીવે છે તે જાગરૂકતા કે અજાગ્રત અવસ્થામાં વીર્ય સ્ખલન કરે તેનો વાંધો નહિ, એવી વ્યક્તિ સ્ત્રી સાથે નગ્ન સૂઈને બ્રહ્મચર્ય પાળી શકે છે, ફક્ત એનો ઇરાદો વાસનામય ના હોવો જોઈએ. ગાંધીજીની વાતો કોઈ સમજી શક્યું નહિ. એમની સાથે નગ્ન સુવાના પ્રયોગો કરતી યુવાન મનુ અને આભાનાં કુટુંબમાં ખૂબ વિવાદ જાગ્યો. એક ભત્રીજાની દીકરી હતી અને એક ભત્રીજાના દીકરાની વહુ હતી. ઘણા બધાએ આશ્રમમાંથી રાજીનામું આપ્યું અને છુટા થયા. ગાંધીજીના આવા પ્રયોગો જવાહરને અકુદરતી અને એબ્સર્ડ લાગતા. નેતાઓને થતું કે બ્રહ્મચર્યના આવા પ્રયોગો શું કામ કરતા હશે? અને પાછા જાહેર કેમ કરતા હશે? ભારતમાં ખાનગીમાં બધું ચાલે. પણ ખાનગી રાખે તો ગાંધીજી શાના? વલ્લભભાઈએ પણ અણગમો રજૂ કરેલો. મોરારાજીદેસાઈને પણ મનુ અને આભાને ટેકવીને ગાંધીજી ચાલતા તે ના ગમતું. મહાત્મા થયા તો શું થયું, આમ નાની છોકરીઓને ખભે ટેકવીને ચલાય? આવું મોરારજી કહેતા. અહી ભારતીય મનોદશા વ્યક્ત થાય છે.

ભારતમાં પુરુષો એકબીજાને ખભે હાથ રાખીને ચાલે વળગે તો લોકોને કશું અજુગતું લાગે નહિ, પણ કોઈ સ્ત્રીને ખભે હાથ મુકીને ચાલે તો ખરાબ ગણાય. જયારે પશ્ચિમમાં ઊંધું છે. અહી પુરુષો એકબીજા પર વધારે ભાવ વ્યક્ત કરે, ખભે ટેકવીને ચાલે તો લોકો સમજે ગે હશે, સજાતીય હશે. પશ્ચિમ જગતમાં સ્ત્રી મિત્ર હોય તે કુદરતી ગણાય. સ્કુલમાં પણ કોઈ છોકરો કે છોકરી વિજાતીય મિત્રો ના રાખે અને છોકરો છોકરા સાથે જ કે છોકરી છોકરી સાથે જ મિત્રતા રાખે તો શંકાની નજરે જુએ. કોઈ ખામી હશે જરા જોજો એવી સુચના માબાપને અપાતી હોય છે. જોકે હવે તો આ સમાજ એટલો બધો સ્વતંત્ર અને છૂટછાટ વાળો બની ગયો છે કે એમાં પણ કોઈને અજુગતું લાગતું નથી.
રામાનુજ દત્ત ચૌધરીના પત્ની અને રવીન્દ્રનાથ ટાગોરના દૂરના ભત્રીજી સરલાદેવી ચૌધરી ગાંધીજી ઉપર ભરપૂર પ્રેમ વરસાવતા. કાલેન્બાશ નામના જર્મન મિત્રને ગાંધીજીએ

લખેલું કે હું એમને મારી બૌદ્ધિક પત્ની માનું છું. બૌદ્ધિક સાથીદારી કસ્તુરબા આપી નહિ શક્યા હોય. ગાંધીજી અસ્વસ્થ હોય ત્યારે સરલાદેવીને ઉષ્માભર્યા પત્રો લખતા. બંને વચ્ચે આધ્યાત્મિક સાથીદારી શક્ય છે કે નહિ તેની ચર્ચા પણ થયેલી.

જર્મન જ્યું કાલેનબાશ દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી સાથે જોડાયેલો હતો. Joseph Lelyveld “Great Soul” માં કાલેન્બાશ અને ગાંધીજી વચ્ચે અતિ અંગત અને અસંદિગ્ધ સંબંધો હતા તેવું નોંધે છે. કાલેનબાશને ગાંધીજીએ ૨૫૦ પત્રો લખેલા તેનું લીલામ બ્રિટનમાં થયેલું. ગાંધીજીએ એક પત્ર કાલ્નેબાશને લખેલો. એના લીધે ખૂબ વિવાદ જાગ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલનાં રીવ્યુંઅર એન્ડ્ર્યુ રોબર્ટ અને લંડનના ડેઈલી મેલનાં લેખોએ ખૂબ વિવાદ જગાવ્યો છે અને એના લીધે આ પુસ્તક ઉપર ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ મુકાયો છે. પત્રમાં ગાંધીજીએ લખેલા વાક્યો “Your portrait(the only one)stands on my mantelpiece in the bedroom. The mantelpiece is opposite to the bed. The eternal toothpick is there. The corns, cottonwool and vaseline are a constant reminder. The pen I use in each letter it traces makes me think of you. If, therefore, I wanted to dismiss you from my thoughts, I could do it………………The point to illustrate is to show to you and me how completely you have taken possession of my body. This is slavery with a vengeance.”આ પત્રે ગાંધીજીને સજાતીય ચીતરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. કાલેન્બાશ સાથે પત્રવ્યવહાર કરતી વખતે ગાંધીજી પોતાને અપર હાઉસ અને કાલેન્બાશને લોઅર હાઉસ તરીકે સંબોધન કરતા. બે પુરુષ મિત્રો વચ્ચે ખુબ પ્રેમભાવ હોય તો ભારતમાં અજુગતું લાગે નહિ, પણ પશ્ચિમના સમાજમાં ગે હશે તેવું સમજાય તેમાં અજુગતું નથી. એવા તો કેટલાય પત્રોમાં ગાંધીજીએ અંતેવાસીઓને સલાહ આપી છે વેસેલીન કઈ રીતે અને ક્યા વાપરવું. વેસેલીન પગે લગાવવામાં અને એનિમા લેવામાં આશ્રમમાં વપરાતું.

Lelyveld નોધે છે કે ગાંધીજીની હત્યાના એક દિવસ પહેલા મનુને ગાંધીજીએ કહેલું કે કોઈ મને ગોળી મારે અને એની ગોળી મારી છાતી ઉપર વાગે ત્યારે કોઈ આહ વગર મારા મુખમાંથી રામનું નામ નીકળે તો જ મને સાચો મહાત્મા માનજો. એક સપ્તાહ પહેલા બોમ્બ નાખીને એમની હત્યાનો પ્રયાસ થઇ ચુક્યો હતો, અંતે એમને સમજ પડી ગયેલી કે કોઈ મારી હત્યા કરવાનું છે. મનુને ગોડસે એ ધક્કો મારીને હડસેલી મુકેલી. ગોળીના અવાજે મનુનાં કાનમાં ક્ષણ માટે બહેરાશ લાવી દીધેલી. મનુ હે!રામ! સાંભળવા માટે અપેક્ષિત પૂર્વનિર્ધારિત તૈયાર હતી. ગોડસે અને વિષ્ણુ કરકરે કહેતા કે ખાલી દુખ ભર્યા આહ!શબ્દો જ નીકળ્યા છે. એમની પાછળ ચાલતા શીખ વ્યાપારી ગુરુબચનસિંગે કશું પ્રાર્થના જેવું સાંભળેલું. પ્યારેલાલ કહેતા બે શબ્દો રામ રામ નીકળ્યા છે. જે હોય તે એમનું મહાત્માપણું બે શબ્દો રામ રામ માટે મોહતાજ નહોતું. ઓશો કહેતા કે ગાંધી જેવો માણસ હજાર વર્ષે પણ પેદા થાય નહિ. આઈનસ્ટાઇન કહેતા કે આવો માણસ પૃથ્વી પર ફરતો હતો તેવું ભવિષ્યમાં કોઈ માની પણ નહિ શકે. દુનિયાભરના કેટલાય સફળ ક્રાંતિકારી રાજનેતાઓએ એમનામાંથી પ્રેરણા લીધી છે.

ગાંધીજીને જીવતા હતા ત્યારેજ કોંગ્રેસીઓએ કોરાણે મૂકી દીધેલા. હવે આઝાદી મળી ગઈ હતી, હવે એમની જરૂર નહોતી. નાના બાળકની જેમ રિસાઈને જવાહરે વડાપ્રધાનપદ મેળવી લીધું હતું. દોઢસો વર્ષ દેશસેવા માટે જીવવાની ઈચ્છા ધરાવનાર ગાંધીજીની જીજીવિષા મરી પરવારી હતી. ભાગલાનું અને તેના લીધે થયેલી લાખોની હત્યાએ ગાંધીજીનું હૃદય તોડી નાખ્યું હતું. એ પારાવાર દુખી હતા. ગાંધીજીની કલ્પનાનું આદર્શ ભારત આજે બની શક્યું નથી. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું નવ સંઘરવું. ચોરી કરવી આપણો ધર્મ બની ચુક્યો છે, વણ જોઈતા ૧૫૦૦ બિલિયન ડોલર્સ ભારતના મહા ચોરોએ સ્વીસ બેન્કોમાં સંગ્રહી રાખ્યા છે. આજ ચોરો સરકારમાં બિરાજે છે. બાબા રામદેવ કે અન્ના હજારે ગમે તેટલાં ઉપવાસ કરો પૈસા પાછા આવવાના નથી. જે લોકો લાવી શકે છે તેમના જ પૈસા સ્વીસ બેન્કોમાં છે.

ગાંધીજી અને મહાવીરની અહિંસામાં આભજમીનનો ફેર છે. ગાંધીજીની અહિંસાએ ભારતને આઝાદી અપાવી તેવું ઘણા બધા માનતા હોય છે. આઝાદી કોઈ એક વ્યક્તિના કાર્યોનું ફળ નથી. હજારો લાખો વ્યક્તિઓના સામૂહિક કાર્યનું ફળ આઝાદી છે. ગાંધીજી બહુ પાછળથી આઝાદીની લડતમાં દાખલ થયા. તે પહેલા પણ આઝાદીની ચળવળ શરુ થઈ ચૂકી હતી. અરે ઝીણા સુધ્ધા ગાંધી પહેલા આ ચળવળમાં જોડાઈ ચૂકેલા હતા. એ હિસાબે ઝીણા સીનીયર હતા. આજ અહંકાર ઝીણાને છેક સુધી નડ્યો. મોટાભાગે તૈયાર પ્લેટફોર્મ પર ગાંધીજીને બેસવા મળી ગયું હતું. પણ એકવાર ચળવળમાં દાખલ થયા પછી તમામ દોર ગાંધીજીના હાથમાં ચાલ્યો ગયો. બીજી બાજુ ભગતસિંહજી જેવા ક્રાંતિકારો એમની રીતે લડતા હતા.
ચાલો માર ખાઈને જીતવાનું મનોવિજ્ઞાન જોઈએ. ધારો કે તમારે કોઈ સાથે ઝઘડો થયો. હાથાપાઈ શરુ થઈ. સામેવાળો પ્રતિકાર કરશે તો લડવાનું ઓર શૂરાતન ચડશે. સામસામી મારવાનું થશે તો લડવાનું ઓર થવાનું, એક જોર ચડવાનું. પણ સામેવાળો નબળો હોય અને ફક્ત માર જ ખાય અને કોઈ પ્રતિકાર ના કરે તો તમારું મારવાનું જોર ઘટી જવાનું, શૂરાતન ઓછું થઈ જવાનું, કોઈ મજા નહિ આવે મારવાની. થોડીવાર આવેશમાં તમે માર્યા કરશો પછી અચાનક બધું જોર ઓસરી જશે. કોઈ શરણે થઈ જાય પછી એને મારવાનું કોઈ પ્રયોજન હોતું નથી. કોઈ ખાલી માર જ ખાધે રાખે તો તમે થાકી જવાના. સામો મારે તોજ લડવાનું મન થશે. પ્રાણી જગતમાં પણ તમે જોયું હશે. શેરીમાં બે કૂતરા લડતા જોયા જ હશે. એક કૂતરું પૂછડી દબાવી આળોટી પડે તો બીજું એને બહુ મારી નહિ શકે. તમે નિઃશસ્ત્ર માણસને મારી મારીને કેટલો મારો તમને પોતાને અપરાધભાવ પેદા થવાનો.

ગાંધીજી અજાણતાં જાણતાં હતા કે લડવું આપણી ભારતની પ્રકૃતિ રહી નથી. એના માટેનું કૌશલ્ય રહ્યું નથી, એના માટેનું જોમ રહ્યું નથી, એના માટેની શિસ્ત રહી નથી. અહી ટોળાં ભેગાથાય, કોઈ આયોજન હોય નહિ. લડવા માટે આયોજન જોઈએ. એક ખુમારી જોઈએ. એક આક્રમકતા જોઈએ. માર ખાવા માટે એક સહન શક્તિ જોઈએ જે આપણે હજારો વરસથી મેળવી ચૂક્યા છીએ. શિસ્તબદ્ધ માર ખાવાની, આયોજન બદ્ધ માર ખાવાની યોજનાઓ ગાંધીજીએ ઘડી કાઢી. અંગ્રેજો થાકી ગયા. સામસામી લડવામાં ઓછો થાક લાગે. એક તરફી લડવામાં જલદી થાકી જવાય. ઘણા બધા સામૂહિક પરિબળોએ ભારતને આઝાદ કરવામાં ફાળો આપ્યો છે. ભલે બળવાન બ્રિટન હિટલર સામે જીત્યું પણ આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યું હતું. એ રીતે નિર્બળ બની ચૂક્યું હતું. એનો પોતાનો પથારો અડધી દુનિયા પર ફેલાવીને બેઠેલું, હવે એનો ભાર ખમાતો નહોતો. સબળતા અને નિર્બળતા સાપેક્ષ છે. કોઈ ક્યારે સબળ બની જાય ક્યારે નિર્બળ, કહેવાય નહિ. બળવાન હિટલર મિત્ર દેશોના સ્વાર્થી સંગઠન આગળ નિર્બળ બન્યો. યહૂદીઓ આખી દુનિયામાં ફેલાયેલા હતા તે કોઈ એક જગ્યાએ સંગઠિત નહોતા તે એમની નિર્બળતા. વાવાઝોડા સમયે અકડું એકલું વૃક્ષ ગબડી જાય તે એની નિર્બળતા અને ઘાસ નમીને બચી જાય તે એની સબળતા. ભલ ભલી સંસ્કૃતિઓ નાશ પામી, પણ અતિશય વસ્તી વધારી સાવ નમીને આક્રમણકારો આગળ પૂછડી પટપટાવી સર્વાઈવ થઈ ગયા તે આપણી સબળતા જ ગણાય. એકલાં ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી તેવું કહેવું અને માનવું વધારે પડતું છે. અહિંસાએ આઝાદી અપાવી તેવું કહેવું પણ વધુ છે. આપણે હિંસક તો છીએ, પણ ટોળામાં. કોઈ શિસ્તબદ્ધ સૈન્ય સામે નહિ. આપણે અહીન્સકો ભાગલા પડ્યા ત્યારે એકબીજાને પોતાના ભાઈઓને સામસામી મારીને બહાદુર બની ગયા. આશરે ૧૦ લાખ લોકો માર્યા ગયા. ક્યાં ગઈ અહિંસા?

અનેક ખામીઓ સહીત ગાંધી અજોડ હતા. જેમનું જીવન એક ખુલ્લી કિતાબ હતું એવા એક સ્વપ્નીલ ભારતીયે સેવેલું આદર્શ ભારત, ક્યા છે? વિડમ્બના એ છે કે એમની હત્યા કરનારા ગોડસેના અસ્થી અખંડ હિન્દુસ્તાન બને તેની રાહ જોતા હજુ મૂકી રખાયા છે. વર્ષમાં એકવાર એની પૂજા થાય છે. બંનેનું સ્વપ્ન અખંડ હિન્દુસ્તાન હતું.