મીનાક્ષી વખારિયા
vakhariaminaxi4@gmail.com
લાલ ગુલાબ
જલ્પા અને જીગ્નેશ બાળપણના ઘનિષ્ઠ મિત્રો હતા. સ્કૂલ કૉલેજમાં તો સાથે હતાં જ. બી.કોમ. થયા પછી શહેરની જાણીતી કૉલેજમાં એમ.બીએ.ઇન ફાયનાન્સમાં પણ સાથે જ પ્રવેશ મેળવેલો, એટલે કોલેજ ઉપરાંત લાયબ્રેરીમાં વાંચવા પણ સાથે જ જતાં. જીગ્નેશ નાનપણથી ભણવામાં અવ્વલ હતો તેથી તે જલ્પાને પણ ભણવામાં અવારનવાર મદદરૂપ થતો હતો.
આમાં શું મોટી વાત ? આવું તો સહપાઠીઓમાં ચાલ્યા કરે,તમને એવું લાગતું હશે ને ? ટ્વિસ્ટ અભી બાકી હૈ, મેરે ભાઈ. જલ્પા માટે એવું હતું કે તેને જીગ્નેશનો સાથ ગમવા લાગેલો, બંને સાથે હોય ત્યારે તે જીગ્નેશમય બની જતી, અને બંને સાથે ન હોય ત્યારે તે જીગ્નેશના વિચારોમાં ખોવાયેલી રહેતી, જયાં નજર કરે ત્યાં જીગ્નેશની છબી નજર સામે આવી જતી. ભણવામાં પણ તેનું ધ્યાન હટવા લાગેલું, જીગ્નેશ જલ્પા પર ચિડાય જતો, પણ જલ્પાના વશની વાત નહોતી, કારણ અહિયાં તો ‘દિલ હૈ કી માનતા નહીં જેવો ઘાટ થયેલો. જીગ્નેશ તો પુસ્તકીયો કીડો હતો, બિલકુલ પંતૂજી જ જોઈ લો. ક્યારેક કોલેજ કેંટિનમાં કોફી પીવા જાય ત્યાંય ભણવાની જ વાત નીકળતી જાણે પુસ્તકો અને કેરિયર સિવાય બીજી કોઈ દુનિયા જ ન હોય .
જલ્પાના દિલ દરિયામાં તો ઊર્મીઓની ભરતી હિલોળા લઈ રહી હતી. તેને થતું કે તે પોતે દેખાવમાં શ્યામ અને કદમાંયે સાધારણ હતી જ્યારે જીગ્નેશ તો રૂપાળો ને મેચો મેન ! તેથી તેને મારામાં કોઈ રસ નહીં હોય.કદાચ અત્યાર સુધીનો તેમનો સાથ સંગાથ માત્ર મિત્રતા પૂરતો જ રહી જશે. જલ્પાના હોઠ ખૂલી ખૂલીને બિડાય જતાં હતા પ્રેમનો એકરાર કરવાની પહેલ કરવાની હિમંત જ નહોતી થતી. એમ.બીએ.નાં છેલ્લા સેમિસ્ટરની શરૂઆત થતાં સુધીમાં તો જલ્પાના માવતર સારો મુરતિયો શોધવાના કામે લાગી ગયા, જલ્પાને લાયક ઘણા ઠેકાણા આવતાં, તેની મમ્મીએ બતાવેલા ફોટાને જોયા ન જોયા કરતી આખરે કહી જ દીધું કે ‘કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી હજી મારે પરણવાની વાર છે’ કહી મમ્મીને શાંત કરી દીધી. આવું ક્યાં સુધી ચાલશે તે વિચારતી કોઈને કોઈ દિવસ તો મમ્મીની વાત માનવી પડશે ને !
એના મનમાં ઊંડે ઊંડે એક આશા હતી કે હવે આવતાં વેલેન્ટાઇન ડેએ તો જીગ્નેશ જરૂરથી એને પ્રપોઝ કરશે પણ તે આશા ઠગારી નીવડી. આમને આમ એ છેલ્લું સેમિસ્ટર પણ પતી ગયું હવે તે લોકોનું મળવાનું ઓછું થઈ ગયેલું, મળે તો પણ કેમ છો કેમ નહીંથી વાત આગળ ન વધતી. જલ્પાને તો ઘણીએ વાત કરવી હોય પણ પેલા ભાઇનો રિસ્પોન્સ જ ન હોય તો શું કરે ? તેની તો મનની મનમાં જ રહી જતી. જલ્પાને ક્યાય ચેન પડતું નહોતું, એક દિવસ તો ચિડાઈને નિશ્ચય કર્યો કે તેની સાથેના સઘળા કોન્ટેકટ કટ કરી દેવા અને ખરેખર એ ઝીદ્દી છોકરીએ એમ જ કર્યું.
આવતાં રવિવારે તો તેને જોવા માટે છોકરાવાળા આવવાના હતાં...... એ દિવસે તે વહેલી ઉઠી ગઈ અને મમ્મીને ઘરકામમાં મદદ કરવા લાગી. હજી તો તેણે દિવાનખંડ પણ સજાવવાનો હતો, બીજા ઘણાં કામ બાકી હતાં એવામાં ડોરબેલ રણકી, ‘કોણ આવ્યું હશે’ એમ બબડતા દરવાજો ખોલ્યો તો સામે કોઈ હાર્ટ શેપનો બૂકે લઈ ઉભેલું. ‘કિસને ભેજા હૈ?’ પૂછતાં બૂકે હાથમાં લેવા ગઈ તો બૂકે પાછળ છુપાયેલા જીગ્નેશને જોયો,’અરે જીગ્નેશ તું !’ બોલતા તેણે દરવાજો ખોલી તેને અંદર આવવા કહ્યું. જલ્પાના મમ્મીપપ્પાના આશ્ચર્ય વચ્ચે જીગ્નેશ દિવાનખંડમાં આવી ઘૂંટણીયે પડી, લાલગુલાબ જલ્પાને આપતાં તેનો હાથ પકડી બોલ્યો કે, ‘આઈ લવ યુ જલ્પા, તું જ મારી વેલેન્ટાઇન ! તારા અબોલા તારી જુદાઇએ મને પ્રેમનો અહેસાસ કરાવ્યો છે.મારો સ્વીકાર કર, ના ન પાડતી.’ આંખોમાં હર્ષાશ્રુ સાથે જલ્પાએ હકારમાં ડોકું હલાવ્યું. આજે તે અનહદ ખુશ હતી, આજનો દિવસ તેના માટે ખરો ‘વેલેન્ટાઇન ડે’ હતો .