નીતા કોટેચા
Neetakotecha.1968@gmail.com
9867665177
9699668394
પાછી આવેલી..
બે વ્યક્તિઓ જ્યારે લગ્નગ્રંથિ થી જોડાય છે ત્યારે તેઓ આજીવન નહી પણ સાત જન્મો સુધી સાથે રહેવાના વાયદા એક્બીજાને આપે છે..
પણ જ્યારે એ સંબંધમાં તડ પડે છે ત્યારે સાત મિનિટ પણ સામે ઉભા રહેવા તૈયાર હોતા નથી. કદાચ માતા પિતા ના સંસ્કાર અને આબરુ બચાવવા ભેગાં રહી લે તો પણ મન પાછુ સંધાતુ નથી.અને જો બંને અલગ થાય તો તો પાછા એક થવુ એ તો શક્ય જ નથી રહેતુ.આવુ જ કાંઇક મારા માસીની દીકરી ભારતી સાથે થયુ.
ભારતી પર એક લેબલ ચોટાડી દેવામા આવ્યુ હતુ" પાછી આવેલી"
મને કોઇ પણ મળતું અને જો ભારતી ની વાત નીકળતી તો એમ જ પુછ્તુ તારી માસી ની દીકરી તો "પાછી આવેલી" છે ને..મને આ શબ્દથી બહુ દુખ થતુ પણ હુ કંઇ જ કહી ન શક્તી. માસી એ કોઇ દિવસ એમની દીકરીઓને અમારી સાથે ભળવા જ નહોતી દીધી કે ભારતી પોતાનાં મન ની કોઇ વાત અમને કહે..
મને હંમેશ એમ થતુ કે માસી કેમ આવું કરે છે પણ માસા અને પપ્પા ને કોઇ દિવસ જામતું નહી . બંને ના અભિમાન હંમેશ એક્બીજાને નડતા. અને એટલે એ કદી વધારે સંબંધ વધારવા દેતા નહી.પણ આ બધામા સૌથી વધારે સહન કરવાનું આવ્યું બંને બહેનોને .કારણ બાણપણથી જે સાથે મોટી થઈ હોય આજે એ પોતાની મરજી થી એક બીજાને મળી પણ નહોતી શક્તી.અને મળતી તો ડરી ડરીને..મને હંમેશ સ્ત્રીઓ ની જિંદગી માટે દુખ રહ્યુ છે કે પરણે એટલે પિયરિયાને મળવા માટે એણે પારકા પુરુષની રજા લેવાની? આ કેવો ન્યાય હતો..આપણે કહેતા કે ધ્રુત્રરાષ્ટ્રની ભૂલ હતી , ત્યાં બેઠેલા બધા મહાન વ્યક્તિઓ ની ભૂલ હતી કે જેમને ભરી સભામાં દ્રૌપદીનાં ચીર હરણ સામે કોઇ અવાજ ન ઉઠાવ્યો. તો આજે લોકો શું કરે છે..આજે પણ પુરુષો સ્ત્રીઓ પર હાથ ઉપાડે છે. અને આજે પણ પરણ્યા પછી પુરુષોની મરજીથી જ જીવવુ પડે છે..તો કયા હિસાબે આપણે કહી શકીયે કે જમાનો બદલાણો છે.?આજે પણ માતા પિતા કહે છે કે થોડો ત્રાસ ચલાવી લેવો જોઇયે. દૂનિયા ક્યારેય બદલાવાની નથી ..
આજે અચાનક ભારતી મને બજાર મા મળી ગઈ. મને જોઇને ઉભી રહી ચોર નજરે આજુબાજુ જોયુ..મને સમજાતુ ન હતુ કે એ કોનાથી ડરતી હતી..હમણા તો એ એના પિયરમા હતી. કાંઇ ખબર નહોતી પડતી..અને પછી મારી તરફ આવી અને પૂછ્યું "કેમ છે?"
મને બહુ જ અચરજ થયુ કારણ દૂર થી જોવે તો પોતાનો રસ્તો બદલાવી દેનારી આજે ભારતી મારી સાથે ખાસ વાત કરવા ઉભી રહી હતી. મે જોયુ એના ચહેરાનું તો જાણે નુર જ ઉડી ગયું હતું.મે જવાબ આપ્યો" ભારતી , હુ મજામાં છું તુ કહે કેમ છે તુ? અને મને એ કહે " તુ અહિયા તારા પિયરમા છો તો તુ કોને શોધે છે અને કોનાથી ડરે છે? "
ભારતી એ મારી વાતનો કો જવાબ ન આપ્યો..
અને પુછ્યું.
"તારી પાસે થોડો સમય છે મીનુ?"
મે કહ્યુ " હા બોલને"
ભારતી એ કહ્યુ " એમ ઉભા ઉભા નહી . આપણે ક્યાંક શાંતિ થી બેસીને વાત કરીયે."
આમ તો હુ ઘરેથી કહીને પણ નહોતી નીકળી અને મારા સાસુ પણ આકરા હતા જે સમય પર કહી ને ગઈ હોવ એ સમય પર ન પહોચુ તો બુમરાડ મચાવી દેતા હતા. અને એ કંકાસ રાતનાં મનોજ આવે ત્યાં સુધી ચાલે. પણ ભારતીનાં ચહેરા સામે જોઇને ના પાડવી મને યોગ્ય ન લાગ્યું હુ અને એ નજીકનાં બગીચામાં જઈને બેઠા.હજી ભારતી ચોર નજરે આજુબાજુ કોઇક્ને શોધતી હતી કે કોઇક્થી છુપાતી હતી એ મને સમજાતુ ન હતુ..
વાત શરુ કોણ કરે એને અસંમજસમાં બંને હતા. આખરે મે વાત શરુ કરી" બોલ ભારતી , શું કરે છે આજકાલ, કોઇ જોબ જોઇન્ટ કરી કે નહી? અને પહેલા તુ ટ્યુશન કરતી હતી એનું શું થયું?એ ચાલુ કર્યા કે નહી પાછા?
મારી વાત સાંભળીને ભારતી એકીટશે મારી સામે જોવા લાગી અને એની આંખમાથી અશ્રુ સરી પડયા..મે એને સાંત્વના આપી અને કહ્યુ" ભારતી આજે મારી પાસે તારુ હૈયુ ખોલી નાંખ.."
જાણે ભારતી માટે બોલવાનું કારણ મળ્યું હોય એમ એણે કહ્યું" મીનુ તુ મારી મદદ કરીશ?
મે કહ્યું ;" બોલને શું મદદ કરુ?"
ભારતી એ કહ્યુ " મીનુ જ્યારથી ઘરમાં ભાભી આવી ગયાં છે મારૂ જીવવું નર્ક બની ગયું છે. એ મને એકલામા એટલાં મેણા ટોણા મારે છે અને પાછાં બધાં સામે મને ખૂબ સાચવે છે. જેને લીધે હુ કોઇને એમની ફરિયાદ પણ નથી કરી શક્તી. કારણ કોઇ માનશે જ નહી. આટલું વખત તો મે સહન કર્યુ પણ કાલે તો મીનુ હદ જ થઇ ગઈ. મમ્મી ઘરે ન હતા હુ જમવા બેઠી તો મને એમણે કહ્યુ " હે ભારતીબેન તમને એમ ન થાય કે તમારે આમ ઘર છોડીને આવતા રહો પછી અહીંયાં રહો તો તમારે પણ કમાવું જોઇયે.તમને એમ ને એમ ખાવાનું ઉતરે છે કેમ? અને પતિ જેવો હોય એવો પણ પતિ વગર જીવાય કેવી રીતે મને તો એ જ ખબર નથી પડતી. તમે તો ભારે પત્થરદિલ છો"
અને મીનુ કાલથી હુ કોળિયો જમી નથી શકી. આના કરતા એમ થાય છે કે મારો પતિ મને મારતો હતો એ સારું હતું. કમસેકમ પ્રેમ પણ કરતો તો હતો . સારુ પહેરાવતો અને ખવડાવતો તો હતો .. હા એનો ગુસ્સો ખૂબ હતો અને એ મારતો ત્યારે પાછું વળીને જોતો નહી. પણ મારી ભાભી જે મને ત્રાસ આપે છે એ તો મારા પતિના જુલમ કરતા પણ ખરાબ છે..તુ મારા પતિ સાથે વાત કરીને મારું લગ્ન જીવન પાછું ગોઠવી દઇશ. હુ તારો ઉપકાર ક્યારેય નહી ભૂલું..અને હા મારા ઘરમાં કોઇને આ વાતની ખબર ન પડે એ ધ્યાન રાખજે..મને ખબર છે કે તુ આ કામ કરી શકીશ..કરીશ ને મીનુ?"
એની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ હતી..કે ભાભી આવુ કરે છે અને બહેન ભાઇ ને અને માતા પિતા ને કહી નથી શક્તી કેવી છે આ વિચિત્ર દૂનિયા? એની મારા પરની આશા એ મને હજી વિચારવા મા મજબૂર કરી નાંખી કે હુ એને ના કેવી રીતે કહુ..હુ વિચારવા લાગી કે પોતાનાં પિયરમાં પાછી આવેલી દીકરી માટે સ્થાન નથી રહેતુ. એણે એ વ્યક્તિ પાસે પાછુ જવાનુ વિચારવું પડે છે જે એને મારતો હોય છે..કેવી હાલત છે આજે પણ સ્ત્રીની..છતા ભારતીને આશ્વાસન આપ્યુ અને વાયદો આપ્યો કે હુ જરૂર વાત કરીશ..
બંને છુટ્ટા પડવાની તૈયારી કરતા હતા ત્યાં મને યાદ આવ્યુ કે ભારતી એ કહ્યુ હતુ કે એ કાલથી કંઇ પણ જમી નથી.. ત્યાં બગીચાનાં દરવાજા પાસે મે પાણીપુરી વાળા ને જોયો..મે ભારતીને કહ્યુ" યાર ભારતી, ચાલ ને પાણીપુરી ખાઇયે, બહુ ઇચ્છા થાય છે યાર..એકલા ખવાય નહી.. અને બાળકો મોટા થઈ ગયા છે. કોઇ કંપની રહી નથી."
ભારતી ફિક્કુ હસીઅને કહ્યુ " મીનુ હુ તને ઓળખુ છુ. હુ કાલથી જમી નથી એટલે મને ખવડાવવા આમ કહે છે ને . પણ હા મીનુ મને બહુ ભૂખ લાગી છે . ના નહી કહુ. ચલ ખાઇયે.."
અમે બંને એ ખૂબ નાસ્તો કર્યો.. અને છેલ્લે રડતા રડતા ભારતી અલગ થઈ..મને પણ એમ થતુ હતુ કે હુ એને મારા ઘરે રહેવા લઈ જાવ..પણ આખરે હુ પણ એક સ્ત્રી..મારે પણ ક્યાં મારી મરજી થી જીવવા મળતુ હોય છે.
એ વાતને ચાર દિવસ વીતી ગયા. ઘરે હું જમવા બેસતી ને મને થાતુ ભારતી જમી હશે કે નહી?કાંઇ ખબર નહોતી પડતી કે શું કરુ? મનોજ મારા પતિદેવને વાત કરી તો કહે બીજા ના લફડામાં પડવા માટે હુ નવરો નથી..ખરાબ તો મને બહુ લાગ્યુ પણ લાચાર હતી.કેવી રીતે ભારતી ના વરને મળુ એ જ વિચારોમાં હુ રહેતી હતી.
આજે સવારથી નક્કી કર્યુ હતુ કે આજે શાક લેવા જવુ છે..બધુ કામ પરવારીને કંટાળીને શાક લેવા ઉતરી ..થોડુ કામ પતાવ્યુ ત્યા જોયુ તો સામે થી ભારતીનો વર સમીર આવતો હતો.. મે એમને ઉભા રાખ્યાં.અને પૂછ્યું" કેમ છો સમીરભાઇ?
સમીરે પણ સરખી રીતે જવાબ આપ્યોં.એટલે મારે હિંમત વધી.મે કહ્યું" આટલા વર્ષોથી તમે અને ભારતી અલગ થયા છો તમે પણ બીજાં લગ્ન નથી કર્યા અને ભારતી એ પણ બીજાં લગ્ન નથી કર્યા. તો પાછાં હવે ભેગા થઈને જિંદગી શરુ કરો ભાઇ"
મને અચરજથી જોઇને એમણે કહ્યું" આટલા ૧૨ વર્ષે આ વાત કોઇએ કરવી પડી..ભારતી પિયરમાં દુખી છે કે શું?
હુ બે મિનિટ માટે જાણે હેબતાઇ જ ગઈ.કે આ શું આમને કેવી રીતે ખબર પડી?
ત્યાં એ પાછુ બોલ્યાં" બેન , હવે સંસાર નથી માંડવો, ઇચ્છાઓ પૂરી કરવા માટે જોઇયે એટલી સ્ત્રીઓ મળી રહે છે ૨૦૦ ૨૦૦ રૂપીયામાં..ઘર માંડીને માથાકુટમા હવે નથી પડવુ એકવાર અને એ પણ આટલા વર્ષો અલગ રહ્યા પછી ભેગા રહેવાની કોઇ ઇચ્છા નથી . માફ કરજો બેન.."અને સમીર ચાલતો થયો..
આટલી નફ્ફટ વાત એક પુરુષ જ બોલી શકે એ વાત આજે નક્કી થઈ ગઈ હતી..સ્ત્રીઓ એટલે પુરુષો માટે શું ફક્ત વાસના સંતોષવાનુ સાધન જ હોય છે.?મને અફસોસ થતો હતો કે કેમ મે એક પુરુષ સાથે આ બાબતે વાત કરી..હુ હજી ધ્રૂજતી હતી..ત્યાં મને ભારતી યાદ આવી.કે હવે એને હુ શું કહીશ? જો સાચ્ચુ કહીશ તો એ જીવી જ નહી શકે..પણ એને એટલુ સત્ય તો જણાવવુ જ પડશે કે એ ઘર નથી માંડવા માંગતો.
બીજા બે દિવસ મે તોય કાઢી નાખ્યા. ભારતીને કહેવાની હિંમત નહોતી થતી.ત્યાં એક દિવસ સવારે ભારતીનો સામેથી ફોન આવ્યો અને મને સાંજે બગીચા મા બોલાવી.ત્યાં મે એને કહ્યુ" ભારતે, સમીરની આશા મુકી દે. એને સંસાર નથી માંડવો હવે. તુ તારી માટે નોકરી શોધી લે.. હુ નોકરી ગોતવામા મદદ કરીશ..
ત્યાં અચાનક ભારતી ઉભી થઈ અને ચાલવા લાગી. મે કેટલી કોશિશ કરી કે એ મારી સાથે વાત કરે પણ એ ન ઉભી રહી..
હુ પણ દુખી થઇ ને ઘરે ગઇ.. રાત આખી ભારતીનાં વિચારો એ મને સુવા ન દીધી. રાતનાં તોય ડરતા ડરતા મનોજને કહ્યુ કે કાંઇક કરો ને ભારતી માટે.. બીજાં દિવસે સવારે ૬ વાગે મમ્મીનો ફોન આવ્યો " મીનુ , માસી ના ઘરે પહોચ..ભારતીએ આત્મહ્ત્યા કરી લીધી છે.
હુ સ્તબ્ધ થઈ ગઈ..ઘરનું થોડુ કામ પતાવીને માસીનાં ઘરે પહોચી.ત્યાં જોયુ સૌથી વધારે ભારતીની ભાભી રડતા હતા.અને બોલતા હતા કે મે તો મારી સખી ગુમાવી. અને ભારતીનો ભાઇ એની પત્નીને શાંત પાડતો હતો. મને એમ થતુ હતુ કે ચીસો પાડીને સાચી વાત બધાને કહુ કે આ સ્ત્રીને લીધે જ આજે ભારતી એ આત્મહત્યા કરી હતી. જો પાછી આવેલી દીકરીને પિયરિયા સંભાળી લે તો આવી રીતે કોઇ દીકરીને ન મરવુ પડે.
ત્યાં આવેલા બધાનાં મોઢે એક જ વાત હતી " બીચારી "પાછી આવેલી" હતી"