Sukh in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | સુખ

Featured Books
Categories
Share

સુખ

લઘુનવલ સુખ લેખક: યશવંત ઠક્કર

[૧]

ઉનાળાના આકરા તાપમાં દહાડો એક તસુંય આગળ વધતો ન હોય એવું વાતાવરણ હતું. હરિપુર ગામની સીમ, કાળોતરા તાવમાં સપડાઈને ઊંધમૂંધ પડેલી કોઈ બાઈની જેમ સૂનમૂન પડી હતી. પવન જાણે સીમવટો ભોગવતો હોય એમ જરા પણ ફરકવાનું નામ નહોતો લેતો. ઝાડ જાણે પ્રખર સત્યાગ્રહીઓ પ્રતિજ્ઞા લઈને ઊભા હોય એમ સ્થિર ઊભાં હતાં. હઠયોગી જેવા ડુંગરા સૂરજનો તાપ વટથી ઝીલી રહ્યા હતા. ક્યારેક કોઈ પંખીડું મન વગરનું બોલી લેતું હતું. આવી સીમમાં રાવજી પટેલની વાડી, લોઢાની થાળીમાં સોનાની મેખની જેમ શોભી રહી હતી.

આવી બપોરે હરિપુર ગામના વલકુભાઈ લાંબાં ડગલાં ભરતાં ભરતાં પોતાના ખેતરથી ગામ તરફ જઈ રહ્યા હતા. આમ તો ખેતર જવાનું કોઈ કારણ નહોતું. રોજની જેમ હરજીવન ઠક્કરની દુકાને બેઠાં બેઠાં, બેચાર બીડીઓ ફૂંકતાં ફૂંકતાં ‘ઓણસાલ વરસાદ કેવો થશે’ની ધારણાઓ બાંધી હોત તો પણ અર્ધો દિવસ હેમખેમ નીકળી ગયો હોત. પરંતુ ઊગતા સૂરજની સાક્ષીએ જ વલકુભાઈના મનમાં એવી ચળવળ થઈ હતી કે ‘સાલું, એકને એક ઠેકાણે રોજ રોજ જાવામાં મજા નહિ. એના કરતાં એકાદ આંટો ખેતર ઢાળો માર્યો હોય તો આ એકલવાયા જીવને જરા મોકળાશ જેવું લાગે. વળી, રસ્તામાં જ રવજી પટેલની વાડી આવે. વાડીના ધોરિયામાંથી ખોબે ખોબે પાણી ગળા હેઠું ઉતાર્યું હોય તો ગાળાને થોડુંક સારું લાગે. વાડીની લીલોતરી જોઈને આ કરમફૂટલી આંખોને પણ ટાઢક વળે. અને, વાડીએ કોઈ જોવાલાયક ના’વાધોવા આવ્યું હોય તો...’

‘રામ, રામ, રામ!’ એમનાથી મનોમન આદતવશ બોલાઈ ગયું.

એમના મોઢેં કોઈ આડીઅવળી વાત કરે તો એ ત્રણ વખત રામનું નામ બોલતા. જો કે, એ ઘડીએ પોતાની અંદર શું નું શું થઈ જાય છે એ રહસ્ય તો એ પોતે જ જાણતા હતા. આડુંઅવળું કરવાની મજા પણ એમણે મનને સહારે કેટલીય વાર લીધી હતી. પરંતુ જળ એ જળ અને મૃગજળ એ મૃગજળ!

વલકુભાઈની હકીકત સાલી કાળમીંઢ પથ્થર જેવી હતી. ઉપરાછાપરી બબ્બે વરસ દુકાળમાં ગયાં એના કારણે એ દેવાના ડુંગર હેઠે દબાઈ ગયા હતા. એ ડુંગર હેઠેથી બહાર નીકળ્યા ત્યાં સુધીમાં તો લગ્નની વય પણ હાથતાળી દઈને નીકળી ગઈ હતી. સંજોગોએ એમની મૂછોની શરમ રાખી નહોતી. એમને કદાચ સપનામાં સંસારનું સુખ મળવાનું થાય તો એ ઘડીએ જ સપનું પણ ઊડી જાય એવા કોરા નસીબના એ માલીક હતા.

‘એ વલકુભા...ઈ’ સાદ સાંભળીને વલકુભાઈ ઊભા રહી ગયા. એમને ખ્યાલ તો આવી ગયો હતો કે, અવાજ ભાનુમા’રાજનો છે. એમણે અવાજની દિશા નજર નાંખી તો થોડે દૂર કાનજીઆતાના ખેતરની વાડની વચ્ચોવચ ઊભા ઊભા રહીને ભાનુમા’રાજ દયાની ભીખ માંગી રહ્યા હતા. એમના એક હાથમાં લોટ માંગવાની બોઘરડી હતી તો બીજા હાથમાં વાડના કાંટામાં ભરાયેલું ધોતિયું હતું.

કાંટામાંથી ધોતિયું છોડાવવાની મથામણ ભાનુમા’રાજ ક્યારના કરતા હતા. પરંતુ એ એક ઠેકાણેથી છોડાવે તો ધોતિયું બીજે ઠેકાણે ભરાતું હતું. વળી, લોટથી છલોછલ ભરેલી બોઘરડીને પણ સાચવવાની હતી. એમને મનમાં તો એવો ફફડાટ થઈ ચૂક્યો હતો કે, કાં તો આજે લોટ ઘરભેગો નહિ થાય ને કાં તો પોતાના ધોતિયામાં ધોતિયાપણું નહિ રહે.

વલકુભાઈ નજરે પડ્યા ને ભાનુમા’રાજાને લાગ્યું કે, અણીના સમયે સાક્ષાત ભગવાન, વલકુભાઈના વેષે આવી ચડ્યા છે.

‘વાડ્યમાં કાં ભરાણા માં’રાજ?” વલકુભાઈએ નજીક આવીને પૂછ્યું.

‘ઈ તો હું ડોયાવદર લોટ માંગવા ગ્યો’તો. વળતાં ખેતરવાટ લીધી. પણ વાડ્યમાં ક્યાય છીંડું જ ન મળે! આંય થોડી જગ્યા હતી તે મને એમ કે નીકળી જવાશે. પણ સલવાઈ ગ્યો.’

સહુથી પહેલાં વલકુભાઈએ મા’રાજના હાથમાંથી બોઘરડી લઈને બાજુ પર હેમખેમ મૂકી દીધી. પછી પોતાની લાકડીથી વાડમાં છીંડું પાડીને ભાનુમાં’રાજને એમનું ધોતિયું વાડમાંથી છોડાવવામાં મદદ કરી. વલકુભાઈનો હાથ પકડીને ભાનુમાં’રાજ વાડામાંથી બહાર આવ્યા ત્યારે એમના મોમાંથી ‘હા..શ!’ નીકળી ગયું.

વલકુભાઈએ વાડનું છીંડું પૂરી દીધા પછી બંને જણાએ ગામની વાત પકડી. ‘મા’રાજ., વાડમાં છીંડાં પાડતાં નો આવડતું હોય તો આવા ધંધા નો કરાય. બીજાના ખેતરની વાડ્યું ભાંગવાનાં કામ અમારી જેવા પાંહે કરવીને કોકની હારે બધવી મારશો.’ વલકુંભાઈએ ભાનુમા’રાજને ઠપકો આપ્યો.

‘અમારી જેવા લોટમંગાને છીંડા પાડતાં નો આવડે એટલે તમારા જેવા લોઠકા માણહની મદદ લીધી એમાં બધવી મારવાની વાત ક્યાં આવી? તમેય વલકુભાઈ, રજનું ગજ કરો છો. હવે ઈ બધી વાત જાવા દ્યો અને ઈ વાત કરો કે તમે ઘોડે ક્યારે ચડવાના છો?’

વલકુભાઈને લાગ્યું કે ભાનુમાં’રાજે પોતાની દુઃખતી રગ દબાવી દીધી છે. પરંતુ, પોતાને જાણે જરાય વસમું ન લગ્યું હોય એ રીતે એમણે જવાબ આપ્યો, ‘આપણે તો ઘોડે ચડી રહ્યા મા’રાજ! ખરો વખત હતો ત્યારે મેળ ખાધો નહિ ને હવે એમ થાય છે કે ઈ વાતમાં મજા નહિ આવે.’

‘મારું સગપણ તો નક્કી થઈ ગયું.’ જે વાત કહેવાની મજા લેવી હતી એ વાત ભાનુમા’રાજે હરખાતાં હરખાતાં કહી દીધી.

‘સગપણ? ણે વળી તમારું?’

‘કેમ? અમે કાંઈ માણહ નથી?’

‘માણહ ખરા, પણ માણહમાં તો નહિને?’ વલકુભાઈએ વળતો ઘા માર્યો.

‘ગરીબ માણહની મશ્કરી રે’વા દ્યો વલકુભાઈ.’

‘મશ્કરી કેવી મા’રાજ? હજી ગયા શિયાળાની વાત છે. તમે મારી હારે ખેતરે રાતવાહુ આવ્યા હતા ત્યારે આપણી બેઉ વચ્ચે પેટછૂટી કઈ વાત થઈ હતી?’

‘તમે તો ખરું યાદ રાખ્યું!’

‘ને આવડી મોટી વાત તમે ભૂલી ગ્યા?’

‘ભૂલી તો નથી ગ્યો પણ રોટલા ઘડનારું કોક તો હોવું જોઈને?’

‘વાત લાખ રૂપિયાની પણ આવનારી તો મોટી આશા લઈને આવશે. પછી એવું નો થાય કે...’

‘કેવું?’

‘એવું કે મારા જેવા કોઈને બોલાવવો પડે.’ વલકુભાઈએ આડુંઅવળું બોલવાની તક ઝડપી લીધી.

‘હવે ભોઠા પડો ભોઠા. સાવ નાખી દેવા જેવી વાત કરો છો!’

વલકુભાઈએ વળતી એવી દલીલો કરી કે ભાનુમા’રાજ પોતે જ ભોઠા પડી ગયા. ગામ આવ્યું ત્યારે વલકુભાઈથી છૂટા પડતી વખતે એમને એવી રાહત થઈ કે જેવી રાહત વાડમાંથી પોતાનું ધોતિયું છોડાવતી વખતે થઈ હતી.

[૨]

માગશર મહિનાની ટાઢીબોળ રાત હતી. હરિપુર ગામ ટેકરીની ઓથે ઢબુરાઈને પડ્યું હતું. પરંતુ, ભાનુમા’રાજના ઘરની હવામાં ઉકળાટ અને અજંપો હતા. લગ્નની ચોથી રાત્રે પણ ભાનુમા’રાજ હાંફી ગયા હતા. ભાગેડું ગાય જેવું સુખ એમના હાથમાં આવતું જ નહોતું. ઘરના ઓરડામાં કુમકુમનાં પગલાં હજુ હેમખેમ હતાં તો રાજબાઈ પોતે પણ હેમખેમ હતી. હજુ ત્રણ દિવસ પહેલાં જ કુમકુમની થાળીમાં કોડીકરડે રમતાં રમતાં એ ભાનુમા’રાજની સામે જીતી ગઈ હતી. પરંતુ આજે એને, પોતે જુવાનીનું સુખ હારી ગઈ હોવાની ખાતરી થઈ ગઈ હતી.

ને ભાનુમા’રાજ ખાટલો છોડીને ધોતિયું પહેરવા માંડ્યા. ખાટલામાં અતૃપ્ત અવસ્થામાં પડેલી રાજબાઈની આંખોમાંથી ક્રોધ અને મોઢામાંથી ગાળોનો પ્રવાહ છૂટવા લાગ્યો.

‘હળવે હળવે બોલ. કોઈ સાંભળી જાશે તો મારી આબરૂના ધજાગરા થાશે.’ ભાનુમા’રાજે રાજબાઈને શાંત પાડવાના ઇરાદે કહ્યું.

‘ધજાગરા તો તમે મારા આ રૂપ અને જવાનીના કરી નાખ્યા છે.’ એટલું બોલતાં તો એ ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડી.

‘તું રો નહિ.’

‘રોઉં નહિ તો શું કરું?’ એ સવાલ સાથે રાજબાઈએ ભાનુમા’રાજાને એક લાત ઠોકી દીધી.

રાજબાઈની નજર સામે ઊભા રહેવામાં જોખમ જણાતાં ભાનુમા’રાજ હાથમાં ધોતિયું પકડીને ઓસરીભેગા થઈ ગયા.

ઘાસલેટના અભાવમાં દીવો થોડાક ઝબકારા મારીને બુઝાઈ ગયો. અંધારાનું ગોદડું ઓઢીને રાજબાઈ અતૃપ્તિની પીડાથી કણસતી રહી. ભાનુમા’રાજ પસ્તાવાના માર્યા ઓસરીમાં આળોટતા રહ્યા.

સવાર પડી ત્યારે રાજબાઈના મનમાં એક વજનદાર પ્રશ્નનો જન્મ થઈ ચૂક્યો હતો કે ‘ચાર રાત તો વીતી ગઈ પણ આખું આયખું કેમ કરીને વીતશે?’

[૩]

ફાગણ ફોરમતો આવી ચૂક્યો હતો. ગામની સીમના કેસૂડાના દર્શનમાત્રથી રંગઘેલાઓના હાથ સળવળવા લાગ્યા હતા. લોકો હોળીધુળેટીનો તહેવાર રંગેચંગે ઉજવવા અધીરા થઈ ગયા હતા. સાંજ પડે ને નાની નાની છોકરીઓ ‘અહલી દ્યો બાઈ પહલી દ્યો’ જેવાં ગીતો ગાતી ગાતી ઘેર ઘેર ફરવા લાગી હતી. રાત્રે સોના ભરવાડણની રતુડી પોતાનું ગળું છૂટું મૂકીને ‘જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે, જોબનિયું કાલ્ય જાતું રે’શે’ જેવાં ગીતો ગવડાવવા લાગી હતી.

આવી એક રાત્રે ગામની ભાગોળે આઠદસ જણા બેઠાં બેઠાં ઠઠ્ઠે ચડ્યા હતા. જ્યારે અર્ધી રાત થવા આવી ત્યારે એક પછી એક જણ પોતપોતાની ઘેર જવા લાગ્યો. છેલ્લે બે જણા બાકી રહ્યા. વલકુભાઈ અને ભાનુમા’રાજ.

એકાંત મળતાં જ ભાનુમાં’રાજ મનમાં સંઘરી રાખેલી વાત વલકુભાઈને કહેવા લાગ્યા...

‘વલકુભાઈ, તમારું કામ પડ્યું છે.’

‘બોલી નાખો.’ વલકુભાઈએ કહ્યું.

‘એમ બોલી નાખવા જેવું નથી. પહેલાં સૂરજનારણના સમ ખાવ કે આપણી વચ્ચે જે વાત થાય એ કોઈને નહિ કહો.’

‘સૂરજનારણના સમ. બસ?’

‘તો સાંભળો.’ આટલું બોલીને ભાનુમાં’રાજે પોતાનો અવાજ એટલો ધીરો કરી નાખ્યો કે, વહેતા પવનની લહેરોને પણ એ વાત ન સંભળાણી.

વાત સાંભળતાં જ વલકુભાઈ હબક ખાઈ ગયા.

‘એવું તે કેમ બને?’ એમણે કહ્યું.

‘કેમ? ભૂલી ગયા? એક દી વાડ્યમાં છીંડું પાડીને તમે મને બહાર કાઢ્યો હતો. તે દી મારા સગપણની વાત મારા મોંઢેંથી સાંભળીને તમે શું બોલ્યા હતા?’

‘એ તો મેં હસતાં હસતાં કહ્યું હતું.’

‘પણ હું આજ તમારા પગમાં પડી કહું છું કે મને બચાવો. તમારા જેવા લોઠકા માણહ મદદ નહિ કરે તો કોણ કરશે?’

વલકુભાઈ વિચારે ચડી ગયા.

‘વિચાર કરવો રહેવા દ્યો વલકુભાઈ.’

‘વિચાર કરવો પડે. આ તો મારી અને તમારી બેયની આબરૂનો સવાલ છે. આ વાત તો મારીને મોત ઊભું કરે એવી છે.’

‘હું એમ કહું છું કે, તમારે લાગ જોઈને રાતે મારી ખડકીમાં ઘરવાનું છે અને સવારે કોઈ ભાળે નહિ એમ બહાર નીકળી જવાનું છે. આટલું નો થાય?’

વલકુભાઈ ચપટીક પીગળ્યા. પણ એમને હજી વાતનો પાયો જ કાચો લાગ્યો.પાયો પાકો કરવા એમને પૂછી લીધું, ‘પણ માં’રાજ તમારે ત્યાંથી જ દેકારો થાય તો?’

‘નો થાય નો. બધું પાકું કરીને આવ્યો છું. મારાથી નથી એનો તરફડાટ જોવાતો કે નથી એની ગાળ્યુ ખમાતી. તમને પોતાના જાણીને આ વાત કરી છે. બાકી, આવી વાત જેનેતેને મોઢે થોડી કરાય છે?’

‘ઠીક ત્યારે. જેવી તમારી મરજી.’ કહીને વલકુભાઈ ઊભા થયા. ભાનુમા’રાજ પણ વાલાકુભાઈનો હાથ પકડીને ઊભા થયા.

ભાનુમા’રાજની ખડકી આવી ત્યારે એમની સાથે વલકુભાઈ ખડકીમાં એ રીતે દાખલ થયા કે જે રીતે કોઈ વાડીના સૂકા ધોરિયામાં કૂવાનું ધસમસતું પાણી દાખલ થતું હોય. એ રાત્રે ભાનુમા’રાજના ઘરના દીવામાં ઘાસતેલ ખૂટ્યું નહિ. રાજબાઈના મોઢામાંથી ગાળો નીકળી નહિ. રાજબાઈ અને વલકુભાઈ વચ્ચે જાણે રંગોત્સવ ઉજવાયો.

રાજબાઈને ભીંજવીને ખુદ ભીંજાયેલા વલકુભાઈ વહેલી સવારે ચોરપગલે ખડકીમાંથી બહાર નીકળ્યા.

પછી તો એમની આ રીતની આવનજાવન કાયમી થઈ ગઈ.

[૪]

ધોધમાર વરસાદના દિવસો હતા. હરિપુર ગામની નદીમાં કોઈ વરસે ન આવ્યું હોય એવું પૂર આ વરસે આવ્યું હતું. લોકોએ મન મૂકીને એ પૂર જોયું હતું. વળી, વાવણી વેલાસર થઈ જવાથી પણ લોકો રાજી રાજી હતા. મેઘરાજાને ખમૈયા કરવાનું કહેવું પડે એટલો વરસાદ ઓણસાલ પડ્યો હતો.

આવી જ એક રાત્રે રાજબાઈએ વલકુભાઈને કહ્યું, ‘રસિયા, હવે ખમૈયા કરજો. આજની રાતને છેલ્લી રાત માનજો.’

‘હેં! શું કીધું?’ વલકુભાઈના હૈયે ઘા પડ્યો.

‘ઠીક જ કીધું છે. કાલ્યથી મનને મજબૂત રાખજો. ભૂલેચૂકેય ખડકીની માલીપા આવતા નહિ.’

‘પણ કાંઈ કારણ?’

‘કારણ ઈ જ કે આપણી ગૌરી હવે સમજણી થઈ ગઈ છે. કોઈ વખત જાગી જાય તો આપણને શરમ જેવું થાય.’

‘કેવડી થઈ?’

‘નવ વરહની. વખતને જાતાં વાર લાગે છે?’

‘મને તો ખબર જ નો રહી ને વખત વયો ગયો. હું તો હજી તરસ્યો જ છું.’

‘ઈ તો એમ જ લાગે. સંસારનાં સુખ જેટલાં પામીએ એટલાં ઓછાં લાગે. આપણામાં ધરવ હોવો જોઈ. મેં તમને મારાથી દેવાય એટલું સુખ દીધું છે. વધઘટ માફ કરજો.’

‘અરે! રાજબાઈ, તમે એવું શું બોલો છો? આ તો તમારો ઉપકાર! બાકી મારા નસીબમાં આવું સુખ ક્યાં હતું?’

‘સુખ તો મારા નસીબમાં પણ નહોતું. તોય મળ્યું. આજસુધી બાંધી મુઠ્ઠી લાખની રહી છે, ને હવે પણ ઈ લાખની જ રહી જાય એમાં જ મજા છે. એટલે જ તમને વિનવું છું કે કાલ્યથી નો આવતા.’

‘ભલે, જેવી તમારી મરજી. પણ મને તમારી તબિયતની ફિકર થાય છે. તમારું શરીર ગળતું જાય છે. મને તો શહેરમાં જઈને કોઈ સારા દાકતરને દેખાડવા જેવું લાગે છે.’

‘કાંઈ કરવું નથી. તમે અમારી સાટું ઘણું ઘસાયા છો. હવે તો ગૌરીનાં લગન થાય ત્યારે મા’રાજને ટેકો કરજો.’

‘ઈ જવાબદારી નહિ ચૂકું.’ વલકુભાઈએ રાજબાઈનો હાથ ઝાલી લીધો.

‘મને તો ઈ વાતની નિરાંત છે. હવે તો મોત આવે તોય...’

વલકુભાઈએ રાજબાઈના મોઢે પોતાનો હાથ મૂકી દીધો.

[૫]

એક સાંજે વલકુભાઈ ખેતરથી આવતા હતા ત્યારે ગામના મસાણમાં સળગતી ચિતા જોઈને ઊભા રહી ગયા.

‘કોણ ગુજરી ગયું?’ એમને એક જણને પૂછ્યું.

‘ભાનુમા’રાજની ઘરવાળી.’ જવાબ મળ્યો.

‘હેં..!’ વલકુભાઈ ચિત્કારી ઊઠ્યા.પરંતુ, વળતી પળે જ એમને પોતાની જાત પર કાબુ મેળવીને ડાઘુઓની પાસે જઈને બેસી ગયા.

એ દિવસે રાત્રે વલકુભાઈએ કોઈને ખબર ન પડે એમ, ભાનુમા’રાજને આશ્વાસનની સાથે રોકડ રકમ પણ આપી.

જે દિવસે ભાનુમા’રાજ રાજબાઈનાં અસ્થિ દામાકુંડમાં પધરાવવા માટે જુનાગઢ જવા નીકળ્યા એ દિવસે વલકુભાઈ પણ રસ્તામાંથી એમની સાથે થઈ ગયા.

[૬]

વખતના બદલાવ સાથે હરીપુર ગામ પણ બદલાઈ ગયું હતું. ગામના ઘરડા માણસો વાતવાતમાં કહેતા હતા કે, ‘જમાનો બદલાઈ ગયો જમાનો!’ અને વલકુભાઈ પણ બદલાઈ ગયા હતા. હવે એમને આડીઅવળી વાતોમાં રસ નહોતો પડતો. પોતે ભલા અને પોતાનું કામ ભલું. વળી, ભલાઈનું કે ધર્માદાનું કામ હોય ત્યાં એમની હાજરી અચૂક રહેતી હતી.

કેટલાક ગામલોકોનું એવું કહેવું હતુ કે, ‘વલકુભાઈ પાછળ કોઈ ખાવાવાળું નથી એટલે ઈ ધારે એટલો ધર્માદો કરી શકે છે! હશે! એ બહાનેય એમના વડવાના આત્માને શાંતિ થશે.’ આવી વાતો સાંભળીને વલકુભાઈ ચૂપજ રહેતા. પણ, એમનું મન જ જાણતું હતું કે, પોતે કોના આત્માની શાંતિ માટે ધર્માદાનાં કામ કરતા હતા.

અને ગૌરી લગ્નલાયક થઈ ગઈ હતી. કેટલાક જુવાનિયા એની પાછળ ગાંડા થઈ ગયા હતા. પરંતુ, એ ગધ્ધાપચીસીનિ ઝપટમાં આવી ગયેલાને વલકુભાઈએ ડારો દઈ દીધો હતો કે, ‘ખબરદાર! જો કોઈએ ગૌરીનું નામ લીધું છે તો. આ ડાંગ કોઈની સગી નહિ થાય.’

ગૌરી પણ વલકુભાઈને જોઈને આંખોથી આભાર માની લેતી. એને ખ્યાલ આવી ગયો હતો કે, ગામના માથાફરેલ જુવાનીયાના ત્રાસમાંથી છુટકારો અપાવનાર વલકુભાઈ જ હતા. એ ઘણીવખત ભાનુમા’રાજને કહેતી હતી કે, ‘બાપુ, વલકુબાપુ નો હોત તો આપણે આ ગામમાં રહેવું ભારે પડત.’

ભાનુમા’રાજ અવારનવાર વલકુભાઈને કહેતા કે, ‘વલકુભાઈ, હું ક્યા ભવે તમારું ઋણ ચૂકવીશ!’ જવાબમાં વલકુભાઈ આવું કાંઈ કહેતા: ‘કોણ કોનું ઋણી છે એનો હિસાબ તો ઉપરવાળો રાખે છે. હું અને તમે તો રાખનાં રમકડાં છીએ!’

[૭]

લગ્નગાળો આવ્યો. ગૌરીનાં પણ લગ્ન લેવાયાં. ભાનુમા’રાજાની ખડકીએ લીલાં તોરણો બંધાયાં. ઢોલ ઢબૂક્યા અને શરણાઈઓ વાગી. ગૌરીની સખીઓ રોજ રાત્રે ગૌરીના ઘરની ઓસરીમાં ભેગી થઈને લગ્નનાં ગીતો ગાવા લાગી. સખીઓની હસીમજાકથી ગૌરી શરમાવા લાગી.

ભાનુંમા’રાજે મોટો વરો કર્યો. આજસુધી ગામનું ખાધું હતું. આજે ગામને ખવડાવ્યું. ગામના કેટલાક લોકો માટે એ અચરજની વાત હતી. ઘણાએ તો એ અચરજ વ્યકત પણ કરી કે, ‘ભાનુમા’રાજે જિગર સારી કરી!’ તો કોઈએ એમને ધીમો પણ તીખી દાળ જેવો જવાબ પણ આપ્યો કે, ‘કરેજને. એને ઓથ કોની છે!’

લગ્નનો દિવસ આવ્યો. વાજતેગાજતે જાન પધારી. વલકુભાઈ સવારથી ભાનુમાં’રાજની ખડકીએ પહોંચી ગયા હતા. જાનની સરભરામાં એ ખડે પગે હાજર રહ્યા. કામ કરનારાઓને એમને કહું દીધું હતું કે, ‘ભાઈઓ, ધ્યાન રાખજો. કોઈ વાતની કમી નો રહેવી જોઈ. કાંઈ લાવવું કારવવું હોય તો મને કહેજો.’

રંગેચંગે લગ્ન થઈ ગયાં ને ગૌરીને વિદાય કરવાની વેળા આવી. ગૌરી ભાનુમા’રાજને વળગીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. વલકુભાઈ થોડે દૂર જઈને ઊભા રહી ગયા. એમના હૈયું લાચાર લાગણીથી છલકાઈ રહ્યું હતું. ભીંજાયેલી આંખો વડે એમણે ગૌરીને ગાડામા બેસતાં જોઈ. એમનાથી આકાશ તરફ નજર નંખાઈ ગઈ. ઈશ્વરને મૂંગી ફરિયાદ થઈ ગઈ કે, ‘આ તારી કેવી રમત છે? મને, મારા જ કાળજાના કટકાને વળાવવાનુ સુખ નહિ?’

ધૂળ ઉડાડતી જાન ગઈ. ભાનુમા’રાજની ખડકીએ સૂનકાર વ્યાપી ગયો. વલકુભાઈના હૈયામા પણ. ‘મા’રાજ, હું જાઉં છું. મને ઠીક નથી લાગતું.’ એમણે ભાનુમા’રાજની રજા માંગી. ‘ભલે. તમે ઘણું કર્યું. મારા જીવતરનો ભાર ઉતારી દીધો. હવે તમે છુટ્ટા છો. આરામ કરો.’

વલકુભાઈ મનમાં ગૌરીની વિદાયનો ભાર લઈને ઢીલાં પગલે ઘર તરફ ચાલ્યા. ચોકમાં પહોંચ્યા ત્યારે ત્યાં બેઠેલા લોકો ઠઠ્ઠામશ્કરીમાં વલકુભાઈની જ વાતો કરતા હતા.

વલકુભાઈને જોઈને ખીમાએ કહ્યું, ‘આવો વલકુભાઈ, બેહો.’

‘બેહવું નથી. જાવું છે.’ વલકુભાઈએ ટૂંકો જવાબ આપ્યો.

‘જવાય છે. હવે તમારે જઈને શું કામ છે?આમેય હવે તો નવરા થઈ ગ્યાને?’

‘એલા, શેમાંથી નવરા થઈ ગયા?’ મજાકને આગળ વધારવા કોઈ જાણીજોઈને બોલ્યું.

‘લે.. ભાનુમા’રાજની ગૌરી ગઈ એટલે હવે નવરા જ ને’ ખીમાએ હસતાં હસતાં કહ્યું.

‘આલ્લે લે! વલકુભાઈને ને ગૌરી હારે વળી શું લેવાદેવા? હવે તો ધોળા થાવા આવ્યા?’

‘અરે! ગૌરી વાંહે વાલાકુભાઈએ ઓછી દોડાદોડી નથી કરી. પણ છેવટે હાથ ઘસતા રહી ગ્યા. એ કોઈના હાથમાં આવે એમ હતી કે...’

ને ખીમો વાત પૂરી કરે ને બીજા લોકો એ વાતની મજા માણે તે પહેલાં તો વલકુભાઈએ હાથમાં રહેલી ડાંગના ઉપરાઉપરી ચાર ઘા ખીમાની પીઠ પર ઝીંકી દીધા.

‘ઓય માડી રે!’ ની બૂમ સાથે ખીમો ભોંયભેગો થઈ ગયો.

‘વલકુ રહેવા દે.. રહેવા દે.’ કહેતાં કહેતાં જીવાબાપુએ વલકુભાઈને પકડી લીધા અને ઠપકો દીધો કે, એ તો હસતો’તો. એમાં આટલો બધો ક્રોધ કરાય?’

‘આવું હસવાનું હોય?’ વલકુભાઈ હજી ક્રોધના માર્યા ધ્રુજતા હતા.

‘પણ એમાં શું થઈ ગયું? તું જ કહે કે તું ગૌરીનું કેટલું ધ્યાન રાખતો’તો? નકર તારે ને ગૌરીને શું સંબંધ?’

એ પ્રશ્ન કાને પડતાં જ વલકુભાઈએ આજ સુધીમાં ક્યારે ન નાખી હોય એવી રાડ નાખીને ‘ગૌરી મારી દીકરી થાય.’ એવું બોલવા તો ગયા પણ એ જ ક્ષણે ભાનુ માં’રાજે ખવડાવેલા સૂરજનારણના સમ સાંભરી ગયા અને એમણે હોઠે આવેલી વાત ફેરવી નાખી.

‘ગૌરી ગામની દીકરી થાય.’ એમણે રાડ નાખી.

વલકુભાઈણી રાડ સાંભળીને ચોકમાંથી પસાર થઈ રહેલા ઘોડેસવારોએ ઘોડાઓની લગામ ખેંચી લીધી. ગાડાંવાળાઓએ બળદોની રાશ ખેંચીને ગાડાં ઊભાં રાખી દીધાં. ચોકની દુકાનોમાં બેસીને બીડીઓ વાળતા વેપારીઓના હાથ અટકી ગયા. જે જ્યાં હતું ત્યાં જ સ્થિર થઈ ગયું. સિવાય કે, પાણી ભરવા નીકળેલી પનીહારીઓએ ડરના માર્યા ચાલવાની ઝડપ વધારી દીધી.

વલકુભાઈ હાથમાં રહેલી ડાંગ ખીમા પર ફેંકીને બોલ્યા, ‘આજે જીવતો જાવા દઉં છું. ફરી ક્યારેય આવી ભૂલ કરતો નહિ. ગામની દીકરી વિષે આડુંઅવળું બોલતાં વિચાર કરવો જોઈ.’

બીજા દિવસથી વલકુભાઈના હાથમાં કાયમ રહેતી ડાંગનાં બદલે મોટા મોટા મણકાવાળી માળા રહેવા લાગી.

[સમાપ્ત]