Life-e-Gujarati - 1 in Gujarati Human Science by MB (Official) books and stories PDF | Life-e-Gujarati - 1

Featured Books
Categories
Share

Life-e-Gujarati - 1

લાઈફ - એ - ગુજરાતી

અનિશ વઢવાણીયા



COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as

NicheTech / MatruBharti. MatruBharti / NicheTech has exclusive digital publishing

rights of this book.Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

લાઈફ - એ - જસવંત સોનારા

મારી આસ-પાસથી પસાર થઈ જતાં લોકોને જોઈને હું ઘણીવાર વિચારૂં છું કે તેમની જિંદગીમાં જિંદગી કેટલી હશે? અને ઍ જિંદગીમાં કેટલી વાર્તાઓ હશે? ઍ વાર્તાઓની ક્યારેય વાત થઈ હશે? કે પછી ઍ વાતો મારી આસ-પાસ ફરતાં ચહેરાની પાછળ છૂપાઈ ગઈ હશે? આ કોલમમાં આપણે વાત કરીશું ઍવી જ લોકોની જે આપણી આસ-પાસ છે. ક્યારેક આપણી પાસેથી મોટરબાઈક પર બેસી પસાર થઈ જાય છે તો ક્યારેક કોઈક શૉપિંગ મોલમાં આપણને શૉપિંગ કરતી વખતે અટેંડ કરે છે; પેલો બરફ ગોળા વાળો, મમ્મીને મળતી નજદીકના ઘરમાં રહેતી ગૃહિણી, આપણા બાળકને ભણાવતા ટીચર, ચા ની કીટલી ચલાવનાર, બાજુની ઑફીસમાં કામ કરનાર... અને ઘણીવાર ઉભો રહી અરીસામાં પોતાની જાતને જોઈ રહેલો હું... હું, તમે, આપણે બધા જ અને આપણી જિંદગી આપણને ઘણી વાર્તાઓ આપી જાય છે પણ ઍ વાર્તાઓની ક્યાંય કોઈ વાત નથી થતી. આપણે અર્હીં આ કોલમમાં ઍવી જ વાતોની વાત કરીશું અને દર વખતે ઍક અજાણ્‌યા પરતું આપણી વચ્ચે રહેતા ગુજરાતીની વાત.

"હું અનિયમિતતામાં ખૂબ જ નિયમિત છું." આ શબ્દો મેં સાંભળ્યા જશવંત સોનારા પાસેથી. અને મને ઍ વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ આવી. મેં તેમને થોડો સમય ફાળવવા કહ્યું અને તેઓ તૈયાર થઈ ગયા. મારો પહેલો જ સવાલ હતો તેમના અનિયમિત હોવા વિશે અને તમને બહુજ સાદા ઉદાહરણ સાથે મને સમજાવ્યું કે તેઓ ક્યારેય પણ ઑફીસ જવા માટે ઘરેથી ઍક સરખા સમયે નથી નીકળતા. તે જ કારણે તેઓ કદી પણ ઍક સરખા સમયે ઑફીસ પણ નથી પહોચતાં! અને ઍમની જિંદગીમાં આવી જ અનિયમિતતાઓ નિયમિત છે ઍ સમજાવતી વખતે તેમના ચહેરા પરનું સ્મિત મને મારો બીજો સવાલ આપી ગયું.

"તમારા માટે ખુશીની ક્ષણ ઍટલે શું?" મેં પૂછ્‌યું.

"ખુશીની ક્ષણનો મતલબ મારા માટે ઍવી ક્ષણ કે જેની તમે આવવાની રાહ જુવો ત્યારે પણ ખુશ હોવ, જ્યારે તમે ઍ ક્ષણ જીવી રહ્યા હોવ ત્યારે પણ ખુશ હોવ, ઍ ક્ષણનાં પસાર થઈ ગયા પછી પણ ખુશ હોવ અને તે પછી તે ક્ષણને યાદ કરીને ખુશ થાવ - તે હોય છે સાચી ખુશી આપનારી ક્ષણ. મારી માટે સૌથી વધુ ખુશીનો સમય ઍ હોય છે જ્યારે હું મારી પત્ની જે વિચારી રહી હોય તે અક્ષરસઃ તેને કહી બતાવું છું. મારી નાની પુત્રી ઈશાનીનો જન્મ પણ મારી માટે ખુશી આપનાર છે. અને જ્યારે હું ડિસમિસ લઈને કોઈક મશીન ખોલવા બેસી જાઉ છુ ઘરમાં જ ત્યારે પણ હું ખુશી અનુભવું છું."

આ શબ્દો છે જશવંત સોનારાના. અમદાવાદના ખોખરા વિસ્તારની ચાલીમાં મીલ મજૂરના ઘરે જન્મેલા ત્રણ દીકરામાંના સૌથી મોટા દીકરાના. તેમના પિતા તેઓની માટે સારી કારકિર્દી ઈચ્છતા હતા અને તેની માટે પોતાનાથી બનતી બધીજ સવલતો પૂરી પાડવાની કોશિશ કરતા હતા.

જશવંત ૧૦મું ધોરણ પાસ કરીને ઈલેક્ટ્રીકલ ઈંજિનિયરિંગનો ડિપ્લોમા કરવા માટે ભાવનગર ગયા. અને ડિપ્લોમા કરવા માટેનું કારણ હતું જલ્દી નોકરી મેળવવી. ૧૯૯૩માં જ્યારે તેઓ ડિપ્લોમા કરવા ભાવનગર ગયા, તેમની સાથે તેમના ઍક મિત્ર પણ હતા. અને તેમના મિત્રનું નામ પણ જશવંત હતું!

"અમે જે દિવસે ભાવનગર પહોચીને ઍડમિશન લીધું તે રાતે પેરેન્ટ્‌સને ૧૦ વાગ્યાની બસમાં બેસાડી અમદાવાદ પરત મોકલી દીધાં. રહેવાની કોઈ જ વ્યવસ્થા થઈ ન હતી અને કોઈ હોસ્ટેલમાં પણ ઍડમિશન મળ્યું ન હતું. તે રાત અમે બસ સ્ટેન્ડ પર વિતાવી. બીજા દિવસે કૉલેજનો પહેલો દિવસ હતો. કોલેજથી પરત આવી ફરી રહેવાની વ્યવસ્થા કરવા માટે દોડધામ કરી પરંતુ થાકી-હારી તે રાત પણ બસ સ્ટેન્ડ પાછા આવવું પડયું અને તે રાત બસ સ્ટેન્ડ ઉપર જ વિતાવી."

"તો તમને કોઈ હોસ્ટેલમાં ઍડમિશન નહી મળવા પાછળ કોઈ કારણ હતું?" મેં અધીરાઈ થી પૂછ્‌યું.

"કોઈક હોસ્ટેલમાં અમારી જ્ઞાતિને કારણે તો કોઈ ક હોસ્ટેલમાં કદાચ જગ્યા નહી રહી હોવાને કારણે અમારા બીજા ૪ દિવસ રહેવાની વ્યવસ્થાની રઝળપાટમાં અને રાત ફરી ઍ જ બસ સ્ટેન્ડમાં નીકળ્યા." જશવંત સોનારાઍ વાત નો દોર ફરી પોતાના હાથ માં લીધો. "ઍ પછી પાંચમાં દિવસે અમે હિંમત હારીને અમદાવાદ પાછા આવવા માટે બસમાં બેઠા. ઍ શનિવાર હતો. બસ ધંધુકા થોડા સમય માટે રોકાઈ. મને ખબર નથી કે ઍવી તો કઈ વાત અમને પ્રેરણા આપી ગઈ પરતું આત્મસ્ફૂરણાથી અમે અમદાવાદ આવવાને બદલે પાછા ભાવનગર માટેની બસ માં બેસી ભાવનગર પાછા આવી ગયા. પિતાજી ને જાણ થઈ હતી કે અમે કેવી રીતે બસ સ્ટેન્ડ રાત કાઢતા અને દિવસે કોલેજ જતાં. પરંતુ પાછા આવતી વખતે અમે નક્કી કર્યું કે ગમે તે થાય પરંતુ કોલેજ તો અહીં જ પૂરી કરીશું. ફરી પાછા અમે ઍ જ બસ સ્ટેન્ડ ઉપર રાત વિતાવી અને તે પછી નો રવિવારનો દિવસ તથા રાત પણ."

તેમણે તેમની પત્ની સામે થોડીક ક્ષણ નજર સ્થિર કરી અને પછી કહ્યું, "પરંતુ મને ક્યારેય આ બધી વસ્તુમાં સ્ટ્રગલ નથી લાગી; કદાચ મારી ઉમંર નાની હતી તે કારણે પણ તેવું હોઈ શકે છે! તે સમયમાં ફોન બહુ ઓછા હતા, કદાચ ૫-૭ ઘરમાંથી ઍક ઘર ઍવુ હતું કે જેમની પાસે ફોન હોય અને ચાલીમાં તો કોઈના પણ ઘરે ફોન હોય ઍ શક્યજ નહતું. પીતાજી ઍ તેમના કોઈક ઑળખીતાને વાત કરી હતી કે હું ભાવનગરમાં ભણવા ગયો છું અને રાત બસ સ્ટેન્ડમાં કાઢું છું. જો થઈ શકે તો તેઓ અમારા રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં મદદ કરી આપે. સોમવારના જ્યારે અમે કોલેજની બહાર નીકળ્યા ત્યારે ઍક સફેદ ઍંબેસેડર લઈને આવેલ વ્યક્તિઍ મને ઝાંપા પાસે રોકી નામ પૂછ્‌યું અને તેમની જોડે જવા માટે જણાવ્યું. તેમણે પોતાની ઓળખ વિલસન તરીકે આપી અને કહ્યું કે અમારા રહેવાની વ્યવસ્થા ઍ તેમની જવાબદારી છે. અમે ૧૫ દિવસ તેઓ અમને જેમના ઘરે લઈ ગયા હતાં ત્યાં જ રહ્યાં અને પછી તેમણે અમારા રહેવાની વ્યવસ્થા ઍક હોસ્ટેલમાં કરાવી આપી જ્યાં અમે ૩ વરસ રહી ભણ્‌યા."

"તમે આજે ખૂબ જ સારી જગ્યાઍ નોકરી કરો છો. પરંતુ તમારી કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઈ?" મેં અધીરાઈ સાથે જશવંતભાઈને પૂછ્‌યું.

"મારી પહેલી નોકરી ૧૯૯૬માં રાખિયાલ વિસ્તારની ઍક કંપનીમાં અપ્રેંટિસ તરીકે ૧૫૦૦ રૂપિયાના પગારે હતી. ૧૯૯૮માં વિમલમાં નોકરી લાગી અને ૪ મહિના ત્યાં કામ કર્યું. કોલેજ પૂરી કર્યા પછી પ્લાઝમા રીસર્ચ સેંટર માટે ફોર્મ આવેલ તે ભર્યું હતું પરંતુ તેનો કોઈ જવાબ નહોતો આવ્યો અને હું ભૂલી પણ ગયેલ; ૧૯૯૮માં તેનો જવાબ આવ્યો અને મેં તેમની ઈંટરવ્યૂ વગેરેની પ્રોસેસ પાસ કરી ૭૫૦૦ રૂપિયાના પગારે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું. અને ૨૦૧૫માં હું માસિક ૭૫૦૦ રૂપિયાથી ૭૫૦૦૦ રૂપિયાના પગાર સુધી પહોચી શક્યો છું જેમાં ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી અમારી સંસ્થા તરફથી પ્લાઝમાંના ચાલી રહેલા રિસર્ચ માટે હું ફ્રાંસ રહ્યો."

"ઍનો મતલબ કે તમે ભગવાન અને ભાગ્યમાં માનો છો?" તેમની શરૂઆતની સ્ટ્રગલ અને અત્યારની સફળતા જોઈ મેં પૂછ્‌યું.

"હું વિજ્ઞાનનો વિધ્યાર્થી રહ્યો છું અને ઍ જ ક્ષેત્રમાં કાર્ય કરૂં છું. હું બહુ ધાર્મિક તો નથી પરંતુ ઍવુ માનું છું કે કોઈ ક રચયિતા જરૂર છે જેણે દુનિયાની રચના કરી અને દુનિયાને ચલાવવા માટે ડેસ્ટિની કે ભાગ્ય અને નેચર કે પર્યાવરણ નામની સિસ્ટમ બનાવી. વિજ્ઞાન ઍટલે અજાણ્‌યા કોયડાઓને ઉકેલીને જાણવાની પ્રક્રિયા. મારા માટે ભગવાન પણ ઍક કોયડો છે અને મારૂં લક્ષ્ય દુનિયાના સત્યોને સમજવાનું છે."

"તમારા લક્ષ્યને પુરૂં કરવા માટે મારી શુભકામનાઓ." અને આટલું કહી મેં જશવંત સોનારાની જિંદગીની બારીને બંધ કરી તેમની વિદાય લીધી.

લાઈફ - એ - હર્ષાબેન કોરપે

આપણી આસ-પાસ રહેતા લોકોની વાત, આપણી પાસેથી પસાર થઈ જતા આપણા જેવાજ લોકોની લાઈફની વાત. તમારીને મારી જેવા જ લોકોની જિંદગીમાં રહેલી વાર્તાઓની વાત. આજુબાજુ નજર નાખીયે તો કેટલાય લોકો - જીવતી વાર્તાઓ પાસેથી પસાર થઈ જાય છે. આવીજ ઍક જીવતી વાર્તા મને પણ મળી ઍક ચા ની લારી પર!

હર્ષાબેન નામ છે ઍ સુપર વુમનનું જેની જિંદગીના પત્તાઓ આજે વાંચીશું. હા, હર્ષાબેન મને ચા ની લારી પર મળ્યા. મા જેવા જ પ્રેમથી તેઓ તેમની ચા બનાવે છે અને બધાને પીવડાવે છે. સાચું સમજ્યા તમે, ચા ની લારી તેઓની છે - ઈલેશ ટી સ્ટોલ.

૨૪ જાન્યૂઆરી ૧૯૮૮ ના દિવસે બાળપણના ગોઠીયા ઈલેશ કોરપે જોડે પ્રેમ લગ્ન કરી લગ્ન જીવનની શરૂઆત કરી. હર્ષાબેન અને ઈલેશભાઈઍ બાલમંદિરથી સાથે ભણતા ભણતા પ્રેમના પાઠ પણ સાથેજ ભણ્‌યા અને જીવન ઍક સાથે વિતાવવાના કોલ ઍકબીજાંને આપ્યા. બંને પરિવારે તેમના પ્રેમ લગ્નનો અસ્વીકાર કર્યો પરંતુ હર્ષબેનનાં પરિવારે ૨ મહિના પછી અને ઈલેશભાઈના પરિવારે ૨ વરસ પછી આખરે સ્વીકાર કેરી લીધો. લગ્ન પછીનો થોડો સમય ખૂબજ કપરો રહ્યો.

ઈલેશભાઈ ઍક ટેક્સટાઈલ મીલમાં બદલી કામદાર તરીકે જોબ કરતાં હતા. બદલી કામદાર મતલબ જો કોઈ મજુર કામ ઉપર ના આવે તો તેના બદલે ઈલેશભાઈને કામ મળે. બદલી કામદાર તરીકે તેમને અડધો મહીનો કામ મળતું અને અડધો મહીનો કામ વગર પસાર કરવો પડતો અને કોઈ કોઈ વાર તો તે કરતાં વધારે દિવસો પણ. લગ્ન પછી થોડો સમય તેઓ ઍક મિત્રના ઘરે રહ્યાં અને પછી ૨ વરસ કરતાં વધુ સમય ઍક ઝૂંપડપટ્ટીમાં રહ્યાં. ઘણાં દિવસ ઍવાં પણ જતાં કે ભૂખ્યાં સૂવું પડતું પરંતુ કોઈ પૂછે કે જમ્યાં ક નહી તો કહેતાં કે ઈલેશ આવે પછી સાથે જમીશું. ઈલેશભાઈની નોકરી હાટકેશ્વરમાં હતી અને તેઓ રહેતાં બોપલમાં. ઘરેથી ચાલીને નોકરી પર જવાનું અને તે રસ્તો ચાલીને કાપતા તેમને ૩ કલાક જેટલો સમય જતો. નોકરી પરથી પાછા ઘરે આવતાં સમયે લોગાર્ડન પાસે નાની દુકાનમાં વાસણ ઘસતાં. આ બધું જોઈ હર્ષાબેન ઘણાં દુઃખી થતાં; કોઈ પણ પત્ની માટે પતિને આવી હાલતમાં જોવું ઍ દુષ્કર હોય છે. ઈલેશભાઈની મેહનત જોઈને દુકાનના માલિકે તેમને પૈસાનાં કાઉંટરની સંભાળનું કામ સોપ્યું.

થોડા સમય પછી ઈલેશભાઈઍ ઑટોરિક્ષા ચલાવવાનું શરૂ કર્યુ. ધીરે ધીરે પરિસ્થિતિ થોડી સુધારી અને જીવનમાં મુસીબતો ઓછી થઈ. ભગવાને તેમને ૩ દીકરીઓ લક્ષ્મી સ્વરૂપે આપી. ૨૦૦૬માં હર્ષાબેને ફૂલ-પ્રસાદની લારી લાલદરવાજા વિસ્તારનાં ગણેશજીનાં મંદિર પાસે શરૂ કરી અને તેના થોડા જ મહિનામાં તેના નજીક જ ચા ની લારી કરી. આજે પણ તેઓ વહેલી સવારે ૫ વાગે ઉઠીને તેમની સૌથી નાની પુત્રી જોડે ફૂલ-પ્રસાદની લારી ખોલે છે. પછી તેઓ ચા ની લારી ખોલે છે. હવે તો તેમણે મંદિરની પાસે જ પોતાનું ઘર પણ ખરીદી લીધું છે.

સવારે લારી શરૂ કર્યા પછી તેઓ ઘરનું કામ કરવા માટે ઘરે પાછા જાય છે અને ઘરનું કામ ખતમ કરીને તેઓ ૧૦ વાગે ચા ની લારી પર પાછા આવી સાંજ સુધી ત્યાંજ રહે છે. ચા ની લારી ચલાવવામાં તેમને ઘણાં સારા-ખરાબ અનુભવો થયાં છે. ઘણાં લોકોઍ અદેખાઈ કરીને તેમને હેરાન પણ કર્યા છે. ઍવા અદેખાઈ કરનારા લોકો અને ગુંડા-લુખ્ખા લોકોઍ ઘણી વાર તેમની ચા ની લારી વિરૂદ્ધ દબાણ માટેની ફરિયાદ પણ કરી છે અને તોડ-ફોડ કરીને તથા બીજી ઘણી રીતે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હર્ષાબેન અડીખમ રહ્યાં છે.

બીજી તરફ તેઓ તેમના કામને કારણે તેમની પુત્રીઓ માટે પૂરતો સમય ફાળવી નથી શકતા. પરંતુ તેઓ હમેશાં તેમની પુત્રીઓને સમજાવતા આવ્યા છે કે હર્ષાબેન અને ઈલેશભાઈ આ બધી મહેનત તેમના સંતાનો માટે જ કરે છે અને તેમની દીકરીઓ પણ બહુ જ સમજુ છે અને આ વાતને સમજે છે. આજે તેમની બે પુત્રીઓનાં લગ્ન થઈ ગયા છે અને આ વરસે જ સૌથી નાની દીકરીઍ ૭૫% કરતાં વધુ માર્ક્સ્ સાથે ૧૦મું પાસ કર્યું છે. ૧૦માંની પરીક્ષા પહેલાં તેમની પુત્રીનાં ૨ ઑપરેશન થયા હતાં પરંતુ તેઓ ઍ સમયે પણ હાજર રહી શક્યા નહતા; સાંજે ચા ની લારી બંધ કર્યા પછી હોસ્પિટલ જતાં અને ઍમની દીકરી જોડે રહેતા. હવે ઈલેશભાઈ પણ ચા ની લારીમાં તેમને મદદ કરે છે. અને અચરજની વાત તો ઍ છે કે જ્યારે મેં તેમને પૂછ્‌યું કે તમને ક્યારેય તમારી લાઈફ સાથે કોઈ અસંતોષ થયો છે તો તેમણે ઍક સ્મિત આપીને કહ્યું કે "હું મારી જિંદગીથી બહુ જ ખુશ છું."

અહીં જ તેમણે મા જેટલાં જ પ્રેમ થી બનાવેલી ચા નો કપ ખાલી કરી અને તેમની વાતોથી ભરાઈને મેં તેમની રજા લીધી.

લાઈફ - એ - નલિનભાઈ પટેલ

નોખા છે દરેક ના ચહેરા ને અનોખી છે વાત,

વાર્તા સૅમી રોચક છે આ માણસ નામે જાત!

કદીક કદરૂપી તો કદીક રૂપાળી ઘણી લાગે છે,

રંગબીરંગી છે આ કાળી-ધોળી જિંદગીની ભાત!

હા, ખરે જ આ માણસની જિંદગી છે તો અજબ જ! દરેક વ્યકિત પોતાનાં અંદર ઍક વાર્તા લઈને ચાલે છે. આજુ-બાજુ, આમ-તેમ, આગળ-પાછળ, બધેજ.. જ્યાં જૂવું ત્યાં જીવતી વાર્તાઓ! અવનવી વાર્તાઓ! સરળ પણ રોચક, પોતાની જ લાગે ઍવી વાર્તાઓ! આવી જ ઍક વાર્તા છે નલિનભાઈ પટેલની.

બે ભાઈ અને એક બેનમાં સૌથી નાના નલિનભાઈ આજે તો ૪૨ વરસના થઈ ચૂક્યા છે. ૧૯૭૩ ના જાન્યુઆરીમાં તેમનો જન્મ થયો અને બહુ લાડથી મોટા થયા, સૌથી નાના હતાં ને! આજે પણ જ્યાં જન્મ થયેલો એજ વહેલાલ ગામમાં (તાલુકોઃ દસ્ક્રોઈ) રહે છે. ઍમનાં ફેમિલીમાં તેઓ, તેમના પત્ની, તેમના પપ્પા, પુત્રી અને સૌથી નાનો પુત્ર! તેમની પુત્રીઍ આ વરસેજ ૧૦મું પાસ કર્યું અને તે પણ ખૂબજ સારા માર્ક્સ્ સાથે. નલિનભાઈ પોતે બી.કોમ. સુધી ભણ્‌યા. ૧૯૯૨માં ભાઈ અને બહેનના લગ્ન થયાં અને ૧૯૯૩માં તેમણે બી.કોમ. પુરૂં કર્યુ.

તેમના મોટા ભાઈઍ નરોડા જી. આઈ. ડી. સી. માં કેન્ટીન શરૂ કરી હતી. તે સમય હતો ૧૯૮૮ નો અને તેઓ ભાઈને મદદ કરાવવા શનિવાર અને રવિવાર કેન્ટીન જતા પરંતુ ભણવાનું પુરૂં કર્યા પછી તેઓ માણેકચૉકમાં ઍક દુકાને નોકરીઍ લાગ્યા. તેમની ઍ પહેલી નોકરી હતી; અને તેમની પહેલી નોકરી તેમણે ૧૦ દિવસ કરી. માલિકઍ તેમની પાસે પાણી માંગ્યું, તેમણે આપ્યું તો માલિકે ગ્લાસ છૂટો તેમના ઉપર ફેંક્યો અને ગ્લાસ ફરી સાબુથી ધોઈ પાણી આપવા કહ્યું. આ વાત જ્યારે તેમણે ભાઈને કહી તો ભાઈઍ કહ્યું કે વાસણ જ ધોવાના હોય તો આપણી કેન્ટીન ઉપર ધો! તે પછી તેઓઍ ઍક લોડિંગ રિક્ષા ખરીદી, જો કે ઍ માટે તેમણે વ્યાજે પૈસા રકમ ઉધાર લીધી હતી પરંતુ તેમનું કામ સારૂં ચાલ્યું અને તેમણે ઍક ની બે લોડિંગ રિક્ષા કરી. તે સમયે તેઓ સવારે ૯ થી રાતે ૧ઃ૩૦ સુધી કામ કરતાં અને સારા પૈસા પણ કમાયા.

૧૯૯૫માં ગામની જમીન વેચી બંગલો બનાવ્યો અને ઍ બંગલાની કિંમત તે સમયે ૫.૫ લાખ હતી. જે થોડી જમીન વેચી હતી તેમાંથી ૨.૨૫ લાખ અને બાકીના ૩ લાખ જેવા વ્યાજે પૈસા લઈ પોતાની જમીન પર જ તેમના ભાઈઍ બંગલો બનાવડાવ્યો હતો. ૧૯૯૬ ની સાલ માં પપ્પાને પ્રૉસ્ટેટનું કેન્સર હોવાનું નિદાન થયું અને ડોક્ટરે કહ્યું કે તેમના પપ્પા ૬ મહિના માંડ જીવી શકશે; પરંતુ બધા જ ડોક્ટરને ખોટા પાડી તેમના પપ્પા આજે પણ હયાત છે! ૧૯૯૮માં કરીયાણાની દુકાન કરી જે તેમના પપ્પા ચલાવતા. ૧૯૯૯માં નલિનભાઈના લગ્ન થયાં અને ૨૦૦૦ની સાલમાં તેમના ઘરે સુંદર લક્ષ્મી સમી દીકરી ઍ જન્મ લીધો. તેમના જીવનની સૌથી સુંદર ક્ષણ આ હતી.

પુત્રી જન્મનાં થોડા સમય પછી ૧-૬-૨૦૦૧ના રોજ ઍમના કુટુંબનાં ભાગલા પડયાં અને તેમના ભાગમાં બંગલો, બધું જ દેવું અને રીક્ષાઓ આવી જ્યારે ભાઈના ભાગે ગામનું જૂનું ઘર અને કેન્ટીન. તેમનાં ભાઈ જુનાં ઘરે રહેવા જતાં રહ્યાં પણ ૧૪-૬-૨૦૦૧ના દિવસે હાર્ટ ઍટેકથી તેમનાં ભાઈનું મૃત્યું થયું. હવે બંને ઘરની જવાબદારી તેમના શિરે હતી પરંતુ તેમણે ક્યારેય પૈસનો વહીવટ કર્યો નહોતો. તેમણે હમેશાં કામ કર્યું અને પૈસાનો વહીવટ તેમના ભાઈ કરતાં. તેમણે ભાભીને પાછા સંયુક્ત કુટુંબમાં રહેવા આવી જવા કહ્યું પણ ભાભીઍ તે વાત નકારી દીધી. તેમણે ભાભીને ફરી લગ્ન કરી લેવા પણ કહ્યું અને તેમ કરાવી આપવાની તૈયારી દર્શાવી સાથે સાથે ભાઈ-ભાભીનાં છોકરાઓને સાચવવાની તૈયારી પણ બતાવી ઍ પણ ભાભીઍ નકારી દીધું.

નલિનભાઈનાં ઘરે તેમના મમ્મી અને પત્ની વચ્ચે ઝગડા થવા લાગ્યા. તે ઝગડાઓની આડ અસર સ્વરૂપે તેમણે દારૂ પીવાનું શરૂ કરી દીધું. તેમની આ આદતને લીધે રિક્ષાઓ વેચી દેવી પડી પણ કેન્ટીન તથા કરીયાણાની દુકાન ચાલુ રાખી. તેમના પપ્પા જ્યારે બાથરૂમ જતાં, ભાભી દુકાનનો વકરો લઈ જતી. ઍ કારણે પૈસા દેખાતા નહી પરંતુ દેવું કરીને પણ દુકાનમાં સામાન ભરતાં. તેમણે ૨૦૦૫ સુધી બંને ઘર ચલાવ્યા. ૨૦૦૫નાં અંતમાં તેમણે ૬.૭૫ લાખમાં બંગલો વેચી દીધો અને તેમાંથી ૩ લાખનું દેવું ઉતારી દીધુ અને બાકીની રકમ શેર બજારમાં રોકી જો કે નસીબે ત્યાં પણ સાથ ના આપ્યો અને ૩ લાખ હારી ગયા અને સાથે . તેઓ ગામનાં જૂના ઘરમાં રહેવા ગયા. આજ કારણે તેઓ ૩.૫ વરસ સુધી ઘરની બહાર ના નીકળ્યાં. તે સમયે તેમના પપ્પા જમીન પર મજુર રાખી ખેતી કરાવતાં અને ઘર ચાલતું કારણ કે નલિનભાઈ બહુ જ ડિપ્રેશનમાં જતાં રહ્યાં હતાં.

જ્યારે તેઓ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા ત્યારે તેમનાં બનેવીઍ તેમને કોઈ ધંધો કરવા કહ્યું પરંતુ તેમણે શરૂ કરેલો કોઈ પણ બિઝનેસ ૧૫ દિવસ કરતાં વધુ ના ચાલતો અને તેમ કરતાં કરતાં ફરી બીજાં ૧.૮૦ લાખનું દેવું થઈ ગર્યું. ધંધો ના ચાલવાને કારણે બનેવીઍ તેમને નોકરી કરવા સૂચન આપ્યું અને તેઓ ઍક્વા+ મિનરલ વૉટરની કંપનીમાં ડરાઈવર તરીકે નોકરી ચાલુ કરી.

હવે ધીમી ગતિઍ તેમની પરિસ્થિતિ સુધરી રહી છે અને તેમણે હાર નથી માની. તેમણે ૧ લાખ રૂપિયા વ્યાજે લઈ તેમણે કાર ખરીદી. ૧ વરસ સુધી ઍક કોન્ટ્રાકટરના હાથ નીચે સચિવાલયમાં કાર ચલાવી પરંતુ કોંટ્રક્ટેર ૮૦૦૦૦ રૂપિયા જે તેમણે લેવાના નીકળે તે પણ આપ્યા નહી ઍટલે તેમણે સચિવાલયનું કામ બંધ કર્યું. અત્યારે તેઓ ઍક કોન્ટ્રાકટર માટે કાર ચલાવે છે જેમાં તેમણે ઍક કંપનીના ઍમ્પલોયીઝને રાતનાં સમયે જોબ માટે પિક કરીને ઑફીસ લાવવાનાં હોય છે અને વહેલી સવારે તેમને પાછા ઘરે ડરૉપ કરવાનાં હોય છે જે તેઓ પાછલા ૬-૭ મહિનાથી કરે છે.

"મેં મારા ઘરનાં ભાગલાં થયા પછી કોઈ શોખ નથી કર્યાં; ના પતંગ ચગાવ્યા, ના ધુળેટી રમ્યો પરંતુ મારા છોકરાઓને કદી કોઈ ઓછું નથી આવવા દીધું અને આવવા દઈશ પણ નહી." આવા ખુમારી ભર્યા શબ્દો સાથે જ્યારે તેમની વાત તેમણે પુરી કરી ત્યારે સવાર ઉગી રહી હતી, ઍમની આશાઓ સાથે સાથે! ઍજ આશાઓ અન જીવનની ખુમારી લઈ તેઓ તેમના ઑફીસના ઍમ્પલોયીસને ડરૉપ કરવા નીકળી પડયા.

લાઈફ-એ-જાફર હુસૈન શાહ

જિંદગીની રફતાર એક્ધારી નથી હોતી, ક્યારેક અનરાધાર વરસે છે તો ક્યારેક એની ક્ષણ ક્ષણ તરસે છે - તરસાવે છે. કદીક હિમાલયમાંથી નીકળતી નદી જેવી રમતી-કૂદતી વહે છે તો કદીક સરોવર જેવી શાંત રહે છે. જેટલા લોકો છે; ચહેરા છે, એટલાજ જિંદગીના અલગ અલગ રંગ પણ છે અને એવીજ રંગબેરંગી એ જિંદગીઓની વાર્તાઓ! આ બધી વાર્તાઓ આપણી આજુ-બાજુથી વહી જતી હોય છે અને ફકત જરૂર હોય છે એમાં આપણાં પ્રતિબિંબને જોવાની!

"થલતેજ ચાર રસ્તા?" દૂર થી મેં હાથ દેખાડયો, રિક્ષા પાસે આવી ઉભી રહી અને મેં રિક્ષા ડ્રાઈવરને પુછ્‌યુ.

"બેસી જાવ સર." રિક્ષા ડ્રાઈવરે જવાબ આપ્યો અને મે એને મીટર "ઝીરો" કરવાનું કહ્યું અને બેસી ગયો.

"સર, મીટર નથી. તમે રોજ જતા હશો એટલે તમને ખબર જ હશે કે ભાડાના કેટલા પૈસા થાય છે. તમે સમજીને આપી દેજો."

"ના મને નથી ખબર. હું રોજ નથી જતો. તમે કહો કેટલા થશે."

"૧૭૦ રૂપિયા સર."

"ઑ.કે." મારે ઑફીસ પહોચવાની ઉતાવળ હોવાથી હું બીજું કશું બોલ્યા વગર બેસી ગયો. વરસાદ ૩ દીવસથી રોકવાનું નામ નહોતો લેતો અને મારી પાસે રસ્તામાં એક્ટીવા બંધ થયા પછી ઑફીસ ટાઈમે પહોંચવું જરૂરી હતું અને એ જ કારણે હું ડ્રાઈવર સાથે વધારે કોઈ વાત કર્યા વગર બેસી ગયો હતો.

"હું રસ્તામાં એક જગ્યાએ રોકાઈ શકું જો તમને વાંધો ના હોય તો. ફક્ત ૨ મિનિટ જ લાગશે સર. મારે ફેરી કરૂં છું રિક્ષામાં તો એ સામાન લેવાનો છે. મને થોડા પૈસા એના મળી જશે." રિક્ષા ડ્રાઈવરે પૂછ્‌યું.

"વધારે વારના લગાડતા." મેં જવાબ આપ્યો અને એને મને એક સ્માઈલ આપી હાકારમાં મોઢું ધૂણાવ્યું.

હવે મને એ રિક્ષા ડ્રાઈવરમાં ઈંટ્રેસ્ટ જાગ્યો. બહુ જ સરળ માણસ લાગ્યો મને એ... એને જો વધારે પૈસા મળવાનાં જ હતા એ ફેરાની વસ્તુ રસ્તામાંથી લઈ ને જવાના અને બીજું કોઈ હોત તો પૂછ્‌યા વગર રિક્ષા ઉભી રાખી વસ્તુ લઈ લીધી હોત પણ એણે મારી પરમિશન માંગી!

હા, વાર્તા અને લોકો આમ જ મળી જાય છે.. રસ્તામાં જ!

"તમે ક્યારથી રિક્ષા ચલાવો છો?" મેં પૂછ્‌યું.

"૨૧ વરસનો થયો ત્યારથી. ૧૧ વરસ થઈ ગયા સર." ડ્રાઈવરે જવાબ આપ્યો. "પણ હું લોડિંગ રિક્ષા જ્યારે ૧૨ વરસનો હતો ત્યારથી ચલાવતો હતો. પછી આ રિક્ષા ખરીદી અને ત્યારથી હું આ રિક્ષા ચાલવું છું."

"તમે ૧૨ વરસના હતા ત્યારથી કામ કરો છો?" મેં થોડા અચરજ સાથે પૂછ્‌યું.

"કામ તો હું ૮ વરસનો હતો ત્યારથી કરૂં છું. હું દાણીલીમડાની એક હોટેલમાં કામ કરતો હતો જ્યારે નાનો હતો ત્યારે. પછી રંગાટીકામ કર્યુ. ત્યાં મારો પગાર ૬૦ રૂપિયા હતો. વધારે કમાવવા માટે ૧૨ વરસનો થયો એટલે લોડિંગ રિક્ષા ચલવવાનું કામ કર્યુ. હું ભણેલો નથી સર." ડ્રાઈવરે કહ્યું.

"તમારૂં નામ શું છે?" મેં પૂછ્‌યું.

"જાફરહુસેન શાહ. અને પપ્પાનું નામ રજ્જાકભાઈ." જાફરભાઈએ કહ્યું. "પપ્પા પેડલ રિક્ષા ચલાવતા હતા. એમણે મોટા કર્યા એ જ બહુ છે. એમણે બહુ મહેનત કરી છે."

"હા, લાઈફ છે." મેં ધીરેથી કહ્યું.

"સર, લાઈફ છે અને એમાં નાના-મોટા પ્રૉબ્લમ્સતો આવતાજ રહે. મુસીબતોનો સામનો કરે એને જ તો માણસ કહે છે ને! તેમનાથી થતું તેમણે કર્યું હવે મારો વારો છે તેમના માટે કરવાનો જે કૈં હું કરી શકું" જિંદગીની પેચિદગીને બહુ સરળ શબ્દોમાં કહી દીધી જાફરભાઈએ.

"જાફરભાઈ, તમારા મૅરેજ થઈ ગયા છે?"

"મારી વાઈફનું નામ રેશમા છે સર. મારો સૌથી મોટો દિકરો સમીર ૫માં ધોરણમાં ભણે છે, સમીરથી નાની છે સુહાના - મારી માટે સુહાનાનો જન્મ બહુ લકી છે. એના જન્મ પછી મારૂં ઘરનું ઘર થયું અને ઘરમાં સારી રીતે બધી ફેસિલિટી વસાવી. સુહાના ૪થા ધોરણમાં ભણે છે. તેનાથી નાની સાન્યા. એ તો હજી બહુ નાની છે. રેશમા સિલાઈ કામ કરે છે અને હું સવારે ૯ થી રાતના ૧૦ સુધી રિક્ષા ચાલવું છું. ઘરની લોન પણ તો ચૂકવવાની છે ને એટલે." બહુ ઉત્સાહથી તેમણે કહ્યું. "મૅરેજ પહેલા બધા પૈસા મોજ્શોખમાં વાપરી નખાતો પણ મારી વાઈફ ’સ્ટાર’ છે. એ મને સારા રસ્તે લઈ આવી..."

"તમારી લાઈફમાં તમને કોઈ વાતનું દુખ છે?" મેં પૂછ્‌યું.

"મારે દોસ્ત બહુ ઓછા છે. ખાસ દોસ્ત ૪-૫ છે. એમાં મારો એક દોસ્ત હતો હૈદર નામનો. મારો અને હૈદરનો કોઈ વાતચીત નથી થઈ વરસોથી. અમે મળ્યાં પણ નથી. ખબર નહી એ ક્યાં જતો રહ્યો છે. મેં શોધવાની કોશિશ કરી પરંતુ ના મળ્યો" એમના ચહેરા ઉપર થોડીક નિરાશા દેખાઈ.

"તમારી કોઈ એવી ઈચ્છા જે પૂરી કરવા માંગતા હોવ?" મેં તેમને થોડા ઉત્સાહિત કરવા પૂછ્‌યું.

"સર, મારે બહુ મહેનત કરી બહુ બધા પૈસા કમાવવા છે - મમ્મી અને પપ્પાને હજ પઢવા મોકલવા છે અને બચ્ચાઓનાં મૅરેજ સારી રીતે કરવા છે."

"ઉપરવાળો તમારી ઈચ્છાઓ પૂરી કરે."

"આમીન." તેમણે મારા મોઢેથી નીકળેલી દુઆઑને વધાવી લીધી અને પછી તેમણે મને મારા ઓફિસે ડ્રોપ કરી દીધો. આખા રસ્તે લાઈફની બીજી ઘણી વાતોની આપ લે કરી પણ એમની એક વાત યાદ રહી ગઈ.

"સર, અલ્લાહ આપણને મેળવવા માગતો હશે એટલે જ કદાચ તમારી એક્ટીવા રસ્તામાં ખરાબ થઈ હશે!"

હા, હવે લાગે છે કે કદાચ મારી એક્ટીવાનું ખરાબ થવું એ એક નવી જિંદગીને જાણવાનું નિમિત્ત હશે - હોઈ શકે!