...અને
ઑફ ધી રેકર્ડ
પ્રકરણ-૧
-ઃ લેખક :-
ભવ્ય રાવલ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
‘...અને’
પ્રકરણ - ૧
...અને ધડામ... ધડામ... ધડામ... ધડામ...
અત્યંત ક્રુર અને અપશુકનિયાળ એકાંતભરી ક્ષણોમાં કારતૂસો ફૂટવાના અવાજ આવ્યા. એને સત્યાની આંગળીઓ છ બુલેટથી લોડેડ જર્મન બનાવટની રિવોલ્વરનાં ટ્રિગર પર ફરતી દેખાઈ...
ગોળીથી ઘાયલ થયાની ભીતિભરી ક્ષણોના અહેસાસમાં એ અચાનક નિદ્રામાંથી સંપૂર્ણપણે જાગ્રત બનીને હોંશમાં આવ્યો ત્યારે આ આખી ઘટના તેની સમક્ષ વિગતવાર ચિત્રિત હાજર હતી.
સત્યા - ભૂલ... સુદર્શન અખબાર - જવાબદારી... કૌશર ખાન - ઈમાનદારી... તંત્રી - સમર્પણ... સાહિત્ય - પ્રાણી સંગ્રહાલય... પત્રકારત્વ - જંગલ... સિદ્ધાંત અને આદર્શ - તિરષ્કાર... બદમાશી અને દગાખોરી - પુરસ્કાર... અને પરિણામ...?
તેના મગજમાં, અર્ધ ખુલ્લી આંખો સમક્ષ ફિલ્મી દૃશ્યની જેમ વીતેલી થોડા કલાકોની ઘટના એક પછી એક પસાર થતી ગઈ.
એ ગોળીથી ઘાયલ થયા બાદ તાત્કાલિક એમ્બ્યુલન્સના હોર્નના આછી સાયરન, ડૉક્ટરનાં અવાજ વચ્ચે ઈમરજન્સીમાં ઘવાયેલો છૂપી રીતે દર્દથી પીડાતો, લોહીથી લથબથ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
રાજકોટ સીટી હોસ્પિટલનાં આઈ.સી.યુ. થિએટરના આછા લીલાશ પડતાં ઠંડા અંધકારમાં આંખ સામે છવાયેલી ધૂંધળાશ દૃષ્ટિ બની ત્યારે એને સ્પષ્ટપણે યાદ આવ્યું કે તેના પેટ અને છાતીનાં પોલાણમાં ચાર ગોળી પેસી ગઈ હતી અને ત્યારબાદ ઑપરેશન કરીને એ કાઢવામાં આવી હતી. તેની હાલત સંપૂર્ણ સ્થિર ન હતી, નાજૂક હતી.
ઑપરેશન બાદની તન - મનની શુષ્કતા એના ગળાને ઘેરી વળી હતી. એનું ગળું સુકાવા લાગ્યું હતું. પોતાની આસપાસ પાણી શોધતાં પડખું ફરવાનો પ્રયાસ તેણે કરી જોયો, પણ એ પડખું ફરી ન શક્યો. તે સમગ્ર સ્થિતિનું અવલોકન કરી શકતો નહોતો. હોસ્પિટલનું વાતાવરણ તેને અસમાન્ય લાગ્યું. કમરામાં એટલી શાંતિ હતી કે તે પોતાની નસોના થડકાર પણ ગણી શકતો હતો. કોઈ નર્સ તેના ઓબ્જર્વેશન માટે ફાળવવામાં ન આવી હતી! ગ્લુકોઝની બોટલ પણ ચડાવવામાં આવી નહોતી રહી!
એનાં દિમાગમાં અનુભવાતી વિચિત્ર પ્રકારની ઝણઝણાટી તેના મનને અનેક સવાલો કરતી હતી અને જવાબમાં અશુભ અંદેશા તેને મળતા હતા ત્યાં જ કમરામાં કોઈ પ્રવેશી રહ્યું છે એવો ખ્યાલ એને આવ્યો. આ ખ્યાલ હકીકત છે એવું જણાતાં તે અસીમ રાહત અનુભવવા લાગ્યો.
આઈ.સી.યુ. રૂમમાં કોણ પ્રવેશ્યું છે એ જોવા માટે એની આંખો મહામહેનતે તેણે ફેરવી, પરંતુ મસ્તક ઓશીકા સાથે જ ચોંટી રહ્યું. શરીરમાંથી લોહી વહી જવાથી તેનામાં અશક્તિ હતી. જોકે તેની વિહવળતાના કારણે તેની આંખો કમરામાં પ્રવેશી ચૂકેલા માણસો તરફ સ્થિર થઈ.
ચહેરા પર માસ્ક પહેરેલા એક ડૉક્ટર, ખાખી વર્દીમાં સજ્જ શહેર પોલીસ કમિશ્નર અને હાથમાં ફાઈલ લઈને ઉભેલા કેન્દ્રિય પ્રધાન મંડળનાં મંત્રી તરફ તેની નજર પડી. કાને પરિચિત અવાજોના પડઘા પડયાં.
‘આ પોસ્ટમોટમ રિપોર્ટ..’ ડૉક્ટરે વેન્ટીલેટર મશીનની સ્વીચ ઑફ કરી કમિશ્નરના હાથમાં પી.એમ. રિપોર્ટ આપ્યો. ડૉકટરના મોં પર માસ્ક હોવાથી એ ડૉક્ટરને પહેલાં ઓળખી નહોતો શક્યો, પરંતુ ડૉક્ટરનો અવાજ તેને પરિચિત લાગ્યો.
ગુસ્સાથી લાલચોળ થયેલી તેની આંખોમાં ભીનાશ તરી આવી. મુઠ્ઠીથી પલંગની ચાદર ફગાવી ગાળ બોલવાની કોશિશ કરી. હોઠ ફફડયાં પણ એ એક પણ શબ્દ બોલી ન શક્યો.
એક ઘાયલ દર્દીને ચિર નિદ્રામાં મોતને ઘાટ સુવડાવી દેવાનું ષડયંત્ર તેની આંખ સામે રચાતું શરૂ થયું.
પોતાની સાથે ચોક્કસ કશુંક અજુગતું, કશુંક અઘટિત બની રહ્યું છે. બનવાનું છે એવો નક્કર વિશ્વાસ એને થઈ ગયો. કૃત્રિમ શ્વાસોશ્વાસ આપતું મશીન બંધ કરતાં જ ફેફસાંમાં શ્રમ પડવા લાગ્યો. એની છાતીમાં કંઈક અતિગરમ પ્રવાહી રેડાતું હોય એવો અહેસાસ તીવ્રતર બનતો જતો હતો. એનું બદન દમ તોડી રહ્યું છે એવી ચોક્કસ ખાતરી તેને થઈ રહી. કોઈ એની છાતી ભીંસી રહ્યું હોય. કોઈ એનું નાક બંધ કરી રહ્યું હોય એમ ગુંગળાતો એના અસ્તિત્વને મૃત્યુના સકંજામાં લપેટાતું જોઈ રહ્યો.
કદાવર સફેદ ખાદીધારી વસ્ત્ર પહેરેલા નેતાએ કોઈ ફાઈલ ખોલી. એનો જમણો હાથ બળપૂર્વક પકડીને સરકારી કાગળો પર અંગૂઠાનું નિશાન મરાવ્યું. એના હાથના પંજાને ઘેરી વળેલી શીતળતા એ વ્યક્તિ અનુભવી શક્યો.
‘નાઉ કિલ્ડ ધીસ બાસ્ટર્ડ.’
જગતની શ્રેષ્ઠ તબીબી સવલતો વચ્ચે મોત ઝૂલતું હતું છતાં એના ચહેરા પર પીડાનો અંશ માત્ર દેખાતો નહોતો. પોતાનો વિરોધ દર્યાવવા શરીરની તમામ શક્તિ એકઠી કરવાના પ્રયાસમાં અંગોમાં ધ્રૂજારી - કંપારી દોડતી હતી. આઈ.સી.યુ. રૂમમાં ભયંકર આતંકનું વાતાવરણ સર્જાયું. એણે ડૉક્ટર, મંત્રી અને કમિશ્નરના ચુંગાલમાંથી છૂટવાનો મરણિયો પ્રયાસ કર્યો, પરંતુ તમામ કોશિશ નાકામ નીવડી.
એ કઈ વિશેષ પ્રતિક્રિયા આપી શકે તે પહેલાં જ ડૉક્ટરે તેના ડાબા હાથ પર ખભાની નીચે ઈન્જેકશન આપ્યું.
‘આ....હહ.......’ જોરદાર ચીસ સાઉન્ડ પ્રૂફ દિવાલો અને દરવાજાઓને કારણે હોસ્પિટલની શાંતિ અને સ્તબ્ધતાને હચમચાવી ન શકી.
એ શાંત પડીને પલંગમાં પટકાયો. તે નિષ્ક્રિય બની દાંત કચકચાવતો, જડબું ભીડતો કશું ન કરી શકવાની નપુંસક અસહાયતાથી પોતાની જ મૃત્યુજન્ય પરિસ્થિતિ પર નિરાશ અને હતાશ બનતો ગયો. તેનું અંગેઅંગ જાણે પક્ષઘાતથી અકડાઈને શરીર નિષ્પ્રાણ બનતું ચાલ્યું. આમ છતાં તેની જિજીવિષા હજીયે સામાન્યથી વધુ સજાગ અને તીવ્ર હતી. ઈન્જેકશન આપ્યા બાદ પણ એનું દિમાગ સંપૂર્ણપણે સૂન્ન બન્યું નહોતું. ડૉક્ટરે ઈન્જેકશનનો વધુ એક ડોઝ એને આપ્યો.
મૃત્યુનું ઘેરૂં આવરણ એના અવિનાશી અસ્તિત્વને ખતમ કરી રહ્યું છે એ સત્યથી ત્યાં ઉપસ્થિત કમિશ્નર અને નેતા બંને નિશ્ચિત રીતે વાકેફ હતા.
‘હવે?’ ડૉક્ટરના સવાલ પર મંત્રીએ સૂચવ્યું.
‘આ માણસ જીવતો જેટલો જોખમી છે એટલો જ જોખમી મૃત્યુ બાદ પણ છે. જો આની લાશને તેના કોઈ વારસદાર કે પરિચિતને સોપવામાં આવશે તો નક્કી ભવિષ્યમાં પ્રજા તેને પાળિયા બનાવી પૂજશે. સમાધિ સ્થાપી સેવા કરશે. આથી આ શબને જલ્દીથી રફેદફે કરી નાંખો એ જ હિતાવહ છે.’ મંત્રીની વાત પર સમર્થન આપતાં કમિશ્નર દ્વારા ડૉક્ટરને જણાવવામાં આવ્યું,
‘આ વ્યક્તિ વ્યવસ્થા માટે ખતરો છે. ભવિષ્યમાં આવનારી કોઈ જ મુસીબતની પરવા કર્યા વિના, મૂંઝવણોમાં પડયા વિના આ બલાને ઠેકાણે પહોંચાડવાની જવાબદારી સરકારશ્રીના આદેશ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી તમને સોંપવામાં આવે છે. ધીસ ઈઝ એન ઓર્ડર.’
આટલું જણાવી કમિશ્નર અને મંત્રી એકબીજાની સામે જોઈને અટ્ટહાસ્ય કરતાં આઈ.સી.યુ. રૂમમાંથી ઝડપથી વિદાય થયા. ડૉક્ટર અને ઘાયલ વ્યક્તિની ચાર આંખ એક થઈ. એક પોલાદી શૂન્યમનસ્કતાનું આવરણ ડૉકટર સમક્ષ રચાયું.
હામ અને હિંમતની હાર વચ્ચે તરફડીને તાણનો આંચકો આવ્યો. અંધારી ઘેરી રાત તરફ પ્રયાણ કરતી સાંજે ચૂપકીદીના આગોશમાં લપેટાઈને એની કીકીઓ સ્થિર થવા લાગી. આંખોનાં પોપચાં ઢળી ગયા.
ડૉક્ટરને પોતાની સત્તાનો વધુ પડતો દૂરપયોગ કરવાની લાલસા થઈ આવી. પોતાની સામે જિંદગીના અંતિમ શ્વાસ લેતી વ્યક્તિની નાડી તપાસી તેણે ફરી એક ઈન્જેકશન આપ્યું. અને..
ક્રમશઃ