Chhatrapati Shivaji in Gujarati Biography by MB (Official) books and stories PDF | Chhatrapati Shivaji

Featured Books
Categories
Share

Chhatrapati Shivaji

છત્રપતિ શિવાજી

સિદ્ધાર્થ છાયા



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.છત્રપતિ શિવાજી

૨.બાળપણ અને ઉછેર

૩.આદિલશાહી તેમજ મોગલો સાથેનો સંઘર્ષ

૪.અંગ્રેજો સાથેની લડાઈ

૫.રાજ્યાભિષેક

૬.દખ્ખણ તરફ કૂચ

૭.મૃત્યુ

૮.શિવાજીનો વારસો

છત્રપતિ શિવાજી

છત્રપતિ શિવાજી મહારાજનું નામ ભાગ્યેજ કોઈ ભારતીય નહીં જાણતો હોય. ભારતીયોમાં પણ મરાઠી લોકોની અસ્મિતા જગાવનાર શિવાજી મહારાજ આજે મહારાષ્ટ્રના ઘેરઘેર બોલાતું નામ છે. અંગ્રેજીમાં શિવાજીને એક ‘વોરિયર કિંગ’ તરીકે જાણવામાં આવે છે. શિવાજીએ આદિલશાહી સલ્તનતને પડકારીને પોતાનું ખુદનું એક સામ્રાજ્ય ઉભું કર્યું હતું અને તેને સફળતાપૂર્વક ચલાવ્યું પણ હતું. કેટલાયે સંઘર્ષ બાદ શિવાજીએ ૧૬૭૪માં મરાઠા સામ્રાજ્યની ઘોષણા કરી હતી અને તેઓ ખુદ છત્રપતિ તરીકે ઓળખાયા હતા. તે સમયના અન્ય હિંદુ, મુસ્લિમ કે મોગલ રાજાઓ અથવાતો બાદશાહોની નીતિથી વિપરીત શિવાજી મહારાજે એક પ્રગતિશીલ વિચારસરણી સાથે પોતાનું રાજ્ય ચલાવ્યું હતું. તેમના શાસનનું વ્યવસ્થાપન ખુબ વખણાતું હતું. આ ઉપરાંત તેમણે કેટલાંય કલ્યાણકારી નિર્ણયો પણ કર્યા હતા. શિવાજીએ જ ભારતમાં ગેરીલા પદ્ધતિથી યુદ્ધ કેમ કરવું તેની શરૂઆત કરી હતી. આક્રમણ સમયની ગતિથી વિરોધીને ચોંકાવી દઈને તેમણે કેટલાંય યુદ્ધો કર્યા હતા અને તેને જીતી પણ લીધા હતા. શિવાજીને તેના પિતા શાહજી મહારાજ તરફથી માત્ર ૨૦૦૦ સૈનિકો જ મળ્યા હતા, પરંતુ શિવાજીએ પોતાની મહેનત અને લગનથી આ સંખ્યા ૧૦, ૦૦૦ સુધી પહોંચાડી દીધી હતી. શિવાજી એવા પહેલા ભારતીય રાજા હતા જેમની પાસે કુશળ ભૂમિ અને દરિયાઈ એમ બંને સેનાઓ હતી. પોતાના વહીવટીતંત્રમાં શિવાજીએ મરાઠી અને સંસ્કૃત ભાષાનો પ્રયોગ ફરજીયાત કર્યો હતો અને પર્શિયન ભાષાનો નિષેધ કર્યો હતો. ભારતની આઝાદીની ચળવળ શરૂ થાય તેના લાંબા સમય પહેલાંજ શિવાજીનું અવસાન થઈ ચુક્યું હતું, પરંતુ તેમણે વાવેલા આઝાદી અને રાષ્ટ્રવાદના બીજ ભારતના ઘણાયે સ્વતંત્રતા સેનાનીઓમાં કાયમ રહ્યા હતા. આજે પણ ઘણીબધી હિંદુવાદી મરાઠી સંસ્થાઓમાં શિવાજી માત્ર પોસ્ટર બોય ન બની રહેતાં તેમના હિંદુ રાષ્ટ્રવાદના સિદ્ધાંતોને વળગી રહેવાનું વલણ જોવા મળે છે. આવા મહાન શાસક અને રાષ્ટ્રવાદી છત્રપતિ શિવાજી મહારાજના જીવન વિષે થોડું જાણીએ.

બાળપણ અને ઉછેર

શિવાજીનો જન્મ હાલના પુણે જીલ્લામાં આવેલા જુન્નાર શહેરની પાસે આવેલી શિવનેરીની ટેકરીના કિલ્લામાં થયો હતો. શિવાજીની જન્મતારીખ વિષે મતમતાંતર છે. એક માન્યતા અનુસાર શિવાજીનો જન્મ ૧૬૩૦ની સાલમાં થયો હતો. એક અન્ય માન્યતા અનુસાર શિવાજીનો જન્મ ૬ઠ્‌ઠી એપ્રિલ ૧૬૨૭માં થયો હતો, જ્યારે મહારાષ્ટ્રની સરકારે આધિકારિકરીતે ૧૯ ફેબ્રૂઆરી ૧૬૩૦ને તેમની જન્મતારીખ ગણી છે. શિવાજીના માતા જીજાબાઈએ પોતાને એક તંદુરસ્ત બાળક અવતરે તેને માટે શિવનેરીની આસપાસમાંજ આવેલી શિવાઈ દેવીની માનતા માની હતી. આથી શિવાજીના જન્મ બાદ શિવાઈ માતાના નામ પાછળજ શિવાજી નામ પડયું હોવાનું કહેવાય છે. શિવાજીના પિતા શાહજી ભોંસલે દખ્ખણની સલ્તનતના મરાઠા સેનાપતિ તરીકે કાર્યરત હતા. જ્યારે માતા જીજાબાઈ સિંધખેડના જાધવ લખુજીરાવની પુત્રી હતા. શિવાજીના જન્મ સમયે દખ્ખણમાં બિજાપુર, અહમદનગર અને ગોલકોંડા એમ ત્રણ સામ્રાજ્યો હતા. શાહજીએ વારાફરતી અહમદનગરની નિઝામશાહી, મોગલો અને બિજાપુરની આદિલશાહી વચ્ચે પોતાની નિષ્ઠા બદલે રાખી હતી. પરંતુ આ તમામ સમયે તેમણે પોતાની આ શિવનેરીની જાગીર પોતાની પાસેજ રાખી હતી.

શિવાજી પોતાની માતા જીજાબાઈની ખુબ નજીક હતા. જીજાબાઈ પોતે ખુબ ધાર્મિક હતા. આથી ઘરનાં ધાર્મિક વાતાવરણની શિવાજીના ઉછેર પર ખુબ ઊંંડી અસર રહી હતી. જીજાબાઈએ બાળપણમાંજ શિવાજીને મહાભારત અને રામાયણની શિક્ષા આપી હતી. આ દરમ્યાન શાહજીએ મોહિતે પરિવારની તુકાબાઈ સાથે બીજા લગ્ન કરીને લડાઈમાં જતા રહ્યા. લડાઈમાં જતા અગાઉ શાહજીએ દાદોજી કોન્ડદેવને રાજ્યની જવાબદારી આપી હતી, આથી શિવાજીના શિક્ષણમાં કોન્ડદેવનો પણ ખુબ મોટો ફાળો હતો. દાદોજી કોન્ડદેવ પાસે શિવાજીએ ઘોડેસવારી, તીરંદાજી, નિશાનેબાજી અને પટ્ટાબાજીની તાલીમ લીધી. વધારે સમય ઘરની બહાર રહેવાના શિવાજીના શોખને લીધે તેમણે બહુ ઓછું ઔપચારિક શિક્ષણ લીધું હતું. બાર વર્ષની ઉંમરે શિવાજીને તેમના મોટાભાઈ સંભાજી તેમજ સાવકા ભાઈ એકોજીની સાથે બેંગ્લોરમાં તાલીમ આપવામાં આવી. અહીં તેઓ નીમ્બાલકર પરિવારની સાઈબાઈ સાથે પરણ્‌યા. દાદાજી નારસ પ્રભુને લખેલા એક પત્રમાં ૧૬૪૫-૪૬ની સાલમાં શિવાજીએ પ્રથમવાર હિંદવી સ્વરાજ્યનો ઉલ્લેખ કર્યો હતો.

આદિલશાહી તેમજ મોગલો સાથેનો સંઘર્ષ

૧૬૪૫માં માત્ર પંદર વર્ષની ઉંમરે શિવજીએ બિજાપુરના સેનાપતિ ઈનાયત ખાનને લાંચ આપીને તોરણા કિલ્લા પર પોતાનો કબજો જમાવી દીધો. ત્યાર પછી એજ તર્જ પર ફિરંગોજી નાર્સાલાને પણ લાંચ આપીને ચાકન કિલ્લાને પણ પોતાનો કરી લીધો. કોન્ડણાના કિલ્લાને પણ શિવાજીએ જ્યારે લાંચ દ્વારા પોતાના કબજામાં કર્યો ત્યારે આદિલશાહી ચોંકી ઉઠી અને તે સમયના આદિલ શાહ મોહમ્મદ આદિલ શાહે સેનાપતિ બાજી ઘોરપડેને હુકમ કરીને શાહજીને કેદ કરી લીધા, જેથી શિવાજી પર નિયંત્રણ રાખી શકાય. શાહજીના કેદ થવાથી શિવાજી અને સંભાજીએ આ તમામ કિલ્લાઓ આદિલ શાહને પરત કરી દીધા. એક માન્યતા અનુસાર આદિલ શાહે શિવાજી અને સંભાજીને પણ બે વર્ષ માટે કેદ કર્યા હતા. પરંતુ એક હકિકત પાકી છે કે કિલ્લાઓ પરત કર્યા બાદ શિવાજી લાંબો સમય શાંત જરૂર રહ્યા હતા. જેલમાંથી છૂટ્‌યા બાદ શાહજીએ નિવૃત્તિની ઘોષણા કરી દીધી અને તેઓ ૧૬૬૪-૬૫ની સાલમાં શિકાર કરતી વખતે અવસાન પામ્યા. પિતાના મૃત્યુ પછી શિવાજીએ ફરીએકવાર પોતાની પ્રવૃત્તિને વેગ આપ્યો અને જવાલીનો કિલ્લો કબજે કર્યો.

૧૬૫૯માં આદિલશાહે પોતાના સૌથી વધુ વિશ્વાસપાત્ર અને અનુભવી સેનાપતિ અફઝલ ખાનને શિવાજીને મારી નાખવા માટે મોકલ્યો. આ બંને પ્રતાપગઢના કિલ્લા પાસે ૧૦ નવેમ્બર ૧૬૫૯ના રોજ મળ્યા. નક્કી એમ કરવામાં આવ્યું હતું કે બંને તલવાર સીવાય કોઈપણ અન્ય શસ્ત્ર સાથે નહીં રાખે. પરંતુ શિવાજીને અફઝલ ખાન પર જરાય વિશ્વાસ ન હતો. તેમણે તલવાર ઉપરાંત તેમની કમરમાં એક જમૈયો અને ડાબા હાથમાં વાઘનખ પહેર્યા. અફઝલ ખાન પણ શિવાજીના વિચારને જાણેકે સાબિત કરતો હોય તેમ શિવાજીને ભેટતી વખતે તેમની પીઠ પર કટાર ઉગામી. શિવાજી અફઝલ ખાનની પહેલાજ તૈયાર હતા અને તેમણે અફઝલ ખાનની પીઠમાં પોતાનો જમૈયો અને છાતીમાં વાઘનખ ભરાવી દીધા. અફઝલ ખાન માટે આ હુમલો પ્રાણઘાતક બન્યો.

મોગલો સાથેપણ શિવાજીનો સંઘર્ષ અવિરતપણે ચાલુ રહ્યો. ઔરંગઝેબે શિવાજીને ૧૬૬૬ની સાલમાં આગ્રા બોલાવ્યા અને ત્યાંજ તેમને કૈદ કરી દીધા. આગ્રાની વિઠ્‌ઠલદાસ હવેલીમાં શિવાજીને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. અહીં ધીરેધીરે શિવાજીની તબિયત બગડવા લાગી. આથી ઔરંગઝેબે શિવાજીને સાધુઓ તેમજ સુફી સંતોને દાન ધર્મ કરવાની છૂટ આપી. શિવાજી રોજ આ સંતો માટે ટોપલાઓ ભરીભરીને મીઠાઈઓ મોકલતા. એક દિવસ શિવાજી પોતેજ પોતાના પુત્ર સંભાજી સાથે આ ટોપલામાં બેસીને નાસી ગયા. જો કે એક અન્ય માન્યતા અનુસાર શિવાજી એક બ્રાહ્‌મણ પુજારીના વેશમાં ભાગ્યા હતા.

અંગ્રેજો સાથેની લડાઈ

ઔરંગઝેબની કેદમાંથી સફળતાપૂર્વક ભાગી છૂટ્‌યા બાદ ૧૬૭૦ની સાલની સમાપ્તિ સુધીમાં શિવાજીએ મોગલો સામે ખુબ મોટી સંખ્યામાં યુદ્ધો કર્યા. આ સમયમાં તેમણે પોતાના જેલવાસ દરમ્યાન મોગલોએ કબજે કરેલા મોટાભાગના રાજ્યો ફરી જીતી લીધા હતા. આ દરમ્યાન શિવાજીના ખાસ વિશ્વાસુ સેનાપતિ તાનાજી માલુસરેએ સિંહગઢનો કિલ્લો જીતી પણ લીધો પરંતુ તેઓ લડતા લડતા મૃત્યુ પામ્યા. સિંહગઢની જીત શિવાજી માટે ખુબ મહત્વની હતી. આ જીત પછી શિવાજીએ બીજીવાર સુરતને લુંટ્‌યું. આ લૂંટ પછી પાછા ફરતા બાદ મોગલોએ દાઉદ ખાનની સેનાને શિવાજીને રોકવાનો હુકમ કર્યો, પરંતુ દાઉદ ખાન વાણી-ડિંડોરી, જે હાલમાં નાસિક તરીકે ઓળખાય છે ત્યાં તેની હાર થઈ. પોતાના સૈન્ય માટે જરૂરી એવા આધુનિક શસ્ત્રો માટે શિવાજીએ અંગ્રેજો તરફ નજર માંડી પરંતુ અંગ્રેજો માન્યા નહીં. આથી તેમને હેરાન કરવા માટે શિવાજીએ મુંબઈનો રસ્તો રોકી દીધો. ૧૬૭૧ના સપ્ટેમ્બર માસમાં શિવાજીએ ફરીએકવાર પોતાનો પ્રતિનિધિ અંગ્રેજો પાસે મોકલીને તેમના શસ્ત્રો આપવાની વિનંતી કરી, પરંતુ નિષ્ફળ ગયા. આ દરમ્યાન રાજાપુર નજીક શિવાજીની સેનાએ અંગ્રેજોની સેનાને લુંટી લીધી. આથી અંગ્રેજોએ લેફ્ટનન્ટ સ્ટિફન ઉસ્ટીકને શિવાજી સાથે સંધી કરવા માટે મોકલ્યો, પરંતુ શિવાજીએ રાજાપુર લૂંટનો હિસ્સો પરત કરવા ઈનકાર કરવાથી આ ચર્ચા ભાંગી પડી. ત્યારબાદ અંગ્રેજો અને શિવાજી સાથે નાનામોટા કરારો થયા હોવાનું અમુક જગ્યાએ લખાયું છે, પરંતુ શિવાજીએ રાજાપુર લુંટનો હિસ્સો તેમના મૃત્યુ સુધી પરત નહોતો કર્યો.

રાજ્યાભિષેક

શિવાજીએ પોતાની જિંદગીમાં કેટલાયે યુદ્ધો કર્યા અને ઘણોબધો વિસ્તાર પોતાના કબજામાં કરી લીધો. પરંતુ તેઓ હજીપણ એ જીતી લીધેલા પ્રદેશના રાજા નહોતા. એકરીતે જોઈએ તો તે હજીપણ એક મોગલ જમીનદાર અથવાતો આદિલશાહીના જાગીરદારના પુત્ર માત્ર હતા. એમની પાસે કોઈ કાયદેસરનું પદ નહોતું. જો તેઓ એક રાજાનો હોદ્દો ગ્રહણ કરે તો તેમને અન્ય રાજાઓ તેમજ મોગલો સાથે એક અલગજ સ્તર પર વાત કરવાનો હક્ક મળે. આ ઉપરાંત રાજા બનવાથી અન્ય મરાઠી રાજાઓમાં પણ તેમની ધાક બેસી જાય એમ હતું. આટલુંજ નહીં પરંતુ શિવાજીના રાજ્યની હિંદુ પ્રજાને પોતાનું એક આઝાદ રાજ્ય પણ મળે એમ હતું.

૬ઠ્‌ઠી જુન ૧૬૭૪ અને હિંદુ કેલેન્ડર અનુસાર જેઠ સુદ તેરસના દિવસે રાયગઢના કિલ્લામાં શિવાજીનો રાજ્યાભિષેક થયો. શ્લોકોના સતત ઉચ્ચારણ દરમ્યાન ગંગા, યમુના, ગોદાવરી, ક્રિશ્ના અને કાવેરી એમ પાંચ પવિત્ર નદીઓના જળથી શિવાજીનો અભિષેક કરવામાં આવ્યો. પંડિત ગાગા ભટ્ટે શિવાજીનો શાસ્ત્રોક્તવિધિથી રાજ્યાભિષેક કર્યો. લગભગ પચાસ હજાર લોકોની હાજરીમાં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ શિવાજીએ માતા જીજાબાઈના ચરણસ્પર્શ પણ કર્યા હતા. રાજ્યાભિષેક થતાંજ શિવાજીને ‘શકકર્તા’ એટલેકે એક યુગની શરૂઆત કરનારા, ‘ક્ષત્રિય કુલવંત’ અને ‘છત્રપતિ’ ના ઉપનામો આપવામાં આવ્યા હતા. શિવાજીએ પોતે ‘હિંદવા ધર્મોધ્ધારક’નું ઉપનામ ધારણ કર્યું હતું. શિવાજીના રાજ્યાભિષેકના થોડાજ સમયમાં માતા જીજાબાઈનું અવસાન પણ થયું હતું.

દખ્ખણ તરફ કૂચ

૧૬૭૪ની શરૂઆતમાંજ મરાઠાઓએ આક્રમક શૈલી અપનાવી હતી અને એકપછી એક કિલ્લાઓ સર કરવા માંડયા હતા. શિવાજીની સેનાએ આ એક વર્ષમાંજ ખાનદેશ, બીજાપુરી પોંડા, કારવાડ, કોલ્હાપુરના કિલ્લાઓ ફતેહ કર્યા. આ ઉપરાંત શિવાજીની નૌસેનાએ સિદ્દીઓ પાસેથી જાન્જીરા પણ કબજે કરી લીધું હતું. આ ઉપરાંત સુરત થઈને રામનગરના પેશ્વાને પણ હરાવ્યો અને અઠનીને લૂંટ્‌યું. બેલગામને જીતીને શિવાજીએ દખ્ખણમાં પ્રવેશ કર્યો. પોતાની ૫૦૦૦૦ની ક્ષમતાવાળા સૈન્ય સાથે શિવાજીએ દક્ષિણ ભારતની વાટ પકડી. તેમણે આદિલશાહીના બે મહત્વના કિલ્લાઓ વેલ્લોર અને જિંજીને ફતેહ કર્યા જે આજે તમિલનાડુમાં આવેલા છે. પોતાની દખ્ખણની સફર દરમ્યાન શિવાજીએ જાણ્‌યુ કે દક્ષિણની એક અલગજ સંસ્કૃતિ છે આથી તેને બાહરી તાકતોની રક્ષણ આપવું ખુબ જરૂરી છે. જિંજી દસ વર્ષ સુધી મરાઠા સામ્રાજ્યનું પાટનગર આવનારા દસકા સુધી બની રહ્યું.

મૃત્યુ

શિવાજી પોતાના અંતિમ સમયમાં પોતાના ઉત્તરાધિકારી બાબતે ખુબ ચિંતિત હતા. કારણકે તેમનો મોટો પુત્ર સંભાજી પોતાના અસભ્ય વર્તન તેમજ અતિકામુકતા ભર્યા સ્વભાવને લીધે શિવાજીને અપ્રિય થઈ પડયો હતો. આથી શિવાજીએ તેને ૧૬૭૮માં પન્હાલામાં કેદ કરીને રાખ્યો હતો. પરંતુ ત્યાંથી સંભાજી પોતાની પત્ની સાથે ભાગી ગયો અને મોગલો સાથે ભળી ગયો. થોડા સમયબાદ સંભાજી ફરીએવાર શિવાજી પાસે આવ્યો અને તેને ફરીએકવાર પન્હાલામાં કેદ કરવામાં આવ્યો. ત્રીજી કે પાંચમી એપ્રિલ ૧૬૮૦ના દિવસે તાવ અને પેટની બિમારીને લીધે શિવાજીનું અવસાન થયું. એવું કહેવાય છે કે તેમના અવસાનના બીજે દિવસે હનુમાન જયંતિ હતી. શિવાજીના મૃત્યુ બાદ એવી અફવા પણ ફેલાઈ હતી કે શિવાજીને તેમની બીજી પત્ની સુર્યાબાઈએ ઝેર આપીને મારી નાંખ્યા હતા, જેથી તેના દસ વર્ષના પુત્ર રાજારામને ગાદીએ બેસાડી શકાય.

શિવાજીના મૃત્યુ પછી સુર્યાબાઈએ શિવાજીના મંત્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રાજારામને કેવીરીતે ગાદી પર બેસાડવો અને પોતાના સાવકા પુત્ર સંભાજીને ગાદીથી કેવી રીતે દૂર રાખવો તેની એક યોજના પણ બનાવી રાખી હતી. પરંતુ સંભાજીએ શિવાજીના સેનાપતિનું ખૂન કરીને રાયગઢના કિલ્લાને કબજે કરી લીધો. સંભાજી ૨૦ જુલાઈ ૧૬૮૦ના દિવસે ગાદીપતિ થયો. દસ વર્ષના રાજારામ, તેની પત્ની જાનકીબાઈ તેમજ તેની માતા સુર્યાબાઈને કેદ કરવામાં આવ્યા. સુર્યાબાઈને થોડા સમયબાદ કાવતરૂં કરવાના આરોપ હેઠળ મૃત્યુદંડ આપવામાં આવ્યો.

શિવાજીનો વારસો

એક આંકડા મુજબ શિવાજીના અવસાન સમયે ભારતીય ઉપમહાદ્વીપમાં તેમનું સામ્રાજ્ય ૪.૧%નો હિસ્સો ધરાવતું હતું. આથી શિવાજીએ પોતાના સામ્રાજ્યને કેટલી હદ સુધી વિસ્તાર્યું હતું તે કલ્પી શકાય છે. શિવાજીના મૃત્યુબાદ સો વર્ષ સુધી પેશ્વાઓએ આ સામ્રાજ્યને આગળ વધાર્યું હતું અને મરાઠા સામ્રાજ્ય ઉત્તર અને મધ્ય ભારતમાં પોતાની ધાક જમાવતું હતું.

સંસ્કૃત અને મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવાનું ભગીરથ કાર્ય પણ શિવાજીના સમયમાં જ થયું હતું. આ બંને ભાષાઓને શિવાજીએ પોતાની વહીવટી ભાષા બનાવી હતી. તેઓનું મંત્રીમંડળ પણ ‘અષ્ટ પ્રધાન’ ના નામે ઓળખાતું હતું. પોતે જીતેલા કિલ્લાઓને તેમણે સિંધુદુર્ગ, પ્રચંડગઢ તેમજ સુવર્ણદુર્‌ગ જેવા નામ આપ્યા હતા. આ ઉપરાંત અધિકારીઓને ન્યાયાધીશ અને સેનાપત જેવા નામો પણ આપ્યા હતા.

પોતે હિંદુ હોવા છતાં શિવાજીએ દરેક ધર્મીઓનો કાયમ આદર કર્યો હતો. શિવાજીના રાજ્યમાં તમામ ધર્મના લોકોને પોતાની ધાર્મિક વિધિઓ કરવાની સંપૂર્ણ છૂટ હતી. જો કે શિવાજીના સમયમાં બળપૂર્વક કરાવવામાં આવતાં ધર્મ પરિવર્તનો પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. આ ઉપરાંત શિવાજીના સમયમાં ગુલામીપ્રથા પર પણ મનાઈ હતી. સ્ત્રીઓ પ્રત્યે પણ કોઈજ બંધનો રાખવામાં આવ્યા ન હતા. શિવાજીના રાજ્યમાં કેટલાય નાનાનાના ઈસ્લામિક રાજ્યો પણ શામેલ હતા. આ તમામને શિવાજી તરફથી કોઈજ તકલીફ આપવામાં આવી ન હતી. આ ઉપરાંત શિવાજીની નૌસેનામાં ઈબ્રાહીમ ખાન તેમજ દૌલત ખાન જેવા મુસ્લિમ સેનાપતિઓ પણ હતા જ્યારે સિદ્દી ઈબ્રાહીમ તેમના શસ્ત્રાગારની સંભાળ લેતો હતો.

શિવાજીએ એક સૈન્યને કેવીરીતે બનાવવું અને ત્યારબાદ તેને કયા ક્યા પ્રકારની તાલીમ આપવી તેનું વ્યવસ્થિત માળખું તૈયાર કર્યું હતું. કોઈ હિંદુ રાજા પાસે પોતાનું અલગથી નૌસેના દળ હોય તેવા શિવાજી કદાચ પ્રથમ રાજા હતા. શિવાજીના આ પ્રકારના ઉત્તમ વ્યવહાર અને આચારથી આજે પણ તેઓ ભારતમાં નાયક તરીકે પૂજાય છે. મહારાષ્ટ્ર રાજ્યમાં શિવાજીનું નામ આજેપણ સન્માનપૂર્વક લેવામાં આવે છે. મરાઠી પ્રજાને એક કરનાર તેમજ તેમની અસ્મિતાનું ભાન કરાવનાર રાજા તરીકે શિવાજી સમક્ષ સમગ્ર મરાઠી કુળ કાયમ નતમસ્તક હોય છે. સ્વામી વિવેકાનંદે શિવાજીના તેમની બુદ્‌ધિમત્તા બાબતે ખુબ વખાણ કર્યા છે. ૧૯૦૧ની સાલમાં બંગાળમાં શિવાજી જયંતિ સમયે લોકમાન્ય તિલકે જ્યારે એક સમારંભ યોજ્યો હતો ત્યારે સ્વામી વિવેકાનંદ ખુદ ત્યાં હાજર રહ્યા હતા. આ સમારંભમાં વિવેકાનંદે શિવાજીને હિંદુ ધર્મના ઉદ્ધારક પણ કહ્યા હતા.

શિવાજીના પુરા કદના પુતળાઓ આજે ભારતભરમાં જોવા મળે છે. જેમાં મહારાષ્ટ્રના વિવિધ શહેરો ઉપરાંત ગોવા, બેંગ્લોર, વડોદરા, સુરત અને અરૂણાચલ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતના એક સૈનિક જહાજને પણ ‘આઈએનએસ શિવાજી’ નામ આપવામાં આવ્યું છે. શિવાજીને નામે ભારત સરકારે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. આ ઉપરાંત મુંબઈના સહાર એરપોર્ટને છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ આપવામાં આવ્યું છે. આવીજ રીતે વિક્ટોરિયા ટર્મિનસનું નામ પણ બદલીને છત્રપતિ શિવાજી ટર્મિનસ નામ આપવામાં આવ્યું છે. મુંબઈના માટુંગામાં આવેલા વિક્ટોરિયા જ્યુબીલી ટેકનીકલ ઈન્સ્ટીટયુટને વિરમાતા જીજાબાઈ ટેક્નીલોજીક્લ ઈન્સ્ટીટયુટનું નામ અપાયું છે.

આમ શિવાજીએ પોતાના સામ્રાજ્ય માટે જેટલું પણ કર્યું તેનું દેશ આજે ૠણ ચૂકવી રહ્યો છે. શિવાજીનું નામ માત્ર દેશવાસીઓમાં રાષ્ટ્રવાદની ભાવના ઉભી કરે છે. આવા વીર સેનાની તેમજ એક વિરલ વહીવટકર્તાને આપણા શત શત નમન.