Samay in Gujarati Short Stories by Geeta Panchal books and stories PDF | સમય - story for competition

Featured Books
Categories
Share

સમય - story for competition

સમય

ગીતા પંચાલ

સમય આજે પ્રગાઢ નિંદ્રામાં સુતો છે.કોઈજ વિચાર કે ચિંતા સતાવતી નથી.બસ ફક્ત નિરાંત અને આરામ જ છે.એક શૂન્યવકાશ સાથે અનંત મૌનનો પરમાનંદ. આજે તેણે તેની બધી જ ચિંતા તેની નાફીકરી, બેજવાબદાર પત્ની જાગૃતિને સોંપી અને સાથે મોઢે ચડાવેલ દીકરા જગત અને લાડકી દીકરી પીન્કીની પણ ઊંઘ ઉડાડી દીધીછે.

હા,તે છેલ્લા દસ દિવસ થી ICU વોર્ડમાં વેન્ટીલેટર પર આરામથી સુતો છે.એકએક દિવસ વીતતો જાય છે ને સાથે જાગૃતિની ચિન્તા પણ વધતી જાય છે. દીકરાને હોસ્પીટલના વધતા બીલની,તો દીકરીને ઘરના કામકાજમાં વપરાતી શક્તિનો થાક લાગે છે. હવે આજે સૌને સમયની કિંમત સમજાય છે.પણ તેતો આ બધાથી બેફીકર આરામથી સુતો છે.

૧૦ દિવસ પહેલા થયેલાં એક નાનકડા વિવાદે ઝઘડાનું મોટું સ્વરૂપ લીધુને વધતાં અવાજનાં પ્રેશરે મગજ પર જોર આપ્યુંને ઝટકો વાગ્યો, જેને ડોકટરે બ્રેઈન સ્ટ્રોક જેવું રૂપકડું નામ આપીને નળીઓની વચ્ચે એક ૬ ફૂટયા માનવીને સુવાડી દીધો, જેનું નામ વેન્ટીલેટર. સમય ઘણીવાર આની મજાક કરતો. કોઈવાર કોઈ સંબંધીને હોસ્પીટલમાં ખબર કાઢવા જવાનું થાયતો કહેતો, “જાગુ, તને ખબર છે,જુના જમાનામાં ઘરમાં વેન્ટિલેશન હતા,એટલે લોકોને આવા વેન્ટીલેટર પર નહતા રાખવા પડતાં.પણ અત્યારે બંધ બારીબારણાં વચ્ચે જીવતા માણસે મરવા માટે પણ આવા બંધ રૂમમાં જવું પડેછે. મને ક્યારેક તો વિચાર આવે છેકે, લોકો જેને આત્મા કહેછે, તે સાલો આ બંધ જડબેસલાક રૂમમાંથી કેવીરીતે નાસી છૂટતો હશે?” કહી સમય પોતાનાં આ જોક પર ખુબ હસતો.ત્યારે જાગૃતિ મીઠા છણકા સાથે કહેતી, “તમારા આવા ગાંડા ઘેલા સવાલોના જવાબ મારી પાસે નથી.” અને આજે તે પોતેજ આ કારાવાસમાં કેદ છેને,તેનું તેને જ્ઞાત પણ નથી.આ વિચારે જાગુથી એક ડૂસકું મુકાઇ ગયું.આ ડુસકાથી બેખબર જગતે આવીને કહ્યું, “મમ્મી જોયું પપ્પાએ ડો.ને નવી ગાડી લાવી આપી.”કઈ ન સમજતા જાગુ પ્રશ્નાર્થ ચહેરે તેની સામે જોઈ રહી, “તું શું કહેછે, કાઈ સમજાય તેવું બોલ,” “જો” ડો.ની નવી ગાડી બતાવતાં બોલ્યો, ”હવે સમજી?” જાગુ હવે ગુસ્સે થઇ ગયી ,”કાઈ ખબર પડે છે,કાંઈ ભાન પડે છે, ક્યારે શું બોલવું તે?” અને તે ભૂતકાળમાં સરી પડી.આજે તેને પોતે બોલેલા શબ્દો જ વ્યર્થ લાગ્યા,અને જયારે આ ભાન આવ્યું ત્યારે ઘણું મોડું થઈ ગયું છે તે સમજાયું . સમયની રોજની ટકોર કે તમે બધા બેફામ પૈસા વાપરો છો.ઘરમાં કોઈ શિસ્ત નથી.વગેરે. રોજ રાતે બાર પહેલા ઘરે ના આવતાં દીકરાને કહેતાં જરા ગુસ્સે થઇ જવાયું, “કે, ભાઈ સમયે ઘરે આવતાં શીખ, જવાબદારી ઉપાડ.હવે મને પણ થાક લાગે છે.” પણ જાગૃતિનો પુત્ર મોહ બોલી ઉઠ્યોકે, “તમને તમારા બાપાએ મજા નથી કરવા દીધી પણ તેને તો કરવાદો,અત્યારે નહિ ફરે તો ક્યારે આપણી જેમ ઘરડા થશે ત્યારે ફરશે? જેમ આપણે જવાબદારીમાંથી નીકળી નથી સકતા તેમ. વળી રાતે ક્યાય બહાર જવું હોય તો તમારો મોતિયો નડે છે, ક્યાંતો તમે થાકી ગયા હોવ,” આમ જાગુની લાંબી દલીલો ચાલી.તેને અટકાવતાં સમય બોલ્યો, “હા,ભાઈ મને પણ મારો આ મોતિયો નડેછે. પણ તમે બધા તમારામાંથી નવરા પડો તો ડો.નો સમય લઉને.આ ભાઈ ઓફીસ સંભાળે. પીન્કીની પરીક્ષાપતી જાય તેની રાહ જોઉંછું. છોકરાઓને સમજાવાના બદલે મારી સાથે ઝઘડે છે.”સમયે બળાપો કાઢ્યો.પણ તેને સાંભળવા કોઈ હાજર નહતું, અને તે કાંઈ વિચારી નાહવા જતો રહ્યો. પણ આ શું ચક્કર કેમ આવે છે?તેને બે દિવસ પહેલા ડો.શર્મા આપેલી ચેતવણી યાદ આવી ગયી,”હમણાંથી તમારું પ્રેશર વધારે રહેછે. ચિંતા ઓછી કરોને રિલેક્ષ રહો.મારું માનોતો થોડા દિવસ હવાફેર કરી આવો. બલ્ડપ્રેશરનું આ વધઘટ સારુ નથી.” સમય ઘરે આવી જાગુ ને આ વાત કહેવા માંગતો હતો.પણ ઘરે કોઈ હોય તો કહેને. જાગુને તેની કિટીપાર્ટીમાંથી ફુરસદ જ મળતી નહતી.વળી હમણાથી બધી ફ્રેન્ડસના આગ્રહથી બીજી કીટી ચાલુ કરી હતી,ને વળી તેની બધી જવાબદારી પણ તેની હતી.આ બધા બોજમાં બિચારી ઘરનો બોજ નહતી સંભાળી શકતી.પોતાનાં કીટીના કારભાર અને મોબાઇલની રીન્ગોમાં સમયનો અવાજ નહતો સંભળાતો. પણ ત્યાં જ અચાનક બાથરૂમમાંથી ધબાક દઈને કઈ પડવાનો અવાજ આવ્યોને જાગુ મોબાઈલ ફેંકી દોડી. સમયને ચતોપાટ પડેલો જોઈ બુમાબુમ કરી મૂકી,દોડતા આવેલ દીકરા દીકરીના હોશ ઉડી ગયાને ચાલુ થઇ સમયને સાચવવાની મથામણ.

આજે બાર દિવસ થયા, જગત ડો.ને પૂછી રહ્યો છે,કે અંકલ, કેમ પપ્પાને રીકવરી ક્યારે આવશે ? હજી ભાન કેમ આવતું નથી ? ત્યારે જરા હસીને ડો.શર્મા, જે સમયનાં મિત્ર પણ હતા તે બોલ્યા, “તમને બધાને ભાનમાં લાવવામાં તે બેભાન થઇ ગયોછે, મેં તેને કેટલી વાર કહ્યુકે, થોડા દિવસ હવાફેર કરી આવ,તારું મન શાંત રાખ.પણ મારું કોણ સંભાળે? હવે તો આવતો સમય જ કઈ કહી શકે,એટલેકે આજનાં રીપોર્ટ આવે તેના પર આધાર છે. અમે અમારાં best પ્રયત્નો કરીએ છીએ પછી ભગવાન માલિક.” આમ કહી જતાં સમયનાં મોટા બહેન જે તેના પલંગની બાજુમાં શાંત બેઠા હતા, જેમનું નામ પણ શાંતિ હતું, તેની સામે જોઈ ઉપર હાથ કરી પ્રાથર્ના કરવાનો ઈશારો કરતાં ગયા. આ જોઈ જાગુથી રડી પડાયું.

”હવે રડીને શું ફાયદો,”

એક બહેનથી બોલાઈ જવાયું. પણ તરતજ સમયને ધ્યાનમાં રાખતા જાગુનાં માથે હાથ ફેરવી દિલાસો આપતા કહેવા લાગ્યા કે, “પ્રભુ સૌ સારાવાના કરશે.” અને પોતાના વ્હાલાં નાનાભાઈની આ દુર્દશા જોઈ તેમની આંખ પણ ભીંજાણી.બે હાથ જોડી મનોમન પ્રાથના કરવા લાગ્યા.ને સમયને સંબોધીને કહેવા લાગ્યા, “ચલ ભઈલા હવે બહુ થયું, હવે ઉઠ, ઉભોથા. હજી તારે ઘણી જવાબદારી પાર પાડવાની છે મારા વીરાં, હવે અમે બધા તારું ધ્યાન રાખીશું.તને સાચવીશું, બસ આટલીવાર માનીજા”.પણ સમયને હવે કાઈ સંભળાતું નથી,તે ઘણો આગળ વહી ગયોછે.

જગત હોસ્પીટલમાં નર્સને બીલની ઇન્ક્વાયરી માટે પૂછી રહ્યો છે,”સિસ્ટર અત્યાર સુધી કેટલું બીલ થયું હોય તો ક્યાં જાણવા મળશે”? નર્સ કાઈ ન સમજાતા, “શાનું બીલ?” સામે સવાલ પૂછી રહી, જગતે આજુબાજુ નજર ફેરવતાં સહેજ ડરતા પૂછી લીધું કે,”આ icuના બીલની,આટલા દિવસનું બીલ કેટલું આવશે તે ખબર પડે તો સગવડ કરવાની ખબર પડેને.” ”ડરો નહિ,તમને વાંધો નહિ આવે,” તેમની આર્થિક પરિસ્થિતિ જાણતી નર્સે જવાબ આપ્યો, ને પોતાના કામમાં પરોવાઈ.”અરે તને ક્યાં ખબર છે કે ચિંતા કરવી જરૂરી છે.” જગત મનોમન બબડ્યો. આજે જુગારમાં હારેલા પૈસાની વસુલી માટે ભાઈનો ફરી ફોન આવી ગયો હતો, માંડમાંડ પપ્પાની બીમારીનું બહાનું બતાવી ચાર દિવસની વધુ મહેતલ મેળવી હતી. પણ ભાઈએ છેલ્લી ધમકી આપતાં કહ્યું હતુકે, “સારું ચાર દિવસ આપ્યા બસ, નહીતો, મને ખબર છે,તારા બાપાની બાજુનો એક બેડ ખાલી જ છે.સમજ્યો,તને વાંધો નહિ આવે.” અને ફરી એકવાર icu માં નજર કરતાં એક ધ્રુજારી આવી ગયી જગતને,અને વિચારી બેઠો,કે આ ચાર દિવસમાં પપ્પાએ કાઈ ફેસલો તો કરવો પડશે ,રહેવું કે જવું, પણ શું આટલી આસાન હતી પપ્પાની વિદાય?, તે પોતે પોતાના ખરચા,બેફીકરાપણ અને આળસથી અજાણ નહતો. ના,ના,પપ્પાએ ભાનમાં આવવુંજ પડશે. ને તેનાથી પણ અનાયાસે ઉપર તરફ હાથ જોડાઈ ગયા .

હવે જાગૃતિ પણ થાકી હતી ઘરને હોસ્પીટલના ધક્કાથી, ડો.કાઈ સ્પષ્ટ કહેતા પણ નથી,અને ઘણા નકારત્મક વિચારો આવતા ભવિષ્યની ચિંતા સતાવા લાગીછે. વળી પોતાના દીકરા-દીકરીના લક્ષણ સારી રીતે જાણતી જાગુ હવે ખરેખર સમયની કીમત સમજવા લાગીછે,ને ભગવાનને પ્રાથના કરવા લાગીકે ,”હે પ્રભુ, હવેથી હું તેમને બરાબર સાચવીશ,બસ આટલી વાર માફ કરીદે.” અને મોટા નણંદને કહેવા લાગી, “બહેન તમે ડો.ને પૂછોને. શું લાગે છે? બેઠા બેઠા માળા કરતા શાંતિ બહેને ઉપર તરફ આંગળી કરી કહ્યું,”ઈશ્વર સૌ સારું કરશે.”તેમને પણ ખબર હતીકે આ ઠાલું આશ્વાસન છે,પણ અત્યારે સમયની આજ માંગ હતી.

આ બાજુ પીન્કી પણ હવે ચિંતામાં છે,તેને પણ પોતાના બોયફ્રેન્ડ રવિની વાત ના માનવાનો અફસોસ થઇ રહ્યો છે,તેતો ક્યારનો કહેતો હતોકે તારા મમ્મીપપ્પાને આપણા સંબંધની વાત જણાવી દે.પણ તે જ ટાળતી રહીકે કોલેજનું આ છેલ્લું વર્ષ પતી જાય પછી વાત,કારણ પપ્પાનો ભણવા માટેનો દુરાગ્રહ?જાણતી હતી, સમય હંમેશા અફસોસ કરતોકે મને ભણવાનો મોકો ના મળ્યો પણ તમે ભણજો..પીન્કી પોતાની મમ્મી અને ભાઈને બરાબર જાણતી હતી તેથીજ હવે પપ્પાની કિમત સમજાતી હતી અને ગભરાતી હતીકે જો પપ્પાને ભાન નહિ આવેતો શું થશે? અને આજે તો રવિએ ચોખ્ખું કહી દીધુકે, “જો તારા પપ્પાને કાઈ થઈ જાયતો બાર દિવસ જવા દઈશું ને પછીતારા ઘરે વાત કરવી જ પડશે.કારણ, હવે મારા ઘરમાં પણ બધા ઉતાવળ કરેછે,ને હું ક્યાં સુધી તારા પાસ થવાની રાહ જોઉં?” તે છેલ્લા બે વરસથી નાપાસ થતી હતી, તેનો આજે અફસોસ થઇ રહ્યોછે કે ફ્રેન્ડસ સાથે ઓછુ રખડી હોતતો તે પણ રવિની સાથે પાસ થઇ ગઈ હોતને તેના લગ્ન પણ પપ્પા ધામધૂમથી કરાવત,પણ અબ પછતાયે ક્યાં ફાયદા જબ ચીડિયા ચુગ ગઈ ખેત.હવે તો તેનો બધો મદાર પપ્પાના જાગવા પર છે,તે પણ ભગવાનને પ્રાથના કરવા લાગીકે, “હે ભગવાન પપ્પા ને હોશ આવી જશે તો હું સિદ્ધિ વિનાયક ચાલતી આવીશ,”પછી કઈ વિચારી બોલી, “ના ભગવાન પાંચ મગળવાર દર્શન કરવા આવીશ રવિ સાથે,”

આ તો થઇ બીજા બધાની વાત પણ શું તમે જાણો છો? કે, સમય શું વિચારે છે?તેના મનમાં શું છે?ચાલો હવે તેના મનની વાત જાણીએ, “હાશ! કેટલી શાંતિ છે, શું પેલા સ્વામી કહેતા હતા તે મનની શાંતિ, પરમાનંદ, આજ હશે? શું પેલા આત્માની શાંતિની વાત કરતાં હશે તે આજ શાંતિ હશે?હશે,જે હોયતે પણ મનેતો સારું લાગેછે. મજા છે. આટલો આરામ કેટલા બધા દિવસે મળ્યો. યાર, પેલા ડો.ની વાત માનવા જેવી ખરી, ક્યારેક જાત સામે પણ જોવું પડે.ચાલો જાગ્યા ત્યારથી સવાર. પહેલા તો રોજ સવાર પડેને ખટપટ,આજે આ જોઈએ ને કાલે તે,વળી જાગુની ડીમાન્ડ તો ક્યારે પૂરી જ નથાય. બાકી હોયતે બે છોકરા લોહી પી જાય.” આજે સમયને પોતાના માટે વિચારવાનો સમય મળ્યો છે, પણ આ શું આ મુંઝારો કેમ થાય છે?આ શરીર કેમ અત્યારે દગો દેવા બેઠું? માંડ શાંતિથી સુતો છું,ને હેરાન કરે છે.”ચલ હવે શ્વાસ આવવાદે. અરે યાર આ ડો.એ નળીઓ કાઢી તો નાખી નથીને? પ્લીસ,ડો. હવે મજાક રહેવાદો,ને ઓક્સિજન આવવાદો. આમ સમય બુમ પાડવા ગયો, પણ આ શું અવાજ ક્યાં ગયો? કાઈ હલનચલન થતું નથી.અરે હું આ ઊડીને ક્યાં જવા લાગ્યો?કોઈ પકડો મને, અરે જાગુ,જગત,પીન્કીબેટા મારો હાથ પકડ.” “અરે, આટલું અજવાળું ક્યાંથી આવ્યું? કદાચ આ પેલા સ્વામી કહેતા તેવો કોઈ દિવ્યપ્રકાશ લાગે છે.સાચેજ ઘણું સારું લાગેછે, મારે અહી પહેલાજ આવવું જોઈતું હતું.” સમય વાદળો વચ્ચે વહી રહ્યો છે.સમય વ્યતીત થઇ રહ્યો છે, ત્યાંજ અચાનક ,”અરે પણ પાછું આ અંધારું ક્યાંથી આવ્યું?” તે ગભરાણો.”અરે મને અહીંથી બાહર કાઢો.પ્લીઝ,પેલા અજવાળામાંજ રહેવાદો પ્લીઝ.” ત્યાંજ એક દિવ્ય અવાજ આવ્યો, “બસ થોડી વાર,થોડો સમય વિતાવી દેને. નવ મહિના કાઢી નાખ પછી ફરી પાછો તે જ સૂર્ય-ચંદ્રનો પ્રકાશ.તે જ દિવસ રાત, તે જ ઘટમાળ.” “ના...ના...ના” ,સમય પોતાની બધી તાકાત ભેગી કરી બોલ્યો, ”હવે ફરી નહિ,” તે કરગરી રહ્યો, ”પણ દિવ્યતેજમાંથી અંધકાર અને અંધકારમાંથી ફરી તેજ આ જ તો સમયનું ચક્ર છે, તેને તો ચાલવું જ રહ્યું.”દેવદૂત કહી રહ્યા.