Premagni - 10 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમાગ્નિ -10

Featured Books
Categories
Share

પ્રેમાગ્નિ -10

વિનોદાબા સવારનું છાપું વાંચતા હતા અને ટેલિફોનની રિંગ વાગી. તો છાપું બાજુમાં મૂકી ફોન લેવા ઊભા થયા અને ફોન ઉપાડ્યો. સામે છેડે હસુમામા હતા. વિનોદાબા કહે, “અરે હસુ ! સવારમાં જ ફોન કરવો પડ્યો ? શું થયું બધું ક્ષેમકુશળ તો છેને ?”હસુભાઈ કહે, “હા હા બેન બધુ ક્ષેમકુશળ છે.” વિનોદાબા કહે “કાલે સાંજે તો છૂટા પડ્યા છીએ એટલે પૂછવું પડ્યું.” હસુમામા કહે, “અરે બહેન ખૂબ આનંદના સમાચાર છે એટલે મોડું કર્યા વિના ફોન કર્યો છે.” વિનાદાબા કહે એવું શું થયું છે ? હસુભાઈ કહે કાલે મારા જે મિત્ર આવેલા એ મનસુખભાઈ અને માલતીભાભીને આપણી મનસા ખૂબ ગમી ગઈ છે. એમણે એમના દીકરા વ્યોમ માટે વાત કરી છે મને અને તમને પૂછવા જણાવ્યું છે. એમનું કુટુંબ ખૂબ સંસ્કારી અને સુખી છે. તેઓ બ્રાહ્મણ જ છે. વ્યોમ પણ ખૂબ દેખાવડો, ભણેલો અને સંસ્કારી છે. આવું કુટુંબ ક્યાં મળવાનું ? આપણી મનસા સુખી થઈ જશે, રાજ કરશે રાજ. હું આ કુટુંબને વરસોથી ઓળખું છું. એમણે સામેથી માંગુ નાખ્યું છે. આવું ઘર ફરીથી નહીં મળે.” વિનોદાબા કહે, “હસુ જરા પોરો ખા. તેં કહ્યું તે બધું સમજી ગઈ. જાણીને ખૂબ આનંદ થયો. મારી મનસા સુખી થાય એનાથી વધુ મને શું જોઈએ ? પણ મારે મનસાને પૂછવું પડે. હજી એનો અભ્યાસ ચાલુ છે. એકદમ હું તને શું જવાબ આપું ? મેં હજી સુધી એવો વિચાર પણ નથી કર્યો ? શું મારી મનસા એટલીમોટી થઈ ગઈ કે મારે વિદાય આપવાનો સમય થઈ ગયો ? હસુ, મને થોડો સમય આપ. હું વિચાર કરી જોઉં. મનસાને વાત કરી જોઉં પછી હું શાંતિથી તને જણાવું છું. હિનાને યાદ આપજે.” કહી એમણે ફોન મૂકી દીધો.

વિનોદાબા ફોન મૂકીને તરત હીંચકા ઉપર બેસી પડ્યા. મનસા કોલેજ જવાની તૈયારી કરી રહી હતી. તે તો જમી પરવારીને જવા નીકળી. વિનોદાબાને જયશ્રીકૃષ્ણ કહી એક્ટિવા લઈને નીકળી ગઇ. શાંતાકાકીને વિનાદાબાનો ફેરફાર વિચાર કરતા મૂકી દીધા. શાંતાકાકીએ કહ્યું, “વિનુ શું થયું ? કોનો ફોન હતો ? શું વાત થઈ ? કંઈ ચિંતાના સમાચાર છે ? બોલે તો ખબર પડે. મને કહેને શું વાત છે ?” વિનોદાબા કહે, “હસુનો ફોન હતો. પેલા આપણે ત્યાં એનાં મિત્ર મહેમાન થઈને આવેલા એમણે એમના દીકરા માટે આપણી મનસાનો હાથ માંગ્યો છે. હસુ કહે છે આવું સરસ કુટુંબ શોધવા જતા નહીં મળે. ખૂબ સુખી સંસ્કારી માણસો છે, છોકરો પણ ભણેલો છે. કહ્યાગરો અને સંસ્કારી છે. કહે તમારી મનસા અને વ્યોમ એમના દીકરાની જોડી રાધાકૃષ્ણ જેવી શોભશે. આ માંગુ જવા ના દેશો.”

શાંતાકાકી કહે, “મનુના નસીબ સારા હશે એટલે જ આવું માંગુ આવ્યું. વિનુ જો ક્યારેક તો આપણે આપણી મનસા માટે ઘર શોધવાનું જ છે. સારું ઘર કુટુંબ-છોકરો સારો હોય તો જોવામાં વાંધો શું છે ? લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે તો મોં ધોવા ન જવાય.”

વિનોદાબા કહે, “પણ શાંતાબેન, હજી મનસા ભણે છે અને નાની છે. મારું મન હજી માનતું નથી. હજી મારી દીકરી મારી સાથે જીવ ભરીને રહી પણ નથી એવું થયા કરે છે.” શાંતાબેન કહે, “હમણાં ક્યાં લગ્ન કરવા છે ? એ લોકો પણ સમજેને કે છોકરી ભણે છે. વાત કરવામાં શું વાંધો છે ? છોકરાને જોઈ લઈએ. બંને એકબીજાને જુએ-સમજે પછી વિચારીશું જેથી આવું ઘર હાથમાંથી જતું ના રહે.”

વિનોદાબા કહે, “અરે હજી આ તો પહેલું માંગુ છે. કોઈ ઉતાવળો નિર્ણય નથી લેવો માટે વિચારીને જવાબ આપીશું. મારે મારી મનસાને એવી ઉતાવળથી વિદાય નથી કરવી.”

શાંતાકાકી કહે, “હા વિનુ એ વાત સાચી છે આ તો પહેલું માંગુ છે. આપણે મનસાને વાત કરીએ. હમણાં લગ્નની ઉતાવળ પણ નહીં કરીએ પરંતુ એના માટે વિચાર જરૂર કરીશું. મનસા ભણી રહે ત્યાં સુધી તેઓ રાહ જોવા તૈયાર હોય તો વિચારીશું.” આમ અત્યારે તો વાત પર પડદો પડી ગયો.

મનસા એક્ટિવા લઈને કોલેજ તરફ જવા નીકળી. પોતાના ગામથી સુરત શહેરના સીમાડે જ કોલેજ હતી એટલે પહોંચતા લગભગ 15-20 મિનિટ થઈ જતી. પણ રસ્તા સરસ હતા એટલે વાર ન લાગતી. મનસાને થયું, આજે એક્ટિવા ખૂબ ધીમે જઈ રહ્યું છે. રસ્તો જ નથી કપાતો. કેમેય કરીને એ કોલેજ પહોંચી. પાર્કિંગમાં જ હેતલ મળી ગઈ. હેતલ કહે, “મનસા ક્યાં ખોવાઈ ગઈ છું ? છેલ્લા 7-8 દિવસથી તું મારો સાથ જ નથી કરતી. કાલે તો કોલેજ પણ ના આવી. કેમ મેડમ, શું ગરબડ છે ? કંઈ નવાજુની તો નથી ને ? ક્યાંક કુંડાળામાં પગ તો નથી પડી ગયા ને ?” મનસા કહે, “શું યાર તું પણ ગમેતેમ બોલે છે. મારા ઘરે મામામામી અને મહેમાન આવેલા અને હમણાંથી કંઈ ને કંઈ કામ રહે છે એટલે રૂટિન સમય જળવાતો નથી જેથી સાથ નથી થતો. પરંતુ તું ક્યાં ખોવાઈ ગઈ છે ? તારી નવાજૂની તો કહે.” હેતલ કહે, “અરે યાર ! મારે કંઈ નવાજૂની નથી પણ અમદાવાદથી એક છોકરાનું માંગુ આવ્યું છે. વિકાસ નામ છે. MBA ફીનાન્સ કરેલું છે.MNC કંપનીમાં નોકરી મળી છે. હજી નક્કી નથી પરંતુ ગમે ત્યારે અમદાવાદ જવાનું થશે. પણ હું તને પૂછું છું અલી મોક્ષ સર તારા ઘરે આવેલા ? મને સુરેશભાઈએ કહ્યું અને મનુડી તું ખૂબ જ ઊંડી છું કંઇ ગરબડ નથીને તારી ?” મનસા એકદમ ખચકાઈ અને શરમાઈ ગઇ. હેતલ કહે, “મને બધી જ જાણ છે. તું મોક્ષ સરના ઘરે પણ ગઈ હતી. શું છે સાચું કહે ને ?”મનસા કહે, “હેતલ અરે યાર એવું કંઇ નથી હું નોટ્સ પાછી આપવા ગઈ હતી.” બોલતા બોલતા એના મુખના ભાવ બદલાઈ ગયા. હેતલને પાકો વહેમ પડી ગયો. કંઇ ને કંઇ ચક્કર તો છે જ. એમ વાતો કરતા બન્ને ક્લાસરૂમમાં પહોંચ્યા.

મોક્ષે રૂઆબદાર ચાલ સાથે ક્લાસરૂમમાં પ્રવેશ કર્યો. જીન્સનું પેન્ટ અને આસમાની કલરનું શર્ટ પહેરેલું. ખૂબ તરોતાજગીથી સભર તેજસ્વી વ્યક્તિત્વ હતું. ક્લાસરૂમમાં આવીને નજર મનસાની નજર સાથે મળી. ચાર આંખ એક થઈ અને આંખોથી આંખોની સરસ સંવાદિતા રચાઈ ગઈ. હેતલનું ધ્યાન મનસા અને મોક્ષ તરફ જ હતું. એણે ઝીણવટપૂર્વક માર્ક કર્યું. એને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ કંઇ ચક્કર છે જ.

કોલેજમાંથી મોક્ષ ઘરે પહોંચ્યો. ગાડી પાર્ક કરીને ઘરના દરવાજા ખોલી વરંડામાં આવી એની ઝૂલણખુરશી પર બેસે એટલામાં મનસાનું એક્ટિવા આવતુ જોયું. મનસા આવી. બહાર એક્ટિવા પાર્ક કરી ઘરમાં આવી અને તરત જ મોક્ષને વળગી પડી. મોક્ષે એને વહાલથી બાથ ભરી લીધી. બંને પ્રેમદરિયામાં તરવા લાગ્યા. મોક્ષે મનસાને પ્રેમથી પૂછ્યું, “કેમ મોડું થયું ?” મનસા મોક્ષની બાંહોમાંથી છૂટી અને કહ્યું, “અરે હેતલને કારણે મોડું થયું. એ મને છોડતી જ નહોતી. માંડ માંડ પીછો છોડાવીને આવી છું. હેતલને વહેમ પડી ગયો છે કે આપણા વચ્ચે પ્રેમસંબંધ છે. ભલેને ખબર પડી, મને કોઈ ફરક નથી પડતો.”મોક્ષે એની સામે જોઈ પ્રેમભર્યુ સ્મિત કર્યું. એટલામાં પાડોશમાં રહેતા પ્રેમિલાબેન આવ્યા. એમણે મોક્ષને કાગળનું એક મોટુ કવર આપ્યું અને કહ્યું, “કુરિયરવાળા ભાઈ આપી ગયા છે.” મોક્ષે કવર હાથમાં લેતાં કહ્યું, “થેક્સ.” પ્રેમિલાબેન એમ પીછો છોડે એવા નહોતા. કહે, “આ છોકરી કોણ છે ? તમારી સ્ટુડન્ટ છે ? અહીં એ ટ્યુશન લેવા આવે છે ? હમણાંથી એને આવતી જોઉં છું, હમણાંથી શિખાબહેનનાં બહેન સુલેખાબહેન પણ દેખાયા નથી.” એકદમ જ સામટા પ્રશ્નોથી મોક્ષ અકળાયો. મોક્ષ કહે, “પ્રમિલાબેન તમારો આભાર. હા મારી સ્ટુડન્ટ છે અને અહીં ટ્યૂશન લેવા આવે છે. હું તમને જણાવવાનું ભૂલી ગયો હતો કે હું ટ્યૂશન પણ કરું છું.” ફરીથી આભાર માન્યો. પ્રેમિલાબેન કહે “આ તો કુરિયરવાળા ભાઈ તમારી પોસ્ટ આપી ગયા એટલે આવવાનું થયું પાડોશી છીએ એટલે ધ્યાન તો રાખવું જ પડેને !” પછી મોં મચકોડીને ચાલ્યા ગયા. મનસા કહે, “આજે હું પણ ઘરે જાઉં, કાલે મળીશું.”

મનસા વાડીએ પહોંચી – એક્ટિવા પાર્કિંગમાં મૂકીને વરંડાના પગથિયા ચઢી ઘરમાં આવી. વિનોદાબા અને શાંતાકાકી એની જ રાહ જોતા હીંચકે બેઠા હતા. વિનોદાબાનો ચહેરો એકદમ ગંભીર થઈ ગયેલો હતો. એણે હાથમાં ચાવી ઘુમાવતા ઘુમાવતા જ પૂછ્યું, “બા ! તમે આજે ગંભીર થઈને કેમ બેઠા છો ?” વિનોદાબા કહે, “તારી જ રાહ જોતા હતા.” મનસાના હાથમાં ચાવી ફરતી બંધ થઈ ગઈ. કહે, “એવું શું બની ગયું છે કે મારી રાહ જોતા હતા અને આટલા ગંભીર છો. હું તો રોજ કોલેજથી આ જ સમયે આવું છું.”

વિનોદાબા કહે, “તું જા અંદર ફ્રેશ થઈ આવ. તારી ચા પણ તૈયાર જ છે. ચા નાસ્તો કરીને આવ પછી શાંતિથી વાત કરીએ છીએ.” મનસા કહે, “ઓકે મા હું આવું છું.” કહી એ પોતાના રૂમમાં ગઈ.

વિનોદાબા મનસાના વિચારોમાં ગરકાવ થઈ ગયા. એના જન્મ સમયથી અત્યાર સુધીની વાતો યાદ આવી ગઈ. મનસાના જન્મ સમયે એના બાપુ ગોવિંદરામ એટલા બધા ખુશ હતા કે મારા ઘરમાં લક્ષ્મીનો જન્મ થયો છે. મારી વાડીમાં આનંદ અને સુખ વધારી દીધા છે. એ નાનકડી મનસાને ઊંચકીને ફરતાં અને કહેતા, મારી નાનકડી પરીએ આ ઘરને સ્વર્ગ બનાવી દીધું છે. મારે હવે બીજું સંતાન પણ નથી જોઈતું. મારી દીકરીના સુખમાં ભાગ પડાવનાર મારે નથી લાવવું. નાનકડી મનસાને વાડીમાં લઈને ફરતાં, ખૂબ લાડ લડાવતા. મનસા મોટી થતી ગઈ એમ વાડીમાં ફરતા ફરતા જુદી જુદી જાતની વાતો કરતાં પ્રકૃતિ-વૃક્ષો-એમના થકી થતાં ફાયદા આ નાનકડા જીવને સમજણ પણ ના પડે તોય બધું સમજાવતા રહેતા. એ મોટી થતી ગઈ એમ વાડીનું કામ વૃક્ષોની જાળવણી – કેરીની આવક થાય ત્યારે મંડળીમાં ભાવ કરાવી વેચાણ કરવું. બધું એને સાથે લઈને સમજાવતા. ગોવિંદરામનાં વૃક્ષો સાથે જ મનસા મોટી થઈ રહી હતી. મનસાને પણ વાડીનાં વૃક્ષો સાથે આત્મીયતા બંધાઈ રહી હતી. ગોવિંદરામ મનસાને ખભે બેસાડીને ગીતો ગાતા, પાસે બેસાડી વાતો કરતાં. ગોવિંદરામ કાયમ એવું કહેતા, “આ મારી દીકરી મારા માટે દીકરાની ખોટ સાલે એવી છે. મારી લાડકી છે.” ગોવિંદરામ એકવાર વાડીમાં વૃક્ષો પાસે બેઠા હતા ત્યાં એમણે વૃક્ષોની સામે એક બાંકડો મૂકેલ – ત્યાં જ એ માળા-ધ્યાન કરતાં. સ્કૂલેથી આવીને મનસા તરત જ બાપુ પાસે આવી અને પાછળથી વીંટળાઈ ગઈ. ગોવિંદરામ વૃક્ષો સામે બેસીને કંઈક ગણગણી રહ્યા હતા. મનસા કહે, “બાપુ તમે આ વૃક્ષો સાથે શું વાતો કરો છો ? તેઓ તમને જવાબ આપે છે ? એમની ભાષા કેવી હોય છે ?” ગોવિંદરામ કહે, “એમની ભાષા પ્રેમની ભાષા છે. હું આ વૃક્ષોને કહું છું હું ના હોઉં ને તો મારી આ ઢીંગલીને તમે સાચવજો, દીકરા ! આ વૃક્ષો જ તારું, તારી માનું પાલન કરશે, મારી ખોટ સાલવા નહીં દે. આ જ આપણા સાચા સગા છે.” બોલતા-બોલતા ગોવિંદરામની આંખો સજળ થઈ ગઈ. ગોવિંદરામ કહે, “આ વૃક્ષોએ જ માણસને સંસ્કાર શિખવ્યા છે. આ જીવતાજાગતા ઋષિમુનિ છે. એ માનવને ફક્ત આપવાનું જ કામ કરે છે. જ્યારે તેઓ આપણને પુષ્કળ ફળ આપે છે ત્યારે ફળોથી લચીને નમી પડે છે. એ શીખ આપે છે. તમારી પાસે ઘણુંબધું હોય તો તમે વિનમ્ર રહો, નમીને રહો એવી શીખ અને સંસ્કાર આપે છે.”

ગોવિંદરામ કહે, “આ વાડી તારું ઘર, તારું સ્વર્ગ, તારા માતા-પિતા-ગુરુ સમાન છે. આપણા આ વૃક્ષો, આ વાડીમાં મારો આત્મા નિવાસ કરે છે, હંમેશા કરશે. આ એકએક વૃક્ષ તારા પિતૃ છે. માતૃ છે. આ તારા માટે માતૃપિતૃ સ્મૃતિ છે. સદાય તારા પર આશીર્વાદ જ વરસાવશે. તું જીવનમાં ક્યારેય અટવાય, પરેશાન થાય, તારે કંઈ કહેવું પૂછવું હોય તો અહીં આવજે. તારે દિલથી લેવાના નિર્ણયો અહીં આવીને એમની સમક્ષ લેજે, તને સદાય સાચા સૂચનો સલાહ આપશે. તને સફળતા અપાવશે. નિઃશબ્દ વસતી આ સૃષ્ટિ પણ તારા માટે અગોચર દષ્ટિ આપતી એક અગોચર સૃષ્ટિ જ છે, જે સદાય તને મદદ કરશે.”

“આ લાલી તારી લાડકી ગાય, જેની સાથે તું જ્યારે પા પા પગલી ભરતી ત્યારથી તને જુએ છે. તને રમાડે છે. તું એની પૂંછ-એના કાન ખેંચે, આંચળ ખેંચે દૂધ પીએ તને સદાય જીભથી ચાટીને કાયમ પોતાનાં સંતાન જેમ પ્રેમ કરે છે. સમજણી થઈ ત્યારથી તું એને ઘાસ નીરે છે પાણી આપે છે. તું બહાર જાય કે બહારથી આવે એ જુએ છે. આનંદથી ભાંભરે છે. મનસા, આ બધા જ અબોલ જીવ તારા પ્રેમને ઓળખે છે, સમજે છે. બેટા, આ જ સ્વર્ગ છે. આ જ કુટુંબ છે આપણું. સદાય એમનું ધ્યાન રાખજે. તેઓ તને સદાય આશિષ આપશે જ.”

“મનસા, એક વાત યાદ રાખજે. આ વૃક્ષો જ તારા માતાપિતા છે. હું નહીં હોંઉં તોપણ તમને સાચવશે, તમારું ભરણ-પોષણ કરશે, મબલખ ફળો આપીને તમારું પૂરું કરશે.” ગોવિંદરામે ઘણી વાતો કરી મનસાને આમ વારંવાર પ્રકૃતિનાં પાઠ ભણાવતા પર્યાવરણ પ્રત્યેની સજાગતા સમજાવતા, એનું મહત્વ કહેતા અને સંસ્કારોનું સિંચન કરતા.

એ દિવસે મનસા સાથે ઘણી વાતો કરી ગોવિંદરામ સાંજે ઘરે આવ્યા વરંડામાં હીંચકા પર બેઠા અને કહ્યું, “જા તરત તારી બાને બોલાવ. મને છાતીમાં ગભરામણ થાય છે.” મનસા એકદમ બૂમ પાડીને દોડી “બા-બા જલ્દી આવો બાપુને કંઇક થાય છે.” વિનોદાબા તરત દોડી આવ્યા કહ્યું, “હાય હાય શું થાય છે તમને ?” ગોવિંદરામ કહે, “છાતીમાં શૂળ ઉપડ્યું છે. સહન નથી થતું ગભરામણ થાય છે. છાતી ભીંસાય છે.”

શાંતાકાકીએ કેશુબાપાને બૂમ પાડીને મોહનદાસકાકાને બોલાવતા કહ્યું. જલ્દી આવો ગોવિંદજીને કંઇક થાય છે. વાડીમાંથી કેશુબાપા, મોહનદાસકાકા બધા ઘરે દોડી આવ્યા. કેશુબાપા ડૉક્ટરને બોલવવા દોડી ગયા. ગોવિંદરામે હાંફતા હાંફતા મનસાને બોલાવી. મનસાની આંખમાં આંખ પરોવી ખૂબ પ્રેમપૂર્વક મનસાના માથે હાથ મૂક્યો અને પછી હાથ નીચે પડી ગયો. ગોવિંદરામ બાપુનો જીવ દેહ છોડીને ચાલ્યો ગયો. વિનોદાબાએ કાળી ચીસ પાડી, “મનસાનાં બાપુ અમને છોડીને ના જાઓ.” શાંતાકાકી મોહનદાસકાકા ગોવિંદરામનાં નિષ્ક્રિય દેહને જોઈને ખૂબ દુઃખ પામ્યા. રોકકળ મચી ગઈ. વાડીનો જીવ જ જાણે નીકળી ગયો. વાડી નિસ્તેજ થઈ ગઈ. વાડીનું એકએક વૃક્ષ જાણે પોતાના વહાલસોયા પિતા ગુમાવ્યા હોય એવો વિષાદ છવાઈ ગયો. વાડીનાં બધા દૂબળાઓએ પણ પિતા ગુમાવ્યો હતો. આજે વાડીનાં દરેક વૃક્ષ નિઃસહાય અને નિરાધાર બની ગયા. દરેક ફૂલમાં વૃક્ષો-પુષ્પો લતાઓએ એમનાં ફૂલ ખેરવી નાખીને શ્રદ્ધાંજલિ આપી. વાડીમાં રહેતાં જીવો-પક્ષીઓને પણ જાણે અહેસાસ થઈ ગયો હોય એમ બધા ચૂપ થઈ ગયા. આખી વાડીનાં વાતાવરણમાં એક ગહન વિષાદપૂર્ણ ખાલીપો છવાઈ ગયો.

મનસા ડૂસકાં ભરી ભરીને રડી રહી છે – બાપુ બાપુ કહીને ઢંઢોળી રહી છે. આંખમાં આંસુ છલકાય છે તમે કેમ બોલતા નથી મને વાડીમાં કોણ ફેરવશે. બાપુ આ વૃક્ષો અને અમને નિરાધાર કરીને બિચારા બનાવીને ના જાઓ. મોહનદાસકાકાએ મનસાને સાંત્વન આપી કહ્યું, “દીકરા ઈશ્વરને ગમ્યું એ ખરું ગોવિંદજી ક્યાંય નથી ગયા, એ અહીં આપણી વચ્ચે જ છે. એમનો પ્રેમ એમના વિચારરૂપે અહીં કાયમ જીવંત રહેશે. દીકરા રડી રડીને એમને દુઃખ નહીં પહોંચાડવું. એમના આત્માને શાંતિ આપવાનું કામ કરીએ.” કેશુબાપા પણ ડૉક્ટરને લઈ આવ્યા. ડૉક્ટરે ગોવિંદરામજીને તપાસીને કહ્યું, “કંઇ જ નથી.” ડૉક્ટરે ફક્ત વિવેક કર્યો. કહે, એમનો આત્મા નીકળી ચૂક્યો છે. હું ફોરમાલિટી જ કરી રહ્યો હોઉં એવું લાગે ગોવિંદજી આપણને છોડી ગયા છે. એમનું હાર્ટફેઈલ થઈ ગયું છે.” મોહનદાસ કાકા અને વાડીમાં કામ કરતાં દૂબળા (મજૂર) બધા જ કામ પડતું મૂકીને આવી ગયેલા. વાડીની દરેક વ્યક્તિ ખૂબ દુઃખી છે. ગોવિંદજી ગયા એટલે પોતાનો આધાર ગયો. ડૉક્ટરે ઔપચારિક વિધિ પતાવીને બધાને આશ્વાસન આપીને ગયા. ક્યારેય પૂરી ના શકાય એવી ખોટ પડી ગઈ.

મનસા રૂમમાંથી ફ્રેશ થઈને આવી ગઈ. વિનોદાબાને કહ્યું, “બા તમે શેના વિચારોમાં ઊતરી ગયા ?” વિનોદાબા મનસાનો અવાજ સાંભળીને ભૂતકાળમાંથી વર્તમાનમાં આવ્યા કહ્યું, “તારા પિતા યાદ આવી ગયા. એમના ગયા પછી તને વધુ અભ્યાસ માટે વડોદરા તારા મામાને તને સોંપી હું પાછી આવી. તારા મામાને તું ખૂબ વહાલી અને લાડકી છું દીકરા આજે મને બધું યાદ આવી રહ્યું છે. મોહનદાસભાઈના મૃત્યુ પછી મેં તને અહીં પાછી બોલાવી લીધી. હવે આપણા કુટુંબમાં જાણે પાંચ જ જણા છીએ. તારા મામાનો ફોન હતો અને આપણી વાડીમાં હસુભાઈ સાથે એમના મિત્ર આવેલા મનસુખભાઈ અને માલતીબેન, તેઓને તું ખૂબ પસંદ પડી ગઈ છું. એમણે એમના દીકરા વ્યોમ માટે તારું માંગુ નાખ્યું છે. હસુમામાએ બધી તપાસ કરીને મને ફોન કરેલ – છોકરો દેખાવડો, ભણવામાં અવ્વલ છે, અત્યારે ઓસ્ટ્રેલિયામાં પોતાનો વ્યવસાય કરે છે. ખૂબ સુખી અને સંસ્કારી કુટુંબ છે. અહીં તને જોયા પછી તારા પર પસંદગી ઉતારી છે.”

મનસા તો બે ઘડી માટે ચૂપ થઈ ગઈ. એને શું જવાબ આપવો તે જ ખબર ના પડી. સ્વસ્થ થઈને કહ્યું, “બા હું હજી ભણી રહી છું. મારા બાપુ અને કાકા બાપુના ગયે હજી વર્ષો નથી વીતી ગયા. તમારા લોકોનો વિચાર કર્યા વિના હું કોઈ નિર્ણય ના લઈ શકું. એવી ઉતાવળ શી છે ? બા, તમારે મને આટલી જલ્દી ઘરમાંથી બહાર કાઢવી છે ? બા, હસુમામાને સ્પષ્ટ ના પાડી દો. હમણાં હું કંઈ જ નહીં કહું. હસુમામા મારા માટે વિચારે છે બરાબર છે. મારા પિતા સમાન છે. પરંતુ મારી ઇચ્છા જ નથી. એમને કહો, મનસા હમણા સંબંધ નહીં જ કરે. તેઓ વાત આગળ વધારે જ નહીં.”

વિનોદાબા મનસાનો જવાબ સાંભળીને વિચારમાં પડી ગયા. એમને લાગ્યું મારી દીકરી મોટી તો થઈ ગઈ છે ખૂબ સમજુ છે અમારી લાગણીને કારણે ના પાડી રહી છે. મારી મનસા ખૂબ લાગણીશીલ છે. તેઓ મનસાને જોઈ રહ્યા. આજે નવા રૂપમાં દેખાઈ રહી હતી. તે ખૂબ સુંદર હતી. સુંદર ચહેરો લાંબા વાળ – સરસ ગૂંથેલો લાંબો ચોટલો સુરાહીદાર ગરદન સપ્રમાણ શરીર કવિ કાલિદાસની કલ્પના સમી શકુંતલા હતી. વિનોદાબા કહે, “દીકરા તારી વાત સાચી છે. તારું ભણવાનું બાકી છે પરંતુ દીકરી તો પારકી થાપણ. ગમેતેમ તોય સાસરીયે જ શોભે. આજે નહીં તો કાલે તારે સાસરે જવાનું છે. અને હસુ કહે છે આવું ઘર-કુટુંબ-માણસો શોધ્યે ય ના મળે. હું હમણાં તો હસુને કહું છું કે મનસા ભણવાનું પૂરું ના કરે ત્યાં સુધી એની કોઈ ઇચ્છા નથી. બેટા, તને પૂછ્યા વિના, તારી સંમતિ વિના હું કોઈ નિર્ણય નહીં કરું.” મનસા કહે સારું મા મારો અભ્યાસ ચાલુ છે ત્યાં સુધી કાંઈ નહીં. કહી મનસા પાછી રૂમમાં ચાલી ગઈ.

મનસા રૂમમાં આવીને પોતાના બેડ પર આડી પડી. એને ચેન જ ના પડ્યું. આ બધું શું થઈ રહ્યું છે. આજે નહીં તો કાલે, આવી વાત પાછી થવાની. મારે મોક્ષ સિવાય કોઈની સાથે જીવન નથી જીવવું નહીં જ જીવી શકું. મોક્ષ જ મારો પ્રેમ-પતિ-મારા દિલની ધડકન. હું અન્ય કોઈના માટે સ્વપ્નમાં પણ વિચારી નથી શકતી. મારા શરીરમાં દોડતા લોહીના કણ કણમાં મોક્ષ જ વસેલા છે. એમ વિચાર કરતા કરતા ક્યારે એને ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી.

વિનોદાબા પણ પોતાના રૂમમાં આવીને મનસાના વિચારોમાં ગરકાવ થઈ ગયા. એમને એકસાથે સુખ અને દુઃખ બન્ને લાગણી થઈ રહી હતી ! મનસા મોટી થઈ ગઈ.