21મી સદીનું વેર
પ્રકરણ-47
પ્રસ્તાવના
મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.
***
ડોકટરના ગયા પછી કિશન જશાભાઇ પાસે ગયો અને કહ્યુ “આ ડોક્ટર તમારી પાસે આવે અને કોઇ મદદ માગે તો તમે મને તરતજ જાણ કરજો. આ મારી નવી ઓફીસનુ કાર્ડ છે. ” એમ કહી કિશને જશાભાઇને તેનું કાર્ડ આપ્યુ અને કહ્યુ “આમા મારી ઓફીસના બે લેન્ડલાઇન નંબર છે અને મારો મોબાઇલ નંબર છે અને હજુ એક નંબર લખીલો. ” એમ કહી કિશને જશાભાઇને ગણેશનો નંબર આપી દીધો અને બધુ સમજાવી પછી ત્યાંથી નીકળી ગયો. કિશન બહાર નીકળ્યો ત્યાં પેલો ગણેશનો માણસ કાર લઇને આવ્યો એટલે કિશન તેમાં બેસી ગયો. તે કાર કિશનને તેની ઓફીસ પર ઉતારી ગઇ. ઓફીસમાં જઈ કિશને ગણેશને ફોન કર્યો અને ઓફીસ પર આવવા કહ્યુ અને નેહાને પણ ચેમ્બરમાં બોલાવી. નેહા આવી એટલે કિશને ચાનો ઓર્ડર આપવાનુ કહ્યુ અને પછી બન્ને કામ પતાવવા લાગ્યા. અડધા કલાક પછી ગણેશ આવ્યો એટલે કિશને નેહાને કહ્યુ “તુ આટલુ કામ પુરૂ કર ત્યાં સુધીમાં હું ગણેશ સાથે થોડુ કામ પતાવી લઉં. બાકીનુ કામ પછી કરીશુ. ” આ સાંભળી નેહા તેની કેબીનમાં ગઇ. કિશને ગણેશને અભીનંદન આપતા કહ્યુ “વાહ ગણેશ તે મસ્ત પ્લાન ગોઠવ્યો હતો. ”
“થેંક્યુ સર. કેવી રહી ડોક્ટર સાથે મીટીંગ?”
“એક કામ કર આ પેનડ્રાઇવમાં રેકોર્ડીંગ છે. તું ચાલુ કર એટલે આપણે સાંભળીએ.” એમ કહી કિશને ગણેશને પેનડ્રાઇવ આપી. ગણેશે પેન ડ્રાઇવ સીસ્ટમમાં નાખી,સીસ્ટમ ચાલુ કરી અને બન્ને રેકોર્ડીંગ સાંભળવા લાગ્યા. અડધા કલાક પછી રેકોર્ડીંગ પુરૂ થઇ ગયુ એટલે કિશને ગણેશને પુછ્યુ “બોલ હવે શું કહેવુ છે તારૂ આ વિશે?”
ગણેશ થોડીવાર વિચારવા લાગ્યો પછી બોલ્યો “તમને શુ લાગે છે આ ડોક્ટર આમાં સામેલ હશે?” ગણેશે સામે પ્રશ્ન કર્યો એટલે કિશને કહ્યુ “ના, ડોક્ટર આમાં સામેલ નથી તેણે માત્ર પેલા ડૉક્ટર જૈનથી અંજાઇને જ લાલચથી આ કામ કરેલુ છે. તને શુ લાગે છે?”
“હા,મારો પણ એજ મત છે. ”
“તને શું લાગે છે આ ડૉક્ટર આપણને મદદ કરશે?” કિશને પુછ્યુ.
“ હા, તેની વાતચીત પરથી તો એવુ લાગે છે કે તે પુરો તમારા કાબુમાં આવી ગયો છે છતા પણ તેના પર નજર રાખવી પડશે. ”
“હા, અને ખાસ એ પેલા ડોક્ટર જૈનને આપણી વાત ન કરે તે ધ્યાન રાખવુ પડશે. જોઇએ એકાદ દિવસમાં તે પેલા રેકોર્ડ્સ શોધી કાઢે છે કે નહી? નહીતર પછી બીજુ કંઇક વિચારવુ પડશે. ” કિશને કહ્યુ. અને પછી સ્વગત બોલતો હોય તેમ બોલ્યો “હવે મને લાગે છે કે આપણે આ કેસના મુળની એકદમ નજીક પહોંચી ગયા છીએ. ”
આ સાંભળી ગણેશે કહ્યુ “ હવે આગળ શું કરવુ છે?”
“હવે તો આ ડૉક્ટર શુ માહિતી આપે છે? અને પેલી બુક આપણે મંગાવી છે તેમાંથી શુ માહિતી મળે છે? તે પરથીજ આગળ વધવુ પડશે. ”
ત્યારબાદ ગણેશ ત્યાંથી નીકળી બહાર આવ્યો અને કિશન અને નેહા ફરીથી કોર્ટના કામ પતાવવા લાગ્યા.
***
ત્યારબાદ એક દિવસ એમજ પસાર થયો. પછીના દિવસે કિશન કોર્ટ પરથી ઓફીસ આવ્યો એટલે નેહાએ કિશનને એક કવર આપ્યુ અને કહ્યુ “લો તમે જે બુક મંગાવેલી તે આવી ગઇ છે. ”
કિશને કવર હાથમાં લીધુ અને તેને એક બાજુથી ખોલી બુક બહાર કાઢી અને બુકના બેક કવર પર જોયુ તો પેલોજ નંબર 81844XXXX-9 લખેલો હતો. કિશને વિચાર્યુ કે હવે બાકીના બે આંકડા 75 નો શુ મતલબ હોઇ શકે? કિશને બુક ખોલીને અનુક્રમણીકા ચેક કરી પણ તેમા કોઇ જગ્યાએ આ નંબરનો ઉલ્લેખ નહોતો. ત્યારબાદ કિશને 75 નંબરનુ પેઝ ખોલ્યુ અને વાંચવા લાગ્યો પણ તેને કંઇ તેમાંથી મળ્યુ નહી એટલે કિશને ફરીથી આ પેઝ વાંચ્યુ અને છલ્લેથી ત્રિજી લીટી પર આવતાજ તેને મગજમાં ચમકારો થયો ત્યાં એક આશ્રમનું નામ લખ્યુ હતુ. નીઝાનંદ આશ્રમ. આ આશ્રમ વિશે જાણકારી મેળવવા માટે કિશને એ આખુ પ્રકરણ વાંચ્યુ પણ આશ્રમના નામ અને પ્રવૃતિ વિશેજ આખો લેખ હતો તેમાં ક્યાંય પણ આ આશ્રમનું સરનામુ ન હતું. આ આશ્રમ ક્યાં આવેલો છે તે કંઇ રીતે શોધવું? એ વિશે વિચાર કરતો કરતો ક્યાંય સુધી બેઠો રહ્યો પછી તેણે નેહાને બોલાવી અને ઇંટરનેટ પર આ આશ્રમ વિશે તપાસ કરવાનું કહ્યુ. નેહા ગઇ એટલે કિશન કામ કરવા લાગ્યો. કિશને એકાદ કલાક કામ કર્યુ ત્યાં નેહા આવી અને બોલી “કિશનભાઇ આમ તો ઘણા બધા નીજાનંદ આશ્રમ છે પણ એક મોટો નીજાનંદ આશ્રમ હરીદ્વાર પાસે આવેલ છે. તે ઘણો પ્રખ્યાત છે. ” આ સાંભળી કિશને કહ્યુ “એક કામ કર આ જેટલા નીજાનંદ આશ્રમ છે તેના વિશેની જે પણ માહીતી છે તેની પ્રિન્ટ કાઢી મને આપ અને આ જે તુ હરીદ્વાર પાસેના આશ્રમની વાત કરે છે તેની પણ જેટલી માહીતી મળે તેની પ્રિન્ટ કાઢી મને આપ. ” ત્યારબાદ નેહા જતી રહી અને અડધા કલાકમાં પ્રિન્ટ લઇને આવી. એટલે કિશને તેને બેસવા કહ્યુ અને પ્રિન્ટના કાગળ ચેક કરવા લાગ્યો અને ઉપયોગી માહિતી નીચે અંડરલાઇન કરી. પછી કિશને નેહાને કહ્યુ આ ત્રણેય આશ્રમ વિશે વધુ માહીતી એકઠી કર. આ આશ્રમોના સંચાલક કોણ છે? ત્યાં શું શું પ્રવૃતિ થાય છે? વગેરે જે પણ માહિતી મળે તેની પ્રિંટ કાઢી મને આપ?” આ સાંભળી નેહાએ કહ્યુ “કિશનભાઇ એક પ્રશ્ન પુછું?”
કિશને હસતા હસતા કહ્યુ “હા પુછ,મને ખબર જ છેકે તુ શું પુછવાની છે. ”
“હા, હું એજ પુછવા માગુ છું જે તમે જાણો છો કે આ બધુ શું ચાલી રહ્યુ છે? તમે અને ગણેશભાઇ શું કરી રહ્યા છો?હું કેટલાય સમયથી જોઇ રહી છું કે તમે અને ગણેશભાઇ કંઇ રહશ્યમય કામ કરી રહ્યા છો જે જોખમી છે. ”
આ સાંભળી કિશને કહ્યુ “નેહા હવે તું થોડો સમય રાહ જો તને બધુજ હું કહીશ. હવે અમે આ કેશના મુળીયા સુધી પહોંચવાની તૈયારીમાં જ છીએ. તારા પર મને અવિશ્વાસ છે એટલે હું તને નથી કહેતો એવુ નથી પણ આ કેશ મારી પર્સનલ લાઇફ સાથે જોડાયેલો છે અને આમાં થોડો ખતરો છે. હું નથી ઇચ્છતો કે તારા પર કોઇ ખતરો ઉભો થાય.
એટલેજ તને આ કેશમાંથી બહાર રાખી છે. ” આ સાંભળી નેહાએ કહ્યુ “ઓકે, મને તમારા પર પુરો વિશ્વાસ છે કે તમે કોઇ દિવસ કોઇ ખરાબ કામ કરોજ નહી. પણ તમે તમારૂ ધ્યાન રાખજો” એમ કહી તે ઉભી થઇ અને તેની કેબીનમાં જતી રહી. કિશન વિચારવા લાગ્યો કે નેહા છેલ્લે જે બોલી તેનો મતલબ શું છે? શુ તે એવુ કહેવા માંગે છે કે હું કોઇ ખરાબ કામ કરી રહ્યો છું કે પછી તે મને ચેતવવા માગે છે કે જોજો મારો વિશ્વાસ ખોટો ના પડે. તે આમજ વિચારતો હતો ત્યાં ગણેશ આવ્યો એટલે કિશને તેને બેસવા કહ્યુ અને પેલા કાગળ તેને આપતા કહ્યુ “પેલી બુક આવી ગઇ છે તેમાંથી છેલ્લા બે આંકડા 75 પાના નંબર દર્શાવતા હોય તેવુ લાગે છે” એમ કહી તે બુક તેણે ગણેશને આપી અને આગળ કહ્યુ “આ પાના નંબર 75 મે બે ત્રણ વાર વાંચ્યુ પણ તેના પરથી બીજુ તો કંઈ જાણવા મળ્યુ નથી માત્ર તેના પર એક આશ્રમનું નામ લખ્યુ છે નીજાનંદ આશ્રમ આ આશ્રમ વિશે મે ઇંન્ટરનેટ પર તપાસ કરાવી તો આ એક ફ્રેંચાઇઝી પ્રકારનો આશ્રમ છે જેનુ મેઇન મથક હરીદ્વારા પાસે આવેલ છે. તેની બધાજ રાજ્યમાં એક કે તેથી વધુ શાખા છે અહી ગુજરાતમાં તેની બે શાખા છે એક તો ભારતી આશ્રમ સાથે તેનુ જોડાણ છે અને બીજી પોરબંદરથી માધુપુર તરફ જતા દરીયાના કાંઠા પરજ એક નીજાનંદ આશ્રમ આવેલો છે. મને લાગે છે કે આપણા માટે અગત્યની ત્રણ જગ્યા છે. એક ભારતી આશ્રમ જ્યાં આપણે જઇ આવ્યા અને ત્યાંથીજ આ લીંક મળી એટલે એ સિવાયની બાકીની બે રહી જેમાં એક હરીદ્વારમાં આવેલ મેઇન મથક અને બીજુ ગુજરાતમાં પોરબંદર પાસે આવેલ નીજાનંદ આશ્રમ. ”
ત્યારબાદ થોડુ રોકાઇને કિશને કહ્યુ “એક કામ કર તું આ બુક અને પ્રિન્ટ બન્ને લઇજા અને તે વ્યવસ્થીત વાંચી લે આ સિવાય જો તને કંઇ નવુ જાણવા મળે તો મને કહેજે. ”
આ સાંભળી ગણેશ ઉભો થયો અને બારણા પાસે પહોંચી તેણે પુછ્યુ “પેલા ડૉક્ટરનો કંઇ ફોન આવ્યો?”
“ના હજુ સુધી નથી આવ્યો. આપણે હજુ બે દિવસ રાહ જોઇએ ત્યાં સુધીમાં ફોન નહી આવે તો પછી તેના વિશે આગળ કંઇક વિચારીશુ. ”
ત્યારબાદ ગણેશ ઓફીસમાંથી નીકળી એક ટેબલ પર બેસી બધુ વાંચવા લાગ્યો. થોડીવાર બાદ નેહા બીજી બે ત્રણ પ્રિન્ટ કિશનના કહેવાથી ગણેશને આપી ગઇ. બધુ બે ત્રણ વાર વાંચી ગયા પછી તે પણ એજ તારણ પર આવ્યો જે કિશને તેને કહ્યા હતા. તે બધુ લઇને કિશનની ચેમ્બરમાં ગયો અને કહ્યુ “તમે કહો છો તે એકદમ બરાબર છે. હું પણ તેજ તારણ પર આવ્યો છું. હવે શું કરવુ છે?”
આ સાંભળી કિશન વિચારમાં પડી ગયો. થોડીવાર તે તેની ખુરશીને ટેકો દઇ વિચારવા લાગ્યો. થોડીવાર બાદ તેણે ગણેશને કહ્યુ “ગણેશ એક તારો કોઇ ખાસ વિશ્વાસુ ટેક્ષીવાળો માણસ હોય તો તેને કહી દે કે તે કાલે 10 વાગે ટેક્ષી લઇને શહીદ ગાર્ડન પાસે ઉભો રહે. ” ત્યારબાદ કિશને ગણેશને આખો પ્લાન સમજાવ્યો. આખો પ્લાન સાંભળી ગણેશના ચહેરા પર સ્માઇલ આવી ગયુ. અને પછી ગણેશ બધી વ્યવસ્થા કરવા માટે ચેમ્બરની બહાર નીકળ્યો એટલે કિશન નેહાને બોલાવીને પેન્ડીંગ કામ પતાવવા લાગ્યો.
***
બીજા દિવસે સવારે કિશન નવ વાગ્યે તૈયાર થઇ ગયો ત્યાં ગણેશ આવ્યો એટલે બન્ને પેંટાહાઉસમાંથી બહાર નીકળ્યા અને ઓફીસમાં ગયા. કિશન તેની ચેમ્બરમાં ગયો અને નેહાને બોલાવી તેણે કહ્યુ “જો નેહા હું અને ગણેશ એક કામ માટે બહાર જઇએ છીએ અમારે આવતા મોડુ થઇ જશે. તું સમયસર ઓફીસ બંધ કરી ઘરે જતી રહેજે. બીજુ તારે એક કામ કરવાનું છે કે કોઇ પણ આવીને પુછે તો તારે કહેવાનુ કે કિશનભાઇની તબિયત ખરાબ છે એટલે તે ઉપર આરામ કરે છે. અને તારે બપોરે ત્રણ જણના ટીફીનનો ઓર્ડર આપવાનો છે અને ઉપર પેંટહાઉસમાં જઇ જમવાનુ છે. ટુંકમા કોઇને પણ એવો અણસાર ન આવવો જોઇએ કે અમે અહી હાજર નથી. ઓકે?”
આ સાંભળી હસતા હસતા કહ્યુ “જો મારી પેલી સુરતવાળી બહેનપણીનો ફોન આવે તો શુ કહું?”
“તેને કહેજે કે કિશનભાઇને હમણા ડીસ્ટર્બના કરતા તે કોઇ સાથે ડેટ પર ગયા છે. ” એમ કહી કિશન હસતા હસતા હસતા ત્યાંથી નીકળી પાછો પેન્ટહાઉસ પર ગયો. પેન્ટહાઉસમાં કિશને શિખરને વાત કરી એક ખાસ દરવાજો મુકાવ્યો હતો તે ખોલ્યો એ સાથેજ તે બાજુના બીલ્ડીંગની લોબીમાં નીકળ્યા. ત્યાંથી તે લોકો લોબીમાં ચાલીને સામે છેડે ગયા અને ત્યાંથી સીડી ઉતરી તે બીલ્ડીંગના પાછળના તળાવ બાજુના ભાગમાં નીકળ્યા. ગણેશે ત્યાં રહેલ એક બાઇકમાં મુકેલા બે હેલ્મેટ લઇ એક કિશનને આપ્યો અને એક પોતે પહેરી લીધો. ગણેશે બાઇક સ્ટાર્ટ કરી એટલે કિશન તેની પાછળ બેસી ગયો. ગણેશે બાઇકને શહીદ ગાર્ડનથી થોડી આગળ જવા દીધી. થોડા આગળ જઇ એક એપાર્ટમેંટના પાર્કીંગમાં બાઇક લીધી અને પાર્ક કરી બન્ને એપાર્ટમેંટના ગેટ પાસે પહોંચ્યા ત્યાં એક ટેક્ષી આવી ઉભી રહી એટલે બન્ને તેમા બેસી ગયા. ટેક્ષી તરતજ ચાલવા લાગી અને આગળ જઇ જમણી બાજુ વળી અને આલ્ફા સ્કુલ તરફ આગળ વધી. બન્ને આલ્ફા સ્કુલ વટાવી ટેક્ષી મોતીબાગવાળા મેઇન રસ્તા પર આવીને મોતીબાગ સર્કલ પાસેથી જમણીબાજુ વંથલી તરફ દોડવા લાગી. આ રસ્તો કિશન માટે એકદમ જાણીતો હતો કેમકે આજ રસ્તે તેના ગામ ડુંગરપુર જવાતુ. વંથલી માણાવદર કુતીયાણા અને રાણાવાવ થઇ ટેક્ષી પોરબંદર પહોંચી ત્યારે 12:30 થઇ ગયા હતા એટલે કિશને ડ્રાઇવરને કહ્યુ “અહી કોઇ સારી કાઠીયાવાડી હોટેલમાં લઇ લેજો.” આ સાંભળી ડ્રાઇવરે કારને પોરબંદરના એકદમ મધ્યમાં આવેલા વિસ્તાર સુદામાચોકમાં ટેક્ષી જવા દીધી ત્યાં આવેલ ગાયત્રી પરોઠા હાઉસ પાસે ટેક્ષી ઉભી રાખી. ગાયત્રી પરોઠા હાઉસમાં જઇ ત્રણેય જમ્યા. જમી લીધા બાદ ફરીથી ત્રણેય ટેક્ષીમાં ગોઠવાયા એટલે ડ્રાઇવરે ટેક્ષીને માધુપુર તરફ જવા દીધી. પોરબંદરની બહાર નીકળતા પહેલા આ રસ્તે રામબા ટીચર્સ કોલેજનુ ખુબ મોટુ કેમ્પસ આવ્યુ અને તેની સામે સૌરાષ્ટ્ર કેમીકલ નામની બીરલા જુથની કંપની હતી. ટેક્ષી થોડી આગળ ચાલી એટલે પોરબંદરની પાછળ છુટી ગયુ. ત્યાંથી 4 કિલોમિટર ચાલ્યા એટલે રસ્તા પરજ રંગબાઇ માતાજીનુ મંદિર આવ્યુ. કિશને ત્યાં ટેક્ષી ઉભી રખાવી અને દર્શન કર્યા. ટેક્ષી ત્યાંથી આગળ વધી માધુપુર હાઇવે પર પહોંચી એ સાથેજ આજુબાજુનું દ્રશ્ય જોઇ બધા મંત્રમુગ્ધ થઇ ગયા. હાઇવેની બાજુમાં જ દરીયો હતો. આ આખો હાઇવે દરીયા કિનારા પર બનાવેલો હતો. ઠંડો પવન અને અહલાદક વાતવરણ અને નયનરમ્ય દ્રશ્ય જોઇ ત્રણેયના મન પ્રફુલીત થઇ ગયા. કિશનને થોડીવાર અહી જ રોકાઇ જવાનુ મન થયુ પણ હવે આશ્રમ પહોંચવામાં મોડુ થતુ હતુ એટલે પાછા ફરતી વખતે રોકાવાનુ નક્કી કરી તે લોકો આગળ વધ્યા. લગભગ 20 કિલોમિટર આગળ ગયા હશે ત્યાં રસ્તા પર એક બોર્ડ મારેલુ હતુ નીજાનંદ આશ્રમ અને નીચે જમણી તરફ તીર મારેલુ હતું. ડ્રાઇવરે ટેક્ષીની સ્પીડ ધીમી કરી અને જમણી તરફના રસ્તા પર લીધી. આ રસ્તો એક જ વાહન પસાર થઇ શકે તેવો ગાડા રસ્તા જેવો હતો. એકાદ કિલોમીટર આ રસ્તા પર ટેક્ષી ચાલી એટલે આશ્રમનો ગેટ દેખોયો તેની પાસે જઇ ટેક્ષી ઉભી એટલે કિશન અને ગણેશ નીચે ઉતર્યા અને ગેટમાં દાખલ થયા. આશ્રમ એકદમ દરીયાના કાંઠા પર હતો. આશ્રમમાં નાળીયેરીના ઝાડ અને બીજા વૃક્ષોથી એકદમ પ્રાકૃતિક સોંદર્ય ફેલાયેલુ હતુ. પાછળના દરીયા પરથી પસાર થઇને ઠંડો પવન આશ્રમમાં આવતો. જે પણ આશ્રમમાં આવે તેને એક અદભુત ઠંડક અને આત્મીય શાંતિનો અનુભવ થતો. કિશન અને ગણેશ આશ્રમમાં દાખલ થયા અને સામે આવેલ નાના મકાનમાં ગયા. ત્યાં રીસેપ્શન જેવુ એક લાકડાનું ટેબલ અને ખુરશી પડેલા હતા. તેના પર એક વ્યક્તિ બેઠો હતો. તે અધેડ વયનો હતો, તેણે સફેદ ઝભ્ભો અને ધોતીયુ પહેર્યુ હતુ અને ચંદનનું તિલક કરેલુ હતુ. કિશને તેની પાસે જઇને પુછ્યુ “અહીનુ સંચાલન કોણ કરે છે? અમારે તેને મળવુ છે. ”
આ સાંભળી પેલાએ ઉપર જોયુ અને કિશનનું ઉપરથી નીચે સુધી નીરીક્ષણ કરીને કહ્યુ “બાપુ અત્યારે આરામમાં છે. તમારે અડધો કલાક રાહ જોવી પડશે. તમે ક્યાંથી આવો છો?”
“અમે કોડીનારથી આવીએ છીએ. ” કિશને કહ્યુ.
“એક કામ કરો હું તમને અહી એક રૂમ ખોલી આપુ છુ. તમે અડધો કલાક આરામ કરો ત્યાં બાપુ આરામમાંથી બહાર આવી જશે એટલે હું તમને બોલાવીશ. ” એમ કહી તે વ્યક્તિએ બાજુમાં રહેલ એક રૂમ ખોલી આપ્યો જેમાં બે પલંગ હતા. આ રૂમની પાછળ દરીયા તરફ બે બારી હતી જેમાંથી ખુબ સરસ પવન આવતો હતો. કિશન અને ગણેશ પલંગ પર લાંબા થયા. મુસાફરીના થાક અને અહલાદક વાતાવરણને લીધે બન્ને ઉંઘી ગયા. બારણે ટકોરા પડતા કિશનની આંખ ખુલી તેણે જોયુ તો એક છોકરો બારણામાં ઉભો હતો. “બાપુ તમને બોલાવે છે. ” એમ કહી તે છોકરો જતો રહ્યો. કિશને ઘડીયાળમાં જોયુ ત્યારે ખબર પડીકે તે લોકોએ એકાદ કલાક ઉંઘ ખેંચી કાઢી હતી. ઉંઘને લીધે તેનો બધોજ થાક ઉતરી ગયો હતો. કિશને ગણેશને ઉઠાડ્યો. બન્ને તૈયાર થઇને બહાર આવ્યા અને રીશેપ્શન પાસે ગયા એટલે પેલા છોકરા એ કહ્યુ “આવો મારી સાથે. ” અને પછી તે આગળ ચાલવા લાગ્યો. કિશન અને ગણેશ પણ તેની પાછળ પાછળ ચાલ્યા. તે લોકો ચાલીને આશ્રમના પાછળના ભાગમાં આવ્યા ત્યા સામે આરામ ખુરશીમાં એક વૃધ્ધ વ્યક્તિ ભગવા કપડા પહેરીને તેમા બેઠા હતા. કિશન અને ગણેશ તેની પાસે ગયા એટલે તેણે બન્ને ને સામે પડેલી ખુરશીમાં બેસવાનો ઇશારો કર્યો. કિશન અને ગણેશ બેઠા. કિશને જોયુ કે તે વ્યક્તિ સફેદ દાઢી લાંબા વાળ મોટુ કપાળ અને કપાળમાં ત્રિપુંડ કરેલ હતા અને એક અલગજ પ્રકારનું તેજ અને આભા હતી. ”બોલો તમારે મારૂ શું કામ હતુ?” બાપુએ પુછ્યુ.
“ અમે કોડીનારથી આવીએ છીએ. અમે તમારા આશ્રમની ખ્યાતી અને નામના સાંભળી છે. અમે કોડીનાર પાસે આવોજ નીજાનંદ આશ્રમ બનાવવા માંગીએ છીએ એટલે અહીથી બધી માહિતી લેવા માટે આવ્યા છીએ. ”
આ સાંભળી બાપુએ વેધક દ્રષ્ટીએ કિશન સામે જોયુ. કિશનને ખોટુ બોલવા માટે દુઃખ થયુ પણ તે સિવાય બીજો કોઇ રસ્તો નહોતો. થોડીવાર બાદ બાપુએ કહ્યુ “તમારૂ આશ્રમ ખોલવા માટેનુ પ્રયોજન શું છે? એ મને જણાવો. ”
“તમે આ આશ્રમમાં જે પ્રવૃતિ કરો છો તે અમને ખુબ ગમી છે જેવી કે યોગ શિક્ષણ અને તાલીમ,આયુર્વેદીક દવાઓ બનાવવાનુ અને તેનો ઉપયોગ કરવાનું શિક્ષણ, બાળકો માટે સંસ્કૃતનું શિક્ષણ આવી બીજી ઘણી બધી અહીની પ્રવૃતિ એવી છે કે જે અમે અમારા વિસ્તારના લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. ”
“પણ તમને આમા કોઇ નફો થવાનો નથી. ઉલટુ આમા તો તમારે રૂપીયા નાંખવા પડશે તો પછી તમે આ શું કામ કરવા માંગો છો?”
“અમારી પાસે દાતા છે કે જે એ વિસ્તારના માણસોના હિત માટે દાન કરવા માગે છે. અને અમે તેને એક સારો વિકલ્પ આપવા માંગીએ છીએ. ” કિશને કહ્યુ.
ગણેશ તો કિશનને ઉપજાવી કાઢેલી વાત આટલી ચોકસાઇથી કરતો જોઇ દંગ રહી ગયો. બાપુએ થોડુ વિચારી બાજુમાં ઉભેલા છોકરાને કહ્યુ “જા મનુભાઇને બોલાવી લાવ અને તેને કહેજે પેલો કોર્ડલેશ ફોન લેતા આવે. ”
આ સાંભળી કિશનના ચહેરા પર સ્મિત આવી ગયુ જે ગણેશે જોયુ. પેલો છોકરો ગયો એટલે બાપુએ કહ્યુ “તમારો હેતુ ઘણો ઉમદા છે પણ આ માટે તમારે અમારા આશ્રમનુ મુખ્ય મથક હરીદ્વાર છે ત્યાં સંપર્ક કરવો પડશે. તે ત્યાંથી તમને બધી જ મદદ કરશે. તમારા વિસ્તારના થોડા માણસોને યોગની તાલીમ આપશે અને આયુર્વેદીકનુ જ્ઞાન આપશે જે તમારા આશ્રમમાં બીજાને શિખવશે. તે માટે તમારે ત્યાં આચાર્ય સાથે વાત કરવી પડશે. હું તમને હમણા વાત કરાવુ છું. ” બાપુ વાત કરતા હતા ત્યાં પેલો છોકરો અને રીસેપ્શન પર બેઠેલા હતા તે ભાઇ બન્ને આવ્યા. બાપુએ તે લોકોને બેસવાનો ઇશારો કર્યો અને કહ્યુ “મનુભાઇ આ બન્ને ભાઇઓ કોડીનારથી આવે છે તે ત્યાં નીજાનંદ આશ્રમ ચાલુ કરવા માગે છે. તમે હરીદ્વાર આચાર્યને ફોન લગાવો અને મને આપો” આ સાંભળી મનુભાઇ એ કોર્ડલેશફોન માંથી ફોન લગાવી બાપુને આપ્યો એટલે બાપુએ કિશનને કહ્યુ “તમારૂ નામ શુ છે?” “પ્રદિપ ઓડેદરા. ” કિશને કહ્યુ.
સામેથી ફોન ઉંચકાયો એટલે બાપુ એ કહ્યુ “હરી ઓમ તત્સત. માધુપુરથી આત્માનંદબાપુ બોલુ છું. આચાર્ય સાથે વાત કરવી છે. ” પછી બે મિનિટ શાંતિ રહી પછી ફરીથી બાપુ બોલ્યા “મહાદેવ હર, આચાર્ય. ”
પછી સામેથી કંઇક કહેવાયુ એટલે બાપુ એ કહ્યુ “આચાર્ય અહી મારી પાસે કોડીનારથી એક ભાઇ પ્રદિપ ઓડેદરા આવ્યા છે. તે કોડીનાર પાસે નીજાનંદ આશ્રમ ચાલુ કરવા માગે છે. ” ફરીથી સામેથી કંઇક કહેવાયુ એટલે બાપુએ કહ્યુ “હા એ મે તેમને કહ્યુ છે પણ તે લોકો પાસે કોઇ દાતા છે જે એ વિસ્તારના લોકોની સેવા કરવા માગે છે. ” પછી સામેથી કહેવાયુ એટલે બાપુએ કિશનને ફોન આપ્યો અને કિશને વાત કરવાની શરૂઆત કરી “હાલો હું પ્રદિપ ઓડેદરા બોલુ છું. તમને બાપુએ વાત કરી એમ અમારે કોડીનારની પાસે નીજાનંદ આશ્રમ ચાલુ કરવો છે. ”
એટલે સામેથી આચાર્યે વાત કરવાની શરૂઆત કરી એ સાથેજ કિશનની આંખમાં ચમક આવી. આચાર્યએ કહ્યુ “તમારી પાસે જમીન અને દાતા બન્ને ની વ્યવસ્થા હશે તોજ આ આશ્રમ ચાલુ થશે. આશ્રમમાંથી કોઇ આવક થશે નહી એટલે જો તમે એ દ્રષ્ટીએ વિચારતા હોય તો આ પ્લાન પડતો મુકજો. ”
“ના ના અમારી પાસે એક જમીનનો દાતા છે અને એક ફોરેનર દાતા છે જે અમને ફંડ પુરૂ પાડશે. હવે તમે અમને સમજાવો કે આ માટે અમારે શુ પ્રક્રીયા કરવી પડશે. જો તમે અમને મંજુરી આપો તો જ અમને ડોનર પાસેથી દાન મળી શકે. ” કિશને કહ્યુ.
“હા એ માટે તમારે એક વખત અહી હરીદ્વાર આવવુ પડશે. અમે તમને બધી જ વસ્તુ સમજાવશુ. અમુક ટર્મ્સ અને કંડીશન છે જે તમારે પાળવી પડશે. આ બધી ચર્ચા રૂબરૂ મળીનેજ શક્ય છે. ”
“હા તો હું એકાદ વિકમાં ચોક્કસ ત્યાં આવીશ. ”
ત્યારબાદ આચાર્યે તેને થોડી સુચના આપી અને પછી ફોન મુકી દીધો. ફોન મુકી દીધા પછી કિશને આત્માનંદ બાપુનો આભાર માન્યો અને થોડીવાર બેસી ત્યાંથી નીકળી ગયા. તે લોકો કારમાં બેઠા એટલે ગણેશે કહ્યુ
“શુ કિશનભાઇ આ ખોટી ગપ્પાબાજીમાં સમય કાઢ્યો કંઇ જાણવા તો મળ્યુ જ નહી. ”
આ સાંભળી કિશને કહ્યુ “ મને તો અહી કેટલુ બધુ જાણવા મળ્યુ. હવે હું ખાતરી પુર્વક કહી શકુ એમ છુ કે હરીદ્વાર જઇશુ એટલે આ કેશ સોલ્વ થઇ જશે. ” આમ બોલતો હતો ત્યારે કિશનના ચહેરા પર હાસ્ય હતુ. આ જોઇ ગણેશ બોલ્યો આમા મને તો કંઇ સમજાતુ નથી.
“થોડી શાંતિ રાખ તને પણ બધુ જ સમજાય જશે. ”
આ સાંભળી ગણેશ ચુપ થઇ ગયો. બન્ને બારીમાંથી દેખાતુ બહારનુ રમણીય દ્રશ્ય જોતા રહ્યા. થોડા આગળ જઇ કિશને કારને સાઇડમાં પાર્ક કરવા કહ્યુ. ડ્રાઇવરે કારને પાર્ક કરી એટલે કિશન અને ગણેશ નીચે ઉતર્યા. કિશને ડ્રાઇવરને કહ્યુ “અમે થોડીવાર અહી રોકાવા માંગીએ છીએ તારે આરામ કરવો હોય તો કરી લે. ” પછી બન્ને રોડ ક્રોસ કરી સામેની બાજુ ગયા અને ત્યાંથી નીચે ઉતરી દરીયા તરફ આગળ વધ્યા. થોડા આગળ જઇ કિશન શુઝ કાઢી નાખ્યા એટલે ગણેશ પણ તેને અનુસર્યો. સુઝ કાઢી બન્ને આગળ વધ્યા એટલે મોજા તેના પગ સાથે અથડાવા લાગ્યા. કિશન અને ગણેશ થોડીવાર આમજ પગ પલાડતા દરીયામાં ઉભા રહ્યા. ત્યારબાદ બહાર નીકળીને રેતીમાં બેઠા. હવે સુર્યાસ્ત થવાની તૈયારી હતી. આખો દરીયો જાણે સુવર્ણનો હોય તેવો દેખાતો હતો. દુર ક્ષિતિજમાં સુર્ય પાણીને ચુંબન કરતો હોય એવુ નયન રમ્ય દ્રશ્ય દેખાતુ હતુ. આ જોઇ કિશન બોલ્યો “કુદરતે દુનિયાના દરેક છેડે ખોબેને ખોબે પ્રકૃતિને સુદરતા બક્ષી છે પણ માણસ આ સૌંદર્યને માણવાની દરકાર લેતો નથી. ”
આમને આમ આખો સુર્ય અફાટ જળરાસીમાં ડુબી ગયો ત્યાં સુધી બન્ને આ સ્થળ પર બેઠા રહ્યા. પછી બન્ને ઉભા થયા અને શુઝ પહેરી કાર તરફ ગયા.
કિશન અને ગણેશ જ્યારે પેલા એપાર્ટમેંટ પર પહોંચ્યા ત્યારે રાત્રે 9-30 થઇ ગયા હતા. સવારની જેમજ તે લોકો હેલ્મેટ પહેરી બાઇક પર બાજુના બીલ્ડીંગમાં આવ્યા અને ત્યાંથી તે દરવાજા મારફતે પેન્ટહાઉસમાં આવ્યા. ત્યારબાદ ફ્રેસ થઇ કપડા બદલી નીચે ઓફીસ પાસે થઇને મુખ્ય રસ્તા પર આવ્યા અને કિશનની કાર લઇને જમવા ગયા. બન્ને એ રસ્તે નાસ્તો કર્યો હતો એટલે બહુ ભુખ નહોતી. પણ નીચે તેના પર નજર નાખનારા માટે પણ નીચે ઉતરી જમવા જવુ જરૂરી હતુ. જમીને તે લોકો પાછા આવીને ઉંઘી ગયા.
બીજે દિવસે સવારે 9 વાગ્યે કિશન ઓફીસમાં ગયો એટલે નેહાએ આવીને કહ્યુ “કિશનભાઇ તમારો શક સાચો પડ્યો. કાલે એક યુવાન સવારે તમારી તપાસ કરવા આવ્યો હતો અને બીજો સાંજે આવ્યો હતો. સાંજ વાળાએ તો તમને મળવા માટે જીદ પકડેલી એટલેજ મારે તમને ફોન કરવો પડ્યો હતો. ” આ કહેતાજ કિશનને યાદ આવ્યુ કે તે લોકો પોરબંદરથી જુનાગઢ તરફ આવતા હતા ત્યારે નેહાનો ફોન આવ્યો હતો. એટલે કિશને એકદમ ધીમા માંડ વાત કરી શકતો હોય તેવા અવાજમાં વાત કરી હતી. અને પેલા યુવાનને કાલે આવવા માટે કહી દીધુ હતુ. અને પછી નેહાને પણ ઓફીસ બંધ કરી નીકળી જવા માટે કહ્યુ હતુ. નેહા પેન્ટ હાઉસની ગ્રીલમાંથી અંદર હાથ નાખી અંદરની બાજુ તાળુ મારીને નીકળી ગઇ હતી. ત્યારબાદ નેહાએ કોર્ટના બધાજ કાગળ કિશનને આપ્યા એટલે કિશને ચેક કર્યા અને પછી કોર્ટ જવા નીકળી ગયો.
કિશન કોર્ટ પરથી આવ્યો ત્યારે નેહા બેસીને કામ કરતી હતી. કિશને બેલ મારીને તેને બોલાવી એટલે નેહા એક ફાઇલ
લઇને આવી અને કિશનને બતાવતા કહ્યુ “આજે ઇન્ટરવ્યુ માટે આવનારની બધી ડીટૈલ્સ આમા છે. ” કિશને નેહાને ચાનો ઓર્ડર આપવાનુ કહ્યુ અને તે ફાઇલ જોવા લાગ્યો. એમાંથી બે ત્રણ બાયોડેટા તેને સારા લાગ્યા એટલે કિશને તેના પર નિશાની કરી અને ફાઇલ નેહાને આપતા કહ્યુ “આમા મે નિશાની કરી છે તે જોઇલે અને તે સિવાયના બાયોડેટા પણ ચેક કરીલેજે. તને કોઇ સારૂ લાગે તો તેના પર નિશાની કરી દેજે બાકી ફાઇનલ સીલેક્શન તો ઇન્ટરવ્યુ પછીજ કરીશુ. ” ત્યારબાદ ચા આવી જતા ચા પીવા લાગ્યા “આ ચા વાળા છોકરાને કહેજે કે છ વાગે આવે અને બધાજ ઇન્ટરવ્યુ માટે આવનારને ચા આપે. ” કિશને કહ્યુ.
આ સાંભળી નેહા બહાર નીકળી તેની કેબીનમાં બધી વ્યવસ્થા કરવા ગઇ. કિશન થોડીવાર બેઠો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી કિશને મોબાઇલની સ્ક્રીન પર જોયુ તો કોઇ અજાણ્યો નંબર હતો. કિશને ફોન ઉંચક્યો તો સામે ડૉ. હરીશ સોલંકી હતો. તેણે કહ્યુ “મે પેલા રેકોર્ડસ ચેક કરી લીધા છે અને તેના ફોટા મે મારા ફોનમાં પાડી લીધા છે. જે હું તમને વોટ્સએપ પર મોકલુ છુ. તમે તે ડાઉનલોડ કરી લેજો. હવે પછી હું તે ડીલીટ કરી નાખીશ. ” એમ કહી ડોકટરે ફોન કટ કરી નાખ્યો. કિશને મોબાઇલમાં નેટ ચાલુ કર્યુ અને વોટ્સએપમાંથી ફોટા ડાઉનલોડ કર્યા અને જોવા લાગ્યો.
***
મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે. તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.
હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160
Email id:- hirenami. jnd@gmail. com
Facebook id:-hirenami_jnd@yahoo. in