Collegeni ghatnao in Gujarati Short Stories by bharat maru books and stories PDF | કોલેજની ઘટનાઓ

Featured Books
Categories
Share

કોલેજની ઘટનાઓ

કોલેજની ઘટનાઓ

કોલેજના બીજા વર્ષમાં તો અમે પાંચ મિત્રો વચ્ચે બે રૂમનું મકાન ભાડે રાખેલું. એટલા તો માનસીક સદ્ધર અમે થયેલા. હોસ્ટેલમાં એક વર્ષ હેરાન થયા પછી આ અમારો સામુહીક નિર્ણય હતો. જે મોટાભાગે સફળ પણ થયો. તકલીફ ફકત એક જ કે સાંગલી શહેરથી અમારી કોલેજ દસ કિલોમીટરના અંતરે આવેલ હતી. અને આવવા જવા મહારાષ્ટ્ર સરકારની લાલ રંગોની બસનો એકમાત્ર આધાર. એમાં પણ બસમાં બેસવાની સીટ તો નસીબદાર ને જ મળે. પણ આ તકલીફ હોસ્ટેલની કેન્ટીનના ભોજનની સરખામણીએ સહય હતી. આમ પણ હોસ્ટેલમાં અમારો 212 નંબરનો કુખ્યાત રૂમ નીચે હતો. અને અમારા રૂમની એક દિવાલે જ હોસ્ટેલના રેકટરની ઓફીસ. ઘણીવાર પોલીસ સ્ટેશનની બાજુમાં જ ગુંડાના અડ્ડા હોય એવું બને. અહી જણાવી દઉં કે અમે લોકો કોલેજના કલાસમાં રજા પાડી અમારા રૂમમાં મીટીંગો કરતા. એટલે રેકટરના ચોપડે અમે ગુજરાતીઓ બ્લેક લીસ્ટમાં આવતા. અને રેકટર પણ સાચા હતા કદાચ, કારણકે અમારો રૂમ કોલેજના તમામ ગુજરાતીઓનો આરામ કરવાનો અડ્ડો થઇ ગયેલ. પણ રેકટર થોડા વધારે કડક પગલા લેવા માટે જાણીતા હતા. એટલે એની ઓફીસ અમને પોલીસ સ્ટેશન જેવી જ લાગતી. ઘણીવાર અમને તો એ હિટલર જેવા જ દેખાતા. હોસ્ટેલના એકમાત્ર એકહાથવાળા હિટલર જેવા મરાઠી રેકટરના નિશાના પર 212 નો આંકડો હતો જ. બસ ફરક એટલો કે અહીં યહુદીની જગ્યા ગુજરાતીઓએ લીધી હતી. એક હાથના પંજામાં એ હંમેસા સફેદ પાટો બાંધી રાખતા. લગભગ અરધો પંજો કપાઇ ગયેલો. આ કાયમીના પાટાને લીધે એમનું બીજુ નામ શહેનશાહ પણ હતું. એકવાર તો એક કેસમાં અમે ખબર નહીં કેમ પણ નિર્દોશ છુટેલા. હા એના માટે રેકટર સાહેબને દાંડીયારાસ કેમ રમાય એ શીખવાડવાની લાંચ પણ આપેલી. પણ હવે કોલેજના બીજા વર્ષમાં અમે યુદ્ધવિરામ ઇચ્છતા હોવાથી રૂમ બદલ્યોં. નવા મકાનમાં આઝાદાની હવા વહેતી. કારણ કે દરેક રૂમમાં સામસામેની દિવાલે બે બે બારી લાગેલી હતી. એક પ્રાયમસ ને ચાનો સામાન પણ સહીયારો વસાવ્યોં. આમ અમે ચા પીવાનો સ્વતંત્ર અધીકાર મેળવેલો. રાચરચીલામાં ગાદલા ઓશીકા અને અમારા સુટકેશ- થેલા. અને હા ટેકનોલોજીમાં બધાના રૂપીયાનુ લીધેલું સોની કંપનીનું વોકમેન અને એક સ્પીકર. એમાં કાયમી બેસાડેલી એકમાત્ર કિશોરકુમારના ગીતોની કેસેટ. પછી હેમંત ચૌહાણના ભજનની એક કેસેટ ઉછીની લઇ આવેલા. થોડા દિવસ એનાથી અમને ઘણો ‘ચેન્જ’ મળેલો. પણ એ ભજનની કેસેટનો માલીક જાણે ભજનનો વિરોધી હોય એમ થોડા દિવસો પછી કેસેટ પાછી માંગી. ત્યાંરે એક મિત્રએ તો એને નાસ્તીકનું બીરુદ પણ આપ્યું હતું. એ મહેરબાન મિત્રએ કેસેટ પાછી લેવામાં અમારા એક સીનીયરનો સહારો લેવો પડેલો. સીનીયરના કહેવાથી અમારા રૂમમાં ભજન વાગતા બંધ થયા. અમે આમ તો છ મિત્રોએ નવા મકાનમાં સાથે રહેવાનું નકકી કરેલું. પહેલા વર્ષના છેલ્લા દિવસે એ છઠ્ઠા મિત્રએ જોશમાં આવીને હિટલર સામે પેલુ કાલીયા ફીલ્મનું ગીત પણ ગાયેલુ ‘કોન કીસીકો બાંધ શકા,શૈયાદ તો એક દિવાના હૈ. તોડ કે પીંજરા એક ના એક દિન પંછી તો ઉડ જાના હૈ. ’ અમારી નવાઇ વચ્ચે રેકટર શહેનશાહે વન્સમોર પણ કહયું હતું. પેલાએ બીજીવાર ન ગાયું તો એનું આઇકાર્ડ જપ્ત કરેલું. આફ્રીકા ગયા હોય અને કોઇ આપણો પાસપોર્ટ જપ્ત કરે એવી પેલા મિત્રને અનુભુતી થઇ હશે. પછી ખબર પડી કે એ તો કોલેજ પણ છોડી ગયો છે. કારણમાં એણે કહેલું કે મારે તો બાપા સાથે શરત જ હતી કે એક જ વર્ષ કોલેજ કરવી. અમે એની સાથે ગીતમાં સુર ન પુરાવ્યોં એનો અફસોસ મટી આનંદ થયો. અમને એ છઠ્ઠા મિત્રના નિર્ણયની ખુબ ઇર્ષા પણ થઇ કે અમને યુદ્ધમાં એકલા મુકી પલાયન થયો. પણ પીછેહટ કરતા શહીદી સ્વીકારીએ એવા અમે ત્યાંરે યુવાન હતા. મુસીબતોના પહાડ પર અમે ટ્રેકીંગ કરી લેતા. આમ અમે પાંચ આરામથી રહી શકયાં નવા મકાનમાં. નવા મકાનના અનેક લાભાલાભ હતા. એક લાભ એવો કે એની બાજુમાં જ રેલ્વે લાઇન ઉપર ઓવરબ્રીજ બનેલો હતો. આગળ અમારી કોલેજ પાસે મોટી સુગર ફેકટરી આવેલી. આ પુલ પર શેરડીના ચીકકાર ભરેલા ટ્રેકટરો રોજ રાતના જ નીકળતા. એક ટ્રેકટરમાં વળી બે થી ચાર શેરડી ભરેલી ટ્રોલી ચોટેલી હોય. બળદગાડા માં પણ બે માળ જેટલી શેરડી ભરી નીકળતા. ત્યાંરે આ બળદની હાલત જોઇ એક ભાવિ ઇજનેરને સરસ પ્રશ્ન થયેલો કે કયો ભાર વધારે કષ્ટદાયી?આ બળદનો ભાર કે આપણો ભણતરનો ભાર. પુલ ચડતી વખતે તેઓ સાવ ધીમી ગતીએ આવી જતા. એટલે રાતના અમે પુલ પર લુટારું ગેંગની જેમ શેરડી લુટી એની મીજબાની મફતમાં જ કરતા. આમ આવી શેરડી ખેંચવાની કળા અમને શીખવા મળી. ઘરથી દુર રહેવામાં ઘણી કળાહસ્તગત થાય છે. હવે ગેરલાભમાં એવું કે અમારા મકાન માલીક પણ બાજુમાં રહેતા. એટલે સારા દેખાવાનો અભિનય સતત કરવો પડતો. અમે ફીલ્મ જોવા જઇએ તો પણ ગણપતિ મંદિરે જવું છે એવા અસત્યનાં ખભે બેસીને જતા. એ મકાનમાલીક શિક્ષક હતા. એટલે દિવસ દરમીયાન તો નોકરી પર જતા. સાંજ પછી અમે જરા સાવચેત રહેતા. એકવાર બપોરના સમયે અમે મસ્તીમાં આવી ખુબ ધમાલ કરી. તો એમણે રેડ પાડી અમને પકડયાં. એક મિત્રએ તો એમ પણ પુછી લીધું કે આજે નોકરીએ કેમ નથી ગયા? તો ગુસ્સામાં કહે કે આજે ગાંધી જયંતીની રજા છે. ગુજરાતી થઇને ગાંધી જયંતી યાદ નથી? અમને યાદ ન હોવાનું કારણ એ હતું કે છેલ્લા ચાર દિવસથી અમે રજા જ ભોગવતા હતા. પછી અમને અમારા કૃત્યને લીધે શરમ થઇ. એમણે તો રૂમ ખાલી કરવાની નોટીસ આપી દીધી. અમારા પાંચમાં જે બે જણ વધારે સારા લાગતા એમણે માફી માંગવા જવું,એવો મીટીંગમાં તત્કાલીન નિર્ણય કર્યોં હતો. ત્યાં પણ અમે બચી ગયા. શિક્ષક પીગળી ગયા. આમપણ શિક્ષક હંમેસા વિદ્યાર્થીનું સારુ થાય એવું જ ઇચ્છતા હોય છે. પછી તો અમારો એક જાસુસ એમના પર નજર રાખતો કે રવિવાર સીવાય એમને રજા કયાંરે હોય. આમ અમે એન્જીનીયરીંગ ભણવા માટે મહેનત કરતા. જેને જલસા જ કરવા એને જીંદગી ઓછી પડે એમ આમને આમ અમારું બીજુ વરસ ઓછુ થયું. સમય પણ શિક્ષકની જેમ શિક્ષા આપી ચાલ્યોં જાય છે.

પરીક્ષાનો કપરો કાળ માથે મંડરાવા લાગ્યોં. અમારા પાંચે મિત્રોની એક ખાસીયત હતી કે પાંચેયના કલાસ અલગ અલગ હતા. એક કેમીકલ,એક મીકેનીકલ,એક ઇલેકટ્રોનીકસ,એક સીવીલ અને એક ડીગ્રી ઇલેકટ્રીકલ એન્જીનીયર થવા માટે સંઘર્ષમાં ઉતરેલા હતા. પણ પરીક્ષા પહેલા વાંચવાનું મીની વેકેશન મદદે આવતું. એમાં ત્રણ મિત્રો તો ફરવા ગયેલા. વધ્યાં માત્ર હું અને મોહન બે જ. મારે મૌખીક પરીક્ષા ચાલુ થવાની હતી. એટલે હું આ મીની વેકેશનના લાભથી વંચીત રહયોં. મોહન મને સાથ આપવા રોકાયેલો. આમપણ એ હોશીયાર વિદ્યાર્થી ખરોને. એટલે એને વાંચવામાં અમારા કરતા પણ વધારે રસ. એટલે મીની વેકેશનમાં એ રજા માણવા કરતા વાંચાવાનું વધારે પસંદ કરતો. અમે પાંચમાંથી બે થયા એટલે હવે રાતે ચા વધારે ભાગમાં આવતી. હવે અમે આખો મોટો ગ્લાસ ભરીને ચા ગટગટાવતા. પરીક્ષાના કાળમાં અમે નિશાચર થઇ જતા. રાતના અગીયાર વાગ્યેં એલાર્મના અવાજે ઉઠી જવાનું. જેનો વારો હોય એ ચા બનાવી આપે. પછી સવાર સુધી વાંચવાનું. જેને ફ્રેશ થવું હોય એને ઓવરબ્રીજ પર એકલા શેરડી લુટવા જવાનું એવી શરત પણ હતી. પણ આલતુ ફાલતું વાતો કરી બીજા ભાવિ એન્જીનયરોના ભાવિ સાથે ચેડા ન કરવા એવો મૌખીક ઠરાવ કરેલો. અને જયાંરથી ઓવરબ્રીજ પર ભુત થાય છે એવી અફવા સાંભળી ત્યાંરથી એની ખરાઇ કરવા કોઇ એકલા ત્યાં જવાની હિંમત ન કરતા. આના માટે એક મિત્રએ સરસ તોડ શોધેલો. અગીયાર વાગ્યે ચા હજમ કરી પાછુ ઉંઘી જવું. આમ એ તમામ સમસ્યાઓથી છુટી જતો. એટલે જ અમે બધા એન્જીનયરીંગને લાયક હતા. પણ જયાંરે હું અને મોહન બે જ રૂમ પર હતા ત્યાંરે અમે ઓછા શબ્દો વાળી વાતો કરી લેતા.

આ મોટી મોટી ઘટનાઓ વચ્ચે એક નાની ઘટના મારી સાથે એવી બની કે આખા સફેદ પાના પર એક જ શબ્દ અને એ પણ લાલ અક્ષરે લખેલો યાદ રહી જાય એમ એ યાદ રહી ગઇ. મારી અલગ અલગ વિષયોની મૌખીક પરીક્ષા ચાલુ થઇ. અમારો પહેલા વર્ષથી જ એક નિયમ હતો કે બે પેપર કે પરીક્ષા વચ્ચે જે રજા મળે એનો સદ્ઉપયોગ કરવો. એના માટે એક નકકી થયેલો કાર્યક્રમ એવો હતો કે બપોરે ચાર કે પાંચ વાગ્યે સાંગલી શહેરમાં જવું. છ વાગ્યે કોઇપણ થીયેટરમાં હીન્દી ફીલ્મ જોવી. પછી દસ વાગ્યે સારી હોટલમાં પંજાબી ખાણું ખાઇને પરત થવું. મકાન માલીકની હવે ચીંતા ન હતી. એને અમારી પ્રકૃતીની જાણ થઇ ગયેલ. એણે અમને પહેલા છ મહીનામાં જ ઓળખી બતાવેલા. એટલે હવે અમારે ફીલ્મ જોવા માટે અભિનય કરવાની જરૂર રહી નહોતી. એમને અને અમને બંનેને મનમાં હતું જ કે હવે વેકેશનમાં મકાન ખાલી થશે. મારી એક મૌખીક પરીક્ષા તો સારી ગઇ. પણ બીજી જ મૌખીક ઇલેકટ્રીક વિષયની હતી. એ મારા આખા કલાસ માટે અઘરી જ હશે એવું મારુ માનવું હતું. કારણકે એ વિષયની કોઇ ચોપડી કયાંય પણ ઉપલબ્ધ ન હતી. બસ કલાસરૂમમાં જ એનો સંપુર્ણ અભ્યાસ. અને કલાસરૂમમાં અમે ઉપલબ્ધ નહોતા. વળી પરીક્ષાના સાહેબો પણ બહારની કોલેજમાંથી આવે. અમુક આગળના ઇતીહાસકારો જેવા મહાન સીનયરોએ કયાંકથી ચરી ફરીને એક ચોપડામાં માહીતી એકત્ર કરેલી. મારે એ ચોપડામાંથી મારા કાગળોમાં ઉતારો થઇ ગયેલ. પણ નસીબ સારા ન હોય તો અજાણ્યાં પ્રશ્નો પણ સામે આવી શકે. પણ જેવી પડશે એવી દેવાશે એવી સમજુતી સાથે તાણમુકત થયો. છતા નિયમ મુજબ અમે ફીલ્મ જોઇ. પણ અમારી કાયમની પંજાબી રેસ્ટોરન્ટ અમુક કારણથી બંધ હતી. એટલે બીજી કામચલાઉં રેસ્ટોરન્ટથી કામ ચલાવ્યું. જે દિવસે હોટલમાં પંજાબી ખાણું ખાવાનુ હોય એ દિવસે બપોરે અમે ભોજન ન લેતા એટલે દબાવીને ખાધું. રીક્ષાભાડું પણ અમારા બજેટમાં આવતું. હા, શરત એટલી જ કે રીક્ષામાં ગીત સંગીત ચાલુ હોવું જોઇએ. એ માટે રાહ જોવી પડે એ ચાલે. થોડુ તપ કર્યાં પછી ફળ મળ્યું. એટલે પ્રાઇવેટ રીક્ષા કરી રૂમ પર પરત ફર્યાં. મોહન તો રાત્રે અગીયાર વાગ્યે જ ઉંઘી ગયો. મે એક વાગ્યાં સુધી વાંચ્યું. પછી આરામ જરૂરી લાગતા ઉંઘી ગયો. અમારા બાથરૂમનો દરવાજો લાકડાનો હતો. એને બોલ બોલ કરવાની બહું આદત હતી. જયાંરે પણ કોઇ અંદર જાય એટલે એ બધાના કાનને અવાજ કરી કહી દે. મને ઉંઘમાં સવાર સુધી ઘણીવાર આ દરવાજાનો અવાજ આવ્યોં હતો. સવારે મારે દસ વાગ્યાની બસ પકડવાની હોય. એટલે હું આઠ વાગ્યે ઉઠયોં. પણ મોહન હજી લાંબો પડેલો હતો. મને નવાઇ લાગી એટલે એનો ખભો ખખડાવી મે પુંછયું મોહન તબીયત તો બરાબર છે ને? એણે ના પાડી. પછી મને હાથ આપ એમ કહયું. મે એને હાથ પકડી બાથરૂમના દરવાજા સુધી છોડયોં. બહાર નીકળી પેલી કામચલાઉં રેસ્ટોરન્ટને મોટી કાઠીયાવાડી ગાળ દઇ બોલ્યોં “મને ડાયેરીયા થઇ ગયો. આખી રાત સો વાર ગયો. પેટ ખાલી થઇ ગયું તો પણ વારે વારે જવું પડે છે. તારા પાચનતંત્રને કેમ છે?” મે કહયું મને તો પચી ગયું. હું પરીસ્થીતી પામી ગયો. બહારથી લીંબુ લઇ એને સરબત પીવડાવ્યું. પછી મને કહે તું જા તારી પરીક્ષા છે. મને પરીક્ષા કરતા મિત્ર જ વધારે ગમતો. મે કહયું હા હું જાવ છું. સીધો જ એક ડોકટરના કલીનીક પર પહોચ્યોં. એને ત્યાં વેઇટીંગમાં અરધી કલાક સરકી ગઇ. આમને આમ સાડા અગીયાર વાગે હું મેડીકલ પર દવા લેવા ગયોં. મારો રોલ નંબર નવ. સાડા દસથી મૌખીક ચાલુ થાય. વધીને પોણી કલાકમાં મારો વારો આવીને જતો રહે. પણ હવે મારી ગેરહાજરી અને નાપાસ થવું નોંધાઇ ગયું એ મનોમન નકકી થઇ ગયું. એટલે દવા લઇ મોહનને પીવડાવી અરધી કલાક મિત્ર પાસે બેઠો. દવા તો એના પેટમાં ટકી ગઇ. એને મારી ચીંતા અને મને એની. એટલે મને કોલેજ જવા પર મજબુર કર્યોં. હું મારા શસ્ત્રો લઇને નીકળ્યોં. ખબર તો હતી જ કે યુદ્ધમેદાન ખાલી જ હશે. પણ ખાલી ઇલેકટ્રીકના સરને મળી આવું. કદાચ કઇ ટ્રીક થઇ જાય. અરધી કલાકે બસ આવી ત્યાંરે મારી કાંડા ઘડીયાળ બપોરના એક બતાવતી હતી. બસમાં ચડયોં. બપોરની બસમાં એક ફાયદો કે ઉભા ઉભા ન જવું પડે. એક ભાઇ ની બાજુમાં ગોઠવાયોં. મારા હાલહવાલ જોઇને એ સમજી ગયા કે હું કોલેજનો વિદ્યાર્થી છું. એટલે મને મરાઠી ભાષામાં નામ પુછયું મે હિન્દીમાં જવાબ આપ્યોં. મરાઠી ભાષા શિખવામાં હું આંશીક સફળ થયેલો. સમજી શકાય પણ બોલવામાં તકલીફ પડે. આગળ વાત કરતા એમણે મને કહયું તારી કોલેજનો ટાઇમ શું છે? મારે પણ પંદર મીનીટ કાઢવાની હતી. એટલે મિત્ર મોહનના પેટની હાલત પર અને મારી મૌખીક પરીક્ષાની મુંજવણ પર કથા કરી. કથામાં પંડીતજી જેમ કયાંરેક કયાંરેક સંસ્કૃત શબ્દ ઉચ્ચારે એમ હું મરાઠી શબ્દ પણ બોલ્યોં. એમણે સરસ રીતે એ બધુ શ્રવણ પણ કર્યું. બીજા પણ ઘણા સવાલો મને પુછયાં. મે હિન્દી ભાષામાં જવાબો આપ્યાં. મરાઠી સમજાઇ જતું પણ બોલવામાં તકલીફ રહેતી. પછી છેલ્લો સવાલ કરતા કહયું “ તને તારી પરીક્ષાની ચીંતા જ નથી? તું તો હવે ફેઇલ જ થયોને?” મે મિત્રતાનું સાચુ કારણ કથાના તારણરૂપે રજુ કર્યું. પહેલા મૌલીક પરીક્ષા પછી મૌખીક પરીક્ષા. એ ખુશ થયા પણ હું તો ટેન્શનમાં હતો. એટલે એમની ડીટેઇલ લેવાનું ભુલી ગયો. બસમાં ઘંટડીની દોરી તુટી ગયેલી એટલે કંડકટરે કોલેજ કોલેજ એમ બુમ પાડી. હું ઉભો થયો તો પાછો પેલા મારા પડોશીએ સવાલ કર્યોં આ પી. વી. પી. આઇ. ટી. કોલેજ છે? એ અમારી કોલેજનું ભારે ભરખમ નામ હતું. મે બસના પગથીયા ઉતરતા હા પાડી. એ પણ મારી પાછળ સળસળાટ ઉતરી ગયા.

હું મારા કેમ્પસ તરફ ઢીલા પગલે આગળ વધ્યોં. રસ્તામાં એક ગુજરાતી સીનીયર પણ મળ્યાં. એમની પાસે દુખ હળવું કરવું એવો વિચાર આવતા કેન્ટીનમાં હમણાં જ મળીએ એવો વાયદો કરી આગળ વધ્યોં. છેવટે પહોચ્યોં ત્યાંરે મારા સહપાઠીઓ કલાસની બહાર જ ઉભેલા એ જોઇ અંદાજ આવ્યોં કે આ બધા હોશીયાર મરાઠીઓ પરીક્ષા પછીની ચર્ચા કરે છે. મારા કલાસમાં હું એક જ ગુજરાતી. પણ મારા કલાસમાં બધા સારા છોકરાઓ જ હતા. કોઇ ધમાલી નહીં. કદાચ એક પણ છોકરી ન હતી એ પણ કારણ હોય. પણ ત્યાં તો એક મારા મરાઠી મિત્રએ સામે આવી મને સમાચાર આપ્યાં. આ વાત ઇ. સ. 1994 ની છે. ત્યાંરે હજી મોબાઇલ ફોનનો જન્મ ભારતમાં નહોતો. એટલે અગત્યના સમાચાર આમ જ મળતા. સમાચાર સુખદ હતા. પરીક્ષાના સર પણ મારી જેમ હમણા જ આવેલા. હજુ તો પહેલો રોલ નંબર જ અંદર હતો. હીન્દી ફીલ્મોની કોર્ટમાં બાઇજજત બરી થયા પછી હીરોને જેટલી ખુશી થાય એવો હું ખુશ થયો. રોલ નંબર આઠ પછી હું તૈયાર હતો. મારો વારો આવ્યોં. અંદર ગયો તો મારી સાથે બસમાં આવેલા એ મારા બાજુમાં બેસેલા ભાઇ અહીં સાહેબ થઇને બેઠેલા. બંને એકબીજાને ઓળખી હસ્યાં. હું તૈયાર હતો જવાબ આપવા. પણ એમણે તો કઇ પુછયું જ નહીં. અને સરસ વાત કરી કે “તને શું પુછવું હવે. મે તને બસમાં અઠળક સવાલો કર્યાં. તારા એ જવાબોથી જ તને અહીં સારા માર્કસ આપુ છું. હું અત્યાંરે જ તને કહી દઉં કે તું પાસ થયો. જા તારા એ મિત્રની સંભાળ લે. ” પછી મને ખ્યાલ આવ્યોં કે આ તો ઇલેકટ્રીકમાં ટ્રીક થઇ. ચમત્કાર થયો. હું આભારવશ થઇને ઉભો થયો. ખાલી ઇલેકટ્રીકનું ગોખીને ગયેલો એટલે સાહેબ સામે બીજા શબ્દો યાદ ન આવ્યાં. આ ઘટના પછી મને સમજાયું કે અમારો મરાઠી પ્રત્યેનો દ્વેષભાવ તદન ખોટો અને પાયાવિહોણો હતો. મિત્રતાએ અને એના મુલ્યને સમજી શકતા એ સાહેબે મને પાસ કર્યોં. કલાસના બીજા છોકરાઓના આ મૌખીક પરીક્ષાના પરીણામ આવતા તો દિવસો નીકળી જવાના હતા. પણ મારું રીઝલ્ટ તો હું લઇને જ નીકળ્યોં. મારા હૃદયમાં કોલેજકાળનો ઓરડો અને એમાં સચવાયેલ આ અદભુત નાની એવી ઘટનાની છબી સાબુત છે.

--ભ્રમીત ભરત