વાંસલડી ડોટ કોમ.....
હું એક કાર્યક્રમ માં ગઈ હતી, ત્યાં એક વક્તાએ તેના વાક્યમાં વાંસલડી ડોટ કોમ શબ્દપ્રયોગ કર્યો હતો. ત્યારથી મને એ શબ્દ ગમી ગયો અને તેના પર કૈક લખવું એવું નક્કી કરી લીધું હતું.
ખરેખર તો વાર્તા લખાય પછી તેને અનુરૂપ શીર્ષક આપવાનું હોય છે. પરંતુ અહી ગાડી ઉન્ધી ચાલી છે. શીર્ષક તૈયાર છે અને વાર્તા લખવાની છે. તો એ પણ લખાય જશે ખરુંને ?
***
જીવનરેખા હોસ્પિટલ માં રાત્રી ના બે વાગ્યે નિરવ સુનકાર હતો. મિત ને પણ ખુરશી માં બેઠા બેઠા થોડીવાર ઝોકું આવી ગયું. ત્યાં કૈક સળવળાટ થયો એટલે તરત તેની આંખ ઉઘાડી ગઈ. તેનું ધ્યાન તરત વેણુ તરફ ગયું. વેણુ થોડી સળવળી એટલે મિત ઉત્સાહ સાથે વેણુ ભાન માં આવતી લાગે છે એવું વિચારતા તેની પાસે દોડ્યો અને ઓક્સીજન માસ્ક વાળા વેણુ ના ચહેરા સામે જોવા લાગ્યો. પણ... પાછો મિત હતોત્સાહ થઇ ગયો. વેણુ પાછી નિશ્ચેતન થઇ ગઈ. થોડીવાર તેના ચહેરા સામે જોતો ત્યાજ ઉભો રહ્યો. પછી બહાર નીકળી રૂમ ની બાજુ ની બારી પાસે જઈ ઉભો રહ્યો, ત્રીજો માળ હોવાને લીધે બારી માંથી સરસરાટ પવન આવતો હતો. અને રાત્રી ના નિરવ સુનકાર માં એ અવાજ થોડો ડર લાગે તેવો આવતો હતો. પવન ના એ ઝોકા માં મિત વિચારો માં પડી ગયો. વાંસલડી ડોટ કોમ ની સાઈટ પર કાલ થી મેસેજ જોવાનો સમય રહ્યો ના હતો. આજ તો ખુબ દોડાદોડી હતી. કાલે સમય લઇ ને એ જોવું પડશે. એ વિચારો માં ને વિચારો માંથી મિત ક્યારે અતીત માં પહોચી ગયો તેની તેને જ ખબર ન રહી.…
વાંસલડી શબ્દ આવે અને કૃષ્ણ યાદ ન આવે એવું બને ? વાંસળી અને કૃષ્ણ એકબીજા ના પર્યાય છે ખરું ને ? વાંસળી વગર ના કાના ની તમે કલ્પના કરી શકો ? કાના ના હાથ માં વાંસળી જેટલી શોભે એટલી બીજે ક્યાંય ન શોભે. કાના ને યાદ કરતા જ મિત યાદ આવી ગયો. કાના ની જેમ નાનપણ થી તેના તોફાન ખુબ હતા પણ તેના એ તોફાન પણ બધા ને વ્હાલા હતા. એમ કહો ને કે તેની સોસાયટી માં સરલાબેન અને દિવ્યેશભાઈ નો લાડલો દીકરો સૌનો વ્હાલો તોફાની કાનુડો હતો.
આ નાનકડા શહેર માં દિવ્યેશભાઈ ટ્રાન્સફર થઇ ને આવ્યા ત્યારે અજાણ્યું શહેર છે, સેટ કેમ થઈશું ? મિત નાનો છે એવા ઘણા ટેન્સન હતા. પણ સોસાયટી ના લોકો ખુબ સારા હતા. તેમને દરેક બાબત માં તે લોકો નો સાથ સહકાર મળ્યો. ઘર ગોઠવવા ની શરૂઆત કરી ત્યાંજ બાજુ માંથી હિરલબેન અને તેમની દીકરી વેણુ ગરમાગરમ ચા લઇ આવી પહોચ્યા. તેમણે કહ્યું ચાલો બધા પહેલા ચા પી લો. અરે બહેન તમે એવી તકલીફ શા માટે લીધી ? અરે બહેન એ શું બોલ્યા ? તેમાં તકલીફ શેની ? અને આપણને ગુજરાતી લોકો ને ચા વગર તો ચાલે જ નહી એટલે હવે કઈ ન બોલતા. ચા પિતા પિતા દિવ્યેશભાઈ બોલ્યા વાહ ચા તો ખુબ સરસ છે. હવે કામ કરવાનો મૂડ ચડી ગયો. બધા હસવા લાગ્યા. પછી હીરલબેને કહ્યું હું મદદ કરાવું? ના ના તમને થોડા હેરાન કરાય ? સરલાબેને કહ્યું. પછી હિરલબેન પરાણે બપોર નું જમવાનું કહી ને ગયા. તે લોકો એ ઘણી આનાકાની કરી પણ હિરલબેન ન માન્યા. થોડી ગોઠવણી કરી પછી બપોરે બધા તેમના ઘરે જમવા ગયા. તેમનો અને તેમના ઘર ના બધા નો સ્વભાવ ખુબ સરળ હતો. દિવ્યેશભાઈ નું બધું ટેન્શન જતું રહ્યું. હિરલબેન ને દીકરો વિજય અને નાની દીકરી વેણુ હતી. છોકરાવ ને પણ કંપની મળી ગઈ એટલે એ લોકો પણ ખુશ થઇ ગયા અને રમવા લાગ્યા.બસ એમજ એ લોકો સેટ થઇ ગયા. મિત ને પણ ખુબ મજા આવી ગઈ કારણ કે તેને ઘણા દોસ્તાર મળી ગયા હતા.સ્કુલ પણ નજીક હતી.
સોસાયટી માં દરેક તહેવારો સૌ સાથે મળી ને મનાવતા. મિત ની એ પહેલી દિવાળી હતી અહી. તે ખુબ ઉત્સાહિત હતો દિવાળી માટે. સ્કુલ માં રજા એટલે ભણવાનું કઈ ટેન્સન નહિ વળી આખો દિવસ રમવા નું, નવા કપડા, મીઠાઈ તેમજ સૌથી વધારે ગમતા ફટાકડા. સાંજ પડી ત્યાં વેણુ તેને રમવા બોલાવવા આવી. બધા મિત્રો કરતા તેને વેણુ સાથે વધારે બનતું. વિજય એ લોકો કરતા મોટો હતો એટલે એ તેમની સાથે ન રમતો. મીતે બુમ પાડી કહ્યું મમ્મી હું બહાર રમવા જાવ છું. પપ્પા આવે પછી આપણે બધા સાથે ફટાકડા ફોડીશું હો તું પપ્પા ને કહેજે કહી જતો રહ્યો, મમ્મી એ શું જવાબ આપ્યો તે કોણ સાંભળે ? બંને બહાર રમવા ગયા પણ ત્યાતો અંધારું થવા લાગ્યું એટલે બંને સોસાયટી માં મહાદેવ ના મંદિર ના બાંકડે જઈ બેઠા. પણ એમ શાંતિ થી મિત થોડો બેસી શકે ? અંધારું થતા દિવાળી ના દિવસો હોઈ બધા એ પોતપોતાના ઘર ના આંગણ તેમજ દરવાજા ની દીવાલ ૫ર દીવા મુક્યા. દીવા જોઈ તેના તોફાની મગજ માં કઈ વિચારો ઘૂમરાવા લાગ્યા. વેણુ, ચાલ આપણે બધા સાથે મસ્તી કરીએ.ના હો મિત બધા ખીજાશે. ચાલને તું મારી સાથે તને કોઈ નહિ ખીજાઈ બસ કહી હાથ પકડી લઇ ગયો તેને. થોડીવાર થઇ ત્યાં બાજુવાળા જયામાસી બહાર આવ્યા તો આંગણ માં એકપણ દીવો દેખાયો નહિ. તેણે સાદ પાડી સરલાબેન ને બોલાવ્યા. મારા આંગણ ના દીવા ગુમ થઇ ગયા છે. તમને કઈ ખબર છે ? ના મને કઈ ખબર નથી. અરે મારા ઘર ના દીવા પણ નથી. ધીમે ધીમે કરતા આજુબાજુ ના બધા ભેગા થઇ ગયા. બધા ના દીવા ગાયબ હતા. બધા ને નવાઈ લાગી દીવા થોડા કોઈ ચોરી જાય. ત્યાતો મોટી ઉમર ના તો વળી આ તો અપશુકન છે, એવી પણ ચર્ચા કરવા લાગ્યા. નાના મોટા સૌ ભેગા થઇ ગયા પણ મિત ક્યાય ન બતાતા સરલાબેન બોલ્યા અરે મિત ક્યાં ગયો ? બહાર તો રમતો હતો. તે મિત ને શોધવા લાગ્યા. શોધતા શોધતા સોસાયટી ના મહાદેવ ના મંદિરે પહોચ્યા. ત્યાં તેમણે મિત ને હાથ માં દીવા લઇ ને અંદર જતા જોયો. તેણે મિત ને બહાર બોલાવ્યો. મિત હાથ માં દીવા સાથે બહાર આવ્યો. હાથ માં દીવા જોતા જ સરલાબેન ગુસ્સે થઇ તેને ખીજાવા લાગ્યા. તેમનો અવાજ સાંભળી બધા ત્યાં આવી પહોચ્યા. મિત ના હાથ માં દીવા જોઈ બધા સમજી ગયા કે આ કારસ્તાન તેનું જ છે. બધા ને ખુબ ગુસ્સો આવ્યો કે તહેવાર ના દિવસો માં કોઈ ના ઘર માંથી દીવા થોડા લેવાય. સરલાબેને ગુસ્સે થતા કહ્યું કે શા માટે તું આવા તોફાન કરે છે? ક્યાં ગયા બધા દીવા ? એટલે મીતે મંદિર તરફ ઈશારો કરી કહ્યું ચાલો અંદર. બધા અંદર ગયા. તો અંદર નું દ્રશ્ય ખુબ સરસ હતું. નાનકડા મંદિર માં દરેક ગોખલા માં અને ભગવાન સામે દીવા ઝગમગતા હતા. વળી મંદિર ની વચ્ચોવચ દીવા થી ઓમ બનાવેલ હતો. મંદિર ની અંદર નું દ્રશ્ય ખુબ સુંદર લાગતું હતું. બધા નો ગુસ્સો ઓસરી ગયો. છતાં સરલાબેને મિત ને ખીજાતા ખીજાતા પૂછ્યું શા માટે તે આવું કર્યું ? એટલે મીતે જે જવાબ કહ્યો તે સાંભળી બધા દંગ રહી ગયા. મીતે કહ્યું મમ્મી બધા ના ઘરે દીવા અને સાથે સીરીઝ પણ હતી અને બધા ના ઘર ઝગમગતા હતા. પણ મહાદેવ ના મંદિરે સુનકાર હતો. મંદિર ઝગમગતું ન હતું એટલે મેં ઝગમગાવી દીધું. બધા થોડીવાર સ્તબ્ધ થઇ ગયા કે શું બોલવું ? પછી બધા એ તેની વાત વધાવી લીધી અને તેડી લીધો. બસ ત્યાર થી તે સોસાયટી નો લાડકો બની ગયો અને આવા જ તોફાનો સાથે તેનું બાળપણ વીતી રહ્યું હતું.
હવે મિત આઠમા ધોરણ માં આવી ગયો હતો. વેણુ અને મિત એકજ ક્લાસ માં સાથે ભણતા હતા. સ્કુલે સાથે જવાનું અને સાથે આવવાનું. વળી હોમવર્ક પણ લડતા ઝગડતા સાથે જ કરવાનું. પછી પાછા બધા એ ભેગા થઇ ને સાંજે રમવાનું. કોઈ રમવા આવે કે ન આવે વેણુ અને મિત તો સાથે જ હોય. તે વેણુ નું ધ્યાન પણ રાખતો. પણ સાથે સાથે ચીડવતો પણ ખરો. વેણુ ના મમ્મી હિરલબેન હવેલી ધર્મ પાળતા એટલે કાના ની સેવા કરતા. તેમના ઘર માં પણ એજ વાતાવરણ રહેતું. વેણુ ને પણ કાના ની સેવા કરવી ગમતી. તેને કાના ની વાતો સાંભળવી ખુબ ગમતી. તે હિરલબેન પાસે કાના ની વાર્તાઓ કરાવ્યા કરતી. એટલે વેણુ બધા રમવા મળે ત્યારે પણ કાના નિજ વાતો કર્યા કરતી. એટલે મિત હમેશા તેને ખીજવતો, વેણુ તૂતો કાના ની ફ્રેન્ડ છો, વેણુ તારી વાંસળી તો વગાડ, અને વેણુ તેને ગુસ્સે થઇ મારવા દોડતી અને મિત દોડી ઘરે પહોચી જતો. હસી ખુશી થી સમય પસાર થઈ રહ્યો હતો. હવે બંને થોડા મોટા થઇ ગયા હતા એટલે વેણુ ના ઘર માંથી તેને બહાર રમવા જવાની હવે ના પાડવા માં આવતી. તેને સમજાતું નહિ એટલે એક દિવસ મમ્મી ને પૂછ્યું કે તમે શા માટે મને રમવા જવા નથી દેતા ? એટલે મમ્મી એ કહ્યું તું હવે મોટી થઇ ગઈ છે અને વળી છોકરી છે તો તારે છોકરાવ સાથે ન રમાય. પણ છોકરી છું તો શું થયું ? શા માટે છોકરાવ સાથે ન રમાય ? છોકરાવ તો રોજ રમે જ છે. આ મિત પણ રમે છે તેને તો કોઈ ના નથી પાડતું. આવા તો ઘણા સવાલ તેને થયા પણ તે મમ્મી ને પૂછી ન શકી. તેણે એ બધા સવાલ મિત ને પૂછવાનું નક્કી કર્યું. સાંજે મમ્મી ને કહ્યા વગર જ તે રમવા પહોંચી ગઈ. મિત પણ રમવા આવીજ ગયો હતો. તેને મિત ને કહ્યું મારે તારું કામ છે ચલ મહાદેવ ના મંદિરે જઈએ. બંને મંદિરે જઈ બાંકડે બેઠા. બોલ હવે શું કામ છે તારે વેણુ ? મારે તને ઘણા સવાલ કરવાના છે મિત, વેણુ એ કહ્યું. મિત હસવા લાગ્યો તો ગુસ્સે થઇ કહે હસે છે કેમ ? તો કહે ગુસ્સે ન થતી તો કહું. હા બોલ ને જલ્દી. તો મિત કહે વાંસલડી વગાડવા ની બંધ કરી આ સવાલો કેમ પૂછવા લાગી ? વેણુ કહે જા હવે મારે તારી સાથે નથી બોલવું અને કોઈ સવાલ પણ નથી પૂછવા કહી તે રિસાય ગઈ. બંને વચ્ચે મિત્રતા તો હતી પણ વેણુ ક્યારેય રીસાતી નહિ એટલે મિત ને નવાઈ લાગી પણ તેને વેણુ આમ રીસાણી તે ખુબ ગમ્યું. તેને મનાવતો હોય તેમ મીતે સોરી કહ્યું અને હવે પજવશે નહિ તેની ખાતરી આપી કહ્યું હવે તો કહે તારે શું પૂછવું છે ? મીતે તેને મનાવી તે વેણુ ને પણ ગમ્યું અને મમ્મી સાથે થયેલી બધી વાત મિત ને કહી. મીતને પણ નવાઈ લાગી કે કેમ છોકરાવ સાથે ન રમાય ? બંને ને તેનો કઈ જવાબ તો મળ્યો જ નહિ.
વેણુ ને શા માટે રમવા જવાની ના પડી હશે ?.. જાણવા વાંચતા રહો ભાગ-૨.....
(ક્રમશઃ)