Love Vagarni Lottery in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | લવ વગરની લોટરી

Featured Books
Categories
Share

લવ વગરની લોટરી

લવ વગરની લોટરી લાગે ત્યારે....!

ભલે ને સની લિયોન દરેક બાબતમાં મારાં કરતાં આગળ હોય. જનમવાની બાબતે તો હું જ એનાંથી આગળ. મારી બર્થ ડે ની મીણબતી સળગે પછી જ એની સળગે. હવે એ મોડી કેમ જન્મી એની મને શું ખબર ? હું વહેલો કેમ જન્મ્યો, એનો અફસોસ કરવા જાઉં કે એના પેપર તપાસું ? કદાચ પૃથ્વી ઉપર પ્રગટ થવા એને સમય જ ના મળ્યો હોય. દેવ હોય કે બળદેવ, આવી જાજરમાન લેડીને તો કોઈપણ કહે કે, ‘ શું ઉતાવળ છે ? બેચાર દાયકા રોકાય જાવ ને...? તમે છો તો વસંત-વસંત જેવું લાગે છે....! ‘ આપણા જેવાં ભીંડાને કોણ આગ્રહ કરે... ? બે વાત છે મામૂ....! ક્યાં તો મેં જન્મવાની ઉતાવળ કરેલી, ક્યાં તો સની લિયોને જનમવામાં ધરમસાટ મોડું કરેલું. એટલે તો બે વચ્ચે પાંચ-છ દાયકાનો ફેર આવ્યો. એક જ સમયકાળમાં જન્મ્યા હોત, તો બોલીવુડની બોલબોલા કંઈ જુદી જ હોત...!.

હવે તો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત થઇ. બળાપા ભૂલી જવા પડે દાદુ...! જેના નશીબમાં ભડકા હોય જ નહિ, એણે ધુમાડા જ સહન કરવાના. લેકિન આઘાત ઇસ બાતકા હૈ, કી સાલા લેના-દેના કુછ નહિ, ઔર લોગોને અફવા ફૈલા ડાલી....! એકાદ રમેશદ્રોહીએ એવી અફવા ફેલાવી કે, ‘ સની લીયોનને તો, રમેશ ચાંપાનેરી ગમે છે....! ‘ એના કપાળમાં કાંદા ફોડું તે, સાલાએ આપણી ઊંઘ હરામ કરી નાંખી. માંડ મોડી રાતે કોઈ ચૂડેલના સ્વપ્ના આવતાં હતાં, એ પણ ચકનાચૂર થઇ ગયાં. કોઈ જાજરમાન ગ્લેમરને આપણે ગમીએ, એ કંઈ નાની વાત છે....? આ તો એવી વાત થઇ કે, જાણે પાકિસ્તાનને ભારત આવીને દાવત નહિ આપી હોય ?

પેટ છૂટી વાત કરું તો, સની લિયોન તો શું, રવિ લિયોન પણ આપણા ઉંબરે ચોખા મુકવા આવે એવી નથી. ને આપણે કંઈ એવાં લફરાંબાજ થોડાં છીએ કે, કોઈ આપણા ઉપર ગમતાનો ગુલાલ છાંટી જાય...? ૧૦૦ ટકા સાચી વાત કરઆપનઆપણને આવું કોઈ જ લફરું નથી. ૧૦૦ ટકા નથી, એવું હું ૧૦૦ ટકા સાચું કહું છું. ૧૦૦ ટકા સાચી વાત કરું તો, આપણને ૧૦૦ ટકા આવું લફરું નથી. ૧૦૦ ટકા લોકોને હું ખાત્તરી કરાવવા માંગુ છું, કે આ ૧૦૦ ટકા નરવો બકવાસ છે....! હજી કોઈ એવું કહે કે, “ લલિતા પવારને રમેશ ચાંપાનેરી ગમે છે “ તો કાન ખંખેરી પણ નંખાય. સની લિયોન સાથે તો વળી પાટિયા બેસાડાય ? કોઈના ઘર ભાંગવાની ‘ ઘરતોડ ‘ પ્રવૃત્તિ કરીને, લોકો શું કામ મઝા લેતાં હશે ?

આવી તમતમતી જોક બનાવતા શરમ આવવી જોઈએ. શું જોઈને આવાં સ્પાયસી મસાલાના ડબ્બા ખોલતાં હશે ? યાર..... કુતરો માણસને કરડ્યો તો, માની લેવાય, કે એ એની પ્રકૃતિ છે, ને ભલે કરડ્યો. આતો માણસ કુતરાને કરડ્યો હોય તેવી વાત થઇ. આ તો એવું થયું કે, હાથી ઘોડા રહી ગયાં, ને બકરી પાલો ખાવા ‘ હોલીવુડ ‘ માં ગઈ.....! ક્યાં રાજા ભોજ, ને ક્યાં ગંગુ તૈલી....! “ સની લિયોન જો એમ કહે, કે ‘ રમેશ ચાંપાનેરી મને ગમે છે ‘ તો લોકોને ચચરે કે નહિ ? કેડ જેટલા પાણીમાં ઉભાં હોય કે, બરફની લાદી ઉપર ઊંઘાડયા હોય તો પણ, ચચરે તો ખરું જ.....! નેવના પાણી મોભે ચઢ્યા હોય એવું લાગે યાર....! ‘ દેશમાં આટ-આટલા આંદોલન ઓછાં પડ્યા, આંદોલનો વધારવા લોકો પેટ્રોલ છાંટે.....? અંગુંઠામાંથી રાવણ ચિતરવાની લોકોની કુટેવ કાઢવા માટે શું કરવું જોઈએ ? તમને પુછું....! સ્વચ્છતા આભિયાન જેવું અભિયાન ચલાવાય કે....?

આમાં સની લિયોનનો નહિ, એની સુંદરતાનો દોષ છે. જ્યારથી એની સુંદરતાના વાવટા આસમાને ફરકતા થયાં, ત્યારથી એન્વાયર્મેન્ટની હવા પણ ગરમ લ્હાય જેવી થઇ ગઈ. મોઢામાં દાંતની સિલ્લક હોય કે ના હોય, લાઈન લગાવીને એવાં ઉભાં રહી જાય, કે જાણે બે કિલો ઘઉં લેવા રેશનીંગની લાઈનમાં ઉભો હોય....? સની લિયોનનું નામ પડતાં સુક્કાંભટ્ઠ શરીરમાં પણ કુંપણ ફૂટવા માંડે...! ગલગલીયાં તો એવા કરે કે, જાણે ડાયાબિટીક દર્દીને, કોઈ બાસુદીનો વાડકો નહી પધરાવી ગયું હોય...? “ અભી તો મૈ જવાન હૂં કહીને તૂટી જ પડે યાર....! હોસ્પિટલના ખાટલે સુતેલાને જો એકવાર ખબર પડે કે, બાજુના ખાટલે ઓઢીને સુતેલી, સની લિયોન છે, તો ખલ્લાસ....! સાઝા થયાં હોય તો પણ હોસ્પિટલનો વોર્ડ નહિ છોડે. ભલે ને બે એટેક ઓલરેડી આવી ગયાં હોય...? ત્રીજા એટેકની પરવાહ વગર નાચીને ગાવા લાગે કે, ‘ મેરે દિલને પુકારે આજા, મેરે ગમકે સહારે આજા....! ‘ ને આપણે તો કારણ વગરનું કુટાઈ જ મરવાનું ને....?

ગમે છે, તો ગમે છે...? એમાં લોકો શું કામ છેડો વાળીને કકળાટ કરે ? બહુ મૌજ આવતી હોય તો, ફટાકડા ને બોંબ ફોડો. કે ચાલો ભાઈ આપણા મલકમાં તો એકની લોટરી લાગી...? પેલો ફાવી ગયો, ને હું રહી ગયો વાળા બળાપા શું કામ ફેંકો ?

સફાઈ મારવાની વાત નથી કરતો. ખૂણેખાંચરે કોઈને કોઈમાં, તો એકાદ જેઠાલાલ હોય જ....! પ્રગટ નહિ થવા દે, એ એની કાબેલિયત છે. એક જોકરને કોઈએ પૂછેલું કે, “ તું મોઢાં ઉપર જોકરનું મહોરું કેમ લગાવે ? ત્યારે જોકરે કહ્યું કે, ‘ ભાઈ લગાવે તો બધા જ. પણ બીજાનું મહોરું દેખાતું નથી, ને મારું લોકોની નજરે ચઢે છે .....! “ એના જેવી વાત છે. કોઈએ એટલું જ કહેવું જોઈએ કે, ‘ યાર....! સની લિયોન કાલે તમારો ફોન નંબર માંગતી હતી. તો ખલ્લાસ...! બે દિવસમાં તો બે-ત્રણ ચ્યવનપ્રાસના ડબ્બા ખાલી કરી નાંખે. અમારા ચમન-ચક્કીની જ વાત કરું તો, ચાર ચાર વાર તો પરણેલો. છતાં એનામાં હજી જેઠાલાલ જીવે છે. બેઠો બેઠો અમસ્તો પણ સની લીયોનને, ફોન ઠોકતો જ હોય. એકવાર મને કહે, ‘ રમેશીયા....! ગઈ કાલે, જ મેં સની લિયોન સાથે વાત કરી. ને એણે મને કહ્યું કે, “ ઇસ રૂટકી સભી લાઈન વ્યસ્ત હૈ. થોડી દેરકે બાદ ફોન કીજીએ....! “ તારા કપાળમાં કાંદા ફોડું......!!

આ વર્ષની મારી રાશિ વાંચી. તો એમાં લખેલું કે, આ વરસે તમારા જીવનમાં અચાનક રોમેન્ટિક ઝાપટાંઓ પડવાની પૂરી શક્યતાઓ છે. ગમે ત્યારે કોઈ ચાંલ્લો કરવા આવે એમ છે. એટલે બને ત્યાં સુધી ચૂનો તંબાકુ ખાવા પણ બહાર જવું નહિ. મીડિયાવાળા પૂછવા પણ લાગ્યાં કે “ રમેશભાઈ, સની લીયોનને તમે ગમો છો, આ જાણીને તમને કેવું ફીઈઈલ થાય છે....? મેં કહ્યું કે, કપાળ ઉપર કોલન વોટરના પોતા મુકતો હોય તેવું....! ‘

ઉમર વટાવી ગયાં તો પણ શું ? વેધ તો ભરાય જ ને....? સની લીયોનની વાહવાહી કરવામાં, વાઈફ માટેનો ‘ લવ-ફલો ‘ ઓછો થતો નથી. એના માટે પણ ડબલ હોર્સ પાવરની સોડા પીતાં હોય, એમ દિલ ‘ ગાર્ડન-ગાર્ડન ‘ થાય જ....! પણ જેના માટે આખું બોલીવુડ, હોલીવુડ, ટેલીવુડ, ને પોર્નવુડ પણ રાતે ઊંઘ નહિ કાઢતું હતું, તે આપણા જેવા પ્લાયવુડના માટે એમ કહે કે, ‘ રમેશ ચાંપાનેરી....મને ગમે છે, એ કંઈ નાની ઘટના કહેવાય.....? લવ વગરની લોટરી લાગી હોય, એટલી ગીલીગીલી થાય....!

એ તો સારૂ છે કે, આ સમાચાર બહુ વાયરલ થયાં નથી. નહિ તો ગુજરાતમાં એક ઔર ‘ સની લિયોન આંદોલન ‘ શરૂ થઇ જાત.....! સની લીયોનને દેખી ત્યારથી, જેની શૌચમાં સની લિયોન હોય, અને જેણે સાથીયાથી માંડી શૌચાલય સુધી, જેના ફોટા ચોંટાડયા હોય, એ પછી જંપેલો રહે ખરો....? લાલકિલ્લા ઉપરથી કોઈએ પાકિસ્તાનની જય બોલાવી હોય, એટલો સળગે....! આ તો એક વાત. બાકી સો ટચના સોના જેવી વાત કરું તો, સની લિયોન હોય કે સુર્પણખા, ઘરવાળી જ આપણી થાય. એનો ટાવર છોડીને આઘાપાછા થવા ગયાં, તો ઘરના તમામ ઈલેક્ટ્રોનિકસ ઉપકરણો ઉપર જપ્તી આવી જાય. કેલેન્ડરના ડટટામાં, જેટલાં શનિવારના પાનાં હોય, એ બધાં ફાટીને ઢગલો થઇ જાય. સની લિયોન તો ઠીક શનિદેવના ફોટાનું પણ આવી બને....! ફફડાટનો કાળો કેર વર્તાવા આગે...!

મૂળ વાત એવી છે કે, મારે અને સની લીયોનને સહેજ પણ બનતું જ નથી. એટલે તો એ મારાં ઘરે નથી આવતી, ને હું એના ઘરે નથી જતો. ભલે ને એ ગમે એટલી સુંદર હોય...? એને સાચવવાનું કામ કંઈ સહેલું થોડું છે....? આપણે એને સાચવવા જઈએ કે, આપણી જાતને ? મૂળ મામલો એવો છે કે, એ રહી કેનેડીયન.. એટલે સ્વાભાવિક છે કે, ગુજરાતી બોલવામાં એને ફાંફા હોય જ....? એણે કોઈ રમેશને એવું કહ્યું હશે કે, “ રમેશ ચાપાણી મને બહુ ગમે.....! ‘ ને સાંભળવા વાળાએ ‘ ચા-પાણી ‘ ને બદલે સાંભળ્યું હશે, ચાંપાનેરી....! એમાં મારી સત્યાનાશી થઇ ગઈ....! બરમૂડા આટલેથી અટક્યા હોત તો પણ ધૂળ નાંખી. અફવા તો ત્યાં સુધી ફેલાવી કે, રમેશ ચાંપાનેરી, હવે સની લીયોનની માફક, એનું નામ પણ ‘ રમેશ ચાંપાનેરી ‘ બદલીને ‘ રમેશ લિયોન ‘ રાખવાના છે, બોલ.....!

પેલા મરઘા-મરઘી જેવી વાત છે. એક મરઘીએ બાજ સાથે લવમેરેજ કર્યા. ( એમાં હસો છો શાના....? કેમ નહિ થાય....? એને ઇન્ટર-કાસ્ટ મેરેજ કહેવાય...) એમાં તો આખા મહોલ્લાના મરઘા ઉપવાસ ઉપર ઉતરી ગયાં. મરઘાઓ કહે, ‘ અમે બધા મરઘા મરી ગયાં હતાં કે, તેં બાજ સાથે લગન કર્યા....? ‘ મરઘી કહે, એવું નથી ભાઈ....! આ તો મારાં બાપાની જીદ હતી કે, પાત્ર હવાઈદળવાળું છે. એટલે એની સાથે જ લગન કરાય. આ ભૂ-દળવાળા મરઘા કરતાં હવાઈ-દળ જેવા બાજ શું ખોટાં....? અને હું બાજ સાથે ગોઠવાઈ ગઈ. બાકી સની લીયોનના સમ ખાયને કહું કે, મારાં અને સની લિયોનના મામલામાં કંઈ જ નથી હાઆઆઆ....!

***