Risan Jack Island - 01 in Gujarati Fiction Stories by Bhavik Radadiya books and stories PDF | રીસન જેક આઈલેન્ડ - ૦૧

Featured Books
Categories
Share

રીસન જેક આઈલેન્ડ - ૦૧

અર્પણ

સૌ કોઇની શ્રેષ્ઠ દોસ્ત, એવી

મારી પ્રિય મિત્ર પ્રિયંકાને અર્પણ.

***

ઉઘડતા પાને...

એક એવી નવલકથા જેનું દરેક નવું પ્રકરણ લાવશે નવો રોમાન્સ, રોમાંચ અને રહસ્ય. હચમચાવી નાખતી સાહસકથા. તમે ન ઇચ્છો તો પણ રડી પડશો એવી 'પ્રણયકથા' કે જે ને કોઈ આદી કે અંત નથી. એક આદર્શ લવસ્ટોરી. કે જેનાં અંત સુધીમાં 'પ્રેમ' સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે. એક એવી લવસ્ટોરી જેમાં પાત્રો માનવીય લક્ષણોને જ અનુસરે છે. આથી જ તેમાં લવ, લાગણી ને' લાલિત્ય ની સાથોસાથ શામ, શરાબ ને' સેક્સ નો સુલભ સમન્વય જોવા મળશે.

ગુજરાતથી વેસ્ટ બંગાળના જંગલો સુધીની સફર, જે અનેક રહસ્યોથી ભરપૂર છે. બંગાળનાં કાંઠે આવેલો કાલ્પનિક, રહસ્યમય 'રીસન જેક' દ્વીપ તમારાં શ્વાસોશ્વાસ અટકાવી દેશે.

મૈત્રી, પ્રેમ અને લાલચ ની વચ્ચે વલોવાતી કથા પ્રસ્તુત છે. તો તૈયાર થઈ જાવ એક નવી સફરની શરુઆત માટે... એક નવાં વિશ્વના દર્શન કરવા માટે.

***

રીસન જેક આઈલેન્ડ - 01

રહસ્યમય રોમાંચક પ્રેમસફર

હિંમતનગરની સીટી હોસ્પિટલમાં આજે દરરોજ કરતાં વધારે ચહલપહલ હતી. આ દોડાદોડી કોઈ ઈમરજન્સી કેસ માટે નહોતી કે કોઈ ખતરો પણ નહોતો. પણ આ ધમાસાણ એટલાં માટે હતી કે લગભગ એક મહિનાથી દાખલ થયેલ દર્દી 'ભાર્ગવ' ને મળવા માટે તેનાં પરિચીત મિત્રો આવ્યા હતાં. ડૉક્ટર મહેતા એ લોકોની ઓળખ વિધિમાં પરોવાયેલા હતાં.

***

"ભાર્ગવને કેટલા વર્ષોથી અને કેવી રીતે ઓળખો છો?" ડૉ. મહેતાએ ખુરશી પર બેસતા પૂછ્યું.

"અરે કહ્યું તો ખરું... અમે લોકો ત્રણ વર્ષથી સાથે જ છીએ. ભાર્ગવના ખાસ મિત્રો છીએ અને એક જ કૉલેજમાં ભણીએ છીએ." મોનાર્થે સમજાવ્યું.

"કંઈ કૉલેજ માંથી? તમારા આઇડેન્ટીટી કાર્ડ જોઈ શકું!?" મહેતા સરે આગળ તરફ નમતા પૂછ્યું. તેઓ વધારે ઉત્તેજીત જણાતા હતા.

હવે આયુષ ઉકળી ગયો! તે ગુસ્સામાં જ ઉભો થઈ ગયો અને બરાડ્યો,"તમે એમની પાસે કેમ નથી લઈ જતાં? એમને જ પૂછી લ્યો કે અમે કોણ છીએ?"

"જુઓ..." મહેતા સરે શાંતિથી સમજાવ્યું, "મને મારી ફરજ પુરી કરવા દો...હું જે કંઈ કરું છું એ ભાર્ગવના હિત માટે જ છે."

આયુષ વધારે ગુસ્સો કરે એ પહેલાં મોનાર્થે તેને શાંત પાડી નીચે બેસાડ્યો અને ડૉ.મહેતાને કૉલેજ આઇ.ડી. બતાવ્યું. સાથોસાથ મોબાઈલ માંથી ગ્રુપ ફોટોઝ અને ઢગલાબંધ સેલ્ફી પણ બતાવી. આ પછી મહેતાના દિલમાં ટાઢક વળી અને છેલ્લો પ્રશ્ન પુછ્યો, "ભાર્ગવના માતાપિતા..."

આયુષે વાત વચ્ચેથી જ કાપી નાંખતા કહ્યું, "સાહેબ તમને શરુઆતમાં જ કહ્યું કે ભાર્ગવ અમદાવાદમાં એકલો રહે છે. તેને મમ્મી પપ્પા નથી..."

રુમમાં શાંતિ છવાઈ ગઈ. થોડીવાર પછી ડૉ. મહેતાએ મૌન તોડતાં વાતની ગંભીરતા જણાવી..."જુઓ.. આ કેસ વધારે ગંભીર છે... એનો જીવ બચી ગયો એ જ ભગવાનનો ચમત્કાર ગણાય!"

"અત્યારે કેમ છે તેને... ભાર્ગવને..."

"હાલમાં તો એ સંપુર્ણ રીતે ખતરાથી બહાર છે...પણ..." મહેતા સાહેબ વારાફરતી બંનેનાં ચહેરા જોઈ રહ્યા.

"પણ શું? અમને વિગતવાર જણાવો કે ખરેખર શું બન્યું છે?"

મહેતા સરને લાગ્યું હવે બધી વાત જણાવી જ દેવી જોઇએ. "એમને જ્યારે અહીં લાવવામાં આવ્યો ત્યારે એ ગંભીર રીતે ઘવાયેલો હતો. જમણા હાથનાં સ્નાયુઓ બહાર ખેંચાઈ આવ્યા હતાં જાણે તેનાં પર કોઇ જંગલી પ્રાણીએ હુમલો કરી નહોર માર્યા હોય. પણ ડૉ. પારુલના મેડીકલ રિપોર્ટ મુજબ એ ઘાવ માંથી કોઈ એવાં એવિડન્સ મળ્યા નથી જેથી આપણે કહી શકીએ કે એ કોઇ પ્રાણીએ કરેલ હુમલો હતો. સાથોસાથ મુખ્ય સમસ્યા એ છે કે એ ઘાવ કોઇ મેટલ કે અન્ય હથિયાર વડે પણ થયેલ નથી.... મને આમાં કંઇ સારા એંધાણ દેખાતા નથી. કોઇ ગંદા કાવતરાની ગંધ આવે છે. સો... બી કેરફુલ.

એમ્બ્યુલન્સ સાથે આવેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે ભાર્ગવની બાઈક રોડ પર સ્ટેન્ડ કરેલી હતી અને એ નીચે ખીણમાં મોટા પથ્થર પાસે બેહોશ હાલતમાં પડ્યો હતો.

આ કેસ મેં પહેલેથી જ પોલીસ તપાસ માટે સોંપી દિધો હતો. પણ તેઓએ અકસ્માત સ્થળની તપાસ કરીને તારણ કાઢ્યું કે ભાર્ગવ કોઇ કારણસર રોડ પર રોકાયો હશે. કદાચ લાંબા અંતરનું ડ્રાઈવ કરીને થાક્યો હોય, માટે તે ફ્રેશ થવા ઉભો રહ્યો હશે. એ વિસ્તાર જંગલી પ્રાણીઓની અવરજવરનો વિસ્તાર છે. આથી ત્યારે જ કોઈ જંગલી પ્રાણીએ તેનાં પર હુમલો કરી દીધો ને' તે ભેખડ પરથી નીચે પડી ગયો." ડૉ. મહેતા પાણી પીવા રોકાયા.

"તેને ગરદનમાં પાછળની તરફ માર વાગવાથી સ્પાઇનમાં ગંભીર ઈજા થઈ છે. તે P.T.A. નો શિકાર બન્યો છે.... પોસ્ટ ટ્રોમેટીક એમ્નેસીયા."

"વ્હોટ?? મીન્સ એમની યાદદાસ્ત જતી રહી છે!?" આયુષે પૂછ્યું.

"જી હા... તેને ફક્ત એટલું જ યાદ છે કે તે ડ્રાઈવીંગ કરી રહ્યો હતો. તેની સાથે ક્યારે અને ક્યાં શું બન્યું એ કશું જ તેને યાદ નથી."

"તો હવે...? યાદશક્તિ ક્યારેય પાછી નહીં આવે...?!"

"જો ભાઈ યાદશક્તિ ક્યારે પાછી આવશે એ કહી ના શકાય. આ સ્થિતિ કોમા જેવીજ ગણી શકાય.... ક્યારેક આ સમયગાળો ઘણો લાંબો હોય છે અને ક્યારેય ખુબ જ ટુંકો. અમુક કિસ્સાઓમાં તો સંપુર્ણ યાદશક્તિ પાછી આવતી પણ નથી.

વેલ... આલ્ફા મ્યુઝિક થેરેપી અને મેડિટેશન રીપોર્ટ મુજબ ભાર્ગવનું બ્રેઈન બિલકુલ સ્વસ્થ છે, જે તેનાં માટે પ્લસ પોઈન્ટ છે. ફિઝિકલી પણ એ તદ્દન તંદુરસ્ત છે. આ અમારા માટે પણ આશ્ચર્યજનક વાત છે કે આટલા ટુંકા ગાળામાં તેની બોડીમાં આટલી ઝડપથી રીકવરી આવી ગઈ! આ ભગવાનની જ કૃપા કહેવાય.... બાકી આવું ભાગ્યેજ બનતું હોય છે." મહેતા સરે પોતાની વાત પુરી કરી.

"થેન્ક ગોડ! સર અમે તેને ઘરે લઈ જવા માટે જ આવ્યા છીએ.... તમે કહો તો.... " મોનાર્થે પોતાની આતુરતા દર્શાવી.

"હા, બિલકુલ લઈ જઈ શકો છો, પણ એ પહેલાં મારે તેના બધાં રીપોર્ટ ફરીથી ચેક કરવા પડશે અને તમારે હોસ્પીટલની થોડી ફોર્માલીટીઝ પુરી કરવી પડશે." કહી ડૉ. મહેતાએ થોડાં ફોર્મ સાઈન કરવા આપ્યા અને ડૉ. પારુલની ઑફિસ તરફ જતાં રહ્યા.

આયુષ, ડૉ. મહેતાના ટેબલ પર પડેલા મેડલ્સ અને ટ્રોફી તાકી તાકીને જોઈ રહ્યો. તેની આલિશાન ઓફિસમાં એક નજર ફેરવતા મોનાર્થને પૂછ્યું, "તને નથી લાગતું કે આ સાલો મહેતા, ડૉક્ટરનું કામ છોડીને ડીટેક્ટીવનું કામ વધારે કરે છે?"

"છોડને એ બધું. આપણને શું ફર્ક પડે છે? આપણાં માટે અત્યારે સૌથી ઈમ્પોર્ટન્ટ વાત એ જ છે કે ભાર્ગવનો જીવ બચી ગયો અને એ હવે સ્વસ્થ પણ છે. મને જે વાતનો ડર સૌથી વધું હતો એ તો આમ જ સોલ્વ થઈ ગઈ!!" મોનાર્થે ફોર્મમાંથી ડોકું બહાર કાઢીને કહ્યું.

"હા એ વાત સાચી. મને પણ એમજ હતું કે એ હવે હરવા ફરવાની હાલતમાં નહીં હોય. એમની જગ્યાએ જો બીજું કોઈ હોત ને તો ક્યારનુંય રામ નામ સત્ય થઈ ગયું હોત. આજે હું સ્વિકારું છું કે એ ખરેખર ભાગ્યશાળી છે."

"હા એ તો હોના હી થા. બીજું ઉદાહરણ આ જો.... ડૉ. મહેતાએ તેમની સારવારની ભારેખમ ફીમાંથી તેને સો ટકા મુક્ત રાખ્યો છે!" મોનાર્થે ફોર્મમાંથી બિલ કાઢી આયુષના હાથમાં મુક્યું.

"ઠીક છે. તું હવે ભાર્ગવ પાસે જા. હું આ થોડું કામ પતાવીને આવું." કહી આયુષ ફોર્મ લઈને ડૉ.મહેતા પાસે જવા માટે ઉભો થયો.

ભાર્ગવ હવે જનરલ વોર્ડમાં હતો. એને જોઈને કોઈ ન કહી શકે કે એક જ મહિના પહેલાં તે આટલાં મોટા ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હશે. એનાં ચહેરા પર હજું પણ એટલુંજ આકર્ષક તેજ હતું. એમનાં સ્નાયુબદ્ધ લોખંડી શરીરને જોઈને જ તેની પાસે જવાની કોઈ હિંમત સુધ્ધા ન કરે. ને' ડૉ. મહેતાનું કહેવું હતું કે એ કોઈ કાવતરાનો ભોગ બન્યો છે. તેમણે ભાર્ગવને ઘણીવાર આ વિશે ચેતવ્યો હતો અને અકસ્માતની ઘટના પણ યાદ કરાવવાની કોશિશ કરેલી. તેમના સાથી ડૉક્ટરોનું માનવું હતું કે "ડૉક્ટરની ફરજ માત્ર વ્યક્તિનો જીવ બચાવવાની છે, ગુનેગારને શોધવાની નહીં." તેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈ વ્યક્તિને સજા અપાવવી એ એક ડૉક્ટરના કર્તવ્ય વિરુદ્ધ છે. કોઈપણ દુર્ઘટનાની સચ્ચાઈ સામે લાવવાનું કામ પોલીસનું છે અને તેને સાબિત કરવાનું કામ એક વકીલનું છે, ડૉક્ટરનું નહીં! પણ આવી નકામી ફિલોસોફી માને તો એ ડૉ. મહેતા જ શા નાં ?? ગર્ભશ્રીમંત એવાં ડૉ. મહેતાએ સારવારનો બધો જ ખર્ચ પોતે ઉઠાવી લીધો અને ડૉ. પારુલ સાથે મળીને પોતાના પ્રયત્નો ચાલુ જ રાખ્યાં. પરિણામે ભાર્ગવ વધું ઝડપથી સારો થયો અને તેના પરિચિતોની પણ ભાળ મળી. હવે ફક્ત એ જ જાણવાનું બાકી રહ્યું હતુંકે ભાર્ગવ સાથે આ અકસ્માત કેવી રીતે બન્યો.

મોનાર્થ ભાર્ગવ સાથે સામાન્ય વાતચીત કરીને આવી રહ્યો હતો ત્યારે તેણે આયુષને ફોન પર કોઈ જોડે વાત કરતાં સાંભળ્યો હતો કે "તૈયાર રહેજો." પણ તેને એ વિશે વધારે વિચારવું જરુરી ન લાગ્યું કેમકે તેને ત્રણ વર્ષનો અનુભવ હતો આયુષનો.

"આયુષ, તો આપણે હવે નીકળીએ. ડૉ. મહેતાએ ભાર્ગવને તેની સાથે જે કંઈ બન્યું તે જણાવી દીધું છે અને મેં આપણો પરીચય તેને આપી દીધો છે. એ આપણી સાથે આવવા તૈયાર છે, બસ થોડી વારમાં જ તે નીચે આવે છે."

"ઓકે. તું ભાર્ગવની બાઈક અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા કર, ડૉ. મહેતાએ જણાવ્યું છે કે નીચે પાર્કીંગ લોટમાં પડી છે અને આપણે બધાએ બસમાં જવાનું છે. ગોટ ઇટ?"

***

ક્રમશ:

લેખક: ભાવિક રાદડિયા