Matrubhasha in Gujarati Short Stories by Viral Chauhan Aarzu books and stories PDF | માતૃભાષા - National Story Competion- Jan

Featured Books
Categories
Share

માતૃભાષા - National Story Competion- Jan

માતૃભાષા

વિરલ ચૌહાણ આરજુ

આશિતને હું વ્યક્તિગત રીતે જ ઓળખું છું. ઘણો જ હોંશિયાર અને મળતાવડો છોકરો. થોડો ઘણો બોલકો, એટલે તેના ગુણ છતાં થયા વગર રહે જ નહિ. માબાપનો એકનો એક છોકરો એટલે પાછો લાડકો પણ!!!! એટલો જ શાળામાં દોસ્તો અને શિક્ષકોને પણ તેટલો જ પ્રિય. શાળાની વાર્ષિક પરીક્ષામાં હંમેશા તે પ્રથમ આવતો. નબળા વિદ્યાર્થીઓને પોતે જ રસ લઈને રિસેસમાં કે ફ્રી પિરિયડમાં ભણાવે. ગણિત તેનો મનપસંદ વિષય પણ અંગ્રેજીમાં થોડો પાછળ. ગરીબ વિદ્યાર્થીઓને પોતાના ખિસ્સા ખર્ચીમાંથી ક્યારેક નાસ્તો પણ કરાવડાવે.

દસમા ધોરણનું પરિણામ આજે જાહેર થવાનું હતું, જેથી વાતાવરણ થોડું ગરમ હતું. વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય કરતા વધુ માતા પિતાનો વધુ ડર લાગતો હતો !!! જયહિન્દ શાળાનું પરિણામ પણ આજે જાહેર થયું ૯૭ % પરિણામ આવ્યું હતું અને હંમેશ મુજબ આશિત શાળાના અ બ ક ડ એમ ૬૦ ૬૦ વિદ્યાર્થીઓના ક્લાસમાંથી ૮૬ % સાથે પ્રથમ આવ્યો હતો. મેં જયારે આશિતનું પરિણામ પત્રક હાથમાં લીધું તો થોડી દંગ રહી ગઈ ગણિતમાં ૧૦૦ માંથી ૯૨ ગુણ મેળવ્યા હતા !!!! પણ અંગ્રેજીમાં ૪૫ ગુણ જ મેળવી શક્યો હતો, બાકી ઈતર વિષયોમાં સરેરાશ ૮૦ ૮૨ % ગુણ આવ્યા જ હતા. જો અંગ્રેજીમાં પણ જો આમ જ સારા ગુણ આવ્યા હોત તો આશિત ચોક્કસ ૯૦ થી ૯૫% સાથે મેરીટમાં આવત. મેં વિચાર ખંખેરીને તેને અભિનંદન આપ્યા. દીદી દીદી કહેતો તે મને વળગી જ પડ્યો અને તે બહુ જ ખુશ હતો ખુશ તો હું પણ હતી ૮૬% કઈ ઓછા તો કહેવાય નહિ ને ? તેણે ખુશ થઈને મારા મોં માં મલાઈદાર એલચીની ખુશ્બોવાળો પેંડો મોં માં પધરાવી દીધો. હું સ્વાદ મમળાવતી મમળાવતી તેની મમ્મી રંજનબેનને મળી તે પણ બહુ જ ખુશ હતા. પાંચ દસ મિનિટ તેમની સાથે વિતાવીને હું ઓફિસ જવા નીકળી પડી, નીકળવું પડે તેમ હતું કારણ કે જેટલી જલ્દી ઓફિસ જાવ તેટલો જ વધુ સમય હું લેખન કાર્યને આપી શકું એમ તો આખા દિવસમાં જયારે પણ સમય મળે હું લખતી જ રહું છુ પણ સવારનો સમય વધુ સારો લાગે લખવા માટે.

આશિતને હું લગભગ ત્રણ ચાર વર્ષથી ઓળખતી હતી. એક દિવસ તેની શાળા પાસેથી પસાર થઇને ઓફિસ તરફ જઈ રહી હતી અને ગેટ પાસે તે એક ગલૂડિયાને પોતાના ડબ્બામાંથી બિસ્કિટ કાઢીને ખવડાવી રહ્યો હતો. મને તે જોવું ખુબ ગમ્યું હું જે જોઈને હસી તે પણ મારી સામે હસ્યો . મેં તેને સહેજે કહ્યું, “હવે તું શું ખાઈશ રિસેસમાં ?” તે તરત જ બોલ્યો, “અડધા ભાગના બિસ્કિટ એના અડધા ભાગના મારા.” મને તેનો જવાબ ખુબ જ ગમી ગયો. આમ ઓફિસ જતા ઘણી વાર તે તેના દોસ્તો સાથે ઉભો ઉભો ધીંગા મસ્તી કરતો હોય. આમ જ એક બે વાર તેની મમ્મી સાથે જોયો પછી તેની મમ્મી સાથે હાસ્યની આપ લે અને આમ ધીરે ધીરે સંબંધ આગળ વધ્યો હતો. એક બે વાર રંજન બહેને ઘરે આવવા આમંત્રણ આપ્યું અને પછી તેમના ઘરે જવાનો સિલસિલો ચાલુ થઇ ગયો.

દસમા ધોરણના પરિણામની જાહેરાત થઇ પછી રંજન બહેન થોડી ચિંતામાં જણાયા હતા. આશિતનાં પપ્પા મયુરભાઈ પટ્ટાવાળાની નોકરી કરતા હતા, તેથી આર્થિક સ્થિતિ તો સ્વાભાવિક રીતે જ સામાન્ય કરતા સામાન્ય રહેવાની. જો કે આશિતનાં ગુણને કારણે કોલેજમાં ડોનેશન ભરવાનું કોઈ ટેંશન ના હતું, પણ છોકરો કોલેજમાં આવે એટલે તેની ઉંમર અને લોકોનું જોઈને ખર્ચો તો વધે જ ને. હવે આશિત કોલેજમાં આવી ગયો એટલે મારે તેને મળવાનો નિત્યક્રમ તૂટ્યો હતો. હું તે શાળા પાસેથી પસાર થતી ત્યારે આશિતને યાદ કરી લેતી.

ત્રણ ચાર મહિના પછી હું તેના ઘરે ગઈ ખાસ આશિતને મળવા. રંજન બહેને હંમેશની જેમ જ મારી સામે ચા અને નાસ્તાની પ્લેટો મૂકી દીધી મેં કહ્યું પહેલા તો હું આશિતને મળીશ પછી નાસ્તાનો વારો. પણ ચા ને ના ન પડી શકી !!!! મેં કપ હાથમાં લીધો તો આશિત કેમ છે કેવી ચાલે તેની કોલેજ ? હવે તો હીરોની જેમ ફરતો હશે ને ? ક્યારે આવશે ? દોસ્તો સાથે ફરવા ગયો છે કે ગર્લફ્રેન્ડ સાથે !!! ? રંજન બેહેન કઈ જવાબ આપે એ પહેલા એક ફોન આવ્યો અને તે વાત કરવામાં વ્યસ્ત થઇ ગયા . દસ મિનિટ પછી રંજન બહેનની વાત પુરી થઇ અને સાથે જ આશિત ઘરમાં દાખલ થયો અને હું દંગ થઇ ગઈ તેને જોઈને. તેનો ચહેરો નિસ્તેજ દેખાતો હતો, થોડો ઘણો થાકેલો પણ હતો, કપડાં પણ થોડા અસ્તવ્યસ્ત . તેને મેં આવો ક્યારેય જોયો નહોતો. હંમેશા ખુશ રહેતો, લોકોને મદદ કરતો છોકરો મને જોઈને દીદી કહીને ભેટી પડતો છોકરો આમ સાવ લેવાય ગયો હોય તેમ લાગ્યું. મેં માંડ માંડ મારુ આષ્ચર્ય ખાળ્યું અને પ્રશ્ન કર્યો કેમ ચાલે તારી કોલેજ ? તું તો બહુ જ વ્યસ્ત થઇ ગયો છે ગર્લફ્રેન્ડ્સમાં તે ચૂપ જ રહ્યો હું આગળ વધી કેમ કોઈ સાથે સાથે ઝગડો થયો છે કે આજે ? તે ફક્ત એટલું જ બોલ્યો, “ દીદી મને કોલેજમાં નથી ગમતું.” મને ખુબ જ અચરજ થયું. આશિત આગળ વધ્યો , “ બધું ઇંગ્લીશમાં જ ભણવાનું મને નથી ફાવતું. “ ઓહ્હ એમાં શું ધીરે ધીરે ફાવી જશે મેં તેને દિલાસો આપ્યો તેના તરફથી કઈ ઉત્તર ના મળ્યો અને તે ઉઠીને જતો રહ્યો. હવે મેં રંજન બહેન સાથે વાત ચાલુ કરી, આશિત હોશિયાર છોકરો છે એટલે ચિંતા ના કરો, ઇંગ્લિશ ભાષા પર પ્રભુત્વ મેળવી લેશે આમાં ચિંતા કરવા જેવું કઈ નથી તેમણે તેમની આદત મુજબ મને ઠાલું સ્મિત આપ્યું. મારે ઓફિસ જવાનું હતું માટે વધુ બેસી ના શકી. મારા દિમાગમાં આશિતની ગુણ પત્રિકા તરી આવી. તેને અંગ્રેજી ભાષામાં ૪૫ ગુણ જ મળ્યા હતા …… મેં મનને મનાવ્યું હશે ભાઈ એમાં નવું શું છે આશિત કઈ એકલો છોકરો થોડો જ છે જે અચાનકથી અંગ્રેજી ભાષાથી ડરી ગયો ધીરે ધીરે શીખી જશે બાકી દિમાગથી તો તેજ છે જ . થોડા વખત પછી હું ફરી આશિતને મળવા તેના ઘરે ગઈ. આ વખતે તો તેની માટે મેં બે કલાક ફાળવ્યા હતા. ઓફિસ જવાની ઉતાવળ ના હતી હું તેની બાજુમાં બેસી અને માંડીને વાત કરી, “ બોલ જોવ કેવી ચાલે છે તારી કોલેજ લાઈફ?” તે નીચું જોઈ ગયો, “ મને ભણવામાં જરાયે મજા નથી આવતી, સમજ જ નથી પડતી.” મેં તેને પાનો ચડાવ્યો, “ લે ભાઈ ,કોમર્સ કઈ એટલો કઠણ વિષય નથી કે તને ખબર ના પડે!!!! ઇકોનોમિક્સ, ઓર્ગનાઈસેશન ઓફ કોમર્સ, સેક્રેટેરીઅલ પ્રેકટીસ, એકાઉન્ટ્સ જેવા વિષયોની સમજ આપી તે કુતુહલથી સાંભળી રહ્યો. તે તરત ઉભો થયો તેના પુસ્તકો લઇ આવ્યો; “ દીદી આ બુકનો એક ચેપટર સમજાવોને.” મેં તેની ઉત્સુકતા બરાબર નોંધી અને એક ચેપટર સમજાવ્યો તે ઘણો જ ખુશ થયો, “ દીદી મને કોલેજમાં બધું ઇંગ્લિશ હોય તેમાં મુંજારો થાય છે એક તો સમજુ નહિ તેમાં સર અને મેડમ ઇંગ્લીશમાં ફડફડાટી કરે મારે તો એક વાક્ય બોલવામાંયે વાંધા પડી જાય છે હું સમજુ ય નહિ તેમાં તો મજા કેમ આવે ? મારી આજુ બાજુ બેસેલા કેટલાકનો આ વાંધો છે પણ એ લોકોને લેક્ચરમાં બેસવું હોય તો બેસે નહિ તો બંક કરી નાખે હું સુન મુન બેસી રહું .” અચાનક તેની આંખો ચમકી પણ મને એકાઉન્ટ્સ બહુ ગમે છે જુઓ કરતાં મને લેંજર્સવાળી બુક દેખાડી ઘણા પ્રોબ્લેમ્સ સોલ્વ કર્યા હતા હું સમજી ગઈ કે લોજીક લગાડીને આશિત પ્રોબ્લમ સોલ્વ કરી શકે છે પણ જ્યાં ભાષાનો સવાલ આવે છે ને તે હારી જાય છે. મેં તેને એક એક વાક્ય શાંતિથી વાંચીને સમજવાની શિખામણ આપી અને તે પણ કહ્યું કે રોજે ઘરે આવીને બધું વારં વાર વાંચી જવું. હું થોડા થોડા દિવસે આશિતને ફોન કરીને તેના ખબર પૂછી લેતી.

પ્રથમ સત્રની પરીક્ષામાં આશિત નાપાસ થઇ ગયો!!!!! એકાઉન્ટ્સમાં ૭૫ ગુણ મળ્યા હતા અને બાકી બધામાં ૨૦ -૨૫ જેટલા . એક હોનહાર છોકરો જે દસમા ધોરણમાં ટોપ કરે એ નાપાસ થઇ જ કેમ શકે???? એક હોનહાર, હોશિયાર વિદ્યાર્થીનું ભવિષ્ય ફક્ત એક ભાષાને કારણે બરબાદ થઇ જાય તેનાથી ખરાબ શું હોઈ શકે ?? ફરી થોડો સમય કાઢીને હું આશિતનાં ઘરે ગઈ અને રંજન બહેન સાથે વાત કરી આશિતને થયું શું છે આવું પરિણામ આવે જ કઈ રીતે ? હોશિયાર છે એ એક ભાષા પર તો પ્રભુત્વ મેળવી જ શકે આ કઈ નવું નથી, શાળામાં પણ તો અંગ્રેજી હતું જ ને ? રંજન બહેન પણ મુરજાયેલા હતા તેઓ બોલ્યા, “વાત તો સાચી છે પણ આશિતને ફાવતું જ નથી, કોલેજમાં લોકો ઇંગ્લીશમાં વાતો કરે જયારે અહીં એક વાક્ય પણ બોલવામાં વાંધા હા આટલા વખતમાં તે હવે ઇંગ્લિશ થોડું ઘણું સમજી શકે છે પણ જ્યાં બોલવાનો વારો આવે તે નર્વસ થઇ જાય. ઘણું ખરું તો તે લોકોની સામે લઘુતાગ્રંથિથી પીડાઈને પાછો પડી જાય કે ના આ તો મને નથી આવડતું અને જો બોલીશ તો લોકો મારી ઠેકડી ઉડાડશે અને એમ વિચારીને લોકોમાં ભળતો પણ નહિ.

આશિતને શાળામાં અંગ્રેજી વિષયમાં દરેક ચેપટરનો ગુજરાતીમાં અનુવાદ કરી સમજાવતા. ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટે કેવી રીતે વાક્ય બનાવવા તે સમજાવવામાં આવતું. ના આવડતા શબ્દોનું એક લિસ્ટ બનતું અને ડીક્ષનરીની મદદથી ઉકેલ મળતો, જયારે કોલેજમાં દેખીતી રીતે જે એવું કઈ ના હતું. બધા જ વિષયો અંગ્રેજીમાં. હવે તદ્દન નવા વિષયો પાછી ભાષા પણ બદલાઈ ગઈ આશિત ભાષા શીખે કે વિષયનું જ્ઞાન મેળવે તેને ઘણો જ મૂંઝારો થતો.

આબોહવાને અનુરૂપ ના હોવા છતાંયે આપણે દેખાવા ખાતર ભારતીય પુરુષો સૂટ પહેરે છે એ તો જાણે તમાચો મારીને ગાલ લાલ રાખવા બરાબર છે આજકાલના યુવાનો જીન્સ પહેરે છે તે પણ આપનો પોશાક નથી હકીકતમાં તો યુરોપ જેવા ઠંડા પ્રદેશના ભરવાડો બે ત્રણ મહિના સુધી ઘનઘોર જન્ગલમાં ગાય બકરી ઘેંટા ચરવા જ્યાં જાય ત્યારે કાંટાળા થોર અને તેના જેવી વનસ્પતિથી બચવા માટે પહેરતા હોય છે. આવો આંધળું અનુકરણ કરવાનો શું મતલબ ?

ફરી આપણે આશિતની વાત પર આવીયે તો ભલે તે પહેલી પરીક્ષામાં નાપાસ થયો બીજી પરીક્ષામાં તે બાજી સંભાળી પણ લે પણ તે કઈ ફરી ૮૦ ટક્કા તો સ્વાભાવિક રીતે જ નહિ લાવી શકે કારણ કે અહીં તો ભાષા અગ્ર સ્થાને છે આવડત અને જ્ઞાન નહિ!!!! તો અહીં આશિતની આવડતનું શું ? તેના સપનાનું શું ? શું તેના પપ્પા પટ્ટાવાળાની નોકરી કરે છે તેમ તે પણ ઓછા ટક્કાને કારણે બીકોમ પછી એવી જ નોકરી કરશે ? ઓછા ટક્કાવારી સાથે તેને દેખીતી રીતે જ સારી નોકરી મળવામાં મુશ્કેલી આવશે વળી નોકરી માટે ઇન્ટરવ્યૂમાં પણ અંગ્રેજીમાં જ તો વાતચીત કરવાની રહેશે બિચારો આશિત કેમ કરીને સારી નોકરી મેળવશે ? અને આપણા ભારત દેશમાં આમ જ ધનવાન અને ગરીબ વચ્ચે ભેદરેખા બનતી રહેશે ?

માતૃભારતીના વાચકમિત્રો જે વ્યવસાય કરે છે અને લોકોને રોજગાર આપે છે તેમને મારી ખાસ વિનંતી કે ઇન્ટરવ્યૂમાં ફક્ત અંગ્રેજી ભાષાનું જ્ઞાન ના ચકાસતા તેમનામાં રહેલી આવડત પર જો ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને જ સારામાં સારો કામગાર મળશે. જો આવું બધે જ થાય તો યાદ રાખો અંગ્રેજી ભાષા આપણી પર પ્રભુત્વ જમાવી જ નહિ શકે. એક ખાસ વિનંતી કે મારો અંગ્રેજી ભાષા સામે વિરોધ નથી પણ દુઃખ એ વાતનું છે કે પરદેશી ભાષાને કારણે આપણે ઘણા આવડતવાળા યુવાનનું ભવિષ્ય બગાડી રહ્યા છીએ.

મારી જ વાત કરો તો હું મારુ અંગ્રેજી સારું છે પણ તેના કારણે હું કે જોબ જ કરી શકું છું પણ મારી માતૃભાષા ગુજરાતીને કારણે જ આજે મને માતૃભારતી પર લેખ લખવાનો મોકો મળે છે હું મારા વિચારો દેખીતી રીતે જ માતૃભાષામાં પ્રસ્તુત કરી શકું છુ અને તેને કારણે જ મને એક લેખક તરીકે પ્રસિદ્ધિ મળી છે દેશ વિદેશથી વાંચકો મને મારા નામથી ઓળખે છે. જો માતૃભારતી ફક્ત અંગ્રેજી લેખ જ સ્વીકારતા હોય તો હું આ લેખ લખવા સમર્થ હોત જ નહિ !!!

જનગણમન ગાઈને જેટલું સન્માન આપણે ભારતને આપીયે છીએ તેટલું જ માતૃભાષા બોલીને પણ આપી શકાય છે !!!

***