Strio Ne Kyan Sudhi Radavsho? in Gujarati Women Focused by Bhupendrasinh Raol books and stories PDF | સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?

Featured Books
Categories
Share

સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?

સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail - brsinh@live.com

+1 732 406 6937

Scranton, PA, USA.



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

૨. સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?

એક બહુ મોટા જાણીતા લેખકનું કહેવું છે કે ધાર્મિક કથાઓ ખાસ તો રામાયણ સ્ત્રીઓ માટે આંસુ ઉપચાર કથાઓ છે. સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો? ક્યાં સુધી મૂર્ખી બનાવતા રહેશો? આજ તો ચાલાકી છે, પુરૂષ પ્રધાન સમાજની. સ્ત્રીઓના સબ કોન્શિયસ બ્રેનમાં નાનપણથી જ ભરવી દેવાનું, કે અમે તમને ગમે તેટલું હેરાન કરીએ તમારે અમને જ પ્રેમ કરવાનો. અમે તમને તમારો વાંક ના હોય છતાં , વનમાં મોકલીએ ભલે તમારા પેટમાં અમારા બાળકો હોય, પાડોશીના કહેવાથી અમે તમારા પર શંકા કરીએ ને ઘરમાંથી કાઢી મૂકીએ, અથવા ગુસ્સો આવે તો બાળી પણ મૂકીએ, અમે તમને પૈસા ખૂટે તો જુગારમાં પણ મૂકી દઈએ, છતાં તમારે અમને જ પ્રેમ કરવાનો કેમ સીતાજી કરતા હતા તો તમારૂં શું જાય છે? પાછાં લેખક શ્રી જાણે હજારો સ્ત્રીઓને પૂછીને આવ્યા હોય તેમ લખે છે કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર(પીડાવું) થવું છે, કે પિયર વાસ કે વન વાસ ભોગવવો છે, સ્ત્રીઓ સીતાજીની કથાની રાહ જુએ છે . બાવાઓ ને કથાકારોએ બ્રેન વૉશ કરવાનું ભારતમાં ચાલુ જ રાખેલું છે. હવે તેમાં આ પણ ઉમેરાયા. સ્ત્રીઓના સરળ હ્ય્દયનો ક્યાં સુધી લાભ લેશો? સીતાજીએ આપણા રામજી ને માફ નથી કર્યાં. એટલે તો લવકુશ સાથે યુદ્ધ કર્યાં પછી ઓળખાણ પડયા પછી સીતાજી પાછાં અયોધ્યા નથી ગયા. અને એમ કોઈના કહેવાથી ધરતી ફાટી પણ નથી જતી. હજારો, સેંકડો વરસ ધરતીમાં એનર્જી ભેગી થાય પછી ધરતીકંપ થાય, અને એમાં ભાગ્યેજ ફાટે. સીતાજી ધરતીમાં સમાય ગયા એવી સ્ત્રીઓને ભરમાવવાની વાતો બંધ કરવી જોઈએ. એવા રૂપાળા શબ્દો વાપરવાનું બંધ કરવું જોઈએ, આ બધા રૂપાળા શબ્દો છે, આત્મહત્યાથી કે ભૂગર્ભમાં ઊંતરી ગયા વિશેષ કશું નથી. ટીવી સીરીયલ મેકરો ને કથાકારો પાછાં આખી વાર્તા ને સુંદર રીતે મરોડી નાખે કે એ તો સીતાજી પતિનું ખરાબ ના દેખાય માટે જાતે વન માં ગયેલા, અથવા સીતાજીનો પડછાયો હતો વગેરે વગેરે.

કથાકારો રડીને ઈમોશનલ બ્લેકમેલ કરે છે. હું નાનો હતો ત્યારે કોઈની કથા હતી, કથા કરતા કરતા કથાકાર રડવા લાગ્યા, આમેય રડવા માટે જાણીતા જ હતા. બાલકૃષ્ણની વાતો આવે એટલે લાલો..લાલો કરીને કાયમ રડતા..મને થયું આ માણસ આવા ઘેલા કેમ કાઢતો હશે? કૃષ્ણને થયે ૫૦૦૦ વરસ થયા. હમણાં કોઈ બગીચામાં ઊંભો ઊંભો કોઈ માણસ એના માની લીધેલાં મિત્ર જોડે વાતો કરે, ઘેલા કાઢે તો આપણે એને સ્કીજોફ્રેનીક કહીશું. હમણાં મેં ઓપ્રાહના શો માં આવી એક નાની બાળકી ને જોઈ એ એના માની લીધેલાં રેટ, કેટ અને બીજી એક ફ્રેન્ડની સાથે આખો દિવસ રમતી હોય છે અને વાતો કરતી હોય છે. વાસ્તવમાં એની જોડે કોઈ જ હોતું નથી. કાલ્પનિક મિત્રો હોય છે. હવે થાય છે કે આ બધું ઈમોશનલ બ્લેકમેલ જ છે. જોયું બાપુ જેવા મહાત્મા કેવાં રડી પડયા કેટલા સરળ હ્ય્દયના છે. એમાંય સ્ત્રીઓને ભોળવવી સહેલું છે. એટલેજ સ્ત્રીઓ કથામાં વધારે હોય છે. વધારે પડતી સરળતા મૂર્ખામી છે. ભવિષ્ય અજ્જ્ઞાત હોય છે, એનો ડર ફોબિયા દરેકના મનમાં હોય એનો આ બાવાઓ ભરપૂર ફાયદો ઉઠાવે છે.

ચમત્કારથી વગર મહેનતે કશું મળી જતું હોય તો કોને ના ગમે? એટલે જ તો હિમાલય થી આવેલા બાપુઓ સુપર બાપુ બની જાય. રોગો માટે કંઠી, બદલી માટે કંઠી, સંતાનો માટે કંઠી, આ બધી મૂર્ખામી છે. એમાં ગર્વ લેવા જેવું શું છે. ગોંડલ કૉલેજની કન્યા ચાલુ લેકચરે બાપુએ આપેલી માળા સંતાડી રામ રામ કરે છે, લેખક કહે છે તમે એના પર કટાક્ષ ના કરી શકો બોલો આ સવાયા બાપુ ને શું કહેવું? એ મૂર્ખી છે, એનું બ્રેન કોઈ બાપુએ વૉશ કરી નાખ્યું છે કે ભજન કરતા ભણતર નીચું છે. ભજનની જીત થાય છે ભણતર ઉપર. એક જાણીતા કથાકાર બાપુનો ટીવીમાં શો જોયો, હોસ્ટ પૂછે કે બાપુ તમે ભજનના ચક્કરમાં ભણતર બગાડયું, બાપુ ગર્વ થી કહે નાં એમ નહિ ભજનની જીત થઈ ભણતરની હાર થઈ. મૂર્ખ શ્રીોતાઓ તાળીઓ પાડવા લાગ્યા. બોલો હવે આવા મહાત્મા ઓ જ જ્યારે આવો સંદેશો આપે તો ભણશે કોણ? પછી પેલી કૉલેજ કન્યા ચાલુ લેકચરે માળા જ ફેરવેને? જે બાપુઓ વધારે લોકોને ગમે છે એ લોકો વધારે ચાલક છે, એ લોકો માસ સાયકોલોજી જાણે છે, પોતે રડે છે, બીજાને રડાવે છે અને ભોળા લોકોના દિલ જીતી લે છે. ધાર્મિક કથાઓ આંસુ ઉપચાર કે બ્રેન વોશિંગ?

ચીનના મહાન ગુરૂ લાઓત્સે એવું કહી ગયા હતા કે આ જગત સ્ત્રૈણ રહસ્ય છે. એટલે ભગવાનની કલ્પના કરીએ તો પુરૂષ ભગવાન કરતા સ્ત્રી ભગવાન હોય એ વધારે વ્યાજબી છે. એટલે આપણે ભગવાન કે ઈશ્વર તરીકે માં અંબા કે દુર્ગા કે ઉમિયા ને પૂજીએ તે વધારે યોગ્ય છે, શિવ, વિષ્ણુ કે રામ કરતા. એટલે સ્ત્રીનું સન્માન કરવું જોઈએ. પણ અહીતો શ્રી કૃષ્ણ સિવાય કોઈએ સ્ત્રીનું સન્માન કર્યું જ નથી. શ્રી રામે સીતાજીને પ્રેમ કર્યો હશે પણ સન્માન? શ્રી કૃષ્ણે કુબડી એવી ત્રિવક્રાને પણ પ્રેમ કરેલો. ૧૬૦૦૦ રાણીઓ શું હતી? એ બધી કોઈ અસુરે કેદ કરેલા રાજાઓની પત્નીઓ હતી. તે અસુર મરાયા પછી છુટેલા એજ રાજાઓ એમની પત્નીઓ ને સ્વીકારવા તૈયાર ન હતા, કેમ કે એ બધી કેદી હતી. એટલે શુદ્ધ રહી શકી હોય એ શંકાસ્પદ હતું. શ્રી કૃષ્ણે પોતે સ્વીકારીને રાણીઓનો દરજ્જો આપી ને સ્ત્રીઓનું સન્માન કર્યું હતું. ભલે સાક્ષરો રામાયણ ને પ્રેમનું મહાકાવ્ય કહે, પ્રેમનું મહાકાવ્ય પાછળ થી શોક અને વિષાદ અને પસ્તાવાનું મહાકાવ્ય બન્યું છે. સ્ત્રીઓને ફક્ત વસ્તુ જ સમજવામાં આવે છે. એક બાજુ આપણે સ્ત્રીને માં અંબા કહીએ તો છીએ પણ વહેવારમાં વસ્તુ કરતા વધારે દરજ્જો આપતા જ નથી.

એક પોલીસવડા એક નાની છોકરી ની છેડતી કરે છે. એમના ઉપર ફરિયાદ કરવાની હિંમત કરવામાં આવે છે. પછીની સ્ટોરી બધા મીડિયા દ્વારા જાણે છે. રૂચિકા ૧૯ વરસ પહેલા આત્મહત્યા કરે છે. અને હવે આજે મીડિયા વાળા બાહોશી બતાવે છે કે આમારા લીધે રૂચિકાને ન્યાય મળશે.. કોઈ નાના માણસને પણ સજા તો ગુનાસર થવી જ જોઈએ. પણ મોટા માણસો ને ખાસ સજા થવી જોઈએ જેથી બીજા લોકો એમની મોટાઈ નો દુર ઉપયોગ ના કરે. પણ આપણે ત્યાં ઉલટું છે. નાના લોકો ને કોઈ છોડે નહિ અને મોટા લોકો ને કશું થાય નહિ. આ આપણા લોહીમાં વણાઈ ગયેલું સત્ય છે. પુરાણ કાલથી ચાલ્યું આવ્યું છે.

ભીષ્મ પિતામહ આવી રીતે પોતાના માટે નહિ પણ એમના ભાઈઓ વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ માટે કાશીના રાજાને હરાવી તેમની ત્રણ છોકરીઓ અંબા, અંબિકા,અને અંબાલિકા ને ઉઠાવી લાવેલા. હવે અંબાને રાજા સાલ્વ સાથે પ્રેમ હતો. ભીષ્મ ને એણે સાચી વાત કહી દીધી, ભીષ્મે એને છોડી દીધી. પણ પર પુરૂષ સાથે રહેલી એટલે સાલ્વે ના પડી દીધી લગ્ન માટે. ફરી પાછી એજ વાર્તા દોહારવામાં આવી. પર પુરૂષ સાથે રહેવાની, ભારતીય માનસિકતા ક્યાંથી સહન કરે? અંબા પાછી આવી ભીષ્મ પાસે. હવે આખી દુનિયાને ખબર હતી કે ભીષ્મ પ્રતિજ્જ્ઞાથી બંધાએલા બ્રહ્‌મચારી છે, છતાં સાલ્વે ના પડી દીધી. ભીષ્મે ના પાડી કે હું તો લગ્ન ના કરી શકું. એ ગઈ પરશુરામ પાસે, ભીષ્મ ને આર્ચરી શીખવનાર એ હતા. બંને વચ્હે લડાઈ થઈ પણ કોઈ પરિણામ ના આવ્યું. એ છોકરીનો આત્મા ઘવાયો. એણે પણ રૂચિકાની જેમ અગ્નિમાં પડી આત્મહત્યા કરેલી, ને સમગ્ર કૌરવ ખાનદાનનો નાશ થાય એવો શ્રીાપ આપેલો. પણ આ લોકોને આપણે પૂજીએ છીએ.

શ્રી રામે લશ્કરી મદદ મળે તે માટે તાડના ઝાડ પાછળ છુપાઈને વાલી ને મારી એની પત્ની સુગ્રીવને સોપી દીધી.પેલી બિચારી જાય ક્યાં? છોકરો અંગદ નાનો હતો ને બળવાન કાકા સામે શું બોલે? એ જમાનામાં શું આજે હમણાં સુધી રીવાજ હતો કે મોટો ભાઈ હોય તે રાજગાદીનો રાજા બને ને નાનો ભાઈ બાજુ પર ખસી જાય. એ ન્યાયે વાલી મોટો ભાઈ હતો તો રાજગાદી પર બેઠો.વાલી ખુબ બળવાન હતો, રાવણ ને પણ એકવાર અંગદના ઘોડિયે બાંધી દીધેલો એવી વાર્તા છે. સુગ્રીવને મોટા ભાઈની ગાદી જોઈતી હતી, રામને લશ્કરી સહાય જોઈતી હતી. વાલીનો શું વાંક હતો હજુ સમજાતું નથી. વાલીની પત્ની મેળવ્યા પછી સુગ્રીવ તો રંગરાગમાં ડૂબી ગયો ને રામ ને આપેલું મદદનું વચન ભૂલી ગયો ત્યારે લક્ષ્મણ ગુસ્સે થાય છે, એવી વાર્તા પણ છે. અંગદની નારાજગી વર્ણવતા શ્લોકો વાલ્મીકી રામાયણમાં છે. આપણા કથાકારો એમની કથામાં આવું બધું નહિ કહે. હવે ઘણા તો કહે છે કે રામે વાલીને માર્યો જ નથી. વાલ્મીકીને તુલસી ખોટા, એજ સાચા. એવું પણ કહેવાય છે કે વાલીની પત્ની પહેલા સુગ્રીવની પત્ની હતી, જે હોય તે બે ભાઈઓની લડાઈમાં શોષણ તો એક સ્ત્રીનું જ થયું હતું.

હવે તમે કહો કે આજ સુધી કેટલી રૂચીકાઓ મોટા લોકોને હાથે રોળાઈ હશે? મારૂં કહેવું છે કે છેક રામાયણથી આજ સુધી, સુગ્રીવ અને ભીષ્મ હાથે, અને આજના પોલીસવડાને હાથે આજ સુધીમાં હજ્જારો રૂચીકાઓ રોળાઈ ચુકી છે. પ્રજાના મનોવિજ્જ્ઞાનમાં આ બધું ખરાબ છે એવું ઘુસેલું જ નથી. રોજ રામાયણ અને મહાભારતના આવા પાત્રોની ભક્તિ રોજ થતી હોય તો કોણ રૂચિકાને ધ્યાન માં લે? આ ખોટું થયું છે એવું લોકોને લાગે તો ને? આજ વકીલો, પોલીસવાળા, ન્યાયાધીશો અને ખુદ મીડિયા વાળા પણ આજ કથાઓ રોજ સાભળે છે. એ કોઈ પરગ્રહમાં તો રહેતા નથી. આ લોકો ભારતની પવિત્ર ભૂમિમા જ રહે છે ને? એટલે આ લોકોના મનોવિજ્જ્ઞાન જુદા થોડા હોય? એટલે જ તો ૧૯ વર્ષ વીતી ગયા ને મીડિયાને પણ ૧૯ વરસ સુધી યાદ ના આવ્યું અને એકદમ કેમ પ્રેમ ઉભરાઈ ગયો? મીડિયા ૧૯ વરસ સુધી શું કરતુ હતું? જો મીડિયાએ શરૂ થી રૂચિકાને સાથ આપ્યો હોત તો એને બિચારીને આપઘાત ના કરવો પડયો હોત. જે મીડિયા અત્યારે ન્યાય અપાવ્યાના બણગા ફૂંકે છે એ જ મીડિયા ૧૯ વરસ પહેલા એને સાથ આપી બચાવી શક્યું હોત. પણ એ સમયે રાઠોડ ઊંંચા હોદ્દા પર હતા. આખા રાજ્યના પોલીસ વડા બન્યા હતા. રાષ્ટ્રપતિચંદ્રક પણ મળેલો. જેના માથે કેસ ચાલતો હોય એને રાષ્ટ્રપતિચંદ્રક? હવે રાઠોડ બળવાન નથી રહ્યા, એટલે મીડિયા ચડી બેઠું. એ સમયે મીડિયા પણ બીતું હશે રાઠોડ સામે બોલતા. મીડિયા પણ બળવાન લોકોને જ સાથ અપાતું હોય છે ને? રૂચિકાના મોત માટે જવાબદાર જે હોય તેને સજા થવી જ જોઈએ. પણ એની આત્મહત્યાનું પાપ મીડિયાને પણ લાગશે જ. ભલે અત્યારે ન્યાય અપાવ્યાનું પુણ્‌ય કમાતું.

એક બાળક જન્મે છે, ત્યારે એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે. એ જુએ છે, સાભળે છે, ચાટે છે, સ્પર્શ કરેછે, નકલ કરે છે અને ધીરે ધીરે એની હાર્ડ ડિસ્ક ભરાય છે, માહિતી બ્રેનમાં ભેગી થાય છે અને એ રીતે એનું ઘડતર થાય છે. એવી રીતે એક સમાજનું ઘડતર થાય છે, મોટા મહામાનવોના અચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદેશો, ઉપદેશો થકી. અચેતન રૂપે બાળક જેમ વડીલો પાસેથી બધું શીખે છે તેમ સમાજના લોકોના અચેતન મનમાં મહાપુરૂષોની અસર હોય છે. બધી મનોવૈજ્જ્ઞાનિક બાબતો છે.

એક હંમેશનો સળગતો સવાલ છે ભારતમાં સ્ત્રીઓની અગ્નિપરિક્ષા લેવાતી ક્યારે બધ થશે? આપણાં પુરૂષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને એક વસ્તુ સમજવાથી વિશેષ કશું નથી. દ્રૌપદીને એક વસ્તુની જેમ બધા ભાઈઓએ વહેચી ને ભોગવી, શું માતાશ્રી ને એવું ના કહી શકાય કે આ વસ્તુ નથી એક સ્ત્રી છે? શું માતુશ્રી એટલા નાદાન હતા કે નારાજ થઈ જાય? કે પછી માતુશ્રીએ પોતે જુદા જુદા પુરૂષો થકી પુત્રો પ્રાપ્ત કરેલા એટલે એમાં કશું અયોગ્ય નહિ લાગ્યું હોય? કે પછી રીવાજ હશે? પણ સ્ત્રીને વસ્તુ થી મોટો દરરજો નહોતો. એટલે જુગારમાં બધું ખૂટ્‌યું તો વસ્તુની જગ્યાએ પોતાની પત્નીને મૂકી શક્યાં. એક કૃષ્ણ સિવાય આખા પૌરાણિક કાલમાં કોઈએ સ્ત્રીઓનું સન્માન કર્યું નથી. રામે પણ નહિ.

પોતાના એરિયામાં એક અસહાય, શારીરિક રીતે પોતાનાથી ઓછી શક્તિ ધરાવનાર સ્ત્રી ઉપર બળાત્કાર ના કરીને ફક્ત સમજાવટથી પોતાને તાબે કરવાના પ્રયત્નો કરનાર રાવણ આજકાલના ગેંગ રેપ કરનારા લોકો કરતા સારો હતો. પ્રિય પત્નીની અગ્નિપરિક્ષા લેવાય ગઈ હોવા છતાં ધોબી ભાઈના ટોણા થી તેને ઠપકો, કે સજા કરી સમાજમાં એક સારો સ્ત્રી સનમાનનો દાખલો બેસાડવાનો ચાન્સ ગુમાવી, તેના પેટમાં ટ્‌વીન્સ અને વાલ્મીકિને કદાચ ગાયનેક સુવાવડ શાસ્ત્રનું જ્જ્ઞાન ના હોય તેના ભરોસે જંગલમાં છોડી, ભારત વર્ષની ભવિષ્યમાં જન્મ લેનારી તમામ સ્ત્રીઓને સદાય લેવાતી અગ્નિપરિક્ષાઓમા હોમી દેનાર મહાપુરૂષ રામની કથાઓ હજારો વરસો થી ભારતની પ્રજાના બ્રેન પર હથોડાની જેમ ઠોકાતી હોય અને એને વ્યાજબી ઠરાવવાના પ્રયત્નોમાં રોજ નવા બહાના શોધતા હોય, કે સીતાજી તો પતિનું ખરાબ ના દેખાય એટલે જાતે ગયેલા, એમનો પડછાયો હતો, આવી બાપુઓ અને ફિલ્મકારોની વ્યર્થ વાતો સમાજમાં ચાલતી હોય ત્યાં સ્ત્રીઓની અવદશા થવાનીજ.

લેટેસ્ટ સમાચારોમાં સ્ત્રીને શંકા થી જલાવી દીધાના, બળાત્કારોના, ગેંગ રેપના સમાચાર થી છાપાઓ ભરેલા હોય છે. રોજ નવા ફૂટી નીકળતા બાપુઓ, રોજ નવા રામાયણો, કોઈ કહે પ્રેમનું મહાકાવ્ય, અરે આ તો શોકનું મહાકાવ્ય બની ગયું છે. ધરતીમાં સમાય જવું , સરયુંમાં જળ સમાધિ આ બધા ફક્ત અને ફક્ત રૂપાળા શબ્દો જ છે આત્મહત્યા થી વિશેષ કશું નથી. નવા પરિક્ષેપ્માં કથાઓ કહેવાનો વખત છે, કે આ બધી ભૂલો છે અને ફરી સમાજ દોહરાવે નહિ. ઈતિહાસના આ વર્સ્ટ દાખલાઓ છે. એને બેસ્ટ મનાવવાનું બંધ કરો. બાપુઓ, ગુરૂઓ, અને મહારાજ્શ્રીઓ થી સમાજ ચેતે, એમની વ્યર્થ, અવૈજ્જ્ઞાનિક, વહેમોથી ભરેલી ખોટી દંભી વાતો ના માને એવું થાય, અને આ બધી કથાઓ સમાજના લોકોના બ્રેન પર હથોડા મારવાનું બંધ નહિ કરે ત્યાં સુધી સ્ત્રીઓની અગ્નિપરિક્ષા લેવાનું બધ નહિ થાય.

સીતા હોય, દ્રૌપદી હોય, આજની આધુનિક રૂચિકા હોય, કે દિલ્હીની નિર્ભયા હોય, જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવો રમતા હોય છે તેવું કહેનારા દેશમાં કાયમ નારીઓને જ શોષાવાનું હોય છે, રડવાનું હોય છે. સંતો પધારે તો નારીઓને સંતાઈ જવું પડતું હોય છે. જાણે નારી દેહ ધારણ કર્યો કે મહા પાપ થઈ ગયું. વિકાર એમના મનમાં જાગે નહિ માટે નારીઓએ સંતાઈ જવું પડે. છે ને હસવા જેવી વાત? વાંક એમના વિકારી મનનો અને સંતાઈ જવાની સજા ભોગવવી પડે નારીઓને.

એટલે હું કહું છું કે સ્ત્રીઓને ક્યા સુધી રડાવશો?