Swikar in Gujarati Short Stories by Narayan Trivedi books and stories PDF | સ્વીકાર

Featured Books
Categories
Share

સ્વીકાર

સ્વીકાર

હું મોહન. જાતનો કાપડી. અમારો વરસો જુનો ધંધો કાપડની ફેરી લગાવવાનો અને મહેનત મજુરી કરી જીવન વિતાવવાનો. બસ દિવસ ભર કાપડની ફેરી લગાવવાની અને જે બસો પાંચસો મળે તેના પર ગુજરાન ચલાવવાનું. પણ હવે આધુનિક જમાનામાં એ કામ બહુ મુશ્કેલ થઈ ગયું છે. શહેરોની મોટાભાગની સોસાયટીઓમાં ફેરિયાઓના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. હું નથી કહેતો કે એ લોકોએ કંઈ ખોટું કર્યું છે કેમકે મને ખબર છે કે ચોંર અને અમુક જુઠ્ઠા માણસો ફેરીયા બની ઘરોમાં જઇ હાથ સાફ કરી જતા હોય છે. આવા કિસ્સા અવાર નવાર બનતા હોય છે. હવે કોણ સાચું અને કોણ ખોટું એ કંઈ ચહેરો જોઇને તો ખબર પડતી નથી??

લોકો કંઈ ચહેરો જોઇને તો જાણી શકતા નથી કે આવનાર ફેરિયો સાચે જ ફેરી કરી આજીવિકા મેળવનાર છે કે કેમ? એટલે લોકોએ સરળ રસ્તો અપનાવ્યો છે સોસાયટીની બહાર મોટા મોટા બોર્ડ અને સૂચનાઓ લગાવી દેવામાં આવ્યા છે કે સોસાયટીમાં ફેરીયાઓને આવવા પર પ્રતિબંધ છે.

મને ખબર છે હજુ હું તો ગામડાઓ અને અમુક શહેરી વિસ્તારો જ્યાં ફેરિયાઓ પર પ્રતિબંધ નથી લાગેલો ત્યાં ફેરી લગાવી રોજી રોટી મેળવી લઉં છું પણ નીકુલ હવે એ બધું નહિ કરી શકે. નીકુલ મારો એકનો એક દીકરો છે એની દેખભાળમાં મેં મારી બધી કમાણી ખર્ચી હતી.. એ વરસે તો નીકુલ દસમાં ધોરણમાં હતો એટલે એની શાળાની ફીઓ, એના માટે ગાઈડો અને બબ્બે ટ્યુશન એ બધાના ખર્ચમાં મારી કમર તૂટી ગઈ હતી પણ મને એ ખર્ચનો વાંધો ન હતો કેમકે હું એને ભણાવી ગણાવી કોઈ મોટી નોકરી પર લગાવવા માંગતો હતો.

એ દિવસે પણ હું કાપડની ફેરી પર ગયેલ હતો. લગભગ બપોરના સમયે જાનકીનો ફોન આવ્યો.

“આપણો નીકુલ બે વિષયમાં નાપાસ થયો છે.” બસ મને એના એ બે શબ્દો સંભળાયા એટલે મેં ફોન કાપી નાખ્યો.

મેં ફોન તરફ નજર કરી નોકિઆ આઠસોનું એ મોડલ જાણે ત્રણ વર્ષથી મારા ખિસ્સામાં મને ખરાબ સમાચાર આપવા માટે જ હતું કે કેમ???

મને થયું હું ઘરે હાજર નથી રહી શકતો એટલે આ થયું?? પણ ના, ના, એમ તો ન હતું એની મા તો હોય છે ને??? બિચારી જાનકી ભણેલી તો ન હતી એટલે એને કંઈ શીખવી તો ન હતી શકતી પણ તોય એનાથી થાય એટલી મહેનત કરતી હતી. રોજ એને સવારે પાંચ વાગે જગાડવો. એના માટે વહેલા ઉઠી ચા બનાવવી, જાનકી માનતી કે છોકરું ચા પણ પીધા વિના ભણવા બેસે તો શું યાદ રહે??? અડધું તો ઊંઘમાં હોય...!!

હું તો ક્યારેય ઘરે હોતો જ નહિ બિચારી જાનકીએ એને એકલા હાથે ઉછેર્યો હતો એમ કહું તો પણ ચાલે. મેં જોયા એનાથી પણ વધુ સપના એ નીકુલને લઈને જોતી હતી પણ આટલા મોઘા ટ્યુશન, આટલી મહેનત અને આટલા ખર્ચા બાદ પણ એણે શું પરિણામ લાવ્યું??? બે વિષયમા નાપાસ થયો...!!

મારું મગજ ગુસ્સાથી ફાટવા લાગ્યું. ભાઈ સાહેબે રખડીને જલસા જ કર્યા લાગે છે. એને હવે હું સીધો દોર કરી નાખીશ. ચાર દિવસ ઘરની બહાર જ કરી દેવો છે એટલે એને ભાન થાય કે જીવન જીવવા શું નથી જોઈતું???

હું ઉદ્રિગ મને ઘર તરફ પાછો ફરવા લાગ્યો.

લગભગ હું ઘરથી દસેક કિલોમીટર દુરના વિસ્તારમાં ફેરી પર ગયેલ હતો એટલે ઘર સુધી જતા મને એકાદ કલાક તો લાગે તેમ હતો જ. એમાય અધૂરામાં પૂરું આકાશમાં કાળા ડીબાંગ વાદળો ન જાણે ક્યાંથી છવાઈ ગયા. આમતો સવારથી જ વાતાવરણ વરસાદ આવે તેવું હતું એટલે મેં બધી તૈયારી રાખેલી જ હતી.

અમે નાના માણસો જીવનમાં બહુ સાવચેતી રાખતા હોઈએ છીએ!! કેમકે બેધ્યાન રહેવું અમને પોસાય જ નહિ ને...!!

મેં મારી કપડાની ગાંસડીને સાથે લાવેલ તાડપત્રીના ટુકડામાં બાંધી લીધી. ખિસ્સામાંથી એક પ્લાસ્ટીકનું ઝભલું કાથી એમાં ફોન પેક કરી ફરી ખિસ્સામાં સરકાવી દીધો. બસ હું એ તૈયારી કરું એટલી વાર પુરતો જ વરસાદ મારા પર મહેરબાન થઈને રાહ જોઈ રહ્યો હોય એમ તૂટી પડ્યો.

મેં આસપાસ નજર દોડાવી, એ વરસાદથી બચવા લાયક સ્થળ શોધવા લાગ્યો. મારી નજર દુર દેખાતા એક મંદિર પર પડી. હું એ તરફ ચાલવા લાગ્યો.

હું મંદિર પહોચ્યો, મારી નજર મંદિરની પાવડીઓ પર બેઠેલ કીર્તિલાલ પર પડી એ પણ અમારી નાતનો કાપડી જ હતો અને મારી જેમ કાપડની ફેરી કરી પોતાનું જીવન ગુજારતો હતો.

કદાચ એય મારી જેમ ફેરી પર નીકળ્યો હશે અને એકાએક વરસાદ શરુ થઈ ગયો એટલે આવી અહી મંદિરમાં સહારો શોધ્યો હશે એવું મને લાગ્યું.

પણ એ બહાર પગથીયા પર બેસી વરસાદમાં ભીંજાઈ કેમ રહ્યો હતો??? જો એ વરસાદથી બચવા મંદિરમાં આવ્યો હોય તો એ પરસાળમાં બેસે જેથી વરસાદથી બચી શકાય.....

જો એ કાપડની ફેરી પર નીકળ્યો હોય તો એના પાસે કોઈ ગાંસડી કેમ ન હતી??? શું હશે??? એ કેમ ત્યાં આમ એકલો બેઠો હતો?? એ કેમ ભીંજાઈ રહ્યો હતો એ જાણવા હું એની તરફ ગયો.

હું એની પાસે જઈ ઉભો રહ્યો. એના શરીર પર એકદમ ખુલ્લું શર્ટ પહેરેલ હતું પણ વરસાદમાં પલળીને એ તેના શરીર સાથે ચોંટી ગયેલ હતું એટલે એનું શરીર એના આરપાર એકદમ ચોખ્ખું દેખાતું હતું. મને એના ભીંજાયેલ સફેદ શર્ટમાંથી એની પાંસળીઓ એકદમ ચોખ્ખી દેખાઈ રહી હતી.

શું થયું હતું??? કીર્તિ તો મારાથીયે મજબુત માણસ હતો...

હું જેટલી ગાંસડી ઉપાડતો એનાથી બમણી કાપડની ગાંસડી તો એ કાયમ માથા પર લઈને ફરો હતો. આમ એકાએક શું થઈ ગયું કે એ સાવ સુકંઈ ગયો હતો? ગયા વર્ષે જ અમે રામગઢમાં ભેગા થયા હતા. ત્યારે તો ઘોડા જેવો હતો....!!

“કીર્તિ.” મેં એની તરફ જોઈ કહ્યું.

એણે મારી તરફ જોયું જ નહિ, જાણેકે એને મારો અવાજ સાંભળ્યો જ ન હોય. તેના હાથ તેના વાળેલા પગ ફરતે વીંટાળી તે એમ જ બેસી રહ્યો.

મને એકદમ આઘાત લાગ્યો એ મને કેમ સાંભળી રહ્યો ન હતો???

એકાએક મારું ધ્યાન એના પગ પર ગયું, એના પગ પર કઈક વાગેલું હતું અને એમાંથી વહી થોડું થોડું લોહી વરસાદના પાણીમાં ભળી રહ્યું હતું.

મેં મારા ગજવામાંથી રૂમાલ કાઢી મેં એના પગ પર બાંધવાનો પ્રયાસ કર્યો.

“હું જાતે બાંધી લઈશ મોહન.” એણે મને એમ કરતા રોક્યો, મારા હાથમાંથી રૂમાલ લેતા કહ્યું.

“આમ બહાર કેમ બેઠો છે કીર્તિ?”

“ખાલી આમ જ.”

“આમજ કોઈ આમ જખમી પગ લઈને પાણીમાં પલાળે ખરું?” કહી મેં એને હાથથી પકડી ઉભો કર્યો અને અંદર પરસાળમાં લાઈ ગયો.

“શું વાત છે કીર્તિ?” અમે પરસાળમાં પહોચ્યા કે તરત મેં એને પૂછ્યું.

મેં એના ગાલ પરથી પાણી વહી જતું જોયું મને ખાતરી હતી એ વરસાદનું પાણી ન હતું, એ આંસુઓ હતા. દુઃખમાં નીકળેલા આંસુઓ....!!

“બધું બરબાદ થઈ ગયું મોહન, બધું બરબાદ થઈ ગયું. મેં વર્ષોથી કરેલી મહેનત.. મારા સપનાઓ બધું બરબાદ થઈ ગયું.”

“પણ થયું શું છે?” મેં કહ્યું.

“મારી એક નાનકડી ભૂલને લીધે બધું બરબાદ થઈ ગયું. ગયા વરસે ચિરાગ દસમાં ધોરણની પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થયો એ સમયે મેં એને સમજવાને બદલે એને હૈયા ધારણા આપવાને બદલે ઘરથી બહાર કરી દીધો.. મેં એને એ સમયે જ સાથ ન આપ્યો જ્યારે એને મારી જરૂર હતી. એની મા મને સમજાવતી રહી કે આમ દીકરા સામે આટલું કડક ન થવાય પણ મેં એની એક ન સાંભળી.”

હું ચુપ ચાપ સાંભળતો રહ્યો. શું બોલવું મને કંઈ સમજાઈ ન હોતું રહ્યું.

“આપણે કાપડની ફેરી કરીએ છીએ કેમ? કેમ કે આપણે બીજા લોકો જેમ મોટા મિલ માલિકો નથી બની શક્યા.. પણ આપણે કોઈ દિવસ ખુદની સરખામણી જે ફેક્ટરીથી માલ લાવીએ તેના માલિકો સાથે નથી કરતા પણ કોણ જાણે કેમ જ્યારે આપણા બાળકોનો વારો આવે આપણે એમને સૌથી હોશિયાર બાળક સાથે સરખાવીએ છીએ?? આપણા બાળકો ક્યારેય આપણી પાસે તમે મોટા મિલ માલીક કેમ ન બન્યા એવી ફરિયાદ નથી કરતા કેમકે તેઓ સમજે છે કે આપણે તે કરી લેવા કાબેલ ન હતા. પણ આપણે એમનાથી મોટા હોવા છતાં એમને રોજ ઉતારી પાડતા જ હોઈએ છીએ કે તે ફલાણાના છોકરા જેવું પરિણામ કેમ ન લાવ્યું??? ફલાણો દીપક કે ફલાણાનો સચિન કેટલો હોશિયાર છે? તું કેમ એના જેટલા ટકા નથી લાવતો?? આપણે ક્યારેય એમની કાબેલીયતને સમજી જ નથી શકતા.. કોણ જાણે તેઓ જે કરે એટલાથી આપણને ક્યારેય સંતોષ નથી થતો?”

“હા, તારી વાત ખરી છે કીર્તિ પણ પછી શું થયું એ તો કહે?”

ફરી એની આંખોંમાં આંસુ આવી ગયા.

“હું મારા ચીરાગને ખોઈ બેઠો..... મારો ચિરાગ બુજાઈ ગયો એણે આત્મહત્યા કરી લીધી.”

એના શબ્દો સાંભળી હું ત્યાજ પરસાળમાં બેસી ગયો. શું બોલવું મને સુજી નહોતું રહ્યું.

અમે બંને કેટલીયે વાર ત્યાં એમ જ સુનમુન બેસી રહ્યા. હું એને એ બધું ભૂલી જવાનું ન કહી શક્યો કેમકે હું જાણતો હતો કે કોઈ બાપ જેણે પોતાના જ દીકરાનો જીવ લીધો છે એ હકીકતને ક્યારેય ભૂલી શકતો નથી. હું જાણતો હતો કે શરીર પર લાગેલા જખ્મો રુજાઈ જાય છે અરે બીજા લોકોએ હ્રદય પર આપેલા જખ્મો પણ ભૂંસાઈ જતા હોય છે પણ પોતે જ પોતાની જાતને આપેલા કેટલાક જખ્મો એટલા ઊંડા હોય છે કે એ ક્યારેય પૂરી શકાતા નથી કે એ ભૂલી શકાતા નથી.

એણે મારી સામે પોતાની છાતી પર લાગેલ કોઈ એવો ઘા ઉઘાડો કરી દીધો હતો જે ક્યારેય કોઇથી ભરી શકાય તેમ ન હતો. મારી પાસે એને સાત્વના આપના માટે કોઈ જ શબ્દો ન હતા હું એને ન કહી શક્યો કે તું એ બધું ભૂલી જા અને ફરી એક સુખી જીંદગી જીવવા માંડ. હું જાણતો હતો કે કોઈના કહેવા માત્રથી પોતાનાથી થયેલી ભૂલો કે પોતાને જ અજાણ્યે આપી દેવાયેલ જખ્મો ભૂલી શકાતા નથી જો કે સમય એવી ઔષધી છે કે જે ધીમે ધીમે બધું ઠીક કરી નાખે છે.

હું વરસાદ બંધ થયો ત્યાં સુધી એની પાસે જ બેસી રહ્યો. વરસાદ બંધ થતા હું એને સાથે લઈ ઓટોમાં બેસી ત્યાંથી નીકળ્યો. એનું ઘર રસ્તામાં જ હતું એ ત્યાં ઉતરી ગયો. મેં એને ભાડાના પૈસા ન આપવા દીધા.

હું ઘરે ગયો, નીકુલ નિસ્તેજ ચહેરા સાથે ઓસરીમાં બેઠો હતો. મેં એના ચહેરા તરફ જોયું મને એના પર દુ:ખ અને ઉદાસી દેખાઈ પણ એ દુ:ખ અને ઉદાસી પોતાની નિષ્ફળતાણી ન હતી. એના ચહેરા પર એના મા બાપને એના નાપાસ થવાથી દુ:ખ થયું હશે એનું દુ:ખ હતુ, એના મા-બાપના હ્રદયની ઉદાસી જાણે એના ચહેરા પર ઘેરાયેલ હોય એમ મને લાગ્યું.

“કંઈ વાંધો નહિ, બેટા.. આવતા વરસે ફરી મહેનત કરજે... હું કઈ રોજ જાઉં ત્યારે કાપડ વેચાઈ નથી જતુ.. એક દિવસ ન વેચાય તો બીજા દિવસે તો ધંધો થાય જ છે.” મેં કહ્યું.

મારા એ શબ્દો સંભાળતાજ એના ચહેરા પરથી દુ:ખ અને ઉદાસી જાણે ક્યાય ગાયબ થઈ ગયા. એના ચહેરા પર એક મક્કમતા મને દેખાઈ જાણે એની આંખો કહી રહી હતી કે હું ફરી મહેનત કરીશ અને આવતા વર્ષે સારું પરિણામ લાવીશ.

ખરેખર બાળકો કેટલા મજબુત હોય છે તેઓ પોતાની નિષ્ફળતા સ્વીકારી શકે છે બસ આપણે આપણા બાળકોની નિષ્ફળતા સ્વીકારી લેતા ક્યારે શીખીશું એ જોવાનું રહ્યું...???

લેખક: નારાયણ ત્રિવેદી ‘શ્યામ’