Oshiyadi in Gujarati Short Stories by Dakshesh Inamdar books and stories PDF | ઓશિયાળી - National Story Competition - Nearby Incidents

Featured Books
Categories
Share

ઓશિયાળી - National Story Competition - Nearby Incidents

ઓશિયાળી

દક્ષેશ ઈનામદાર. ” દિલ”..

દિવાકર સૂનમૂન થઈ ગયાં .... વડગામની અવદશા પરવશ બની જોઈ રહ્યાં. નિસહાય અને લાચાર કુદરત પર થતો કેર નમ આંખે જોઈ રહ્યાં. એક સમયે વડગામ એનાં પ્રવેશથી શરૂ કરી અંત સુધીમાં રસ્તાની બન્ને બાજુએ વિશાળ વડનાં વ્રુક્ષો માટે પ્રખ્યાત હતું. હાઈવેથી વડગામ તરફ જવા માટે જેવો રસ્તો વળાંક લેતો ત્યારથીજ જાણે નયનરમ્ય દ્રશ્ય તાદ્રશ્ય થતું. સુખી અને સમ્રુધ્ધ વડગામ જવાનો રસ્તો વિશાળ વડનાં વ્રુક્ષોથી શોભાયમાન થતો. રસ્તાની બન્ને બાજુ કતારબંધ વડનાં વ્રુક્ષો હતાં.

આજે વડગામ માત્ર ગામ નથી રહ્યું. ગામમાંથી નગર બની ગયું છે. સમય સરતાં સરતાં વિકાસ થતો ગયો અને આજે તાલુકા સ્થળ તરીકે જાણીતું છે. કહેવાતાં વડગામનાં વિકાસે આજે માનવને વનસ્પતિભક્ષિ બનાવ્યો છે. દિવાકર કાયમ વડગામમાં પ્રવેશ વખતે અનોખું ગૌરવ અનુભવાતાં. એમને કાયમ થતું કે વડનાં વ્રુક્ષોને કારણેજ મારું ગામ શોભે છે. જાણે વડગામનાં માથે મોટો લીલોતરો મુગુટ છે. ગામ બહાર આવેલી એની વાડીએથી આવતાં જતાં એમને અનેરો આનંદ આવતો જાણે કુદરતનાં ખોળામાં રમતાં.

આજે સવારે દિવાકર વાડી જવા નીકળ્યા. એમણે મુખ્યા રસ્તા ઉપર ઘણાં માણસો જોયાં.. કોઈ દૂરબીનથી રસ્તો જોતાં, કોઈ માપણી કરતાં, કોઈ પટ્ટીથી માપ લેતાં, કોઈ નિશાન કરતાં. એણે કુતુહુલવશ પૂછ્યું ભાઈ તમે શું કરો છો? કેમ આ માપ વગેરે લો નિશાન કરો? પેલા અધિકારી જેવાએ કીધું ભાઈ અમે સર્વે કરી રહ્યા છીએ આ માર્ગ ડબલ પહોળો કરવા માટે.. વિકાસ થઈ રહ્યો છે આ માપણી વગેરે સર્વે કરી અમે રિપોર્ટ તૈયાર કરી સરકારને આપીશું પછી કામ ચાલું થશે. દિવાકરને અગમ્ય ગભરાટ થયો એને વિચાર આવ્યોકે અમારાં વડગામની એવી તો કોઈ વસ્તી નથીકે .. .. અને કોઈ ભીડભાડ વાળો વાહનવ્યવહાર નથી .. . હશે કંઈક કહીને વિચારતાં વાડી જવા નીકળી ગયાં .. ..

***

‘ હાં વસુધા બોલ દીકરી.. .. કેમ છે બધાં? બસ એમજ તારાં ખબરઅંતર પૂછવાજ ફોન કરેલો. વસુધા કહે ‘ હા પપ્પા મઝામાં છું તમે કેમ છો? તમારી તબિયત કેમ છે? . ’ ‘ દીકરા તારી ખૂબ યાદ આવે આજે ઘણાં દિવસ થઈ ગયાં તારી સાથે વાત કરે.. .. વિવેક્કુમાર કેમ છે? ત્યાં તબિયત સારી છેને બધાની? મારી નાની રાજકુંવરી વ્રૂંદા શું કરે છે? નાનુને યાદ કરે છે? . તારી મમ્મીનાં ગુજરી ગયાં પછી બસ તારી યાદ મને જીવાડે છે બેટા.. દિવાકરની આંખો નમ અને અવાજ ભીનો થઈ ગયો.

પાપા તમે ચિંતા ના કરો હું મઝામાં છું અને આ દિવાળી વેકેશનમાં અમે બધાં જ વડગામ આવવાજ વિચારીએ છીએ. દિવાકર ખુશ થઇ ગયાં. આંખોમાં અચાનક ચમક આવી ગઈ. નમ આંખો લૂછી કહ્યું ‘ ખૂબ સરસ ચલો.. વસુધા તે સૂકી નદીમાં વહાલનું વહેણ લાવી દીધું. તારા પિતાનું આયુષ્ય વધારી દીધું હવે આંખો પાથરી તારી રાહ જોઈશ દીકરા.. તારે શું જોઈએ છે? તમે આવો ત્યાંરે.. . હું બધી તૈયારી કરી રાખું. બસ તું નિશ્ચિંત રહેજે હું દિવાળીની રાહ જોઉં.. બધાં આનંદમાં રહેજો ભલે ફોન મૂકું કહી ફોન મૂક્યો.. દિવાકર રોજ ગામમાંથી બહાર આવેલી વાડીએ જતાં અને રોજ રોજ બદલાતાં જતાં વડગામની સુરતને જોઈ રહેતાં. ગામમાં ધંધા રોજગાર બધી રહ્યા હતાં બ્હારથી આવનાર માણસોની અવરજવર બધી રહી હતી. સ્કૂલ કોલેજ ધંધાનાં સ્થળો બનતાંગયાં. વિકાસની પરિભાષામાં બદલાતા વડગામનાં નકશાનો સાક્ષી બની રહ્યાં. ગામથી માંડ આઠ કિલોમીટર દૂર આવેલો દરિયો જાણે નજીક આવી ગયો. હવા ખાવા અને ફરવા માટેનું રણિયામણુ સ્થળ બની ગયું. જ્યાં પહેલાં માછીમારો માછલી પકડવા જતાં જાળ પાથરતા સૂકવતા ત્યાં સરકારે બીચ બનાવી દીધો જાણે સકલજ બદલી નાખી જે દરિયા કિનારે કોઈ ફરકતું નહીં ત્યાં માનવ મેળો ભરાવા લાગ્યો. દિવાકરને અમુક બદલાવ ગમવા લાગ્યો. માનવ મસ્તી આનંદપ્રમોદ માટે સવલતો વધતી ચાલી. વડગામ અને આજુબાજુનાં ગામોમાં વસ્તી બધી રહી બહારના લોકો સ્થાયી થવા લાગ્યાં. જ્યાં જવલ્લેજ મોટોરગાડી જોવા મળતી ત્યાં ગાડીઓની વણઝાર થવા લાગી. છેલ્લા વર્ષોમાં જાણે વડગામનો કાયાકલ્પ થઈ ગયો હતો. છતાં વડગામની ભોમમાં લીલોતરી અને વ્રુક્ષોનો મોભો અડીખમ હતો.

દિવાકર સવારે ઉઠીને વાડીએ જવા તૈયાર થવા લાગ્યા. એમને આજે કોઈ અગમ્ય દર્દનો એહસાસ થતો રહ્યો પણ કંઈ કળાતું નહોતું. આજે દિલમાં ગભરામણ કેમ થાય છે?. મને કોઈ બીમારી નથી છતાં મારું હ્રદય અકારણ કેમ વલોવાય છે?. રોજિંદા કર્મ પતાવી દેવસેવામાં માંબાબાને દર્શન કરી વાડીએ જવા નીકળ્યાં. ગામની બહાર નીકળી મુખ્ય રસ્તા પર આવીને જુએ છે તો રસ્તાની બન્ને બાજુએ દોરડા બાંધ્યાં છે. આગળનાં વડનાં વ્રુક્ષોને કોઈ અધ્યતન કટરથી કાપી રહ્યાં છે. જેસીબી મશીનથી વ્રુક્ષોને જળમૂળથી કાઢી રહ્યા છે. દિવાકરજીએ એમની બાઈક સાઈડમાં પાર્ક કરી ત્યાં ફાઈલ પકડી ઉભેલા અધિકારીને પૂછ્યું ‘ આ શું કરી રહ્યાં છો? વે . અમને પ્રશ્ન ના કરો ના દખલ કરો અમારું કામ કરવા દો કોઈ જવાબ જોઈતો હોય કચેરી જાઓ.

દિવાકરજીની આંખોમાં ક્રોધ સાથે લાચારી ટપકતી હતી. એમણે કહયું આ કામ બંધ કરાવવા હું હાલ કચેરી જાઉં છું. મામલતદાર કચેરી પહોંચી મામલતદાર પાસે જબરજસ્તીથી જઈને કહ્યું ‘ માફ કરજો મારે આવી રીતે આવવું પડ્યું.. મામલતદારે પૂછ્યું બોલો શું કામ છે? આમ વગર પરવાનગીએ કેમ ઘૂસી આવ્યાં?. દિવાકરજીએ કહ્યું મારાં વડગામની આબરૂ લૂંટાય છે અને હું જોતો રહું?. મારાં વડગામના હ્રદય પર આટલો કુઠારાઘાત થાય છે કોઈ કંઈ બોલતું નથી? .. આ મુખ્ય રસ્તા પરનાં બધાં વડનાં વ્રુક્ષો છડેચોક કપાઈ રહ્યા છે અને તમને કોઈ અસર નથી? આ રસ્તો પહોળો કરવાનાં બહાનાં નીચે કાળો કેર વર્તાવી રહ્યા છો બંધ કરાવો મારો સખ્ત વાંધો છે આમ સંત સમાં વ્રુક્ષોનો સંહાર નહીં જોઈ શકું. આનાં માટે કોણ જવાબદાર છે? પહેલાં મામલતદાર થોડાં ઝંખવાયા પછી સત્તાની ખુમારી સાથે બોલ્યાં ‘ વડગામના વિકાસ માટે જરૂરી છે એજ કરી રહ્યા છીએ. રસ્તો પહોળો કરવાં વ્રુક્ષો કાઢવાજ પડે એમ છે પછી નવા વાવી દઈશું. વાહનવ્યવહારમાં સહાયતા સગવડ માટે લોકો માટેજ કરી રહ્યાં છીએ.

દિવાકરજીએ કહ્યું ‘ સાહેબ આ વિકાસ નહીં વિનાશ છે. રસ્તાની બન્ને બાજુ ઓછામાં ઓછાં 80 થી 100 વડનાં વ્રુક્ષો છે આમ તમે આડેધડ કાપી કાઢી ના શકો. કોઈ બીજો ઉપાય કરો. આમ મારી માં વસુંધરાને પિશાચ બની ના ઉજાડો હું તમારે પગે પડું છું. તમે ભણેલા અને કાબિલ છો આમ વ્રુક્ષોનુ નિકંદન કાઢી વિનાશને વિકાસનું નામ ના આપો. મામલતદારે કહ્યું યોજના મંજૂર થઈ ગઈ, ભંડોળ આવી ગયું કામ ચાલું થઈ ગયું કોઈ વિરોધ ના ચાલે હવે. આપ જઇ શકો છો અને પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયાં. દિવાકર નિરાશ વદને બહાર નીકળ્યાં જાણે પોતાનાં હ્રદય પર કોઈ શારડી ફેરવતું હોય એવું અનુભવ્યું. ઓશિયાળી વસુંધરાને એ બચાવી નહીં શકે.. એનું અમાપ દુખ થયું. વનસ્પતિ દેવી પર થતો ક્રૂર જુલ્મ મૂક અને લાચાર વદને જોઈ રહ્યાં. પોતાની માં ની આબરૂ કોઈ લુંટતુ હોય અને નજર સામે જોવાં છતાં નપુંસક જેમ જોઈ રહ્યાં. આંખમાંથી દડ દડ આંસુ વહી રહ્યાં. પ્રક્રુતિને ઓશિયાળી જોઈ વિકાસનાં નામે વિનાશ જોઈ રહ્યાં.

***

‘ આવી ગઈ દીકરા?. કહી દિવાકર વસુધાને જોઈને ભેટી પડ્યાં. બન્નેની આંખમાંથી આંસુ વહી રહ્યા છે.. દિવાકરે સ્વસ્થ થઈ સાથે આવેલી નાનકડી વ્રૂંદાને ઊંચકીને છાતીએ વળગાડી દીધી. વિવેકને આવકાર આપ્યો. સારું કર્યું તમે લોકો આવી ગયાં .. તમને કોઈ તકલીફ નથી પડીને?. ‘ ના પપ્પા કંઈ નહીં ઘરની ગાડીમાં આવવાનું હતું. ક્યાં દૂર છે તમારી દીકરીનું ઘર.. અરે ચાર કલાકમાં તો આવી ગયાં.

દિવાકર બોલ્યાં ‘ વડગામ પણ હવે મુંબઈ થવા લાગ્યું.. . મોટાં સાથે નાનો જાય.. .. અને અધૂરું છોડ્યું. વસુધા કહે શું થયું પપ્પા કેમ અટક્યાં? કંઈ નહીં દીકરા એક કહેવત યાદ આવી ગઈ. લાંબા સાથે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. કંઈ નહીં તમે લોકો ફ્રેશ થાવ હમણાં ભાનુબેન આવતાંજ હશે. તમારે માટે ચા નાસ્તો અને જમવાનું બનાવશે. એ પણ રાહ જોતાં હતાં. વ્રૂંદા તું મારી પાસે આવીજા કહી ખૂબ વહાલથી ઊંચકી લીધી.

***

પાપા મારે તમને એક વાત કરવી છે. વસુધાએ કહ્યું. દિવાકરજીએ તરત કીધું બોલને દીકરા.. વસુધા થોડી ખમ્ચાઈ .. પછી વાત કહી પાછી વળવા ગઈ. દિવાકરજીએ કહ્યું કેમ અચકાય છે દીકરા બોલ. શું વાત છે?. વસુધા બહાર જઈ ડોકિયું કરી પાછી આવી વિવેક વ્રૂંદા સૂઈ ગયાં હતાં. પાછી દિવાકર પાસે પાછી આવી. દિવાકરે પોતાની પાસે બેસાડી પૂછ્યું’ બોલને શું વાત છે?. કોઈ સંકોચ વિના પેટછૂટી વાત કર. હું.. .. તું આવી છે ત્યારની કંઈક વિચારોમાં અને ઉદાસ દેખાય છે. કહે મને શું વાત છે?. વસુધાએ કહ્યું’ હમણાંથી વિવેક મને પૂછ્યા કરે છે કહે છે કે વડગામનો આટલો વિકાસ થઇ રહ્યો છે તો વાડીની કિંમત પણ ખૂબ વધી ગયા હશેને. એક બિલ્ડર મારાં ઓળખીતા છે એમને આપણી વાડી ખરીદવામાં રસ છે અને ખૂબ ઊંચી કિંમત આપવા તૈયાર છે. તું પાપાને વાત કરે હવે એમણે વાડીમાં વૈતરા કરવાની શું જરૂર છે? એટલાં રૂપિયા આવશે બેઠાં બેઠાં ખાશે અને આપણેય આવાં એક રૂમનાં ઘરમાંથી નીકળી સારા વિસ્તારમાં નવાં મોટાં ફલેટમાં રહેવા જઈ શકીયે. દિવાકર અવાચક બની સાંભળી રહ્યાં. એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. કંઈ બોલી ના શક્યાં. બસ જીભ સિવાઈ ગઈ.

વસુધા સમજી ગઈ. એણે કીધું પાપા તમે ચિંતા ના કરો તમારે એમ વાડી વેચવાની જરૂર નથીજ. વિવેકે ખૂબ દબાણ કરેલું એટલે કહેવાઈ ગયું. તમે ચિંતા ના કરશો હું એમને સમજાવી દઈશ. તમે શાંતિથી સૂઈ જાવ. વસુધા વિચારી રહી.. .. આજે મેં મારાં પિતાનું હ્રદય દુખાવ્યુ છે. અમી નીતરતી આંખોમાં આંસુ લાવી દીધાં છે. દિવાકર વસુધાને જતા જોઈ રહ્યાં.

દિવાકર પલંગ પર પડ્યાં પડ્યાં વિચારવા લાગ્યાં આ શું થઈ રહ્યું છે.. .. જાહેર માર્ગ પર સેંકડો વ્રુક્ષો કપાઈ વેચાઈ રહ્યા છે. હવે અહીં આ નરાધમ વિવેકનાં મનમાં મારી વાડી વેચવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. જમાઈ છે કે જમ?. મારી દીકરીને હાથોં બનાવી મને વિવશ કરવાં નીકળ્યો છે. દિવાકરને એટલો ગુસ્સો આવ્યો કે ઉઠીને એનું ગળું દબાવી દે. દિવાકરનો ગુસ્સો વિવશતાના આંસુમાં પરિણમ્યો. એ છાનું રડી રહ્યાં. આજનાં દિવસમાં એમને કારમો અનુભવ થાય રહ્યો છે. એને સમજાતું નહોતું આ પરિવર્તનનાં પવનમાં એમની જિંદગી ઉજ્જડ બની જશે. આવતી કાલે કેવી સવાર થશે એની ચિંતામાં ઊંઘ વેરાન બની ગઈ.

***

દિવાકર મળસ્કે ઉઠી સ્નાનાદિ પરવારી આજે વાડીએ વહેલાં જવા નીકળી ગયાં. વસુધાને સમજાવી દીધેલું ભાનુંબા એની સાથેજ હતાં રસોઈ વગેરે પરવારી જશે. વિવેક તો વેકેશનમાં આવેલો એ હજી ઊંઘી રહ્યો છે. વસુધા સમજી રહી હતી કે મેં પાપાને ચિંતા અને દુખમાં ધકેલી દીધાં છે. એમને વાડી ખૂબ વહાલી છે એમનો જીવ છે. મમ્મી ના ગયા પછી વાડી વ્રુક્ષોમાં એમનો જીવ છે એમનું રોજનું કામકાજ છે. મેં જાણે એમનાં શરીરમાંથી જીવ માંગી લીધો એ પણ ખૂબ ઉદાસ થઈ ગઈ. વિવેકનાં શબ્દો અને ત્રાસ યાદ આવી ગયો. છતાં એ સામનો કરી વાડી નહીં વેચાવા દે એવો પાકો નિર્ણય કર્યો

***

વસુધા અાપણે દીવાળીમાં વડગામ જઈશું પણ સાથે સાથે એક વાત નક્કીજ છે કે તારે તારા પાપાને વાડી વેચવા તૈયાર કરી દેવાના. મારે ના સાંભળવી ના પડે ધ્યાન રાખજે. પેલા બિલ્ડરે ખૂબ સારી ઓફર કરી છે આવી તક જવા ના દેવાય. એય બેઠાં બેઠાં ખાય અને આપણેય નવો ફ્લેટ અને નવી કાર લેવાય. હું તો તારાંજ સુખ માટે તને કહી રહ્યો છું. વસુધા વિવેકની લાલચ સારી રીતે જાણતી હતી. એણે વિવેકને કીધું’ પાપા નાજ પાડશે એમને વાડી ખૂબ વહાલી છે એમનો સમયજ એમાં વ્યતીત થાય છે એમનાં જીવનનો આધાર છે. વિવેક કહે વહાલી તું છે કે વાડી? કોઈ નાટક ના કરીશ હું કહું એમજ કરવાનું છે. તારો કોઈ હક્ક નથી વાડીમાં?. વસુધા કહે મારો હક્ક? પાપા નહીં હોય ત્યારે વિચારીશ. અત્યારે એમનું જીવન અને પ્રવ્રુતિ એમાં છે સમજો તમે. આપણી પાસે જે છે એમાં હું ખૂબ ખુશ છું હું ક્યા બીજું માંગતી જ નથી. મને સંતોષ છે.

વિવેકે વિવેકભાન ગુમાવ્યું. ‘ તું મારી સાથે વાદવિવાદ કરે છે?. સાંભળતી નથી? વ્રૂંદાને સારી સ્કૂલમાં એડમિશન અપાવવાનું છે. મોટું ઘર થાય એને જુદો રૂમ સગવડ મળે.. બે પૈસા હાથમાં આવશે તો હું.... વસુધાએ અટકાવતાં કીધું તમે પુરુષ છો તમારે જે કરવું પડે કરો આમ મારા પાપાની મિલકત ઉપર નજર ના રાખો. ભવિષ્યમાં જ્યારે મળવાનું હશે ત્યાંરે મળશેજ . વિવેકે સંયમ તોડ્યો અને ગુસ્સામાં બોલ્યો એટલે તું મને શું સમજે છે?. હું ભિખારી છું? . તારાં બાપાની મિલકત પર ડોળો છે મારો? . હું લાલચી છું?. તને સુખ નથી મળવાનું?. મને તું શું સમજે છે?. વસુધાએ કહ્યું હું જે સમજુ છું એ સાચુજ સમજુ છું હું પાપાને કંઈ નથી કહેવાની. છેલ્લે વિવેકે છણકો કરતાં કહ્યું તારે ના કહેવું હોય તો તારાં બાપાના ઘરેજ રહે અહીંથી ચાલી જા. હું અહીં મારી દીકરી સાથે રહીશ તું તારા બાપનાં મહેલમાં જતી રહે અહીં તારું કોઈ સ્થાન નથી. વસુધા કહે તમે આટલાં લાલચી અને ક્રૂર હશો ખબર નહીં. વિવેક કહે લાલચી નહીં મારો હક્ક છે તારાં બાપાની વાડી મિલકત જોઈને તો મેં તારી સાથે લગ્ન કર્યા છે બાકી તારામાં ..... કેમ અટક્યા શું બાકી રાખ્યું છે બોલવામાં બોલોને પૂરું કરો.. આજે તમારો વિક્રુત પિશાચી ચહેરો સામે આવીજ ગયો. વિવેકે કહ્યું તું મને વિક્રુત પિશાચી કહે છે? કહી વસુધાને ચાર પાંચ લાફા મારી દીધાં. વસુધા પરવશ બની . ધ્રુસકે ધ્રુસકે રડી રહી.. બેચાર દિવસ વસુધા વિવેક સાથે ના બોલી. વિવેક વારે વારે ટોણા મારી રહ્યો. સાંજે મોડો ઘરે આવવા લાગ્યો. માનસિક ત્રાસ આપી રહ્યો. વસુધા મૂંગા મોંએ સહેતી રહી..

***

એક દિવસ વિવેકે વસુધાને બોલાવી અને મીઠાં શબ્દોમાં કહેવાં લાગ્યો ‘ વસું મને માફ કરજે મેં તને ગમે તેમ કીધું. મારી બુધ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. હું તો તારાં અને વ્રુઁદાના સુખ માટે વિચારી કહેતો હતો. આપણે આ દિવાળી ત્યાં તારાં પાપાના ઘરે એમની સાથે વડગામ દિવાળી મનાવીશું એમને પણ સારું લાગશે. વડગામથી પછી સુરત માં અને મોટાભાઈને પણ મળતાં આવીશું . હું થોડી રજાઓ લઈ લઈશ. તને યોગ્ય લાગે તોજ વાત કરજે મારું કોઈ દબાણ નથી. વસુધા હવે વિવેકને ઓળખી ગઈ હતી બધું સમજાતી હતી આમ કાયમ મને શબ્દોની જાળમાં ફસાવી છે.

આમ વિવેક ધારથી અને વહાલથી બન્ને રીતે વર્તન કરવાં લાગ્યો અને રજાઓ મંજૂર થતાં મનમાં નક્કી કરેલાં પ્લાન મુજબ વસુધા અને વ્રૂંદાને લઈને વડગામ આવવા નીકળી ગયો.

વસુધાને બધીજ વીતી ગયેલી પળો નજર સામે આવી ગઈ અને એનાંથી ડૂસકું નંખાઈ ગયું. કેવા વિચિત્ર અને વિક્રુત માણસ સાથે છેડો બંધાઈ ગયો છે હું સાવ એની જાળમાં ફસાઈ ચૂકી છું એ પારાવાર પસ્તાવો કરવા લાગી.

દિવાકર આજે પોતાની વાડીનાં દરેક ખૂણે ખૂણે ફર્યા એક એક દિશાઓ ફરી લીધી. એમનાં વહાલાં બધાંજ ચીકુ આંબાના વ્રુક્ષોને મળ્યા વાતો કરી સંવાદ કર્યા. અત્યાર સુધી આ સંત સમાન વ્રુક્ષોએ અઢળક ફળો આપી પુષ્કળ ધન આપ્યું છે. મને બધાંજ સુખ સગવડ આપ્યાં છે મારાં જીવનનાં સારાં ખોટાં પ્રસંગો પાર પાડ્યા છે મારાં જીવનદાતા છે મારાં પર કાયમ કરુણાં વરસાવી છે હું કેમ ભૂલી શકું?. દિવાકરની આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. આજે કપાતાં કાળજાએ ખૂબ દુખ ભર્યો નિર્ણય કર્યો છે. પાલનકર્તા માંબાપને જાણે ભરબજારે વેચવા કાઢ્યા છે. નક્કી આજે મારો ઈશ્વર રૂઠ્યો છે ક્યાં મારું કોઈ એવું ખરાબ કામ કોઈ પાપ આડું આવ્યું છે એટલેજ આવો દિવસ જોવાનો આવ્યો છે. દીકરીનાં સુખ ખાતર વાડી વેચવાનો નિર્ણય કર્યો છે. દિવાકર એમની ખાસ બેસવાની જગ્યાએ વડનાં વ્રુક્ષ નીચે બેઠાં અને આક્રંદ કરી રહ્યાં. ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યાં છે દિશાઓ સૂની પડી ગઈ છે. વ્રુક્ષો ઉદાસ છે એમની સંવેદનાઓ રડી રહી છે પંખીઓનો કલરવ શાંત થઇ ગયો જાણે સમય સ્તબ્ધ થઈ અટકી ગયો છે. શીતળ પવન આજે અંગ દઝાડી રહ્યો છે કુદરત આજે દિવાકરનાં દુખની સાક્ષી બની છે. બિચારો બાપ આજે પરવશ અને પાંગળો બન્યો છે અને વહાલી દીકરી ઓશિયાળી.

દિવાકરે હાથ પહોળાં કરી આભ સામે મીંટ માંડતા કહ્યું હે ઈશ્વર તે મને કેમ આટલો વિવશ બનાવ્યો છે આ કળિયુગનો સૌથી કાળો દિવસ છે. આટલો ક્રૂર કેવી રીતે થઈ શકે?. તું ક્યાં છે? . ક્યાં છુપાઇને તું આ ખેલ જોયાં કરે છે? . આ ધરા પર નરાધમો ક્યાં સુધી તાંડવ કર્યા કરશે? તારી મરજી વિના એક પાંદડું નથી હલતું તો હું કેમ વિવશ બાપ ?. અને તું કેમ બન્યો વિધ્વંશક? . આજે મારી દીકરી અને તારી વસુંધરા કેમ બની ઓશિયાળી?. કેમ આવી વિવશતા પ્રભુ શું કારણ?. આજે આ બાપાનું હ્રદય એનાં ધબકાર સાથે તાલ નથી મિલાવતું. કપાતાં કાળજે લીધેલો નિર્ણય ખૂબ કારમો નીવડ્યો. દિવાકરે બે હાથ જોડી ઈશ્વરને ફરિયાદ કરતાં કહ્યું..... હે ઈશ્વર તારો આ વિકાસ કે વિનાશ? ....

વિકાસનાં મદમાં માનવ કરે ખૂબ વિનાશ.

બુધ્ધિ થઈ ભ્રષ્ટ પાલક બન્યો ક્રૂર પિશાચ.

વનશ્રુશ્ટિને કરે બરબાદ કરવાં ભુંડો વિકાસ.

પાલનહાર થયો અંધ આતો કેવું છે રાજકાજ.

નિસહાય ડાળફૂલને જોઈ બોલી રહ્યું છે વ્રુક્ષ.

હું જ નિસહાય કેમ કરી તને બચાવું હું ડાળ.

હજી ફૂલ નથી થયું ફળ ને થઈ ગયો વિનાશ.

સંત સમા વ્રુક્ષો લાચાર જોઈ જીવ ખૂબ કપાય.

નપુંસક બની મૂક હું બસ આંસુ જ વહાવી રહ્યો.

દાતાએ નક્કી કર્યો વિધ્વંશ હું શું કરું હવે શોક.

દિવાકરનાં હોઠ ફરિયાદ કરી કરીને શાંત થઈ ગયાં અને આંખો રડી રડીને સ્થિર થઈ ગઈ....

સંપૂર્ણ