Bhadram Bhadra - 30 in Gujarati Comedy stories by Ramanbhai Neelkanth books and stories PDF | ભદ્રંભદ્ર - પ્રકરણ - 30

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ભદ્રંભદ્ર - પ્રકરણ - 30

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૩૦. જેલમાંથી નીકળ્યા અને ખેલમાં ગયા

અમને જેલમાંથી મુક્ત કર્યાની ખબર અમારા મિત્રોને મોડી પડી, તેથી અમને સામા તેડવા આવતાં વાજાંવાળા તથા વાવટાવાળાને રસ્તેથી પાછા વાળવા પડ્યા. અને જેલથી ભદ્રંભદ્રના ઘર સુધીના રસ્તા ઉપર બાંધવા માંડેલા તોરણ પૂરાં બંધાઈ રહ્યા પહેલાં છોડી નાંખવાં પડ્યાં.

માન પામવાની તક આ રીતે નકામી ગઈ તેથી ભદ્રંભદ્ર નિરાશ થયા નહિ. માન પામ્યા વિના રહેવું નહિ એવો તેમણે સંકલ્પ કર્યો અને શંકરને સાક્ષી રાખ્યા.

આ સંબંધે ગોઠવણ કરી આપવાની ભદ્રંભદ્રે સંયોગીરાજને અનેક વાર વિનંતી કરી પણ તે પોતાને માન આપવાની ગોઠવણમાં પડેલા હતા, તથા ભદ્રંભદ્ર છૂટ્યા તેથી આર્યપક્ષનો જય થયો છે એ વાત તેમણે ઘણી વખત કહ્યા છતાં તેના મહત્વ વિશે તેમણે એકે વચન ઉચ્ચાર્યું નહિ. છેલ્લા નિષ્ફળ પ્રયત્ન પછી તેમને ઘેરથી પાછા આવતાં રસ્તામાં ભદ્રંભદ્રે ખિન્ન થઈ કહ્યું.

’સંયોગીરાજને આર્યપક્ષ માટે કે આર્યધર્મ માટે અંતરની ગણના હોય એ જ શંકાભરેલું છે. તેમની સ્વેચ્છાના પ્રાબલ્યમાં હું સહાયભૂત ન થાઉં માટે શું હું આર્યપક્ષનો અગ્રણી ટળી ગયો ? સુધારાવાળા તેમના ઉદ્યમ નિષ્ફળ કરતા હશે તે સુધારાના સિદ્ધાંતને અનુસરીને કરતા હશે, પણ મારે એવા કોઈ સિદ્ધાંત લક્ષમાં નથી. આર્યપક્ષનો અગ્રેસર હોઈ હું સંયોગીરાજથી વધારે માનપાત્ર છું અને તેથી જ તેમના ઉદ્યમમાં સહાય થઈ શકતો નથી. મારી માનયોગ્યતાની તો તેઓ કે તેમના પાર્શ્ચચરો કોઈ કાળે ના પાડી શકતા નથી.’

મેં કહ્યું, ’પાર્શ્વચરો કહે છે કે "દોસ્તીકી દોસ્તી મુબારક હવે તો દોસ્તીકી મસ્તી ભી મુબારક હયે." અને સુધારાવાળા કહે છે કે "દોસ્તની મસ્તી મુબારક ન હોય તો દોસ્તની દોસ્તી પણ મુબારક ન હોવી જોઈએ."

’સુધારાવાળાનો સિદ્ધાંત આર્યપક્ષને કેવળ અમાન્ય છે. શ્રીકૃષ્ણ આપણને પ્રિય લાગે છે તો શું તેમની ગોપીક્રિડા આપણને પ્રિય નથી ? પાંડવો આપણને અભિમત છે તો દ્રૌપદીનું પંચસ્વામિત્વ આપણને અભિમત નથી ? કાલિકા આપણને પૂજ્ય છે તો શું તેનું રુધિરપાન આપણને પૂજ્ય નથી ? વર્તન પરથી પુરુષો પ્રશંસનીય થતા નથી, પુરુષ પરથી વર્તન પ્રશંસનીય થાય છે. તેં મલેચ્છ ભાષાના શબ્દો વાપર્યા છે માટે ઘેર જઈ તારી જીભ અને મારા કાન છાનમાટીથી ધોઈ નાખજે.’

માટી ખોટી નથી લાગતી, પણ છાણ કંઈક બેસ્વાદ છે એ વાત ચિત્ત આગળ આવ્યાથી મેં કહ્યું,

’સાબુથી વધારે સુદ્ધિ થાય છે અને વધારે સુખ થાય છે એમ સુધારાવાળા કહે છે.’

’રે મૂર્ખ ! સુધારાવાળા કહે છે પણ હું કહું છું ? સુધારાવાળા કહે તે કંઈ પ્રમાણ ગણાય ? સુખનો પ્રશ્ન તો છોડવો નહિ, કેમ કે સુખ એ આર્ય પ્રજાને ગણનામાં લેવા યોગ્ય નહિ. આર્ય પ્રજાનું જીવન સુખ માટે ચાલતું નથી. પણ શાસ્ત્ર તથા રૂઢિ માટે ચાલે છે અને સાબુ જે જાતે અશુદ્ધ છે તે વડે શુદ્ધિ થઈ જ કેમ શકે ? સાબુ વાપરનાર રૌરવ નરકમાં જાય છે અને છાણમાટીથી સ્નાન કરનાર સારુ મરણકાળે વિમાન આવે છે એ તે મારાં ભાષણોમાં ઘણી વાર સાંભળ્યું નથી ?’

’મહારાજ ! હું શંકાનું માત્ર નિવારણ કરું છું કે વિવાદ કરવાનું બળ પ્રાપ્ત કરી શકું, સુધારાવાળા તો કહે છે કે "શરીરની શુદ્ધિ જડ પદાર્થના નિયમોને આધીન છે તેથી સાબુની ભાવનાકલ્પિત અશુદ્ધિથી શરીરની શુદ્ધિ થવાને પ્રતિબંધ થતો નથી."

’નિર્બુદ્ધે !એ મલિન તર્કની વાત વધારે લંબાવ નહિ. શરીરને સાબુનો સ્પર્શ થવાની કલ્પના નયન સમક્ષ આવતાં મને કંપારો છૂટે છે તથા મારી વૃદ્ધિ ક્રુધ થાય છે. સાબુની સુગંધ તથા કોમલતાથી જેઓ લોભાય છે તેમને જ્ઞાન નથી કે છાણમાટીની શાસ્ત્રોક્ત ઉત્તમત્તાના આગળ એ સર્વ વ્યર્થ છે. સાબુમાં સ્વચ્છતા કરવાનો ગુણ છે એમ સુધારાવાળા કહેતા હોય તો તેઓ જાણતા નથી કે આર્યના શરીર તો જાતે જ એવાં શુદ્ધ છે કે તેમને સાબુ સરખા પદાર્થની અગત્ય પડતી નથી. તેમનાં શરીર સ્વચ્છ કરવાને પ્રકૃત્તિએ છાણમાટી જ નિર્મિત કરેલાં છે. જેવી વસ્તુ તેવું શુદ્ધિસાધન. વળી આર્યભૂમિમાં કરેલી શુદ્ધિ ગમે તેટલી જૂજ હોય તોપણ અમૂલ્ય છે. તે જ માટે, મરણ પાસે આવે છે ત્યારે આર્ય મનુષ્યોને ત્વરાથી નવડાવી લેવામાં આવે છે કે આર્યભૂમિ છોડ્યા પહેલાં સ્નાન થઈ જાય અને આર્યભૂમિમાં કરેલા એક આધિક સ્નાનનો તેમને લાભ મળી જાય. આવાં સ્નાન કરાવ્યાથી કદી મરણ જલદી થાય છે અને મરનારના શરીરને તથા મનને દુઃખ થાય છે એમ કહેનાર સુધારાવાળા આ અનુપમ લાભની સિદ્ધિનું ગૂઢ લક્ષ્ય ક્યાંથી સમજે ! એ લાભ છટકી ન જાય માટે મડદાને તત્કાળ કસી કસીને બાંધી લેવામાં આવે છે તે તેઓ ક્યાંથી જાણે ! સર્વથા સાબુનો ઉપયોગ કેવળ ભ્રાન્તિમય છે તથા એ પણ સિદ્ધ થાય છે કે જેઓ આ દેશમાં સાબુનાં કારખાનાં કહાડે છે અને સાબુ બનાવે છે તેઓ વિદેશીય અનુકરણના અપરાધી થાય છે. આર્યધર્મને અમાન્ય વસ્તુઓ સાબુમાં ન મૂકવાનો તેમનો બચાવ અપ્રસ્તુત છે કારણ કે સાબુ વાપરવાનું શાસ્ત્રોમાં વિધાન જ નથી. તે છતાં પ્રાચીન શાસ્ત્રોની અવગણના કરી પ્રાશ્ચાત્યોના અનુસરણમાં પડી સાબુનો ઉપયોગ પ્રચલિત કરવાથી પુરાતન પૂર્વજોના ડહાપણમાં ખામી કહાડવાનો તથા તેમનાં ત્રિકાલજ્ઞાનિત્વને ધોકો પહોંચાડવાનો મહાઘોરતર અપરાધ થાય છે. સાબુની આવશ્યકતા હોય તો ત્રિકાળજ્ઞાનીઓથી તે અજાણી રહેત નહિ અને તેઓ લખી જાત કે કલિયુગમાં સાબુ નામે વસ્તુ થશે તે વાપરવી.’

’આપણા જૂના પૂર્વજો સાબુ બનાવતા હતા, એવી એમેરિકાના થિઓસોફિસ્ટોને તિબેટના મહાત્માઓ તરફથી ખબર મળે તે પછી આવી તકરાર કરવી કે નહિ ?’

’ત્યારે તો એમ કહેવું કે "સાબુ બનાવવા જેવી ક્રિયા આપણા સર્વજ્ઞ પૂર્વજોને આવડતી નહોતી તે સંભવિત જ નહોતું અને આ નવી શોધથી આપણા પૂર્વજોની કિર્તિ વધે છે." પણ અત્યારે એ પ્રશ્ન પ્રસ્તુત નથી. સાબુ વાપરવામાં અને બનાવવામાં અનાર્યતા છે. એ આર્યપક્ષનો વર્તમાન સિદ્ધાંત છે.’

’આ દેશમાં સાબુ બનાવવાથી વેપાર વધે છે અને લાભ થાય છે એવા અનેક ખોટા બચાવ સુધારાવાળા કરે છે.’

’શાસ્ત્રમાં જે સ્પષ્ટ વિહિત ન હોય તેથી વેપારનો કોઈ પણ લાભ આર્યોને થઈ શકે જ નહિ, અને થઈ શકે છે એવો આભાસ કલિયુગને લીધે થતો હોય તોપણ સનાતન આર્યધર્મતા સચવાય અને માન પામે તે માટે એ લાભ મૂકી દેવો જોઈએ. એ કષ્ટકર કથા જ તું બંધ કર.’

ઘેર જઈ ભ્રષ્ટ થયેલા અંગની શાસ્ત્રોક્ત રીતિએ અમે શુદ્ધિ સંપાદન કરી. એ રીતે આર્યતા ઘસાઈને ઉજ્જવલ થયાથી જેલમાંથી મુક્ત થવાનો વિજય પ્રકટિત કરી સન્માન મેળવવાની યુક્તિઓ ભદ્રંભદ્રને સૂઝી આવી. તે સર્વના ગુણદોષનું વિવેચન ચાલતું હતું તેવામાં રસ્તામાં ઘોંઘાટ સંભળાયો, બારીએ જઈ જોતાં એક ગાડી આવતી જણાઈ. ગાડીમાં એક કાનફોડિયું વાજું વાગતું હતું અને ગાડી પાછળ ઘણાં માણસો લાંબા હાથ કરી ’માસ્તર આપજો’ની બૂમો પાડતાં દોડતાં હતાં. ગાડીમાં બેઠેલો ’માસ્તર’ દોડતા ટોળાની ઉત્સુકતા વિશે તદ્દન બેદરકાર રહી રંગબેરંગી કાગળો થોડે થોડે અંતરે બહાર ફેંકતો હતો અને સોનારૂપાનાં ફૂલ લૂંટતાં હોય એવી આતુરતાથી લોકો તે કાગળ ઝીલી લેતાં હતાં અને એકબીજાના હાથમાંથી ખેંચતાં હતાં. દેખાવ જોઈ ભદ્રંભદ્ર સાનંદ આશ્ચર્ય પામી બોલ્યા,

’ધન્ય ભાગ્ય છે વાહનમાં બેઠેલા એ પુરુષનું. એના યશની વાર્તા આ પ્રતાપી વાદ્યથી દશ દિશામાં પ્રસરી રહી છે. આ કીર્તિલેખ તે વહેંચે છે તે દ્વારા ઘેરઘેર આબાલવૃદ્ધ સકલ જનો તેના ગુણનો પાઠ કરશે. સન્માનપ્રાપ્તિનો આથી વધારે વિજયવંત બીજો કયો માર્ગ હોઈ શકે ! કેવી એની મુખમુદ્રા ભણી સકલની દૃષ્ટિ દોરાઈ રહી છે ? કેવા એણે આપએલા પત્ર લઈ મનુષ્યો હરખાતા જણાય છે ! કેવું એની કૃપા માટે જગત અભિલાષી છે !’

ચાકર રસ્તામાં જઈ આમાંનો એક કાગળ લઈ આવ્યો તે વાંચીને મેં કહ્યું.

’મહારાજ, આ કીર્તિલેખ નથી, એ માત્ર જાહેર ખબર છે !’

વિસ્મય અને આનંદના સ્વપ્નમાંથી ચમકી ભદ્રંભદ્રે કહ્યું, ’સુધારાવાળાનું કંઈ છલ હોવું જોઈએ. આ બધી સામગ્રી શાની છે !’

’ચકડોળ, વાજિંત્ર, સોરટી, જાદુ વગેરે જાતજાતના તમાશા કરનાર મંડળી શહેરમાં આવેલી છે, તેના ખેલ આજે રાત્રે થનાર છે, તેની આ જાહેર ખબર છે.’

ઉલ્લાસનો ભંગ થવાથી ભદ્રંભદ્ર કેટલીક ક્ષણ સુધી ખિન્ન રહ્યા પરંતુ થોડી વારે નવી ઊર્મિ અને ઉત્સાહના આવેશથી ઉશ્કેરાઈને બોલ્યા,

’એ જ યોગ્ય સ્થાન છે, એ જ યોગ્ય અવસર છે. ત્યાં સર્વ સિદ્ધિ થશે.’

’મહારાજ ! શાની સિદ્ધિ ?’

’એક જ સિદ્ધિ હાલ જગતની ચિંતાનો વિષય છે, મારા યથાપ્રકાશની સિદ્ધિ એ ખેલના સ્થાનમાં યથેચ્છ રીતે થઈ શકશે.’

’ખેલ કરનાર વિદેશી યવનો છે. તેમના મંડપમાં આપણને શી સહાયતા મળશે ?’

’સર્વ યોજના મારા મનમાં રમી રહી છે. અતિશય પ્રશ્ન પૂછવા એ સુધારાવાળાની વૃત્તિ છે. આર્યોને કુચેષ્ટા ઘટિત નથી. રાત્રે એ સ્થળે જવા ત્વરાથી સજ્જ થઈ રહેજે.’

સજ્જ થવામાં ઘણી મહેનત કરવાની હતી નહિ. રાકળ યાવની પહેરવેશ અમારે વજર્ય હતો તેથી ઉનાળામાં ધોતિયાં, શિયાળામાં મૃગચર્મ અને ચોમાસામાં ધાબળી, તથા બારેમાસ પાઘડી એ સિવાય બીજું કાંઈ વસ્ત્ર અમારા શરીરને સ્પર્શ કરી શકતું નહોતું. ચામડાં આર્યોના અંગને અશુદ્ધિકર હોવાથી ઈશ્વરે આપેલી ત્વચા અને ઋષિઓને ગમી ગયેલા મૃગચર્મ સિવાય સર્વ ચર્મમય પદાર્થ અમારે ત્યાજ્ય હતા અને તેથી પગના રક્ષણ માતે પણ પાવડીઓ સિવાય બીજું કંઈ પણ અમે પહેરતા નહોતા. ભદ્રંભદ્રની વેશસંહિતામાં એટલા જ અધ્યાય હોવાથી સજ્જ થવામાં અમારે વિશેષ કાલક્ષેપ કરવો પડ્યો નહિ અને રાત્રે આઠ વાગે અમે ખેલને મંડપે ગયા.

મંડપની આસપાસ બધી બાજુએ લોકોનો જમાવ થયેલો હતો. પૈસા ખરચી ખેલ જોવા મંડપની અંદર જનાર કરતાં વગર પૈસે બહારથી બને તેટલો ખેલ જોવા આવનારની સંખ્યા ઘણી વધારે હતી અને તેમાં ગરીબ માણસો જ નહોતા. ઉદિષ્ટ પ્રયોજન સારુ ભદ્રંભદ્રને મંડપની અંદર જવાની જરૂર હતી તેથી આસપાસ ચાર પાંચ ચક્કર ફરીને મંડપમાં વગર પૂછ્યે દાખલ થઈ જવાનો માર્ગ નથી એવી ખાતરી કરી અમે મંડપના દરવાજા તરફ ગયા.

દરવાજા આગળ કાકડાના બે મોટા દીવા હતા અને તેથી પ્રકાશથી અંદરના ચકડોળની કેટલીક રચના દેખાઈ હતી. દરવાજાને બહારની તરફથી બારણું હતું ત્યાંથી ટિકિટ લઈ પેઠા પછી અંદર પેસવાનું બીજું બારણું હતું ત્યાં ટિકિટ જોઈ અંદર જવા દેતા હતા. બહારના બારણા પાસે ટેબલ-ખુરશી નાખી એક યુરોપીયન ટિકિટો આપવા બેઠો હતો. તેના કરચોળીવાળા તથા ખાડા પડેલા ગાલ, આંખમાંથી આગળ પડતા ખુલ્લા ડોળા, છૂટા ઊડતા વાળ અને પહોળાં તથા ઢીલાં લૂગડાં પરથી તે બહુ સન્માન યોગ્ય જણાતો નહોતો પરંતુ તે વિદેશી હતો અને તેની પાસે જાડી લાકડી હતી તેથી અવગણના કરવા લાયક કોઈને લાગતો નહોતો. તેની જોડે ટેબલથી કંઈક આઘે ખુરશી પર એક મરેઠો બેઠો હતો. તેનો બટનની બે હારવાળો ટૂંકો કોટ, ઘૂંટીથી અડધો વેંત ઊંચું પહેરેલું પાટલૂન, મોજાં વગર પહેરેલા લોઢાના બકલવાળા ’હોલ બુટ’ એ સહુ ઊતરેલાં લૂગડાંની દુકાનમાંથી ખરીદ કરેલાં જણાતાં હતાં. મહુડીની વાસ નીકળી ચારે તરફ ફેલાતી હતી પરંતુ તે સાહેબનો વિશ્વાસુ સલાહકાર હતો. તેથી તે પણ ટોળા મળેલા લોકો તરફથી માન પામતો હતો. ’સકારામ ! હીડર દેખો,’ એમ કહી સાહેબે તેને બોલાવી તેનો મત પૂછતા ત્યારે લોકો વિસ્મય અને કુતૂહલથી એ દેખાવ તરફ જોઈ રહેતા અને સખારામ ગર્વભરી દૃષ્ટિ ચારે તરફ ફેરવતો. એવો પ્રસંગ આવી ગયાને કંઈ વખત ગયો હોય અને લોકોનો ઉત્સાહ શિથિલ થતો જણાતો હોય ત્યારે સખારામ પોતાના હાથમાંની ટૂંકા ડંડાવાળી ચાબુકની લાંબી સેર હવામાં જોરથી ફટકારતો હતો અને લોકોને દૂર કહાડવાને બહાને તેમની પાસે જઈ અનેક મિષે તેમને હસાવતો હતો તથા રૉફ દેખાડી ખુશ કરતો હતો.

ટિકિટના પૈસા સાથે લાવવાનું રહી ગયાનું યાદ આવતાં હું એકદમ અટક્યો અને મુશ્કેલીની વાત ભદ્રંભદ્રને કરી. તેમણે કહ્યું,

”આટલી બધી ધામધૂમ સાથે વાહન મોકલી આપણે ઘેર નોતરું મોકલેલું છે તેથી આપણે મૂલ્યપત્રિકાને ક્રય કરવાની આવશ્યકતા નથી તું નિશ્ચિંત રહી મારી સાથે ચાલ.’

દરવાજા તરફ ભદ્રંભદ્ર સપાટામાં ચાલ્યા અને હું પણ તેમની પાછળ ધડકતે હૃદયે ચાલ્યો. ટેબલથી અગાડી અગાડી અમે વધ્યા એટલે સાહેબે કંઈક ઘાંટો કાઢી કહ્યું,

’ટિકિટ લેઓ.’

ભદ્રંભદ્ર અચકીને ઊભા. હું પણ તેમની પાછળ ઊભો. ભદ્રંભદ્રે મારા તરફ જોયું, સાહેબ તરફ જોયું, સખારામ તરફ જોયું અને પછી મંડપના અંદરના ભાગ તરફ ડોકિયું કર્યું. લોકોના ટોળા તરફ જોઈ સખારામ બોલ્યો,

’ગાંડો ચ્છ્‍યે.’

લોકો ખડખડાટ હસી પડ્યા. ભદ્રંભદ્ર કાંઈક નારાજ થયા પણ કંઈ ન બોલતાં તેમણે અગાડી પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો. સાહેબે વધારે ઘાંટો કાઢી કહ્યું,

’ટિકિટ લેઓ.’

ભદ્રંભદ્ર કંઈ બોલ્યા નહિ તેથી સાહેબે સખારામ તરફ ફરી કહ્યું,

’સકારામ, હીડર દેખો. ટિકિટ લેઓ બોઓલો.’

સખારામે ભદ્રંભદ્ર ભણી જોઈ કહ્યું,

’અરે ! તૂ ટિકિટ લ્હયે.’

ભદ્રંભદ્રે કહ્યું, ’નિમંત્રણથી જેમનું આગમન છે તેમને મૂલ્યપત્રિકાની આવશ્યકતા નથી’

ભદ્રંભદ્રે અંદરના ભાગ તરફ ફરી ડોકિયું કર્યું.

સાહેબ અધીરા થઈ ઊભા થયા અને સખારામ તરફ જોઈ ભાર મૂકી બોલ્યા,

’સકારામ, હીડર દેખો. કોઓન કલાસ ?’

સખારામ ઊઠીને અમારી પાસે આવ્યો અને ભદ્રંભદ્રની ભણી જોઈ બોલ્યો. ’તૂને કોણત્યા કલાસ જોઈસ્યે ?’

’નિમંત્રણ છે.’

’કુરચી કે બાંક ?’

’એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. પ્રથમ નિમંત્રણ કરવું અને તદનંતર મહાપુરુષોનું આવું માનભંગ કરવું એ કેવળ અનુચિત છે.’

’મોઠો દગડ ચ્છ્‍યે,’ એટલું કહી સખારામે હાસ્યવૃત્તિ ધરી લોકો તરફ જોયું એટલે લોકો ખડખડાટ હસી પડ્યા. પાછું ભદ્રંભદ્ર તરફ જોઈ તે બોલ્યો.

’અરે તૂ સું ક્યેચ્છ્યે ? હા ઠિકાણે ટિકિસ વિક્ત મિલછ્ચ્યે. તૂને જોયે ?’

’મૂર્ખ તું કોને તું તાં કરે છે ?’

’ઓહો ! બાજીરાવ રાગવલે !! તૂં કોણ ચ્છ્‍યેરે ?’

’શું ? આર્ય પક્ષના પરમ પૂજ્ય સર્વોપરી મુખ્ય અધ્યક્ષને તું હજી ઓળખતો નથી ? શું વેદધર્મ એટલો બધો વિસારે પડ્યો છે ? શું શાસ્ત્રગ્રંથો નિત્ય પાઠ-કોણ પ્રસન્નમનશંકરભાઈ કે ?’

છેલ્લું વાક્ય ભદ્રંભદ્ર ઊંચા થઈ મંડપના દ્વારમાં વધારે ઊંડું ડોકિયું કરી એકાએક મોટે નાદે બોલી ઊઠ્યા.

’હા પધારો, પધારો, ભદ્રં -’

ઘાંટો પ્રસન્નમનશંકરનો હતો અને મંડપ અંદરથી સંભળાયો પણ, તેઓ ચકડોળમાં બેઠેલા હોવાથી ચકડોળના ચક્કર સાથે અગાડી ચાલ્યા ગયા અને બીજું વધારે શું બોલ્યા તે સંભળાયું નહિ.

ઘાંટાઘાંટ અને ગરબડથી સાહેબ ગુસ્સે થઈ ગયા. ટેબલ અને ખુરશીના વચ્ચેથી બહાર આવી ઉશ્કેરાઈને બોલ્યા,

’સકારમા, હીડર દેખો. હટાઓ, નિકાલો.’

સખારામ ભદ્રંભદ્રની છેક પાસે આવ્યો અને ચાબુક થોડી ઊંચી કરી બોલ્યો,

’બાહેર નિકલ ભામટા ! નહિતર ધકા મારસ્યે.’

ચાબુકના દાંડાની પિત્તળની ખોલીનો હથોડી-આકારનો છેડો (’હજારફંદો’) ભદ્રંભદ્રના નાકની બહુ પાસે આવ્યો હતો તેથી તે વાગે નહિ તે માટે પાછા હટી ભદ્રંભદ્ર બોલ્યા,

’હે અજ્ઞાતનામા યવન ! તથા હે સખારામનામા અનાર્ય થયેલા આર્ય ! જે સનાતન ધર્મના જગદાન્નદકન્દ ઉદ્ધાર માટે હું દેશદેશ પર્યટન કરું છું તેના સુરાસર વિસ્મયાવહ રહસ્યની તમને અણુતમાથી અણુતમા કલ્પના હોય તો આ ક્ષણે તમે આવા હતભાગ્ય થાઓ નહિ. એતત્‌ સત્ય કે યવનો સમુદ્રગમન કરી આ દેશમાં પ્રવેશ કરે છે અને સમુદ્રગમનના શાસ્ત્રોક્ત અતિ ઘોર પાપથી તેમની દૃષ્ટિ અન્ધપ્રાયા થઈ સૂક્ષ્મતમ રહસ્યનું નિરીક્ષણ કરવા અસમર્થા થાય છે. પરંતુ તું જે -’

સાહેબ લાકડી ઉગામી આગળ ધસ્યો અને પગ ઠોકી બોલ્યો,

’સકારામ હીડર ડેખો, પોલીસ ! પોલીસ !’

સખારામ એકદમ ’પોલીસ પોલીસ’ની ગર્જના કરવા મંડી ગયો અને પ્રથમ ચાબુક હવામાં સારી પેઠે ફટકાવી લઈ અમને બંનેને વારાફરતી ધક્કા મારી તેણે પાછા હઠાવવા માંડ્યા. લોકો આસપાસ ભરાઈ ગયા. તેમની વચ્ચેથી લોકોની પાઘડીઓ પાડતો અને લોકોને અડબડિયાં ખવડાવતો પોલીસનો સિપાઈ નીકળી આવ્યો. તેણે ભદ્રંભદ્ર તરફ નજર કરી પૂછ્યું.

’ક્યા તકરાર હયે ?’

’વિવાદ થયો જ નથી, મતભેદ સમુદ્રગમનના શાસ્ત્રાધાર વિષયે છે. પ્રતિપક્ષીઓ પ્રમાણ દર્શાવવા અસમર્થ છે. સમુદ્રગમન એટલું મહોટું પાપ છે કે ગમે તેવા પ્રાયશ્ચિત્ત કે સંસ્કારથી તે ધોવાતું નથી એ શાસ્ત્ર પ્રતિપક્ષીઓ ગ્રહણ કરી શકતા નથી, તેમ જ સમુદ્રગમન કરી આ દેશમાં આવ્યાથી યવનોની દુર્દશા થઈ છે એ પ્રત્યક્ષ પ્રમાણ પણ તેઓ સમજી શકતા નથી. સમુદ્રગમનથી કેળવણી, કળા, વ્યાપાર, રાજ્યવ્યવસ્થા ઇત્યાદિ વિષયમાં દેશકલ્યાણ થાય છે એવો સુધારાવાળા જેઓ જડવાદી પક્ષ તેઓ કરતા હોય તોપણ તે કેવળ ભ્રાન્તિ છે કેમ કે ત્રિકાલજ્ઞાન પૂર્ણ શાસ્ત્રમાં જે નિષિદ્ધ હોય તેથી લાભ હોઈ શકે જ નહિ અને હોય તો તે લાભ આર્યોને ત્યાજ્ય છે. આર્યોના શરીરની અન્તર્ઘટનાને સમુદ્રનું વાતાવરણ પ્રતિકૂળ છે. તથા આર્યોના પ્રાણવાયુને સમુદ્રના પ્રાણવાયુ સાથે પૂર્વજન્મની શત્રુતા છે તે લક્ષમાં લઈ ઋષિઓએ સમુદ્રગમનનો નિષેધ કર્યો છે; તેથી, પરદેશમાં જઈ દેહશુદ્ધિ સાચવનારને સમુદ્રગમનની છૂટ મળવાની અશાસ્ત્રજ્ઞ જનો જે માગણી કરે છે તે અસ્થાને છે. વળી, પૃથ્વીમાં ભારતભૂમિ જ શુદ્ધ છે અને બીજા સર્વ દેશ હતભાગ્ય અશુદ્ધ અને મલેચ્છ છે તેથી કોઈ પરદેશના લોકોના સંસર્ગથી આર્યોનું હિત થઈ શકે નહિ તથા શુદ્ધિ ટકી શકે નહિ. વળી આપણા દેશમાં નાતજાત છે, જમણવાર છે, વરઘોડા છે, શું નથી તે પરદેશમાં જવું પડે ?’

’તુમ ક્યા કહેતા હયે વો હમ નહિ સમજતા. લેકિન ખેલ નહિ દેખના હો તો નિકલ જાઓ.’

’ખેલ અવશ્ય દ્ષ્ટવ્ય છે. પરંતુ સમુદ્રગમનના પ્રશ્ન સંબંધે પરાજય થવાનો વિરોધીઓ અંગીકાર કરે છે.’

સખારામ તરફ જોઈ પોલીસના સિપાઈએ પૂછ્યું. ’યે આદમી કોન હયે ?’

’કોઈ દંગાખોર ચ્છ્‍યે. ટંટા કરવા તૈયાર ચ્છ્‍યે. બાહેર કાઢવો લાગે ચ્છ્‍યે.’

પોલીસના સિપાઈએ ઝાઝી સભ્યતા વિના ભદ્રંભદ્રને બહાર કાઢવા માંડ્યા અને અમારે બહાર જવું પડત, પણ મંડપની અંદરથી પ્રસન્નમનશંકર અને વલ્લભરામ આવી પહોંચ્યા. તેમણે બધી તકરારનો અંત આણ્યો અને અમારી ટિકિટ ખરીદ કરી અમને તેઓ અંદર લઈ ગયા.

મંડપમાં ચકડોળ હતું તે ઉપર અમે બેઠા. પ્રસન્નમનશંકર અને વલ્લભરામ ચકડોળ ઉપરની ખુરશી પર બેઠા. એક પાટલી પર હું બેઠો અને ઘોડાના આકારની છૂટી બેઠક હતી તે પર ભદ્રંભદ્ર બેઠા. ચકડોળ ચાલવા માંડ્યું એટલે વલ્લભરામે ભદ્રંભદ્રને પૂછ્યું,

’કેમ મહારાજ ! બહાર આપની પૂજા થઈ કે શું ?’

’પૂજ્યજનોની પૂજા કરવાનું કર્તવ્ય સર્વ સમજતા હોય તો મહાપુરુષોને પ્રયાસ પડે જ નહિ. મહાવિજય નિમિત્તે પૂજાનો પ્રસંગ રચાવવા જ હું અત્રે આવ્યો છું, પરંતુ હું હજી બહાર રોકાયેલો હતો તેથી પૂજાવિધિનો આરંભ થવાનાં ચિહ્‍ન હજી જણાતાં નથી.’

’ચિહ્‍ન માત્ર ચિત્તભ્રમનાં જણાય છે. ચકડોળના ભ્રમણને લીધે સર્વ ભ્રમણ કરતું જણાય છે. પરંતુ કયો મહાવિજય ? વિરોધીઓના પરાજય વિશે આપ બહાર કંઈ કહેતા હતા પણ બરાબર સમજાયું નહિ.’

’એ પરાજય તો માત્ર સમુદ્રગમનના શાસ્ત્રાર્થ સંબંધે હતો. આકાશથી પાતાળ સુધી વિખ્યાત થઈ રહેલા મહાવિજયના ઉત્સવનું એ માત્ર મંગળાચરણ હતું !’

’વ્યાવહારિક વૃત્તાન્તોથી હું અણમાહિતગાર છું. બ્રહ્મચિંતન અને યોગાભ્યાસમાં કાળ જરા હદપાર રોકાઈ જાય છે. તેથી ગફલત કબૂલ કરું છું કે આપના મહાવિજય વિશે હજી સાંભળ્યું નથી.’

’અમે કારાગૃહમાંથી મુક્ત થયા તેનો ડંકો જગતમાં વાગ્યો તેના રણકા આપને કાને નથી આવ્યા ?’

’કાને કંઈ વ્યથા થાય છે ખરી, પણ બરોબર સમજાયેલું નહિ. આપ છૂટ્યા તે જાણું છું, તે વિજય ગણાશે એવી કલ્પના થઈ નહોતી. કોનો વિજય કહેવાય ?’

’સકલ આર્યપક્ષના નાયકનો. વસ્તુ જાણવી સહેલી છે, પણ વસ્તુનું સત્ય જાણવું અઘરું છે.’

’તેથી જ આવું પરિણામ થાય છે. જોજો, મહારાજ ! સંભાળજો. એ ઘોડો તોફાની છે.’

સંભાષણના આવેશમાં ભદ્રંભદ્ર ઘોડા પરથી વાંકા વળી ગયા હતા તેથી વલ્લભરામે આ છેલ્લી સૂચના કરી, ભદ્રંભદ્રને તે કંઈક મશ્કરી જેવી લાગી તેથી વલ્લભરામ સાથે વાત કરવાનું મૂકી દઈ પ્રસન્નમનશંકર તરફ જોઈ તેમણે કહ્યું,

’આપ અહીં પધાર્યા છો એ જાણવામાં નહોતું.’

’તસ્માદેવ દર્શનાર્થે આવ્યા નહિ હો ઇતિ કલ્પના ઉદ્‌ભૂતા હતી.’

’કાંઈ કાર્ય પ્રસંગ હશે.’

'કાર્યો પ્રસંગો કાચિત્‌ ન્યૂનતા છે ? જ્ઞાન અને વ્યવસાય ઉભયની પ્રવૃત્તિ જ્યાં સતત ચાલી રહી છે ત્યાં પ્રયાસ તો નિરંતર છે જ परोपकारार्थमिदं शरीरम्‌ । મારી નિઃસ્પૃહા તો આપ જાણો છો જ. કોઈને મંત્ર, કોઈને ઉપદેશ, કોઈને પદવી, કોઈને પ્રતિષ્ઠા, કોઈને સત્તા, એમ અનેકને અનેક ઇષ્ટ વસ્તુ અપાવવા પ્રયત્ન ચાલ્યા જાય છે, પણ તે સર્વ બીજાને માટે. રાજાઓને રાજ્ય અપાવ્યાં હશે, પણ પંડને કોઈ દિવસ તૃણની પણ પ્રાપ્તિ કરાવવા પ્રયાસ કર્યો નથી. આ મંડપમાં થયેલું આગમન પણ ઈત્થંભૂત છે. આત્મવિનોદાર્થ કદી આ સદશ સ્થાને મારું આવવું થાય નહિ. મિત્રમંડળે પ્રાર્થના કરી કે જગતના અને અમારા ગુરુ છો તો ખેલ સ્થલમાં અમારા નેતા, શાસિતા, ઉપદેષ્ટા થાઓ. યાચના સયુક્તિકા હતી, અને આ ભણી ઘણા કાળ પછી આવવું થયું છે તેથી અનેકને દર્શનનો લાભ આપવાનો પ્રસંગ હતો અતઃ આગમનમ્‌.’

’મહાવિજયપ્રકોશનમાં આપ સહાય થઈ શકશો.’

’મારા મિત્રો આપને સર્વ પ્રકારે સહાયતા કરશે. પંડિત શિરોમણિપદ ધારણ કરતી વેળા મિત્રોએ પ્રતિજ્ઞા લેવડાવી છે કે મારે અન્ય કોઈનો મોહોટો કરવો નહિ. એ પદ ધારણથી વર્તન વિરોધ ન થાય, માટે ન છૂટકે પ્રતિજ્ઞા લેવી પડે છે. આપની યોજના કેવા પ્રકારની છે ?’

’વાદ્ય, સંગીત અને દીપમાળાની રચના તો અહીં યથેચ્છ છે. મનુષ્યનો સમૂહ પણ વિશાળ છે. પતાકાઓ મંગાવી શકાશે. સર્વ મળી સતપાક તથા સનૃત્ય આ મહાશયનો ઉત્સવ કરે અને યશઃપ્રાપ્ત કરનાર મહાપુરુષના ગુણનો ઉચ્ચાર કરે તથા તેમની યથાયોગ્ય અર્ચના કરે એટલું જ બાકી છે. પુષ્પ કુંકુમ સહેલાઈથી મળી શકશે.’

’યોજના ઉત્તમા કલ્પિતા છે. પરંતુ અત્રે સંમલિત સર્વે જન પ્રથમ એ વિષયે નિવેદિતવ્ય તથા સજ્જીકર્તવ્ય છે.’

’ઊભો થઈ ભાષણ કરવા હું તત્પર છું.’

’આ ભ્રમણ કરતા કષ્ટમય અશ્વ પર ઊર્ધ્વસ્થિતિ થવામાં અધઃપતનનો સંભવ છે એ વિસ્મરણ કરવા યોગ્ય નથી. વળી સર્વે એકચિત્ત નથી તે વૃત્તાન્ત લક્ષમાં ન લેવો એ હાનિકારક છે. તથા ભ્રમણ અટક્યા વિના અને શાંતિ થયા વિના કિંચિત્‌ સાધ્ય નથી. એ વાસ્તવિક સ્થિતિ અનાદરીયા નથી. પરંતુ આ કોલાહલ શો ?’

સો દહોડસો તમાશગીરોનું ટોળું એકાએક ઘાંતા પાડતું, હર્ષનાદ કરતું, સિસોટીઓ વગાડતું અને તાળીઓ પાડતું મંડપમાં પેઠું હતું. તરત માલમ પડ્યું કે સર્વ સંયોગીરાજનું પાર્શ્વચરમંડળ હતું. ત્રણ પાર્શ્વચરોના ખભા ઉપર એક મોટી મૂછોવાળો, કાળા ચહેરાવાળો અને ફૂલતોરા ખોસેલા ધોળા ફેંટાવાળો, વિચારમુક્ત પણ આનંદી આકૃતિવાળો માણસ બેઠો હતો. તેની આગળ સંયોગીરાજ, અમારા પ્રથમ ઓળખાણના નંદીરૂપ ત્રવાડી અને બે ત્રણ મુખ્ય પાર્શ્વચરો લાકડીઓ ઝાલી ચાલતા હતા. બધું મંડળ મંડપમાં દાખલ થઈ રહ્યું એટલે ’બં-બે-રા-વ-કી-જે’ પુકારવામાં આવી અને ખભા ઉપર બેઠેલા માણસને, તેને વાગે છે કે નહિ તેની ઝાઝી દરકાર વિના, એકાએક નીચે ઉતાર્યો. તે જ બંબેરાવ હતો. અને તંદ્રાચંદ્રને ઠેકાણે સંયોગીરાજના મંડળને હાસ્ય માટે મળી ગયેલો કોઈ દક્ષણી હતો એમ માલમ પડ્યું. તેનું મૂળ નામ કંઈ જુદું જ હતું.

ચકડોળ ઊભું રહ્યું. સંયોગીરાજનું સકલ મંડળ તે ઉપર ચઢી ગોઠવાઈ ગયું અને ચકડોળ ચાલવા માંડ્યું કે તરત ફરી ’બં-બે-રા-વ-કી-જે’ બોલાઈ, જે બોલવામાં સંયોગીરાજથી માંડીને બંબેરાવ સુધી તમામ મંડળ સામીલ હોવાથી અને ઉલ્લાસભર્યા સ્વર બહુ લંબાવેલા હોવાથી આખો મંડપ ગાજી રહ્યો. ચકડોળમાં બીજો એક ઘોડો ભદ્રંભદ્રની સામી બાજુએ હતો તે પર બંબેરાવ બેઠા. આ સંજોગ જોઈ કેટલાક પાર્શ્વચરો ’બે ઘોડા પર બે ગદ્ધા’ એવું વાક્ય બોલવા લાગ્યા અને ભદ્રંભદ્રને કાને તે પડવા લાગ્યું. સંયોગીરાજને આ વાતની જાણ થતાં ગુનેગારોને ધપ્પા મારવાનો તેમણે હુકમ મોકલ્યો. તેનો અમલ બહુ છૂતથી થયો અને નિંદાવાક્ય બોલાતું બંધ થયું.

વલ્લભરામે ફરી સંભાષણ કર્યું. ભદ્રંભદ્ર તરફ જોઈ તેમણે કહ્યું,

’આ પ્રકારનો વિનયમહોત્સવ આપને માટે પણ થઈ શકે. ઇચ્છા હોય તો હું સંયોગીરાજને વિનંતી કરું કે પાર્શ્વચરોને આજ્ઞા કરો.’

’ધર્મધુરંધરોને સારુ એટલો જ ઉત્સવ ઉચિત છે એમ આપ ધારો છો ?’

’ધર્મધુરંધરો તો વિરલ છે, મહારાજ ! ધર્મ એટલે શું, ધર્મની ધુરા એટલે શું, એ ધર્મ ગાઢ મનન અને ગંભીર આચરણના વિષય છે; ઘડી ઘડી મુખોચ્ચાર કરવાના વિષય નથી આપને ક્યાં અજાણ્યું છે ?’

’મને અજાણ્યું નથી જ અને મહાન કાર્યમાં થયેલા સ્વાનુભૂતિથી જ એ પદ હું વાપરું છું. મોટા કે નાના કોઈપણ વિષયમાં ધર્મની ધુરા નીચી નમવા ન દેવી એ ધર્મધુરંધરનું પ્રથમ કર્તવ્ય છે એમ હું સમજું છું. આર્યધર્મને તોડવા નીકળેલા સુધારાવાળા બાળલગ્ન સંબંધે જે ઉદ્‌ઘોષ કરે છે તેને કેટલાક આર્યપક્ષવાદીઓ ટેકો આપે છે તથા બાળલગ્ન શાસ્ત્રવિરુદ્ધ છે એમ કહે છે પરંતુ એથી પણ આર્યધર્મની ધુરા નીચી નમે છે તે તેઓ લક્ષમાં લેતા નથી, બાળલગ્ન સંબંધે આપની પણ કંઈક એવી વૃત્તિ છે.’

’એ વિષયમાં સુધારાવાળાનું કહેવું ખરું છે કે સુધારાવાળાના પ્રયાસ યોગ્ય છે એમ તો કોઈ દિવસે મેં કહ્યું નથી અને કહું પણ નહિ. પરંતુ બાળલગ્ન શાસ્ત્રવિરુદ્ધ ન હોય તોપણ મહોટી વયના લગ્નની શાસ્ત્રમાં છૂટ છે. એમ આપ નહિ સ્વીકારો ? અને મહોટી વયના લગ્નથી લાભ છે તથા તેના ઉપદેશથી લોકમાં ઝાઝી અપ્રીતિ થતી નથી એ આપ કબૂલ નહિ કરો ?’

’હાલ ચાલે છે તે બધું બરોબર છે એમ કહેવાથી જેવી લોકપ્રીતિ થાય છે તેવી કશાથી થતી નથી. એમ આપે પોતે જ ઘણી વાર કહેલું છે અને લાભ માટે આર્ય રૂઢિઓ ફેરવી શકાતી હોય તો આર્યધર્મની સનાતનતા ક્યાં રહી ? વળી આર્ય પ્રજાએ કદી શાસ્ત્રોનું ઉલ્લંઘન કર્યું નથી તેથી બાળલગ્નની રૂઢિ જ સિદ્ધ કરે છે કે શાસ્ત્રોમાં બાળલગ્ન વિના બીજાં લગ્નનો આધાર જ નથી અને લાભ જોતા હો તો બાળલગ્નથી શી હાનિ છે અને મહોટી વયના લગ્નથી શો લાભ છે ? બાલકોને નાનપણથી ખાનપાન કરાવવામાં આવે છે, નાનપણથી બોલતાં ચાલતાં કરવામાં આવે છે, તો નાનપણથી તેમનાં લગ્ન શા માટે કરવાં નહિ ? આખા જીવનમાં એક અપવાદ શા માટે કરવો ?’

’શરીરસંપત્તિને હાનિ થાય છે એ આપ ના પાડો છો ?’

’આ સુધારાવાળા જેવાં વચન બોલો છો. રૂઢિ કરતાં શરીરસંપત્તિ શું વધારે માનનીય છે ? અને શરીરસંપત્તિ બાળલગ્નથી ક્ષીણ થાય છે એમ કહેવાનો શો આધાર છે ? બાળવયનાં માતા પિતાનાં બાળક નિર્બળ હોય છે એમ સુધારાવાળા કહે છે તે તો ભ્રાન્તિ જ છે, કેમ કે જન્મકાળે તો સર્વ બાલક મહોંટા હોતાં નથી અને જન્મ પછીથી શરીરવૃદ્ધિ તો ભોજન, વ્યાયામ, ઇત્યાદિ પુષ્ટિ-સાધનને અનુસરીને થાય છે. બાળલગ્ન સામેનો પોકાર પાશ્ચાત્ય પ્રજાના અનુસરનની લાલસાથી જ સમજ્યા વિના ભૂલમાં ઉઠાવેલો છે અને તેથી આર્યત્વને હાનિ થાય છે. માટે આર્યોએ તેને લેશ માત્ર ઉત્તેજન આપવું જોઈએ નહિ.’

’પ્રવર્તમાન રૂઢિ તરફથી પૂજ્ય બિદ્ધિથી આપ આમ કહો છો તે મારે માન્ય છે. હું જગત આગળ રૂઢિનો સમર્થક છું અને આપણી રૂઢિઓ ઉત્તમ હોઈ શકે છે. અને શાસ્ત્રોમાં મહોટી મહોટી વયના લગ્નનો પ્રકાર પણ વર્ણવેલો છે એમ અંગીકાર કરવાથી શાસ્ત્રોને કે રૂઢિને આપણે નીચાં પાડતાં નથી, બધાનું મન જળવાય છે.’

’ગર્ભાધાનની વય શાસ્ત્રમાં ઘણી નાની દર્શાવી છે અને તે અતિ યોગ્ય છે એમ આપે જ પ્રતિપાદન કર્યું છે, તો પછી મહોટી વયના લગ્નનો શાસ્ત્રાધાર ક્યાં રહ્યો ? ગર્ભાધાનની વય વહી જતાં પાપ લાગે ત્યાં તે વય પછી લગ્ન કરવાનું કેમ કહી શકશો ?’

’એમાં જ આર્યપક્ષની ખૂબી છે. ગર્ભાધાનની વયનો કાયદો સુધારાવાળાને કહેવાથી થાય એ અટકાવવું એ જ જ્યાં મુખ્ય પ્રયોજન હતું ત્યાં બાળલગ્ન સંબંધી બધો શાસ્ત્રાધાર જોવાને આપણે બંધાયેલા નહોતા. વળી કાયદો થતો અતકાવવો એથી જ જ્યાં ધર્મરક્ષણ થવાનું હતું ત્યાં તે માટે હરકોઈ ઉપયોગ લેવીની છૂટ હતી, કેમ કે હેતુ ઉત્તમ હતો. પરંતુ તે સમયે દર્શાવેલા શાસ્ત્રાધાર પ્રમાણે બાળલગ્નના વિષયમાં વર્તવાની આપણી ફરજ છે એવો કોઈ શાસ્ત્રમાં પણ આધાર નહિ જડે. આર્યધર્મ સંરક્ષણ માટે અને દસ વર્ષ પછીના ગર્ભાધાનનું અનાચરણીય પાપ અટકાવવા માટે શાસ્ત્રનો ઝંડો ધરનાર એક આર્યવીરે તે પછી સોળ વર્ષની વયે પોતાના કુટુંબમાં કન્યાનું લગ્ન કર્યું એ આપના જાણવામાં પણ નહિ હોય !’

’હે શંભુ ! હે શંકર !’

’આ જ માટે મારું આપને કહેવું છે કે ધર્મધુરંધરની પદવીને બહુ છેડવી ઘટતી નથી, એમાં સંકટ છે તથા સાહસ છે. રાજકીય પ્રયાસનાં ધોરણો લક્ષમાં રાખવા સારુ ઇંગ્રેજી સાહિત્યના અવલોકનની આવશ્યકતા છે. લોકોને રાજકીય પ્રવાસમાં એકમતે સામિલ રાખવા સારુ તેમની કોઈ રૂઢિઓ નિંદવી નહિ, એ જેમ સંસારસુધારા વિરુદ્ધ રાજકીય દૃષ્ટિગત કારણ છે તેમ, ’અમારામાં સુધારાની જરૂર ન છતાં જરૂર પડે ત્યાં અમે પોતાને સુધારવા સમર્થ છીએ.’ એમ દર્શાવવાની આવશ્યકતા હોવાથી સંસાર સુધારાનો આ અલ્પ વિષયમાં કાંઈક બાહ્ય આડંબર કરવાનું કારણ છે.’

પ્રસન્નમનશંકર આ વિદાદ સાંભળી રહ્યા હતા તે બોલ્યા,

’વલ્લભરામ, અતિસિદ્ધાંતકથન એ સદૈવ અનુરુધ્ય નથી, વિશેષ કરી આ પ્રસંગમાં अति सर्वत्र वर्जयेत, પ્રૌઢ જનોને પૃચ્છીને વિવાદ કરવો વિહિત છે. બાળલગ્નનો નિષેધ કરવાની અનુજ્ઞા સુધારાવાળાના સુધારા માતે નહિ પણ આર્યધર્મની કીર્તિ માટે આપવી એ ચર્ચા ચિંતન કરવા યોગ્ય છે અને તે પણ જ્યાં કોઈની ઇચ્છા હોય, શાસ્ત્રાધાર હોય, ગુરુ અને આચાર્ય અનુકૂલ હોય તથા કોઈ અપ્રસન્ન થતું ન હોય ત્યાં જ એટલું કહ્યું હોય તો પર્યાપ્ત હતું.’

હજુ પણ ભદ્રંભદ્ર પ્રસન્ન થયા નહીં. પ્રસન્નમનશંકર તરફ નમ્ર વૃત્તિ કરી તેમણી કહ્યું,

’બાળવયે લગ્ન થાય તો જ પિતા, પ્રપિતામહ, માતા, માતામહી, પિતામહી, સર્વ વડીલો બાલકનાં લગ્ન જોઈ આનંદ પ્રાપ્ત કરી શકે છે અને વડીલોની પ્રસન્નતા, વડીલોનો આનંદ; એથી અધિક આર્યબાળને શો ઉદ્દેશ હોય ? મહોટી વયના લગ્નથી લગ્ન કરનારને લાભ હોય તોપણ તે લાભ સારુ વડીલોનો આનંદ લઈ લેવો એવો આર્ય ગુરુભક્તિવિધ્વંસી સિદ્ધાંત શું કોઈ પણ આર્યપક્ષવાદી પ્રવર્તાવશે ? બીજી બધી વાત મૂકી દેતાં આ જ પ્રશ્ન પર બાળલગ્ન વિરુદ્ધના પ્રયાસ તૂટી પડી નિર્મૂળ થાય છે.’

પ્રસન્નમનશંકરે કહ્યું, ’મહોટી વયે લગ્ન કર્યાથી પ્રેમભાવના યથાર્થ ઉલ્લાસ પામતી નથી. નહાની વયમાં વૃક્ષના અંકુર સમ મન બંધાય છે અને તે જ શુભ વેલાએ તેમાં પ્રેમ પ્રતિ વલણ થવું જોઈએ અને તે બાળલગ્નથી જ થઈ શકે એમ તો મારું પણ માનવું છે.’

વલ્લભરામે એકદમ ઉત્તર દીધો, ’પ્રેમની સામાન્ય ભાવના કેળવવા માટે તો માતાપિતા, બંધુભગિની તરફના પ્રેમમાં બાળકનું મન વાળવું જોઈએ. પતિપત્નીનો પ્રેમ એ વિશેષ રૂપની ભાવના ગ્રહણ કરવાનો સમય આવે તે પહેલાં તેના સ્વતંત્ર ઉલ્લાસનો અવકાશ અટકાવી દેવાથી તે કુંઠિત થાય છે.’

ભદ્રંભદ્રે નારાજ થઈ કહ્યું, ’એ પાછી સુધારાવાળાની કોટિ છે અને તે આર્ય પક્ષને ઉચિત નથી. ગમે તેવી વ્યક્તિ સાથે નાની વયે લગ્નમાં જોડાયા પછી આર્ય સંસારના બંધારનની પ્રતિષ્ઠા જાળવવા માટે મનની ઊર્મિઓનો ભંગ કરી તથા સુખની ઇચ્છાઓ દૂર કરી સ્વાર્થત્યાગનું પરમ દ્ષ્ટાંત આપવું એ જ આર્યતાને ઉચિત છે. સંસારસુખમાં ગાળવાની સ્પૃહા રાખવી એ આર્યશાસ્ત્રમાં ઇષ્ટ ગણ્યું જ નથી.’

વલ્લભરામે કહ્યું, ’અલબત, વૈરાગ્ય એ જ અંતની વૃત્તિ છે. પણ તે સુખ ભોગવ્યા પછી જીવનને અંતે ગ્રહણ કરવાની છે અને અદ્વૈતમતે સુખ વૈરાગ્યથી વિરોધી નથી. આપ જે ઉત્સવ કરવા ઇચ્છો છો તે સ્વાર્થત્યાગ કે નિઃસ્પૃહાનું રૂપ તો ન જ કહેવાય.’

’તે સર્વ આર્યધર્મ માટે છે, અમુક વ્યક્તિ માટે નથી. વળી, મહાપુરુષો માટે માર્ગ અન્ય જ છે. પણ મહાપુરુષોની ગણના જ ક્યાં છે ? બંબેરાવને માન આપનારાઓ મારા ભણી દૃષ્ટિ પણ કરતા નથી.’

ચકડોળ જરા એકાએક ઊભું રહ્યું તેથી અને તે જ વખતે કોઈ પાર્શ્વચરે અડપલું કર્યાથી બંબેરાવ એકદમ ઘોડા પરથી ઊથલી પડ્યા, તાળીઓ અને હર્ષના પોકાર પ્રસરી રહ્યા. બંબેરાવે મરાઠીમાં વીસ પચીસ ગાળો દીધી તેથી હર્ષપૂર વધ્યું. કંઈક રકઝક પછી બંબેરાવને ઊંચકીને પાછા ઘોડા પર બેસાડ્યા અને ફરી પડી ન જાય તે માટે ઘોડા સાથે ખેશ વતી બાંધી લીધા. બંધન મજબૂત છે કે નહિ તે નક્કી કરવા સારુ તેમને ધક્કા અને લાતોથી હલાવવામાં આવ્યા પણ તે ડગ્યા નહિ. તેમની આ દઢતા માટે પાર્શ્વચરોમાં ધન્યવાદ ફેલાઈ રહ્યો અને ફરી વાર ’બં-બે-રા-વ-કી જે’ બોલાઈ.

આ વખત ગરબડ ઘણી વધારે થયાથી સાહેબ સખારામને લઈને અંદર આવ્યા. સર્વ શાંત થઈ ગયા એટલે સખારામને ચકડોળ તરફ મોં કરી ઊભો રાખી સાહેબે કહ્યુ,

’સકારામ, હિડર ડેખો. ચૂપ બેઠો.’

સખારામે મહોટો ઘાંટો કહાડી કહ્યું,

’સાહેબ કહ્‌યચ્છ્‌યે કે ધાંધલ નહિ કરવા.’

એક પાર્શ્વચર બોલી ઊઠ્યો,

જા! રે ! સાહેબવાળી ! સાહેબ તો આ બેઠો.’ એમ કહી બંબેરાવ તરફ આંગળી કરી.

’સાહેબે પૂછ્યું, સખારામ, હીડર ડેકો. ક્યા બોઓલા ?’

’ઓ મેન સાહેબ ઐસા કહેતા.’

’સકારામ, હીડર ડેખો, હમ ફિકર નહિ. નિકાલો.’

સખારામે પાર્શ્વચરો તરફ જોઈ કહ્યું,

’સાહેબ કહ્‌યેચ્છ્‌યે કે કેવા ભી સાહેબ હસ્યે તો નિકાલસ્યે.’

આ ધમકી આપી સાહેબ અને સખારામ ચાલ્યા ગયા. પાર્શ્વચરોમાં ધીમું ધીમું હાસ્ય અને ધીમી ધીમી વાતચીત ચાલી રહી. ચકડોળ પાછું ચાલવાને વાર હતી અને બીજા કેટલાક ખેલ થતા હતા તે ચકડોળ પર બેઠા બેઠા જોવા લાગ્યા. બંબેરાવને પીવા સારુ પાર્શ્વચરો બહારથી ગ્લાસમાં સોડાવોટર કે લેમોનેડ કે એવું કંઈ લઈ આવ્યા, ભદ્રંભદ્ર આ જોઈ ચકિત થઈ બોલ્યા,

’સંયોગીરાજ ધર્મનિષ્ઠ છતાં પોતાના મંડળમાં આવો અનાચાર થવા દે છે ? પાણી સ્પર્શથી ભ્રષ્ટ અને પાત્ર વિદેશીય !’

વલ્લભરામે કહ્યું, ’પાણી સંબંધનો વાંધો ખરો છે. પાણી પવિત્ર હોઈ પાવન કરે છે તે પારકાને, પોતાને નહિ. પોતે તો પારકાથી ભ્રષ્ટ થાય છે. પરંતુ, પાત્ર સામે વાંધો તેની વિદેશિતામાં છે કે સ્પર્શની થયેલી ભ્રષ્ટતામાં છે ?

’બંનેમાં ભેદ એટલો છે કે, - વિદેશમાં કાચ કે માટીનાં બનાવેલાં પાત્ર દૂષિત હોય છે કેમ કે બનાવતી વેળાનાં જલબિન્દુ તેમાં વળગી રહેલાં હોય છે અને મ્લેચ્છતામાં રહેલી ચિકાશને લીધે પાત્ર ગમે તેટલાં ધોયાં કે સૂકવ્યાં પછી પણ પાત્રોમાંથી એ મલેચ્છ જલબિન્દુ જતાં નથી અને એ પાત્ર મ્હોડે અડકારનાર મ્લેચ્છજળનાં એ બિન્દુનું પાન કરી અધોગતી પામે છે; પરંતુ વિદેશમાં બનેલાં ધાતુનાં વાસણોમાં એ દોષ રહેતો નથી. કેમ કે આ દેશનાં ધાતુનાં વાસણ સાથે તે મળી જઈ શકે છે અને એ સંસર્ગથી આ દેશનાં વાસણની શુદ્ધિ તે પાત્ર પ્રાપ્ત કરી શકે છે. સ્પર્શથી થયેલી ભ્રષ્ટતા તો વિદેશના તેમ જ આ દેશના પાત્રમાં શાશ્વત ટકી રહે છે. વાસણ બનતી વખતના સ્પર્શ અને વાસણ બન્યા પછીના સ્પર્શમાં એતલો ફેર રહે છે. કારણ એ છે કે વાસણ બન્યા પછી તેમાં કંઈ જડતા, દઢતા અને આગ્રહ આવે છે, તેથી, લીધેલી ભ્રષ્ટતા કોઈ રીતે છૂટતી નથી. આ જ કારણથી મેં સરકારમાં ઘણી અરજીઓ કરી માગણી કરી છે કે જે દારૂના પીઠામાં હિન્દુઓ જતા હોય ત્યાં બ્રાહ્મણ, વાણિયા વગેરે નાતવાર જુદાં જુદાં ધાતુનાં પવાલાં રાખવાં જોઈએ કે દારૂની મલિનતા ઉપરાંત વિદેશિતાની અને સ્પર્શની મલિનતા પાત્રો દ્વારા પીનારમાં ન પેસે. હજી સુધી અરજીઓના જવાબ મળ્યા નથી.’

’મળે ત્યારે વંચાવજો.’

એ વાક્ય બોલનાર ત્રવાડી હતા, તે વલ્લભરામની પાસે આવીને બેઠા હતા. ભદ્રંભદ્ર બોલી રહ્યા પછી તેમણે વલ્લભરામના કાનમાં કંઈ કહ્યું. વલ્લભરામ ઊઠીને તેમની સાથે સંયોગીરાજ પાસે ગયા. મસલત કર્યા પછી સંયોગીરાજ ભદ્રંભદ્ર પાસે આવ્યા અને કહ્યું,

’જોઈતું માન તો પૂરેપૂરું આપને આપવું બની શકે એમ નથી. પણ મરજી હોય તો મારા પાર્શ્વચરોને હુકમ કરું કે મનમાનતી ધામધૂમ મચાવે. ફાંકડો ઓચ્છવ થઈ જશે : હું ધારું છું તે કરી શકું છું.’

’યોગ્ય સત્કાર યથાર્થ રીતે થતો હોય તો મારી સંમતિ છે.’

બંબેરાવની નજીક ગરબડ થતી સંભળાઈ. તેને પીવા આપેલા ગ્લાસમાં પાર્શ્વચરોએ કંઈ કડવો પદાર્થ નાંખેલો હોવાથી તેણે ગ્લાસ ફેંકી દઈ ફોડી નાખ્યું હતું. તેનાથી હઠાય તેમ નહોતું પણ મુઠ્ઠીઓ વાળી તે બે હાથ જોરથી ફેરવતો હતો અને કોઈને પાસે આવવા દેતો નહોતો. સંયોગીરાજના હુકમથી તેના હાથ બાંધી લેવામાં આવ્યા. તેમની આજ્ઞાનુસાર એક પાર્શ્વચરે ગાલિપ્રદાન સાથે ’ચૂપ’ શબ્દ મહોટેથી ઉચ્ચાર્યો કે તરત સર્વ મંડળ શાંત અને સ્વસ્થ થઈ ગયું. પાંચ મિનિટમાં બધે સૂચનાઓ ફરી વળી. તે પછી સંયોગીરાજે પોતાની પાઘડી કાઢીને લાકડી ઉપર ટેકવી ઊંચી કરી એટલે સર્વ પાર્શ્વચરોએ તેમ કર્યું. એક પાર્શ્વચર બંબેરાવના ખભા ઉપર ચઢીને બે પગ મૂકીને ઘોડા પાસેના સળિયાને અઢેલીને ઊભો રહ્યો. એના એક હાથમાં બે લાકડીઓ પર પાઘડીઓ હતી અને બીજા હાથમાં બે લાકડીઓ પર ખાસડાં હતાં.

’બં-બે-રા-વ-કી પીઈ ઈ.’ ’પીટ-પીટ-હુરીઓ.’

એ નાદ સર્વત્ર વ્યાપી રહ્યો. તે બંધ પડ્યા પછી સંયોગીરાજે ચકડોળની એક ખુરશી ઉપર ઊભા થઈ કહ્યું,

’સાંભળો ! આપણા ભાઈબંધે પણ બંબેરાવને છૂંદ્યો છે તે પ્રમાણે આ ભદ્રંભદ્ર માહારાજે સૌધારાને છૂંદ્યો છે, એ વાત તમે સહુ જાણતા હશો. કેમ કે ભદ્રંભદ્ર પોતે તે છાની રાખે તેવા નથી. અને છાની શા માટે રાખે ? પોતાની આબરૂ માણસ પોતે જેવી વધારી શકે છે તેવું બીજું કાંઈ કોઈ વધારી શકતું નથી એમ પંડિતો કહે છે, તો પોતે પોતાના વખાણ કરવાં એના જેવો પોતાની આબરૂ વધારવાનો બીજો કયો સરસ માર્ગ છે ! તે માટે એ મહારાજ પોતે કરી શકે તેટલું તો આપણાથી નહિ થાય, પણ તેમની આબરૂ વધારવામાં થોડી મદદ આપણે કરવી જોઈએ. સુધારા જોડે આપણે કાંઈ લેવાદેવા નથી. સુધારાવાળા કહે છે કે નાચરંગ કરશો નહિ. મારી ખાતરી છે કે તમારામાં કોઈ પણ એવો નથી કે જે આ સલાહને ધિક્કારી કાઢશે નહિ. મોજમજાહ વિના જીવતર નકામું છે તે તમે સહુ સમજો છો. તમારા જેવા ઇશ્કીઓને વધારે કહેવું પડે તેમ નથી. ભદ્રંભદ્ર મહારજની પ્રદક્ષિણા કરો.’

પરેડ શરૂ થઈ ગઈ. ભદ્રંભદ્ર ચકડોળના ઘોડા પર હતા તેથી એકલા ભદ્રંભદ્રની નહિ પણ આખા ચકડોળની આસપાસ પાર્શ્વચરો પગ ઠોકતા અને લાકડીઓ પરની પાઘડીઓ ઉછાળતા ફરવા લાગ્યા.

હર્ષના આવેશમાં આવી જઈ ભદ્રંભદ્ર ઘોડા ઉપર ઊભા થઈ જઈ બોલ્યા,

’આર્યો ! સનાતન આર્યધર્મના ભક્તો ! મહાપુરુષના વિજયનો ઉત્સવ તમે કરો છો તેની એકલાની જ નહિ પણ તમારી પોતાની કીર્તિ પણ આજે તમે અચલ કરો છો. સુધારાનું ખંડન કરવાનો મારો પણ મહાન ઉદ્યોગ આજ વિજયવંત થયો છે. વેશ્યાના નાચ સામેનો સુધારાવાલાનો વાંધો કેવો ધિક્કારપાત્ર છે તે તમારા પ્રમુખે હમણાં જ કહ્યું. એ રૂઢિ આપણે બંધ કરીએ તો આપણી શ્રેષ્ઠ સંસારવ્યવસ્થામાં ખામી હતી એવો લજ્જાભર્યો સ્વીકાર કરેલો કહેવાય અને તે પાશ્ચાત્ય પ્રજાઓના જાનવામાં આવે ત્યારે તેથી આપણે નીચા પડી જઈએ એ નક્કી છે. સુધારાવાળા કહે છે કે વેશ્યાના નાચની શાસ્ત્રમાં આજ્ઞા નથી, પરંતુ, શાસ્ત્રમાં હોળીના ઉત્સવની આજ્ઞા છે ; અને હોળી કરતાં એ નાચ વધારે અશ્ર્લીલ કે અસભ્ય છે એમ સુધારાવાળા પણ કહેતા નથી. હોળી શાસ્ત્રવિહીન છે તેથી તે વિશે કંઈ કહેવાનું રહેતું નથી. જે વચનો કે ગીતાને સુધારાવાળા અમર્યાદ કહે છે તેથી આજ સુધી આપણે બગડ્યા નહિ તો હવે પછી કેમ બગડીશું ? વળી વિનોદ, તથા મનોરંજનના ઉપાયોથી મનની અધોગતિ થાય એ સુધારાવાળાના મૂર્ખતાભર્યા મસ્તિષ્ક વિના અન્યત્ર ખરું મનાતું નથી.’

બંબેરાવના ખભા ઉપર ઊભા રહેનારે વધારે ભાર મૂકી તથા કૂદાકૂદ કરી પીડા કર્યાથી બંબેરાવે તેને બચકું ભર્યું અને તે નીચે ગબડી પડ્યો તેથી કોલાહલ થઈ રહ્યો. કેટલીક રસાકસી, તકરારો અને લડાઈઓ પછી બીજા પાર્શ્વચરને એ કામ પર ચઢાવવામાં આવ્યો. ગરબડ થવાથી સાહેબ સખારામને લઈને અંદર આવ્યા, પણ તરત પાછા ચાલ્યા ગયા અને ઘણાને જોવામાં આવ્યા નહિ. શાન્તિ થયા પછી સંયોગીરાજે પાઘડી માથે પહેરી લીધી અને તત્કાળ સર્વ પાર્શ્વચરોએ તેમ કર્યું. ત્રવાડી પલાળેલા કંકુથી ભરેલું એક કૂંડું લઈ આવ્યા અને તે સંયોગીરાજની પાસે મૂક્યું. સંયોગીરાજે પોતાની લાકડીનો છેડો તેમાં બોળી ભદ્રંભદ્ર પાસે જઈ તેમના કપાળમાં લાકડીના છેડાથી ચાંલ્લો કર્યો. પાર્શ્વચરો એક પછી એક તે પ્રમાણે કરી જઈ પ્રદક્ષિણા કરવા લાગ્યા. ચાંલ્લા માતે જરૂર હોય તે કરતાં વધારે જોરથી કોઈ કોઈ લાકડીનો સ્પર્શ ભદ્રંભદ્રના કપાળમાં થતો હતો પણ તે વિશે ફરિયાદ કરવી એ ઘટિત નહોતું. અને ભદ્રંભદ્રને ખોટું લાગતું પણ નહોતું. ભદ્રંભદ્ર ઊભેલા હતા તેને લીધે કોઈ કોઈને લાકડી ઊંચી કરવી પડતી હતી તેથી ચાંલ્લો કરનારનો જ વાંક હતો એમ હતું નહિ. ઉલ્લાસ પામી ભદ્રંભદ્રે ભાષણ શરૂ કર્યું,

’ધન્ય પૂજકો ! આપ ભિન્ન ભિન્ન જ્ઞાતિના છતાં એકત્ર થઈ આર્યજનના ઉત્કર્ષણનું આ ઉત્તમ કાર્ય કરો છો એ મહા આનંદનું કારણ છે. પણ એક આખી જ્ઞાતિ તરફથી આવાં કાર્ય થતાં નથી એ ખેદની વાત છે, જ્ઞાતિ શુભ કાર્ય માટે જ એકત્ર થઈ શકતી નથી અને અનિષ્ટ કાર્ય તથા ઈર્ષ્યા પ્રવૃત્તિ માટે જ એકત્ર થઈ શકે છે, એ સુધારાવાળાનો વાદ આપણે અંગીકાર કરતા નથી, કેમ કે જ્ઞાતિથી જ આ દેશની આધુનિક ઉત્તમ સ્થિતિ થઈ છે અને જળવાઈ રહી છે; એ આર્યપક્ષનો સિદ્ધાંત છે અને જ્ઞાતિની વ્યવસ્થાને લીધે જ સુધારાવાળાના એક એક પ્રયત્નને આપણે નિષ્ફળ કરી શક્યા છીએ અને કરી શકીશું. મારો કહેવાનો ઉદ્દેશ ભિન્ન જ છે. મારી જ્ઞાતિના જનો મારો ઉત્કર્ષ તથા વિજય સ્વીકારે નહિ તેથી સ્વજ્ઞાતિમાં મારી પદવી ઊતરતી છે એમ આપે માનવું નહિ; અમુક જ્ઞાતિજનોના દ્વેષનું જ એ પરિણામ છે અને એ દ્વેષીઓનો સમુદાય જ્ઞાતિમાં બહુ મહોટો છે એટલું જ અનુમાન કરવું. જ્ઞાતિપદવી ઉચ્ચ હોવા વિના મનુષ્ય સન્માનયોગ્ય હોઈ શકતો નથી તેથી આમ કહેવાની અગત્ય પડે છે. મ્લેચ્છો આપણા સન્માનને યોગ્ય થઈ શકતા નથી તેનું કારણ એટલું જ છે કે તેમનામાં જ્ઞાતિ ન હોવાથી તેમને જ્ઞાતિપદવી હોતી નથી. રાજકીય ઉન્નતિ પ્રવર્તાવવા વિષે જે સુધારાવાળા ઇંગ્લેંડ જઈ જ્ઞાતિપદવી ખોઈ બેસનાર અને જ્ઞાતિના સંસર્ગથી દૂર થનારને જ્ઞાતિ જ પોતામાંનો ન માને તો તે દેશનો પ્રતિનિધિ કેમ ગણાય ? જ્ઞાતિપદવી વિનાનો મનુષ્ય દેશને કામનો નથી, તેથી મારી ઉચ્ચ જ્ઞાતિપદવી સ્થાપન કરવા હું ઉત્સુક છું. મારે, જ્ઞાતિના મનુષ્યોના અનેક શ્રમ લેવા પડ્યા, જ્ઞાતિની સભાઓ મેળવવી પડી, માર ખાવો પડ્યો, કારાગૃહમાં જવું પડ્યું; એ સર્વ ઐતિહાસિક વૃત્તાંત લક્ષમાં લેશો તો અનાયાસે સમજાશે કે જ્ઞાતિમાં મારું મહત્વ કેટલું છે અને તેને લીધે દેશમાં મારું મહત્વ કેટલું છે. જ્ઞાતિના કલહને લીધે મારે કારાગૃહમાં જવું પડ્યું; એને સુધારાવાળા લજ્જાકર કહેતા હોય તો તેમના વચન પર વિશ્વાસ કરવો નહિ; કેમ કે તેઓ તો સીમંત સરખી ભવ્ય, સુંદર, ગંભીર, તત્ત્વચિંતનભરી તથા શાસ્ત્રાનુસાર રૂઢિને પણ લજ્જાકર કહે છે. તથા સીમંતનો વાઘ ખરેખરા વાઘથી તેમ જ તાબૂતના વાઘથી વધારે ભયંકર હોય છે અને તાબૂતના વાઘની પેઠે સીમંતના વાઘને પણ પૂછડીથી પકડી રાખવામાં આવતો ન હોય તો તે સુધારાવાળાનું નિકંદન કરી નાખે એટલું પણ તેઓ જાણતા નથી.’

’આ રીતે જ્ઞાતિમાં અને જ્ઞાતિ બહાર મારું મહત્વ એકસરખું સિદ્ધ થાય છે, તો એટલું જ બાકી રહે છે કે આ પ્રસંગનો લાભ લઈ તમારે વિશાળ બ્રહ્મભોજન કરવું જોઈએ. એથી ભોજન કરનાર ભૂદેવોને થવાના જૂજ લાભ ઉપરાંત તમને મહાપુણ્યની પ્રાપ્તિ થશે. વળી મહોટું ટાણું આવે ત્યારે ભારે ખરચ ન કરવો એ સુધારાવાળાના વાદનું ખંડન કરી મારા તથા આર્ય પક્ષના જયપ્રસંગમાં એક વધારો કરી શકશો. ખરચ ન કરવો એ મત કેવો હાસ્યપાત્ર તે તમારા સરખા સુજ્ઞોને વિસ્તારથી કહી બતાવવું ઉચિત નથી. ખરચ કર્યા વિના જ્ઞાતિજનોને સંતોષ શી રીતે થાય, ખરચ કર્યા વિના ખ્યાતિ શી રીતે થાય, લગ્નમરણને પ્રસંગે નહિ તો ક્યારે ખરચ થાય, એ સર્વ વિચાર જ જેમના ચિત્તમાં ઉત્પન્ન થઈ શકતા નથી, તેમના તર્ક અને પ્રમાણ વિશે શું કહેવું છે ! ખરચની રૂઢિ થવાથી નિર્ધન જ્ઞાતિઓને મહાહાનિ થાય છે, ધંધાદારીઓ તથા કારીગરો પાસે મૂડી રહેતી નથી, ગરીબ કુટુંબો વંશપરંપરા દેવામાં રહે છે, એવી એવી વેદવિરોધી તથા શાસ્ત્રવિમુખ યુક્તિઓ લાવનાર નિર્બુદ્ધિઓને એ જ ઉત્તર ઘટે છે કે અમારા બાપદાદા એ બધું સમજતા હતા તે છતાં તેમણે એ રૂઢિઓ બાંધી છે અને એવાં પરિણામ થતાં તે જોતા હતા તે છતાં, તેમણે આ રૂઢિઓ બદલી નથી. નાણાંની તાણ એ કાંઈ ખરચ ઓછા કરવાનું કારણ નથી. કેમ કે નાણાં ઘટાડવા માટે જ ખરચ કરવામાં આવે છે. ભારે ખરચથી જે પ્રતિષ્ઠા મળે છે તે નાણાં ઘટાડવાના કારણથી જ મળે છે. વળી, ધન વધારી જ્ઞાતિમાં મળતી પ્રતિષ્ઠા ઓછી કરવી એવિપરીત મત આર્યપક્ષને માન્ય નથી. જ્ઞાતિમાં મળતી પ્રતિષ્ઠા વધારી ધન ઓછું કરવું એ જ આર્યપક્ષને માન્ય છે. માટે સુધારાવાલાના પાખંડવાદની અવગણના કરી સર્વ એ મહાન પ્રયાસમાં પ્રવૃત્ત થાઓ, અને તેથી નિશ્ચિત તમારું શ્રેય થશે એમ હું મારા બ્રહ્મતેજ વડે કહી શકું છું. કુંકુમની અર્ચા બંધ કરી હવે પુષ્પની અર્ચાનો આરંભ કરો અને એ લાકડાથી નહિ પણ હાથથી કરજો કેમ કે તેમાં વિશેષ પુણ્ય છે. આ નાળિયેર આણ્યાં જણાય છે. તે વડે હવે પૂજા કરવાની હોય તો તે મારા પર ફેંકવા કરતાં મને હાથોહાથ આપવાની હું તમને ભલામણ કરું છું. નાળિયેર સરખી વસ્તુઓ ફેંક્યાથી અખંડતા ખંડિત થવાનો સંભવ રહે છે, અને અખંડતાની ખંડ -’

સાહેબ દસ-પંદર પોલીસના સિપાઈઓને લઈને મંડપમાં દાખલ થયા અને તેમણે ચકડોળ ઝાલીને હલાવ્યું તેથી ભદ્રંભદ્ર એકાએક અશ્વભ્રષ્ટ થઈ અષ્ટાંગ સાથે ભૂમિના સંસર્ગમાં આવી ગયા. બંબેરાવના ખભા ઉપર ઊભેલા પાર્શ્વચરની પણ એ જ ગતિ થઈ. બંબેરાવ નિશ્ચળ રહ્યા. માત્ર તે પાર્શ્વચરના પગનો તથા હાથમાંની વસ્તુઓનો તેને વિશેષ સ્પર્શ થયો.

અમે બધા થાકેલા તો હતા જ, અને પોલીસવાળાના વિશેષ આગ્રહથી તરત ઘેર ગયા એ સિવાય બીજું કંઈ જાણવા જોગ આ પછી તે રાત્રે બન્યું નહિ.

***

ભદ્રંભદ્રના જીવનનું વૃત્તાન્ત હવે વર્તમાન સમયની પાસે આવ્યું છે. લોકોના સ્મરણમાં તાજી રહેલી હકીકતથી કંઈક અંતરે દૂર રહેવું જોઈએ એ ઇતિહાસકારોના નિયમોને અનુસરી આ કથા અહીંથી બંધ કરવી એ ઉચિત છે. ભવિષ્યકાલમાં કોઈ પ્રસંગે આ મહાપુરુષની જીવનકથાનો બાકીનો ભાગ પ્રસિદ્ધ થઈ શકશે એવી તેમના ભક્તને આશા છે.

***