છેલ્લી મુલાકાત...
ઉછાળા મારતા દરિયાના મોજાનો, ઘૂંઘવાટા કરતો અવાજ. મરીન ડ્રાઈવનો આ દરિયા કિનારો રાતદિવસ જીવંત રહેતો. સંધ્યાના સમયે સૂર્યના આછા કેસરી કિરણો દરિયાના ઉછળતા પાણીને કેસરી રંગમાં રંગી રહ્યા હતા. કિનારાનું વાતાવરણ રંગમય બન્યું હતું. સાંજના સમયે કિનારા પર હલનચલન વધી રહી હતી. દરિયાના મોજા ઉછળી-ઉછળીને તાકાત સાથે કિનારા તરફ વહી રહ્યા હતા. કિનારા સુધી પહોંચવાની મથામણમાં કિનારા પરના લોકોને ભીંજવી રહ્યા હતા. પ્રેમીયુગલો પોતાના સાથી સાથેના સમયને માણી રહ્યા હતા. કિનારા પર પ્રેમ વધી રહ્યો હતો. સૂર્ય ધીમેધીમે આથમી રહ્યો હતો.
દરિયાના કિનારાથી થોડે દુર આવેલા ઓટલા પર એક યુવાન કપલ એકબીજામાં એક થઈ, એકબીજાનો હાથ પકડી સૂર્યના કિરણો સામે એક નજરે જોઈ રહ્યા હતા. સૂર્યના કિરણો છોકરીના રૂપાળા ચહેરાને વધુ ચમક આપી રહ્યા હતા. પાતળી ગુલાબી પાંદડીઓ સમા તેના હોઠ ચહેરાની સુંદરતા વધારી રહ્યા હતા. તેણે પહેરેલો બુરખો તેના ધર્મની ઓળખ આપતો હતો. તેનો પાતળો રૂપાળો હાથ બાજુમાં બેઠેલા છોકરાના હાથમાં મજબુતાયથી પકડાયેલ હતો. છોકરાએ બ્લુ જીન્સ અને રેડ ટીશર્ટ પહેરેલ હતું. આછી પણ સેટ કરેલી સેવ તેના ગોરા ચહેરાને વધુ સુંદર બનાવતી હતી. વ્યવસ્થિત ગોઠવાયેલા વાળ. તેના ગળા પાસે દેખાતી જનોઈ તેના હિન્દુ બ્રાહ્મણ હોવાનો પુરાવો આપી રહી હતી. તેનો હાથ પણ બાજુમાં બેઠેલી છોકરીના હાથમાં હતો. આ બંને મરિયમ અને રાહુલ હતા. બંને એકબીજાને દિલોજાનથી પ્રેમ કરતા હતા. બંને ડૂબતા સૂર્યને જોઈ રહ્યા હતા. રાહુલે મરીયમ તરફ જોયું તે એક નજરે સૂર્યને જોઈ રહી હતી. સૂર્યના પ્રકાશમાં ચમકતી તેની આંખોને રાહુલ જોઈ રહ્યો. તે ફરીથી સૂર્યના પ્રકાશને જોવા લાગ્યો. દરિયાના મોજા સાથે નાના બાળકો રમતા હતા. તેમના રેતીના બનાવેલા મકાન દરેક નવા મોજા સાથે પાણીમાં ઓગળી રહ્યા હતા. એક ઠંડી હવાની લહેર આવી. બંને થોડા ધ્રુજી ઉઠ્યા. હાથની પકડ મજબૂત થઈ. બંનેએ એકબીજાની સામે જોયું. બંનેની આંખોમાં પાણી હતું, પ્રેમ હતો. આ તેમની છેલ્લી મુલાકાત હતી... હા, છેલ્લી મુલાકાત.
મરિયમ ચુસ્ત મુસલમાન પરિવારની હતી. તેના અબ્બા ચાર ટાઈમના નમાજી હતા. જ્યારે રાહુલના પિતા ચુસ્ત બ્રાહ્મણ. આ તેમની જિંદગીનું પરમ સત્ય હતું. આજ મરીન ડ્રાઈવના કિનારે પહેલીવાર રાહુલે મરિયમને જોઈ હતી. ખુલ્લાવાળ, લાઈટ ગ્રીનકલરની કેપ્રી, રેડકલરનું ટીશર્ટ, સમગ્ર મરીન ડ્રાઈવને ગુંજવે તેવું તેનું હાસ્ય, હવામાં લહેરાતા વાળ, તેના ચહેરા પરનો અપાર આંનદ, તેની આ સુંદરતા એક ધબકારો ચુકાય જાય તેવી હતી. રાહુલ પોતાના મિત્રો સાથે એ દિવસે મરીન ડ્રાઈવ પર ફરવા માટે ગયો હતો. પણ ત્યાં બાજુમાં મોજમસ્તી કરતી છોકરીઓના ગ્રુપમાં ખિલખિલાટ હસ્તીએ છોકરીને જોઈને રાહુલ કદાચ ત્યાંજ પોતાનું દિલ મૂકી આવ્યો હતો. દરિયાના મોજાની વાછટે તેના દિલના દરિયાને ભીંજવી દીધો હતો.
“શું, વિચારે છે તું.” મરીયમે હળવા અવાજે પૂછ્યું.
રાહુલે મરીયમની તરફ જોઈ જવાબ આપ્યો “કંઈ નહીં, બસ આ ક્ષણને માણું છું જે દરિયાની આ રેતીની જેમ મારા હાથમાંથી સરી રહી છે.” રાહુલની આંખો ભીની હતી.
મરીયમે સામે સવાલ પૂછતાં કહ્યું. “કેમ, પછી નહીં મળે મને તું?”
રાહુલ દરિયાની સામે જોઈને કહેવા લાગ્યો. “તું મળવાની વાત કરે છે, હું તો તને છોડીશ જ નહીં. તારાથી દુર જ ક્યાં જવું છે મારે કે હું તને ન મળું.” રાહુલે પોતાની આંખમાં વધી રહેલા પાણીને પોતાની આંગળીથી લૂછયું.
“એમ તું મારી સાથે જ રહીશ તો પછી પેલા પ્રોમિસનું શું? જે તે અને મેં આપણાં પેરેન્ટશને આપેલું છે.” મરિયમને સૂઝતું ન હતું કે તે શું બોલે.
રાહુલ થોડું હસ્યો અને પછી બોલ્યો. “પ્રોમિસ... પ્રોમિસ... નહીં તોડું પણ હું તારાથી અલગ પણ નહીં થાવ. દુનિયાના જડ નિયમો મને તારાથી અલગ કરી શકશે પણ મારા મનને નહીં. ખુદા અને ભગવાન એક જ છે એમ આપણે એક હતા અને એક જ રહીશું.” રાહુલના અવાજમાં ખુમારી હતી.
મરીયમની આંખોમાં આંસુ આવી ગયા. “તું મને એટલો બધો પ્રેમ કરે છે ?, તો પછી કેમ મને છોડે છે ?.” મરિયમ દબાતા અવાજે બોલી, તેના અવાજમાં દર્દ હતું.
“પ્રેમ, અરે ગાંડી આપણો સબંધ કોઈ શબ્દનો કે સાથનો મહોતાજ નથી, લાગણીનો છે, સમજનો છે. એ સમજ અને લાગણી જે તારા અને મારા દિલમાં એકબીજા પ્રત્યે અનંત સુધી રહેશે.” રાહુલે મરીયમની આંખોમાં જોઈને કહ્યું. તેના ચહેરા પર સ્મિત હતું.
“રાહુલ, આપણો પ્રેમ આપણા સાથ વિના પણ આટલી જ મજબૂતાઈથી ટકી રહશે ?” મરિયમ રાહુલના ગાલ પર હાથ મૂકીને બોલી.
રાહુલે મરિયમના હાથ પર હાથ મૂકી તેની આંખોમાં જોવા લાગ્યો. મરીયમની આંખોમાંથી સરી રહેલા આંસુઓને તે નિહાળી રહ્યો હતો.
“તને આપણા પ્રેમ ઉપર વિશ્વાસ નથી ?” રાહુલ મરિયમને પૂછી રહ્યો હતો. “આપણા સબંધ ઉપર વિશ્વાસ નથી ?”
“છે, પણ...” મરિયમ સમજી નહોતી શક્તી કે તે શું જવાબ આપે.
“પણ શું? મરિયમ, કદાચ આપણા પ્રેમની શરૂઆત જ બલિદાનના વિચાર સાથે થઈ હતી.” રાહુલે મરિયમને સમજાવવાની કોશીશ કરી.
“હા, હું જાણું છું રાહુલ, પણ વિરહ સાથેનો પ્રેમ શું આજીવન જીરવી શકાશે ?” મરીયમે પોતાની વેદના છૂટી મૂકી. મરીયમે સીધી જ નજરે રાહુલની સામે નજર કરી. તેની આંખોમાંથી એક આંસુ ગાલ પર સરવા લાગ્યું.
રાહુલે પણ મરીયમની આંખોમાં દ્રઢતાપૂર્વક જોઈ તેની લાગણીને સમજવાનો પ્રયત્ન કર્યો અને બંને એ આથમતા સૂર્યની સામે પોતાની નજરો એક કરીને એ અનંત આકાશમાં ખોવાય ગયા.
મરિયમ અને રાહુલ બંને વિધર્મી હતા છતાં પણ એકબીજાના પ્રેમમાં હતા. શું આજ એમની ભૂલ હતી ? આ એક વિધર્મી પ્રેમ તો હતો જ પણ કદાચ એના કરતાં વધારે એમ કહી શકાય કે આ એક સમજ સાથેનો પ્રેમ હતો. કોઈપણ સંબંધ સમજદારીના પાયા પર જ નિર્મિત થતો હોય છે, એમ પણ પ્રેમની પરિભાષા જ સમજ છે. આ સંબંધ પણ સમજને આધારે જ સર્જાયો હતો. બંનેએ પોતાની પરિસ્થિતિ સ્વીકારી શરૂઆતથી એક પ્રોમિસ એમના પરિવારને આપ્યું હતું કે જો તેમનો સંબંધ તેઓના પરિવાર દ્વારા ન સ્વીકારાય તો બંને એ વાત સ્વીકારશે અને પોતાના અલગ – અલગ રસ્તા પસંદ કરશે.
રાહુલે પોતાનો હાથ મરિયમના હાથ પર મૂકયો. રાહુલના સ્પર્શથી જાણે તેની અંદર ઉછાળા મારતા દરિયાને કિનારો મળ્યો હોય તેમ મરિયમની આંખોમાથી આંસુ ડૂસકાં સાથે વહેવા લાગ્યા. વ્યક્તિના જીવનમાં પ્રેમ એ પરમ સત્યની જેમ વણાયેલું હોય છે અને દરેક વ્યકિત જીવનમાં પ્રેમની આશા તો રાખતો જ હોય છે. કારણકે પ્રેમ જ એક એવું તત્વ છે જે ભાગદોડ કરતાં આ મડદામાં પ્રાણ પૂરે છે. દિવસ ધીમે ધીમે આથમી રહ્યો હતો, કિનારા પર અંધકાર ધીમે ધીમે વધી રહ્યો હતો.
"મરિયમ, તને યાદ છે આપણે દરિયાના પાણીમાં છબછબિયાં કરતાં અને તું મને પૂરેપૂરો ભીંજવી દેતી" રાહુલે મરિયમને શાંત પાડવાની કોશિશ કરી. તોફાન તો રાહુલના મનમાં પણ ઉઠ્યું હતું. પણ તે આ તોફાનને દિશા આપવા માંગતો ન હતો.
"અને પછી તું ઘરે જઈ તારા ગોર મહારાજને વગર વરસાદે ભીંજયાની વાર્તા કરતો" મરિયમ એ પળોને યાદ કરતાં પોતાની આંખો લૂછતા કહ્યું.
બંને પોતાની યાદોના સમણામાં વહી રહ્યા હતા. એ યાદો જે બંને એ સાથે જીવી હતી, માણી હતી. વર્ષો પછી પણ જો તે રંગીન યાદોના ઓરડાને ખોલવામાં આવે તો પણ યુવાન અને તરોતાજા મળે તેવી યુવાનીની યાદોને તેઓ એ સંગ્રહી હતી.
આજે આ છેલ્લી મુલાકાતમાં બંને પોતાની યાદોના સમણાને વાગોળવા પોતાના પરિવારો પાસે એક છેલ્લી મુલાકાત માંગી હતી. બે વર્ષના સમયમાં બંને ઘણીવાર મળ્યા હતા પણ આજની મુલાકાત જુદી જ હતી. પોતાના જીવનના એ અનોખા બે વર્ષની યાદોને મનના એક ખૂણામાં મૂકીને ભવિષ્યની દિશામાં ડગ માંડવાની હતી.
"રાહુલ, તું વિતાવી શકીશ તારી એક એક પળને મારા વિના...?" મરિયમે રાહુલની આંખમાં રહેલા તોફાનને ઓળખીને કહ્યું.
મરિયમનો સવાલ સાંભળતા જ રાહુલે ચહેરા પર હળવા સ્મિત સાથે કહ્યું. "વિતાવતા શીખી લઈશ, જેમ કૃષ્ણ એ શીખી લીધું હતું રાધા વિના..."
રાહુલનો જવાબ સાંભળતા જ મરિયમની આંખોમાં એક અનોખી ચમક ઊભરી આવી.
"જેને તમે અનંત પ્રેમ કરો છો, જેને યાદ કરી તમારી સવાર થાય છે, જેના અસ્તિત્વને તમે તમારા અસ્તિત્વની ઓળખ સમજો છો, જે તમારા જીવનનું અને જીવવાનું એક માત્ર કારણ છે, શું આ બધુ જ છોડી જીવી શકાય ખરું ?" મરિયમની વેદના વહેવાની શરૂ હતી. "અને શું કામ જીવવું જોઈએ ! કઈ રીતે જીવ્યા હશે. આ વિરહને પોતાના મનમાં દબાવીને કૃષ્ણ અને રાધા? કદાચ તે ઈશ્વર છે તેથી..."
"કદાચ તે એ રીતે જીવ્યા તેથી,ઈશ્વર હશે." રાહુલ મરિયમના ખંભે હાથ મૂકીને કહી રહ્યો હતો. "આપણે પણ આપણાં પ્રેમની મીઠી મધુર યાદોને, લાગણીઓને મનમાં સમાવીને જિંદગી ભર જીવવાનો પ્રયત્ન કરીશું.
"શું આપણે આ યુગના રાધાકૃષ્ણ થઈ શકીશું ?" મરિયમ દ્રઢતા સાથે બોલી.
રાહુલે મરિયમની સામે પોતાના હાથની હથેળી રાખી કહ્યું "હા, ચલ જીવનની નવી સફરની શરૂઆત કરીયે… અલગ થઈને..."
"પ્રેમની યાદોની સાથે વિરહને વેદના નહીં પણ ઉમંગ બનાવવાની દિશા તરફ...આગળ વધવા..." રાહુલના હાથમાં પોતાનો હાથ મુક્તા મરિયમે ઉત્સાહ સાથે કહ્યું.
રાહુલ અને મરિયમે એક બીજાને આખરી આલિંગન કરી, એક બીજાની આંખમાં આંખ પરોવી, એક બીજાને છેલ્લી વાર જોઈ દિલ પર ભાર મૂકીને બંને એક બીજાથી ધીરે ધીરે દૂર થતાં ગયા...
“વિરહની વેદના નહી પણ ઉત્સાહ, શરીરનું નહીં પણ આત્માનું મિલન...”
(આ ટૂંકીવાર્તા વાંચવા બદલ આભાર, આપ આપના અભિપ્રાયો પ્રતિલિપિ પર તેમજ નીચે જણાવેલ વોટ્સએપ અથવા ઈમેલ દ્વારા જણાવી મારો ઉત્સાહ વધારી શકો છો.)
ઉર્વેશ હિરપરા
Mo. 97125 40409
urveshhirpara@gmail.com