વિરાટ કોહલી : સંઘર્ષથી સફળતાની સાથેસાથે..
કોલમ : જીવન મિરર
લેખક : ભવ્ય રાવલ
અખબાર : ગુજરાત મિરર
વિરાટ કોહલી : સંઘર્ષથી સફળતાની સાથેસાથે..
૫ નવેમ્બર ૧૯૮૮માં જન્મેલા વિરાટ કોહલીનું હુલામણું નામ ચીકુ છે. વિરાટને ચીકુ નામ તેમનાં દિલ્હી સ્થિત કોચ રાજકુમાર શર્માએ આપ્યું છે. વિરાટનું બીજું એક નામ રનમશીન છે. જે નામ તેને વિશ્વભરનાં કરોડો ક્રિકેટ જાણકારોએ આપ્યું છે. વિરાટ કોહલીનાં પિતાનું નામ પ્રેમ અને માતાનું નામ સરોજ છે. તેમનાંથી મોટા ભાઈ-બહેનનું નામ વિકાસ અને ભાવના છે. વિરાટનાં પિતા ક્રાઈમ એડવોકેટ હતા. તેઓ ૧૮ ડિસેમ્બર ૨૦૦૬માં મગજની બીમારીનાં કારણે મૃત્યુ પામ્યા ત્યારે પિતાનાં મૃત્યુનાં સમાચાર મળ્યા બાદ બીજા દિવસે વિરાટને કર્ણાટક સામે મેચ રમવાનો હતો. જે મેચમાં વિરાટે ૯૦ રનની ઈનીંગ રમતા મેચ પૂરી કરી પિતાને અંતિમ સંસ્કાર આપ્યા.
વિરાટ કોહલીએ દિલ્હીમાં રહીને ભણ્યું-ગણ્યું-રમ્યું છે. દિલ્હીની પશ્ચિમ વિહાર વિશાલ ભારતી પબ્લિક સ્કૂલ, સેવિયર કોન્વેન્ટ સીનિયર સકેંડરી સ્કૂલ ભણેલા અને ઉત્તમનગર દિલ્હીમાં રહેતા વિરાટ ૩ વર્ષની ઉંમરથી જ ક્રિકેટ પ્રત્યે રુચિ ધરાવતા હતા. નાનપણમાં ભાઈ અને પિતા સાથે વિરાટને ક્રિકેટ રમતા જોઈને તેમનાં પાડોશીએ વિરાટનાં પરિવારને તેને ક્રિકેટર બનાવવાનું સૂચવ્યું. ૧૯૯૮ની સાલમાં ૯ વર્ષની ઉંમરે પિતા પ્રેમ દીકરાં વિરાટને પશ્ચિમ દિલ્લી ક્રિકેટ અકાદમી લઈ ગયા, જ્યાં વેસ્ટ દિલ્હી ક્રિકેટ અકાદમી માટે મેચ રમવાનાં પ્રારંભથી તેમણે ક્રિકેટ ક્ષેત્રે ઝંપલાવ્યું. વર્ષ ૨૦૦૩માં એ અકાદમીમાં આવેલા ભારતીય ક્રિકેટનાં બોલર આશિષ નેહરાએ વિરાટ કોહલીનાં પ્રદર્શનનાં આધારે તેનું સન્માન કર્યું હતું.
હર્ષલ ગીબ્સને પોતાનો રોલ મોડેલ માનતા વિરાટ સચિન તેંડુલકર, ક્રિસ ગેલ, શેન વોટસન, ડેવિડ વાર્નર, જો રુટ, લીયાંડર પેસ અને રોજર ફેડરરનાં જબરા પ્રશંસક છે, તેઓ હર્ષા ભોગલેની કોમેન્ટરીનાં પણ દિવાના છે. ક્રિકેટની રમત સિવાયની ટેનિસની રમતમાં રસ ધરાવતા કોહલી ઇન્ટરનેશનલ પ્રીમિયર ટેનિસ લીગ યૂએઈ રોયલ્સ ટિમ સહમાલિક છે. તેઓ ચેરીટી ફૂટબોલ મેચમાં પણ ભાગ લે છે.
વિરાટે પોતાના શરીર પર પાંચ ટેટુ ચિત્રાવેલા છે. તેમનું મનપસંદનું ટેટુ ગોલ્ડન ડ્રેગન ટેટુ છે. વિરાટનાં એક ખભ્ભા પર શક્તિનાં પ્રતિક સમી ઈશ્વરની આંખ ચિત્રાવેલી છે. બીજા ખભ્ભા પર જાપાની સમુરાઈ યોદ્ધા ચિત્રાવેલો છે. જે આત્મ અનુશાસન, નૈતિક વ્યવહાર પ્રતિ નિષ્ઠાપૂર્વક જીવન જીવવાનું પ્રતિક છે. આ સિવાય શાંતિ અને શક્તિનાં પ્રતિક ગણાતા ભગવાન શિવ કૈલાશમાં ધ્યાન મુદ્રામાં હોય તેવું ટેટુ વિરાટે પોતાના તને ચિત્રાવેલું છે. વિરાટે પોતાના શરીર પર રાશી આધારિત વૃષિક યાની એક વિછી પણ ચિત્રાવેલું છે.
અંડર ૧૭/૧૯, દિલ્હી, ઈન્ડિયા રેડ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર જેવી ક્રિકેટ ટિમનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા અને ભારતીય ક્રિકેટ ટિમનું સુકાન સંભાળનાર વિરાટ કોહલીને સેલમન, સુશી, લેમ્બ ચોપ્સ જેવી વાનગીઓ ભાવે છે તો દિલ્હીની પ્રખ્યાત રેસ્ટોરાં નૂએવાનાં તેઓ માલિક છે. વિરાટને અભિનેતાઓમાં આમીરખાન, જોની ડેપ, જુનિયર રોબર્ટ ડાઉની અને અભિનેત્રીઓમાં પેનેલોપ ક્રૂજ, એશ્વર્યા રાય, કરીના કપૂર, કૈટરીના કૈફની અદાયગી પસંદ છે. બોર્ડર, જો જીતા વહી સિકંદર, ઈશ્ક, ૩ ઈન્ડિયટ જેવી બોલીવુડ ફિલ્મ અને રોકી ૪, આયરન મૈન, સાઉથપા જેવી હોલીવુડ ફિલ્મો વિરાટ કોહલી વારંવાર જોવાનું ચૂકતા નથી. ટીવી શોમાં અમેરિકન હોમલૈંડ, નારકોસ, બ્રેકિંગ બૈડનાં એપિસોડ વિરાટ ફૂરસદનાં સમયમાં નિહાળી અને સંગીતકાર અસર, એનિનેમનાં સૂરોને સાંભળી લે છે. વિરાટનું પ્રિય પુસ્તક પરમહંસ યોગાનંદની આત્મકથા છે.
રફ્તારનાં રસિયા વિરાટની મનગમતી કાર એસ્ટન માર્ટિન છે. તેની પાસે ઓડી ક્યૂ૭, ઓડી એસ૬, ઓડી ૮ વી ૧૦, ઓડી આર ૮ એલએમએક્સ, ઓડી એ ૮ એલ ડબલ્યુ ૧૨ ક્વાટ્રો, ટોયોટા કોર્ચ્યુંનર કાર છે. ૪૦૦ કરોડનાં માલિક વિરાટ દારૂ પણ પીવે છે. તેઓ જ્યારે ઘરે હોય છે ત્યારે માતાનાં હાથની મટન બિરયાની અને ખીર દરરોજ ખાય છે.
૧૮ ઓગષ્ટ ૨૦૦૮માં શ્રીલંકા વિરુદ્ધ દામ્બુલા પ્રથમ વનડેથી પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કરનાર વિરાટ કોહલી માત્ર ૧૨ ધોરણ ભણેલાં છે. અભ્યાસ દરમિયાન તેમનો મનગમતો વિષય ઈતિહાસ અને અણગમતો વિષય ગણિત હતો. ભૂતકાળમાં સારા જેન ડિયાજ, સંજન, તમ્મના ભાટિયા, ઈજેબેલ લેઈટ અને અંતે અનુષ્કા શર્મા નામક મોડેલ-હિરોઈન સાથે પ્રેમ સંબંધો ધરાવતા કોહલીનું અંગત જીવન વારંવાર ચર્ચામાં રહ્યા બાદ તેમણે અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા છે. નાનપણમાં વિરાટ કરિશ્મા કપૂરનાં પ્રેમમાં હતા. ઘણીબધી છોકરીઓ વિરાટને પોતાના લોહીથી પત્રો લખી મોકલતી રહે છે!
વિરાટ અતિ અંધવિશ્વાસુ છે. ક્રિકેટ રમત દરમિયાન તેઓ હાથમાં બાંધેલું કાળા રંગનું રિસ્ટબૈન્ડ અને કાંડામાં પહેરેલું કડુ પોતાનો વિજય પ્રતિક હોવાનું માને છે. તેમને ઊંચાઈથી બીક લાગે છે. વિરાટ બહુ જ આક્રમક અને લાગણીશીલ સ્વભાવનાં છે. ૨૦૧૨ની સાલમાં ટી-૨૦ વિશ્વકપમાં ભારત જ્યારે સેમીફાઈનલમાં સ્થાન બનાવી ન શક્યું ત્યારે એ મેદાન પર જ રડી પડ્યા હતા. સાંકેતિક ચેનચાળા કરવામાં પણ તેઓ મેદાન પર છવાયેલા અને મેચ રેફરીનાં દંડનો શિકાર અવારનવાર બનતા રહે છે.
૨૦૧૨ની સાલમાં આઈસીસી વનડે પ્લેયર ઓફ ધી યર અને એ જ વર્ષ દસ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પુરુષ પરિધાનમાં સ્થાન પામનાર વિરાટ કોહલી ૨૦૧૩ની સાલમાં અર્જુન પુરસ્કાર અને ૨૦૧૭ની સાલમાં પદ્મશ્રી પુરસ્કાર અને એ જ વર્ષ સીમા સુરક્ષા બળ (બીએસએફ) સૌ પ્રથમ બ્રાન્ડ નિયુક્તિ પામ્યા છે. વિરાટ તેમનાં નામથી ગરીબ બાળકો માટે વિરાટ કોહલી ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે.
જીવનમંચ હોય કે મેદાને જંગ કટોકટીનાં કાળે વિરાટ વિફરે અને વિકસે છે. પોતાનાં નામની જેમ ક્રિકેટનાં વિરાટ કીર્તિમાન આ ખેલાડી એકદિવસ તોડી નાખશે.
મિરર મંથન : વિરાટ કોહલીને નાનપણથી જ ક્રિકેટર બનવું હતું. જો કે વિરાટે ભવિષ્યમાં કોઈ એવી યોજના ન બનાવી હતી કે ક્રિક્રેટ નહીં ચાલે તો એ શું કરશે? કેમ કમાશે? નાની ઉંમરે પિતાનો આશરો ગુમાવી દેનાર વિરાટને એક સમયે ભાડાંનાં મકાનમાં પણ રહેવું પડ્યું હતું. જો વિરાટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી શક્યો ન હોતા તો?
- ભવ્ય રાવલ
મો. 9228637664